Himachal No Pravas - 3 in Gujarati Travel stories by Dhaval Patel books and stories PDF | હિમાચલનો પ્રવાસ - 3

Featured Books
  • નિતુ - પ્રકરણ 64

    નિતુ : ૬૪(નવીન)નિતુ મનોમન સહજ ખુશ હતી, કારણ કે તેનો એક ડર ઓછ...

  • સંઘર્ષ - પ્રકરણ 20

    સિંહાસન સિરીઝ સિદ્ધાર્થ છાયા Disclaimer: સિંહાસન સિરીઝની તમા...

  • પિતા

    માઁ આપણને જન્મ આપે છે,આપણુ જતન કરે છે,પરિવાર નું ધ્યાન રાખે...

  • રહસ્ય,રહસ્ય અને રહસ્ય

    આપણને હંમેશા રહસ્ય ગમતું હોય છે કારણકે તેમાં એવું તત્વ હોય છ...

  • હાસ્યના લાભ

    હાસ્યના લાભ- રાકેશ ઠક્કર હાસ્યના લાભ જ લાભ છે. તેનાથી ક્યારે...

Categories
Share

હિમાચલનો પ્રવાસ - 3

હિમાચલનો પ્રવાસ - 3 (પ્રયાણ - રેલવે સ્ટેશનની વાતો)

તારીખ - 8 ડિસેમ્બર, 2022

#હિમાચલનો_પ્રવાસ

વેરાવળ જવા માટેની બસમાં બેસી ગયો, જે યાત્રાની તાલાવેલી હતી એ યાત્રા હવે ખરેખર શરૂ થઈ ગઈ હતી. યાત્રાના પ્રારંભ બાબતે હું ખુબજ ખુશનસીબ છું કારણકે ઘરે થી યાત્રા શરૂ કરું એટલે રસ્તામાં સૌપ્રથમ દૂરથી સોમનાથ દાદાના દર્શન અને આર્શીવાદ સાંપડે, આગળ જતાં ભાલકાતીર્થ પાસેથી પસાર થતા જ દ્વારિકનાથ શ્રી કૃષ્ણ ભગવાનના પણ દર્શન થાય આમ યાત્રાની શરૂઆત સાથેજ મન પાવન થઈ જાય. સમયસર હું રેલવે સ્ટેશન પહોંચી ગયો. ત્યાં પહોંચ્યો ત્યારે અમદાવાદ જવા માટે વેરાવળ - અમદાવાદ, સોમનાથ એક્સપ્રેસ પ્લેટફોર્મ નંબર - 1 ઉપર ઉભી ઉભી અમદાવાદ જવા માટે સીટી વાગવાની રાહ જોતી હતી અને સર્વે યાત્રીઓ ને કહી રહી હતી ચાલો ફટાફટ તમારો ડબો અને જગ્યા શોધી લ્યો એક વાર પાવો વાગશે પછી હું કોઈની રાહ જોવા ઉભી નથી રહેવાની. મારો 3AC નો ડબો પ્રવેશ ગેટથી ખુબજ આગળ હતો જેથી સમાન લઈને ચાલતો ચાલતો આગળ વધ્યો. ચાલતા ચાલતા પ્લેટફોર્મ પરના મુસાફરો જોતો હતો. સર્વેના ચહેરા ઉપર આગામી મુસાફરીનો રોમાંચ દેખાઈ રહ્યો હતો. કોઈ બેઠા બેઠા પોતાનો મોબાઈલ ચાર્જ કરતા કરતા વાતો કરી રહ્યા હતા, કોઈ પોતાના અંગતજનને સ્ટેશન પર મુકવા આવ્યા હતા. કોઈ આજના દિવસની સફર અને સોમનાથની ભવ્યતા વિશે વાતો કરી રહ્યા હતા. તેઓની યાત્રા અહીં પુરી થઈ હતી જ્યારે મારી યાત્રા શરૂ થવા જઇ રહી હતી. અંતે તો અમે સૌ મુસાફર જ રહ્યા ને. તો વળી કોઈ બેઠા બેઠા પોતાનું રાત્રીનું ભોજન આટોતપતા હતા.

હું મારા કોચમાં જઈને મારી શીટ ઉપર જઈને ગોઠવાઈ ગયો. મારી બર્થ મિડલ હતી. મારી બાજુમાં બેંગલોરનું પ્રૌઢ દંપતી બેઠું હતું. એમની જોડે વાતચીત થઈ. તેઓની આવતી કાલે સવારે અમદાવાદ એરપોર્ટથી પાછા જવા માટેની ફ્લાઇટ હતી. તેઓને રેલવે સ્ટેશનથી વિમાનઘર કેવી રીતે જવાય અને કેટલો સમય લાગે એની માહિતી આપી. 21:50 નો સમય થતાંજ અમારી ટ્રેને પોતાની મુસાફરી શરૂ કરી. 22:00 ઉપર સમય થવા આવ્યો હતો જેથી મેં પણ મારી બર્થ ઉપર લંબાવ્યું અને સુવાની તૈયારી કરવા લાગ્યો. મારી સામેની શીટમાં પતિ અને પત્ની અનુક્રમે અપર અને મિડલ બર્થમાં સુતા હતા. એમની વાતો અને ઉત્સાહ જોઈ નવપરણિત હોય એવું જણાઈ રહ્યું હતું. તેઓની વાતચીત મારી ઊંઘમાં થોડો વિક્ષેપ પાડી રહી હતી. મારા અવલોકન મુજબ તેઓને એ ખબર નહતી કે તેઓ પોતાના બેડરૂમમાં નથી પણ એક ટ્રેનમાં મુસાફરી કરી રહ્યા છે. એ સિવાય એક રમુજી કિસ્સો પણ બન્યો, વેરાવળ પછીના સ્ટેશનથી એક 40 વર્ષ આજુ બાજુનું દંપતી ટ્રેનમાં ચડ્યું. એની બર્થ મારી સામેની સાઈડ અપર બર્થ હતી, ઓલા બેન એમના પતિને કહે કે ચાલુ ગાડીયે, તો હું બર્થ ઉપર નહિ ચડી શકું. એ પછી એમના પતિએ માંડ માંડ સમજાવ્યું કે બીજું સ્ટેશન આવતા કલાક થશે ત્યાં સુધી કેમ ઉભુ રહેવું. તમે ટ્રેનના કોચમાં જોયું હશે જે રાત્રે બેથ નંબર ઓળખવામાં સરળતા રહે એ માટે દરેક કંપાર્ટમેન્ટમાં પ્રકાશિત થાય એવી રીતે લગાવેલ હોય. એની અંદર નાનકડી લાઈટ પણ ચમકતી હોય. એ બેન એમના પતિને કહે કે આ લાઈટ બંધ કરી દો મને એ વગર ઊંઘ નહિ આવે, એટલે એ ભાઈ બધી સ્વીચ ચાલુ બંધ કરતા હતા જેથી મેં એમને સમજાવ્યા કે આ લાઈટ બંધ નહિ થાય એ ચાલુ જ રહે છે અને એને નાઈટ લેમ્પ સમજીને સુઈ જાવ. ટૂંકમાં બહાર નીકળીએ એટલે થોડું ઘણું જતું પણ કરવું પડે. સાવ ઘર જેવું ના મળે.

હવે મારે પણ સુઈ જવું હતું, આખા દિવસનો થાક પણ હતો અને આવતી કાલની મુસાફરીની ઇંતેજારી પણ હતી. મિત્ર નિર્મલને ફોન કરીને પૂછી લીધું કે તે જામનગરથી નીકળ્યો કે નહીં. એ ભાઈ પણ જામનગરથી પટેલ ટ્રાવેલ્સની વોલ્વોમાં બેસી ગયા હતા. સવારના ટ્રેન પહોંચે એના 20-30 મિનિટ પહેલાનું એલાર્મ મૂકીને હું સુઈ ગયો, હવે વહેલું પડે સવાર અને વહેલુ આવે અમદાવાદ. ટ્રેન આખી રાત સૌરાષ્ટ્ર વીંધતી વીંધતી અમદાવાદ તરફની સફર કરતી રહી. એલાર્મ વાગ્યું ત્યારે મારી નિંદર ઉડી, જાગીને બધું આટોપી હું તૈયાર થઈ ગયો. ટ્રેનનું છેલ્લુ સ્ટેશન કાલુપુર હતું. મારી હવે પછીની ટ્રેન સાબરમતી BG સ્ટેશનથી હતી જે સ્ટેશન સાબરમતી જંકશનથી નજીક હતું. પરંતુ ટ્રેનનો કાયદેસર સ્ટોપ ત્યાં હતો નહિ. પરંતુ હું એ આશા સાથે કોચના દરવાજા ઉપર પહોંચી ગયો કે જો ટ્રેન ઉભી રહે તો સાબરમતી જ ઉતરી જવું. અને થયું એવુંજ, ટ્રેન સાબરમતી 2 મિનિટ માટે ઉભી રહી જેથી હું સામાન લઈને ઉતરી ગયો.

તારીખ : 09 ડિસેમ્બર, 2022

સાબરમતી સ્ટેશન આમતો નાનકડું સ્ટેશન છે, સ્ટેશન પર ગણ્યાગાંઠ્યા મુસાફર દેખાઈ રહ્યા હતા. હું બ્રિજ પર ચડીને બહાર નીકળવાના ગેટ ઉપર આવીને ઉભો રહ્યો. અહીં થી સાબરમતી BG સ્ટેશન ફક્ત 3 કિલોમીટર જેટલું જ દૂર હતું. અને હું તો ઘણો વહેલો પહોચી ગયો હતો જેથી મારો વિચાર ત્યાં ચાલતા ચાલતા પહોંચવાનો હતો. જેમાં મને કોઈ મુશ્કેલી પડવાની ન હતી કારણકે સામાન વધારે હતો નહિ ઉપરાંત શિયાળાની વહેલી સવારની ગુલાબી ઠંડી હતી જેથી હળવી કસરત પણ થઈ જાય એમ હતી.

કદાચ તમે ઉપરનો ફકરો વાંચીને થોડા ગોટે ચડ્યા હશો કે સાબરમતી ઉતર્યો અને પાછું ત્યાંથી સાબરમતી જવાનું છે. આ તે કેવું ? અમદાવાદમાં સાબરમતી સ્ટેશન છે એના બે ભાગ છે. એક સ્ટેશન અમદાવાદ - વિરમગામ ટ્રેક પર આવેલું છે.જ્યાં કુલ ત્રણ પ્લેટફોર્મ છે. આ સ્ટેશન નાનકડું છે. તમે જ્યારે વિરમગામ બાજુ થી આવતા હોય કે જતા હોય ત્યારે આ સ્ટેશન આવે છે. આ સાબરમતી સ્ટેશનનો કોડ SBT છે, જેનું રેલવેના રેકોર્ડ મુજબ નામ સાબરમતી જંકશન છે. હું પણ વેરાવળ સોમનાથ તરફથી આવ્યો એટલે આ સ્ટેશન આવ્યું અને ત્યાં હું ઉતરી ગયો. આ સ્ટેશન રાણીપ પાસે આવેલ છે અને આને સેન્ટ્રલ જેલ સ્ટેશનના નામે પણ ઓળખાય છે. હવે બીજા સાબરમતી સ્ટેશનની વાત કરું તો એ સ્ટેશન અમદાવાદ - મહેસાણા - દિલ્હી ટ્રેક પર આવેલું છે. જે ટ્રેન અમદાવાદ થી વાયા મહેસાણા રાજસ્થાન કે દિલ્હી તરફ જતી હોય તે અહીંથી નીકળે અને અમુક ટ્રેન અહીંથી જ ઉપડે છે. આ સ્ટેશન મોટું છે અહીં કુલ સાત પ્લેટફોર્મ આવેલા છે. આ સ્ટેશનનો કોડ SBIB છે અને જેનું રેલવે રેકોર્ડ મુજબ નામ સાબરમતી BG છે. આ સ્ટેશન રામનગર વિસ્તારમાં આવેલુ છે. અમારી ચંદીગઢ તરફ જતી ટ્રેન અહીંથી જ ઉપડવાની હતી. આ સ્ટેશન પર જવું હોય તો ખાસ રામનગર ઉલ્લેખ ખાસ કરશો બાકી રીક્ષા કે ટેક્સી વાળો તમને જરૂર થી ગોટે ચડાવશે.

હું રેલવે સ્ટેશનના બહાર નીકળવાના ગેટ પાસે આવીને ઉભો રહ્યો. પ્રથમ વખત જઇ રહ્યો હોવાથી ગૂગલ મેપમાં રસ્તો ચેક કર્યો. એવામાં ત્યાં એક વડીલ આવ્યા અને પૂછ્યું કે તમારે ક્યાં જવાનું છે ? મેં કહ્યું મારે તો અહીં નજીકમાં જ જવાનું છે. તેઓને જવાનું હતું ચાંદખેડા અને એકલા વ્યક્તિને પ્રાઇવેટ રીક્ષા મોંઘી પડે જેથી તેઓ કોઈ સાથી મુસાફર શોધી રહ્યા હતા. બીજી મુશ્કેલી એ હતી કે સ્ટેશન પર જે રીક્ષા વાળા હતા એ ખુબજ વધુ ભાડું કહી રહ્યા હતા. આ પ્રશ્ન દરેક જગ્યાએ ઉભો થાય છે. ખાસ કરીને મોડી રાતે કે વહેલી સવારે રેલવે સ્ટેશન અથવા બસ સ્ટેશનથી રીક્ષા કે ટેક્સી ખુબજ મોંઘી પડે છે અને તેઓ ગરજના ભાવ વસુલ કરે છે. જે વ્યાજબી નથી. આ સમસ્યાનો એકજ ઉપાય છે OLA કે UBER પરથી બુક કરો તે મારા અત્યારસુધીના અનુભવ મુજબ હિસાબમાં ઘણું સસ્તું પડે છે. ઓલા વડીલને આ ઉકેલ ખબર હતો પરંતુ આ ફોન એપ્લિકેશન વાપરતા આવડતી નહોતી. તેઓએ મને મદદ કરવા કહ્યું. મેં એમની ટેક્સી OLA માંથી બુક કરી આપી. તેઓની ટેક્સીમાં મને લિફ્ટ આપી જેના થકી મારુ અડધું અંતર ઓછું થઈ ગયું. હું ચીમનભાઈ પટેલ બ્રિજ નીચે ઉતરી ગયો અને ત્યાંથી ચાલતા ચાલતા થોડી જ મિનિટો માં રેલવે સ્ટેશન પહોંચી ગયો. ત્યાં જઈને વાતાનુંકુલીત શ્રેણી પ્રતીક્ષાખંડમાં જઈને બેઠો.

મિત્ર નિર્મલને આવવામાં થોડો સમય લાગે એમ હતો. મેં નવરા બેઠા ખંડનું અવલોકન કાર્ય ચાલુ કર્યું. બેસવા માટે સારી ગુણવત્તાના સોફાની વ્યવસ્થા હતી. ઘણા બધા સોફા પર બેઠા બેઠા જ મોબાઇલ ચાર્જ થઈ જાય એના માટેના ચારજિંગ પોઇન્ટ આપેલ હતા. ઉપરાંત એ સિવાય 6 પોઇન્ટ વાળા મોબાઈલ ચારજિંગ સ્ટેશન રાખવામાં આવ્યા હતા. સામાન રાખવા માટે ચાર વિશાળ નાના ટેબલ અને બે રેકની પણ વ્યવસ્થા હતી. પ્રતીક્ષા ખંડમાં LCD અને સ્પીકર લગાવેલ હતા જેથી દરેક ટ્રેન વિશે માહિતી અને સૂચના મળતી રહે. બાથરૂમ અને ટોયલેટની પણ યોગ્ય સુવિધા હતી. સૌથી મુખ્ય જરૂરિયાત સ્વચ્છતા પણ સારી રીતે જાળવવા આવી હતી. ટૂંકમાં જરૂર મુજબ બધુજ યોગ્ય હતું. નવરા બેઠા કંટાળો આવતો હોઇ પ્લેટફોર્મ પર ચક્કર લગાવ્યું. પ્લેટફોર્મનો માહોલ જોતા લાગી રહ્યું હતું કે ધીમે ધીમે રેલવે સ્ટેશન જાગી રહ્યું હતું. છુટા છવાયા યાત્રીઓ રેલવે સ્ટેશન ઉપર દેખાઈ રહ્યા હતા. એ પછી બધાજ પ્લેટફોર્મને જોડતા પુલ ઉપર થી આખાય રેલવે સ્ટેશનનો નજારો અને ગોઠવણી જોઈ લીધી. અમારી ટ્રેન છ નંબરના પ્લેટફોર્મ પરથી ઉપડવાની હતી ત્યાં પણ જોઈ લીધું.

થોડી વાર પછી મિત્ર નિર્મલ પણ આવી ગયો. મેં ઉપર સાબરમતી સ્ટેશન વચ્ચે જે ગૂંચવાડાની વાત કરી એનોજ શિકાર નિર્મલ થયો હતો. ઓટો વાળા સાબમરતી BG સ્ટેશનમાં કોઈ સમજતા ના હતા પછી રામનગર કહ્યું ત્યારે મેળ પડ્યો. એ આવ્યો ત્યાર બાદ અમે સમાન રાખીને રેલવે સ્ટેશનની બહાર ગયા. બહારનું વાતાવરણ શીતળ હતું, શિયાળાની ગુલાબી ઠંડીની અનુભૂતિ થઇ રહી હતી. જૂના મિત્રનો સાથ હોય અને ગુલાબી ઠંડી હોય પછી ચા ની ચૂસકી તો બનતી હૈ ના. મિત્ર સાથે ચાની ચૂસકીઓ સાથે જૂની વાતો કરી. ત્યાર બાદ અમે વાતો કરતા કરતા ફરી રેલવે સ્ટેશનના પ્રતીક્ષાખંડમાં આવી ગયા. ત્યારબાદ ત્યાં ફ્રેશ થવાની વ્યવસ્થા સારી હતી એટલે એ કામ પણ ત્યાંજ આટોપી લીધું. હજુ ટ્રેન ઉપડવાની ઘણી વાર હતી ઉપરાંત મિત્ર આંનદ અમદાવાદમાં જ હોવાથી ટ્રેનના સમયસર જ આવવાનો હતો જેથી અમે પણ આરામથી બેઠા બેઠા વાતો કરી.

ક્રમશ :

© - ધવલ પટેલ
તારીખ : 13-02-2023

પ્રવાસ વિશેની માહિતી તેમજ બુકીંગ માટે સંપર્ક કરી શકો છો. લેખ કેવો લાવ્યો એનો પ્રતિભાવ જરૂરથી જણાવજો.

વોટ્સએપ : 09726516505

#હિમાચલનો_પ્રવાસ
#હિમાચલયાત્રા
#tripwithdhaval
#Himachal
#Sabaramtijunction