Rat Rani in Gujarati Horror Stories by Hetal Patel books and stories PDF | રાતરાણી

Featured Books
  • રહસ્ય,રહસ્ય અને રહસ્ય

    આપણને હંમેશા રહસ્ય ગમતું હોય છે કારણકે તેમાં એવું તત્વ હોય છ...

  • હાસ્યના લાભ

    હાસ્યના લાભ- રાકેશ ઠક્કર હાસ્યના લાભ જ લાભ છે. તેનાથી ક્યારે...

  • સંઘર્ષ જિંદગીનો

                સંઘર્ષ જિંદગીનો        પાત્ર અજય, અમિત, અર્ચના,...

  • સોલમેટસ - 3

    આરવ રુશીના હાથમાં અદિતિની ડાયરી જુએ છે અને એને એની અદિતિ સાથ...

  • તલાશ 3 - ભાગ 21

     ડિસ્ક્લેમર: આ એક કાલ્પનિક વાર્તા છે. તથા તમામ પાત્રો અને તે...

Categories
Share

રાતરાણી

જ્યારે જ્યારે રૂપજી આ રસ્તેથી નીકળે ત્યારે અહીં જ વડનાં ઝાડ પાસે તેની મોટરસાયકલ બંધ પડી જાય. ક્યાંય સુધી પ્રયત્ન કરે પણ ચાલુ ના થાય. થાકીને વડની ફરતે બાંધેલા ચોતરાં પર બેસે અને થોડીવાર પછી બાઈક ચાલુ કરે તો તરત જ ચાલુ થઈ જાય . એને સમજાતું નહી કે કેમ આવું થાય છે ?
રામપુર ગામમાં રહેતો રૂપજી એક ખડતલ યુવાન હતો. લીંબુનાં ફાડ જેવી આંખો, ઘુંઘરાળા વાળ, મરોડદાર મૂછો અને હિંમતવાન રૂપજી આખાં ગામનું આભૂષણ હતો. ગામમાં કોઈને પણ મદદની જરૂર હોય અડધી રાતેય આવીને ઉભો રહેતો.તે દયાળું તો હતો જ પણ સાથે ગુસ્સાવાળો પણ ખરો. ક્યાંય પણ કોઈને અન્યાય થતો જુવે તો તેનું લોહી ઉકળી ઉઠતું અને પછી એને સારાં નરસાંનું ભાન ના રહેતું. ગમે તેનાં માટે તે ઝઘડી બેસતો અને આ કારણથી તેનાં દુશ્મનોમાં વધારો થતો રહેતો.
આજે એને પાછાં વળતાં ઘણું મોડું થઈ ગયું હતું. અંધારી રાત સૂમસામ રસ્તે રૂપજી મોટરસાયકલની બઘડાટી સાથે જતો હતો. નિરવ શાંતિમાં મોટરસાયકલના અવાજના ભયંકર પડઘા પડી રહ્યાં હતાં. રૂપજી પોતાનાં આનંદમાં મસ્તીથી ધૂંટાયેલાં સૂરે ગીત ગાઈ રહ્યો હતો ત્યાં જ ખટાક અવાજ સાથે મોટરસાયકલ ખોડંગાઇ.
"ઓત્તારી પાછી ત્યાં જ આવીને બંધ પડી "રૂપજી બોલી પડ્યો. આજે એણે કોઈ જ પ્રયત્ન ના કર્યો. સીધો જ ઝાડ પાસે જઈને બેસી ગયો. ચારેબાજુ તમરાં બોલતાં હતાં. શાંતિનો પણ જાણે એક અવાજ હોય તેવું લાગી રહ્યું હતું. આજે એણે એક અજબ પ્રકારની ટાઢક અનુભવી. ઘરે બાપુ રાહ ના જોતાં હોત તો વધારે બેસત. બાપુનો વિચાર આવતાં ઉભાં થઈ મોટરસાયકલ ચાલુ કરી મોટાં ગડગડાટ સાથે મોટરસાઇકલ ચાલુ થઈ. તેણે આજુબાજુ નજર કરી કોઈ દેખાયું નહીં. તેણે ઘર તરફ મોટરસાયકલ હંકારી દીધી.
સવારે તે ગોપાલ પાસે ગયો. ગોપાલ અને રૂપજી બાળગોઠિયા.
"યાર ગોપાલ તને એક વાત કરવી છે.'
"બોલને દોસ્ત'
"યાર પેલો રસ્તામાં વડ છે તે મોટો લાખાનાં ખેતર પાસે "
"હા તેનું શું છે?'
"જ્યારે જ્યારે હું ત્યાંથી પસાર થઉં ત્યારે ત્યારે મારી ગાડી ત્યાં બંધ પડી જાય છે."
"લે એવું તે કાંઈ હોતું હશે ?"
" અરે હા સાચુ કઉ છું."
"તને ભ્રમ હશે કોકવાર કાગનું બેસવું ને ડાળનું પડવું એવું થાય."
"ના યાર કઉં છું તને સાચું માન. એક બે વાર નહીં બહુ વાર બન્યું છે. મારી જોડે "
" એવા ખોટાં વહેમોમાં પડીશ નહીં."
"હવે આ વહેમ નથી મને ખાતરી થઈ ગઈ છે એવું હોય તો ચાલ તું આજે મારી સાથે તને પણ બતાવું."
સાંભળીને ગોપાલ ચમક્યો.એ થોડો બીકણ હતો.
"ના ભાઈ છોડને હવે "
"કેમ બ્હીક લાગે છે તને ?"
સાંભળીને ગોપાલનો અહમ ઘવાયો
"જા જા બ્હીવે એ બીજા આ ગોપાલ નહીં. ચાલ અત્યારે જ પારખાં થઈ જાય."
રૂપજીએ મોટરસાયકલ ચાલુ કરી ગોપાલ પાછળ ગોઠવાયો.
બઘડાટી બોલાવતી મોટરસાયકલ ઉપડી વડ આવતાં જ રૂપજીએ સ્પીડ ઓછી કરી ગોપાલને અંદરથી તો બીક લાગતી જ હતી. મનમાં હનુમાન ચાલીસા બોલવા લાગ્યો.પણ આ શું? વડ પસાર થઈ ગયો તોય મોટરસાયકલ બંધ ના પડી.
"ઓત્તારી આજે ના બંધ પડી "રૂપજી આશ્ચર્યથી બોલ્યો.
એણે ત્રણથી ચાર આંટા માર્યા પણ બાઈક બંધ ના પડી.
"યાર સાચું કહું તને કાગનું બેસવું ને ડાળનું પડવું થયું હશે. બાઈકમાં કંઈક ખરાબી હશે એટલે બંધ પડયું હશે."
"અરે ના યાર એક બે વાર નહીં કેટલીએ વાર અહીં જ બંધ પડ્યું. ખબર નહીં આજે કેમ બંધ ના પડ્યું."
બન્ને જણાં થાકીને પાછાં આવ્યાં.
થોડાં દિવસ પછી ફરી રૂપજીને પાછાં વળતાં મોડું થયું . રૂપજી લહેરથી ગાતો ગાતો આવતો હતો ત્યાં વડ પાસે એની મોટરસાયકલ ચરરર અવાજ સાથે ઉભી રહી ગઇ.
"આ ખરું થાય છે હોં. પેલા દિવસે ગોપાલને બતાવવાં લાવ્યો તો બંધ ના પડી ને આજે પાછી અડીયલ ટટ્ટુની જેમ ઉભી રહી ગઇ." રૂપજી ચીડથી બબડ્યો.
મોટરસાયકલ સાઇડમાં ઉભી કરીને એ વડના ચોતરા તરફ આગળ વધ્યો.એકદમ જ એને કોઈની દર્દનાક ચીસો સંભળાઇ. કોઈ યુવતી "બચાવો બચાવો નહીં નહીં " કરતી ચીસો પાડતી હતી. રૂપજીએ આમતેમ નજર ફેરવી કોઈ દેખાતું ન હતું. ત્યાં જ એકદમ જ સૂસવાટા સાથે પવન ચાલુ થઈ ગયો. વડ પરથી ચીબરી ભયાનક અવાજ કરતી ઉડી.વડની વડવાઇઓ એકદમ સાપની જેમ લાંબી થવા લાગી . રૂપજીને ઝાડ પાછળ કોઈ ઉભું હોય તેવું લાગ્યું.તે આગળ વધ્યો.તે પહોંચે તે પહેલાં એ ઓળો દોડવા લાગ્યો. રૂપજી એની પાછળ દોડવા લાગ્યો.થોડાં અંતરે પહોંચતા જ ઓળો અદૃશ્ય થઈ ગયો. રૂપજી પરસેવે રેબઝેબ થઈ ગયો. રૂપજી ડરપોક નહોતો પણ આવો અનુભવ એને પહેલીવાર થયો હતો.તેણે આજુ બાજુ જોયું પણ અંધકાર અને સન્નાટા સિવાય કઈ જ નહોતું.તે પાછો આવ્યો. મોટરસાયકલ ચાલુ કરીને ઘર બાજુ ભગાવી.
બીજા દિવસે તે મંદિરમાં રહેતાં પૂજારી ગૌરીશંકર પાસે ગયો. બધી વાત તેમને જણાવી. પૂજારીએ કહયું
"આ તો કોઈક ભૂતપ્રેતનો કિસ્સો લાગે છે.તું પેલાં કાલીભૂવા પાસે જા એ કંઈક રસ્તો બતાવશે."
પગે લાગીને રૂપજી કાલી પાસે જવા નીકળ્યો. ગામના સીમાડે એક ખેતરમાં નાનું ઝૂંપડું બનાવીને કાલી રહેતો હતો. એકલપંડે રહેતો કાલી ધૂણી ધખાવીને ચલમો પીધાં કરતો. ગામનાં લોકો દોરા તાવીજ કરાવી
એને જરૂરિયાતની વસ્તુ આપતાં. રૂપજીએ જોયું કે કાલીની ઝૂંપડીમાંથી ધૂમાડો નીકળી રહ્યો હતો. રૂપજીએ ઝૂંપડા પાસે પહોંચી બૂમ પાડી.
"કાલી બાબા...."
"અલખ નિરંજન કોણ?" ધૂમાડો એટલો હતો કે કંઈજ દેખાતું નહોતું.
"હું રૂપજી "
"હા આવ આવ તું ક્યાંથી ભૂલો પડ્યો? અહીં તો દીલનાં નબળાં લોકો જ આવે છે તું ભારાડી ક્યાંથી ભૂલો પડ્યો?"
"હા બાબા એક સમસ્યા છે એટલે મળવા આવ્યો છું મને ગૌરીશંકર મહારાજે તમને મળવાં કહ્યું."
કાલીએ આસન નાંખ્યું .
"બેસ "
રૂપજી બેઠો.
કાલી શરીરે સાવ સૂકલકડી હતો. આખાં શરીર પણ ફક્ત લાલ પંચીયું પહેરેલું હતું. માથામાં લાંબુ લાલ તિલક કર્યું હતું. લાંબા ચહેરા પર પ્રમાણ કરતાં મોટી આંખોમાં લોહીનાં દોરાં ઉપસેલાં હતાં તેનાથી તે વધારે ભયાનક લાગતો હતો. લાંબા છૂટા વાળ ચહેરા પર આમતેમ વિખરાયેલાં હતાં.પગ પર પગ ચડાવીને બે હાથે ચલમમાંથી કસ લેતાં બોલ્યો
"બોલ ભાઈ શું સમસ્યા છે?"
રૂપજીએ બધી વાત કરી. સાભળીને કાલી થોડીવાર વિચારમાં પડ્યો. પછી બોલ્યો
"કોઈ જીવ અવગતિએ ગયો છે "
"હમ્મ પણ એમાં મને શું કામ હેરાન કરે છે ?"
" કારણકે એનો જીવ તારામાં ભરાયેલો છે."
"હેં મારામાં?"
"હા તને એવું કોઈ યાદ છે કે જેનું મૃત્યું થયું હોય અને તારી સાથે વધારે સંબંધ હોય "
"ના એવું તો કોઈ નથી"
"બરાબર યાદ કર"
થોડી વાર વિચાર્યા પછી રૂપજીએ જવાબ આપ્યો
"ના બાબા એવું કોઈ નથી"
કાલી પણ વિચારમાં પડ્યો.થોડીવાર પછી બોલ્યો
"ચાલ મને લઇ જા તે જગા પર "
બન્ને ઉપડ્યાં.
વડ આવતાં જ રૂપજીની મોટરસાયકલ ખોટકાઇ. રૂપજી આશ્ચર્ય પામ્યો. તે દિવસે ગોપાલ આવ્યો ત્યારે બંધ ના પડીને આજે કાલીબાબાને લઈને આવ્યો તો બંધ પડી રૂપજી મૂંઝવણમાં હતો.
જેવા બન્ને ઉતર્યાં એવો અચાનક જોરથી પવન ફૂંકાવા લાગ્યો. વડમાંથી ચીબરીઓનું એક મોટું ટોળું ભયાનક અવાજ કરતું ધસી આવ્યું બન્ને જણાં સજજડ થઈ ગયાં. ચીબરીઓનું ટોળું માથા પરથી પસાર થઈ ગયું.
"ચાલ" કહી ને કાલીએ રૂપજીને હાથ પકડીને ચાલવા માંડ્યું.થોડે આગળ પહોંચ્યાં ત્યાં એકદમ જ અંધારું થઈ ગયું . એકસાથે કેટલીયે સ્ત્રીઓ અટ્ટહાસ્ય કરવા લાગી. ભયંકર તીવ્ર વાસ ફેલાઈ.
"રૂપજી કોઈ પ્રેતાત્મા છે." કાલીએ બૂમ પાડી
" પણ એને મારી જોડે શું સંબંધ?'
"એ જ જોવાનું છે."
અચાનક અવાજ પવન અને પેલી વાસ ગાયબ થઈ ગયા. બધું શાંત થઈ ગયું.
"આ શું થયું?"
" આ તોફાન પહેલાંની શાંતિ છે." કાલી હજુ બોલતો હતો ત્યાં જ ઝાંઝર રણકવાં લાગ્યાં. એક લાલ વસ્ત્ર પહેરેલી સ્ત્રી ધીમે ધીમે પાસે આવતી હતી. કાલીએ તરત જ થેલાં માંથી ગંગાજળની બોટલ કાઢી હાથમાં પાણી લઈ મંત્રોચ્ચાર કરવા લાગ્યો. જેમ પેલી સ્ત્રી નજીક આવતી ગઈ તેમ તેનું કદ વધતું ગયું . આંખોમાંથી લોહીની નદીઓ વહી રહી હતી. છૂટાં વાળમાંથી પણ લોહી ટપકી રહ્યું હતું. હાથમાં કોઈ મડદું ઢસડીને આવી રહી હતી. તેનાં હાથનાં નખ પણ લાંબા અને આંટીઓ વળેલાં હતાં. રૂપજીએ આવું બધું પહેલીવાર જોયું હતું. કાલી મોટે મોટેથી મંત્રો બોલતો હતો. જેમ પેલી સ્ત્રી નજીક આવતી ગઇ તેમ કાલીનો અવાજ મોટો થતો ગયો. નસકોરાં મોટાં કરી જોર જોરથી શ્વાસ લેતો હતો. આખાં ચહેરા પર પરસેવાનાં રેલાં ઉતરતાં હતા. લાલઘૂમ આંખો સાથે ગુસ્સાથી ધ્રુજી રહેલો કાલી પણ ભયાનક દેખાઈ રહ્યો હતો. રૂપજીની સમજમાં કંઈ જ નહોતું આવી રહ્યું. સ્ત્રી નજીક આવતાં જ કાલીએ પાણી છાંટયું ભકખ ભડકો થયો અને સ્ત્રી અદ્શ્ય થઈ ગઈ. બધું શાંત થઈ ગયું. બન્ને જણાં વડનાં ચોતરાં પર બેઠાં. કાલી થાકી ગયો હતો.થોડીવાર કંઈ કશુજ ના બોલ્યું.
"રૂપજી તને ખરેખર ખબર નથી કે તારાં નજીકમાં કોઈ સ્ત્રી કમોતે મરી હોય."કાલી થાકેલાં સ્વરે બોલ્યો.
"ના બાબા ખરેખર કહું છું મારા જાણમાં એવી કોઈ સ્ત્રી નથી જે કમોતે મરી હોય.'' હજુ રૂપજી બોલતો હતો ત્યાં જ ચારે તરફ રાતરાણીની સુગંધ પ્રસરી ગઈ. કાલી અને રૂપજી આસપાસ નજર ફેરવવા લાગ્યાં. રાતરાણીની સુગંધથી રૂપજી વિહ્વળ થઈ ગયો.
"ચાલો બાબા જઈએ "એકદમ તે ઉભો થઈ ગયો. બન્ને પાછા ફર્યા.
કાલીની ઝૂંપડીએ આવીને બહાર પાથરેલાં ખાટલામાં બેઠા.કાલીએ પાસે પડેલાં કુંજામાંથી કુલડીમાં પાણી કાઢીને રૂપજીને આપ્યું.
"રૂપજી તું માને કે ના માને પણ તારે આ આત્મા સાથે કંઈક સંબંધ છે એટલે જ તેને એ કાયમ ત્યાં રોકે છે. તું બરાબર યાદ કર ક્યાંક કંઈક સાંધો જડે તો આગળ વિધિ થાય.
રૂપજી વિચારતો રહ્યો. એણે ફરી આખો પ્રસંગ યાદ કર્યો.તેણે આંખો બંધ કરી. પેલી સ્ત્રી ફળી તેની નજર સામે તરવરી. તેણે તરત જ આંખો ખોલી નાંખી.
"શું થયું?" કાલીએ પૂછયું.
"બાબા મને પેલી સ્ત્રી ફરી દેખાઈ. એને હું ઓળખતો હોઉં એવો અણસાર આવે છે પણ યાદ આવતું નથી કે ક્યાં જોઈ છે?''
" હં , મને હતું જ કે ક્યાંક છેડાં અડે જ છે બાકી તને એ આત્મા ત્યાં બોલાવે જ નહીં. "
"તો હવે આપણે શું કરીશું?'
" તું અત્યારે ઘર જા. યાદ કરવાનો પ્રયત્ન કરજે. કાલે સાંજે આપણે ત્યાં જઈશું. હું આત્માને બોલાવીશ અને તારી સાથે વાત કરાવીશ."
"શું આવું બધું શક્ય છે ?" રૂપજીને આવી બધી વાતો પર વિશ્વાસ નહોતો.
"આત્મા સામેથી કંઈક કહેવા માંગે છે એટલે તરત જ આવશે. તું જોજે. જા હવે ઘરે જઈને આરામ કર .કાલે બધી મૂંઝવણનો અંત આવી જશે.''કાલી પૂરા આત્મવિશ્વાસથી બોલતો હતો.
રૂપજી ઘરે આવીને ઓસરીમાં પડેલાં ખાટલાંમાં લાંબો થયો. બે હાથ માથા નીચે ભરાવીને આકાશ તરફ નજર કરી ક્યાંય સુધી વિચારતો રહ્યો કે કોણ છે આ સ્ત્રી અને શું સંબધ છે એનો એની સાથે ?. વિચારતાં વિચારતાં તેની આંખ મળી ગઈ.
"રૂપ ઓ રૂપ" કોઈ રૂપજીને બૂમો પાડી રહ્યું હતું.
રૂપજી ખાટલામાંથી એકદમ કૂદકો મારીને ઉભો થયો. આંખો ચોળીને આજુબાજુ જોવા લાગ્યો. સામે ગાય દોહી રહેલી એની માને એણે બૂમ પાડી
"માડી સોનલ આવી હતી?"
"ના દીકરાં સોનલ ક્યાંથી આવે એને તો એનાં બાપાએ ઠેક દૂર ક્યાંક પૈણાઇ દીધી સે. તું હવે ક્યાં હુધી એને યાદ કરીને આમ એકલો બેઠો રઇશ ?"
રૂપજી તૈયાર થઈને પાછો કાલીબાબાની ઝૂંપડીએ પહોંચ્યો.
" અલ્યા તું તો ભારે ઉતાવળો ભાઈ હજુ તો આપણે સાંજે જવાનું છે."
"હા બાબા પણ કંઈ ચેન પડતું નહોતું એટલે અહીં આવી ગયો."
"સારું સારું ચાલ આપણે બેઉ ભેગાં થઈને આજે હવન કરશું. આત્મા બોલવવા મારે પહેલાં જાતે મજબૂત થવું પડે. બન્ને હવનકુંડની સામસામે બેઠાં. કાલી મોટે મોટેથી મંત્રો બોલતો જાય અને સામગ્રી કુડમાં નાખતો જાય.લગભગ બે કલાક હવન ચાલ્યો. પછી ખીરનો ભોગ લગાવી બે થાળી પીરસી.
"ચાલ પ્રસાદ લેવા બેસી જા "કાલીને રૂપજીને બેસવા ગોદડી આપી.
રોટલાં સાવ મોળી દાળ અને ખીર ખાઈને રૂપજી બોલ્યો
" બાબા ખાવાનો આવો સ્વાદ જીવનમાં ક્યારેય નથી આવ્યો."
અંધારૂ થતાં કાલી એનો બધો સામાન ભરીને જવા તૈયાર થયો. પેલાં હવનકુંડમાંથી થોડી રાખ લઈને પડીકું ભર્યું.
બન્ને ઉપડ્યાં. વડ પાસે આવ્યાં પણ આજે મોટરસાઇકલ બંધ ના પડી. રૂપજીએ કાલી સામું જોયું.
"આજે એ આત્માને ખબર છે કે આપણે એને મળવા જ આવ્યા છે એટલે એણે રોકવાની જરૂર ના પડી. "કાલી બોલ્યો.
"પણ પેલાં દિવસે ગોપાલને લઈને આવ્યો તો ત્યારેય બે ત્રણ વાર આંટા માર્યાં તોયે બંધ નહોતી પડી. "
"કદાચ આત્મા તારા એકલાં સાથે જ વાત કરવા માંગે છે. બીજા કોઈની દખલ એને મંજૂર નથી લાગતી. મને તો એણે માધ્યમ બનાવ્યો છે એટલે મારી હાજરીથી એને કંઈ તકલીફ નથી."
રૂપજીને આમાં કંઈ ગતાગમ પડતી નહોતી.
"બાબા આજે જો કોઈ ઉકેલ નહીં આવે તો હવેથી હું રસ્તો જ બદલી કાઢીશ. થાકી ગયો છું હવે હું" રૂપજીએ મોટરસાઇકલ સાઇડમાં પાર્ક કરતાં કહ્યું.
બન્ને જ્યાં વડ તરફ આગળ વધ્યાં ત્યાં કોઈ ખુશ થઇને નાચતું હોય તેવાં ઝાંઝર રણકવાં લાગ્યાં. સાંભળીને કાલી પણ ઉત્સાહમાં આવી ગયો.
" આત્મા સામેથી મળવા માગે છે એટલે મારે બહુ મહેનત નહીં કરવી પડે."
ત્યાં જ રૂપજીને કોઈ અડીને દોડ્યું હોય તેવો અહેસાસ થયો.
"બાબા હમણાં જ અહીંથી કોઈક મને અથડાઇને ગયું."
"તને જે જે થાય એ મને કહેતો રહે."
"મને કોઈક ખેંચે છે. "રૂપજી ખેંચાતો જતો હતો. કાલી એની પાછળ ચાલવા લાગ્યો. રૂપજીનો એક હાથ અદ્ધર હતો જાણે કોઈકે પકડયો હોય. બન્ને ચાલતાં ચાલતાં વડની પાછળનાં ખેતરમાં પહોંચ્યા.આ તો લાખાનું ખેતર છે. રૂપજીનાં ચહેરાંની નસો તંગ થવા લાગી. કાલી આ ફેરફાર જોઈ રહ્યો. રૂપજી ખેંચાતો ખેંચાતો એક ખૂણા તરફ ગયો ત્યાં તેને છોડી દીધો હોય તેવો અહેસાસ થયો. તેણે કાલી તરફ જોયું. કાલીએ ફાનસ ચારેબાજુ ફેરવી નજર કરી અંધકાર સિવાય કઈ જ નહોતું.
"આ ખેતર કોનું છે રૂપજી ?"
"લાખાનું "બોલતાં જ રૂપજીનાં મ્હોંમાં કડવાશ ફેલાઈ ગઈ.
"તારી સાથે એને કોઈ સંબંધ છે?"
"હોત પણ એણે થવા ના દીધો."
"શું વાત હતી?"
"લાખાની દીકરી સોનલ અને હું ગળાડૂબ પ્રેમમાં હતા પણ લાખાએ એને રૂપિયા લઈને બીજે પરણાવી દીધી. સાવકો બાપ છે એનો એટલે . પાછી એટલે દૂર પરણાવી કે પાછી અહીં આવી જ ના શકે."
"અને તેં માની લીધું એમને ! "કાલીએ ચલમ સળગાવી તેના અંગારા ઝબકતાં હતાં અંધારામાં.
"એટલે?"
"એ તને હમણાં સમજાશે મને આખીયે વાતનો ખ્યાલ આવી ગયો છે. "
કાલીએ ધ્યાનથી જમીનનું નિરીક્ષણ કર્યું એક ભાગ સહેજ દબાયેલો જણાતો હતો. કાલીએ સામાન પાથર્યો . કંકુથી મોટું ત્રિશૂલ દોર્યું. દીવો પ્રગટાવ્યો. ચોખા લઈને પેલી રાખ લીધી હતી તેનાં વાળા કરી એક વર્તુળ બનાવ્યું. તે વર્તુળમાં રૂપજીને બેસાડ્યો. સામે પોતે બેઠો.
"કંઈ પણ થાય આ વર્તુળમાંથી બહાર ના નીકળતો." કાલીએ રૂપજીને હુકમ કર્યો.
"હું મરી જાઉં તો પણ નહીં "સાંભળીને રૂપજી ચમક્યો.
"કંઈ નહીં થાય પણ તોય સાવચેત રહેજે કદાચ આત્મા તને પણ સાથે લઇ જવા ઈચ્છે પણ જ્યાં સુધી તું આ વર્તુળમાં હોઈશ ત્યાં સુધી તને કોઈ કશું નહીં કરી શકે સમજી ગયો?"
. રૂપજીએ ડોડુ હલાવી હકાર ભણ્યો. કાલીએ જોરશોરથી મંત્રો ચાલુ કર્યાં. સ્મશાનવત શાંતિમાં તેનાં અવાજનાં પડધાં ડરાવણાં લાગતાં હતાં.થોડી વાર થઈ હશે ત્યાં સૂસવાટા સાથે પવન ફૂંકાયો. ચારેય બાજુથી ઝાંઝરના અવાજો આવવા લાગ્યાં.કાલીનો ચહેરો એકદમ બદલાઈ ગયો.તે આખો ધ્રુજવા લાગ્યો.એક ઝટકા સાથે એણે માથું ઊંચું કર્યું તે દ્રશ્ય જોઈને હિંમતવાન રૂપજી પણ હલી ગયો. આખો ચહેરો બળેલો હતો બધેથી ચામડી લબડી રહી હતી તેની નીચેથી માંસના લોચા બહાર લટકી રહ્યાં હતાં.
"રૂપ'' સોનલનો અવાજ સાંભળી રૂપજી આમ તેમ ડાફોળિયાં મારવા લાગ્યો.
" અહીં રૂપ તારી સામે જ બેઠી છું''
રૂપજીએ સામે જોયું તો કાલીની જગ્યાએ સોનલ બેઠી હતી.
"સોના" કહીને રૂપજી તેને અડવા ગયો ત્યાં જ પાછું પેલું બળેલું મોં દેખાયું. રૂપજીએ હાથ પાછો ખેંચી લીધો.
"સોના કયાં છે તું શા માટે મને તડપાવે છે ?"
" રૂપ હું પોતે કેટલાં માહિનાઓથી તડપું છું. તને કેટલો બોલાવ્યો ત્યારે આજે તું આવ્યો." ફરી પાછી સોનલ સામે બેસીને બોલી રહી હતી.
"પણ સોના તારાં બાપુએ તો તને મારાથી છાનાં દૂર પરણાવી દીધી. મેં કેટલીયે વાર પૂછ્યું કે ક્યાં પરણાવી છે ? છતાં મને કહ્યું જ નહીં."
સાંભળતા જ સોનલનો ચહેરો લાલઘૂમ થઈ ગયો. આંખમાંથી લોહી વહેવા લાગ્યું. જોઈને રૂપજી દ્રવી ઉઠ્યો.
"પરણાવી હોય તો કહેને " ઘોઘરાં અવાજે સોનલ બોલી,
"તો પછી તુ ક્યાં ચાલી ગઈ? સોના શું થયું હતું કહે મને .તારી આ હાલત કરનારનાં હું ટુકડે ટુકડા કરી નાખીશ." રૂપજીનો ચહેરો તંગ થઇ ગયો અને ગુસ્સાથી હોઠ બીડી દીધા.
હુમ હુમ કરતી સોનલ ગુસ્સામાં ધૂણી રહી હતી.
"સોના" રૂપજી બોલ્યો.
"લાખો, મારો બાપ "લોહી નીંગળતા ચહેરે સોનલ ખુન્નસથી બોલી.
રૂપજી ચમક્યો "શું તારા બાપે ?'
"હા મારા સાવકા બાપે મને અભડાવીને સળગાવી દીધી.પછી અહીં જ તું જ્યાં બેઠો છે ત્યાં મને ડાટી દીધી."
સાંભળીને રૂપજી છળી ઉઠયો.એણે બે હાથ એકબીજા સાથે એટલાં જોરથી દબાવ્યા કે નખથી લોહીલુહાણ થઈ ગયાં.
"છેલ્લી પળો સુધી હું તને મળવા માંગતી હતી તને બધું જણાવા માગતી હતી. મેં તને દગો નથી દીધો તે જણાવા માંગતી હતી. તારી સોના બીજા સાથે પરણતાં પહેલાં ઝેર ખાઇને મરવાનું પસંદ કરે .રૂપ તેં કેમ માની લીધું કે મેં બીજે લગ્ન કરી લીધાં હશે "
રૂપજી માથું ઢાળીને બેસી રહ્યો.
"લાખા હવે હું તને છોડીશ નહીં "રૂપજી ગર્જ્યો.
"રૂપ લાખાને હું પતાવીશ. હું તને ફક્ત હકીકત જણાવવા અહીં રહેતી હતી . હવે લાખાનો જીવ લઈશ એટલે હું મુક્ત થઈ જઈશ."
"સોના મને માફ કરી દે તને સમજવામાં હું ઉણો ઉતર્યો: "રૂપજી ખૂબ જ પ્રેમથી બોલ્યો.
સોનાની આંખોમાં છલકાતો પ્રેમ જોઇને રૂપજી ઉભો થઈને એને પકડવાં ગયો ત્યાં જ સોનલની જગ્યાએ કાલી પડેલો જોયો. રૂપજી બે હાથ માથા પર મૂકી ધ્રુસ્કે ધ્રુસ્કે રડતાં બેસી પડ્યો. કાલીએ તેનાં પર ગંગાજળનો છંટકાવ કર્યો. બધી વાત જાણી આશ્વાસન આપી શાંત પાડ્યો. બન્ને સામાન સમેટી ઘર જવા નીકળ્યાં ત્યાં રાતરાણીની તીવ્ર સુંગધ પ્રસરી ગઈ.
" સોનાને રાતરાણીની સુગંધ ખૂબ ગમતી એથી અમે જ્યારે મળતાં ત્યારે રાતરાણીનાં છોડની પાસે જ બેસતાં." રૂપજી ફરી રડવા લાગ્યો.
સવારે ગામમાં બૂમો પડી કે લાખાનાં ઘરને આગ લાગી એમાં લાખો બળીને કોયલો થઈ ગયો.

સમાપ્ત
---------------------------------------

હેતલ પટેલ (નિજાનંદી)