Sapnana Vavetar - 34 in Gujarati Short Stories by Ashwin Rawal books and stories PDF | સપનાનાં વાવેતર - 34

Featured Books
  • એઠો ગોળ

    એઠો ગોળ धेनुं धीराः सूनृतां वाचमाहुः, यथा धेनु सहस्त्रेषु वत...

  • પહેલી નજર નો પ્રેમ!!

    સવાર નો સમય! જે.કે. માર્ટસવાર નો સમય હોવા થી માર્ટ માં ગણતરી...

  • એક મર્ડર

    'ઓગણીસ તારીખે તારી અને આકાશની વચ્ચે રાણકી વાવમાં ઝઘડો થય...

  • વિશ્વનાં ખતરનાક આદમખોર

     આમ તો વિશ્વમાં સૌથી ખતરનાક પ્રાણી જો કોઇ હોય તો તે માનવી જ...

  • રડવું

             *“રડવુ પડે તો એક ઈશ્વર પાસે રડજો...             ”*જ...

Categories
Share

સપનાનાં વાવેતર - 34

સપનાનાં વાવેતર પ્રકરણ 34

બપોરે ત્રણ વાગે ત્રણ જણની ત્રિપુટી મુવી જોવા માટે કોસ્મોપ્લેક્સ સિનેમામાં પહોંચી ગઈ પરંતુ નસીબ બે ડગલાં આગળ હતું.

એડવાન્સ બુકિંગ કરેલું ન હોવાથી અને ફિલ્મ ખૂબ જ લોકપ્રિય થવાથી થિયેટરમાં હાઉસફુલનું પાટિયું મૂકેલું હતું. હવે તો પહેલાંની જેમ બ્લેકમાં પણ ટિકિટો મળતી ન હતી. યુગ જ બદલાઈ ગયો હતો.

" હવે શું કરીશું જીજુ ? ટિકિટ મળવાની તો હવે કોઈ જ આશા દેખાતી નથી અને બીજી કોઈ ફિલ્મ જોવામાં મને રસ નથી." શ્રુતિ નિરાશ થઈને બોલી.

અચાનક અનિકેતને ગુરુજીના શબ્દો યાદ આવ્યા કે સિદ્ધિ મળ્યા પછી હવે તારા માટે કોઈપણ કામ અશક્ય નથી.

" આપણે આ બાજુ એક સાઇડમાં ઊભા રહીએ. કોઈપણ સંજોગોમાં આપણને ત્રણ ટિકિટ મળી જશે. તું બસ જોયા કર. મારો વિલ પાવર સ્ટ્રોંગ છે શ્રુતિ. " અનિકેત બોલ્યો.

એ પછી અનિકેતે મનમાં ત્રણ વાર ગુપ્ત મંત્રનું રટણ કર્યું અને પછી સંકલ્પ કર્યો કે કોઈપણ સંજોગોમાં આ મૂવીની ત્રણ ટિકિટો મને મળવી જ જોઈએ.

લગભગ ૮ મિનિટ પછી એક યુવાન બહારથી હાંફળો ફાંફળો થિયેટરમાં આવ્યો. એ ટિકિટ વિન્ડો તરફ જઈ રહ્યો હતો પણ અચાનક જ આ લોકોને જોઈને એ એમની તરફ વળ્યો.

" તમે લોકો પિક્ચર જોવા માટે આવ્યા છો ? સિનેમા તો હાઉસફુલ છે. મારી પાસે ત્રણ ટિકિટો છે. મારા અંકલને હાર્ટ એટેક આવ્યો છે એટલે મુવી જોવાનો પ્રોગ્રામ કેન્સલ કર્યો છે. જો તમારે લેવી હોય તો તમે લઈ લો નહીં તો પછી કાઉન્ટર ઉપર આપી દઉં જેથી કોઈને કામ આવે. " યુવાન બોલ્યો. એના ચહેરા ઉપર ચિંતા દેખાતી હતી.

"હા અમે લોકો મુવી જોવા જ આવ્યાં હતાં પરંતુ થિયેટર હાઉસફુલ છે. સારું થયું તમે મળી ગયા. તમારી ટિકિટો અમે લઈ લઈશું. કેટલા પૈસા આપવાના છે ? " અનિકેત બોલ્યો.

" લો આ ટિકિટો. મારે પૈસા જોઈતા નથી. " કહીને ત્રણ ટિકિટો આપીને પેલો યુવાન હોસ્પિટલ પહોંચવાનું હોવાથી ઝડપથી નીકળી ગયો.

" વાહ જીજુ ! શું તમારો વીલ પાવર કામ કરે છે !! હાઉસફુલ મુવીની ટિકિટો મળી ગઈ અને એ પણ મફતમાં ! " શ્રુતિ બોલી.

એ પછી ત્રણે જણાં ઝડપથી થિયેટરની અંદર પહોંચી ગયાં. હજુ જાહેરાતો ચાલતી હતી.

અનિકેત માટે સિદ્ધિનો આ બીજો અનુભવ હતો. એને ખરેખર મજા આવી.

સાડા છ વાગ્યે શો છૂટી ગયા પછી કૃતિએ ગાડી સીધી ઘર તરફ લઈ લીધી. હજુ રસોઈ બનાવવાની બાકી હતી અને મમ્મી એકલી હતી.

" જીજુ રાત્રે અડધા કલાકનો સમય મને આપજો. મારે થોડી ચર્ચા કરવી છે. " રસ્તામાં શ્રુતિ બોલી.

" અરે તું ગમે ત્યારે મારી સાથે ચર્ચા કરી શકે છે. એના માટે તારે કોઈ અપોઇન્ટમેન્ટ લેવાની જરૂર નથી. " અનિકેત બોલ્યો.

"હજુ તો રસોડું સંભાળવું પડશે અને જમણવાર પૂરો થતાં લગભગ ૧૦ વાગી જશે. સવારે તમે લોકો વહેલાં નીકળી જવાનાં છો એટલા માટે પૂછ્યું." શ્રુતિ બોલી.

"તારા જીજુ રાતના રાજા છે. તું ચિંતા ના કર. જમવાનો પ્રોગ્રામ પતી જાય પછી તું મારા બેડરૂમમાં આવી જજે." કૃતિ બોલી.

રાત્રે લગભગ પોણા દસ વાગે શ્રુતિ ફ્રી થઈ ગઈ હતી પણ અનિકેત એના સસરા મનોજભાઈ તેમજ દાદા હરસુખભાઇ સાથે વાતો કરતો હતો એટલે શ્રુતિએ અડધી કલાક રાહ જોવી પડી. એ પછી અનિકેત ઉપર બેડરૂમમાં ગયો એટલે શ્રુતિ કૃતિની સાથે સીધી અનિકેત પાસે ગઈ.

"શું ચર્ચા કરવી હતી બોલ !" અનિકેત બોલ્યો.

" જીજુ મારે મુંબઈ શિફ્ટ થવું છે અને એમાં તમે લોકો જ મદદ કરી શકો. મારી ડ્રેસ ડિઝાઈનના મોટા ભાગના ઓર્ડર્સ મુંબઈના જ મળે છે. અહીં શોપ ઘણી સારી ચાલે છે પરંતુ હું જો મુંબઈમાં શિફ્ટ થઈ જાઉં તો મારો આ બિઝનેસ ખૂબ જ ડેવલપ થઈ જાય. એમાં પણ જૂહુ કે બાંદ્રા જેવા પોશ એરિયામાં જો શોરૂમ હોય તો મારા ડ્રેસ લાખોમાં વેચાય. મોંઘા ડ્રેસ બનાવું તો અહીં રાજકોટમાં એટલી બધી ખરીદશક્તિ નથી. " શ્રુતિ બોલી.

"તને કંઈ ખબર પડે છે શ્રુતિ ? બાંદ્રા કે જૂહુમાં શોરૂમ બનાવવામાં કેટલા રૂપિયા જોઈએ ? આવા એરિયામાં શોરૂમની કિંમત તો કરોડની ઉપર હોય છે ! " કૃતિ બોલી.

" હું જાણું છું દીદી. પરંતુ ત્યાં મારા ડિઝાઇન કરેલા ડ્રેસ પણ લાખોમાં વેચાશે. વેડિંગની સિઝનમાં તો હું નોટો છાપી શકું છું. અને હું કમાઈ કમાઈને જીજુને પૈસા રિટર્ન કરીશ. " શ્રુતિ બોલી.

" તું મને થોડો સમય આપ. પૈસાનો કોઈ સવાલ નથી પરંતુ તારો શોરૂમ કરવા માટે કોઈ સારું લોકેશન મારે શોધવું પડશે. બધાની નજર જાય એવું કોઈ હોટ લોકેશન હોય એ જોવું પડશે. આવી બાબતમાં ઉતાવળ કરીને એકદમ શોરૂમ ના ખરીદાય." અનિકેત બોલ્યો.

" ભલેને છ મહિના લાગે જીજુ પરંતુ મારી ઈચ્છા છે. અને મારા દાદાને સમજાવવાનું કામ પણ તમારું અને દીદીનું ! હું સામેથી એમને કંઈ જ કહેવાની નથી. " શ્રુતિ બોલી.

"ઠીક છે બાબા... ચિંતા ના કર તું." અનિકેત હસીને બોલ્યો.

સવારે પહેલું ફ્લાઇટ પકડવા સાત વાગે ઘરેથી નીકળવાનું હતું એટલે અનિકેત પાંચ વાગે જ ઉઠી ગયો. નાહી ધોઈને એણે શ્રુતિને જગાડી અને પોતે ગાયત્રી માળા કરવા બેઠો.

"સાળી માટે તો લાખો રૂપિયાનો શોરૂમ ખરીદવા તમે મહેરબાન થઈ ગયા. આ પત્ની બિચારી એક વર્ષથી ૮ ૧૦ લાખની કારની રાહ જોઈ રહી છે પણ મારો વિચાર તો તમને આવતો જ નથી ! " પ્લેનમાં બેઠા પછી કૃતિ બોલી.

" અરે કૃતિ એવું નથી. ગાડી હું તને બે મિનિટમાં અપાવી શકું એમ છું પરંતુ ગાડી લઈને તું શું કરીશ ? મોટાભાગે બધે આપણે બંને સાથે જ જઈએ છીએ. બીજું તને થાણા બાજુના રસ્તાઓની પણ બહુ ખબર નથી. ખાલી ઘરે હાથી બાંધવા જેવી વાત છે." અનિકેત બોલ્યો.

"ગાડી સ્ટેટસ સિમ્બોલ ગણાય. ભલે હું વાપરું કે ના વાપરું. ક્યારેક મન થાય તો છેક મુંબઈથી રાજકોટ સુધી પણ હું આંટો મારી આવું. " કૃતિ બોલી.

" આ વીકમાં તને ગાડી મળી જશે. ભલે પછી તું વાપરે કે ના વાપરે. " અનિકેત બોલ્યો.

" એક વાત કહું અનિકેત ? " શ્રુતિ બોલી.

" હા હા બોલને !" અનિકેત હસીને બોલ્યો.

" આપણે થાણાના બદલે બોરીવલી કે કાંદીવલી બાજુ શિફ્ટ થઈ જઈએ તો કેવું ? ખબર નહીં કેમ પણ આ એરિયામાં મને એટલી બધી મજા નથી આવતી. મને સેન્ટ્રલ લાઈન કરતાં વેસ્ટર્ન લાઈન વધારે ગમે છે. ગુજરાતી લોકો પણ ત્યાં ઘણા બધા હોય છે. " કૃતિ બોલી.

"અરે પણ આપણી બધી જ સ્કીમો થાણા વાશી બાજુ જ ચાલે છે. મારી પોતાની સ્કીમ પણ મુલુંડમાં ચાલે છે. આપણે બોરીવલી કાંદીવલી કેવી રીતે જઈ શકીએ ? " અનિકેત બોલ્યો.

" જુઓ શ્રુતિ આવશે તો એ પણ બાંદ્રા કે જૂહુ બાજુ શોરૂમ ખોલશે એટલે એને રહેવા માટે પણ એ બાજુ જ વ્યવસ્થા કરવી પડશે ને ? અમે બંને બહેનો નજીક નજીક રહેતી હોઈશું તો અવાર નવાર મળવાનું પણ થઈ શકશે." કૃતિ બોલી.

" તારી વાત હું સમજુ છું કૃતિ પરંતુ અત્યારે હાલ પ્રેક્ટીકલી એ શક્ય નથી. અને હું કદાચ વિચારું તો પણ દાદા પરમિશન નહીં આપે. આપણી મુલુંડની સ્કીમ પણ હજુ અધૂરી છે." અનિકેત બોલ્યો.

" અરે પણ હું ક્યાં કાલે ને કાલે શિફ્ટ થવાની વાત કરું છું ? મારો કહેવાનો મતલબ એટલો જ છે કે વહેલી તકે હવે વેસ્ટર્ન લાઈનમાં સ્કીમો મૂકવાનું તમે વિચારો અને પછી રેસીડેન્સ પણ બદલો. બાંદ્રાથી દહીસર સુધીનો આખો પટ્ટો આપણો પોતીકો લાગે છે." કૃતિ બોલી.

" એ વાત તો તારી સાચી જ છે કૃતિ. પારલાથી શરૂ કરી મલાડ કાંદીવલી બોરીવલી અને છેક ભાયંદર સુધી આપણું ગુજરાત વસેલું છે. તારું સજેશન હવે પછી હું ચોક્કસ ધ્યાનમાં રાખીશ. " અનિકેત બોલ્યો.

એરપોર્ટથી મુલુંડ દૂર હોવાથી અનિકેત લોકો ઘરે પહોંચ્યા ત્યારે ૧૧:૩૦ વાગી ગયા હતા. અનિકેત આજે આવવાનો હતો એટલે દાદા ધીરુભાઈ શેઠ ઘરે જ રોકાયેલા હતા. પ્રશાંત અને મનીષ સવારે ૯ વાગે જ નીકળી જતા હતા અને જમવા માટે બપોરે ૧૨:૩૦ પછી ઘરે આવતા હતા.

" આવી ગયો બેટા ? થોડીવાર ફ્રેશ થઈ જા અને પછી મારા રૂમમાં આવી જા. આપણે થોડી ચર્ચા કરી લઈએ. " દાદા બોલ્યા.

" જી દાદા હું આવું છું. " અનિકેત બોલ્યો અને પોતાના બેડરૂમમાં ગયો. એને ખબર જ હતી કે દાદા શું પૂછવાના છે પરંતુ ગુરુજીએ સ્પષ્ટ ના પાડી હતી કે સિદ્ધિ વિશે કોઈપણ ચર્ચા દાદાજી સાથે પણ ના કરવી.

અનિકેત ૧૫ ૨૦ મિનિટ પછી દાદાના બેડરૂમમાં ગયો અને સામે સોફામાં બેઠો.

"હું તારી જ રાહ જોતો હતો. હવે મને માંડીને બધી વાત કર. ગુરુજી સાથે શું શું ચર્ચા થઈ સિદ્ધિ વિશે ? " દાદા બોલ્યા.

" દાદા મને કઈ કઈ સિદ્ધિઓ મળી છે એ વિશે ગુરુજીને તો કંઈ જ ખબર નથી. એમણે મને કહ્યું કે આ બધી સિદ્ધિઓ ગુપ્ત છે અને તારા મોટા દાદા જ એ બાબતમાં ભવિષ્યમાં તને જાણ કરશે. એમણે મને ધ્યાન કરવા ઉપર ભાર આપ્યો અને નવરાત્રીમાં ગાયત્રી અનુષ્ઠાન કરવાનું કહ્યું. બસ આ સિવાય બીજી કોઈ ખાસ ચર્ચા થઈ નથી. " અનિકેત બોલ્યો.

" ઠીક છે તો પછી મારે બીજું કંઈ પૂછવું નથી. મને એમ હતું કે ગુરુજી સિદ્ધિઓ વિશે બધું જાણતા હશે. " ધીરુભાઈ બોલ્યા.

" ભલે દાદા તો પછી હું જાઉં. " કહીને અનિકેત દાદાના બેડરૂમમાંથી બહાર નીકળી ગયો.

રાજકોટથી આવ્યા પછીના એક જ અઠવાડિયામાં અનિકેતે કૃતિને મારુતિની વેગનઆર ગાડી ગિફ્ટ આપી. રવિવારે કૃતિ ગાડી લઈને બોરીવલી એની સુધા માસીના ઘરે આંટો પણ મારી આવી.

એ પછી બીજો એકાદ મહિનો પસાર થઈ ગયો. માર્ચ મહિનાની શરૂઆત થઈ ગઈ. અનિકેતની આકૃતિ ટાવરની સ્કીમ પૂરજોશમાં ચાલી રહી હતી. ચાર પાંચ ફ્લેટને બાદ કરતાં તમામ ફ્લેટ વેચાઈ ગયા હતા. અનિકેત પોતે હવે પોતાની કમાણીથી શ્રીમંત બની ગયો હતો.

સમય સારો ચાલતો હોય ત્યારે બધી સારી ઘટનાઓ જ બને છે. માર્ચ મહિનાની ૧૫ તારીખે કેનેડાથી અભિષેકનો ફોન આવ્યો કે એની પત્ની કાવ્યા પ્રેગનેન્ટ બની છે. પ્રેગ્નન્સી ટેસ્ટ પોઝિટિવ આવ્યો છે.

ગુરુજીની આગાહી સાચી પડી હતી. ગુરુજી જ્યારે મુંબઈ આવ્યા ત્યારે એમણે મનીષને કહ્યું જ હતું કે બે ત્રણ મહિનામાં અભિષેક હવે પિતા બનવાનો છે એવા સમાચાર આવી જશે. એક દિવ્ય આત્મા ગર્ભમાં પ્રવેશ કરવાની રાહ જોઈ રહ્યો છે !

ધીરુભાઈ શેઠના પરિવારમાં ખુશીનો માહોલ છવાઈ ગયો. પોતાની પેઢી આગળ વધી રહી છે એ સમાચાર ધીરુભાઈ માટે વધારે મહત્ત્વના હતા !! ધીરુભાઈએ ઓફિસના તમામ સ્ટાફને એ દિવસે પેંડા વહેંચ્યા.

અનિકેત પોતાની રૂટીન દિનચર્યામાં પડી ગયો હતો. પોતાને મળેલી સિદ્ધિઓ વિશે પણ હવે એ બેધ્યાન હતો. પરંતુ સિદ્ધિ તો પોતાની રીતે કામ કરી જ રહી હતી !

અનિકેત એક દિવસ બપોરના સમયે પોતાની ઓફિસમાં બેઠો હતો ત્યાં અચાનક એક ફોન આવ્યો.

"ઈઝ ધીસ મિસ્ટર અનિકેત વિરાણી ? (હું મિસ્ટર અનિકેત વિરાણી સાથે વાત કરી રહી છું ?) " સામે છેડે કોઈ યુવતી બોલી રહી હતી.

" જી અનિકેત બોલું છું. " અનિકેતે જવાબ આપ્યો.

" હું બાંદ્રાથી અંજલી બોલું છું. મારે તમને મળવું છે. તમે મારી ઓફિસે આવી શકો ? હું તમને લેવા માટે ગાડી મોકલું એવું કહેવું મને યોગ્ય નહીં લાગે કારણ કે તમે પોતે પણ ગર્ભશ્રીમંત છો ! " અંજલી બોલી.

"તમારે મને શા માટે મળવું છે ? અને તમારે મળવું જ હોય તો તમે મારી મુલુંડની ઓફિસમાં પણ આવી શકો છો. " અનિકેત બોલ્યો.

" હું ચોક્કસ આવી શકું છું અને તમારા જેવી વ્યક્તિને મળવા માટે મારે સામેથી જ આવવું જોઈએ પરંતુ તમે અહીં આવો એ વધુ યોગ્ય રહેશે. તમને જ્યારે પણ અનુકૂળતા હોય ત્યારે આવો. તમારા નંબર ઉપર હું મારું એડ્રેસ મોકલી આપું છું. તમે જ્યારે પણ આવવાનો હો ત્યારે મને એક કોલ કરી દેજો." અંજલી બોલી અને એણે ફોન કટ કર્યો.

અનિકેતને આશ્ચર્ય થયું. અંજલી કોણ હશે ? મારો નંબર એને ક્યાંથી મળ્યો ? શા માટે મને બાંદ્રા બોલાવતી હશે ? અનેક પ્રશ્નો એના મનમાં ઊભા થયા હતા.

થોડીવારમાં જ એના મોબાઈલ ઉપર અંજલીનો મેસેજ આવી ગયો.

અંજલી ભાટિયા.... સુજાતા બિલ્ડર્સ. 3 લક્ષ્મીવર્ષા કોમ્પલેક્ષ. માઉન્ટ કાર્મેલ રોડ. બાંદ્રા વેસ્ટ.

અનિકેતે મેસેજ વાંચ્યો. બાંદ્રા, ખાર અને જૂહુ વિસ્તારમાં સુજાતા બિલ્ડર્સ બહુ મોટું નામ હતું એ અનિકેત જાણતો હતો.

છેવટે અનિકેતે અંજલી ભાટિયાને મળવાનું નક્કી કર્યું. બે દિવસ પછી ફોન કરીને એ બપોરે ૩ વાગે નીકળી ગયો. ડ્રાઇવરને એડ્રેસ સમજાવી દીધું. કુર્લાથી બાંદ્રા થઈને એ દોઢેક કલાકમાં અંજલીના એડ્રેસ ઉપર પહોંચી ગયો.

સુજાતા બિલ્ડર્સની ઓફિસ ઘણી વિશાળ હતી. ગેટ પાસે જ સિક્યુરિટી વાળો ઊભો હતો. અનિકેતને એણે રોક્યો નહીં. ઓફિસમાં જઈને એણે રિસેપ્શનિસ્ટ યુવતીને પોતાનો પરિચય આપ્યો. એણે એને સીધા અંદર મેડમ ની ચેમ્બરમાં જવાની સૂચના આપી.

અંજલીએ અનિકેતનું ભાવભીનું સ્વાગત કર્યું. સુજાતા બિલ્ડર્સની ઓફિસ જોઈને અનિકેત દંગ રહી ગયો. ગજબનું ઇન્ટિરિયર ડિઝાઇન કરેલું હતું તો અંજલી ભાટિયા પોતે પણ અદભુત હતી ! લગભગ ૨૭ ૨૮ ની અંજલી ખૂબ જ સુંદર દેખાતી હતી. ગોરા શરીર ઉપર પિકોક બ્લુ કલરનું ટોપ એને વધુ આકર્ષક બનાવતું હતું.

" હું અંજલી. વેલકમ ટુ માય ઓફિસ મિ. અનિકેત." અંજલીએ રિવોલ્વિંગ ચેર ઉપરથી ઉભા થઈને અનિકેત સાથે હાથ મિલાવ્યા.

" મિસ્ટર નહી. માત્ર અનિકેત." અનિકેત હસીને બોલ્યો.

" ઓકે અનિકેત પ્લીઝ હેવ આ સીટ ! ઉનાળાની શરૂઆત થઈ ગઈ છે. આઈસ્ક્રીમ ફાવશે ? " અંજલી બોલી અને અનિકેતના જવાબની રાહ જોયા વગર જ એણે પ્યુનને બોલાવવા બેલ માર્યો.

" બે આઇસક્રીમ " અંજલી પ્યુનને સંબોધીને બોલી.

"તમારું નામ મેં બહુ જ સાંભળ્યું છે. તમારી આ યુવાન ઉંમરે તમે એક બિલ્ડર તરીકે ઘણી મોટી સફળતા મેળવી છે. થાણા અને નવી મુંબઈ બાજુ તો વિરાણી બિલ્ડર્સની જ બોલબાલા છે. તમે થોડા દિવસોમાં જ તમારી પહેલી સ્કીમને આટલી બધી સફળ બનાવી દીધી. " અંજલી બોલી.

"થેન્ક્સ. હું પોતે આર્કિટેકટ છું. હાવર્ડ યુનિવર્સિટી યુએસ માં આર્કિટેક્ચર કરેલું છે. મારું પોતાનું એક વિઝન છે. સારા બિલ્ડર બનવાનું પેશન છે. તમે સારુ લોકેશન પસંદ કરો અને તમારું ૧૦૦% ડેડીકેશન હોય તો સફળતા તો મળવાની જ છે અંજલી. આપણે મોં માંગ્યા પૈસા લઈએ છીએ તો સામે પરફેક્શન પણ આપવું જ જોઈએ. પૈસા કમાવાની વૃત્તિ કરતાં ગ્રાહકોને શ્રેષ્ઠ આપવાની ભાવના મારામાં વધારે છે. " અનિકેત બોલ્યો.

" તમારા વિશે સાંભળ્યું છે એના કરતાં તમારામાં વધારે એનર્જી અને પ્રતિભા મને દેખાય છે. આઈ એમ ઇમ્પ્રેસ્ડ ! તમને અહીં બોલાવવા પાછળ મારો પોતાનો એક ચોક્કસ હેતુ છે અને સ્વાર્થ પણ છે. " અંજલી બોલી.

અનિકેત કંઈ બોલ્યો નહીં એ માત્ર સાંભળી રહ્યો. એને પણ જાણવાનું કુતૂહલ હતું કે અંજલીએ એને શા માટે બોલાવ્યો છે !
ક્રમશઃ
અશ્વિન રાવલ (અમદાવાદ)