Sapnana Vavetar - 14 in Gujarati Short Stories by Ashwin Rawal books and stories PDF | સપનાનાં વાવેતર - 14

Featured Books
  • રહસ્ય,રહસ્ય અને રહસ્ય

    આપણને હંમેશા રહસ્ય ગમતું હોય છે કારણકે તેમાં એવું તત્વ હોય છ...

  • હાસ્યના લાભ

    હાસ્યના લાભ- રાકેશ ઠક્કર હાસ્યના લાભ જ લાભ છે. તેનાથી ક્યારે...

  • સંઘર્ષ જિંદગીનો

                સંઘર્ષ જિંદગીનો        પાત્ર અજય, અમિત, અર્ચના,...

  • સોલમેટસ - 3

    આરવ રુશીના હાથમાં અદિતિની ડાયરી જુએ છે અને એને એની અદિતિ સાથ...

  • તલાશ 3 - ભાગ 21

     ડિસ્ક્લેમર: આ એક કાલ્પનિક વાર્તા છે. તથા તમામ પાત્રો અને તે...

Categories
Share

સપનાનાં વાવેતર - 14

સપનાનાં વાવેતર પ્રકરણ 14

" હવે તમે બે કલાક આરામ કરી લો. અમારું આખું રાજકોટ આમ પણ બપોરે બે ત્રણ કલાક આરામ જ કરે છે. " હરસુખભાઈ હસીને બોલ્યા.

અનિકેત અને કૃતિ જમીને બહાર ડ્રોઈંગ રૂમમાં આવ્યાં ત્યારે હરસુખભાઈ ફેક્ટરીએથી ઘરે આવી ગયા હતા.

"હા મારા દાદા પણ કહેતા હતા કે રાજકોટનું માર્કેટ બપોરના સમયે સંપૂર્ણપણે બંધ હોય છે. ગમે તેવું કામ હોય પણ બપોરે બંધ એટલે બંધ !"
અનિકેત બોલ્યો.

"રાજકોટની એ તાસીર છે. આવી બાદશાહી તમને બીજા કોઈ શહેરમાં જોવા ન મળે. " હરસુખભાઈ બોલ્યા.

"કૃતિ જમાઈને તારા બેડરૂમમાં લઈ જા અને તું પણ આરામ કર. અને પપ્પા તમે જમવા બેસી જાવ. પોણા બે વાગી ગયા છે." આશાબેને હરસુખભાઈને કહ્યું.

લગભગ સાંજે સાડા ચાર વાગ્યા સુધી અનિકેત સૂતો રહ્યો. લગ્ન પછી પહેલીવાર કૃતિ પોતાના પિયર આવી હતી એટલે એને ઊંઘ નહોતી આવી. અનિકેત સૂઈ ગયો કે તરત જ એ બહાર આવી અને પરિવાર સાથે વાતોએ વળગી. લક્ષ્મણરેખાનું દર્દ હૃદયમાં સંઘરી એણે સાસરિયાની ખૂબ જ પ્રશંસા કરી.

અનિકેત સાડા ચાર વાગે જાગીને તરત જ વોશરૂમમાં ગયો અને હાથ મ્હોં ધોઈ નાખ્યાં. માથાના વાળ સરખા કર્યા અને એ પણ નીચે આવ્યો.

" હું તમને જગાડવા ઉપર આવવાની જ હતી. ચા તૈયાર થઈ રહી છે." કૃતિ હસીને બોલી.

" વાતાવરણમાં ઠંડક છે એટલે ઊંઘ આવી ગઈ. " અનિકેત બોલ્યો.

"હવે સાંજનો શું પ્રોગ્રામ છે ? તમારી ઈચ્છા હોય તો રાત્રે ગ્રાન્ડ ઠાકરમાં ડીનર લઈએ. એ બહાને અમને બધાંને પણ હોટલમાં જમવાનો લાભ મળશે" હરસુખભાઈ હસીને બોલ્યા.

" અહીં સુધી આવ્યો છું તો મારી ઈચ્છા યાજ્ઞિક રોડ ઉપર અમારા ગુરુજીનાં દર્શન કરવાની છે. હું અને કૃતિ એમના આશીર્વાદ લઈ આવીએ. ત્યાં અમને બહુ વાર નહીં લાગે. તમારે જે પણ પ્રોગ્રામ બનાવવો હોય મને કોઈ જ વાંધો નથી. અમે મોડામાં મોડા આઠ વાગ્યા સુધીમાં તો પાછાં આવી જઈશું. " અનિકેત બોલ્યો.

" આ તો બહુ સરસ વિચાર છે. આજના જમાનામાં આવા ધાર્મિક સંસ્કાર બહુ ઓછા યુવાનોમાં હોય છે. " મનોજભાઈ બોલ્યા.

" આપણે કેટલા વાગે નીકળવાનું છે ? તો હું એ પ્રમાણે તૈયાર થઈ જાઉં " કૃતિ બોલી.

"આપણે એકાદ કલાક પછી છ વાગ્યા આસપાસ નીકળીએ. " અનિકેત બોલ્યો.

" તમે એક કામ કરો અનિકેતકુમાર. નજીકમાં જ અક્ષર પુરુષોત્તમ સ્વામિનારાયણનું ભવ્ય મંદિર છે. ત્યાં એકવાર દર્શન કરવા જેવાં છે. તમે બંને ત્યાં દર્શન કરી યાજ્ઞિક રોડ જવા નીકળી જજો. ત્યાંથી યાજ્ઞિક રોડ ૧૦ ૧૫ મિનિટમાં પહોંચી જશો. " દાદા હરસુખભાઈ બોલ્યા.

"કૃતિ તું પોતે જ ગાડી ચલાવી એમને લઈ જજે." મનોજભાઈ બોલ્યા.

"તમે ના કહ્યું હોત તો પણ હું પોતે જ ગાડી લઈ જવાની હતી પપ્પા. " કૃતિ હસીને બોલી.

અને પછી ચા પાણી પી, પરિવાર સાથે થોડી આડીઅવળી વાતો કરી અનિકેત અને કૃતિ ૬ વાગે ગુરુજીનાં દર્શન કરવા જવા માટે તૈયાર થઈ ગયાં.

એ લોકો હજુ નીકળતાં જ હતાં ત્યાં કૃતિની બે બહેનપણીઓ મૈત્રી અને મિતાલીએ એન્ટ્રી કરી.

" હાય કૃતિ... અમને હમણાં જ સમાચાર મળ્યા કે તું અને જીજુ આવ્યાં છો એટલે ખાસ તમને લોકોને મળવા માટે અમે આવ્યાં. તું તો અહીં કદાચ રોકાઈશ પણ જીજુ કદાચ નીકળી જાય એટલે આજે ને આજે જ આવ્યાં. અમે તો એમને અત્યારે પહેલી વાર જોયા. " મૈત્રી બોલી.

" બસ તો ધરાઈને જોઈ લો તમારા જીજુ ને." કૃતિ હસીને બોલી.

"એક કામ કર કૃતિ. તું તારી ફ્રેન્ડ્સ સાથે વાતો કર. હું એકલો જ ગુરુજીને મળી આવું છું. પપ્પા તમે ડ્રાઇવરને મોકલો. " અનિકેત બોલ્યો.

" હા રઘુને હું સૂચના આપી દઉં છું કે પહેલાં તમને સ્વામિનારાયણ મંદિરમાં લઈ જાય અને પછી સરદાર નગર તમારા ગુરુજીના બંગલે લઈ જાય." મનોજભાઈ બોલ્યા અને એમણે એમના ડ્રાઇવર રઘુને બોલાવ્યો.

અક્ષર પુરુષોત્તમ સ્વામિનારાયણનું મંદિર વિશાળ જગ્યામાં ખૂબ જ ભવ્ય છે. મંદિરની સાથે સાથે ઉતારાની વ્યવસ્થા તેમજ ભોજનાલય પણ છે. ત્યાં દર્શન કરાવીને રઘુ અનિકેતને યાજ્ઞિક રોડ ઉપર સરદાર નગર લઈ ગયો. અનિકેતે બંગલો જોયેલો હતો એટલે એણે જ રઘુને રસ્તો બતાવ્યો.

" આવ બેટા... ઘરે બધાં મજામાં ?" અનિકેતે જેવો પ્રવેશ કર્યો કે તરત જ દીવાકર ગુરુજી બોલ્યા.

" જી ગુરુજી આજે કૃતિને મૂકવા માટે આવ્યો હતો તો દાદાજીએ મને ખાસ કહેલું કે ગુરુજીના આશીર્વાદ લેતો આવજે. " અનિકેતે ગુરુજીના ચરણસ્પર્શ કરીને નીચે શેતરંજી ઉપર બેઠક લેતાં કહ્યું.

"હમ્.. બીજું કંઈ કહેવું છે ?" ગુરુજીએ જાણી જોઈને આ પ્રશ્ન કર્યો.

અનિકેતને પોતાની પ્રથમ રાત્રિએ જાણવા મળેલા કૃતિના ભૂતકાળની ચર્ચા કરવાની ઈચ્છા થઈ. પરંતુ ગુરુજી જેવા આધ્યાત્મિક મહાપુરુષ સામે એવી વાત કરતાં એને સંકોચ થયો. જો કે દીવાકરભાઈએ એના મનના વિચારો વાંચી લીધા હતા.

" ના... બસ ગુરુજી આપના આશીર્વાદથી બધું સરસ રીતે ચાલે છે. કૃતિ દૂધમાં સાકરની જેમ મારા કુટુંબમાં ભળી ગઈ છે. અમે લોકો શિમલા પણ ફરી આવ્યાં." અનિકેત બોલ્યો.

" હું પણ એ જ ઈચ્છું છું બેટા કે તારું લગ્નજીવન સુખી રહે. કૃતિ ખરેખર સારી છોકરી છે. જે પણ થઈ રહ્યું છે એ તારા મંગળના કારણે છે પરંતુ એ બાબતે તારે ચિંતા કરવાની કોઈ જરૂર નથી. સમયની સાથે બધાં સારાં વાનાં થઈ રહેશે. "

ગુરુજીએ આશ્વાસન આપ્યું અને સાથે સાથે 'જે પણ થઈ રહ્યું છે' એવું કહીને ઈશારો પણ કરી દીધો કે અંગત લગ્ન જીવનમાં અત્યારે થોડા પ્રોબ્લેમ ચાલી રહ્યા છે એ એમને ખબર છે.

"કૃતિને ના લેતો આવ્યો ?" ગુરુજીએ હસીને પૂછ્યું.

" એ મારી સાથે આવવાની જ હતી પરંતુ અમે નીકળતા હતા ત્યાં જ એની બહેનપણીઓ અચાનક આવી ચડી એટલે પછી એને રોકાઈ જવું પડ્યું." અનિકેત બોલ્યો.

અનિકેત જાણતો ન હતો કે કૃતિને ગુરુજીએ જ અહીં આવતી રોકી હતી. અચાનક એની બહેનપણીઓનું આવી જવું એ પણ ગુરુજીની ઈચ્છાથી જ થયું હતું. એમણે જ એ બંને બહેનપણીઓને કૃતિના ઘરે તત્કાલ જવાની પ્રેરણા આપી હતી. કારણ કે અનિકેત અને કૃતિ જો એક સાથે ગુરુજીનાં દર્શન કરવા આવે તો એમને શારીરિક સંબંધથી દૂર રાખવા માટે જે શક્તિ એમણે મોકલી હતી એ એમની સાથે અહીં જ પાછી આવી જાય અને પ્રયોગ નિષ્ફળ જાય !!

હકીકતમાં અનિકેત અને કૃતિ જેવાં સવારે મુંબઈથી નીકળ્યાં કે તરત જ ધીરુભાઈએ ગુરુજીને ફોન કરી દીધેલો કે અનિકેત અને કૃતિ રાજકોટ આવી રહ્યાં છે તો નવદંપત્તિ તમારા આશીર્વાદ લેવા માટે આવશે. એટલે આજે બપોરથી જ ગુરુજીનું ધ્યાન અનિકેત ઉપર જ હતું કે એ બંને સાથે ના નીકળે.

" હનુમાન ચાલીસાના ત્રણ પાઠ તો નિયમિત કરે છે ને ? તારા જીવનમાં મને ઘણાં પ્રલોભનો દેખાય છે એટલે તારી સુરક્ષા માટે એ જરૂરી છે." ગુરુજીએ પૂછ્યું.

" જી ગુરુજી હું રેગ્યુલર કરું છું. " અનિકેત બોલ્યો.

એ પછી ગુરુજીએ એને સાકરનો પ્રસાદ આપ્યો. એ લઈને અનિકેત ફરીથી વંદન કરીને નીકળી ગયો.

બીજે તો ક્યાંય જવાનું હતું નહીં એટલે રઘુને ઘરે જવાની જ સૂચના આપી અને અનિકેત કૃતિના બંગલે પહોંચી ગયો.

"બહુ જલ્દી આવી ગયા. મને તો હતું કે વાર લાગશે. " કૃતિ બોલી. એની બંને બહેનપણીઓ ચાલી ગઈ હતી.

" સ્વામિનારાયણ મંદિરમાં દર્શન કર્યાં અને ત્યાંથી ગુરુજીના બંગલે ગયો. ત્યાં દસેક મિનિટ જ રોકાયો એટલે વાર ન લાગી. " અનિકેત બોલ્યો.

"હજુ સાડા સાત વાગ્યા છે. આપણે સાડા આઠ વાગે નીકળીએ. ૧૫ ૨૦ મિનિટમાં પહોંચી જઈશું. ત્યાં સુધી આરામ કરો." મનોજભાઈ બોલ્યા.

"અરે શ્રુતિ બેટા તું કેમ કંઈ બોલતી નથી ? દીદી આવી નહોતી ત્યાં સુધી તો બહુ બોલતી હતી કે આજે જીજુ સાથે મારે બહુ બધી વાતો કરવી છે. હવે તારા જીજુ આવ્યા છે ત્યારથી તો તારી જીભ જ સિવાઈ ગઈ છે." આશાબેન બોલ્યાં.

" એવું નથી મમ્મી. મને વાતો કરવાનો ચાન્સ જ નથી મળ્યો. દીદી લોકો આવીને તરત જમવા બેઠાં. જમીને જીજુ આરામ કરવા ગયા. એ પછી ચા પાણી પીને તરત જ ગુરુજીને મળવા ગયા. હવે હું ક્યાં વચ્ચે ડિસ્ટર્બ કરું ? " શ્રુતિ બોલી.

" શ્રુતિની વાત તો સાચી છે મમ્મી. જમવા જવાને હજુ એક કલાકની વાર છે. આ એક કલાકનો પિરિયડ હું શ્રુતિને આપું છું. અમે બેડરૂમમાં બેસીને જ વાતો કરીએ. જાહેરમાં બધાંની વચ્ચે શ્રુતિ કંઈ નહીં બોલી શકે એ મને ખબર છે. " અનિકેત બોલ્યો અને બધાં હસી પડ્યાં.

શ્રુતિ ખૂબ જ બુદ્ધિશાળી અને થોડીક રોમેન્ટિક સ્વભાવની આઝાદ છોકરી હતી. એ ફેશન ડિઝાઈનર હતી. બિઝનેસમાં એને રસ વધારે હતો પણ છોકરી હોવાથી ઘરમાંથી કોઈ એને સપોર્ટ કરતું ન હતું. દેખાવમાં પણ કૃતિ જેટલી જ સુંદર હતી. કૃતિ થોડીક પાતળી હતી જ્યારે શ્રુતિનું શરીર વધારે વિકાસ પામેલું ભરાવદાર હતું. કૃતિ કરતાં એ બે વર્ષ નાની હતી.

અનિકેતે જે રીતે એક કલાકના પિરિયડની વાત કરી એ એને ગમ્યું. આમ પણ એને વાતચીત કરવા માટે થોડા સમયની જરૂર હતી જ.

"દીદી એક કલાકનો પિરિયડ મારો છે. મને બિલકુલ ડિસ્ટર્બ ના કરતી." શ્રુતિ કૃતિ સામે જોઈને બોલી.

"અરે બાબા તું તારે શાંતિથી વાતો કર. તને ડિસ્ટર્બ કરવા કોઈ ઉપર નહીં આવે. " કૃતિ હસીને બોલી.

" ચાલો જીજુ. " કહીને શ્રુતિ ઊભી થઈ અને અનિકેતને લઈને પહેલા માળે કૃતિના બેડરૂમમાં ગઈ. બેડરૂમનો દરવાજો એણે અંદરથી બંધ કરી દીધો.

" બોલ હવે તારે શું વાતો કરવી છે મારી સાથે ? " અનિકેતે બેડ ઉપર બેસીને વાતની શરૂઆત કરી. શ્રુતિ ત્યાં રાખેલા કૃતિના કોમ્પ્યુટર ટેબલની ખુરશી ઉપર બેઠી.

"વાતો તો ઘણી કરવી છે જીજુ પણ શરૂઆત ક્યાંથી કરવી એ વિચારું છું." શ્રુતિ હસીને બોલી.

" કોઈપણ એક વાતની શરૂઆત કર એટલે બીજી વાત આપોઆપ જોડાઈ જશે. " અનિકેત બોલ્યો.

" વાહ ! સરસ જવાબ આપ્યો. ઓકે વાતની શરૂઆત કરતાં પહેલાં હું ઇચ્છું છું કે તમને મારી કોઈ પણ વાતનું ખોટું નહીં લાગે. જે હોય તે હું સ્પષ્ટ જ કહું છું." શ્રુતિ બોલી.

" મને પણ સ્પષ્ટ વાત બહુ જ ગમે છે. તારી કોઈપણ વાતથી મને ખોટું નહીં લાગે એ હું પ્રોમિસ કરું છું. " અનિકેત બોલ્યો.

" વાત થોડી અંગત છે એટલા માટે મારે આ કહેવું પડ્યું. એનીવેઝ મારે તમારા અને દીદીના સંબંધ વિશે વાત કરવી છે જીજુ. દીદીએ બધી જ વાત મને કરી છે. ચાર દિવસ પહેલાં જ મને આ વાતની જાણ થઈ. તમે લોકો શિમલા જઈને આવ્યાં એટલે મેં જસ્ટ દીદી સાથે ફોન ઉપર મજાક કરેલી કે તમારું હનીમૂન કેવું રહ્યું ? ત્યારે દીદી રડી પડેલી. મેં બહુ આગ્રહ કર્યો ત્યારે એણે મને બધી વાત કરી. જો કે એણે તો મને આ વાત તમને કહેવાની ના જ પાડી છે. પરંતુ મને ચેન નથી." શ્રુતિ બોલી.

"હા એ વાત સાચી છે. ભવિષ્યની ખબર નથી પરંતુ હાલ પૂરતા તો અમારા બંનેના સંબંધો પવિત્ર જ છે. તારી દીદી સાથે જે પણ બન્યું છે એ એણે મને લગ્ન પહેલાં કહેવું જોઈતું હતું. તો કદાચ હું એને માફ કરી દેતો. પરંતુ લગ્ન પછી પહેલી રાતે જ મને જાણ થાય કે પત્ની વર્જીન નથી તો મને કેટલો આઘાત લાગે ? કૃતિને હું ખૂબ જ પ્રેમ કરું છું. પરંતુ બીજા કોઈ સાથે તેનો શારીરિક સંબંધ હતો એ વાત હું ભૂલી શકતો નથી." અનિકેત બોલ્યો.

" એનો મતલબ તો એ જ થયો ને જીજુ કે દીદીને સાચું બોલવાની સજા મળી રહી છે. એણે આ વાત ના કહી હોત તો તમને કેવી રીતે ખબર પડત? એણે તમારા ઉપર વિશ્વાસ રાખીને પોતાનો ભૂતકાળ કહી દીધો. જો કે મને પણ દીદીએ કહ્યું ત્યારે જ ખબર પડી કે ધવલ સાથે એક વાર એને સંબંધ થયેલો છે. પરંતુ દરેકનો એક પાસ્ટ હોય છે જીજુ. એના માટે થઈને પત્નીને આટલી મોટી સજા આપવી યોગ્ય નથી." શ્રુતિ બોલી.

"તારી દીદીએ મને કંઈ જ કહ્યું નથી. એ રાત્રે બાર વાગે અહીં રાજકોટથી કોઈ ધવલ જાડેજાનો મારી ઉપર ફોન આવેલો કે કૃતિ એની પ્રેમિકા હતી અને એનો તારી દીદી સાથે સંબંધ થયેલો છે. દીદી સાથે બદલો લેવા એણે મને વાત કરી. એ ફોનથી મને ખબર પડી એટલે દીદીને પોતાના ભૂતકાળની વાત કહેવી પડી. બાકી હું તો અંધારામાં જ હતો. ચારિત્ર્યની બાબતમાં હું સમાધાન ના કરી શકું. " અનિકેત બોલ્યો.

"જીજુ દીદીનું ચારિત્ર્ય ખરાબ નથી. એને ધવલ સાથે સાચો પ્રેમ હતો અને એ બંને લગ્ન પણ કરવાનાં હતાં એટલે કદાચ એકાદ વાર સંબંધ થયો હશે. એને ચારિત્ર્યનું પતન ના કહી શકાય." શ્રુતિ થોડાક આવેશમાં બોલી.

" કબૂલ. પણ ફિઝિકલ રિલેશનની વાત લગ્ન પહેલાં મને કહેવાની એની ફરજ હતી. મને કોઈ ત્રીજી વ્યક્તિ દ્વારા લગ્નની રાત્રે જ આ વાત જાણવા મળે તો આઘાત તો લાગે જ ને ? હું એની સાથે કઈ રીતે આગળ વધી શકું ? અને છતાં મેં કાયમ માટે સંબંધ નહીં થાય એવું કહ્યું નથી. મને આમાંથી બહાર આવતાં થોડો સમય લાગશે. " અનિકેત બોલ્યો.

"હમ્ .... લગ્ન પહેલાં આવી વાત કરવાની એનામાં કદાચ હિંમત નહીં હોય. જો કે આ તમારી અંગત બાબત છે એટલે વધારે હું તમને પરેશાન નહીં કરું. મેં તો જસ્ટ મારા વિચારો તમને જણાવ્યા. દીદીની તકલીફ હું જોઈ શકતી નથી. પોતાના મનની વાત બિચારી કોઈને કહી શકતી નથી એટલે મારે આ વાત પૂછવી પડી. " શ્રુતિ બોલી રહી હતી.

"હવે એક બીજી વાત. જેના માટે હું તમને મળવા માગતી હતી. મારે એક અંગત કામ માટે દસ લાખ રૂપિયાની જરૂર છે. તમે આપી શકશો ? હા કે ના કહો. " શ્રુતિ બોલી.

" પૈસાનો કોઈ સવાલ નથી પણ આટલી મોટી રકમની તારે જરૂર શું પડી ? " અનિકેત બોલ્યો.

" મેં પહેલા જ કહ્યું કે અંગત કામ માટે જરૂર છે. ઘરે વાત કરી શકું એમ નથી અને એ મને આપે પણ નહીં. મારો પરિવાર આમ તો કરોડોપતિ છે પણ અમને છોકરીઓને વધારે પૈસા વાપરવાની છૂટ નથી. મારા દાદા ખૂબ જ કરકસરવાળા છે. મમ્મી પપ્પા પણ દાદાને પૂછ્યા વગર કંઈ આપી શકે નહીં. ફેક્ટરીનો અને ઘરનો બધો જ વહીવટ દાદા પાસે છે. " શ્રુતિ બોલી.

" રોકડા જોઈએ છે કે ચેક ચાલે ? રોકડા જોઈતા હોય તો મુંબઈથી આંગડિયામાં મોકલી શકું. ચેક જોઈતો હોય તો અત્યારે જ આપી દઉં. અને પૈસાની વાત કૃતિને કહેવાની છે ? " અનિકેત બોલ્યો.

" દીદીને બધી ખબર જ છે. એનાથી છાનું કંઈ જ નથી. આ પૈસા તમને પાછા પણ મળી જશે પણ એના માટે સમય લાગી શકે છે. " શ્રુતિ બોલી.

" પૈસા પાછા લેવા માટે હું આપતો નથી શ્રુતિ. તું મારી સાળી છે. તારો એટલો તો હક બને છે. " અનિકેત બોલ્યો.

" વાહ જીજુ. ચેક જ આપી દો અને તમારા કહેવા મુજબ પૈસા માગવાનો જેમ મારો હક બને છે એમ અડધી ઘરવાળી ઉપર તમારો હક પણ તમે જમાવી શકો છો. " શ્રુતિ રોમેન્ટિક અંદાજમાં બોલી.

" અરે ના ના. હું એવું વિચારી શકું પણ નહીં. તારો બેન્ક એકાઉન્ટ તો છે ને ? તો હું તારા નામનો ચેક આપી દઉં. " કહીને અનિકેતે પોતાની બ્રીફકેસમાંથી ચેક બુક કાઢી.

" હા. મારા નામનો જ લખી દો. " શ્રુતિ બોલી.

અનિકેતે 'શ્રુતિ મનોજભાઈ માવાણી' ના નામનો દસ લાખનો ચેક લખી આપ્યો.

દસ લાખનો ચેક હાથમાં આવતાં શ્રુતિ એટલી બધી ઉત્તેજિત થઈ ગઈ કે ચેક બાજુમાં મૂકીને એ બેડ ઉપર બેઠેલા અનિકેતને વળગી પડી. ધક્કો એટલો જોરથી લાગ્યો કે અનિકેતે બેલેન્સ ગુમાવી દીધું અને એ બેડ ઉપર આડો પડી ગયો. શ્રુતિએ હર્ષના આવેશમાં અનિકેતના ચહેરા ઉપર બે ત્રણ કિસ કરી નાખી.

અચાનક આ હુમલાથી અનિકેત તો ડઘાઈ જ ગયો. શ્રુતિના આખા શરીરનું વજન એના ઉપર હતું અને એના શ્વાસોશ્વાસ અનિકેતના ચહેરા ઉપર અથડાતા હતા. અનિકેત માટે આ એક અગ્નિપરીક્ષા હતી !!
ક્રમશઃ
અશ્વિન રાવલ (અમદાવાદ)