Saraswati Chandra - Review in Gujarati Book Reviews by Dr. Ranjan Joshi books and stories PDF | સરસ્વતીચંદ્ર - સમીક્ષા

Featured Books
  • ભાગવત રહસ્ય - 149

    ભાગવત રહસ્ય-૧૪૯   કર્મની નિંદા ભાગવતમાં નથી. પણ સકામ કર્મની...

  • નિતુ - પ્રકરણ 64

    નિતુ : ૬૪(નવીન)નિતુ મનોમન સહજ ખુશ હતી, કારણ કે તેનો એક ડર ઓછ...

  • સંઘર્ષ - પ્રકરણ 20

    સિંહાસન સિરીઝ સિદ્ધાર્થ છાયા Disclaimer: સિંહાસન સિરીઝની તમા...

  • પિતા

    માઁ આપણને જન્મ આપે છે,આપણુ જતન કરે છે,પરિવાર નું ધ્યાન રાખે...

  • રહસ્ય,રહસ્ય અને રહસ્ય

    આપણને હંમેશા રહસ્ય ગમતું હોય છે કારણકે તેમાં એવું તત્વ હોય છ...

Categories
Share

સરસ્વતીચંદ્ર - સમીક્ષા

પુસ્તકનું નામ:- સરસ્વતીચંદ્ર

સમીક્ષક:- ડૉ. રંજન જોષી

 

લેખક પરિચય:-

'સરસ્વતીચંદ્ર'ના લેખક ગોવર્ધનરામ માધવરામ ત્રિપાઠીનો જન્મ ઓક્ટોબર ૨૦, ૧૮૫૫ ના રોજ થયો હતો. તેઓ ગુજરાતી લેખક, નવલકથાકાર, કવિ, વિવેચક અને સાહિત્યિક ઇતિહાસકાર હતા. વ્યવસાયે તેઓ વકીલ હતા. ઈ.સ.૧૮૭૭ માં શરૂ કરેલુ રસ ગંભીર કથા કાવ્ય 'સ્નેહ મુદ્રા' ઈ.સ.૧૮૮૪ માં તેમણે પોતાના હાથ માં લીધું, જે ઈ.સ. ૧૮૮૯ માં પ્રગટ થયું, પરંતુ આ સમયગાળાની સૌથી મહત્વ પ્રવૃત્તિ તો 'સરસ્વતી ચંદ્ર' ના પહેલા ભાગનો આરંભ થઈ ગયો હતો. ‘સરસ્વતીચંદ્ર’ : ભા.૧ (૧૮૮૭) નવલકથા એમની ગ્રંથરૂપે પ્રગટ થયેલી પહેલી કૃતિ છે. પછી ક્રમશઃ તેના ભા. ૨ (૧૮૯૨), ભા.૩ (૧૮૯૮) અને ભા.૪ (૧૯૦૧) ચૌદ વર્ષ દરમિયાન પ્રગટ થયા હતા. લીલાવતી જીવનકલા, નવલરામનું કવિ જીવન, દયારામનો અક્ષરદેહ, સમલોચક, સદાવસ્તુ વિચાર, ગુજરાતની કવિતાઓ, સ્ક્રેપ બુક ભાગ ૧, ૨, અને ૩ એ તેમના સાહિત્ય સર્જનો છે. ૨૭ એપ્રિલ ૨૦૧૬ના રોજ ભારતીય ટપાલ વિભાગ દ્વારા ગોવર્ધનરામ ત્રિપાઠીના માનમાં ટપાલ ટિકિટ બહાર પાડવામાં આવી હતી. ગુજરાતના મુખ્યમંત્રી આનંદીબેન પટેલે ગાંધીનગર ખાતે આ ટિકિટનું વિમોચન કર્યું હતું.

 

પુસ્તક વિશેષ:-

પુસ્તકનું નામ : સરસ્વતીચંદ્ર (ભાગ લીધો ૧ થી ૪)

લેખક : ગોવર્ધનરામ ત્રિપાઠી

પ્રકાશક : આર.આર.શેઠની કંપની

કિંમત : 800 ₹.

પૃષ્ઠ સંખ્યા : 1190

 

બાહ્ય મૂલ્યાંકન:-

આ પુસ્તકના મુખપૃષ્ઠ પર ગોવર્ધનરામ ત્રિપાઠીનો ફોટો અને શીર્ષક મુદ્રિત છે. બેક કવર પર મનુભાઈ પંચોળી 'દર્શક' લિખિત ટૂંકી પ્રસ્તાવના આપવામાં આવી છે. ફોન્ટ સરળતાથી વાંચી શકાય તેવા રાખવામાં આવ્યા છે. કાગળની ગુણવત્તા ઉચ્ચ છે, જાડા પેજ છે જેના લીધે આગળનું લખાણ પાછળ દેખાતું નથી. દરેક ભાગનું કદ મધ્યમ છેે જેના લીધે તેને લઈને ગમે ત્યાં જઈ શકાય અને એને એક હાથમાં લઈને આરામથી વાંચી શકાય છે.

 

પુસ્તક પરિચય:-

સરસ્વતીચંદ્ર ગોવર્ધનરામ માધવરામ ત્રિપાઠીની બૃહત્કાય નવલકથા છે. આશરે અઢારસો પૃષ્ઠમાં વિસ્તરેલી આ કથાને ‘પુરાણ’, ‘પંડિતયુગનું મહાકાવ્ય’, ‘મહાનવલ’ વગેરે રૂપે ઓળખાવવામાં આવી છે. ગાંધીજી પૂર્વે ગુજરાતના શિક્ષિત સમાજ પર ઊંડો પ્રભાવ આ નવલકથાએ પાડ્યો એનું કારણ આ કૃતિમાં વ્યક્ત થયેલું જીવનવિષયક ઊંડું વ્યાપક ચિંતન તથા એ ચિંતનને કળારૂપ આપનારી સર્જકપ્રતિભા છે. ગૃહ, રાજ્ય ને ધર્મ વિશેના પોતાના વિચારો પ્રજાના બહોળા વર્ગ સુધી પહોંચી શકે એ હેતુથી પોતે નિબંધને બદલે નવલકથાનો આશ્રય લીધો એવું લેખકે સ્પષ્ટ સ્વીકાર્યું છે, તો પણ એમની સર્જક તરીકેની ઊંચી શક્તિ ઘટનાસંયોજન, પાત્રનિરૂપણ ને ભાષામાં પ્રગટ થઈ છે. સંઘર્ષના તત્વથી પહેલા બે ભાગ કથાની દ્રષ્ટિએ વધારે રસિક બન્યા છે. પાછલા બે ભાગ માં સંઘર્ષ વિશેષત:વૈચારિક ભૂમિકાએ રહેતો હોઈ નવલકથા નિબંધાત્મક બની જાય છે. ૧૯૬૮માં રજૂ થયેલું હિન્દી ચલચિત્ર સરસ્વતીચંદ્ર આ નવલકથા પર આધારિત હતું. ૨૦૧૩-૧૪માં સ્ટાર પ્લસ પર આ જ નામથી ટેલિવિઝન ધારાવાહિક પ્રસારિત થઈ હતી. વિવેચકોએ સરસ્વતીચંદ્ર માટે 'મહાનવલ', 'મહાકાવ્ય', 'પુરાણ', 'સકલકથા' જેવી સંજ્ઞાઓથી ઓળખાવી છે અને ગોવર્ધનરામને 'પ્રબોધમૂર્તિ' કહીને ઓળખાવ્યા છે. જો કે, આકારવાદી અભિગમ ધરાવતા વિવેચક સુરેશ જોષીએ આ નવલકથાને 'આકારની ર્દષ્ટિએ શિથિલ કૃતિ' કહી હતી.

સમગ્ર કથાનુ શીર્ષક જેના પરથી અપાયું છે તે સરસ્વતીચંન્દ્ર કથાનો નાયક છે. સરસ્વતીચંદ્ર અને કુમુદસુંદરીની પ્રેમકથા આ કથાનું મુખ્ય સૂત્ર છે. આ સૂત્રની સાથે બીજા અનેક કથાસૂત્રો ગૂંથાતા આવે છે. એ કારણે કથાના જુદા જુદા ભાગમાં જુદા જુદા પાત્રો અને તેમને લગતું કથાનક આલેખવામાં આવ્યું છે. તેથી દરેક ભાગનાં ઉપશીર્ષકો આપવામાં આવ્યા છે અને કૃતિ પ્રેમકથા ન રહેતા એક સંસ્કૃતિકથા બને છે.

મુંબઈના ધનવાન વેપારી લક્ષ્મીચંદનનો યુનિવર્સિટીની કેળવણી પામેલો, વિદ્યાવ્યાસંગી, વૈરાગ્યવૃત્તિવાળો અને ગુણવાન પુત્ર સરસ્વતીચંદ્ર પિતાએ કહેલાં કટુ વચનો અને કરેલા આક્ષેપોથી આવેશમાં આવી પિતાની સંપત્તિનો તથા પોતાની વાગ્દત્તા અને રત્નનગરીના અમાત્યની પુત્રી કુમુદસુંદરીનો ત્યાગ કરી ઘર છોડી ચાલ્યો જાય છે. સરસ્વતીચંદ્રના ગૃહત્યાગથી કુમુદસુંદરીના લગ્ન સુવર્ણપુરના અમાત્ય બુદ્ધિધનના અલ્પશિક્ષિત અને દુરાચારી પુત્ર પ્રમાદધન સાથે થાય છે. પોતાના પિતા વિદ્યાચતુરના ઘરમાં મળેલાં કેળવણી અને સંસ્કારને લીધે વિદ્યારસિક કુમુદસુંદરી મનોમન પ્રમાદધન અને સરસ્વતીચંદ્રની સરખામણી કરતી શ્વસુરગૃહે વ્યથિત રહે છે. પતિવ્રતા ધર્મ પ્રમાણે સરસ્વતીચંદ્રને ભૂલવા માટે યત્ન કરે છે, પણ ભૂલી શકતી નથી. ગૃહત્યાગ કરીને નીકળેલો પણ કુમુદનું મન જાણવા અને તેને મળવાની અપેક્ષાએ રત્નનગરી જવા નીકળેલો સરસ્વતીચંદ્ર સમુદ્રના તોફાનોને લીધે સુવર્ણપુરના આવી પહોંચે છે. અહીં તે અમાત્ય બુદ્ધિધનના પરિચયમાં આવે છે અને પોતાના જ્ઞાન અને શીલથી બુદ્ધિધનને આકર્ષે છે. તે નવીનચંદ્ર નામ ધારણ કરીને અમાત્ય બુદ્ધિધનના ઘરમાં એક વિશ્વાસપાત્ર સ્વજન બનીને રહે છે. બુદ્ધિધન તેને રાજ્યમાં સારી નોકરી આપવાની વાત કરે છે, પરંતુ કુમુદની દુ:ખી હાલત જોઈ વ્યથિત બનેલો તેમજ કુમુદની લાગણી સમજીને તેનાથી દૂર થવાના આશયથી અને અનુભવાર્થી બનવાની ઈચ્છાથી તે સુવર્ણપુર છોડી જાય છે.

સરસ્વતીચંદ્રનું અંગ્રેજીમાં ભાષાંતર સાબરમતી આશ્રમના નિયામક તૃદિપ સુહ્રુદે ૨૦૧૫માં કર્યું છે. આ નવલકથાનો હિન્દી અનુવાદ ૨૦૧૫માં આલોક ગુપ્તા અને વિરેન્દ્રનારાયણ સિંહ દ્વારા કરવામાં આવ્યો હતો. ૧૯૭૨ની ગોવિંદ સરૈયા દિગ્દર્શિત ગુજરાતી ફિલ્મ ગુણસુંદરીનો ઘરસંસાર આ નવલકથા આધારિત છે. આ ફિલ્મને શ્રેષ્ઠ ગુજરાતી ફિલ્મનો રાષ્ટ્રીય પુરસ્કાર મળેલો.

 

શીર્ષક:-

આખી નવલકથા નાયક સરસ્વતીચંદ્રની આસપાસ ચાલે છે એટલે નાયકલક્ષી કથા તરીકે આ શીર્ષક 'સરસ્વતીચંદ્ર' સર્વથા યોગ્ય છે.

 

પાત્રરચના:-

વિપુલ પાત્રો આ નવલકથાની બીજી વિશેષતા છે. જીવનના વિવિધ સ્તરમાંથી આવતાં, ભૂત-વર્તમાન-ભવિષ્યનાં પ્રતિનિધિ, વાસ્તવદર્શી ને ભાવનાદર્શી આ પાત્રો દ્વારા ૧૯મી સદીના ગુજરાતના સમાજજીવનનું એક ભાતીગળ ને સંકુલ ચિત્ર અહીં ઊભું થાય છે. પોતાના અનુભવમાં આવેલી વ્યક્તિઓ પરથી ઘણાં મુખ્ય-ગૌણ પાત્રોનું સર્જન લેખકે કર્યું છે છતાં વિભિન્ન પરિસ્થિતિમાં દરેક પાત્રને પોતાના સ્થાન પ્રમાણે મૂલ્ય પ્રાપ્ત થાય છે. અલબત્ત, સરસ્વતીચંદ્રના પાત્રને કોઈ પણ પરિસ્થિતિમાં વિશેષ મહત્વ મળતુ હોય એવો અનુભવ થાય. જે તે પાત્રના વ્યક્તિત્વને ઘડનારાં પરિબળોનું વિગતે આલેખન કરી જે તે પાત્રના વ્યવહારવર્તનને પ્રતીતિકર ભૂમિકાએ મૂકવાની ઊંડી સૂઝ લેખકે બનાવી છે. અહીં મુખ્ય પાત્રો સરસ્વતીચંદ્ર અને કુમુદ છે. ગૌણ પાત્રો તરીકે લક્ષ્મીચંદન, બુદ્ધિધન, સુરસંગ, હરભમજી, વિદ્યાચતુર, માનચતુર, પ્રમાદધન, અબ્દુલ્લા, ફતેસંગ, મૂર્ખદત્ત વગેરે અનેક પાત્રો જોવા મળે છે.

 

સંવાદો/વર્ણન:-

સંવાદો તત્કાલીન છતાં ફિલોસોફી વાળા છે. જેમકે,

“રાણાજી ! ઇચ્છાઓ ઉતાવળથી અને ધીરે ધીરે બે રીતે પાર પડે છે. પરંતુ ઉતાવળથી ફાલેલી વનસ્પતિ તરત સુકાઈ જાય છે. અને ધીરે ધીરે ઉગતા વૃક્ષનાં મૂળ જમીનમાં ઉંડાં ઉંડાં પેસે છે."

“ત્યારે એનાં ઉંડાં ગયેલાં મૂળ પૂરેપુરાં ઉખાડી નાંખી આપણાં મૂળ ઉંડાં નાંખવાં એમાં બહુ વખત જોઈયે, અને બહુ ધીરજ જોઈયે.”

“ઠીક, ભાઈ પ્રસવકાળ આણો. પણ એ યે પ્‍હેલથી જણાય છે હોં ! છોકરાવાળું પેટ ઢાંકયું નથી ર્‌હેતું. ”

 

લેખનશૈલી:-

કથન, વર્ણન, સંવાદનો આશ્રય લેતી નવલકથાની શૈલી પ્રસંગાનુરૂપ વિવિધ મુદ્રા ધારણ કરે છે. વિગતપ્રચુર વર્ણનોમાં બાણ અને બર્કના ગદ્યની યાદ અપાવતી ને છતાં એ ગદ્યથી જુદી પડતી પ્રલંબ વાક્યોવાળી શૈલી, આવેશસ્પૃષ્ટ વાર્તાલાપ ને પત્રાલાપમાં જોવા મળતી ઉદબોધનશૈલી કે લાગણીના આવેગવાળી કવિત્વમય શૈલી-એમ વિવિધ સ્તર એમાં છે. અપરિચિત તત્સમ શબ્દોને પ્રયોજતું, નવા શબ્દો બનાવતું, આલંકારિક, મૌલિક તેમ જ અનૂદિત કાવ્યો તથા અવતરણોને ગૂંથતું આ કૃતિનું ગદ્ય પાંડિત્યસભર બને છે; તો અલ્પશક્તિ, અલ્પરુચિ કે અલ્પબુદ્ધિવાળાં પાત્રોની વાણીમાં રૂઢપ્રયોગો-કહેવતો ને ગ્રામ્ય શબ્દોને ગૂંથતું તળપદી ભાષાના સંસ્કારવાળું પણ બને છે.

 

વિશેષ મૂલ્યાંકન:-

આ નવલકથા ચાર ખંડોમાં વહેંચાયેલી છે:

સરસ્વતીચંદ્ર ભાગ ૧ - બુદ્ધિધનનો કારભાર

સરસ્વતીચંદ્ર ભાગ ૨ - ગુણસુંદરીનું કુટુંબજાળ

સરસ્વતીચંદ્ર ભાગ ૩ - રત્નનગરીનું રાજ્યતંત્ર

સરસ્વતીચંદ્ર ભાગ ૪ - સરસ્વતીનું મનોરાજ્ય અને પૂર્ણાહુતિ

પહેલા ભાગમાં કુમુદસુંદરીના સસરા, સુવર્ણપુરના અમાત્ય બુદ્ધિધન સાથે સંકળાયેલી રાજ ખટપટનું અને બુદ્ધિધન તેમજ શઠરાયના કૌટુંબિક જીવનનું ચિત્ર છે. તેની સાથે સરસ્વતીચંદ્ર અને તેના કુટુંબજીવનની કથા નિમિત્તે મુંબઈના શ્રીમંતોનો જીવનવ્યવહાર આલેખાયો છે. બીજા ભાગમાં કુમુદની માતા ગુણસુંદરીના સંયુક્ત કુટુંબની કથા છે. ત્રીજા ભાગમાં કુમુદના પિતા વિદ્યાચતુર જે રત્નનગરીના અમાત્ય છે તે નગરીના રાજ્યતંત્રની કથા છે. ચોથા ભાગમાં સરસ્વતીચંદ્ર-કુમુદનું જ્યાં પુનર્મિલન થયું એ સુંદરગિરિ પર્વત પરના સાધુઓના જીવનની કથા અને એ દ્વારા મનુષ્યના જીવનકર્તવ્યની વિશદ મીમાંસા તેમજ સરસ્વતીચંદ્ર-કુમુદનાં સહસ્વપ્નોની કથા દ્વારા ભવિષ્યના ભારતનું દર્શન છે. ચાર ભાગમાં વહેતી પ્રણયકથા સાથે સંબંધિત ઘટનાઓનો સમયપટ બે-ત્રણ મહિનાથી વધુ ન હોવા છતાં આ પ્રકારના કથાસંયોજનથી જાણે કોઈ વિશાળ સમયપટમાંથી પસાર થયા હોઈએ તેવો અનુભવ કૃતિ વાંચતાં થાય છે. સંપૂર્ણ નવલકથામાં  વિલિયમ વર્ડ્સવર્થ, શેલી, જૉહ્ન કીટ્સ અને વિલિયમ શેક્સપિયર સહિતના કેટલાક અંગ્રેજ કવિઓનાં 200થી વધારે કાવ્યોનો સમાવેશ કરાયો છે.

આ નવલકથાએ ગાંધીજી પૂર્વેના ગુજરાતના શિક્ષિત સમાજ પર ઊંડો પ્રભાવ પાડ્યો, એનું કારણ તેમાં વ્યક્ત થયેલું જીવનવિષયક ઊંડું ચિંતન અને એ ચિંતનને કળારૂપ આપનારી સર્જક પ્રતિભા છે. પ્રાચીન પૂર્વ, અર્વાચીન પૂર્વ ને અર્વાચીન પશ્ચિમ – એ ત્રણ સંસ્કૃતિઓના સંગમકાળે ઊભેલા ભારતીય પ્રજાજીવનનાં વિવિધ સ્તરોમાંથી અહીં વિપુલ પાત્રસૃષ્ટિ આવે છે. એ સર્વને લેખક પ્રતીતિકર રીતે આલેખે છે તેથી એ જીવંત અને હૃદયસ્પર્શી બને છે. આજે બતાવી શકાય એવી આ કૃતિની કેટલીક મર્યાદાઓને સ્વીકાર્યા પછી પણ આ બૃહત્ નવલકથામાં જીવનને આટલા વ્યાપક સંદર્ભોમાં જોવા-મૂલવવાનો અને તેને કળારૂપ આપવાનો જે પુરુષાર્થ એના સર્જકે કર્યો છે, તે ઘટના સમગ્ર ભારતીય સાહિત્યમાં અજોડ છે. વિષ્ણુપ્રસાદ ત્રિવેદીએ સરસ્વતીચંન્દ્રનું મૂલ્યાંકન કરતાં કહ્યું છે કે

"'સરસ્વતીચન્દ્ર' પૂર્વ પશ્ચિમના મિલનનું, પ્રબોધકાળની સંધ્યાનું 'મહાકાવ્ય' છે. તેની મહાનાયિકા હિન્દી સંસ્કૃતિ છે અને નાયક છે પંડિતબુદ્ધિ પર્યેષક યુગસત્વ. એ ભવ્યોજ્જ્વલ દેહમાં ભારતની નાડીનો ધબકાર છે. તેની વાસનાઓનાં મૂળ સરસ્વતીને ઓળંગતા ઋષિઓને અટવિ વીંધતા રામ અને અર્જુનમાં છે. એનાં પરાક્રમનાં પહલાં સોમનાથથી હસ્તિનાપુર ને હરિદ્વારથી કન્યાકુમારી સુધી પડેલાં છે. એની ર્દષ્ટિમાં યાજ્ઞવલ્ક્યથી વલ્લભાચાર્યનાં કિરણો છે. હજારો ઓથારમાં પણ એ ગુપ્તયુગનું સુવર્ણસ્વપ્ન એ ભૂલે એમ નથી. સંસ્કૃતિનું ચક્રવર્તિત્વ એનું જાગ્રત સ્વપ્ન છે."

એકથી વધુ કથાઓ આ કૃતિમાં ભળેલી હોવાને કારણે કથાસાતત્ય એમાં તૂટે છે એ સાચું, પરંતુ કથાસંકલનાની, પોતાના કોઈ પણ પુરોગામી અને ઘણા અનુગામીઓએ ન બતાવેલી સૂઝ લેખકે અહીં બતાવી છે એની પ્રતીતિ પહેલા અને બીજા ભાગની સંકલના તપાસતાં થાય છે. પશ્ચાદભુ, સ્મૃતિ, પત્રલેખન આદિ પ્રયુક્તિઓથી જે રીતે સમયના તત્વને લેખકે સંકોચ્યું છે તે એ સમયગાળામાં રચાતી નવલકથા માટે ઘણી મોટી સિદ્ધિ હતી.

 

મુખવાસ:-

મિલન, વિરહ ને પુનર્મિલનના ત્રિકાળને ગૂંથતી નવલકથા એટલે 'સરસ્વતીચંદ્ર'.