Sandhya - 7 in Gujarati Motivational Stories by Falguni Dost books and stories PDF | સંધ્યા - 7

Featured Books
  • નિતુ - પ્રકરણ 64

    નિતુ : ૬૪(નવીન)નિતુ મનોમન સહજ ખુશ હતી, કારણ કે તેનો એક ડર ઓછ...

  • સંઘર્ષ - પ્રકરણ 20

    સિંહાસન સિરીઝ સિદ્ધાર્થ છાયા Disclaimer: સિંહાસન સિરીઝની તમા...

  • પિતા

    માઁ આપણને જન્મ આપે છે,આપણુ જતન કરે છે,પરિવાર નું ધ્યાન રાખે...

  • રહસ્ય,રહસ્ય અને રહસ્ય

    આપણને હંમેશા રહસ્ય ગમતું હોય છે કારણકે તેમાં એવું તત્વ હોય છ...

  • હાસ્યના લાભ

    હાસ્યના લાભ- રાકેશ ઠક્કર હાસ્યના લાભ જ લાભ છે. તેનાથી ક્યારે...

Categories
Share

સંધ્યા - 7

સંધ્યાના પપ્પા સાથે આવેલી એ વ્યક્તિને જોઈને તો એ જાણે એકદમ જ હરખાઈ ઉઠી. એણે ફરી એકવાર પોતાની આંખો ચોળી. એને લાગ્યું કે, એ કોઈ સપનું તો નથી જોઈ રહી ને? શું ખરેખર આ સૂરજ જ છે? પણ એ અહીં ક્યાંથી? એને થયું આમ અચાનક મારાં મનનો માણીગર મારાં ઘરે ક્યાંથી? ત્યાં જ સંધ્યાના પપ્પા બોલી ઉઠ્યા, "અરે! સંધ્યા! કેમ દરવાજા પાસે આમ જ ઊભી છો? અમને ઘરમાં તો આવવા દે."

આંખનો પલકારો પણ માર્યા વગર એ સૂરજને જ નીરખી રહી હતી. હવે એને ભાન થયું કે, એ કોઈ સ્વપ્ન નહોતી જોઈ રહી. એ ખરેખર સૂરજ જ હતો. સૂરજના આવવાથી એની આંખોમાં એકદમ તેજ ચમકી ઉઠ્યું હતું. જેવી રીતે સંધ્યા એને જોઈ રહી હતી સૂરજ થોડો અસહજ થઈ રહ્યો હતો અને એને નવાઈ પણ લાગી રહી હતી કે આ છોકરી કેમ એને આવી રીતે અપલક નીરખી રહી છે.

અને સૂરજને સવારની એ ક્ષણ યાદ આવી ગઈ હતી. જ્યારે એક અજાણી સુંદરીની આંખમાં જોયેલ ભારોભાર આકર્ષણ સૂરજને પળભર માટે એના મોહમાં બાંધી ગયું હતું. એ પછી તો એ સુંદર કાળી અણીયાળી આંજણથી આકર્ષિત આંખ આખાય દિવસમાં કેટલીયે વાર સૂરજને એની તરફ ખેંચી ગઈ હતી. આંખના ઊંડાણમાં ખેંચાયેલ સૂરજ ચહેરો જોવાનું જ ચૂકી ગયો હતો. સૂરજને અત્યારે એ જ આંખોવાળું આકર્ષણ અનુભવાયું! હવે એણે ચહેરા તરફ નજર કરી.. લંબગોળ ગોરો ચહેરો, નાજુક નાક, સુંદર ગુલાબી હોઠ અને આખા ચહેરાને આકર્ષિત કરતી નેણની મધ્યમાં કરેલ કાળી બિંદીમાં સૂરજ ક્ષણિક ખોવાઈ જ ગયો હતો. આંખના આકર્ષણને પણ ઝાખું પાડે એવો સંધ્યાનો આકર્ષિત ચહેરો સૂરજ હજુ પણ નિહાળતો જ હોત જો પંકજભાઈએ સૂરજને અંદર આવવાનું કહ્યું ન હોત! પંકજભાઈના અવાજથી સૂરજ અને સંધ્યાની નજર એકબીજા પરથી હટી અને પોતપોતાની પરિસ્થિતિનું ભાન થતા બંને સહેજ નોર્મલ થયા હતા.

સંધ્યાને છેક હવે પપ્પાના શબ્દો યાદ આવ્યા અને એ બોલી, "શું થયું પપ્પા? કેમ અચાનક? તબિયત બગડી ગઈ કે શું?"

"તું ચિંતા ન કર બેટા, જા પેલા પાણી લાવ."

સંધ્યા અને સૂરજની આ પ્રથમ મુલાકાત સંધ્યાના ઘરે અચાનક જ થવાથી સંધ્યા ખૂબ જ રોમાંચિત હતી. તો બીજી તરફ સૂરજ પણ આ આકસ્મિક સંયોગથી સુખદ આશ્ચર્યમાં હતો.

સંધ્યાના પપ્પાની પાછળ સૂરજે પણ ઘરમાં પ્રવેશ કર્યો અને દરવાજાની અડોઅડ આવેલા સોફા પર બેઠક લીધી. ત્યાં સુધીમાં સંધ્યા પણ પાણીની ટ્રે લઈને આવી ગઈ હતી. પપ્પાને પાણી આપ્યા પછી સંધ્યા સૂરજ તરફ ગઈ. પાણીનો ગ્લાસ લેતા સૂરજની આંગળી સહેજ સંધ્યાની આંગળીને સ્પર્શી ગઈ અને સંધ્યાનો રોમાંચ એની ચરમસીમાએ પહોંચી ગયો. એના માટે ખૂબ જ મુશ્કેલ થઈ રહ્યું હતું આ પરિસ્થિતિમાં સહજ રહેવું તો બીજી તરફ સૂરજ પણ સંધ્યાના વર્તનથી અસહજ થઈ રહ્યો હતો.

સૂરજ તો હવે સમજી ગયો હતો કે આ છોકરી એની જ કૉલેજના સહકર્મી પ્રોફેસરની દીકરી છે પણ સંધ્યા હજી અસમંજસમાં હતી કે સૂરજ એના પપ્પાને કેવી રીતે ઓળખતો હશે અને કેમ એમના ઘરે આવ્યો છે. ત્યાં જ દક્ષાબેન પણ પૂજા પતાવીને બેઠકખંડમાં આવ્યા.

"શું થયું તમને? ડોક્ટર પાસે ગયા હતા કે નહીં? સુનીલને ફોન કરી બોલાવું?" ચિંતિત થયેલા દક્ષાબહેન એકસાથે બધું પૂછી રહ્યા હતા.

"અરે દક્ષા! તું ચિંતા ન કર. સુનીલને મેં ફોનથી કહી દીધું છે. આ સૂરજ છે. અમારી કોલેજમાં વિઝિટિંગ ફેકલ્ટી છે. એ કોલેજમાં સ્પોર્ટ્સના લેક્ચર લે છે અને એજ મને ડોક્ટર પાસે લઈ ગયા હતા. ડૉક્ટરે કહ્યું ચિંતા જેવું નથી પણ સહેજ બીપી ઓછું થયું હતું એનાથી ખુબ ચક્કર આવતા હતા. ડૉક્ટરે ત્રણ દિવસની દવા આપી છે. એ લઈશ અને આરામ કરીશ એટલે સારું થઈ જશે."

એમની વાત સાંભળીને દક્ષાબેનને હાશ થઈ.

પછી પંકજભાઈએ એમનો ચેહરો સૂરજ સામે કર્યો અને દક્ષાબેન અને સંધ્યા તરફ હાથ કરીને પરિચય આપતા કહ્યું, "આ મારા હોમ મિનિસ્ટર છે દક્ષા અને અને પેલી મારી દીકરી સંધ્યા..."

સૂરજે બંને સામે જોઈને સ્માઈલ આપી અને પંકજભાઈની જવા માટે રજા લીધી.

"બહુ મોડું ન થતું હોય તો સુનીલને મળીને જા. એ મૂકી જશે તને."

"ના સર, મોડું તો નથી થતું પણ હું જતો રહીશ." એટલું બોલતા નજર સંધ્યા તરફ કરી.

સંધ્યા ઈચ્છતી હતી કે, એ હજુ અહીં જ રહે જે એના ચહેરા પર ચોખ્ખું સૂરજને દેખાઈ રહ્યું હતું.

"પહેલી વાર આવ્યા છો તો ચા પીને જાવ." દક્ષાબેન આગ્રહ કરતા બોલ્યા...

"ઠીક છે." હાસ્ય સાથે સૂરજે કહ્યું...

સંધ્યા ચા બનાવવા અંદર ગઈ અને જેવી સૂરજની આંખથી દૂર થઈ કે, ખુશીથી ઝૂમવા લાગી હતી. ઉત્સાહમાં અને હરખમાં ચામાં ખાંડ નાખવાનું જ ભૂલી ગઈ!

ચા અને ઢોકળા લઈને એ બહાર આવી અને સૂરજની સામે રહેલ ટીપોઈ પર ચા અને નાસ્તો મૂકતાં એક પ્રેમભરી નજર સૂરજ તરફ કરી હતી. પંકજભાઈએ ચા ન પીધી ફક્ત ઢોકળા જ ખાધા. સૂરજ કોઈ જ ચહેરાના હાવભાવ બદલ્યા વગર સંધ્યાની બનાવેલી એ કડવી ચા સાથે નાસ્તો કરી રહ્યો હતો. સંધ્યા તો એક એક પળને ખુબ માણી રહી હતી. સૂરજને પણ પ્રેમની મીઠાશ સ્પર્શી જ ગઈ હતી અને કદાચ એટલે જ કડવી ચા પણ એને ભાવી રહી હતી.

સૂરજ નાસ્તો કરતા દક્ષાબેન અને પંકજભાઈ સાથે વાતો કરી રહ્યો હતો. મોકો જોઈને સંધ્યાએ બધાની નજર ચૂકવીને એમનો એક ફોટો પાડ્યો અને સુનીલને મોકલ્યો. એ સાથે જ એણે મેસેજ કર્યો કે જલ્દી ઘરે આવ. હજુ તો સંધ્યા મેસેજ મોકલે જ છે ત્યાં જ સુનીલ ઘરમાં આવે છે.

પંકજભાઈ સુનીલને બધી ઘટનાથી માહિતગાર કરે છે અને સૂરજનો પરિચય આપે છે. આભારવશ થઈને સુનીલ તરત જ પોતાનો હાથ શેકહેન્ડ માટે સૂરજ તરફ લંબાવે છે તો સામેથી સૂરજ પણ એનો સરસ પ્રતિસાદ આપે છે.

"આપને મળીને આનંદ થયો. તમે અહી જ રહો છો?" અનેક મનમાં સરવળતા પ્રશ્નમાંથી એક પ્રશ્ન સુનીલે સૂરજને પુછી જ લીધો હતો.

"ના હું અહીં તો થોડા દિવસોથી જ આવ્યો છું. મારો પરિવાર અમદાવાદથી થોડે દૂર આવેલ ઘુમા ગામમાં રહે છે."

"અચ્છા. તો તમે અહીં એકલા જ રહો છો એમને!"

"હા, અત્યારે તો એવું જ છે."

"હમ્મ.. આપ અહી ક્યા રહો છો?"

"મારી કોલેજની પાસે જ અત્યારે એક રૂમ ભાડે રાખ્યો છે. બધું અનુકૂળ રહેશે તો પછી એક ફ્લેટ રાખીને માતાપિતાને અહીં બોલાવી લઈશ."

"આપના પિતા શું કરે છે?"

"મારા પપ્પા અમારે ૧૬૦ વીઘા જમીન છે એમાં સિઝનને અનુરૂપ પાકનો ફાલ ઉગાડે અને કુદરતી આબોહવાની મજા લે છે." સહસ્મિત જવાબ આપતા સૂરજ બોલ્યો હતો.

"હા, અહીં શહેરમાં ચોખ્ખું વાતાવરણ મળવું મુશ્કેલ જ છે."

સુનીલ હજુ આગળ વધુ માહિતી મેળવાનો પ્રયાસ કરી રહ્યો હતો ત્યાં જ સૂરજના મોબાઈલમાં રિંગ રણકી હતી. સૂરજે ફોન ઉપાડ્યો અને વાત કરી તો એને તરત કોઈ અરજન્ટ કામથી જવું પડે એમ હતું. આથી પંકજસરની રજા લીધી અને એ જતા જતા એક તીરછી નજરથી સંધ્યાને જોતો ગયો એ સુનીલની નજરમાં આવી જ ગયું હતું.

સુનીલની નજરમાં કેવો પ્રભાવ સૂરજે પાડ્યો હશે?
સૂરજનું અતીત શું હશે?

મિત્રો આપના પ્રતિભાવ આપી પ્રોત્સાહિત કરતા રહેશો. "સંધ્યા" ની સફરમાં જોડાવા બદલ દરેક વાંચકમિત્રોનો આભાર. ચાલો ફરી મળીશું નવા પ્રકરણમાં તો ત્યાં સુધી જય શ્રી રાધેકૃષ્ણ🙏🏻🙏🏻