dhingalu in Gujarati Short Stories by Ashq Reshammiya books and stories PDF | ઢીંગલું

Featured Books
  • प्रेम और युद्ध - 5

    अध्याय 5: आर्या और अर्जुन की यात्रा में एक नए मोड़ की शुरुआत...

  • Krick और Nakchadi - 2

    " कहानी मे अब क्रिक और नकचडी की दोस्ती प्रेम मे बदल गई थी। क...

  • Devil I Hate You - 21

    जिसे सून मिहींर,,,,,,,,रूही को ऊपर से नीचे देखते हुए,,,,,अपन...

  • शोहरत का घमंड - 102

    अपनी मॉम की बाते सुन कर आर्यन को बहुत ही गुस्सा आता है और वो...

  • मंजिले - भाग 14

     ---------मनहूस " मंज़िले " पुस्तक की सब से श्रेष्ठ कहानी है।...

Categories
Share

ઢીંગલું


આજે જન્માષ્ટમી હતી. કૃષ્ણનગરમાં મેળો હતો. કેટલાય દિવસોથી બાળકો આતુરતાપૂર્વક મેળાની રાહ જોતાં હતાં. આજે ઉમંગ અને ઉત્સાહનો એ દિવસ હતો.
સવાર પડતાંની સાથે જ "મેળો... મેળો..." કરતાં બાળકો થાકતા નહોતાં. એક ઘરથી બીજે ઘર, ને એક ગલીથી બીજી ગલીમાં રમઝટ જામી પડી હતી.
બાળકોનો પ્રિય ઉત્સવ એટલે મેળો. એમના માટે મેળો એટલે જાણે સ્વર્ગની ઉજાણી.
આર્યન પણ કંઈ કેટલાય દિવસથી મેળાની રાહ જોતો હતો. પરંતુ આજે મેળાના દિવસે એ ઉદાસ હતો. એ વિચારતો હતો કે 'બાકીના બધા બાળકો તો પોત-પોતાના પિતા સાથે મેળામાં જશે. પરંતું હું કોની સાથે મેળામાં જઈશ?' આ વિચારે એની મેળામાં મહાલવાની ખુશી ઉદાસીમાં ફેરવાઈ ગઈ હતી.
સુરજદાદા થોડે ઊંચે ચડી ગયા હતાં. કેટલાય જુવાનિયા મેળે જવા ચાલી નીકળ્યા હતા. વળી કેટલાય યુવાનો હજી તૈયાર થઈ રહ્યા હતા.
ફળિયામાં અજબ પ્રકારની ચહલ-પહલ મચી હતી. આર્યન ચોકની વચ્ચેના લીમડા નીચે ઊભો હતો. એવામાં એના કાને કોઈના રડવાનો અવાજ પડ્યો. એણે અચરજથી એ અવાજની દિશામાં નજર ફેરવી. મેહુલ રડતો હતો. એના પિતા એનું બાવડું ઝાલીને બહાર ખેંચી લાવતા હતાં. સાથે સાથે બબડતા હતા, "હજી હાલ જ ગઈ એ રક્ષાબંધનના દિવસે તો નવા કપડાં લાવી આપ્યા છે. ને ભાઈસા'બને બીજા નવા કપડાં લેવા છે! લે ચાલતો થા. નહીંતર પડ્યો રહે ઘરના ખૂણામાં." આમ કહેતા એક ધક્કા સાથે એને બહાર ફંગોળી દીધો. આ જોઈ આર્યનને જબરો ધક્કો લાગ્યો.
વળી, થોડીવારે સામેના મકાનના દરવાજે ઊભો ઊભો મયંક બરાડા પાડી રહ્યો હતો,"પણ પપ્પા! મને પચાસ નહીં સો રૂપિયા જોઈએ છે. નહીંતર હું મેળામાં જવાનો નથી." આ અવાજ આર્યને સાંભળ્યો. તરત જ એણે ખિસ્સામાં હાથ નાખ્યો. અંદરથી દસ રૂપિયાના સિક્કા નિકળ્યા. એની આંખે ઝળઝળિયા આવી ગયા. થોડી વારે એ સ્વસ્થ થયો. એટલી વારમાં મેહુલ એની નજીક આવી ગયો હતો. મેહુલના નવા કપડાં ઉપર એની નજર પડી. એણે પોતાના પહેરવેશ પર આછી નજર દોડાવી. છેલ્લા એક વર્ષથી એ આ જ કપડાં પહેરતો હતો. ને છતાં એ બહું જ ખુશ હતો. છતાં પણ એને અચાનક આજે પોતાના પિતા યાદ આવી ગયા. "કાશ! મારા પિતાજી આજે હયાત હોત તો! તો પોતે પણ કેવા નવા નવા કપડા લેવા માટે જીદ કરત! ને કેવા એના ખિસ્સામાં પચાસ કે સો રૂપિયાની કડકડતી નોટ રમતી હોત! પણ હાય રે નસીબ! પિતાજીનું સુખ એના નસીબમાં ક્યાં હતું?"
ને એ જ ઘડીએ આર્યનને માં સાંભરી આવી.
એ પોતે એક વર્ષનો હતો ત્યારે એના પિતાજીનું અવસાન થઈ ગયું હતું. માં કારમી ગરીબી વેઠીને એને મોટો કરતી હતી. લોકોના ઘેર કપડાં-વાસણ કરીને પોતાનું મોંઘું જીવન સાવ ગરીબીમાં પસાર કરતી હતી.
આર્યન થોડો મોટો થયો. એનામાં સમજ આવી ત્યારથી એણે માં આગળ જિદ કરવાની બંધ કરી દીધી હતી. માં જે ખવડાવે, પીવડાવે કે પહેરાવે એ પોતે રાજી થઈને સ્વીકારી લેતો હતો. માં તરફ એને કોઈ જ ફરિયાદ નહોતી. માં એ પણ એને સારા સંસ્કાર આપવામાં કોઈ જ કસર છોડી નહોતી.
એટલામાં સૌંએ મેળાની વાટ પકડી. લલિત, નયન અને મનન આ સૌ પોત- પોતાના પિતાની સાથે મેળો માણવા નીકળી પડ્યા હતાં. એવામાં જયવીર પણ એના પિતાની સાથે ઘરની બહાર નીકળ્યો. એણે પોતાના ભાઈબંધ આર્યનને જોયો. એ ખુશ થઈ ગયો. એ દોડતો આવીને આર્યનને ભેટી જ પડ્યો. એણે આર્યનનો હાથ પકડ્યો. અને એ મેળામાં જવા કૃષ્ણનગરની વાટે થયા.
રસ્તામાં આર્યન વિચારે ચડ્યો. પોતે મેળામાંથી શું-શું વસ્તુ લેશે?
એટલામાં જયવીર કહે; "આર્યન, આજે તો હું મેળામાંથી બહું જ રમકડાં લઈશ! ચાવીવાળા રમકડા લઈશ! પાંખવાળા રમકડાં લઈશ. ચકડોળમાં બેસીને ખૂબ મજા કરીશ. તું પણ મારી સાથે રહેજે હો ભાઈ." આર્યન જવાબમાં માત્ર એનું મોઢું તાકી રહ્યો.
એ મનમાં વિચારી રહ્યો, "મારી પાસે તો માત્ર દસ રૂપિયા જ છે. માંડ એકાદ નાની વસ્તુ આવશે. જયવીર તારા જેટલી મારી ત્રેવડ નથી. પણ હુંય કંઈક સારી વસ્તુ જ લઈશ." એમ વિચારીને એણે ચાલવા માંડ્યું.
એટલામાં કૃષ્ણનગર આવી ગયું. અહીં મેળાની રમઝટ જામી પડી હતી. આર્યન પોતાની બાર વર્ષની ઉંમરમાં પહેલીવાર આ મેળામાં આવ્યો હતો. એના આનંદનો તો પાર ન રહ્યો. મેળામાં આટલી ભીડ એણે પહેલીવાર જોઈ હતી.
"અહા..હા..! શું માનવ મહેરામણ ઊભરાયું છે! જો ભૂલથી પણ નીચે પડ્યા તો ચગદાઈ જ જઈએ. અને જો એકમેકથી છૂટા પડ્યા તો આ મેળામાં ખોવાઈ જ ગયા સમજો." એણે જયવિરને કહ્યું.
"અરે, તું ફકત મારો હાથ બરાબર પકડી રાખજે."
"હાં, જયવિર પણ જો તું ખોવાઈ ગયો તો તારા પિતાજી તને શોધી જ લેશે. પણ મારું કોણ? મને કોણ ગોતવા આવશે?" આર્યને પોતાની ચિંતા બતાવી.
"અરે બકા, તું ચિંતા ન કર. ગભરાઇશ પણ નહીં. હું છું ને. તને નહીં ખોવાવા દઉં! અને જો શાયદ હાથ છૂટી ગયો ને તોય હું તને ખોળી લઈશ." જયવિરે એનો હાથ દબાવ્યો.
આમ, વાતો કરતાં કરતાં એ લોકો આગળ વધ્યા. એમણે મેળામાં ઉંચા ઉંચા ચકડોળ જોયા ને એ ઝૂમી ઉઠ્યા. એમણે અવનવા રમકડાની દુકાનો જોઈ અને એ નાચી ઉઠ્યા. એમણે આગળ જતાં મદારીના ખેલ જોયા ને એ ગેલમાં આવી ગયા.
વળી આગળ જતા એમણે ઘોડાની હરીફાઈ જોઈ એટલે એ આનંદની ચિચિયારીઓ પાડી ઉઠ્યા. મેળાનો આવો ભવ્ય વૈભવ જોઈ આર્યનના ઉમંગનો પાર ન હતો.
આર્યને પોતાના ગામના છોકરાઓને ચકડોળમાં બેઠેલા જોયા. એનેય એમાં બેસવાનું મન થઈ આવ્યું. પણ એ જ વખતે એના હાથ ખિસ્સામાં ગયા. એ ઉદાસ થઈ ગયો. એની ખુશી ઝાંખી પડી ગઈ. એ વખતે એને એના પિતાજી ફરીથી યાદ આવી ગયા. એ સ્વગત બોલ્યો:"કાશ! મારા પિતાજી હયાત હોત તો હું પણ કેવો ચકડોળની મજા માણતો હોત!"
થોડીવારે પાછો સ્વસ્થ થયો. ઉદાસીને ખંખેરી નાખી. ત્યાંથી એ આગળ વધી પોતાના મિત્રની સાથે રમકડાના વિભાગ તરફ જઈ રહ્યો હતો. એવામાં અડાબીડ ભીડમાં એનો હાથ જયવિરના હાથથી છૂટી ગયો. જેનો આર્યનને ભય હતો એ જ બીના બની ગઈ! આર્યન ગભરાઈ ગયો. હાંફળા- ફાંફળા થઈને એણે આમતેમ નજર ફેરવી. પણ જયવિર ક્યાંય દેખાયો નહીં. એ ચીસ પાડી ઉઠ્યો. પણ આવા ભયંકર કોલાહલમાં એનો અવાજ કોઈના કાને પડ્યો નહીં. ગભરામણથી એને પરસેવો વળી ગયો. એણે હિંમત ધરી. એ ત્યાંથી થોડો આગળ વધ્યો. ત્યાં જાતજાતના રંગબેરંગી રમકડાઓની દુકાનો લાગી હતી. બાળકોની ખૂબ ભીડ જામી પડી હતી. દરેક બાળક સાથે એના માતા કે પિતા હાજર હતાં. માત્ર આર્યન ત્યાં એકલો અટૂલો હતો. રમકડા જોઈને એ પોતે એકલો પડી ગયો છે એનુંય એને ભાન રહ્યું નહીં. રમકડાઓ તરફ તાકીને એ ત્યાં જ ઉભો રહી ગયો. એ રમકડાં ખરીદતા બાળકને અનાથની જેમ જોઈ રહ્યો. કોઈ બાળક રડતું હતું. કોઈ જીદ પકડી રહ્યું હતું. તો વળી, કોઈ બાળક મનને ગમતું રમકડું લેવા પોતાના પિતાજીને મનાવી રહ્યું હતું. બીજા બાળકો રમકડાં લેતા જાય એ આર્યન તરસી નજરે જોતો જાય. અન્ય બાળકો રમકડાં લઈને ખુશી અનુભવતા હતા. જ્યારે આર્યન ઊભો ઊભો દુઃખ અનુભવતો હતો. એનેય રમકડું ખરીદવું હતું પણ બીજા લોકો જેટલા આપતા હતા એટલા પૈસા એની પાસે નહોતા. એના ગળામાં શોષ બાજી ગયો હતો. આંખો સૂજી ગઈ હતી. અને ચહેરો ઉદાસીમાં પલટાઈ ગયો હતો. રમકડા ખરીદવાની તાલાવેલી એની આંખોમાં ડોકાતી હતી. પરંતું પૂરતા રૂપિયાનો અભાવ હતો એની પાસે.
રમકડાં જોવાની ખુશીમાં અને ખરીદી ન શકવાના દુઃખમાં આર્યન તરસનેય વીસરી ગયો હતો. એની આંખોમાં બસ રમકડાઓ રમતાં હતાં. અને એને ન ખરીદી શકવાના અફસોસથી એનું અંતર મન રડી રહ્યું હતું.
ઘણાં બધાં રમકડાની વચ્ચે એક ચાવી વાળું રમકડું હતુ. એ આર્યનને એ ખૂબ જ પસંદ આવી ગયું હતું. એક બાળકે જ્યારે એ ચાવીવાળું ઢીંગલું ખરીદ્યું ત્યારે તો આર્યનથી એ તરફ હાથ લંબાઈ ગયા હતાં. પણ તરત જ એ સમજી ગયો. એણે અદબ વાળી. એ એક બાજુ ઊભો રહી ગયો.
ચાવીવાળા એ રમકડાંના ઢીંગલાને પેટની જગ્યાએ ચાવી હતી. ચાવી ફેરવો એટલે એ ચાલવા માંડે. ઉપરના ભાગે પણ એક ચાવી હતી. એને ફેરવો એટલે એ હાથ પગ ઊંચા કરીને નાચવા લાગે. આર્યનને આ રમકડું ખરીદવાની તાલાવેલી હતી. પણ એ રમકડાંની કિંમતના રૂપિયા એની પાસે નહોતા. એટલે એ એને માત્ર તાકી જ રહ્યો હતો.
એવામાં આર્યનની ધીરજ ખૂટી. એણે વિશાદથી ઘેરાયેલી આંખો પટપટાવી. હિંમત ભેગી કરીને આગળ આવ્યો. ઢીંગલાને હાથ લગાવીને કહ્યું,"મોટાભાઈ આની કિંમત શું છે?"
"તારે ને વળી કિંમત જોડે શું લેવાદેવા?"
"કેમ? મારે લેવું છે! મને એ ગમી ગયું છે."
"હું જોઈ રહ્યો છું. તું ક્યારનોય અહીં ઊભો છે. તારી સાથે કોઈ છે જ નહીં. તો તું વળી ક્યાંથી પૈસા આપીશ?"
"ભાઈ, મને એ ઢીંગલું ગમી ગયું છે." આર્યને શાંત સ્વરે કહ્યું.
"પણ કહ્યું ને, તું એટલા રૂપિયા નહી આપી શકે?" દુકાનદાર છોકરો ગુસ્સે થયો.
આ સાંભળીને આર્યંનની આંખોમાં આંસુ ઉભરાઈ આવ્યા. એને બહું જ લાગી આવ્યું. એ લાચારીથી એકબાજુ જઈને પાછો ઊભો રહી ગયો. દુકાનદારના ગુસ્સાથી એ ડરી ગયો હતો.
થોડી વારે એણે ત્યાંથી ખસી જવા માટે પગ ઉપાડ્યા. એક હાથ ખિસ્સામાં હતો. ખીસ્સામાં રહેલા સિક્કાઓને એ ધીમે ધીમે ખખડાવતો ખખડાવતો આગળ વધી રહ્યો હતો. એ આગળ ચાલતો જાય અને નિશાશાભેર પાછળ દુકાનદાર તરફ નજર નાખતો જતો હતો.
આર્યન અને પેલા દુકાનના છોકરાની રકઝક એક દાદાએ સાંભળી.
એટલામાં આર્યનના કાને એક બૂમ સંભળાઈ.
"એય લે, ઢીંગલું લેતો જા. પાછો આવ."
એ બૂમ એક ઘરડા દુકાનદારની હતી. એ દુકાનનો માલિક હતો. એ ઘરડો દુકાનદાર આર્યન જ્યારથી અહીં દુકાન આગળ આવીને ઊભો હતો ત્યારથી એની લાચારી જોઈ રહ્યો હતો. આ બાળક બાપ વિનાનું અનાથ છે. એવું એની અનુભવી આંખો જાણી ગઈ હતી. એમને આર્યન પર હમદર્દી ઉપજી આવી.
આર્યન સ્ટોલ આગળ આવીને ઉભો રહ્યો. ઘરડા દુકાનદાર દાદા હાથમાં ઢીંગલું ઉપાડીને ઉભા હતાં. એમણે તરત જ આર્યનને ખોળામાં ઊંચકી લીધો. ને એ જ ઘડીએ આર્યનના હાથમાં ઢીંગલું પકડાવી દીધું. આર્યનને તો જાણે બાળ સ્વર્ગનું સામ્રાજ્ય મળ્યું હોય એમ એ ખુશમિજાજ બની ગયો. એની અપાર ખુશી સાતમા આસમાને પહોંચી ગઈ. એની આંખોમાંથી આનંદના આંસુ ઉતરી આવ્યા. ઘરડા દાદાજીના હાથમાંથી એ નીચે ઊતર્યો. ઢીંગલાને હાથમાં પકડીને એને ખિસ્સામાં હાથ નાખ્યો.
એણે ખિસ્સામાંથી સિક્કાઓ કાઢ્યા. ગણવા માંડયા.
"રહેવા દે દીકરા. તારે પૈસા નથી આપવાના." દયાની પ્રેમાળ ભાવનાથી ઘરડા દુકાનદારે કહ્યું.
"ના ના દાદા. મારે આપવાના છે." હાથમાં રહેલા સિક્કા ગણતા એ આગળ બોલ્યો. "દાદા, આ ઢીંગલાની કિંમત જેટલા તો નથી પણ જેટલા છે એટલા રૂપિયા મારે તમને આપવા જોઈએ અને આપવા છે."
"પણ દીકરા, હું તને ખુશ થઈને આ ભેટ આપું છું."
"દાદા, મફતનું મારાથી ન લેવાય. પૈસા તો તમારે લેવા જ પડશે. નહીં લો તો હું આ રમકડું નહિ સ્વીકારી શકું."
આર્યનની પ્રેમાળ જીદ જોઈ દુકાનદારે પૈસા લેવાનું વિચાર્યું. પણ પછી પૂછ્યું," કેમ દીકરા પૈસા આપવાની જીદ કરે છે?"
"દાદા, મારે પિતાજી નથી. માં મજુરી કરીને ગુજરાન ચલાવે છે. અમે મા-દીકરો હંમેશા આનંદમાં રહીએ છીએ. માં એ મને જીવનમાં ઉતારવા જેવા ત્રણ વચન આપ્યા છે:પહેલું ચોરી કરવી નહીં. બીજું હરામનું લેવું નહીં અને ત્રીજું જૂઠું બોલવું નહીં. મારાથી મારી માં ના વચનનું ઉલ્લંઘન નહીં થાય દાદા."
દુકાનદારે આ સાંભળ્યું. એ ખુશ થયો. એણે પૈસા સહર્ષ સ્વિકારી લીધા.
હવે આર્યનની ખુશીનો પાર ન હતો. એના ચહેરા પરની ખુશીના ભાવ જોઈને દુકાનદાર દાદા ખુશ ખુશ થઈ ગયા. એમની આંખોમાં પણ ઝળઝળિયા આવી ગયા.
આર્યન ઢીંગલાવાળું રમકડું જોતા થાકતો નહોતો.
સાંજ થવા આવી હતી. લોકો વીખરાઈ રહ્યા હતાં. ભીડ આછી પડી હતી. પરંતું હજી કોલાહલ શમ્યો નહોતો.
અચાનક આર્યન ઉભો રહી ગયો. હવે જવું ક્યાં? કઈ દિશામાં જવાથી ગામ તરફનો રસ્તો મળે? તે એકલા ગામ કેવી રીતે પાછો જઈ શકશે? એ વિચારે એ અચકાયો. ઘડીકવારમાં એકલા ગામ જવાના વિચારે એ ઢીંગલું મળ્યાની ખુશીનેય પણ વિસરી ગયો. એની આંખે પાછા બિહામણા અંધારા ઉતર્યા. એણે થોડા ગભરાહટ સાથે ચારે તરફ નજર કરી. કોઈ ઓળખીતું દેખાયું નહીં.
"હવે, હવે શું?" એ મનમાં બબડ્યો.
એ ચકડોળ તરફની દિશામાં આગળ વધ્યો. ત્યાં પણ પોતાના ગામનું કોઈ દેખાયું નહિ. એણે એક સજ્જનને પૂછ્યું;"કાકા, ઝાંઝાવાડા તરફ જવાનો માર્ગ કયો?"
કાકાએ આર્યન તરફ જોયું. એને એકલો જોઈ પૂછ્યું;" બેટા, તું એકલો છે?"
"હા કાકા. ગામેથી આવ્યા ત્યારે તો હું મારા ભાઈબંધ ભેગો આવ્યો હતો. પણ અહીં મેળામાં અમે છૂટા પડી ગયા. ને હું હવે એકલો પડ્યો છું."
"બેટા હવે સાંજ થવા આવી છે. તું એકલો કેમ કરીને જઈશ?"
"કાકા, તમે મને માર્ગ બતાવો. હું એકલોય જતો રહીશ. હવે હું એકલો ક્યાં છું? આ ઢીંગલું છે ને મારી સાથે!" કહીને એણે રમકડાંને બચીઓ ભરી.
કાકાએ આર્યનને એના ગામ તરફનો માર્ગ બતાવ્યો. થોડે સુધી મૂકવા પણ આવ્યા.
આર્યન રસ્તામાં એકલો એકલો ચાલી રહ્યો હતો. મનમાં ને મનમાં એ એક અજબ ખુશીથી નાચી રહ્યો હતો. આનંદ એના દિલમાં સમાતો નહોતો. ઘેર જવાનું મોડું થઈ રહ્યું છે. પોતે એકલો છે. રસ્તો થોડો બિહામણો છે. એ બધું જ એ ભૂલી ગયો હતો.
"આજે તો ગામમાં મારો વટ પડી જવાનો. મારા ઢીંગલા જેવું રમકડું કોઈ બાળક પાસે નહીં હોય. પેલો ચંદુ તો મને પૂછ્યા જ કરશે,' આર્યન કહે કેટલામાં લીધું તે આ રમકડું!'
પેલો સાહિર તો એમ જ કહેતો ફરશે કે,'આર્યન તે આ ઢીંગલું ચોરી કરીને જ લીધું લાગે છે!'
કાલે તો ફળિયાના બધા જ છોકરા મારા ઘેર આવશે. ઢીંગલાને રમાડ્યા કરશે. ભલે આવતા. ભલે બધા રમે ને મજા કરે. વળી પાછું એને વિચાર આવ્યો:'બધા બાળકો વારાફરથી પકડંપકડી કરશે તો આ તૂટી જશે તો? કોઈ અળવીતરું છોકરું તોડી નાખશે તો?'ને એ જ ઘડીએ એના મને એને જવાબ આપ્યો:'આર્યન, ભલેને તૂટે. આપણે તો ક્યાં એના પૂરેપૂરા રૂપિયા ચૂકવ્યા છે તે ચિંતા કરવાની! દાદાએ મફતના ભાવે તો આપ્યું છે. એટલે એકલાથી તો રમાય નહીં. ભલે ને હવે ગામ આખાના બાળકો આ ઢીંગલાની મજા લે." આમ અનેક અવનવા વિચારો કરતો એ ચાલી રહ્યો હતો.
આ ઢીંગલું આર્યન માટે જાણે જીવ સમાન બની ગયું હતું. એની ખુશી હતી. એનો ભાઈબંધ હતો જાણે.

ઉમંગમાં ને ઉમંગમાં ગામ નજીક આવતું હતું. એને અચાનક ફરીથી પિતાજી યાદ આવ્યા. એ મનમાં બબડ્યો:" પિતાજી, શાયદ આપ હયાત હોત તો! તો મારે આમ આ બિહામણા રસ્તે એકલા નીકળવું ના પડત. તમે હોત તો મારે આ રમકડા માટે દિવસભર લાચાર બનીને નિશાસા નાખવા ના પડત. તમે હોત તો આજે મારે આ મેળામાં ઢીંગલા માટે પેલા દયાળુ દાદાની દયા ના મોહતાજ ન બનવું પડ્યું હોત." એની આંખ ફરીથી ભરાઈ આવી..
એમ કરતાં એ ગામને પાદર આવી પહોંચ્યો અને એની વિચારયાત્રા તૂટી.
એવામાં એના કાને કોઈ બાળકના રડવાનો અવાજ પડ્યો. એણે એ અવાજ તરફ નજર ફેરવી. જોયું તો એક રામુકાકા પોતાના પુત્રને સોટી વડે મારી રહ્યાં હતાં. આર્યન સફાળે દોડતો ત્યાં પહોંચી ગયો.
એ બોલ્યો:"અલા રામુકાકા, આવડા નાના છોકરાને આમ શું કામ મારો છો? કંઈક તો દયા કરો બિચારા ઉપર. રમવાની ઉંમરના બાળકને તમે આમ માર ખવડાવો છો!"
"તું વળી કોણ છે મને રોકવાવાળો? ચાલ નીકળ અહીંથી. નહીંતર તનેય પડશે હાં." ગુસ્સાથી કરડી આંખ કરતાં રામુકાકા બોલ્યા.
આર્યન થોડીવાર ત્યાં જ ઊભો રહ્યો. પછી એણે વાત વધારી. એ બોલ્યો:"પણ કાકા, તમે ભલે એને મારો કિન્તુ એનો ગુનો શું છે?"
"ગુનો?" કહેતા એમણે ફરી બાળકના પીઠ પર ધબ્બો માર્યો. પછી આગળ કહે'"મારા રોયાએ મેળામાં રડી રડીને જીદ કરીને એક રમકડું લેવડાવ્યું. અને રસ્તામાં જ તોડી નાખ્યું. હવે ભાઈસાહેબને નવું લેવું છે. એનો બાપ હવે પાછો મેળામાં આટલે દૂર લેવા જાય! રમકડાના બદલામાં એને ગામમાંથી નવા કપડાં લઇ આપવાનું કહ્યું. નવા બૂટ લઈ આપવાનું કીધું. પણ હરામખોર માનતો જ નથી. એને તો એ જ રમકડું જોઈએ છે. બોલ હવે શું કરું?"
આ વાતચીત ચાલતી હતી. એટલામાં પેલો માર ખાતો છોકરો આંખો ચોળતો ઊભો થયો. એણે આર્યન તરફ નજર કરી. આર્યનના હાથમાં રમકડાનું ચાવી વાળું ઢીંગલું હતું. એ જોઈ એના રડવાનો અવાજ બંધ થયો. આર્યનની નજીક આવીને એ ઊભો રહી ગયો. અને ટગર ટગર ઢીંગલાને જોવા લાગ્યો.
"આ જો. આ ની હાલત તો જો." તૂટેલા રમકડાં તરફ ઈશારો કરતાં રામુકાકાએ કહ્યું.
આર્યને એ તરફ જોયું તો પોતાના ઢીંગલા જેવું જ રમકડું હતું. એ વિચારમાં પડી ગયો. થોડીવારે બોલ્યો:" આ તો મારા ઢીંગલા જેવું જ છે! "
અને એણે તરત જ પોતાની પાસેનું ઢીંગલાનું રમકડું પેલા બાળક સામે ધર્યું. કહે:'લે હાર્દિક, આ ઢીંગલું હવે તારું. બસ, જલસા કર. અને રડવાનું બંધ કર."
"પણ બેટા એ તો તારું છે ને."
રામુકાકા નો ગુસ્સો ઉતર્યો. ને એમણે દયામણા અવાજે કહ્યું:" તું શું કામ આપે છે ભાઈ! તારે જ રાખ. એ તો હમણાં ઠેકાણે આવી જશે."
"ના કાકા, આ હાર્દિકના દુઃખ આગળ મારી ખુશીનું કઈ જ ન ઉપજે. ભલે તમતમારે લઈ જાઓ. મારે તો જેટલી મજા કરવી હતી એટલી મજા આ ઢીંગલા સાથે મેળામાંથી આવતા આવતા રસ્તામાં કરી લીધી છે. હવે મારા માટે આ નકામું છે. વળી, આ મારી પાસે હશે તો મને ભણવામાં મન નહીં લાગે."
ઘણી આનાકાની થઈ. આર્યન એકનો બે ન થયો. એ રમકડું આપવા જીદે ચડ્યો. અને પેલા બાળકના જીવમાં જીવ આવ્યો.
આખરે કાકાએ આર્યન સામે રૂપિયા ધર્યા. આર્યને બધા રૂપિયામાંથી પોતે જેટલા ખર્ચ્યા હતાં તેટલા જ રૂપિયા લીધા. બાકીના કાકાને પાછા આપ્યા.
આ જોઈ કાકા કહે:"પણ બેટા, મેં તો એ પચાસ રૂપિયામાં ખરીદ્યું હતું. ને તે તો દસ રૂપિયા જ લીધા છે માત્ર!"
"હાં કાકા, મેં તો માત્ર દસ રૂપિયામાં જ લીધું હતું આ રમકડું."
"એ કેવી રીતે?"
"તમારે એ જાણવું નથી, કાકા. તમે બસ આને લઈ જાઓ. અને તમારા છોકરા ને ખુશ કરો.
કાકાએ પૂરેપૂરા રૂપિયા આપવાની જીદ કરી ત્યારે એણે કહ્યું,"કાકા તમે મને ઓળખતા નથી. આવડા મોટા ગામમાં મારા જેવા ગરીબને તમે ક્યાંથી ઓળખો? પણ મારી માતાએ મને ત્રણ વચન આપ્યા છે એનું હું ગમે તે ભોગે પાલન કરું છું."
"કયા વચન બેટા?"
કાકા મારી માતાએ મને ત્રણ વચન લેવડાવ્યા છે. "ચોરી કરવી નહીં. હરામનું લેવું નહીં અને જુઠ્ઠું બોલવું નહીં."
આર્યનની આવી વાતો સાંભળીને કાકા એના પર ઓવારી ગયા.
અંધારું થવા આવ્યું હતું. પેલો છોકરો અને કાકા એમના ઘર તરફ વળ્યા. જ્યારે આર્યન પોતાના ફળિયા તરફની શેરી તરફ વળ્યો.
આછા અંધારામાં પેલું બાળક દેખાતુ બંધ થયું ત્યાં સુધી આર્યન એને જતો જોઈ રહ્યો. એ પોતે ઢીંગલાને જોઈ રહ્યો હતો કે પેલા બાળકને એની એને ખુદને પણ ખબર નહોતી પડતી.

©Ashq Reshammiya