Sapnana Vavetar - 2 in Gujarati Short Stories by Ashwin Rawal books and stories PDF | સપનાનાં વાવેતર - 2

Featured Books
  • નારદ પુરાણ - ભાગ 61

    સનત્કુમાર બોલ્યા, “પ્રણવ (ૐ), હૃદય (નમ: ) વિષ્ણુ શબ્દ તથા સુ...

  • લગ્ન ને હું!

    'મમ્મી હું કોઈની સાથે પણ લગ્ન કરવાના મૂડમાં નથી, મેં નક્...

  • સોલમેટસ - 10

    આરવને પોલીસ સ્ટેશન જવા માટે ફોન આવે છે. બધા વિચારો ખંખેરી અન...

  • It's a Boy

    સખત રડવાનાં અવાજ સાથે આંખ ખુલી.અરે! આ તો મારો જ રડવા નો અવાજ...

  • ફરે તે ફરફરે - 66

    ફરે તે ફરફરે - ૬૬   માનિટ્યુ સ્પ્રીગ આમતો અલમોસામાં જ ગ...

Categories
Share

સપનાનાં વાવેતર - 2

સપનાનાં વાવેતર - પ્રકરણ 2

હરસુખભાઈ માવાણીની પૌત્રી કૃતિ માટે મુંબઈના ધીરુભાઈ વિરાણીએ પોતાના પૌત્ર અનિકેત માટે માંગુ નાખ્યું હતું. હરસુખભાઈ કુંડળી મેળાપકમાં ચુસ્તપણે માનતા હતા એટલે એમણે અનિકેતની કુંડળી મંગાવી હતી.

હરસુખભાઈએ ગૌરીશંકર શાસ્ત્રીને પોતાના ઘરે બોલાવ્યા હતા અને એમની પાસે કુંડળી મેળવાવી હતી. પરંતુ અનિકેતને ભારે મંગળ હોવાથી શાસ્ત્રીજીએ આ લગ્ન કરવાની સ્પષ્ટ ના પાડી હતી.

હરસુખભાઈને શાસ્ત્રીજી ઉપર ખૂબ જ વિશ્વાસ હતો કારણકે ગૌરીશંકર શાસ્ત્રીના હરસુખભાઈ સાથેના સંબંધો વર્ષો જૂના હતા. કદી પણ જ્યોતિષ જોવા માટે શાસ્ત્રીજી સામે ચાલીને કોઈના ઘરે જતા નહીં પરંતુ હરસુખભાઈનો ફોન આવે એટલે એ જે ટાઇમે કહે એ ટાઈમે હાજર થઈ જતા.

ગૌરીશંકર શાસ્ત્રી કર્મકાંડમાં પણ પારંગત હતા અને રાજકોટની સારી સારી પાર્ટીઓ ઘરે નવચંડી કરાવવા માટે ગૌરીશંકર શાસ્ત્રીને જ આમંત્રણ આપતી. પોતાની આઠ બ્રાહ્મણોની ટીમ સાથે ગૌરીશંકરભાઈ આચાર્યપદે રહીને સુંદર નવચંડી હવન કરાવતા. હરસુખભાઈએ પણ પોતાના આ બંગલામાં બે વાર એમની પાસે નવચંડી હવન કરાવ્યો હતો.

હરસુખભાઈને શાસ્ત્રીજીના જ્યોતિષ ઉપર પૂરેપૂરો વિશ્વાસ હોવા છતાં પોતાના દીકરા મનોજના કહેવાથી મનના સંતોષ ખાતર બીજા જ્યોતિષી શુકલ કાકાને એમણે ઘરે બોલાવ્યા હતા. શુકલ કાકાનું પણ રાજકોટમાં મોટું નામ હતું. જો કે એમણે પણ આ લગ્ન ના થઈ શકે એવો જ અભિપ્રાય આપ્યો.

"એક બીજી વાત પણ તમારા ધ્યાનમાં લાવવા માગું છું. સાત ફેરા ફર્યા વગર બે મિત્રોની જેમ અનિકેત અને કૃતિ પતિ પત્ની તરીકે રહીને સંસાર ભોગવે ત્યાં સુધી કોઈ વાંધો નથી પરંતુ એમને સંતાન ન થવું જોઈએ. જો સંતાન થશે તો માતા-પિતાનો સંબંધ સ્થપાઈ જશે અને તો પછી લગ્ન કર્યા જેવું જ ફળ મળશે. સંતાનના જન્મ પછી કૃતિ લાંબુ જીવી નહીં શકે." શુકલ કાકા બોલ્યા.

શુકલ કાકા સાથે આ વાતચીત ચાલતી હતી એ દરમિયાન અચાનક કૃતિના મનમાં એક વિચાર આવ્યો એટલે એ તરત બોલી.

" અંકલ વચ્ચે બોલવું પડે છે તો માફ કરજો પરંતુ મારા એક સવાલનો જવાબ આપશો ? " કૃતિ બોલી.

" હા હા ચોક્કસ બેટા. તારા મનમાં જે પણ સવાલ હોય તે પૂછી શકે છે. તારા જીવનનો જ આ પ્રશ્ન છે એટલે તને પૂરેપૂરો હક છે. " શુકલ કાકા બોલ્યા.

"અંકલ તમે હવે માત્ર મારી જ કુંડળી ઝીણવટથી જુઓ. મારું આયુષ્ય કેટલું છે ? જો મારું આયુષ્ય લાંબુ હોય તો પછી લગ્ન કર્યા પછી મારું મૃત્યુ કેવી રીતે થાય ? " કૃતિ બોલી.

" અરે આ વિચાર તો મને પણ ના આવ્યો ! શુકલજી દીકરીના પ્રશ્નનો જવાબ આપો. એનો પ્રશ્ન એની જગ્યાએ એકદમ સાચો છે. જો એનું આયુષ્ય લાંબુ હોય તો તો પછી ડરવાનું કોઈ કારણ જ નથી ને ? " હરસુખભાઈ બોલ્યા.

શુકલ કાકાએ કૃતિની કુંડળી ફરી હાથમાં લીધી અને એમણે કેટલીક ગણતરીઓ માંડી.

"જુઓ કૃતિના આયુષ્યને લઈને તો કોઈ પ્રોબ્લેમ મને દેખાતો નથી છતાં આ લગ્ન માટે હું સ્પષ્ટ ના પાડું છું. અનિકેત સાથે લગ્ન કરવાથી મંગળ એની અસર કર્યા વગર ના રહે હરસુખભાઈ. મંગળ કોઈપણ હિસાબે લગ્ન સુખ તોડાવી જ દે." શુકલ કાકા બોલી રહ્યા હતા.

" તમે વિધિપૂર્વક લગ્ન કરો અને જો કન્યાનું આયુષ્ય લાંબુ હોય તો કાં તો ડિવોર્સ થઈ જાય, અથવા તો કન્યાને કોઈ મોટો એક્સિડન્ટ થઈ જાય અને કાં તો પછી કોઈ કાયમી ગંભીર બીમારી આવી જાય. જેના કારણે પતિ પત્ની લગ્ન સુખ માણી જ ના શકે. ગ્રહોને આપણે છેતરી શકતા નથી વડીલ. " શુકલ કાકા બોલ્યા.

"ઠીક છે શુકલજી. બસ આટલું જ મારે જાણવું હતું." હરસુખભાઈ બોલ્યા અને એમણે શુકલ કાકાને રજા આપી.

ચર્ચા કરીને શુકલ કાકા તો જતા રહ્યા પરંતુ આ પરિવારને મૂંઝવણમાં મૂકતા ગયા. વિધિપૂર્વક લગ્ન કર્યા સિવાય લગ્નજીવન કેવી રીતે શરૂ કરી શકાય ? અને બીજા બધા તો ઠીક પરંતુ આવી વાત ધીરુભાઈને કેવી રીતે કરવી ?

"આ સંબંધ માટે મારે હવે ધીરુભાઈ ને ના જ પાડવી પડશે બેટા. " નિરાશ થઈને હરસુખભાઈ કૃતિ સામે જોઈને બોલ્યા.

"દાદા મને થોડો સમય આપો. હમણાં તમે એકદમ ના પાડી ના દેશો. મને કંઈક વિચારવા દો કે આમાં શું થઈ શકે ? " કૃતિ બોલી.

" હવે આમાં બીજું શું થવાનું હતું દીકરી ? લગ્ન પછી તારા જીવન મરણનો સવાલ ઊભો થતો હોય તો મા બાપ તરીકે અમે ત્યાં તો લગ્ન ના જ કરીએ ને ! અને લગ્ન કર્યા વગર મિત્રોની જેમ સાથે રહેવાની વાત ધીરુભાઈને હું કરું તો હું જ ગાંડો બનું. " હરસુખભાઈ બોલ્યા.

"તમારી વાત સાચી છે દાદા. પરંતુ મને થોડો સમય આપો. મને કંઈક વિચારવા દો. આપણે જવાબ આપવાની કોઈ ઉતાવળ કરવી નથી. એમનો ફોન આવે તો તમે કહી દેજો કે અમારા જ્યોતિષી બહારગામ ગયા છે. " કૃતિ બોલી અને ઊભી થઈને પોતાના બેડરૂમમાં ગઈ.

"ચાલો જેવી હરિ ઈચ્છા." દાદા બોલ્યા અને બાકીના સભ્યો ઊભા થઈને પોતપોતાના કામે લાગ્યા.

" તેં દાદાની પાસે સમય તો માગ્યો પણ સમય લઈને તું શું કરીશ ? લગ્ન તો ત્યાં શક્ય નથી. અને દાદા કહે છે એમ મિત્રોની જેમ સાથે રહેવાની વાત તો એ લોકો હસી કાઢશે." ૨૨ વર્ષની શ્રુતિ પોતાની મોટી બહેન કૃતિ પાસે જઈને બોલી.

" મને વિચારવા તો દે. ઉતાવળ કરીને ના પાડવાનો કોઈ મતલબ પણ નથી ને ? હું હંમેશાં આશાવાદી છું. અને હું મૃત્યુથી ડરતી નથી. વહેલા કે મોડા બધાએ એક દિવસ મરવાનું જ છે. હવે જે થવું હોય તે થાય. લગ્ન તો હું અનિકેત સાથે જ કરીશ." કૃતિ બોલી.

"તું જીદ કરીશ એટલે દાદા તારાં લગ્ન ત્યાં કરી આપશે એમ માને છે ? " શ્રુતિ હસીને બોલી.

"તું જા અહીંથી. મારું મગજ ખરાબ ના કર " કહીને કૃતિએ શ્રુતિને હળવો ધક્કો માર્યો. શ્રુતિ હસતી હસતી પોતાના બેડરૂમમાં ચાલી ગઈ.

બીજા બે દિવસ પસાર થઈ ગયા પણ કૃતિને અનિકેત સાથે લગ્ન કરવાનો કોઈ જ રસ્તો દેખાયો નહીં. ત્રીજા દિવસે અચાનક એના મગજમાં એક સ્પાર્ક થયો. એ દોડીને ડ્રોઈંગ રૂમમાં સોફામાં બેઠેલા દાદા પાસે ગઈ.

" દાદા હું મુંબઈ જવા માગું છું. હું ત્યાં જઈને મારી રીતે અનિકેત સાથે એક મીટીંગ કરવા માગું છું. " કૃતિ દાદાની બાજુમાં બેસીને બોલી.

"અરે બેટા એમ આપણાથી એને ના મળાય. કુંડળી મળતી નથી એટલે એની સાથે કોઈપણ હિસાબે લગ્ન થઈ શકે એમ નથી. પછી એને મળીને શું ફાયદો ? અને એ બહુ મોટા લોકો છે બેટા. " હરસુખભાઈ બોલ્યા.

"હું એક ચાન્સ લેવા માગું છું દાદા. મારા જીવનમાં આવેલો આ એક પડકાર છે અને હું મારી રીતે એનો ઉકેલ લાવવા માગું છું. તમને મારી ઉપર વિશ્વાસ છે ને દાદા ? " કૃતિ બોલી.

"અરે કૃતિ તું શું કામ અનિકેતની પાછળ પડી છે ? તારા દાદાએ તારાં લગ્ન અનિકેત સાથે થાય એટલા માટે બબ્બે જ્યોતિષીઓને ઘરે બોલાવ્યા. તારા નસીબમાં એ છોકરો છે જ નહીં. બીજા ઘણા મુરતિયા આવશે બેટા. તારી ક્યાં એવી મોટી ઉંમર થઈ ગઈ છે ? " સોફામાં બેસીને શાક સમારી રહેલાં કૃતિનાં દાદી કુસુમબેન બોલ્યાં.

" ના દાદી. હું એમ હિંમત હારી જાઉં એવી નથી. હું દાદાની દીકરી છું. બહુ બહુ તો અનિકેત મળવાની ના પાડશે ને ? તો હું ઘરે પાછી આવી જઈશ. અને હું બોરીવલી સુધા માસીના ઘરે જ ઉતરવાની છું. બીજે ક્યાંય જવાની નથી એટલે તમે મારી ચિંતા ના કરશો" કૃતિ બોલી.

"તમે આ છોકરીને બહુ મોઢે ચડાવી છે. એ મારું તો કદી માનતી જ નથી." કુસુમબેન બોલ્યાં.

"જો બેટા તું જીદ છોડી દે. એમ જ માની લે કે આ માગું આવ્યું જ નથી. કુંવારી છોકરીને ૧૦૦ વરને ૧૦૦ ઘર હોય. અનિકેત દુનિયામાં એક જ મુરતિયો થોડો છે ? આપણે તારાં લગ્ન શ્રીમંત કુટુંબમાં જ કરીશું." દાદા બોલ્યા.

" દાદા તમને તમારી આ દીકરી ઉપર વિશ્વાસ છે ને ? એની સાથે મીટીંગ કર્યા પછી મારાં લગ્ન ત્યાં નહીં થાય તો હું મન વાળી લઈશ પરંતુ એક વાર એને મળવું તો છે જ. " કૃતિ બોલી.

હરસુખભાઈને પોતાની પૌત્રી કૃતિ ઉપર ખૂબ જ ગર્વ હતો. ૨૫ વર્ષની ઉંમરમાં એણે ઘણી બધી સિદ્ધિઓ પ્રાપ્ત કરી હતી. ભણવામાં તો નંબર વન હતી જ પણ સાથે સાથે રમત ગમતમાં પણ એ ઇનામો જીતી લાવતી. સંગીતમાં પણ એ વિશારદ હતી. નૃત્યની બધી હરીફાઈમાં ભાગ લેતી હતી. કરાટેમાં ચેમ્પિયન હતી. ભડને પણ જવાબ આપી દે એટલી બહાદુર હતી !

"જો બેટા તું મુંબઈ જાય અને તારી સુધા માસીના ત્યાં રહે એટલે એને પણ ખબર પડ્યા વગર ના રહે કે ધીરુભાઈના ત્યાં તારી વાત ચાલે છે. આપણે અત્યારે વાતને ગુપ્ત જ રાખવાની છે. સુધા તને હજાર સવાલ પૂછશે કે શા માટે મુંબઈ આવી છે ? એના ઘરમાંથી તું વાત કરે એટલે એને ખબર પડી જ જાય." દાદા બોલ્યા.

" અરે દાદા તમે મને એટલી બધી ભોળી સમજો છો ? મારો જમણો હાથ શું કરે એ ડાબા હાથને ખબર ના પડે ! તમારું લોહી મારામાં છે દાદા. એટલે એ બધી ચિંતા તમે છોડી દો. એમના ઘરમાંથી કોઈ વાત હું કરવાની જ નથી. એક એક્ઝામ આપવા માટે હું મુંબઈ આવી છું. ધેટ્સ ઈટ !" કૃતિ દાદા સામે જોઈને બોલી.

"તું ગમે એટલી દલીલો કર પણ મારું મન હજુ માનતું નથી. તારે સામે ચાલીને મુંબઈ જઈ અનિકેતને શા માટે મળવું જોઈએ ? એ પણ તારા માટે કેવું વિચારે ? " દાદા બોલ્યા.

"હે ભગવાન. એ લોકોએ તો આપણા ઘરે માગુ નાખ્યું છે ! હું મુંબઈથી ફોન કરીશ તો એને કંઈ આશ્ચર્ય નહીં થાય. હું વાત જ એવી રીતે કરીશ કે એ કોઈને પણ નહીં કહે. તમે મારા ઉપર ભરોસો રાખો દાદા અને મને જવાની રજા આપો. મને તો આવી રમત રમવાની મજા આવે છે. " કૃતિ બોલી.

" લો બોલો... બેન બા ને તો આ બધી રમત લાગે છે ! " કુસુમબેન બોલ્યાં.

" દાદા જુઓ મારી વાત સાંભળો. આમ પણ જ્યોતિષીએ કહ્યું છે એટલે તમે તો લગ્ન કરાવી આપવાના છો જ નહીં. આજે નહીં તો કાલે ના પાડવાની જ છે. તો ના પાડતાં પહેલા છોકરાને હું એક વાર મળી લઉં તો શું વાંધો છે ? મારો પ્લાન ફેલ જશે તો હું એની સાથે લગ્ન કરવાની જીદ છોડી દઈશ." કૃતિ દાદાને મનાવી રહી હતી.

" ચાલો તારી વાત માની લીધી. પરંતુ એવું પણ બને ને કે હજુ ધીરુભાઈએ અનિકેતને કોઈ વાત કરી જ ના હોય. આપણી હા આવી જાય એ પછી જ એ અનિકેત સાથે વાત કરવાના હોય તો ? એ સંજોગોમાં અનિકેત તો તને ઓળખતો જ ના હોય !!" હરસુખભાઈ બોલ્યા.

" વાહ દાદા વાહ ! શું દિમાગ ચાલે છે તમારું !! આ પોઇન્ટ તો મેં વિચાર્યો જ ન હતો પણ હવે તમે મને આ કહ્યું છે એટલે હું સાવધાન રહીશ. એની પાસેથી જ વાત કઢાવીશ. બસ તમે મને રજા આપી દો અને આશીર્વાદ પણ આપો. " કહીને કૃતિ ઊભી થઈ અને દાદાના ચરણ સ્પર્શ કર્યા.

" દીકરી મારા આશીર્વાદ તો તને હંમેશાં મળેલા જ છે તારા સુખમાં જ મારું સુખ છે. તારી આંખમાં આંસુ હું ક્યારે પણ જોઈ શકતો નથી. તારાં પગલાંથી જ હું આજે આ સ્થિતિમાં છું. તારા જન્મ પછી જ આ બધો વૈભવ વધ્યો છે. તને હું નારાજ કઈ રીતે કરી શકું ? " હરસુખભાઈ બોલ્યા અને એમની આંખમાં પાણી આવી ગયાં.

દાદાની સંમતિ મળી એટલે કૃતિ હરખમાં આવીને ડાન્સ કરતી કરતી પોતાના બેડરૂમમાં ગઈ.

"આ છોકરી ખરેખર ઘેલી છે !" એના ગયા પછી કુસુમબેન બોલ્યાં.

"આજની પેઢીની આ દીકરી છે કુસુમ. મારી અને તારી પેઢી પૂરી થઈ ગઈ. આપણા જમાના કરતાં આ જમાનો ઘણો આગળ નીકળી ગયો છે. " હરસુખભાઈ બોલ્યા.

એ રાત્રે જમતી વખતે ડાઇનિંગ ટેબલ ઉપર હરસુખભાઈએ પોતાના પુત્ર અને પુત્રવધુ મનોજ અને આશાને કૃતિના મુંબઈ જવાના નિર્ણય અંગેની વાત કરી અને પોતે સંમતિ આપી દીધી છે એ પણ કહી દીધું. જેથી આગળ બીજી કોઈ ચર્ચા ચાલે નહીં. કૃતિ એ વખતે કિચનમાં હતી.

"પરંતુ પપ્પા કૃતિ અનિકેતને મળીને શું કરશે ? જ્યારે લગ્ન ત્યાં થઈ શકવાનાં જ નથી તો પછી આવી મિટિંગનો શું મતલબ ? અનિકેત પ્રશાંતભાઈનો એકનો એક દીકરો છે એટલે લગ્ન કર્યા વગર સાથે રહેવાની વાત તો ભૂલે ચૂકે પણ એને ના કરાય !" મનોજ બોલ્યો.

"એને જઈ આવવા દેને ! એ જીદ્દી છે એ તને ખબર જ છે. એને જે વાત કરવી હોય તે કરે. એના મનને સંતોષ થાય એટલે બસ. " હરસુખભાઈ બોલ્યા અને વાતને પૂર્ણવિરામ મૂકી દીધું.

બીજા દિવસે શુક્રવારે સવારે ૧૧ વાગે કૃતિએ તત્કાલ કોટામાં શનિવારનું થ્રી ટાયર એ.સીનું હમસફર એક્સપ્રેસનું ઓનલાઇન રિઝર્વેશન કરાવી દીધું. આ ટ્રેઈન રાજકોટથી શનિવારે રાત્રે ૯:૧૫ કલાકે ઉપડતી હતી અને બોરીવલી રવિવારે સવારે ૯ વાગે પહોંચતી હતી. રવિવારે રજા હોય એટલે આરામથી મીટીંગ પણ કરી શકાય.

શનિવારે કૃતિએ મુંબઈ જવાની બધી તૈયારી કરી લીધી અને બેગ પણ ભરી લીધી. અનિકેત સાથેની મીટીંગમાં શું શું ચર્ચા કરવી એની બધી જ માનસિક કસરત પણ કરી લીધી.

સાડા આઠ વાગે ઘરેથી નીકળવાનું હતું એટલે એણે રાત્રે આઠ વાગે જ જમી લીધું.

" જો બેટા ધીરુભાઈ લોકો બહુ મોટા માણસ છે. અબજોપતિ પાર્ટી છે. એ મારો ખૂબ જ આદર કરે છે. કાલ ઉઠીને અમારા સંબંધો ના બગડે એનું ખાસ ધ્યાન રાખજે. એમના મગજમાં તારા વિશે કોઈ ખરાબ છાપ ઊભી થાય એવી પણ ચર્ચા ના કરતી. " હરસુખભાઈ બોલ્યા.

" દાદા તમે કોઈ પણ જાતની ચિંતા ના કરશો. તમે વિચારો છો એવું કંઈ પણ નહીં થાય. મારામાં તમારા જ સંસ્કાર છે. " કૃતિ બોલી.

આ વાતો ચાલતી હતી એ જ સમયે હરસુખભાઈ ઉપર મુંબઈથી ધીરુભાઈ વિરાણીનો ફોન આવ્યો.

" હરસુખભાઈ થાણાથી ધીરુભાઈ બોલું. આશા રાખું છું કે અનિકેત અને કૃતિના ગ્રહો તમે મેળવી દીધા હશે. અનિકેત આવતી કાલે રવિવારની સવારની ફ્લાઈટમાં કૃતિને જોવા રાજકોટ આવે છે. ભાભા હોટલમાં રૂમ નંબર ૪૦૧ માં એનું બુકિંગ છે. કાલે કૃતિ સાથે અનિકેતની મીટીંગ કરાવી દેજો. વેવિશાળ કરતાં પહેલાં બંને એકબીજાંને જોઈ લે એ જ મારી ભાવના છે. અનિકેતનો મોબાઈલ નંબર હું તમને વોટ્સએપ કરું છું. " ધીરુભાઈ બોલ્યા.

" ભલે શેઠ." હરસુખભાઈ માત્ર એટલું જ બોલી શક્યા.

" લો આ તો ધીરુભાઈનો જ ફોન આવી ગયો. અનિકેત પોતે જ કૃતિને જોવા માટે કાલે રાજકોટ આવે છે. " હરસુખભાઈએ બધાંની સામે જોઈને કહ્યું.

" હવે શું કરીશું પપ્પા ? અનિકેત અને કૃતિની કુંડળી તો મળતી નથી અને આ લોકો તો વેવિશાળ કરવા માટે અધીરા બન્યા છે !" મનોજ બોલ્યો.

" પપ્પા તમે લોકો કોઈ ટેન્શન ના કરશો. તમે બધું મારી ઉપર છોડી દો. અનિકેતને હોટલમાં મળવા હું એકલી જ જઈશ. હું તો ખુશ છું કે અનિકેત સામે ચાલીને મને મળવા આવે છે !!" કૃતિના ચહેરા ઉપર હાસ્ય ચમકી ગયું.
ક્રમશઃ
અશ્વિન રાવલ (અમદાવાદ )