Sapnana Vavetar - 36 in Gujarati Short Stories by Ashwin Rawal books and stories PDF | સપનાનાં વાવેતર - 36

Featured Books
  • રેડ સુરત - 6

    વનિતા વિશ્રામ   “રાજકોટનો મેળો” એવા ટાઇટલ સાથે મોટું હોર્ડીં...

  • નારદ પુરાણ - ભાગ 61

    સનત્કુમાર બોલ્યા, “પ્રણવ (ૐ), હૃદય (નમ: ) વિષ્ણુ શબ્દ તથા સુ...

  • લગ્ન ને હું!

    'મમ્મી હું કોઈની સાથે પણ લગ્ન કરવાના મૂડમાં નથી, મેં નક્...

  • સોલમેટસ - 10

    આરવને પોલીસ સ્ટેશન જવા માટે ફોન આવે છે. બધા વિચારો ખંખેરી અન...

  • It's a Boy

    સખત રડવાનાં અવાજ સાથે આંખ ખુલી.અરે! આ તો મારો જ રડવા નો અવાજ...

Categories
Share

સપનાનાં વાવેતર - 36

સપનાનાં વાવેતર પ્રકરણ 36

અનિકેતની સિદ્ધિ પરોક્ષ રીતે હવે કામ કરી રહી હતી. અંજલિના આમંત્રણ પછી અનિકેત સુજાતા બિલ્ડર્સની ઓફિસે ગયો હતો અને પછી ત્યાંથી અંજલીના બંગલે પણ ગયો હતો. ત્યાં એને અંજલીના સ્વ. પિતા રશ્મિકાંતના આત્માનો અનુભવ થયો હતો અને એમની સાથે વાતચીત પણ કરી હતી.

રશ્મિકાંત પાસેથી અનિકેતને એમનાં પત્નીનું નામ નીતાબેન અને ભત્રીજાનું નામ સંજય છે એવી જાણ થઈ હતી. અનિકેતે આ બંનેનાં નામ દઈને અંજલી સાથે વાત કરી એટલે અંજલીને ખૂબ જ આશ્ચર્ય થયું હતું.

" તમે ગુરુજીને કેટલા સમયથી ઓળખો છો ? " નીતાબેન બોલ્યાં.

" મારો એમની સાથેનો પરિચય બહુ જૂનો નથી. છેલ્લા એક બે વર્ષથી જ પરિચયમાં આવ્યો છું. પરંતુ મારા દાદા વર્ષોથી એમને ગુરુજી માને છે અને દર વર્ષે ગુરુપૂર્ણિમાએ દર્શન કરવા પણ રાજકોટ જાય છે. ગુરુજીની અવસ્થા બહુ જ ઊંચી છે અને મને એનો અનુભવ પણ થયો છે. " અનિકેત બોલ્યો.

" હું અને મારા હસબન્ડ પણ વર્ષોથી દર ગુરુપૂર્ણિમાએ રાજકોટ જતાં હતાં. તમારા દાદાને મારા હસબન્ડ ઓળખતા જ હશે ! આ બધું સામ્રાજ્ય એમના આશીર્વાદથી જ ઊભું થયું છે. " નીતાબેન બોલ્યાં.

" ગઈ ગુરુપૂર્ણિમાએ હું પણ રાજકોટ ગયો હતો અને મેં તમને ત્યાં જોયાં હતાં એવું મને યાદ આવે છે. તમને જોયાં ત્યારથી જ મને થતું હતું કે મેં તમને ક્યાંક જોયેલાં છે. " અનિકેત બોલ્યો.

" એકબીજાની ઓળખાણ પતી ગઈ હોય તો હવે બોલો તમને શું ફાવશે ? ઘરે આવ્યા છો તો કંઈક તો લેવું પડશે. તમને ઉતાવળ ન હોય તો ફટાફટ મેથીના ગોટા બનાવી દઉં. " અંજલી ભાવથી બોલી.

"અરે ના ના એવું કંઈ કરવાની જરૂર નથી. તમે ઓફિસમાં આઈસ્ક્રીમ મંગાવ્યો જ હતો ને !" અનિકેત બોલ્યો.

" અરે એને તો દોઢ કલાક થઈ ગયો. અને આઈસ્ક્રીમ એ કંઈ ખોરાક નથી. ગોટા બનતાં નહીં વાર લાગે. થોડીક વાર બેસો ને !" અંજલીએ આગ્રહ કર્યો.

" અંજલી ખરેખર મેથીના ગોટા બહુ સરસ બનાવે છે. ઘરે આવ્યા જ છો તો જમીને જ જાઓ. હવે તમારી સાથે અમારા સંબંધ બંધાયા છે. આ ઘરને પણ તમારું જ ઘર સમજો. ગમે ત્યારે અહીં આવી શકો છો." નીતાબેન બોલ્યાં.

" મેં પણ એમને કહ્યું મમ્મી કે તમે આ બાજુ શિફ્ટ થઈ જાઓ. આપણી ઘણી બધી સ્કીમો ચાલી રહી છે. એમને જે ગમે તે ફ્લેટ પસંદ કરી શકે છે." અંજલી બોલી.

" અંજલીની વાત સાચી છે. આ બાજુ તમે શિફ્ટ થઈ જશો તો વધારે સારી રીતે આપણી સ્કીમો ઉપર તમે ધ્યાન આપી શકશો. " નીતાબેન બોલ્યાં.

" ઠીક છે હું જરૂર વિચારીશ. મારે બધી જ ચર્ચા મારા દાદા સાથે અને મમ્મી પપ્પા સાથે પણ કરવી પડશે. " અનિકેત બોલ્યો.

" હવે બેટા તું જલ્દી રસોડામાં જા. એમને મોડું થાય છે. " નીતાબેન બોલ્યાં. એ સાથે જ અંજલિ રસોડા તરફ ભાગી.

લગભગ ૨૫ મિનિટના સમયમાં અંજલી મેથીના ગોટાની ડીશ લઈને આવી. પાછળને પાછળ કામવાળી બાઈ પણ ચા નો કપ લઈને આવી.

" તમારે મને કંપની તો આપવી જ પડશે અંજલી. મને એકલા એકલા ખાવાની ટેવ નથી. તમે આમાંથી જ થોડા ગોટા લઈ લો કારણ કે ઘણા બધા વધારે છે. " અનિકેત હસીને બોલ્યો.

અંજલી અંદર જઈને બીજી ખાલી ડીશ અને ચા નો કપ લઈ આવી અને ત્રણ-ચાર ગોટા પોતાની ડીશમાં મૂક્યા.

" વેરી ડીલીશીયસ. ખરેખર ગોટા ખૂબ જ સોફ્ટ અને સ્વાદિષ્ટ બન્યા છે. એના ટેસ્ટમાં તમારા હાથની કમાલ દેખાય છે !" અનિકેત બોલ્યો.

" થેન્ક યુ. તમારાં વાઈફ પણ આવા જ ગોટા બનાવતાં હશે ને ! " અંજલીએ જાણી જોઈને આ સવાલ પૂછ્યો જેથી ખ્યાલ આવે કે અનિકેતનાં લગ્ન થઈ ગયા છે કે નહીં.

" જી બિલકુલ. પરંતુ કૃતિના હાથની રસોઈ ચાખવાનો અવસર બહુ ઓછો મળે છે. વર્ષોથી અમારા ત્યાં મહારાજ છે. સવાર સાંજની રસોઈ એ જ કરે છે. એ બીજા કોઈને કિચનમાં પ્રવેશવા દેતા જ નથી. " અનિકેત બોલ્યો.

" અમારે ત્યાં પણ આ મારવાડી બેન જ બે ટાઈમ રસોઈ બનાવે છે. ૨૪ કલાક અમારા ઘરે રહે છે. તમારા માટે જ અંજલી જાતે ગોટા બનાવવા કિચનમાં ગઈ." નીતાબેન બોલ્યાં.

અનિકેતના જવાબથી અંજલી થોડી ક્ષણો માટે અપસેટ થઈ ગઈ હતી. અનિકેત પરણેલો છે એ સમાચાર એને થોડા વ્યથિત કરી ગયા પરંતુ એણે એની જાતને સંભાળી લીધી.

મુલાકાત લગભગ પૂરી થઈ ગઈ હતી એટલે અનિકેત ઉભો થયો.

" ચાલો હવે રજા લઉં. સાંજના સાડા સાત વાગવા આવ્યા છે. ઘરે પહોંચતાં નવ સાડા નવ થઈ જશે. દાદા સાથે ચર્ચા કરીને મારો નિર્ણય તમને વહેલી તકે જણાવી દઈશ. મોટા ભાગે તો નિર્ણય પોઝિટિવ જ હશે કારણ કે આ સૂચન ગુરુજી તરફથી મળેલું છે. " અનિકેત બોલ્યો અને બહાર નીકળ્યો.

અંજલી પણ એની પાછળ પાછળ બહાર આવી. અનિકેત પોતાની ગાડીમાં ગોઠવાઈ ગયો અને અંજલીને બાય કહીને એણે વિદાય લીધી.

તે દિવસે રાત્રે સૂતી વખતે અનિકેતે કૃતિ સાથે ચર્ચા શરૂ કરી.

" કૃતિ તું ખરેખર નસીબદાર છે. તું જે ઈચ્છે છે એ તને મળે જ છે. તારી બધી જ ઈચ્છાઓ એક પછી એક પૂરી થાય છે. " અનિકેત બોલ્યો.

" મૂળ મુદ્દા ઉપર આવોને સાહેબ. કઈ વાત ઉપર મને નસીબદાર કહો છો ? મને તમે ગાડી ગિફ્ટ આપી એ વાત ઉપર ? " કૃતિ બોલી.

" ના રે ના. ગિફ્ટ આપીને તને યાદ કરાવું એવો માણસ હું નથી. તેં મને વેસ્ટર્ન લાઈનમાં શિફ્ટ થવાની જે વાત કરી હતી એની વાત કરું છું. સંજોગો જ એવા ઊભા થઈ રહ્યા છે કે થોડાક મહિના પછી કદાચ આપણે ત્યાં શિફ્ટ થઈ જઈએ. " અનિકેત હસીને બોલ્યો.

" વાઉ ! આ તો ખરેખર ગ્રેટ ન્યુઝ કહેવાય. મને કહો તો ખરા કે એવા તે કેવા સંજોગો ઊભા થયા છે ? " કૃતિ બોલી.

" બાંદ્રાની એક કન્સ્ટ્રક્શન કંપની ટેક ઓવર કરવાનો ચાન્સ મને મળી રહ્યો છે. કંપની ઘણી મોટી છે અને એની ઘણી સ્કીમો બાંદ્રા, ખાર અને જૂહુ સ્કીમમાં ચાલી રહી છે. જો આ કંપની ટેક ઓવર કરવાની થાય તો પછી આપણે ત્યાં જ શિફ્ટ થવું પડે. અને એ કંપની જ મને ફ્લેટ આપી રહી છે." અનિકેત બોલ્યો.

" તમારા મ્હોં માં ઘી સાકર ! આ તો ખરેખર ગ્રેટ ન્યુઝ છે અનિકેત. આપણી આખી જિંદગી બદલાઈ જશે. આ સમાચાર આપીને આજે તમે મને ખુશ કરી દીધી. હું ખૂબ પ્રસન્ન છું. બોલો સ્વામી અત્યારે તમે જે માંગો તે આપવા તૈયાર છું. " કહીને કૃતિ અનિકેતને પ્રેમથી વળગી પડી.

" રાતના ૧૧ વાગ્યા છે. આ સમયે તો એક જ ઈચ્છા હોય બાલિકે" અનિકેત બોલ્યો.

"તો પૂરી કરો. બાલિકા તૈયાર જ છે." કૃતિ અનિકેતની આંખોમાં આંખો પરોવીને બોલી. અનંગનો રંગ એને ચડવા માંડ્યો હતો.

આજે કૃતિ એટલી બધી પાગલ થઈ ગઈ હતી કે બંનેના આ મિલનમાં ક્યારે રાતના બે વાગી ગયા એનું પણ ભાન ના રહ્યું.

બીજા દિવસે રાત્રે જમતી વખતે ડાઇનિંગ ટેબલ ઉપર અનિકેતે અંજલીની ઓફરની વાત કરી.

" પપ્પા હું બાંદ્રામાં આવેલી સુજાતા બિલ્ડર્સની કંપની ટેક ઓવર કરું છું." અનિકેતે એવો ધડાકો કર્યો કે એના કાકા પપ્પા અને દાદા પણ ચોંકી ગયા.

" તું શું વાત કરે છે બેટા !! ટેક ઓવર કરે છે એટલે ? સુજાતા બિલ્ડર્સ તો બહુ જાણીતી કંપની છે. એના માલિક રશ્મિકાંત ભાટિયાનું હમણાં બે મહિના પહેલાં જ અવસાન થયું. " દાદા ધીરુભાઈ બોલ્યા.

" હા બસ એ જ કંપની. રશ્મિકાંત અંકલ ગુજરી ગયા છે. એક માત્ર દીકરી એમની વારસદાર છે જે આ ધંધાની લાઈનથી અજાણ છે. એમનાં પત્ની નીતા આન્ટી અને એમની દીકરી અંજલી આ કંપની મને સોંપી દેવા માંગે છે. મને કહ્યું કે તમારી વિરાણી બિલ્ડર્સ કંપની સુજાતા બિલ્ડર્સને ટેક ઓવર કરે અને તમે જ આ કંપની સંભાળો. " અનિકેત બોલ્યો.

" માન્યામાં નથી આવતું અનિકેત. તારો પરિચય એમને કઈ રીતે થયો ? તેં ક્યારે વાતચીત કરી ? અને આટલી મોટી કંપની એ કેમ આપણને જ સોંપી દેવા માંગે છે ? કંઈ મગજમાં બેસતું નથી. " ધીરુભાઈ બોલ્યા.

" કારણકે આપણા ગુરુજીએ નીતા આન્ટીને મારી ભલામણ કરી. " હવે અનિકેત હસીને બોલ્યો.

" શું વાત કરે છે ? ગુરુજીએ તારી ભલામણ કરી એમને ? હવે મને સમજાયું. રશ્મિકાંતભાઈ પણ દર ગુરુપૂર્ણિમાએ રાજકોટ આવતા હતા એ હું જાણું છું. હું એમને ત્યાં મળેલો પણ છું. મને કલ્પના પણ નહીં કે ગુરુજી આટલી મોટી કંપની માટે તારી ભલામણ કરશે ! તું ખૂબ જ કિસ્મત વાળો છે અનિકેત ! મને તારા માટે ગર્વ થાય છે બેટા. મારા માટે તો આનાથી મોટી સિદ્ધિ બીજી કોઈ છે જ નહીં !" એકદમ ઉત્તેજિત થઈ ગયા.

" હા અનિકેત માની ના શકાય એટલી મોટી ઓફર તને મળી છે. અબજો રૂપિયાની આ કંપની છે. એની સ્કીમો પણ બાંદ્રા અને જુહુ જેવા વિસ્તારમાં બની છે અને અત્યારે પણ બનતી હશે. એવા એરિયામાં તો એક એક ફ્લેટ પણ ૨૫ થી ૪૦ કરોડમાં વેચાતા હોય છે. તારે એ કંપની ટેકઓવર કરવા માટે કેટલું રોકાણ કરવાનું છે ? કેટલી ડિમાન્ડ એમણે કરી છે ? " પપ્પા પ્રશાંતભાઈ બોલ્યા.

" અરે પપ્પા મારે એક રૂપિયો પણ રોકવાનો નથી. એમણે તો મને ઘણો આગ્રહ કર્યો છે કે તમે જ આ કંપની ટેક ઓવર કરો. હું એમના બંગલે પણ ગઈકાલે જઈ આવ્યો. મેં કહ્યું કે મારા દાદા અને પપ્પાને પૂછ્યા વગર હું આટલો મોટો નિર્ણય ના લઈ શકું. એટલે મેં એક મહિનાનો સમય માગ્યો છે. એ મારા સિવાય કોઈને પણ આપવા માગતા નથી અને આખી કંપની મારે એકલાએ જ સંભાળવાની છે." અનિકેત બોલ્યો.

" આ છોકરાનું નસીબ જુઓ. એક પણ રૂપિયો રોક્યા વગર અબજોની કંપની એ ટેક ઓવર કરવા જઈ રહ્યો છે. આનાથી મોટા ઈશ્વરના આશીર્વાદ બીજા કયા હોઈ શકે ? ગુરુજીનો તો જેટલો ઉપકાર માનીએ એટલો ઓછો છે પ્રશાંત ! " દાદા બોલ્યા.

" હા પપ્પા. અનિકેત ખરેખર ખૂબ જ નસીબદાર છે. અને કૃતિના પગલાં પણ સારાં છે. લગ્ન પછી અનિકેત ક્યાંથી ક્યાં પહોંચી ગયો ! " પ્રશાંતભાઈ બોલ્યા.

" પપ્પા એ તો મને બાંદ્રામાં કે જૂહુમાં કોઈપણ મનગમતી સ્કીમમાં ફ્લેટ પણ આપે છે. મને કહે કે તમે આ બાજુ વેસ્ટર્ન લાઈનમાં રહેવા માટે આવી જાઓ તો આપણી સ્કીમને વધુ સમય ફાળવી શકો. મને એમણે એ પણ કહ્યું કે આ તમારી પોતાની જ સ્કીમ છે એમ માનીને ચાલો. " અનિકેત બોલ્યો.

" તો તારે ત્યાં શિફ્ટ થઈ જવું જોઈએ દીકરા. તું સુખી થતો હોય તો અમે તો રાજી જ છીએ. અભિષેક છેક કેનેડા ગયો છે જ્યારે તું તો અમારી નજર સામે રહેવાનો છે. અમારા તરફથી બધી જ સંમતિ છે તું આ ઓફર સ્વીકારી લે. અને એક બીજી વાત. આપણે ભલે એમની કંપની ટેક ઓવર કરીએ પણ સુજાતા બિલ્ડર્સ નામ તો ચાલુ જ રાખજે. જે પણ ડોક્યુમેન્ટ બને એમાં સુજાતા બિલ્ડર્સ એ વિરાણી બિલ્ડર્સની જ સિસ્ટર કંપની રહેશે. " દાદા ધીરુભાઈ બોલ્યા.

" જી દાદાજી. " અનિકેત બોલ્યો.

" અને મારી સાથે એ નીતાબેનની એક મીટીંગ પણ કરાવી દે. ટેક ઓવર કરતાં પહેલાં મારે એમને મળવું જ પડે અને સામસામે બેસીને બધી સ્પષ્ટતા કરવી પડે જેથી પાછળથી કોઈ પ્રોબ્લેમ ના થાય. " દાદા બોલ્યા.

" જી હું એમનો ટાઈમ લઈ લઈશ અને તમને એમના ઘરે લઈ જઈશ. " અનિકેત બોલ્યો.

ત્રણેક દિવસ પછી અનિકેતે અંજલીને ફોન કર્યો.

" અંજલી હું અનિકેત બોલું છું. મારા દાદા તમારાં મમ્મીને મળવા માગે છે. મેં તમારી કંપની ટેક ઓવર કરવાનો નિર્ણય લઈ લીધો છે અને મારા દાદા પણ એના માટે સંમત છે. પરંતુ ટેક ઓવર કરતાં પહેલાં દાદાની ઈચ્છા છે કે તમારાં મમ્મી સાથે એક વાર એ મીટીંગ કરે. કારણ કે વિરાણી બિલ્ડર્સ એ દાદાની પોતાની કંપની છે અને એ જ એના સર્વેસર્વા છે. " અનિકેત બોલ્યો.

" અરે આ તો તમે બહુ સરસ વાત કરી. આટલો જલ્દી નિર્ણય લેવાઈ ગયો એનાથી હું બહુ જ ખુશ છું. મમ્મી તો હંમેશાં ઘરે જ હોય છે. દિવસ અને ટાઈમ તમે નક્કી કરો. જ્યારે પણ મળવું હોય ત્યારે આવી શકો છો. તમે તો હવે ઘર પણ જોયું છે. " અંજલી બોલી.

" ઠીક છે તો પછી બે ત્રણ દિવસમાં હું તમને ફોન કરું છું. " અનિકેત બોલ્યો અને એણે ફોન કટ કર્યો.

બે દિવસ પછી એકાદશી આવતી હતી અને એકાદશીનો દિવસ બધાં કાર્યો માટે સારો ગણાય એટલે એ દિવસે સાંજે ચાર વાગે નીતાબેન સાથે મીટીંગ રાખવાનો નિર્ણય દાદાએ લઈ લીધો.

અનિકેતે ફોન કરીને અંજલીને જણાવી દીધું કે "દાદાએ પરમ દિવસે એકાદશીના દિવસે સાંજે ચાર વાગે મળવાનું નક્કી કર્યું છે એટલે અમે સમયસર પહોંચી જઈશું."

" મોસ્ટ વેલકમ. અમે તમારી રાહ જોઈશું. મમ્મીને હું હમણાં જ વાત કરું છું. " અંજલી બોલી અને ફોન કટ કર્યો.

બે દિવસ પછી એકાદશીના દિવસે બપોરે અઢી વાગે જ એના દાદાને લઈને ખાર જવા માટે નીકળી ગયો. દેવજીએ અંજલીનું ઘર જોયેલું હતું એટલે દોઢ કલાક પછી ગાડી સીધી એના બંગલા પાસે જઈને જ ઊભી રહી.

બેલ વાગ્યો એટલે નીતાબેન પોતે જ દરવાજો ખોલવા માટે ગયાં. બિલ્ડર લોબીમાં ધીરુભાઈ વિરાણીનું નામ પણ બહુ જ મોટું હતું અને એ પણ રશ્મીકાંતની જેમ થાણા અને નવી મુંબઈ બાજુના એરિયામાં બહુ મોટા બિલ્ડર હતા ! એટલે એમને શોભે એવો આવકાર આપવો જ જોઈએ.

" પધારો શેઠ. આપને મારા ઘરે જોઈને આજે મને બહુ જ આનંદ થયો છે. આપને રાજકોટ ગુરુજીના બંગલામાં જોયેલા છે પરંતુ રૂબરૂ વાતચીત કરવાનો અવસર પહેલીવાર જ મળી રહ્યો છે. " નીતાબેને બે હાથ જોડીને સ્વાગત કરતાં કહ્યું.

ડ્રોઈંગ રૂમ તો ભવ્ય હતો જ અને અત્યારે તો રૂમ ફ્રેશનર ના કારણે વાતાવરણ પણ એકદમ સુગંધિત હતું.

" આ બધી એ ગુરુજીની જ કૃપા છે. મારા ઉપર તો એમના ચારે ય હાથ છે. અનિકેતે પણ એમની પાસેથી દીક્ષા લીધી છે અને એ પછી એની ઘણી પ્રગતિ જોવા મળે છે. " ધીરુભાઈ શેઠ સોફા ઉપર બેઠક લઈને બોલ્યા.

" જી. મને એમણે જ અનિકેતનું નામ આપ્યું. એમના ગયા પછી આટલું મોટું એમ્પાયર સાંભળવાની અમારી તાકાત નથી. મારી દીકરીને પણ કોઈ અનુભવ નથી. છેલ્લા બે મહિનામાં અમે ઘણી નજર દોડાવી પણ કોઈ યોગ્ય વ્યક્તિ મળતી ન હતી. હું રાજકોટ ગુરુજીને મળવા ગઈ અને એમની આગળ મારી ચિંતા વ્યક્ત કરી. એમણે જ મને અનિકેતનું નામ આપ્યું. " નીતાબેન બોલ્યાં.

" હા. એ વાત અનિકેતે મને કરી. આટલો મોટો નિર્ણય તો એ પોતે ના લઈ શકે. તમારી કંપની પણ ઘણી મોટી છે અને આ વિસ્તારમાં તો નંબર વન કહી શકાય. એટલા માટે જ આજે મારે જાતે તમને મળવા માટે આવવું પડ્યું. " ધીરુભાઈ શેઠ બોલ્યા.

"તમે અનુભવી વડીલ છો. તમે અમારા ઘરે પધાર્યા એ મને બહુ ગમ્યું. આ તમારી પોતાની જ કંપની છે એ રીતે તમે એને સંભાળો. મારો કે મારી દીકરીનો આ લાઈનમાં કોઈ જ અનુભવ નથી. એમણે ઊભું કરેલું આ એમ્પાયર અમારે ચાલુ જ રાખવું છે. અમારે તમારી પાસેથી કંઈ જ જોઈતું નથી. બસ અમારી આ કંપની ચાલુ રહે એ જ અમારી ઈચ્છા છે. અમારા તરફથી કોઈ શર્ત પણ નથી. અમારા હિસ્સામાં જે પણ આવતું હશે એ અમે લઈશું. ઈશ્વર કૃપાથી અને ગુરુજીના આશીર્વાદથી અમારી પાસે ઘણું છે એટલે વધારે કોઈ મોહ પણ નથી. " નીતાબેન બોલી રહ્યાં હતાં.

"અનિકેત આ કંપની સંભાળી લેશે તો અમને ખૂબ જ આનંદ થશે. એ પોતે અમારી બાંદ્રા ખાર અને જૂહુની રેસીડેન્સીયલ સ્કીમોમાંથી કોઈપણ સ્કીમમાં ફ્લેટ પસંદ કરીને રહેવા આવી શકે છે. હવે આ સ્કીમો પણ એની જ છે એટલે અમારે ફ્લેટ પેટે પણ કંઈ જોઈતું નથી." નીતાબેન બે હાથ જોડીને બોલ્યાં.

ધીરુભાઈ શેઠ એક પાક્કા વેપારી હતા. એક પીઢ રાજકારણી જેવા હતા. એ મનમાં ઘણા પ્રશ્નો અને શર્તો લઈને આવ્યા હતા. પરંતુ નીતાબેનની વાત સાંભળીને એ ચૂપ થઈ ગયા. કંઈ બોલવા જેવું જ ના રહ્યું.

એમના જેવી નિખાલસ વ્યક્તિની સામે શું પ્રશ્નો અને શું શર્ત ? આટલી મોટી વિરાટ કંપની એ કોઈપણ શર્ત કે સ્વાર્થ વગર અનિકેતને સોંપી રહ્યાં છે ! ધીરુભાઈ શેઠ નતમસ્તક થઈ ગયા !

આ બે વડીલોની વાતચીત અનિકેત ધ્યાનથી સાંભળી રહ્યો હતો પરંતુ એની નજર તો સામે લટકાવેલી રશ્મિકાંતભાઈની તસ્વીર સામે હતી. અત્યારે તેઓ એકદમ જીવંત લાગી રહ્યા હતા અને જાણે કે અનિકેતને કંઈક કહેવા માગતા હતા.

અનિકેતને પેલી જાણીતી પર્ફ્યુમની સુગંધ પણ આવી રહી હતી !!!
ક્રમશઃ
અશ્વિન રાવલ (અમદાવાદ)