Satya-Asatyani Sachi Vyakhya in Gujarati Spiritual Stories by Dada Bhagwan books and stories PDF | સત્ય-અસત્યની સાચી વ્યાખ્યા

Featured Books
Categories
Share

સત્ય-અસત્યની સાચી વ્યાખ્યા

એવું છે, સત્યની હરેક જગ્યાએ જરૂર છે અને જો સત્ય હોય તો વિજય થાય છે. પણ સત્ય એના સત્યના રૂપમાં હોવું જોઈએ, એની વ્યાખ્યામાં હોવું જોઈએ.

પોતાનું સાચું ઠરાવવા માટે લોક પાછળ પડે છે. પણ સાચાને સાચું ઠરાવશો નહીં. સાચામાં જો કોઈ સામો માણસ તમારા સાચા સામે જો વિરોધ કરે તો જાણવું કે તમારું સાચું નથી, કંઈક કારણ છે એની પાછળ. એટલે સાચું કોને કહેવાય ? સાચી વાતને સાચી વાત ક્યારે ગણાય ? કે એકલા સત્ય સામું જોવાનું નથી. એના ચાર પાસાં હોવા જોઈએ. સત્ય હોવું જોઈએ, પ્રિય હોવું જોઈએ, હિતવાળું હોવું જોઈએ ને મિત એટલે ઓછા શબ્દોમાં હોવું જોઈએ, એનું નામ સત્ય કહેવાય. એટલે સત્ય, પ્રિય, હિત અને મિત, આ ચાર ગુણાકારે કરીને બોલીશ તો સત્ય છે, નહીં તો અસત્ય છે.

પહેલું, નગ્ન સત્ય ના શોભે. નગ્ન સત્ય બોલવું એ ભયંકર ગુનો છે. કારણ કે, કેટલીક બાબતમાં સત્ય તો વ્યવહારમાં બોલાતું હોય તે બોલાય. કોઈને દુઃખ થાય એવી વાણી સાચી-સત્ય કહેવાતી જ નથી. નગ્ન સત્ય એટલે કેવળ સત્ય જ બોલીએ તો એય જૂઠું કહેવાય.

નગ્ન સ્વરૂપે સત્ય કોને કહેવાય ? કે પોતાના મધર હોય તેને કહેશે, ‘તમે તો મારા બાપના વહુ થાવ !’ એવું કહે તો સારું દેખાય ? આ સત્ય હોય તોય પણ મા ગાળો ભાંડે ને ? મા શું કહે ? ‘મૂઆ, મોઢું ના દેખાડીશ, રડ્યા તારું !’ અરે, આ સત્ય કહું છું. તમે મારા બાપના વહુ થાવ, એવું બધા કબૂલ કરે એવી વાત છે ! પણ એવું ના બોલાય. એટલે નગ્ન સત્ય ના બોલવું જોઈએ.

બીજું, સત્ય પણ પ્રિય ખપે. એટલે સત્યની વ્યાખ્યા શું કરવામાં આવી છે ? વ્યવહાર સત્ય કેવું હોવું જોઈએ ? વ્યવહાર સત્ય ક્યાં સુધી કહેવાય છે ? કે સત્યના પૂછડાં પકડીને બેઠા છે એ સત્ય નથી. સત્ય એટલે તો સાધારણ રીતે આ વ્યવહારમાં સાચું હોવું જોઈએ. તેય પાછું સામાને પ્રિય હોવું જોઈએ.

લોક નથી કહેતા કે ‘એય, કાણિયા, તું અહીં આવ.’ તો એને સારું લાગે ? અને કોઈ ધીમે રહીને કહે, ‘ભઈ, તમારી આંખ શી રીતે ગઈ?’ તો એ જવાબ આપે કે ના આપે ? અને એને કાણિયા કહીએ તો ?! પણ એ સત્ય ખરાબ લાગે ને ? એટલે આ દાખલો મૂક્યો. સત્ય એ પ્રિય જોઈશે.

નહીં તો સત્ય પણ જો સામાને પ્રિયકારી ના હોય તો એ સત્ય ગણાતું નથી. કો’ક ઘૈડા હોય તો તેને ‘માજી’ કહેવું. એમને ‘ડોશી’ કહ્યા હોય તો એ કહે, ‘રડ્યો, મને ડોશી કહે છે ?!’ હવે હોય અઠ્યોત્તેર વર્ષના, પણ પેલા ‘ડોશી’ કહે તો પોષાય નહીં. શાથી ? એમને અપમાન જેવું લાગે. એટલે આપણે એમને ‘માજી’ કહીએ, કે ‘માજી આવો.’ તો એ રૂપાળું દેખાય અને તો એ ખુશ થઈ જાય. ‘શું ભઈ, પાણી જોઈએ છે ? તમને પાણી પાઉં ?!’ કહેશે. એટલે પાણી-બાણી બધુંય પાય.

ત્રીજું, હિતકારી તો જ સત્ય કહેવાય. ત્યારે ત્યાં આગળ પાછું ચેતવાનું કહ્યું, કે સત્ય એ એકલું પ્રિય નહીં પણ સામાને હિતકર પણ હોવું જોઈએ. સામાને ફાયદાકારક હોવું જોઈએ, તો સત્ય ગણાય. આ તો પેલું લૂંટી લેવું, છેતરી લેવું, એને સત્ય કહેવાય જ નહીં ને ! એટલે એકલા સત્યથી નહીં ચાલે. સત્ય હોવું જોઈએ અને તે સામાને પ્રિય લાગે એવા ગુણાકાર થવા જોઈએ. અને સત્ય ને પ્રિય એકલું હોય તોય પાછું ના ચાલે. એ હિતકારી હોવું જોઈએ.

સામાને હિત ના થતું હોય તો એ શું કામનું ?! ગામમાં તળાવ ભરાઈ ગયું હોય તો આપણે બાબાને કહીએ, ‘જો તળાવ પર એક ડાકણ રહે છે ને, તે બહુ નુકસાન કરે છે...’ એમ ગમે તે રસ્તે આપણે એને બીવડાવીએ તો એ અસત્ય છે, છતાં હિતકારી છે ને ?! તો એ સત્ય ગણાય.

ઘણી વખત એવું પણ બને છે કે હિતકારી હોય તે વાત સામાન્ય રીતે સામાને પ્રિય નથી લાગતી.

હવે એ હિતકારી છે કે કેમ, એ આપણી માન્યતા ઘણી વખત ખોટી હોય છે. અને આ તો આપણે માનીએ કે હું હિતકારી કહું છું છતાં આ માનતા નથી. અલ્યા, હિતકારી એક વાક્ય ક્યાંથી લાવ્યા ? હિતકારી વાત તો કેવી હોય ? હિતકારી વાત કરનારની પાસે તો, એ સામા માણસને મારે તોય પેલો સાંભળે. કારણ કે, પોતે સમજી જાય કે મારા હિતને માટે કહે છે. એટલે આપણી વાત જે સામાને પ્રિય લાગતી નથી. પાછું પ્રિય લાગે અને હિતકારી ના હોય તોય નકામું છે.

અને ચોથું મિત વિનાનું સત્ય કદરૂપું ગણાય. હવે એટલેથીય સત્ય નથી પાછું. એવી ત્રણેવ ચીજ એક માણસે કરી, સત્ય કહ્યું, પ્રિય લાગે એવું બોલ્યા, હિતકારી લાગે એવું બોલ્યા. પણ આપણે કહીએ, ‘હવે બહુ થઈ ગયું, તમે મને સલાહ આપી, ને એ મને સમજણ પડી ગઈ, હવે હું જઉં છું.’ તો એ આપણને શું કહેશે ? ‘ના, નથી જવાનું. ઊભો રહે. મારી વાત પૂરી સાંભળ. તું સાંભળ પણ.’ એ પાછું અસત્ય થઈ ગયું. એટલે મિત કહ્યું ભગવાને ત્યાં આગળ. મિત એટલે પ્રમાણમાં હોવું જોઈએ. થોડાક શબ્દમાં ના હોય તો સત્ય ગણાતું નથી. કારણ કે, વધુ પડતું બોલે તો સામો માણસ કંટાળે, એ સત્ય ગણાતું નથી. એ સત્ય કરતા રેડિયો સારો કે આપણે જ્યારે સ્વીચ બંધ કરવી હોય તો કરી શકીએ ! આ રેડિયો બંધ કરવો હોય તો થાય, પણ આ જીવતો રેડિયો બંધ ના થાય. એટલે મિત નથી એય ગુનો, એટલે વધારે પડતું, એક્સેસ બોલવાનું થઈ ગયું તો એય જૂઠું થઈ ગયું. કારણ કે, અહંકાર છે એની પાછળ. એટલે સત્ય કહેતો હોય, હિતકારી બોલે તોય ખોટો દેખાય. કારણ કે મિત નથી. એટલે નોર્માલિટી હોવી જોઈએ, ત્યારે એ સત્ય ગણાય.

મિત એટલે સામાને ગમે એટલી જ વાણી, જરૂરિયાત પૂરતું જ બોલે, વધારે ના બોલે, સામાને વધારે પડતું લાગે તો બંધ કરી દે.

માણસના જીવનમાં કેવું બને છે ? સત્યને સત્ય ઠેરવવા જતા, એનો પ્રયત્ન કરવા જતા અસત્ય બને છે !

એવું છે ને, આ જગતમાં વાણી માત્ર સત્યાસત્યથી બહાર છે. એને સત્યમાં લઈ જવી હોય તો લઈ જવાય, અસત્યમાં લઈ જવી હોય તો લઈ જવાય. એ બેઉ આગ્રહપૂર્વક બોલાય એવું નથી. આગ્રહપૂર્વક બોલ્યા એ પોઈઝન ! શાસ્ત્રકારો એ કહ્યું કે વધુ પડતી ખેંચ કરી માટે અસત્ય છે ને ખેંચ ના કરી માટે સત્ય છે. ને સત્યને સત્ય ઠરાવવા જશો તો અસત્ય થઈને ઊભું રહેશે, એવા જગતમાં સત્ય ઠરાવો છો ?!

માટે સત્ય-અસત્યની ભાંજગડ મૂકી દેવાની. એ ભાંજગડવાળા ત્યાં કોર્ટમાં જાય. પણ આપણે કંઈ કોર્ટમાં બેઠાં નથી. આપણે તો અહીં કોઈને દુઃખ ના થાય એ જોવાનું. સત્ય બોલતા સામાને દુઃખ થતું હોય તો આપણને બોલતા જ નથી આવડતું.

એટલે જ્ઞાની પુરુષ દાદા ભગવાન કહે છે કે વ્યવહાર સત્ય કોને કહેવાય કે કોઈ જીવને નુકસાન ના થાય એવી રીતે વસ્તુ લે, વસ્તુ ગ્રહણ કરે, વાણીમાં દુઃખ ના થાય, વર્તનમાં દુઃખ ના થાય અને મનથી એને માટે ખરાબ વિચાર ના કરાય. એ મોટામાં મોટું સત્ય છે, વ્યવહાર સત્ય છે, તેય પાછું ખરેખર ‘રિયલ’ સત્ય નહીં. આ છેલ્લામાં છેલ્લું વ્યવહાર સત્ય છે ! રિયલ સત્ય એ સત્ કહેવાય છે અને સત્ એ અવિનાશી, શાશ્વત છે.