AME BANKWALA in Gujarati Fiction Stories by SUNIL ANJARIA books and stories PDF | અમે બેંક વાળા - 37. રાજા, વાજા ને ..

Featured Books
  • સોલમેટસ - 9

    જીવનની એક એક પળને જીવી લો. ક્યારેક સપનાઓને પુરા કરવામાં આપડે...

  • ફિલ્મ રિવ્યૂ 'ઇમરજન્સી'

    ફિલ્મ રિવ્યૂ - ઇમરજન્સીગઈકાલે ઇમરજન્સી ફિલ્મ સિટી ગોલ્ડ, બોપ...

  • શંખનાદ - 18

    Huજે રીતે  કોડવર્ડ માં ફોન ની રિંગ વાગી એરીતે સોનિયા સમજી ગઈ...

  • નારદ પુરાણ - ભાગ 60

    સનત્કુમાર બોલ્યા, “શત્રુની સેનાનું દમન કરી તેનું આક્રમણ ખાળવ...

  • ભાગવત રહસ્ય - 175

    ભાગવત રહસ્ય-૧૭૫   સમુદ્ર-મંથન કરતાં- સમુદ્રમાંથી સહુથી પહેલા...

Categories
Share

અમે બેંક વાળા - 37. રાજા, વાજા ને ..

રાજા વાજા ને …
શ્રી એસ ખૂબ કાર્યદક્ષ અધિકારી હતા. અનેક ટેન્શન, અવ્યવહારિક ટાર્ગેટ પુરા કરવા, સ્ટાફને સાચવવો, એમાં બેંકના યુનિયનો તો સૌ જાણે છે. એ બધા વચ્ચે 35 - 36 વર્ષ નોકરી કરી આખરે નિવૃત્તિને આરે તેમની નાવ પહોંચી ગઈ. કિનારો સામે જ દેખાતો હતો. બસ હવે તો બે અઠવાડિયા જ!
ચાલો ઉચ્ચ પદ પર પણ હેમખેમ નોકરી પૂરી કરી. ઘણાને ઘણી રીતે છેલ્લેછેલ્લે પણ તકલીફ થતી હોય છે. આ બે અઠવાડિયાં પૂરાં થાય એટલે બસ.
તેઓ સવારે વહેલા તેમની 40 45 માણસોના સ્ટાફ વાળી ઓફિસ, જેના તેઓ ઇન્ચાર્જ હતા, તેમાં જઈ પહોંચ્યા. એમની બેંક માટે ફરજિયાત, દિવસ શરૂ થતાં પહેલાંની પ્રાર્થના ગવડાવી.
સ્ટાફ કામે ચડ્યો અને તેમણે સ્ટાફ લોકોની માંગેલી રજા એપ્રુવ કરવા માંડી. નજીકમાં કોઈ રજાનો દિવસ આવતો હતો. એક સાથે લગભગ આખી બ્રાન્ચે રજા મૂકેલી. બેંક બંધ થોડી રખાય? તેમણે અમુક સ્ટાફને કહેલું કે તમે પછી રજા મુકજો. અમુકને આગળ રજા લેવા કહેલું. આ તો બધા એક સાથે!
તેમણે એક બે સ્ટાફને બોલાવ્યા. "કહ્યું માનતા કેમ નથી? કાઈં બેંક બંધ રખાશે? " અમુક સ્ટાફને થોડા તતડાવ્યા. છતાં બીજા કોઈ ન લે તો તેમની રજા જરૂર મંજૂર કરશે તેમ કહી બહાર મોકલ્યા.
બહાર કોઈ ફોન આવ્યો. એક બ્રાંચ વારંવાર બિનવ્યાજબી માગણી મૂકી તેમની ઓફીસનાં કામમાં દખલ કર્યા કરતી હતી. ગઈકાલે જ તેમના એક અધિકારીએ એ બ્રાન્ચ સાથે સાંજે વાત કરેલી. આ તો ફરીથી એમનો ફોન આવ્યો હશે તેમ લાગ્યું.

ફોનમાં સામેથી ગુડ મોર્નિંગ પણ નહીં. સીધું 'કૌન બોલ રહા હૈ ?' કોઈ વિચિત્ર રીતે પૂછાયું. શ્રી એસ ને થયું કે પેલી બ્રાન્ચ ફરીથી દખલ કરે છે. એનો મેનેજર દાદાગીરી કરી રહ્યો છે. એમણે એ ફોન કરનારને યોગ્ય જવાબ આપવા "હું આ બ્રાન્ચનો ઇન્ચાર્જ બોલું છું. બોલો શું કામ છે? મને કહો." તેમ કહ્યું.
સામેથી અવાજ આવ્યો "બીજું તો તમારા લોકોનું શું કામ હોય? તમારી સાથે કામ પાડવું એટલે તો ત્રાસદાયક."
મેનેજરને થયું, હવે તો પેલો દાદાગીરી કરતો મેનેજર જ છે. એમણે કહ્યું "ઠીક. ભલે, તમારો ત્રાસ કેવી રીતે દૂર કરીએ? મને કહો. અને હા, જો તમે કાલના બેકલોગની કે એની વાત કરતા હો તો સાંભળો, અમારો સ્ટાફ રાતના 9 સુધી બેસી આ બધું ક્લિયર કરે છે. થોડી ધીરજ રાખો. બસ હેવ એ ગુડ ડે."
તેઓ ફોન મૂકે ત્યાં તો અંદરથી તોછડાઈ ભર્યો, ગુસ્સામાં અવાજ આવ્યો "મિસ્ટર, તમારું નામ કહો."
શ્રી. એસ એ કહ્યું "તમારે શું કામ છે એ તો કહો?"
"તમે કોની સાથે વાત કરી ખબર છે? મને તમારું નામ કહો એકવાર." સામેથી અવાજ કડવાશ ભર્યો, ગુસ્સામાં જાણે રાડ નાખતો હોય તેવો આવ્યો.
"મારું નામ 'મી. એસ.' છે. બોલો શું કામ હતું? કોણ બોલો છો આપ?"
તરત સામેથી અવાજ આવ્યો "અબે, તેરા સાબ બોલ રહા હું. સેન્ટ્રલ ઓફિસ સે. એસે હી સબસે બાત કરતે હો ક્યા? આપકા નામ ફિર સે બોલો."
આ બ્રાન્ચના મેનેજર મી. એસને થયું કંઈક કાચું કપાયું. તેમણે પોતાનું નામ સહેજ હળવા ટોનમાં કહ્યું.
"હા, તો મી. એસ, આખી જિંદગી લોકોને આવી રીતે સંભળાવીને જ કામ કર્યું છે? તમારો અવાજ મોટો છે. હું તમારી આજે જ ટ્રાન્સફર કરાવી દઉં છું."
મેનેજર શ્રી એસ. એ કહ્યું, "પણ આપ કોણ બોલો છો એ તો કહેશો?"
સામેથી જવાબ આવ્યો, પૂરી ઉદ્ધતાઈ ભર્યા ટોનમાં. "સેન્ટ્રલ ઓફિસના અમુક અમુક ડિપાર્ટમેન્ટ થી બોલું છું. તમારી ઓફિસ અમારા કંટ્રોલમાં છે એ ખબર છે ને! તમારી વાત કરવાની ટેવ બિલકુલ રૂક્ષ છે. તમે આ જગ્યાને લાયક નથી. તમારી ટ્રાન્સફર કરાવી દઉં છું."
મેનેજરે કહ્યું " જુઓ સર, પહેલાં આપે કહ્યું નહોતું કે આપ સેન્ટ્રલ ઓફિસથી એ અધિકારી બોલો છો. અને હજી સવારના પહોરમાં મારે સ્ટાફ સાથે અને એક બ્રાંચ મેનેજર સાથે થીડી દલીલબાજી થઈ એટલે એ ટોનમાં કદાચ તમારી સાથે શરૂઆત થઈ હશે પણ અમારો બેકલૉગ તમે જોયો. કેટલો ઓછો થઈ ગયો છે? અમારું કામ તમે જોયું. તમને ખોટું લાગ્યું હોય તો દિલગીર છું પણ હજી સુધી તમે તમારું કામ તો કહ્યું નહીં. બોલો, શું સેવા કરી શકું? વ્હોટ વર્ક ઇઝ એક્સપેક્ટેડ ફ્રોમ મી?"
"ટુ હેલ વિથ ધ વર્ક. મારે એક મિનિટ તમારી સાથે વાત કરવી નથી. તમારી ટ્રાન્સફર કરાવું પછી મને શાંતિ થશે. ક્યાં સ્ટેટમાંથી છો?"
મેનેજર શ્રી એસ ગમ ખાઈ ગયા. કહ્યું આ જ સ્ટેટ માંથી છું. આ જ શહેરમાંથી.
તરત અવાજ આવ્યો "બસ. તો વતનને રામરામ કરો, તમને હું દૂર ફેંકી દઉં છું."
આટલા બધા તુમાખી વર્તનની મેનેજરને અપેક્ષા નહોતી.
"ઠીક સર, તો થોડીવાર પછી વાત કરીએ." કહી તેમણે ફોન મુક્યો.
તરત જ બીજાં ઘણાં કામ પડતા મૂકી તેમણે ઉપરની ઓફિસમાં આ વાત કરી. ઉપરના સાહેબ પણ ચોકી ગયા.
"અરે, તમને તો રિટાયરમેન્ટને દસ દિવસ પણ નથી! અને આટલી નાની વાતમાં ટ્રાન્સફર થોડી હોય? તમે ક્યાં કોઈ ડ્યુટીમાં લેપ્સ બતાવ્યો છે? ઠીક છે. હું વાત કરું છું. તમે તમારું કામ ચાલુ રાખો. આમેય તમારી છાપ 30 વર્ષથી લોકો જાણે છે. તમે સામાન્ય રીતે વિનયથી જવાબ આપો છો. ક્યારેક જેવા સાથે તેવા થવું પણ પડે. ચાલો, હું વાત કરી લઉં છું. ચિંતા નહીં કરશો."
ઉપરના સાહેબે ફોન મૂક્યો અને સેન્ટ્રલ ઓફિસ પેલા 'ઉચ્ચ' અધિકારી સાથે વાત કરી. આમ તો આ મેનેજરનું ટેકનિકલ ખાતું અને તે સેન્ટ્રલ ઓફિસનું ખેતીવાડી ખાતું હતું. બંનેને નહાવા નીચોવવાનો સંબંધ નહીં. છતાં કામચલાઉ એ ખાતા નીચે આ ઓફિસ મૂકી દેવાયેલી. કોણ જાણે કેમ, ત્યાં બેઠેલા સાહેબને આ બાહોશ અધિકારીનો માત્ર અવાજનો ટોન ન ગમ્યો એમાં આટલા બધા દૂર ટ્રાન્સફર કરવા પર તૂલી ગયા હતા. હોય ભાઈ !
ઉપરીએ સેન્ટ્રલ ઓફિસ ફોન લગાવી કહ્યું કે આ સાહેબ તો ખૂબ બુદ્ધિશાળી, કાર્યદક્ષ છે અને સામાન્ય રીતે વિનયી છે. આમેય એમને રિટાયરમેન્ટમાં ખાલી દસ દિવસ બાકી છે.
પેલા સાહેબ કહે "એ મારે જોવાનું નથી. મારે તો એમની ટ્રાન્સફર કરવી જ છે. એ પણ દૂરના ઝોનમાં. આજે ને આજે જ કરાવવી છે."
ઉપરીએ કહ્યું "સાહેબ, જે હતું તે કદાચ તમારી દ્રષ્ટિએ ખોટું હશે પણ અત્યારે એમની ટ્રાન્સફર કરીને કરશો શું ? એમને ચાર્જ નેક્સ્ટ માણસને આપીને જતા રહેવા કહું તો પણ તેમને નવી જગ્યાએ જતાં ત્રણ દિવસ થશે. આજે થયો ગુરુવાર. શુક્રવારે સાંજે તેમને રિલીવ કરૂં તો શનિ-રવિ રજા છે. તેઓ જોઈનીંગ ટાઈમ લે તો પણ રિટાયરમેન્ટનો દિવસ તે પહેલાં આવી જાય. ત્યાં કામ ન લાગે અને અહીં પીક વર્ક લોડ સમયે તેમની સેવાઓ મળે નહીં. શાંતિથી વિચારી જુઓ."
પેલા સાહેબનો તો પારો સાતમે આસમાને હતો. "મારે કંઈ જ વિચારવું નથી. એમને આજે જ રીલિવ કરી દો. આજે સાંજે જ. શુક્રવાર, શનિ-રવિ ટ્રાન્ઝિટમાં જશે. સોમવારે એ રિપોર્ટ કરશે પછી મંગળ બુધ ગુરુ ત્યાં કામ કરે અને પાછા આવે ત્યારે રીટાયર."
મેનેજરના ઉપરીએ કહ્યું "આજે તો થાય એમ નથી. અને તમે કોઈને પણ ટ્રાન્ઝીટ દિવસ અને જોઈનિંગ ટાઈમ ભેગા તો ના જ કરી શકો ને? આપની પણ મારી જેટલી જ નોકરી હશે.એટલી જ સમજશક્તિ પણ હશે. આપણે સમજીએ છીએ ."
પેલા સાહેબ થોડા ઠંડા પડ્યા. " નહીં. બસ, મારે આમની ટ્રાન્સફર કરવી છે એટલે કરવી જ છે. એકવાર એમના હાથમાં ઓર્ડર પકડાવીએ એટલે રીયલાઈઝ થાય કે તેઓ કંઈક તુમાખીથી બોલેલા."
ઉપરી કહે "પણ એમાં કાંઈ ટ્રાન્સફર થોડી હોય?"
પેલા 'ઉચ્ચ' અધિકારી કહે "ના, બસ એક દાખલો બેસાડવા. રિટાયરમેન્ટના એક દિવસ પહેલાં હોય તો પણ મારે એમની ટ્રાન્સફર કરવી છે એટલે કરવી છે."
" ઠીક ત્યારે. દલીલનો અર્થ નથી."
કહી ઉપરીએ ફોન મૂકતા પહેલાં મનમાં કહ્યું "આ મેનેજર કદાચ બે ચાર વાક્યો તુમાંખીથી બોલ્યા હશે, પણ આ ઉપર બેસી ગયો છે એનું વર્તન તો xxx (જાતી વાચક શબ્દ, ગાળ )ને પણ શરમાવે તેવું છે. ઠીક. અત્યારે તેમણે તેમની નીચેના મેનેજર મી. એસ સાથે વાત કરવાનું ટાળ્યું.
શ્રી એસ થોડા મુડલેસ થઈ આખો દિવસ કામ કરતા રહ્યા સાંજે 6:00 કે 6:30 વાગે તેમણે ચા મંગાવી. હંમેશ મુજબ સ્ટાફ સાથે સમોસા મંગાવી ખાધાં. જેને સવારે તતડાવ્યા હતા એ અધિકારીઓ સાથે પણ આજના કામ અંગે રિવ્યુ કરવા મિટિંગ કરી. "કાલનું કંઈ કહેવાય નહીં." તેમણે સ્પષ્ટ પણે કહ્યું.
" કેમ સાહેબ?"
પેલા સવારે વઢ ખાધી હતી એ અધિકારીએ પૂછ્યું. આમ તો શ્રી. એસ ને સહુ સાથે સારા સંબંધો હતા. તેઓ કો ઓપરેટીવ હતા. ડ્યુટી ક્યારેક બોલાવરાવે.
"અરે મારી કદાચ સેન્ટ્રલ ઓફિસ ટ્રાન્સફર કરે છે. આ સવારે તમને તતડાવ્યા પછી સેન્ટ્રલ ઓફિસના અમુક સાહેબનો ફોન આવેલો.." તેમણે મન ખોલી બધી વાત કહી.
"અરે સાહેબ .. હમણાં એ બધા ના દિવસો છે. ગુજરાતી સાંભળ્યો એટલે એ બધા ઉત્તર ભારતના અમુક રાજ્યોના લોકોને પોતાનો દુશ્મન, અક્કલ વગરનો, પોતાના પગની જૂતી જેવો જ લાગે છે. કાંઈ નહીં. એમ કાંઈ કોઈ દસ દિવસ માટે ટ્રાન્સફર કરે નહીં. ઠીક છે. આપણે કાલ સવારે મળીએ છીએ. તમે શાંતિ રાખો. ચિયર અપ સર!" કહી તેમણે રજા લીધી. બે ત્રણ અધિકારીઓ અને એ સાહેબ અમુક બેકલોગ પૂરો કરવા નવ વાગ્યા સુધી બેઠા. ટ્રાન્સફર નો કોઈ ફોન, ફેક્સ કે મેલ આવ્યો નહીં.
બીજે દિવસે હંમેશ મુજબ દસ વાગ્યા એટલે પ્રાર્થના થઈ. આજે તો બધા જોકના મૂડમાં હતા. કાલે શનિ-રવિ ની રજા. કેટલાક દૂરના વતનના લોકો, જેમને આ સાહેબે રજા આપેલી તેઓ તો ફ્લાઇટ પકડીને વતન જવા રવાના થવાના હતા. આજે બધાએ શાંતિથી દિવસ પૂરો કર્યો. બેકલોગ પણ ઘણો ઓછો થઈ ગયેલો. સાંજે 07:00 વાગે સિસ્ટમ શટડાઉન કરતા પહેલાં એસ. સાહેબે ઉપરીને ફોન કર્યો. "આ મારી ટ્રાન્સફરનું કંઈ થયું નથી ને?"
"જલસા કરો. બસ આ આવતા શુક્રવારે રિજિયન ઓફિસમાં તમારી અમુક એક્ઝિક્યુટિવ્સ ની રિટાયરમેન્ટ પાર્ટી છે. બસ, ત્યારે મળશું અને કાયમી આવજો કહેશું. તમારી પાછળ છ મહિને મારું રિટાયરમેન્ટ છે."
"અરે સાહેબ, હું તો એવો ડરી ગયેલો .. પેલા સેન્ટ્રલ ઓફિસ વાળા સાહેબે તો.."
સામેથી ખાલી ખડખડાટ હસવાનો અવાજ આવ્યો. ફોન મુકતાં એ ઉપરી સાહેબે એટલું જ કહ્યું "વી હેવ ટુ ટેક ઇટ ઇઝી. રાજા વાજા ને…"
***