Dariya nu mithu paani - 25 in Gujarati Classic Stories by Binal Jay Thumbar books and stories PDF | દરિયા નું મીઠું પાણી - 25 - બે લાખ રૂપિયા

Featured Books
  • నిరుపమ - 10

    నిరుపమ (కొన్నిరహస్యాలు ఎప్పటికీ రహస్యాలుగానే ఉండిపోతే మంచిది...

  • మనసిచ్చి చూడు - 9

                         మనసిచ్చి చూడు - 09 సమీరా ఉలిక్కిపడి చూస...

  • అరె ఏమైందీ? - 23

    అరె ఏమైందీ? హాట్ హాట్ రొమాంటిక్ థ్రిల్లర్ కొట్ర శివ రామ కృష్...

  • నిరుపమ - 9

    నిరుపమ (కొన్నిరహస్యాలు ఎప్పటికీ రహస్యాలుగానే ఉండిపోతే మంచిది...

  • మనసిచ్చి చూడు - 8

                     మనసిచ్చి చూడు - 08మీరు టెన్షన్ పడాల్సిన అవస...

Categories
Share

દરિયા નું મીઠું પાણી - 25 - બે લાખ રૂપિયા


"કૃણાલ! તમે મને લઈને ભાગી જાઓ.હુ તમારી સાથે આવવા તૈયાર છું.હું મુશ્કેલીમાં મુકાઈ ગઈ છું.મારી જીંદગી બરબાદીના આરે આવીને ઉભી રહી છે કૃણાલ! હું આત્મહત્યાના વિચારો સુધી પહોંચી ચુકી છું."- ક્યારેય નહીં ને આજે પ્રથમવાર કોલેજના દરવાજા પાસે કૃણાલનો હાથ પકડીને ખુશ્બુ એને વિનંતીભર્યા અવાજે કહી રહી હતી.

‌‌"અરે! હાથ છોડ ખુશ્બુ.કોઈ જોઈ જશે તો પાંચ જ મિનિટમાં આખા કોલેજ કેમ્પસમાં નાહકની વાત વાત પ્રસરી જશે.બોલ,શું વાત છે ખુશ્બુ? આમ અચાનક શું બની ગયું?તું તો થોડા સમય પહેલાં તારા સંબંધની વાત કરતી હતી.તું જ કહેતી હતી કે સગપણ પાક્કું થવાના આરે છે."- કૃણાલ પોતાનો હાથ છોડાવતાં બોલ્યો.

ખુશ્બુ એકદમ દયામણે ચહેરે કૃણાલને ઘડીભર જોતી રહી.કૃણાલને ખુશ્બુની વિનંતીમાં કંઈક ભેદ દેખાયો.કંઈક ઘટના ઘટી ગઈ છે એ સમજતાં કૃણાલને વાર ના લાગી.એ ઝડપભેર બોલ્યો," સાડા નવ વાગ્યે ચંપકભાઈની ચાની કીટલી પર મળ.હું એ સમયે ત્યાં આવી પહોચું છું."

લેક્ચરખંડમાં કૃણાલની માત્ર દૈહિક હાજરી હતી. લેક્ચરમાં તેનું જરાયે ધ્યાન નહોતું.કોલેજનો હોનહાર વિદ્યાર્થી આજે પ્રથમવાર બેધ્યાન થઈને વિચારે ચડી ગયો.' આમ અચાનક શું બની ગયું હશે ખુશ્બુના જીવનમાં કે એ આત્મહત્યાના વિચારો સુધી પહોંચી ગઈ? ના,ના...એ એવું પગલું તો ના જ ભરે.પણ આખરે બન્યું શું હશે?

કેટલી સમજણી અને શાણી છોકરી છે ખુશ્બુ!એ એની ફોઈને ત્યાં રહીને છેલ્લા પાંચ વર્ષથી અભ્યાસ કરી રહી છે.એની ચાલચલગત,એનો સ્વાભાવ,એની સાદગીથી સૌ કોઈ પરિચિત છે. કોલેજમાં તો એ ભલી ને એનું કામ ભલું.ક્યારેય કોઈ છોકરા સાથે હસીને વાતો કરતાં કે ક્યારેય એને હોટલમાં સહાધ્યાયીઓ સાથે મોજમસ્તી કરતાં પણ નથી જોઈ.નવી પેઢીને ભલે એ સાવ મણીબાઈ લાગે પરંતુ હુંતો એનાથી આકર્ષાઈ જ ગયો ને!મારા સ્વભાવ અને આર્થિક પરિસ્થિતિને બરાબરની અનુકૂળ છોકરી દેખાતાં તો હું એક દિવસ ખરા મનથી નિખાલસભાવે એને પુછી બેઠો હતો,'ખુશ્બુ! તારાં માવતર જ્યારે તારા સંબંધ વિષે વિચારે તો પ્રથમ મને જરૂર ધ્યાને લેજે.મારી આર્થિક પરિસ્થિતિ એટલી સદ્ધર તો નથી પરંતુ મને વિશ્વાસ છે કે હું સારામાં સારી નોકરી મેળવીને જ રહેવાનો છું.જીંદગીમાં તારા પર ક્યારેય દુઃખનો ઓછાયો પણ પડવા નહીં દઉં.આ બાબતે વિચારી જોજે ખુશ્બુ.મને જવાબ તો આપજે જ.તારો ગમે તે જવાબ હશે પણ આપણા મિત્રતા જેવા સંબંધોમાં કોઈ ફેરફાર નહીં થાય.

કેટલી સાહજીકતાથી એણે પ્રત્યુતર વાળ્યો હતો?'હા સાહેબ! આ બાબતે થોડી શરમ છોડીનેય મારી બાના કાને વાત જરૂર નાખીશ,બસ! પરંતુ જુઓ કૃણાલ, મારાં માવતરની ઈચ્છા ને હું પ્રથમ માન આપીશ.ઘરની આર્થિક પરિસ્થિતિ એટલી બધી સધ્ધર ના હોવા છતાંય મને ભણાવી ગણાવીને આટલે પહોંચાડી છે એ માતાપિતાનો મારા પર પુરેપુરો અધિકાર છે.એમની પસંદગીને હું અવગણી ના શકું.હા,એ બાબતમાં હું મારી ઈચ્છા જરૂર પ્રકટ કરી શકું.મારી પસંદગીનો માપદંડ તેમની આગળ રજૂ કરી શકું પરંતુ આખરી અધિકાર તો માબાપનો જ કહેવાય ને! માબાપ થોડાં કંઈ દીકરીને ખાડામાં નાખવાનાં છે કૃણાલ?' -કહીને કેવી નીચું તાકીને ચાલતી થઈ હતી?અરે હા! એ‌ દિવસથી‌ એ કેટલી મારાથી શરમાઈને રહેતી હતી! તેના હ્રદયમાં પણ મારા માટે પ્રેમનાં અંકુર ફુટ્યાં હતાં એ સ્પષ્ટ વર્તાઈ આવતું હતું.અને ત્યારથી તો એ ગમે તે બહાને મારા ઘેર કેવાં ડોકીયાં કરી જતી હતી! ઘણી વખત તો બા આગળ પણ ઘરકામ કરાવતાં કરાવતાં વાતે વળગી પડતી હતી!

અખિલેશ નામના છોકરા સાથે એના ઘેર સંબંધ બાબતે વાત થઈ ત્યારે પણ કેટલી નિખાલસતાથી એણે મને કહ્યું હતું? 'કૃણાલ! મારા બાપુજીએ અખિલેશ નામના છોકરા પર પસંદગી ઢોળી છે.એ મારા ઘેર જોવા પણ આવ્યા હતા.છોકરો એમએ થયેલ છે અને એમના પિતાજીનો ધંધો સંભાળે છે.એમના પિતાજીનો જામી ગયેલ ધંધો છે ને સારી કમાણી છે પાછી.મારી પાસે ઈન્કાર કરવાનું કોઈ કારણ નથી.માફ કરશો કૃણાલ.તમારી વાત મેં મારી બા આગળ કરી જ હતી પરંતુ મારી બાએ કહ્યું કે બેટા,આ છોકરા સાથે તારા સંબંધ બાબતે તારા બાપુજીએ ખાસ્સા સમય પહેલાં હોંકારો ભણી દીધેલ છે.આજે હું પ્રામાણિકપણે સ્વિકારૂ છું કે,તમારા પ્રત્યે મારા દિલમાં પણ કુણી લાગણી જન્મી ચુકી છે.માફ કરશો કૃણાલ!આપણી એ કુણી લાગણીઓને મારા માવતરના‌ નિર્ણય આગળ દાટી દેવી પડશે હવે.'

તો પછી અચાનક શું બની ગયું?
‌‌સાડા નવ વગાડતાં તો કૃણાલની આંખે પાણી આવી ગયાં.લેક્ચર પુરું થતાં જ એ ચંપકભાઈની કીટલીએ પહોંચી ગયો.ખુશ્બુની પરિસ્થિતિ પણ કૃણાલ જેવી જ હતી.ખુશ્બુને જોઈને તરત જ કૃણાલે બે અડધી ચાનો ઓર્ડર આપ્યો.

પરાણે ચા પીતાં પીતાં ખુશ્બુએ ઝડપભેર વાતની શરૂઆત કરતાં કૃણાલને કહ્યું,"હું આફતમાં સપડાઈ ગઈ છું કૃણાલ. અખિલેશ નામના છોકરા સાથે મારા સંબંધ બાબતે વાત થઈ હતી.ખાલી સગપણના શ્રીફળની જ વિધિ બાકી છે એ તમને ખબર છે.બે દિવસ પહેલાં હું મારા પિતરાઈ ભાઈના લગ્ન પ્રસંગે ઘેર ગઈ હતી.એની જાનમાં ગઈ ત્યારે હ્રદય તુટી જાય તેવી હકીકત જાણવા મળી.ત્યાં એક અજાણી છોકરી મને શોધતી શોધતી આવીને મને એકાંતમાં લઈ જઈને કહેવા લાગી,'તારું નામ ખુશ્બુ છે ને બહેન! મેં હોંકારો ધરતાં જ તે ઝડપભેર કહેવા લાગી, ખુશ્બુબહેન! તારા સંબંધની જે છોકરા સાથે વાત ચાલી રહી છે તે એક નંબરનો લંપટ અને દારૂડિયો છે.મારી ખુદની એની સાથે સંબંધની વાત છ મહિના પહેલાં થઈ હતી. મારા પપ્પાને સમયસર હકીકતની જાણ થતાં જ અમે લોકોએ સંબંધની વાત પર પુર્ણવિરામ મૂકી દીધું.ભગવાને મને બચાવી લીધી.મારી વાત પર તમને વિશ્વાસ ના આવતો હોય તો તમે પુરેપુરી જાણકારી મેળવી લેજો.મારુ નામ નિરાલી છે,કહીને એ છોકરીએ તેની વિગતે ઓળખ આપી હતી.

‌ મેં ઘેર આવતાંવેંત મારી બાને બધી હકીકત કહી સંભળાવી. મારી બાએ તરત જ મારા બાપુજીને જાણ કરી.મારા બાપુજીએ તરત જ અમારા પરિવારમાં પાંચમી પેઢીએ ભાઈ થતા નવલકાકાકાને ઘેર દોટ મૂકી.

મારા બાપુજી લગભગ એક કલાકે ઘેર પરત ફર્યા.એમના મોં પર સ્પષ્ટ હતાશા વર્તાઈ આવતી હતી.તેમણે આવીને કહ્યું, 'તારી વાત સાચી છે ખુશ્બુ.નવલભાઈએ 'છોકરો ક્યારેક ક્યારેક દારૂ પી જાય છે'- એ સ્વિકાર્યું છે.વાત સ્વિકાર્યા પછી પણ તેમણે મને કહ્યું કે,' હું બેઠો છું ને.તમારી દીકરીને કોઈ દુઃખ નથી ત્યાં. આ સંબંધ સ્વિકારી લ્યો.એ છોકરાના જીવનમાં ખુશ્બુ આવશે એટલે મને વિશ્વાસ છે કે એ દારૂ છોડી દેશે.'

મેં ગુસ્સામાં આવીને એને સ્પષ્ટ શબ્દોમાં ના કહીં દીધી એ સાથે જ એ બોલી ઉઠ્યો કે,'તો પછી વ્યાજે આપેલા બે લાખ રૂપિયા અબઘડી પરત કરી દો અથવા આ સંબંધની હા ભણી દો.તમને એક મહિનાનો સમય આપું છું.'

તારા મોટાભાઈ તરૂણના માર્ગ અકસ્માત વખતે દવાખાનાના ખર્ચ માટે લીધેલા બે લાખ રૂપિયાનું છેલ્લા ત્રણ વરસથી વ્યાજ ભરી રહ્યો છું ખુશ્બુ દીકરી!તારા સંબંધની વાત જે છોકરા સાથે થઈ રહી છે તે છોકરાનો બાપ નવલના સાળાનો સાળો થાય છે એટલે નવલ મારા પર રૂપિયા પરત કરવાનું બહાનું આગળ ધરીને દબાણ કરી રહ્યો છે.હવે મારે શું કરવું?વળી તરૂણના લગ્ન પ્રસંગે લીધેલ દોઢ લાખની બેંક લોન પણ હજી પુરી કરતાં છ માસ નિકળી જશે.છેલ્લા બે વરસથી હું અને તરુણ ખેતીમાં અથાગ મહેનત કરી રહ્યા છીએ તોય બે લાખ રૂપિયાની હજી સગવડ થઈ શકી નથી.'

થોડીવાર તો મારા બાપુજી સૂનમૂન બેસી જ રહ્યા અને છેવટે નિર્ણય કરતાં બોલ્યા,' તું ચિંતા ના કર દીકરી.આપણી પાસે જે ચાર વિઘા જમીન છે તેમાંથી બે વિઘા જમીન બે લાખ રૂપિયામાં ગિરવે મૂકી દઈને એ રૂપિયા એના મોંઢા પર મારીશ પણ તને કુવામાં તો નહીં જ નાખું.ચાર પાંચ વરસ હું અને તરૂણ થોડી વધારે મહેનત કરીશું.'

પિતાજીના નિર્ણયથી હું મનોમન ભાંગી પડી છું.મારા લીધે મારા બાપુજીને જમીન ગિરવે મુકવાનો વખત આવે?અચાનક મને વિચાર આવ્યો કે,કૃણાલ સાથે અઠવાડિયું દશ દિવસ માટે ક્યાંક ભાગી જાઉં તો? આખા સમાજમાં વાત ફેલાઈ જશે. આમેય સમાજમાં અખિલેશના બાપની સારી એવી ખ્યાતિ છે.પછી કંઈ થોડાં એ લોકો મને સ્વિકારાશે?મારા આ સંબંધ પર આપોઆપ પુર્ણવિરામ મુકાઈ જશે.નવલકાકાના હાથ પણ આપોઆપ હેઠા પડશે.આખરે તો એ પણ અમારા પરિવારના છે ને?થોડું કંઈ રૂપિયા માટે દબાણ કરશે પછી?"

"વાહ ખુશ્બુ વાહ! શું વિચારો છે તારા? 'સ્ત્રીની બુદ્ધિ પગની પાનીએ.'- એ ઉક્તિને સારી રીતે સાર્થક કરી છે ખુશ્બુ.તારા શિક્ષણે તને આ જ શિખવ્યું છે?"- કૃણાલે આટલું કહ્યું ત્યાં તો ખુશ્બુનો ચહેરો આંસુઓથી ખરડાઈ ગયો.'જાહેર સ્થળ પર બેઠાં છીએ' એનું ભાન થતાં જ એણે ઝડપભેર આંસુ લુંછીને કૃણાલને કહ્યું,"હું વિચારશુન્ય બની ગઈ છું કૃણાલ.મને કંઈ જ સુઝતું નથી.હવે તમે જ આનો ઉપાય બતાવો."

"જો ખુશ્બુ! આ બાબતે તારો માવતર પ્રેમ સ્પષ્ટ અનુભવાઈ રહ્યો છે એમાં બેમત નથી પરંતુ 'ભાગી જવું' એમાં તો મારા અને તારા પરિવારોની બદનામી માત્ર છે.ભાગી ગયા પછી સંબંધ ફોક થશે એમાં બેમત નથી પરંતુ તારા નવલકાકા રૂપિયા માટે પછી સમય આપે એ તારું ખોટું ગણિત છે. તું દુન્યવી વર્તનથી હજી સાવ અજાણી છે ખુશ્બુ. એમાંય ખુદ પરિવારજનોના જ સ્વાર્થથી તું હજી અપરિચિત છે ખુશ્બુ.મારા બાપુજી મેં બાળપણમાં જ ખોઈ નાખ્યા છે.મારી બાએ મને કંઈ રીતે મોટો કર્યો છે એ હું સારી રીતે જાણું,સમજું છું.મને અને મારી બાને ઘણાબધા ખટમીઠા સામાજિક અનુભવો થયા છે ખુશ્બુ.

ખેર,હાલ એ બધું જવા દે.મને આજના દિવસનો સમય આપ.ઘેર તારા બાપુજી જમીન ગિરવે મુકવાનો તુરંત નિર્ણય ના લે એ ખબર રાખજે.લે ચાલ હવે."

આગળ કંઈ પણ પુછવાની ખુશ્બુની હિંમત ના ચાલી.એ માત્ર દયામણી નજરે કૃણાલને જોઈ લઈને ચાલવા લાગી.

કૃણાલનાં બા નર્મદાબેન એટલે અડધો પુરુષ.કૃણાલ નવ વર્ષનો હતો ત્યારે જ એમણે એમના પતિને ગુમાવી દીધેલ. 'જેવા વિધિના લેખ' ગણીને હ્રદય પથ્થર જેવું બનાવીને એમણે ઘરની બે વિઘા ખેતી અને કૃણાલના ઉછેરમાં ધ્યાન પરોવ્યું.

‌‌. ત્રણ ચોપડી ભણેલાં નર્મદાબેને ખેતીની સાથે સિલાઈ કામ પણ શીખી લીધેલું.દિવસે ખેતીકામ અને રાત્રે તેમજ નવરાશના સમયે સિલાઈ કરીને એમણે ખાસ્સી એવી કમાણી કરી હતી. વિધવા મા માટે તો દીકરો જ સર્વસ્વ હોય ને!કૃણાલની કેળવણી માટે નર્મદાબેને જીવ રેડી દીધો.દીકરો ઉંમરલાયક થાય એના પહેલાં તો એમણે ભાવિ પુત્રવધૂ માટે સિલાઈની કમાણીમાંથી ઘરેણાં પણ બનાવડાવી લીધેલાં.

"બા! એક વાત કહેવી છે."સાંજે જમતી વખતે કૃણાલે નર્મદાબેન આગળ ધીમેથી વાક્ય ઉચ્ચાર્યું.દીકરાનો ઢીલો ચહેરો જોઈને નર્મદાબેને ઝડપભેર કૃણાલને કહ્યું,"શું વાત છે દીકરા? તું ઢીલો કેમ છે?બોલ, શું કહેવું છે?"

"તું ગભરાઈશ નહીં બા! મારી વાત શાંતિથી સાંભળ." કાળુકાકાના સાળાની દીકરી ખુશ્બુ અહીં રહીને ભણી રહી છે એ તને ખબર છે...." કહીને કૃણાલે આખી ઘટના સવિસ્તાર કહીં સંભળાવી.વાત પુરી થતાં જ કૃણાલે નર્મદાબેનના ખોળામાં માથું નાખી દીધું.

બીજા દિવસની વહેલી સવારે જ નર્મદાબેને ભાવિ પુત્રવધૂ માટે લાવી રાખેલ ઘરેણાંની પોટલી બહાર કાઢી.એ પોટલી કૃણાલને બતાવીને નર્મદાબેન બોલ્યાં,"ખુશ્બુના બાપનું દેવું ભરવા માટે આ ઘરેણાં જ પુરતાં છે.તું ચિંતા ના કરીશ દીકરા. કૃણાલને આશ્વાસન આપ્યા પછી એમની સામે ખુશ્બુ ખડી થઈ ગઈ.'વહુ તો બરાબર જ છે.કેટલી નમણી ને કેટલી મીઠડા સ્વાભાવની!બરાબરની જોડી જામશે.

સવારના સાત વાગ્યે નર્મદાબેને ઘરેણાંની પોટલી સાથે શહેરમાં જવા બસ પકડી.બસમાં કૃણાલ અને ખુશ્બુ તો ખરાં જ.નર્મદાબેને ખુશ્બુ પાસે જ બેઠક લીધી.સાવ માયુસ ચહેરેય થોડું હસીને ખુશ્બુએ"આવો બા"કહ્યું એ સાથે જ નર્મદાબેને ખુશ્બુનો હાથ પોતાના હાથમાં લઈને કહ્યું,"આજેજ સૌ સારાં વાનાં થવાનાં છે દીકરી! તારા મોં પરનો સંતાપ ખંખેરી નાખ! આજે તારે કોલેજે જવાનું નથી. શહેરમાંથી આપણે બારોબાર તારે ઘેર જવાનું છે."

ખુશ્બુને કંઈ ગતાગમ તો ના પડી પરંતુ દયામણી નજરે એ નર્મદાબેન સામે તાકી જ રહી.નર્મદાબેને ખુશ્બુનો પકડેલો હાથ થપથપાવીને એને સાંત્વના આપી.

ખુશ્બુ દોરેલી ગાયની જેમ બસમાંથી ઉતરીને નર્મદાબેન પાછળ ચાલવા લાગી.સોની બજારમાં ઘરેણાંનું મૂલ થયું. નર્મદાબેનની દશ વર્ષની કમાણી એવાં અછોડો,બુટી,શેર,ચાર વેઢ અને લોકેટની કિંમત પુરા બે લાખ અંકાઈ.એકમાત્ર મંગળસુત્ર વધ્યું.નર્મદાબેન મનોમન લવી પડ્યાં,'વાહ રે કુદરત!

નર્મદાબેને ખુશ્બુની હડપચી પર હાથ મુક્યો એ સાથે જ એમના મોંઢેથી શબ્દો નિકળી ગયા,"મારી પુત્રવધુ માટે તો એક મંગળસુત્રેય કાફી છે.બીજાં ઘરેણાં પહેરાવીને લોકોની એને નજર નથી લગાડવી.એ ખુદ એક ઘરેણું જ છે ને!"

હવે બધું જ સમજી ગઈ ખુશ્બુ....ના એ નર્મદાબેન આગળ આભાર પ્રકટ કરી શકી કે ના આનંદ વ્યક્ત કરી શકી.બસ,એ પોતાને ઘેર જતી વખતે આખે રસ્તે નર્મદાબેનના સાનિધ્યને માણતી રહી.હા,એના મનના આવેગો કળાયેલ મોરલાની જેમ ટેહુક...ટેહુક નાદે ઝુમતાં ઝુમતાં ગહેકી રહ્યા હતા,' સાસુમાનું સાનિધ્ય આટલું પ્રેમદાયક છે તો એમને પેટે જન્મ લેનાર મારા ભાવિ પતિનું સાનિધ્ય કેટલું આહ્લાદક હશે!'

દીકરી સાથે નર્મદાબેનને જોઈને ખુશ્બુનાં બા બાપુજી વિચારમાં પડી ગયાં.ચાપાણી પછી ખુશ્બુએ સંકોચ છોડીને બધું જ કહી સંભળાવ્યું.

ખુશ્બુનાં માબાપ થોડી ક્ષોભજનક સ્થિતિમાં મુકાઇ ગયાં પરંતુ બે લાખ રૂપિયા ખુશ્બુની બાના હાથમાં મુકીને નર્મદાબેને સાવ ટુંકમાં વાતને પુરી કરતાં કહ્યું,"મારા દીકરાની ખુશીથી મોટું આ જગતમાં મારે મન કંઈ નથી.તમે સહેજેય લાચારી પ્રકટ કરો તો તમને તમારી વ્હાલસોયી દીકરી અને હવે મારી લાડકી પુત્રવધૂ ખુશ્બુના સોગંદ છે.અને હા,પહોંચતું હોય તો પાંચ લાખેય ખર્ચી નાખવાના પણ ના પહોંચતું હોય તો બાંધ્યો હાથ રાખવામાં જ શાણપણ છે.હું તો હવે તમારી દીકરીના હાથ પીળા કરશો ત્યારે આ એકમાત્ર વધેલું મંગળસુત્ર લઈને મારા દીકરા સાથે આવીને ઉભી રહેવાની છું,ભલે પછી દીકરો કમાતો થઈને લગ્નની તિથિએ પાંચ દશ હજાર ખર્ચી નાખતો! નર્મદાબેનની વાત સાંભળીને ખુશ્બુના માબાપથી આપોઆપ હાથ જોડાઈ ગયા.

‌ તો ખુશ્બુથી કેમ રહેવાય?એ દોડીને નર્મદાબેનને વંદન કરીને વિંટળાઈ વળી.નર્મદાબેને એને બાથમાં તો લીધી પણ થોડી જ વારમાં એને હળવેકથી દૂર કરતાં બોલ્યાં," હાલ એમ વિંટળાઈશ નહીં બેટા! પછી તારા સહવાસની આદત પડી જશે મને.હજી તારે અને કૃણાલે પુરું ધ્યાન રાખીને અભ્યાસ પુરો કરવાનો છે.‌ ભાવિ સાસુમાના શબ્દો સાંભળીને ખુશ્બુથી હસી જ જવાયું.એ સાથે આખાય કુટુંબમાં હાસ્યનું મોજું ફરી વળ્યું...