Poet Sri Premananda in Gujarati Biography by Tr. Mrs. Snehal Jani books and stories PDF | કવિ શ્રી પ્રેમાનંદ

Featured Books
  • રેડ સુરત - 6

    વનિતા વિશ્રામ   “રાજકોટનો મેળો” એવા ટાઇટલ સાથે મોટું હોર્ડીં...

  • નારદ પુરાણ - ભાગ 61

    સનત્કુમાર બોલ્યા, “પ્રણવ (ૐ), હૃદય (નમ: ) વિષ્ણુ શબ્દ તથા સુ...

  • લગ્ન ને હું!

    'મમ્મી હું કોઈની સાથે પણ લગ્ન કરવાના મૂડમાં નથી, મેં નક્...

  • સોલમેટસ - 10

    આરવને પોલીસ સ્ટેશન જવા માટે ફોન આવે છે. બધા વિચારો ખંખેરી અન...

  • It's a Boy

    સખત રડવાનાં અવાજ સાથે આંખ ખુલી.અરે! આ તો મારો જ રડવા નો અવાજ...

Categories
Share

કવિ શ્રી પ્રેમાનંદ

ધારાવાહિક:- આપણાં મહાનુભાવો
ભાગ:- 31
મહાનુભાવ:- કવિ શ્રી પ્રેમાનંદ
લેખિકા:- શ્રીમતી સ્નેહલ રાજન જાની





મધ્યકાલીન સાહિત્યને અનેક કવિઓએ પોતાના સર્જનથી સમૃદ્ધ કર્યું છે. દરેક કવિની પોતાની આગવી લાક્ષણીકતા અને સિદ્ધી હોય છે. નરસિંહ-મીરાં પદોમાં, અખો જ્ઞાનકવિતામાં, શામળ પદ્યવાર્તામાં, દયારામ ગરબીમાં પોતાની પ્રતિભાથી મધ્યકાળના મોટા કવિઓ ગણાય છે તેમ પ્રેમાનંદ સમર્થ આખ્યાનકાર તરીકે મોટા ગજાના કવિ ગણાય છે.

જન્મ:-

કવિ પ્રેમાનંદનાં જન્મ વિશેની કોઈ ચોક્ક્સ માહિતિ મળતી નથી. અર્વાચીન યુગના કવિઓની જેટલી વ્યવસ્થિત માહિતિ મળે છે, એટલી મધ્યકાલીન કવિઓની નથી. તેમને વિશે જે કઈ માહિતી મળે છે તે તેમની કૃતિને અંતે તેમણે કૃતિના રચનાકાળ અને પોતાને વિશે જે થોડી પરીચયાત્મક માહિતી આપેલી તેને આધારે ઉપલબ્ધ થાય છે. તેમના જીવન અને કવનકાળ વિશે તે માહિતીને અનુમાન કરવાં પડે છે. ઉપરાંત કેટલાક કવિઓ વિશે જે કિવદંતી પરંપરાથી ચાલી આવતી હોય છે તે કેવળ દંતકથાઓ તરીકે જોવી-સમજવી પડે છે.

તેઓ નંદારો ચોવીસ બ્રાહ્મણ જ્ઞાતિનાં હતા અને વડોદરાના વતની હતા. તેમનાં પિતાનું નામ કૃષ્ણરામ હતુ, જે તે સમયનાં પ્રખ્યાત કથાકાર હતા. આથી કથા કરવાનો તેમને વારસો મળ્યો હતો. તેમના વલ્લભ નામના પુત્રએ તેમનો અધૂરો રહેલો ‘દશમસ્કંદ’ પૂરો કર્યો હતો.

તેઓની કૃતિઓ જોતાં તેમણે ભાગવત, મહાભારત, રામાયણ અને પુરોગામી આખ્યાનકારોના આખ્યાનોનો ઘણો સારો અભ્યાસ કર્યો હશે એમ કહી શકાય. આખ્યાન રચી કથા કરવા તેઓ વડોદરા ઉપરાંત સુરત, નંદરબાર જેવાં સ્થળોએ ગયેલા અને વ્યાપક લોકચાહના અને આદર મેળવેલાં. નંદરબારમાં તેમને આશ્રય આપનાર શંકરદાસ દેસાઈ નામે સજ્જન હતા. આ વાતનું સમર્થન પણ મળે છે. પ્રેમાનંદે જેમ વ્યાપક લોકાદર પ્રાપ્ત કર્યો હતો તેમ તેઓએ સારું એવું ધન પણ કમાયેલું એમ કહેવાય છે.


રચનાઓ:-

‘લક્ષ્મણાહરણ’ વર્ષ ઈ. સ. 1664 છે, જેને એમનું પહેલું આખ્યાન માનવામાં આવે છે.

‘ઓખાહરણ’ ઈ. સ. 1667

ઉપરોક્ત બંને રચનાઓની વિશ્વાસપાત્ર હસ્તપ્રતો મળતી નથી, એટલે પ્રેમાનંદના સમયનિર્ણય માટે તે પ્રમાણભૂત ગણી શકાય તેમ નથી.

પ્રેમાનંદના જૂનામાં જૂની રચના જેમાં વર્ષ વિશે થોડી માહિતિ મળે છે, એ ‘ચંદ્રહાસઆખ્યાન’ અને ‘અભિમન્યુઆખ્યાન’ ઈ. સ. 1671માં લખાયેલાં છે.

તેમની છેલ્લી લખાયેલી કૃતિઓ ‘રણયજ્ઞ’ ઈ. સ. 1684માં અને ‘નળાખ્યાન’ ઈ. સ. 1668માં રચાયેલી છે.

તેમની રચના ‘દશમસ્કંધ’ અધૂરી છે.

ઉપરોક્ત વિગતોને આધારે પ્રેમાનંદનો જીવનકાળ નક્કી કરવો પડે. આને આધારે ઈ. સ. 1671માં તેમની ઉંમર વીસ-બાવીસ વર્ષની હોય તેવું અનુમાન કરવામાં આવે છે.
આ પરથી તેમનો જન્મ ઈ. સ. 1651ની આસપાસનો (એટલે કે સત્તરમી સદીના મધ્યભાગમાં) સમય ગણાય અને રચનાસાલ આપતી છેલ્લી કૃતિ ‘નળાખ્યાન’ ઈ. સ. 1668માં રચાયેલી છે, તે જોતાં, અને તે પછી અધૂરા લખાયેલા ‘દશમસ્કંધ’ને ગણતરીમાં લેતાં, તથા ઈ. સ. 1714ને તેમના જીવનનું સંભવત: છેલ્લું વર્ષ ગણવામાં વધુમાં વધુ ચોકસાઈ જળવાય છે.

આમ પ્રેમાનંદનો સર્વમાન્ય જીવનકાળ 17મા શતકના ઉત્તરાર્ધથી 18મા શતકના દોઢેક દાયકાનો ગણાય. આ રીતે પ્રેમાનંદનું આયુષ્ય લગભગ 75 થી 80 વર્ષનું અને તેમનો સાહિત્યક્ષેત્રે યોગદાન લગભગ 40 વર્ષ જેટલો દીર્ઘ સમય ગણાય.

પ્રેમાનંદનો આ સમય ગુજરાતનો શાંતિ, સ્વસ્થતા અને સમૃદ્ધિકાળ હતો. મોગલ શાસનની ઉદાર રાજનીતિ અને સ્થિર, સલામત રાજ્યવહીવટને કારણે, પરધર્મી શાસન છતાં, પ્રજાએ આ યુગમાં સલામતી, શાંતિ અને હળવાશનો અનુભવ કર્યો હતો. નિર્ભયતાનું વાતાવરણ મોગલશાસન દરમિયાન ગુજરાતમાં પ્રસર્યું હતું. આબાદી વધી હતી. ચોતરફ પ્રગતિનું વાતાવરણ હતું. એટલે 17મી સદીની સાહિત્ય સમૃદ્ધિ ગુણવત્તામાં સર્વશ્રેષ્ઠ બની છે. તે પૂર્વે નરસિંહ-મીરાંને બાદ કરતાં આટલી સાહિત્ય સમૃદ્ધિ જોવા મળતી નથી. 17મી સદી એ રીતે મધ્યકાલીન સાહિત્યનો સુવર્ણકાળ ગણી શકાય. આ ગાળામાં અખો, પ્રેમાનંદ અને શામળ જેવા ત્રણ-ત્રણ શક્તિવંત કવિઓના સાહિત્યસર્જન થયેલાં છે.

જીવન:-

પ્રેમાનંદનું ખુલ્લા માથા અને ચોટલીવાળું, કપાળમાં ત્રિપુંડ અને માણ વગાડતો હોય તેવું, ગુજરાતના કલાગુરુ સ્વ. રવિશંકર રાવળે કલ્પનાથી દોરેલું ચિત્ર તમે જોયું હશે. આ ચિત્રની કલ્પના પાછળ તેના જીવનની આસપાસ ગૂંથાયેલી લોકવાયકાઓ કામ કરી ગઈ જણાય છે. આ લોકવાયકાઓને કશો આધાર નથી. અકાળ વયે માતાપિતાનું અવસાન થતાં માસીને ત્યાં રહીને પ્રેમાનંદ મોટા થયા હતા એમ માનવામાં આવે છે. તેઓ બહુ ભણ્યા નહોતા. કથાકારો, ભજનિકો, આખ્યાનકારોની કથાઓ સાંભળી તે બહુશ્રુત બન્યા હોવાનું મનાય છે.

એવું માનવામાં આવે છે કે પંદરેક વર્ષની વયે રામચરણ નામના કોઈ સિદ્ધ સાધુની સેવાને પ્રતાપે, તેમને કવિત્વ પ્રાપ્ત થયેલું. સાધુએ તેમને જવાની વહેલી સવારે બોલાવેલા, પણ તે મોડા પહોંચ્યા એટલે સાધુએ કહ્યું, "તું વહેલો આવ્યો હોત તો સંસ્કૃતનો કવિ થાત, પણ હવે તું તારી ભાષાનો (ગુજરાતીનો) કવિ થશે." અને આમ ગુજરાતી ભાષાનું ભાગ્ય ઊઘડી ગયું એમ કહીએ તો કંઈ ખોટું નથી.

વળી આખ્યાનકાર એ તેમનો પરંપરાગત કૌટુંબિક વ્યવસાય હતો. એવી વાયકા છે કે ત્યારે ‘શું શાં પૈસા ચાર’ ગણાતી ગુજરાતી ભાષાનો ઉત્કર્ષ ન કરું ત્યાં સુધી પાઘડી ન પહેરવાની તેમણે પ્રતિજ્ઞા લીધેલી. તેમનાં વિશાળ શિષ્યગણ પાસે તેઓ જુદા જુદા ગ્રંથોની રચના કરાવતા.

કવન:-

પ્રેમાનંદનું કાવ્યસર્જન લગભગ ચાળીસસેક વર્ષના સમયપટ પર વિસ્તરેલું છે. તેણે લગભગ પચાસેક જેટલી કૃતિઓ લખ્યાનું કહેવાય છે, પણ તેમાંની કેટલીક રચનાઓ વિશે ચોક્ક્સ માહિતિ નથી તો કેટલીક તેમની લખેલી જ નથી. તેમણે ‘ભ્રમરપચીશી’, ‘દાણલીલા’ જેવા કૃષ્ણભક્તિનાં કાવ્યો, ‘દ્વાદશમાસ’ જેવા વિરહના મહિના અને ‘વિવેક વણઝારો’ જેવું જ્ઞાનબોધ આપતું રૂપકકાવ્ય લખ્યાં છે. છતાં પણ પ્રેમાનંદનું યશસ્વી સર્જન તો તેમણે રચેલાં આખ્યાનો છે. આ આખ્યાનોમાં કેટલાંક તેણે મહાભારત, ભાગવત, રામાયણ, માર્કણ્ડેય પુરાણમાંથી કથાવસ્તુ લઈને તો કેટલાંક નરસિંહ મહેતાના લોકપ્રચલિત જીવનપ્રસંગોને આધારે રચેલા છે.

મહાભારતને આધારે લખેલાં આખ્યાનોમાં ‘ચંદ્રહાસ આખ્યાન’, ‘અભિમન્યુ આખ્યાન’, ‘સુધન્વા આખ્યાન’ અને ‘નળાખ્યાન’ છે. રામાયણને આધારે લખેલું એકમાત્ર આખ્યાન ‘રણયજ્ઞ’ છે. ભાગવતને આધારે ‘સુદામાચરિત્ર’, ‘ઓખાહરણ’, ‘રુક્મિણીહરણ’ અને ‘દશમસ્કંધ’ જેવા આખ્યાનો રચ્યાં છે.

નરસિંહ મહેતાના જીવનપ્રસંગોને આધારે પ્રેમાનંદે ‘કુંવરબાઈનું મામેરું’ જેવી સમૃદ્ધ આખ્યાનકૃતિ રચી. ‘શ્રાદ્ધ’, ‘શામળશાનો વિવાહ’ અને ‘હુંડી’ એમ ચાર આખ્યાનો રચ્યાં છે. પ્રેમાનંદના સમગ્ર સર્જનમાં તેમનાં ઉત્તમોત્તમ આખ્યાનો ‘મામેરું’, ‘નળાખ્યાન’, ‘સુદામાચરિત્ર’, ‘દશમસ્કંધ’ અને ‘રણયજ્ઞ’ છે.

પ્રેમાનંદ એક પ્રતિભાસંપન્ન સર્જકકવિ છે. તેમણે પોતાના પુરોગામી આખ્યાનકારોનાં આખ્યાનમાંથી ઘણું લીધું છે, પરંતુ તેમણે તમામ આખ્યાનો એવી સરસ રીતે અભિવ્યક્ત કર્યાં છે કે કોઈને લાગે જ નહીં કે આ માટે એમણે ક્યાંકથી પ્રેરણા લીધી છે. પ્રેમાનંદ એક સમર્થ આખ્યાનકાર જ નહીં પણ કથનકાર, રસદ્રષ્ટા અને શૈલીકાર કવિ છે

શ્રી નવલરામનાં કહેવા મુજબ ‘રસની બાબતમાં કોઈ પણ ગુજરાતી કવિ એમની તોલે આવે એમ નથી. તાક્યું તીર મારનારો તો પ્રેમાનંદ જ. એ ધારે છે ત્યારે રડાવે છે, ધારે છે ત્યારે હસાવે છે, અને ધારે છે ત્યારે શાંત રસના ઘરમાં આપણને લઇ જઈને બેસાડે છે. એની વધારે મોટી ખૂબી એ છે કે એને એક રસમાંથી બીજા રસમાં છટકી જતાં વાર લાગતી નથી, અને તે એવી સ્વાભાવિક રીતે કરે છે કે લેશમાત્ર પણ રસભંગ થતો નથી.’ એકમાંથી બીજા રસમાં આપણે ક્યારે પહોંચી ગયા તેની આપણને ખબર પણ પડતી નથી.

આવા મહાન કવિ અને આખ્યાનકાર તેમજ પ્રસિદ્ધ કથાકાર શ્રી પ્રેમાનંદને વંદન.



સૌજન્ય:- ઈન્ટરનેટનાં વેબપેજ અને વિવિધ પુસ્તકો.


લેખિકા:- શ્રીમતી સ્નેહલ રાજન જાની