Jaldhi na patro - 4 in Gujarati Letter by Dr.Sarita books and stories PDF | જલધિના પત્રો - 4 - વિતેલા બાળપણને પત્ર

Featured Books
  • નિતુ - પ્રકરણ 75

    નિતુ : ૭૫ (નવીન તુક્કા) નિતુએ નવીનની વાતને અવગણતા પોતાની કેબ...

  • ભાગવત રહસ્ય - 179

    ભાગવત રહસ્ય-૧૭૯   કશ્યપ ઋષિ મધ્યાહ્ન સમયે ગંગા કિનારે સંધ્યા...

  • ફરે તે ફરફરે - 67

    ફરે તે ફરફરે - ૬૭   હું  મારા ધરવાળા સાથે આંખ મિલા...

  • રાય કરણ ઘેલો - ભાગ 16

    ૧૬ પૃથ્વીદેવ   અરધી રાત થઇ ત્યાં ઉદા મહેતાના પ્રખ્યાત વ...

  • એઠો ગોળ

    એઠો ગોળ धेनुं धीराः सूनृतां वाचमाहुः, यथा धेनु सहस्त्रेषु वत...

Categories
Share

જલધિના પત્રો - 4 - વિતેલા બાળપણને પત્ર

વ્હાલા બાળપણ,

તું મજામાં જ હશે એમ કહેવું તો શક્ય નથી. પણ , તું ખરેખર મજાનું હતું એમ જરૂર કહીશ. હાથમાંથી રેતી સરકે તેમ ઝડપથી તું પણ વીતી ગયું. અને જિંદગી જાણે પરિપક્વતાના આરે આવી અટકી ગઈ.

તારી સાથે જ તો મેં આ જિંદગીની પ્રથમ પાપા પગલી માંડેલી. મારા લથડતા પગ સાથે ચહેરા પર નિર્દોષ હાસ્ય અને બાળસહજ સરળતા તારી જ તો ઝાંખી હતા. કાલીઘેલી બોલીના બોલાવનાર અનેક સ્નેહીજનોની વણઝાર, માતૃ કંઠે ગવાતું મીઠું હાલરડું અને હેતના કોળિયા તારા હોવાની પ્રત્યક્ષતાની સાક્ષી હતા.

બાળપણ ! તું હતું તો, મારું કલ્પનાનું જગત પણ ન્યાલ હતું. બાળપણની નિખાલસ મૈત્રી, મિત્રો સાથે લડવું ઝઘડવું અને ફરી પાછું ભેગા મળવું. શાળાએ ન જવાની જીદ અને માતાનો મીઠો ગુસ્સો. શાળાના નવા મિત્રો સાથે ઓળખાણ. વળી, રજાની મજા.

વેકેશનના પ્રથમ દિવસની ખુશી અને મામાના ઘરે વેકેશન કરવા જવાની એ ઉતાવળ કેવી ખુશી આપી જતા. બાળપણનું વેકેશન એટલે મામાની વાડી ,નદીમાં છબછબીયાંની મજા, વડવાઈના હીંચકા, આમલી પર ચડી કૂદાકુદ કરવું ,વાડીનાં ફળો અને શાકભાજીને ચોરીછૂપીથી કુણે-કુણા જ તોડી તેનો આસ્વાદ માણવાની મજા કંઈક ઓર જ હતી.

ફળિયાની થાંભલીના ટેકે ગોળગોળ ફરવું.ખૂબ ઝડપી ઘરનાં હીંચકે હીંચકવું. કદીક ઘર-ઘરની રમત અને ઢીંગલીનાં સાજ-શણગાર આજેય આંખ સામે કલ્પિત થાય તો એક મીઠો આનંદ અનુભવાવે છે. દાદા-દાદી અને નાના-નાનીનાં કંઠે કહેવાથી બાળવાર્તાઓ અને પ્રેરક કથાઓ તો આજના નૈતિક શિક્ષણનેય ઝાંખું પાડે એવા હતા.અને એની અસરકારકતા તો એટલી કે એ હાલરડાની ગરજ સારતી કે, પરી કથાઓ સાંભળતા જ આંખોમાં નીંદર આવી જતી. અને પછી છેક સુરજદાદા આંખ ઉપર આવે ત્યારે સવાર થતી.

શેરીમાં રમાતી પકડમ્ પટ્ટી,સંતાકૂકડી, લંગડી દાવ એવા તો ન્યાલ કરી જતા કે બધું ભુલાઈ જતું. એ બાળપણ તારી એક મજા એ પણ હતી કે એ નિષ્કપટતાની ઉંમર હતી.ન કોઈ લાલચ,ન કોઈ ખોટી વાંછના. એટલે જ તો બાળપણને નિખાલસતાની ઉંમર અને બાળકને ઈશ્વર સાથે સાથે સરખાવ્યું છે.એટલે જ તો કવિએ તારા વિશે કહ્યું છે કે...

बच्चे मन के सच्चे ,सारी जग के आँख के तारे |
ये वो नन्हे फूल हैं जो, भगवान को लगते प्यारे |
इन्ससान जब तक बच्चा है, तब तक समझ का कच्चा है
ज्यों ज्यों उसकी उमर बढ़े, मन पर झूठ क मैल चढ़े
क्रोध बढ़े, नफ़रत घेरे, लालच की आदत घेरे
बचपन इन पापों से हटकर अपनी उमर गुज़ारे
बच्चे मन के सच्चे ...

શરૂઆતમાં તો ન તો કોઈ ભણતરનો બોજ હતો, ન તો કોઈ જવાબદારીનો. મસ્ત અલગારીની અદાથી દિવસ આખો ઉછળકૂદમાં કયાં વિતી જતો, એનો ખયાલ જ ન રહેતો.શાળા જીવન શરૂ થયું તો પણ, કેવું મજાનુ ! દાદાની આંગળી પકડી શાળાના દરવાજા સુધી રડવું અને શાળાએ જઈ મિત્રો સાથેની મજામાં ખિલખિલાટ હસવું. કદીક મનગમતા શિક્ષકની લાગણીઓમાં તરબોળ થવું અને ઘરે આવી મનગમતા શિક્ષકની નકલ કરવી. આ બધું, હે બાળપણ ! તને જ તો આભારી હતું.

મમ્મીના હાથનું મનગમતું ભોજન, ન ભાવતા ભોજન માટે મમ્મી સાથે ક્ષણિક રીસ, મીઠાં મનામણાંને અંતે મળતું ભાવતું ભોજન.આ બધું કોઈ રાજસી ઠાઠથી ઓછું ન લાગતું.

જવાબદારીથી અજાણ એને સારા નરસાનુંય ક્યાં ભાન હતું.દિવસ આખો શેરીમાં વિતાવતા આ બાળપણમાં ધર તો જેલ જેવું લાગતું.

બાળપણમાં ઋતુઓની પણ એક અલગ મજા હતી. ન તો ઉનાળાનો તડકો સ્પર્શતો , કે ન તો શિયાળાની ઠંડી. ચોમાસાની ઋતુમાં પણ કાગળની હોડીઓ તરાવવાની એ મજા આજેય નજર સમક્ષ તરવરવા લાગે છે ને ફરીને એને તરાવવાનું મન થઈ આવે છે.તો વળી ,ઉનાળાનાં ખુલ્લા તડકામાં ચપ્પલ વગર કૂદા-કુદ કરતી વખતનો વડીલોનો ઠપકો, શિયાળામાં સ્વેટર ટોપી પહેરાવવા માટેનો ફરજિયાત આગ્રહ અને ચોમાસામાં જીદ કરીને પણ પલળવા જવાનો આનંદ કંઈક જુદો જ હતો.

કલ્પનાની દોરે સ્વપ્ન સેવવા એ આ ઉંમરની ખાસિયત હતી. જે પણ વ્યક્તિ બાળપણને મન ભરી માણી શકે એ માણસ ખરા અર્થમાં જીવનરસને માણી શકે. તારા વિશે તો જેટલું વર્ણવું એટલું ઓછું જ થશે. એટલે મારી આ શબ્દવાણીને વિરામ આપતા કહીશ કે.. પછી લાખ કોશિશ કરીએ તો પણ ,એ બાળપણ! તને પાછું નથી લાવી શકતા.એટલે જ તારી મહત્તા ગાતા કવિએ કહ્યું છે..

हम ढूँढते हैं जीवन भर वो ख़ुशियाँ,
बचपन में जो पाते हैं |
वो हँसते हुए दिन गाती वो रातें,
लौट कर फिर नहीं आते हैं |
हो यादों के साए में वक़्त बिताना होता है |
बचपन हर ग़म से बेगाना होता है |

લી.
એક બાળપણની ચાહક