Sapnana Vavetar - 8 in Gujarati Short Stories by Ashwin Rawal books and stories PDF | સપનાનાં વાવેતર - 8

Featured Books
  • నిరుపమ - 10

    నిరుపమ (కొన్నిరహస్యాలు ఎప్పటికీ రహస్యాలుగానే ఉండిపోతే మంచిది...

  • మనసిచ్చి చూడు - 9

                         మనసిచ్చి చూడు - 09 సమీరా ఉలిక్కిపడి చూస...

  • అరె ఏమైందీ? - 23

    అరె ఏమైందీ? హాట్ హాట్ రొమాంటిక్ థ్రిల్లర్ కొట్ర శివ రామ కృష్...

  • నిరుపమ - 9

    నిరుపమ (కొన్నిరహస్యాలు ఎప్పటికీ రహస్యాలుగానే ఉండిపోతే మంచిది...

  • మనసిచ్చి చూడు - 8

                     మనసిచ్చి చూడు - 08మీరు టెన్షన్ పడాల్సిన అవస...

Categories
Share

સપનાનાં વાવેતર - 8

સપનાનાં વાવેતર પ્રકરણ 8

પૌત્ર અભિષેકની વાત સાંભળીને ધીરુભાઈ થોડા વિચલિત થઈ ગયા. એમને પણ એ જ વખતે વર્ષો પહેલાં પોતાના રાજકોટના ગુરુજી દીવાકરભાઈએ કહેલા શબ્દો યાદ આવ્યા:

# તમારા પૂર્વજન્મ સાથે જોડાયેલો એક આત્મા તમારી સાથે બદલો લેવા માટે તમારા ઘર તરફ નજર રાખીને સૂક્ષ્મ જગતમાં બેઠો છે. હવે પ્રશાંતના ઘરે જો દીકરાનો જનમ થશે તો એ આત્મા સ્ત્રીનો જન્મ ધારણ કરીને પ્રશાંતના દીકરા સાથે લગ્ન કરી તમારી બરબાદી કરવા તમારા ઘરમાં આવવાની કોશિશ કરશે.

ધીરુભાઈનું મન ફરી વિચલિત થઈ ગયું એટલે એમણે અભિષેકને એ જ સવાલ ફરીથી કર્યો.

" શું કહે છે તારા એ સાઉથ ઇન્ડિયન રંગનાથન ? " ધીરુભાઈ બોલ્યા.

"દાદા રંગનાથને એવું કહ્યું કે જે છોકરીની સાથે અનિકેતની સગાઈ થઈ છે એ છોકરીનો આત્મા પૂર્વ જન્મથી તમારા દાદા સાથે જોડાયેલો છે. પૂર્વ જન્મમાં તમારા દાદાએ એ આત્માને ખૂબ જ હેરાન કરેલો છે એટલે બદલો લેવા માટે એણે ફરી જન્મ લીધો છે. અત્યારે એ છોકરીને કંઈ યાદ નથી પરંતુ લગ્ન કર્યા પછી જ્યારે એમનો સંસાર શરૂ થશે ત્યાર પછી સ્વપ્નમાં એને ધીમે ધીમે બધું યાદ આવતું જશે. " અભિષેક બોલી રહ્યો હતો.

" તેમણે એ પણ કહ્યું કે જો આ લગ્ન ન થાય અને સગાઈ તોડી નાખો તો કોઈ પ્રોબ્લેમ જ નથી. પરંતુ જો લગ્ન થશે તો આગળ ઉપર પરિવાર ઉપર સંકટ આવી શકે છે. " અભિષેકે પોતાની વાત પૂરી કરી.

" આવી બધી વાતો ઉપર બહુ વિશ્વાસ રાખી ના શકાય બેટા. આ તો બધી સંભાવનાઓ છે. એવું થશે જ એમ ચોક્કસ ના કહી શકાય. મને પણ મારા ગુરુ મહારાજે વર્ષો પહેલાં આવી ચેતવણી આપેલી. કોઈ આત્મા જનમ લઈને આ રીતે કોઈને બરબાદ ના કરી શકે. અને કૃતિ દીકરી તો બહુ જ ડાહી છે એના સંસ્કાર પણ ઘણા સારા છે. એ આપણા ઘરની બરબાદી વિશે વિચારી પણ ના શકે. " ધીરુભાઈ બોલ્યા.

અભિષેકને તો એમણે સાંત્વન આપી દીધું પરંતુ પોતાના મનને એ સાંત્વન આપી શક્યા નહીં. ગુરુજીએ પણ આવી ચેતવણી આપેલી. હવે આ અજાણી વ્યક્તિ પણ આવું જ કંઈક કહી રહી છે. એટલે એની પાછળ કંઈક તો રહસ્ય છે જ . પરંતુ એના કારણે લગ્ન અટકાવી શકાય નહીં. ભવિષ્યમાં એવું લાગે તો થોડું સાવધાન રહેવું - ધીરુભાઈએ વિચાર્યું.

"તું ઇન્ડિયા આવ્યો જ છે તો બંને ભાઈઓ રાજકોટ જઈ આવો. તું સગાઈ વખતે હાજર ન હતો એટલે કૃતિને મળી શક્યો નથી. એક વાર તું એને જોઈ તો લે. એને રૂબરૂ જોયા પછી કદાચ તારા મનનો ભાર હળવો થાય." ધીરુભાઈ બોલ્યા.

" હું પણ એ જ વિચારી રહ્યો છું. હું કેનેડાથી કૃતિ માટે ડાયમંડનો નેકલેસ પણ લેતો આવ્યો છું. અનિકેત દ્વારા મોકલાવું એના કરતાં જાતે જઈને જ આશીર્વાદ આપું એ વધારે યોગ્ય રહેશે." અભિષેક બોલ્યો.

"તો તો પછી તમે બંને ભાઈ કાલે જ રાજકોટ જઈ આવો. તું સગાઈ વખતે હાજર ન હતો. એ લોકોને પણ ખબર છે કે તું કેનેડા રહે છે. હવે તું જ્યારે ઇન્ડિયા આવેલો છે તો મળવા જવામાં કોઈ જ વાંધો નથી. અને હરસુખ મારી જેમ આધુનિક જમાનાનો જીવ છે. તમે બંને ભાઈ સવારે જઈને સાંજે પાછા આવી જજો. " ધીરુભાઈ બોલ્યા.

અને છેવટે બીજા દિવસે સવારે ૧૧ ની ફ્લાઈટમાં અભિષેક અને અનિકેત રાજકોટ જવા માટે નીકળી ગયા.

જો કે આગલા દિવસે રાત્રે જ ધીરુભાઈએ હરસુખભાઈને ફોન કરી દીધેલો :

"હરસુખભાઈ હું ધીરુભાઈ બોલું. મારા મનીષનો દીકરો અભિષેક કેનેડાથી આવ્યો છે અને એ સગાઈમાં હાજર ન હતો એટલે એ કૃતિને આશીર્વાદ આપવા માટે આવતીકાલે સવારે રાજકોટ આવી રહ્યો છે. અનિકેત પણ સાથે આવશે. બંને સાડા બાર વાગે ભાભા હોટલ પહોંચી જશે." ધીરુભાઈ બોલ્યા.

" હવે ભાભા હોટલ શું કામ ? હવે તો આપણા સંબંધો થઈ ગયા. બંને દીકરા સીધા મારા ઘરે પણ આવી શકે છે. " હરસુખભાઈ બોલ્યા.

"તમારી વાત સાવ સાચી છે. પરંતુ આ તો નવી પેઢી છે ને હરસુખભાઈ ? એ એમની રીતે જ મેનેજ કરશે. તમે ગાડી મોકલીને એમને ઘરે બોલાવી લેજો. એ બહાને કૃતિને મળી પણ લેવાશે. " ધીરુભાઈ બોલ્યા.

ધીરુભાઈ હરસુખભાઈને ફોન કરીને જણાવે એ પહેલાં તો અનિકેતનો વોટ્સએપ મેસેજ કૃતિ ઉપર ક્યારનોય પહોંચી ગયો હતો ! એ બંનેનું ચેટિંગ રોજ કલાકો સુધી ચાલતું હતું !!

બપોરે સાડા બાર વાગે મનોજભાઈ પોતે જ બંને ભાઈઓને લેવા માટે ભાભા હોટલ પહોંચી ગયા અને ખૂબ જ આદરપૂર્વક બંનેને ઘરે પણ લઈ આવ્યા.

" આવો પધારો. " જેવા બંને ભાઈઓ ઘરમાં પ્રવેશ્યા કે તરત જ દાદા હરસુખભાઈએ એમનું સ્વાગત કર્યું. બંને ભાઈઓ સોફા ઉપર બેઠા.

"તમે આવ્યા એ બહુ સારું કર્યું. સગાઈના પ્રસંગે તમારી હાજરી ખૂટતી હતી ." મનોજભાઈ અભિષેક સામે જોઈને બોલ્યા.

"મારું આવવાનું અચાનક જ થયું અંકલ. ઇન્ડિયા આવ્યો એટલે દાદા કહે કે રાજકોટ જઈને કૃતિને આશીર્વાદ આપી આવ એટલે પછી તાત્કાલિક પ્રોગ્રામ બનાવ્યો. " અભિષેક બોલ્યો.

એટલામાં કૃતિ પણ અંદરથી બહાર આવી અને અભિષેકની પાસે જઈ એના ચરણ સ્પર્શ કર્યા. અભિષેકે પણ એના માથે હાથ મૂકી આશીર્વાદ આપ્યા. કૃતિ એ પછી બંનેની સામેના સોફા ઉપર ગોઠવાઈ.

બ્લુ જીન્સ અને ચેક્સવાળું પીચ કલરનું શર્ટ ! સ્ટ્રેઈટ કરેલા છૂટા લાંબા વાળ !! યુરોપિયન ગૌર વર્ણ ! કૃતિ ખૂબ જ સુંદર લાગતી હતી ! એણે છાંટેલા મોંઘા પર્ફ્યુમ ના કારણે આખું વાતાવરણ મઘમઘી રહ્યું હતું.

અભિષેકે પોતાની સાથે લાવેલી નાની બ્રિફકેસમાંથી ડાયમંડના નેકલેસનું એક બોક્સ બહાર કાઢ્યું અને ઊભા થઈને આશીર્વાદ રૂપે કૃતિના હાથમાં આપ્યું. કૃતિએ જરા પણ વિલંબ વિના બોક્સને ખોલ્યું અને ડાયમંડના એ ઝગારા મારતા ભારે નેકલેસને બસ જોતી જ રહી !

"એક્સેલંટ ! નો વર્ડ્ઝ ! થેન્ક્યુ અભિષેકભાઈ. " કૃતિથી બોલાઈ ગયું.

" માય પ્લેઝર ! કેનેડાથી જ લેતો આવ્યો છું." અભિષેક હસીને બોલ્યો.

એ પછી કૃતિએ એ બોક્સ બાજુમાં બેઠેલી પોતાની મમ્મીને આપ્યું.

અભિષેકને કૃતિ ખરેખર ખૂબ જ સુંદર અને આકર્ષક લાગી. અત્યારે એના ચહેરા ઉપર કોઈપણ જાતની કુટીલતા ન હતી અને એનો હસમુખો ચહેરો પણ એકદમ સૌમ્ય હતો.

"જમવાનું તૈયાર જ છે અનિકેતકુમાર. તમે લોકો સૌથી પહેલાં જમી લો. કૃતિ બેટા તું બંનેને ડાઇનિંગ ટેબલ ઉપર લઈ જા." દાદા હરસુખભાઈ બોલ્યા.

" કૃતિ તું પણ અમારી સાથે જમવામાં જોડાઈ જા." અનિકેતે પહેલી વખત આજે કૃતિ માટે અધિકારથી એકવચન વાપર્યું.

"ઠીક છે કૃતિ... તું પણ એમને જમવામાં કંપની આપ." મનોજભાઈએ પણ અનિકેતની વાતને સમર્થન આપ્યું.

સાતમ આઠમના દિવસો ચાલતા હોવાથી જમવામાં ઘણી બધી આઈટમો હતી. મમ્મી આશાબેન અને નાની બેન શ્રુતિએ બંને મહેમાનોને આગ્રહ કરી કરીને જમાડ્યા.

" હવે તમારે થોડી વાર આરામ કરવો હોય તો ઉપર કૃતિનો બેડરૂમ ખાલી જ છે. " હરસુખભાઈ બોલ્યા.

" ના દાદા. બપોરના અઢી વાગી ગયા છે. અમે હવે હોટલ ઉપર જ જતા રહીશું. સાંજનું સાત વાગ્યાનું અમારું ફ્લાઇટ છે. છ વાગે તો એરપોર્ટ પહોંચી જવું પડશે. " અનિકેત બોલ્યો.

"ઠીક છે તો પછી ડ્રાઇવર સાથે હું મારી ગાડી મોકલાવી દઉં છું. તમારે બીજે ક્યાંય જવું હોય તો પણ જઈ શકો છો અને સાંજે ડ્રાઇવર તમને એરપોર્ટ ઉપર છોડી દેશે" મનોજભાઈ બોલ્યા.

બંને ભાઈઓ વડીલોને પ્રણામ કરીને બહાર નીકળ્યા.

" હું મૂકી આવું પપ્પા ? " મહેમાનો બહાર ગયા પછી કૃતિ ધીમેથી બોલી. અનિકેતને છોડવાનું મન થતું ન હતું અને હવે કદાચ લગ્ન પહેલાં કોઈ મુલાકાત પણ થવાની ન હતી.

"ના બેટા એમને આરામ કરવા દે. તારી હાજરી હશે તો પછી એ આરામ નહીં કરી શકે. તારે મળવું જ હોય તો તારી ગાડી લઈને સાંજે જજે. " મનોજભાઈ બોલ્યા.

બહાર ધીમો ધીમો વરસાદ ચાલુ હતો. વાતાવરણ વાદળછાયું હતું. બંને ભાઈઓ ગાડીની પાછલી સીટ ઉપર ગોઠવાઈ ગયા એટલે ડ્રાઇવરે ગાડી સ્ટાર્ટ કરી.

ડ્રાઇવરની બરાબર પાછળની સીટ ઉપર અભિષેક બેઠો હતો જ્યારે એની ડાબી બાજુમાં અનિકેતે બેઠક લીધી હતી.

ગાડી કાલાવડ રોડ ઉપર સ્વામી નારાયણ મંદિર ક્રોસ કરી અન્ડરબ્રિજ થઈને યાજ્ઞિક રોડ તરફ આગળ વધી ત્યારે અચાનક અનિકેતનું ધ્યાન ડ્રાઇવિંગ સીટ ઉપર બેઠેલી કૃતિ ઉપર પડ્યું. ગાડી કૃતિ ચલાવતી હતી. એ ખરેખર ચમકી ગયો !

" અરે કૃતિ તું ? વ્હોટ આ સરપ્રાઈઝ ! મારું તો ધ્યાન જ નથી. " અનિકેતથી બોલાઈ ગયું.

" ક્યાં છે કૃતિ ?" અભિષેકે આશ્ચર્યથી અનિકેતની સામે જોઈને પૂછ્યું.

" ડ્રાઇવિંગ સીટ ઉપર. " અનિકેત બોલ્યો તો ખરો પરંતુ તરત છોભીલો પડી ગયો. ડ્રાઇવિંગ સીટ ઉપર તો મનીષભાઈનો ડ્રાઇવર હતો.

" તને પણ ભાઈ હવે કૃતિનાં જ સપનાં આવતાં લાગે છે. " અનિકેત હસીને ધીમેથી બોલ્યો.

અનિકેતને ખરેખર ખૂબ જ આશ્ચર્ય થયું. કારણ કે હકીકતમાં એણે કૃતિને જ જોઈ હતી. જે ડ્રેસ આજે એણે પહેરેલો હતો એ જ ડ્રેસમાં એ ડ્રાઇવિંગ કરી રહી હતી. આટલી મોટી ભૂલ એનાથી થાય જ નહીં. પોતે સંપૂર્ણ પણે જાગૃત અવસ્થામાં જ હતો. પરંતુ અત્યારે ત્યાં કૃતિ ન હતી એ નક્કર વાસ્તવિકતા હતી.

" મને તો તારી પસંદગી ખૂબ જ ગમી અનિકેત. સુંદર પત્ની મેળવવા બદલ દિલથી અભિનંદન આપું છું." હોટલના રૂમમાં પ્રવેશ કર્યા પછી અભિષેક બોલ્યો. ડ્રાઇવરની હાજરીમાં કોઈ વાતચીત કરી શકાય તેમ ન હતી.

" થેન્ક્યુ ભાઈ ! કૃતિ એ ખરેખર તો દાદાની પસંદ છે. એમણે જ સૌ પ્રથમ કૃતિને કોઈ લગ્ન સમારંભમાં જોઈ હતી. એમણે જ મને અહીં રાજકોટ કૃતિને જોવા માટે મોકલ્યો હતો. જો કે અમારી બંનેની કુંડળી મળતી નથી એટલે એ લોકોના મહારાજે કહ્યું છે કે અમારે ઉજ્જૈન જઈને લગ્ન કરવાં પડશે જેથી મંગળ દોષ ના નડે. " અનિકેત બોલ્યો.

" હમ્ .. આવું તો મેં પહેલી વાર સાંભળ્યું. મારા લગ્ન વખતે તો કુંડળી જ મેળવી ન હતી. મારું લગ્ન સુખી જ છે. " અભિષેક બોલ્યો.

" ભાઈ દાદા પણ બહુ નથી માનતા. પરંતુ કૃતિના દાદા જ્યોતિષમાં બહુ જ માને છે. એમના જ્યોતિષીએ તો લગ્ન કરવાની ચોખ્ખી ના જ પાડી હતી પણ કૃતિ મક્કમ છે એટલે છેવટે ઉજ્જૈન જઈને લગ્ન કરવાનો ઉપાય સૂચવ્યો." અનિકેત બોલ્યો.

" ચાલો કંઈ વાંધો નહીં એ બહાને ઉજ્જૈન જોવા મળશે. " અભિષેક હસીને બોલ્યો.

ભારે ભોજન લીધું હતું એટલે બંનેની આંખો ભારે થઈ હતી. બંનેએ એકાદ કલાક આરામ કરવાનું પસંદ કર્યું.

વરસાદી વાતાવરણના કારણે બંનેને ગાઢ નિદ્રા આવી ગઈ. એ લોકો હજુ પણ સૂતા રહેતા પરંતુ અચાનક દરવાજે ટકોરા પડ્યા એટલે અભિષેકની આંખ ખુલી ગઈ. એણે ઊભા થઈને રૂમનો દરવાજો ખોલ્યો તો સામે કૃતિ ઊભી હતી.

" અરે તમે !! " અભિષેકથી બોલાઈ ગયું. કૃતિને અંદર આવવા માટે એ બાજુમાં ખસી ગયો.

કૃતિ હસીને અંદર આવી. અનિકેત પણ અવાજથી જાગી ગયો હતો.

" લાગે છે કે મેં તમારા બંનેની ઊંઘ બગાડી ! " કૃતિએ નાના સોફા ઉપર બેઠક લેતાં કહ્યું.

" અરે ના ના એવું નથી. આજે જરા વધુ પડતું સૂવાઈ ગયું. પોણા પાંચ વાગી ગયા. સાડા પાંચ વાગે તો અમારે અહીંથી નીકળી જવાનું છે. " અનિકેત બોલ્યો.

" તમે લોકો વાતો કરો. ચા પીવાનો ટાઈમ થયો છે. હું નીચે રેસ્ટોરન્ટમાં જાઉં છું. તમારા બંનેની ચા અહીં મોકલી આપું છું. " અભિષેક બોલ્યો અને તરત બહાર નીકળી ગયો.

" અભિષેકભાઈ બહુ જ સમજદાર છે. મને એમ હતું કે એમની હાજરીમાં હું તમારી સાથે શું વાત કરીશ ? " કૃતિ બોલી.

" ભાઈની તો વાત જ અલગ છે. ભાઈ તારી બહુ જ પ્રશંસા કરતા હતા. મને કહે કે તારી પસંદગી બહુ જ સરસ છે. તું બહુ જ નસીબદાર છે. " અનિકેત હસીને બોલ્યો.

" અચ્છા !! પછી તમે શું જવાબ આપ્યો ?" કૃતિ મલકાઈને બોલી.

" મેં કહ્યું કે કૃતિ તો લાખોમાં એક છે. ઉપરવાળાએ બહુ ફુરસદથી ઘડી છે." અનિકેત હસીને બોલ્યો.

"વાહ જનાબ ! ક્યા જવાબ દિયા !! મેરા દિલ બાગ બાગ હો ગયા !!!" કૃતિ રોમેન્ટિક મૂડમાં બોલી.

" બસ હવે તો જલ્દી લગ્ન થઈ જાય એ જ ઈચ્છા છે. સૂતાં બેસતાં બસ તારા જ વિચારો આવે છે. તને ખબર છે આજે તો તારા ઘરેથી અમે હોટલ આવી રહ્યા હતા ત્યારે ડ્રાઇવિંગ સીટ ઉપર ડ્રાઇવરના બદલે મેં તને જોઈ ! મારાથી બોલાઈ પણ ગયું કે અરે કૃતિ તું ? " અનિકેત બોલતો હતો.

" ભાઈએ પણ મારી સામે જોયું અને પૂછ્યું કે ક્યાં છે કૃતિ ? પણ તું તો ત્યાં હતી જ નહીં. હું પણ છોભીલો પડી ગયો. " અનિકેત બોલ્યો.

" હમ્ ... સ્કૂલમાં ભણતી ત્યારે કવિ કલાપીની એક કવિતા વાંચેલી. જ્યાં જ્યાં નજર મારી ઠરે યાદી ભરી છે આપની. - તમારી અને મારી હાલત અત્યારે એવી જ થઈ ગઈ છે જાન ." કૃતિ બોલી.

આજે પહેલી વાર એણે પ્રેમના આવેશમાં જાન શબ્દનો ઉપયોગ કર્યો. જો કે વોટ્સએપ મેસેજમાં તો એ ઘણીવાર જાન શબ્દનો ઉપયોગ કરતી.

"સાવ સાચું કહ્યું. મન ધરાતું જ નથી. બસ આમ જ એકબીજાની સામે જોયા જ કરીએ. મને તો બોબી ફિલ્મ નું પેલું ગીત યાદ આવે છે. દુનિયા કે હર રંગ ફિકે લગતે હૈં...બસ એક બોલ તેરે મીઠે લગતે હૈં...."

અનિકેત આગળ બોલવા જતો હતો પણ ત્યાં જ વેઇટરે દરવાજે ટકોરા માર્યા એટલે એ અટકી ગયો.

વેઈટરે અંદર આવીને ચાના બંને ખાલી કપ ટેબલ ઉપર મૂક્યા અને ટી પોટ માંથી બંને કપમાં ચા કાઢી.

"ચાલો હવે ચા દેવીને ન્યાય આપીએ. સમય તો પસાર થતો જ જાય છે અને આપણી વાતો ક્યારેય પણ ખૂટવાની નથી. " વેઈટર ગયા પછી અનિકેત બોલ્યો.

" હા તમે અભિષેકભાઈને બોલાવી લો. બસ તમને મળવાની અને ફરી એકવાર જોવાની ઈચ્છા હતી એટલે આવી ગઈ. લગ્ન નહીં થાય ત્યાં સુધી મન તમારા માટે તડપતું જ રહેશે. " કૃતિ બોલી.

અભિષેકને બોલાવવાની જરૂર જ ના પડી. તરત જ બારણે ટકોરા પડ્યા. બંને યુવાન હૈયાં અંદર હતાં એટલે અભિષેક ટકોરા મારીને બહાર જ ઉભો રહ્યો. છેવટે અનિકેતે ઊભા થઈને બારણું ખોલ્યું.

" સોરી... તમને ડિસ્ટર્બ કર્યા પરંતુ સમય ઓછો છે એટલે મારે આવવું પડ્યું. " અભિષેક બોલ્યો.

" અરે ભાઈ હું તમને ફોન જ કરતો હતો. મેં મોબાઈલ હાથમાં લીધો અને તમે દરવાજે આવી ગયા. " અનિકેત બોલ્યો.

" ચાલો હવે હું રજા લઉં. સવા પાંચ વાગી ગયા છે. તમારે નીચે જઈને ચેક આઉટ પણ કરવું પડશે. ડ્રાઇવર તમને એરપોર્ટ છોડી દેશે. " કૃતિ બોલી અને તરત ઊભી થઈ.

" ઓકે કૃતિ. તમને મળીને મને ખૂબ જ આનંદ થયો. બે દિવસમાં તો હું હવે કેનેડા જવા માટે નીકળી જઉં છું. હવે ડિસેમ્બરમાં સીધા તમારા મેરેજમાં મળીશું. " અભિષેક બોલ્યો.

"મને પણ બહુ સારું લાગ્યું મોટાભાઈ. તમારી ગિફ્ટ તો ઑસમ છે ! હંમેશા યાદ રહેશે. " કૃતિ બોલી.

"ચાલ તને નીચે સુધી મૂકી જાઉં " અનિકેત બોલ્યો.

" ના અનિકેત. હું મારી મેળે જતી રહીશ. " કહીને ઈમોશનલ થયેલી કૃતિ તરત જ બહાર નીકળી ગઈ. અભિષેકે એની ભીની થયેલી આંખો જોઈ.

"યુ આર લકી અનિકેત. કૃતિ ઘણી લાગણીશીલ પણ છે." અભિષેકથી બોલાઈ જવાયું. એને બિચારાને ત્યારે ક્યાં ખબર હતી કે લાગણીઓના આ તાણાવાણા ભવિષ્યમાં લગ્ન પછી કેવી હલચલ પેદા કરવાના હતા !!
ક્રમશઃ
અશ્વિન રાવલ (અમદાવાદ)