Sazish - 2 in Gujarati Thriller by Kanu Bhagdev books and stories PDF | સાજીશ - 2

Featured Books
  • સોલમેટસ - 10

    આરવને પોલીસ સ્ટેશન જવા માટે ફોન આવે છે. બધા વિચારો ખંખેરી અન...

  • It's a Boy

    સખત રડવાનાં અવાજ સાથે આંખ ખુલી.અરે! આ તો મારો જ રડવા નો અવાજ...

  • ફરે તે ફરફરે - 66

    ફરે તે ફરફરે - ૬૬   માનિટ્યુ સ્પ્રીગ આમતો અલમોસામાં જ ગ...

  • ભાગવત રહસ્ય - 177

    ભાગવત રહસ્ય-૧૭૭   તે પછી સાતમા મન્વંતરમાં શ્રાદ્ધદેવ નામે મન...

  • કુંભ મેળો

    કુંભ પર્વ હિન્દુ ધર્મનો એક મહત્વપૂર્ણ પર્વ છે, જેમાં કરોડો શ...

Categories
Share

સાજીશ - 2

૨. અજિત મરચંટનું ખૂન... !

વિલાસરાય હૉસ્પિટલના ઑપરેશન થિયેટરમાં અત્યારે દિલીપ, રજની અને ધીરજ સ્ટ્રેચર પર સૂતેલા અજિત મરચંટ પાસે મોજૂદ હતાં. અજિતને સાધારણ ઈજા થઈ હતી, પરંતુ એક તો સુકલકડી દેહ અને ઉપરથી પુષ્કળ માત્રામાં લોહી વહી જવાને કારણે તેને હૉસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો. એના જખમોનું ડ્રેસિંગ થઈ ગયું હતું. દિલીપે જોયું તો અત્યારે અજિત ખૂબ જ ભયભીત લાગતો હતો. એની આંખોમાં ડોકિયાં કરતો ભય સ્પષ્ટ રીતે જોઈ શકાતો હતો. 'સાહેબ...!' સૂતાં સૂતાં જ એણે દિલીપ સામે હાથ જોડીને કરગરતા અવાજે પૂછ્યું : ‘મારો શું વાંક છે... ? મેં શું કર્યું છે... ?

'આપ હાથ ધોઈને શા માટે મારી પાછળ પડી ગયા છો...?' કહેતાં કહેતાં એ રીતસર રડી પડ્યો.

અજિત જેવો ડરપોક માણસ ગુનાના માર્ગે કેવી રીતે વળી ગયો એ દિલીપને નહોતું સમજાતું.

‘શાંત થા... !’ દિલીપે એનો ખભો થપથપાવતાં કોમળ અવાજે કહ્યું : ‘અમે તને ગિરફતાર કરવા નહોતા માગતાં, અજિત... !' અજિત રડવાનું ભૂલીને એકદમ ચમકી ગયો.

‘આપ... આપ મને પકડવા નહોતાં માગતા, સાહેબ...?’ 'ના... ઊલટું અમે તો તારો જીવ બચાવવા માગીએ છીએ ! તારું રક્ષણ કરવા માગીએ છીએ... !'

‘૨... રક્ષણ... ?' અજિતની આંખો નર્યા અચરજથી વિસ્ફારિત બની ગઈ,

'આ... આ આપ શું કહો છો, સાહેબ... ? પણ... પણ મને શું થયું છે... ? આપ કોનાથી મારું રક્ષણ કરવા માગો છો... ?'

દિલીપ સ્ટ્રેચર પાસે જ પડેલી એક ખુરશી પર આરામથી બેસી ગયો.

‘ભાઈ અજિત... !' એણે કહ્યું : ‘બકરાને જ્યાં સુધી કસાઈખાનામાં ન લઈ જવાય ત્યાં સુધી પોતે હલાલ થવાનો છે એ વાતની તેને ખબર નથી હોતી... ! કંઈક એવી જ હાલત તારી પણ છે. કોઈક તને મારી નાખવા માગે છે. ફર્ક માત્ર એટલો જ છે કે તને આ વાતની અગાઉથી જ જાણ થઈ જાય છે.'

દિલીપના કથનનો અર્થ સમજીને અજિતના હોશ ઊડી ગયા.

એનો ચહેરો પરસેવાથી ભીંજાઈ ગયો. ‘પણ... પણ મને વળી કોણ મારી નાખવા માગે છે... ?'

એણે ભયથી કંપતા અવાજે પૂછ્યું.

'એ તો અમે પણ નથી જાણતાં... !'

અજિત ફરીથી ચમક્યો. એનું આશ્ચર્ય પ્રત્યેક પળે વધતું જતું હતું. ‘સાહેબ... !’ એ વ્યાકુળ અવાજે બોલ્યો : ‘આપને જ ખૂનીની : કંઈ ખબર નથી તો પછી કોઈક મને મારી નાખવા માગે છે એ વાત આપ આટલી ખાતરીથી કેવી રીતે કહો છો...?'

‘તારા આ સવાલનો જવાબ પણ છે મારી પાસે... !' દિલીપે રજનીને કશોક સંકેત કર્યો. રજનીએ તરત જ પોતાના જાકીટના ગજવામાંથી સાત અલગ અલગ અખબારોનાં કટિંગ કાઢીને અજિત સામે મૂક્યાં. આ કટિંગો ‘બહુરૂપી ખૂની' સાથે સંબંધિત સમાચારોનાં હતાં અને તેમાં ખૂનીનો શિકાર બનેલા બધા અપરાધીઓના ફોટા છપાયેલા હતા.

‘અજિત... !' દિલીપ અખબારમાં છપાયેલા ફોટા તેને બતાવતાં બોલ્યો : "ધ્યાનથી આ ફોટા જો અને કહે કે તું આ બધા શખ્સોને અગાઉ ક્યારેય મળ્યો છો... ?'

અજિતની નજર અખબારમાં છપાયેલા ફોટા પર સ્થિર થઈ ગઈ. પછી અચાનક જ એની આંખોમાં ખોફ અને દહેશતનાં ચિહ્નો ઊપસી આવ્યાં.

‘હા... હા, સાહેબ... !' એ તરત જ બોલી ઊઠ્યો, 'આ બધાને હું ઓળખું છું. બધા મારા જેવા જ હતા. અમે બધાએ સાથે મળીને ઘણા સમય સુધી ગુનાઓ પણ કર્યા હતા.

‘વેરી ગુડ... !' દિલીપને પોતાની શંકા ખાતરીમાં પલટાતી લાગી, ‘અર્થાત્ તમારા લોકોનું એક ગ્રુપ હતું, એક ટોળકી હતી, ખરું ને ?’

‘હા, સાહેબ... !' અજિતના અવાજમાં સ્હેજ ખમચાટ હતો, પરંતુ અમારું એ સંગઠન લાંબા સમય સુધી ન ચાલ્યું.’

‘કેમ... ? શા માટે ?

'કોઈ ખાસ કારણ નહોતું... !'

'છતાંય...’

'બસ, બધા પોતપોતાની મરજીના માલિક હતા. સ્વતંત્ર મિજાજના... ! બધાની મતિ જુદી જુદી દિશામાં દોડતી હતી. સૌની પોતપોતાની દુનિયા હતી... પોતપોતાનાં સપનાં હતાં... ! આ પરિસ્થિતિમાં કોઈ પણ સંગઠન કેટલા સમય સુધી ટકી શકે... ?'

‘હં...’ દિલીપે એક ઊંડો શ્વાસ ખેંચ્યો. પછી પૂછ્યું : ‘આ સાતેય જણ અત્યારે ક્યાં છે એની તને ખબર છે?’

‘ના... મને ક્યાંથી ખબર હોય...? હશે ક્યાંક પોતપોતાનામાં મસ્ત... ! મોજમસ્તીમાં ડૂબેલા હશે... ! આ બધાને મળ્યાને પણ મને ઘણો સમય થઈ ગયો છે... !'

ઘણો સમય થઈ ગયો છે એટલા માટે જ તું કદાચ તેમના વિશે આવી વાત કરે છે!'

‘એટલે... ?’ અજિતે ચમકીને પૂછ્યું.

એ નર્યા અચરજથી દિલીપ સામે જોવા લાગ્યો. તારી જાણ માટે સાંભળી લે... !' દિલીપ એક એક શબ્દ પર ભાર મૂકતાં બોલ્યો, ‘આ સાતમાંથી એકેય અત્યારે આ દુનિયામાં હયાત નથી. સાતે સાત જણ માર્યા ગયા છે.. !' દિલીપનું કથન સાંભળીને અજિતને આશ્ચર્યનો એક વધુ ધક્કો લાગ્યો.

એ સ્ટ્રેચર પર બેઠો થઈ ગયો. 'આ... આ આપ શું કહો છો, સાહેબ... ?'

‘હું સાચું જ કહું છું... !' દિલીપે જવાબ આપતાં કહ્યું : ‘જો તું નિયમિત અખબાર વાંચતો હોત તો તને ખબર પડી ગઈ હોત કે તારા આ ભૂતપૂર્વ સાથીદારોને કોઈકે એક એક કરીને મોતને ઘાટ ઉતારી દીધા છે.'

‘ક... કોણે... ?’ સવાલ પૂછતી વખતે અજિતના ચહેરા પર ધરતીકંપના હાવભાવ છવાઈ ગયા હતા.

ખૂની કોણ છે એની તો હજુ સુધી અમને પણ ખબર નથી પડી.’ દિલીપ ગંભીર અવાજે બોલ્યો : ‘અલબત્ત, એટલું હું જરૂર દાવા સાથે કહું છું કે સાતેયનાં ખૂન કોઈક એક માણસે જ કર્યાં છે ! કારણ કે ખૂન થયા પછી દરેક ઘટનાસ્થળેથી ગંજીપત્તાંનાં ગુલામ, બેગમ, બાદશાહનાં પ્લાસ્ટિકનાં ત્રણ પાનાં મળી આવ્યાં છે. પોલીસ ફાઈલમાં એ ખૂનીને ‘બહુરૂપી ખૂની'નું નામ આપવામાં આવ્યું છે !'

'બહુ વિચિત્ર નામ છે... !' અજિત સ્વગત બબડ્યો.

‘નામ જરૂર વિચિત્ર છે, પણ નામની માફક એ પોતે વિચિત્ર નથી. એનો શિકાર તેના હાથમાંથી ક્યારેય નથી બચી શકતો. અને ‘બહુરૂપી ખૂની’નું હવે પછીનું નિશાન તું છો એવી અમને શંકા છે. ..!'

‘શું... ?’ અજિત હેબતથી ઊછળી પડ્યો. ‘હું સાચું જ કહું છું... !'

‘પણ... પણ એ મારું ખૂન શા માટે કરશે... ? મેં એનું શું બગાડ્યું છે... ?’

‘તેં તથા તારા માર્યા ગયેલા સાથીદારોએ એનું શું બગાડ્યું છે, એ તો તમે લોકો જ વધુ સારી રીતે જાણતા હશો. પરંતુ એટલું હું જરૂર કહીશ કે જો ‘બહુરૂપી ખૂની’ આ વખતે તને મારી નાખવા માગતો હશે તો અમે વધુ સહેલાઈથી એના સુધી પહોંચી શકીએ તેમ છીએ... !'

‘કેવી રીતે... ?’

'દીવા જેવી સ્પષ્ટ વાત છે... ! તને મોતને ઘાટ ઉતારવા માટે ‘બહુરૂપી ખૂની’ તારા સુધી પહોંચવાનો પ્રયાસ કરશે. પરંતુ અમારી ચાંપતી નજર તારા પર છે એટલે આ વખતે ચોક્કસ જ તે અમારી જાળમાં ફસાઈ જશે... !'

‘આનો અર્થ એ થયો કે ' દિલીપની વાત સાંભળીને અજિતનું કાળજું મોંમાં આવી ગયું, ‘તમે લોકો સિંહનો શિકાર કરવા માટે બકરી તરીકે મારો ઉપયોગ કરવા માગો છો ! સિંહના શિકાર માટે જેમ માંચડા સાથે બકરીને બાંધવામાં આવે છે, એ જ રીતે મને પણ બાંધવા માગો છો... !'

‘તારે જે માનવું હોય તે માન... ! કંઈ પણ માની લેવાની તને પૂરેપૂરી છૂટ છે, પરંતુ મારી એક વાત બરાબર કાન ખોલીને સાંભળી લે.. ! જ્યાં સુધી તું કાયદાના કબજામાં છો ત્યાં સુધી સંપૂર્ણ રીતે સલામત છો. ‘બહુરૂપી ખૂની’ કદાચ તારા સુધી પહોંચશે તોપણ તારું કશુંય નહીં બગાડી શકે.. ! હવે તું આરામ કર... ! અમારે હજુ તારા રક્ષણની વ્યવસ્થા પણ કરવાની છે. અજિત ધીમેથી માથું હલાવીને રહી ગયો..

દિલીપ ધીરજ તથા રજની સાથે ઑપરેશન થિયેટરમાંથી બહાર નીકળ્યો.

ત્યાર બાદ એણે તાબડતોબ અમુક પગલાં ભર્યાં. અજિતના રક્ષણમાં તે કોઈ જાતની બેદરકારી રાખવા નહોતો માગતો. સૌથી પહેલાં તે જે ડૉક્ટરના હાથમાં અજિતનો કેસ હતો એને મળ્યો.

ડૉક્ટરના મત મુજબ અજિતને બે-ત્રણ દિવસ હૉસ્પિટલમાં રાખવો જરૂરી હતો. દિલીપ પણ એમ જ ઇચ્છતો હતો. જો અજિતને સી.આઈ.ડી.ના હેડક્વાર્ટરમાં રાખવામાં આવે તો ત્યાં એના પર ‘બહુરૂપી ખૂની” દ્વારા હુમલો થવાની શક્યતા નહીંવત્ હતી. ખૂની કોઈ સંજોગોમાં આવું જોખમ ખેડે તેમ નહોતો. એટલે તેને સપડાવવા માટે અજિતને હૉસ્પિટલમાં જ રાખવો પડે તેમ હતો. હૉસ્પિટલ જેવા જાહેર સ્થળે તે અજિતને મોતને ઘાટ ઉતારવા માટે ચોક્કસ પ્રયાસ કરી શકે તેમ હતો, ત્યાર બાદ અજિતને એ ત્રણેયની દેખરેખ હેઠળ પહેલાં માળના એક રૂમમાં લઈ જવાયો. રૂમ એક ખૂણામાં હતો અને સલામતીની દૃષ્ટિએ દરેક રીતે યોગ્ય હતો. આ ઉપરાંત દિલીપે ફોન કરીને સી.આઈ.ડી.ના છ એજન્ટોને ત્યાં બોલાવીને જુદી જુદી જગ્યાએ ગોઠવી દીધા. જેમકે બે જણ જાણે કોઈક દર્દીના સગા હોય એ રીતે લૉબીમાં પડેલી બૅન્ચો પર બેસી ગયા. એક જણ સ્વીપરના રૂપમાં સાફસૂફી કરવા લાગ્યો. બે જણ નર્સિંગ સ્ટાફના મેમ્બર બની ગયા જ્યારે એક જણે વૉર્ડબોયની જવાબદારી સંભાળી લીધી. આ સિવાય રજની નર્સ અને ધીરજ ડૉક્ટર બની ગયાં. જ્યારે દિલીપ પોતાના પૂર્વપરિચિત ડ્રેસમાં જ રહ્યો. અલબત્ત, માથા પરથી હૅટ એણે કાઢી નાખી હતી. કહેવાનું તાત્પર્ય એટલું જ કે અજિત જે રૂમમાં હતો એની ફરતે સી.આઈ.ડી.નો લોખંડી ચક્રવ્યૂહ ઘડાઈ ગયો હતો અને તેમની નજરે ચડ્યા વગર માણસ તો ઠીક ચકલુંય અંદર જઈ શકે તેમ નહોતું. તેઓ બસ હવે ખૂનીની જ રાહ જોતાં હતાં... બીજી તરફ રૂમમાં મોજૂદ અજિતની હાલત એકદમ ખરાબ હતી. જરાસરખો પગરવ થતાં જ તે ભયથી ઊછળી પડતો હતો. ખૂની આવી ગયો છે એવું તેને લાગતું હતું. રૂમની બંને બારીઓ અંદરથી બંધ હતી. માત્ર લૉબી તરફનો એક દરવાજો ઉઘાડો હતો અને લોબીમાં જુદા જુદા વેશમાં સી.આઈ.ડી.ના એજન્ટો ગોઠવાઈ ગયા હતા.

‘તું આરામથી સૂઈ રહે… !' રૂમમાં નર્સના રૂપમાં મોજૂદ રજનીએ તેને આશ્વાસન આપતાં કહ્યું : 'તારા રક્ષણ માટે અમે અહીં છીએ... ! અમારી હાજરીમાં તારા પર ઊની આંચ પણ આવે તેમ નથી.'

‘ના... !’ અજિત ભયથી કંપતા અવાજે બોલ્યો : 'તમે લોકો ગમે તે કરો... પણ ‘બહુરૂપી ખૂની’ અહીં આવીને મને મારી નાખશે. જે રીતે એણે મારા સાતેય સાથીદારોને માર્યા છે એ જ રીતે મને પણ મોતને ઘાટ ઉતારી દેશે... !'

'આ... આ તારો વહેમ છે, અજિત... !'

'ના, કોઈ વહેમ નથી... !' અજિતે તીવ્ર અવાજે વિરોધ કર્યો, ‘તમે જોઈ લેજો... ! એ આવશે.... આવી, પોતાનું કામ પતાવીને ચાલ્યો પણ જશે અને તમે લોકો એનું કશુંય નહીં બગાડી શકો... !'

‘બેવકૂફ માણસ... !' રજની કર્કશ અવાજે બોલી : ‘તારા રક્ષણ માટે કૅપ્ટન દિલીપ પોતે અહીં હાજર છે. એના જેવો આંતરરાષ્ટ્રીય દરજ્જાનો જાસૂસ આ જાતના કેસમાં આટલો રસ લે છે, એવો આ પહેલો પ્રસંગ છે. દિલીપની ગોઠવેલી જાળને આઈ.એસ.આઈ. તથા સી.આઈ.એ. જેવી શક્તિશાળી જાસૂસી સંસ્થાઓ પણ નથી તોડી શકતી તો ‘બહુરૂપી ખૂની'તો એક સાધારણ અપરાધી છે. તું જોજે...એ અહીં આવશે કે તરત જ સપડાઈ જશે... !'

'છતાંય મને ડર લાગે છે... !' અજિતે નંખાઈ ગયેલા અવાજે કહ્યું.

‘ચિંતા કરવાની જરૂર નથી... ! હવે હું જઉં છું... ! કંઈ કામ હોય તો બેલ વગાડજે. હું આવી જઈશ... !' અજિતે ધીમેથી માથું હલાવ્યું. એનો ભય હજુ પણ ઓછો નહોતો થયો.

રજની બંને બારીના પડદા ઢાંકીને રૂમમાંથી બહાર નીક્ળા એ જ સાંજે એક સનસનાટીભર્યો બનાવ બન્યો.

સાંજે છ વાગ્યે રૂટીન ચેકઅપ માટે એક ડોક્ટર અજિતના રૂમ તરફ આગળ વધ્યો. એની સાથે એક નર્સ પણ હતી. એ બંને દિલીપ તથા અન્ય સી.આઈ.ડી. એજન્ટો સામેથી પસાર થઈને રૂમમાં પ્રવેશ્યાં. 'કેમ છે હવે... ?' ડૉક્ટરે અજિતનો હાથ પકડતાં સ્મિતસંહ પૂછ્યું. અજિત જવાબ આપ્યા વગર ચૂપચાપ એકીટશે ડૉક્ટરના ચહેરા સામે તાકી રહ્યો.

ત્યાર બાદ ડૉક્ટરે ધબકારા તપાસવા માટે સ્ટેથોસ્કોપ કાનમાં ભરાવ્યું.

'ના.... એકાએક અજિત જોરથી બરાડ્યો, 'બચાવો... બાચવો... !' ચીસ પાડ્યા પછી તે તરત જ પલંગ પર બેઠો થઈ ગયો.

એની આ વર્તણૂકથી ડૉક્ટર બાપડો એકદમ ડઘાઈ ગયો. નર્સ પણ બિચારી હેબતાઈને બે ડગલાં પાછળ ખસી ગઈ. ‘આ... આ મને મારી નાખશે... !' અજિત હજુ પણ જોરજોરથી બૂમો પાડતો હતો, આ... આ ડૉક્ટર નહીં પણ બહુરૂપી ખૂની’ છે... ! બચાવો... બચાવો !' અજિતની તપાસ માટે આવેલા ડૉક્ટરના હોશ ઊડી ગયા.

'આ... આ તું શું બકે છે... ?' તે ડઘાઈને બોલી ઊઠ્યો. એ જ વખતે હાથમાં રિવોલ્વર ચમકાવતાં દિલીપ, રજની, ધીરજ તથા સી.આઈ.ડી.ના એજન્ટો આંધીની જેમ રૂમમાં ઘૂસી આવ્યાં અને આવતાંવેત તેમણે અજિતને ચારે તરફથી ઘેરી લીધો.

‘આ... આ ‘બહુરૂપી ખૂની' છે...!' અજિત ભયનો માર્યો લગાતાર બૂમો પાડતો હતો, આ મને મારી નાખવા માટે અહીં આવ્યો છે, મિસ્ટર દિલીપ... ! પકડો એને !'

વાત પૂરી કર્યા બાદ એ ઠેકડો મારીને પલંગ પરથી નીચે ઊતર્યો અને દિલીપની પાછળ છૂપાઈ ગયો. એનો સમગ્ર દેહ હિસ્ટીરિયાના રોગીની જેમ કંપતો હતો. એની આંખોના ડોળા ચકળવકળ થતા હતા. જ્યારે અજિતની વાત સાંભળીને ડૉક્ટરનો હેરો પરસેવાથી ભીંજાઈ ગયો હતો.

‘આ શું ગાંડપણ આદર્યું છે, અજિત.. !' દિલીપે અજિતને ઠપકો આપતાં કર્કશ અવાજે કહ્યું : ‘આ ડૉક્ટર ત્રિવેદી છે... !'

‘ના... !’ અજિતની આંખોમાં મોત નાચતું હતું, ‘આ... આ ખૂની છે... ! બહુરૂપી ખૂની... ! એ... એ ડૉક્ટરનું રૂપ ધારણ કરીને મને મારવા આવ્યો છે... ! એ... એ મને મારી નાખશે... !

'મને બચાવો, મિસ્ટર દિલીપ... !'

‘બેવકૂફ માણસ... !' દિલીપે અજિતને ખેંચીને પોતાની આગળ કર્યો, ‘તારું માથું ભમી ગયું લાગે છે... ! હું કહું છું કે આ અહીંના ડૉક્ટર ત્રિવેદી છે...!' શોરબકોર સાંભળીને હૉસ્પિટલના સ્ટાફના પણ કેટલાક માણસો ત્યાં દોડી આવ્યા હતા.

‘આમને પૂછ... !' દિલીપે સ્ટાફના કર્મચારીઓ સામે આંગળી ચીંધી, આ બધા તેમને ઓળખે છે... ! આ ડૉક્ટર ત્રિવેદી જ છે.. !

'પૂછ આમને... !' અજિતની ધીરજનો પ્યાલો છલકાઈ ગયો. એકાએક તે દિલીપને વળગીને ધ્રુસકે ધ્રુસકે રડી પડ્યો.

‘મિસ્ટર દિલીપ... !’ એણે ડૂસકાં ભરતાં કહ્યું, ‘પ્લીઝ, મને બચાવી લો... ! કોઈક દિવસ ખરેખર જ ‘બહુરૂપી ખૂની' મને મોતને ઘાટ ઉતારી દેશે... ! હું મરવા નથી માગતો... ! મારે હજુ ઘણું જીવવું છે... !'

તું બેફિકર રહે... !’ દિલીપ એનો ખભો થપથપાવતાં બોલ્યો, ‘તને કશું જ નહીં થાય … !'

પરંતુ દિલીપના ભરપૂર આશ્વાસન પછી પણ અજિત રડતો જ રહ્યો.

રૂમનું વાતાવરણ ભારે થઈ ગયું હતું. થોડી વાર પછી દિલીપ અજિતને શાંત પાડીને ઑફિસમાં પહોંચ્યો. ત્યાં અજિતના કેસની તપાસ કરી રહેલા સિનિયર ડૉક્ટર ભટનાગર તથા ડૉક્ટર ત્રિવેદી એની જ રાહ જોતા બેઠા હતા. ડૉક્ટર ત્રિવેદીના ચહેરા પર ચિંતાની રેખાઓ સ્પષ્ટ રીતે જોઈ શકાતી હતી.

'‘મામલો ખરેખર ખૂબ જ ગંભીર છે... !' દિલીપ ખુરશી પર બેઠો કે તરત જ ડૉક્ટર ત્રિવેદીએ કહ્યું : ‘ધીઝ ઇઝ ધ કેસ ઑફ ફોબિયા. . . ! અજિતના દિલો-દિમાગમાં ‘બહુરૂપી ખૂની'નો ભય ઘર કરી ગયો છે... !'

'અજિત અનહદ ડરી ગયો છે એમાં તો શંકાને કોઈ સ્થાન નથી... !' ડૉક્ટર ભટનાગર ત્રિવેદીની વાતને સમર્થન આપતાં બોલ્યા : મોતનો ભય અજિતને એટલી હદ સુધી ઘેરી વળ્યો છે કે તે તેને દરેક માણસમાં ‘બહુરૂપી ખૂની'નાં જ દર્શન થાય છે.'

'આ સ્થિતિ તો ખૂબ જ ખતરનાક કહેવાય, ભટનાગર સાહેબ... !' દિલીપે ગંભીર અવાજે કહ્યું.

‘હા... આ વાત અમે પણ સમજીએ છીએ... ! પરંતુ અમે કશું જ કરી શકીએ તેમ નથી. બલ્કે આ કથિત ‘બહુરૂપી ખૂની’ના ખોફમાં ને ખોફમાં અજિત કોઈક ન ભરવાનું પગલું ભરી બેસશે એવો મને તો ભય લાગે છે... !'

‘કઈ જાતનું પગલું...?' દિલીપે ચમકીને પૂછ્યું.

આ બાબતમાં હાલતુરત ખાતરીપૂર્વક કશુંય કહી શકાય તેમ નથી. ફોબિયાનો દર્દી ગમે ત્યારે કંઈ પણ કરી શકે છે. ઘણી વખત આ જાતના કેસોમાં આપણે કલ્પના પણ ન કરી શકીએ એવા અનેક ચિત્રવિચિત્ર બનાવો બન્યાનું અમે સાંભળ્યું છે... અનેક કેસો જોયા પણ છે... !'

‘પણ આનો કંઈક ઇલાજ તો હશે જ ને !'

‘ના, મેડિકલ સાયન્સમાં ફોબિયાનો કોઈ ઈલાજ નથી. અલબત્ત, ઇંજેકશનો વિગેરે દ્વારા થોડા સમય પૂરતો ફોબિયાના દર્દી પર જરૂર કાબૂ રાખી શકાય છે. પરંતુ ફોબિયાનો કોઈ કાયમી ઇલાજ નથી. હા, તમારી પાસે આ બીમારીનો ઇલાજ જરૂર છે, મિસ્ટર દિલીપ... !'

‘મારી પાસે... ?' દિલીપ ફરીથી ચમક્યો.

‘હા..’

'મારી પાસે વળી કયો ઇલાજ છે... ?' દિલીપે ઉત્સુક નજરે ડૉક્ટર ભટનાગર સામે જોતાં પૂછ્યું.

‘જો તમે અથવા તો તમારા સી.આઈ.ડી.ના એજન્ટો ભેગો થઈને કોઈ પણ રીતે ‘બહુરૂપી ખૂની’ને મારી નાખો અગર તો તેને ગિરફતાર કરી લો તો આપોઆપ જ અજિતના દિલો-દિમાગમાંથી એનો ભય નીકળી જશે... !' દિલીપને ભટનાગરની વાત સાચી લાગી.

ત્યાર બાદ એ બંનેની રજા લઈને તે બહાર નીકળ્યો. અજિતના રક્ષણ માટે એણે પોતાનાથી બનતી તમામ વ્યવસ્થા ગોઠવી હતી.

અજિતના ચેકઅપ માટે માત્ર ડૉક્ટર ભટનાગર, ડૉક્ટર ત્રિવેદી તથા એક નર્સને જ પરવાનગી આપવામાં આવી હતી. અજિતના રૂમની સાફસૂફી પણ સી.આઈ.ડી.ના એજન્ટો જ કરતા હતા. બધા એજન્ટોનો આ ત્રણેય સાથે પરિચય કરાવી દેવામાં આવ્યો હતો જેથી તેમના સિવાય કોઈ ચોથો માણસ અજિતના રૂમમાં ન જઈ શકે ! એક એક પગલું બરાબર સમજી-વિચારીને પૂરી સાવચેતીથી ભરવામાં આવતું હતું. ‘બહુરૂપી ખૂની’ ગમે ત્યારે પોત પ્રકાશી શકે તેમ હતો એ વાતથી સૌ વાકેફ હતા. પરંતુ તેમ છતાંય ધમાલ થઈ.

પહેલી રાત તો શાંતિથી વીતી ગઈ, પરંતુ બીજે દિવસે સવારે ડૉક્ટર ભટનાગરે નર્સ સાથે અજિતનું ડ્રેસિંગ કર્યું ત્યારે તેમને જોઈને જાણે હિસ્ટીરિયાનો હુમલો થયો હોય એમ અચાનક જ અજિત જોરજોરથી તેમને ‘બહુરૂપી ખૂની’ તરીકે સંબોધીને જોરજોરથી બૂમો પાડવા લાગ્યો.

દિલીપ તથા અન્ય સી.આઈ.ડી. એજન્ટોએ અંદર જઈને જેમ- તેમ કાબૂ મેળવ્યો. પરંતુ ત્યાં સુધીમાં અજિત અંદર ધમાલ મચાવી ચૂક્યો હતો. એણે ટેબલ પર પડેલ ગ્લાસ, પ્લેટ તથા અન્ય ચીજવસ્તુઓ ઊંચકીને ડૉક્ટર ભટનાગર પર ફેંક્યાં. ડૉક્ટર ભટનાગર તરત જ નર્સ સાથે ચાર-પાંચ ડગલાં પાછળ ખસી ગયા.

‘મને છોડી દો... !' સી.આઈ.ડી. એજન્ટોની પકડમાંથી પોતાની જાતને છોડાવવાનો પ્રયાસ કરતાં અજિત તીવ્ર અવાજે બોલ્યો : એ ‘બહુરૂપી ખૂની’ છે... ! મને મારી નાખવા માટે આવ્યો છે... !

‘મગજ ઠેકાણે રાખ... !' દિલીપે અજિતના ખભા પકડીને તેને હચમચાવતાં તીવ્ર અવાજે કહ્યું : ‘અહીં કોઈ બહુરૂપી ખૂની નથી.’

‘ના, મિસ્ટર દિલીપ... !' ભયથી બેબાકળો અજિત પણ જાણે કે ખરેખર પોતાના મગજ પરથી કંટ્રોલ ગુમાવી બેઠો હતો, ‘એ... એ ‘બહુરૂપી ખૂની’ જ હતો... ! તે ડૉક્ટરનું રૂપ ધારણ કરીને મને મોતને ઘાટ ઉતારવા માટે આવ્યો હતો. .. !'

‘એ ‘બહુરૂપી ખૂની’ નહીં પણ ડૉક્ટર ભટનાગર છે…… !'

રજની કર્કશ અવાજે બોલી. 'મગજ ઠેકાણે રાખીને ધ્યાનથી જો … !' દિલીપ જોરથી તાડૂક્યો, 'આ ડૉક્ટર ભટનાગર જ છે... !'

અજિત પોતાના ઊખડેલા શ્વાસ પર કાબૂ મેળવવાનો પ્રયાસ કરતો આંખો પટપટાવીને ડૉક્ટર ભટનાગર સામે જોવા લાગ્યો. અત્યારે તેની હાલત કોઈક પાગલ જેવી જ હતી. 'લે, પાણી પી લે... !' ધીરજે આગળ વધીને એના હાથમાં પાણીનો ગ્લાસ મૂક્યો. અજિતે એક શ્વાસે ગ્લાસ મોંએ માંડીને ખાલી કરી નાખ્યો. ‘શાંતિ રાખ, અજિત... !' દિલીપ એને સમજાવતાં બોલ્યો: 'મેં તને કેટલી વખત કહ્યું છે કે અમે છીએ ત્યાં સુધી ‘બહુરૂપી ખૂની તારો વાળ સુધ્ધાં વાંકો નહીં કરી શકે.. !'

‘છતાંય... છતાંય મને ડર લાગે છે, સાહેબ... !'

અજિતે રડમસ અવાજે કહ્યું : ‘ખૂની ડૉક્ટરના રૂપમાં આવીને મને મારી નાખશે એવું મને લાગે છે.’

‘આ તારો વહેમ છે... ! ચાલ... હવે ચૂપચાપ ડ્રેસિંગ કરાવી લે !'

અજિત પલંગ પર બેસી ગયો. ડૉક્ટર તથા નર્સ આગળ વધીને તેનું ડ્રેસિંગ કરવા લાગ્યાં. દિલીપ પોતાના સાથીદારો સાથે રૂમમાંથી બહાર નીકળી ગયો. પરંતુ ઘણી સમજાવટ અને અથાગ મહેનત પછી પણ અજિતની હાલત બગડતી જતી હતી.

બપોરે એણે ફરીથી મગજ પરથી કંટ્રોલ ગુમાવ્યો. ડૉક્ટરના વેશમાં સજ્જ થયેલો ધીરજ ખબર-અંતર પૂછવા માટે અજિતના રૂમમાં પ્રવેશ્યો કે તરત જ એણે એક પછી એક ચીજવસ્તુઓ ઊંચકીને તેના પર ફેંકવા માંડી. એટલું જ નહીં, ‘બહુરૂપી ખૂની આવ્યો’ એમ કહીને જોરજોરથી બરાડા પણ નાખવા લાગ્યો. દિલીપ વિગેરેએ અંદર પહોંચીને માંડ માંડ એના પર કાબુ મેળવ્યો. અજિતના ગાંડપણની આ ચરમ સીમા હતી એમ કહીએ તોપણ અતિશયોક્તિ નહીં ગણાય. બધાની ચિંતા એકદમ વધી ગઈ હતી.

‘આ માણસનો ફોબિયા ઘટવાને બદલે ઊલટું વધતો જ જાય છે... !' પોતાની ચેમ્બરમાં બેઠેલા ડૉક્ટર ભટનાગરે દિલીપ સામે જોતાં ગંભીર અવાજે કહ્યું : બલ્કે અત્યારે મેં એક બીજી વાતની પણ ખાસ નોંધ લીધી છે... ! અજિત ડૉક્ટરના વેશમાં જે કોઈને જુએ છે એને જ તે 'બહુરૂપી ખૂની' સમજી બેસે છે... !'

‘ઓહ... તો ખૂની ડૉક્ટરના રૂપમાં આવશે એવું એને લાગે છે, ખરું ને... ?’

‘હા...’

‘પરંતુ ખૂની ડૉક્ટરના જ વેશમાં આવે એ કંઈ જરૂરી નથી. તે કોઈક બીજા વેશમાં પણ આવી શકે છે... !'

‘તમારી વાત સાથે હું સંપૂર્ણ રીતે સહમત છું, મિસ્ટર દિલીપ !' ડૉક્ટર ભટનાગર ધીમેથી માથું હલાવતાં બોલ્યો : ‘પરંતુ ફોબિયાના દર્દીની આ જ તો મોટી કમજોરી છે... ! સૌથી પહેલાં તો હું તમને આ રોગની થોડી માહિતી આપું છું. ફોબિયા એટલે તર્કરહિત ભય...! અકારણ પેદા થતો ડર... ! ફોબિયાના પણ ઘણા પ્રકાર છે. સામાન્ય પ્રકારના ફોબિયામાં માણસ જાહેરમાં કશુંક બોલવામાં અકળામણ, બેચેની કે ડર અનુભવતો હોય તેને પરફોર્મન્સ એકઝાઇટી કહે છે. મારો અભિનય કે વક્તવ્ય સફળ થશે કે કેમ એની ઉપાધિ સતાવતા ભયને પરફોર્મન્સ એકઝાઇટી તરીકે ઓળખવામાં આવે છે. બીજો છે એક્રોફોબિયા એટલે કે ઊંચાં સ્થાનોનો ડર... ! આ ડરને લીધે વર્ટિગોની બીમારી શરૂ થાય છે અને વ્યક્તિ સમતોલન ખોઈ બેસે છે. બહુ ઊંચેથી નીચે જોતાં વ્યક્તિને નીચે પડી જવાનો ડર લાગે છે. ત્રીજો ક્લોઝ્ટ્રોફોબિયા એટલે કે બંધિયાર જગ્યાનો ડર... ! આ જાતના દર્દીને ટ્રેન કે બસની ગિરદી, સાંકડાં ટોઇલેટ કે બાથરૂમમાં ગભરામણ થવા લાગે છે, પરસેવો વળે છે... શ્વાસ ચડે છે... હૃદયના ધબકારા વધી જાય છે... ઊબકા આવે છે અને ચક્કર ચડે છે... ! ચોથો છે સોશિયલ ફોબિયા એટલે કે સમાજનો ડર... ! આ જાતના દર્દીને સામાજિક મેળાવડા વખતે કોઈ પોતાની ટીકા કે નિંદા કરશે તેનો ડર સતાવે છે. ઘણાને લોકો મજાક ઉડાવે કે મશ્કરી કરે તે ગમતું નથી. આવા લોકોને બીજાના દેખતાં ખાવાપીવામાં પણ ડર લાગે છે. ફોબિયાનો પાંચમો પ્રકાર છે એગોરા ફોબિયા અર્થાત્ બજારનો કે ખુલ્લી જગ્યાનો ડર... ! ગ્રીક શબ્દ એગોવા એટલે ખુલ્લી બજાર... ! ૬૦ ટકા માણસોને ઘરની બહારના વાતાવરણમાં કોઈક અજ્ઞાત ડર સતાવે છે. આ તકલીફનું નિવારણ કરવું બહુ મુશ્કેલ છે. ટૂંકમાં કહું તો ફોબિયા એટલે અકારણ સતાવતો ભ્રામક ડર...! પરંતુ માનવીને કોઈક ને કોઈક ભય જરૂર સતાવે છે. કોઈ અંધારાથી ડરે છે તો કોઈ પાણીથી... ! કોઈક ઊંચાઈથી ડરે છે તો કોઈક ઊંડી ખીણથી... ! અજિતના કેસને લાગેવળગે છે ત્યાં સુધી તેને ડૉક્ટરનો ફોબિયા થઈ ગયો છે... ! ખૂની ડૉક્ટરનો વેશ ધારણ કરીને આવશે એ વાત સંપૂર્ણ રીતે એના દિલો-દિમાગમાં છવાઈ ગઈ છે અને હવે તે સહેલાઈથી નીકળશે પણ નહીં... !'

‘હું...' દિલીપના ગળામાંથી હું'કાર નીકળ્યો. ત્યાર બાદ ડૉક્ટર ભટનાગરની રજા લઈ, એક સિગારેટ પેટાવીને એ તેના કસ ખેંચતો કોઈક ઊંડા વિચારમાં ડૂબી ગયો.

ડેનિમ જીન્સનું બ્લ્યૂ પેન્ટ, સફેદ ચેક્સવાળો શર્ટ, ક્લીન શેવ્ડ ગોરો ચહેરો, આંખો પર સોનેરી ફ્રેમનાં ચશ્માં, પગમાં કાળા બૂટ પહેરેલા એ યુવાનનું વ્યક્તિત્વ અત્યંત આકર્ષક અને પ્રભાવશાળી હતું. પહેલી જ નજરે તે કોઈક ફિલ્મી હીરો જેવો ખૂબસૂરત દેખાતો હતો.

પરંતુ એ ખૂબસૂરત યુવાનના ગોરા-ચીટ્ટા ચહેરા પર જે માસૂમિયત હોવી જોઈએ તે નહોતી. ચશ્માંના કાચ પાછળ ચમકતી એની લાલઘૂમ આંખોમાં સામા માણસને કંપારી છૂટી જાય એવી કઠોરતા છવાયેલી હતી. અત્યારે તે વિલાસરાય હૉસ્પિટલથી માંડ એકાદ કિલોમીટર દૂર આવેલ મેઘદૂત બિલ્ડિંગ નામની બહુમાળી ઇમારતના એક વૈભવશાળી ફ્લેટમાં મોજૂદ હતો. તે કોઈક ખાસ કામ માટે નીકળવાની તૈયારીમાં છે એવું એની હાલત પરથી દેખાઈ આવતું હતું.

‘મારી વાત માન અને આ રમત હવે બંધ કર... !' સહસા ફ્લેટમાં એક બીજો અવાજ ગુંજી ઊઠ્યો.

‘ના...’ યુવાન ઝેરીલું સ્મિત ફરકાવીને નકારમાં માથું ધુણાવતાં બોલ્યો : ‘આ રમત તો હવે મારા શ્વાસની સાથે જ ખતમ થશે... ! વાત પૂરી કર્યા બાદ યુવાને ખૂણામાં પડેલ ટેબલનું ખાનું ઉઘાડીને તેમાંથી બત્રીસ કેલિબરની રિવૉલ્વર કાઢી.

પરંતુ તે જે રીતે અગાઉ સાત જણનાં ખૂનો કર્યાં છે, એ જ રીતે હું અજિત મરચંટને પણ સફળતાપૂર્વક મોતને ઘાટ ઉતારી દઈશ એ કંઈ જરૂરી નથી... !' ફરીથી એ જ અવાજ ગુંજ્યો.

‘અજિત મરચંટનું ખૂન પણ એટલી જ સહેલાઈથી થશે...!' યુવાનના અવાજમાં ભરપૂર આત્મવિશ્વાસ હતો. આ તારો વહેમ પણ હોઈ શકે છે... ! ખોટો ભ્રમ હોઈ શકે છે... !'

‘ભ્રમ... !’ યુવાનના હોઠ પર ફરકતું સ્મિત વધુ ગાઢ બન્યું, 'ના...કોઈ વ્હેમ નથી... ! હું કદાપિ ખોટા ભ્રમમાં નથી રાચતો... !'

'પણ….'

‘તને ખબર છે... ?’ યુવાન પોતાની ધૂનમાં જ બોલ્યો, ‘આ જિંદગીમાં ડગલે ને પગલે મેં એટલી બધી ઠોકરો ખાધી છે... એટલું બધું ગુમાવ્યું છે કે જિંદગીનું અસલી રૂપ મને જોવા મળી ગયું છે... ! મુશ્કેલ અને ઊબડખાબડ માર્ગ પર કેવી રીતે ચાલવું... કેવી રીતે સફળતા મેળવવી એ મને સમજાઈ ગયું છે... ! ‘બહુરૂપી ખૂની’…… !’ કહેતાં કહેતાં એ ખતરનાક ઢબે હસ્યો, 'વિશાળગઢની પોલીસે મારું આ જ નામ રાખ્યું છે ને ? આ ‘બહુરૂપી ખૂની' ક્યારેય કોઈ કમજોર રમત નથી રમતો... ! મારી બધી યોજનાઓ જડબેસલાક અને ફુલપ્રૂફ હોય છે... ! હું ક્યાંય આંગળી મૂકવાની જગ્યા નથી રાખતો...! તારી જાણ માટે સાંભળી લે કે મેં અજિત મરચંટ વિશે જરૂરી એવી બધી જ માહિતી મેળવી લીધી છે...!

‘કેવી માહિતી... ?’ બીજી વ્યક્તિએ ચમકીને આશ્ચર્યથી પૂછ્યું. જેમ કે અત્યારે તે વિલાસરાય હોસ્પિટલમાં સારવાર હેઠળ છે... !' યુવાન બોલ્યો, અને સૌથી મોટી વાત તો એ છે કે તેને ‘ડૉક્ટર'નો ફોબિયા થઈ ગયો છે... !'

‘ફોબિયા...?’

‘હા... ! લાંબો સફેદ કોટ અને ગળામાં સ્ટેથોસ્કોપ લટકાવેલા કોઈ પણ ડૉક્ટરને જોતાંવેંત જ અજિત જોરજોરથી બૂમો પાડવા માંડે છે... ! ડૉક્ટર પોતાને મારી નાખવાના હેતુથી આવ્યો છે એમ તે માને છે... ! તપાસ માટે આવેલો ડૉક્ટર પોતાનું ખૂન કરી નાખશે એમ જ તે સમજે છે. હૉસ્પિટલમાં અત્યાર સુધીમાં આવા કેટલાય બનાવો બની ચૂક્યા છે. બીજું બધું તો ઠીક, હૉસ્પિટલનો સ્ટાફ સુધ્ધાં તેને પાગલ માનવા લાગ્યો છે અને તે નાહક જ ડરથી બૂમો પાડે છે એમ માને છે. હવે આ પરિસ્થિતિમાં તું કલ્પના કરી લે... !' કહેતાં કહેતાં ‘બહુરૂપી ખૂની'નો અવાજ એકદમ રહસ્યમય થઈ ગયો, કે જો ખૂની ખરેખર ડૉક્ટરના વેશમાં અજિત મરચંટનું રામનામ સત્ય કરવા ત્યાં પહોંચી જાય તો...? તો શું થશે...?' એનું કથન સાંભળીને રૂમમાં મોજૂદ બીજી વ્યક્તિ એકદમ ચમકી ગઈ.

જ્યારે વાત પૂરી કર્યા બાદ યુવાનના ગળામાંથી પ્રચંડ અટ્ટહાસ્ય નીકળ્યું હતું.

‘સાંભળ... !' છેવટે હસવાનું બંધ કરીને યુવાન એક એક શબ્દ પર ભાર મૂકતાં બોલ્યો, ‘ડૉક્ટરના વેશમાં રહેલા ખૂનીને જોતાં જે અજિત મરચંટ બૂમો પાડશે... ! ધમાલ ચમાવશે... ! ચીજવસ્તુઓ ઊંચકી ઊંચકીને ફેંકી... ! પરંતુ કોઈ એના પ્રત્યે ધ્યાન નહીં આપે... ! બધા એવા જ ભ્રમમાં રાચતા રહેશે કે અજિત નાહક જ બૂમબરાડા પાડે છે, અને તેમના આ ભ્રમનો લાભ ઉઠાવીને ખૂની પોતાનો કસબ બતાવી જશે... ! અંજિતને તે આરામથી મોતની મીઠી નીંદરમાં સુવડાવીને રફુચક્કર થઈ જશે, અને તારી જાણ માટે સાંભળી લે કે હું ડૉક્ટર બનીને જ વિલાસરાય હૉસ્પિટલે જઉં છું.' કહીને એ ફરીથી હસ્યો. એનું હાસ્ય ખૂબ જ ભયંકર અને ભલભલાની છાતીનાં પાટિયાં આઉટ કરી નાખે એવું હતું. યુવાનની વાત સાંભળીને બીજી વ્યક્તિનો એરો ફિક્કો પડી ગયો. ત્યાર બાદ યુવાન ટહેલતો ટહેલતો વૉર્ડરોબ પાસે પહોંચ્યો. એણે વાર્ડરોબમાંથી ડૉક્ટરો જેવો સફેદ કોટ કાઢીને પહેર્યો. પછી સ્ટેથોસ્કોપ કાઢી, ડ્રેસિંગ ટેબલ સામે ઊભા રહીને ગળામાં ભરાવી જોયું.

આ વેશમાં તે સાચેસાચ જ ડૉક્ટર જેવો લાગતો હતો. પછી ડ્રેસિંગ ટેબલ પાસે ઊભા ઊભા એણે ચામડી જેવા જ રંગનાં, રબ્બરનાં પાતળાં હાથનાં મોજાં કાઢીને પહેરી લીધાં.

એણે જાણે કે અગાઉથી જ બધી તૈયારી કરી રાખી હતી.

'હજુ પણ માની જા... !' આ વખતે ગુંજેલા બીજી વ્યક્તિના અવાજમાં વિનંતીનો સૂર હતો, ‘ત્યાં જવાનો વિચાર માંડી વાળ... ! કોણ જાણે કેમ આજે મારો જીવ ખૂબ જ ગભરાય છે…… ! કંઈક અજુગતું બનશે એવું મને લાગે છે...!

'તારો જીવ ક્યારે નથી ગભરાતો ડિયર...? કાયમ ગભરાય જ છે...! હંમેશાં તારા દિલમાં અજુગતું બનવાની શંકા ઊપજે જ છે...! એક વાત સાંભળ... આ દુનિયા એટલી કઠોર અને જાલિમ થઈ ગઈ છે કે ક્યારેય દિલની વાત સાંભળવી જ ન જોઈએ...! મુઠ્ઠી જેવડું દિલ જ માણસને શયતાન બનવા માટે લાચાર કરી મૂકે છે...! હેવાનિયતના માર્ગે લઈ જાય છે...! આજના જમાનામાં જો માણસે જીવવું હોય તો પોતાનામાંથી દિલ નામની ચીજ કાઢીને ફેંકી દેવી જોઈએ અને તો જ એ જીવી શકે છે...! મારે આજે જવું જ પડશે...! અજિતના પાપનો ઘડો છલકાઈ ગયો છે...! એનો અંતિમ સમય હવે નજીક આવી ગયો છે.' યુવાનના અવાજમાંથી જાણે કે ગાંડપણ નીતરતું હતું, ‘એક પાપી આ ધરતી વર વધુ દિવસો સુધી જીવતો રહે એ ઈશ્વરને પણ મંજૂર નથી …… !'

‘તું... તું જરૂર ગાંડો થઈ ગયો છે... !' બીજી વ્યક્તિએ તીવ્ર અવાજે કહ્યું. ‘આ દુનિયામાં કોઈ સમજદાર માણસ જે કામ નથી કરી શકતો તે એક ગાંડો જ કરી જાણે છે... !'

આટલું કહીને એ ટેબલ પાસે પહોંચ્યો.એણે ટેબલનું સૌથી નીચેનું ખાનું ઉઘાડ્યું. એમાં ઢગલાબંધ ગંજીપત્તાંનાં ત્રણ પાનાં -ગુલામ, બેગમ અને બાદશાહ—પડ્યાં હતાં.

એણે તેમાંથી ત્રણ પત્તાંનો એક સેટ કાઢીને પોતાના ગજવામાં મૂક્યા બાદ ખાનું પુનઃ બંધ કરી દીધું. અત્યારે એના ચહેરા પર દુનિયાભરની કઠોરતા ઊતરી આવી હતી.

સાંજે સવા પાંચ વાગ્યે એક ટૅક્સી વિલાસરાય હૉસ્પિટલ સામે પહોંચીને ઊભી રહી અને પાછલી સીટનો દરવાજો ઉઘાડીને ડૉક્ટરો જેવા પોષાકમાં સજ્જ થયેલો એક માનવી નીચે ઊતર્યો. સોનેરી ફ્રેમનાં ચશ્માંમાં એનું વ્યક્તિત્વ એકદમ પ્રભાવશાળી લાગતું હતું. એના એક હાથમાં સ્ટેથોસ્કોપ જકડાયેલું હતું. કહેવાની જરૂર નથી કે એ માનવી જ ‘બહુરૂપી ખૂની' હતો. હૉસ્પિટલમાં પ્રવેશતી વખતે એણે ડાબા હાથની પહેલી આંગળીથી ચશ્માં વ્યવસ્થિત કર્યાં. ત્રણ મિનિટ પછી તે પહેલાં માળની સીડીનાં પગથિયાં ચડતો હતો. એણે કોઈને કશુંય પૂછ્યું નહીં. હૉસ્પિટલના ખૂણેખૂણાથી જાણે કે તે વાકેફ હતો.

પગથિયાં ચડીને એણે લાંબીમાં પગ મૂક્યો. વિશાળ અને લાંબી-પહોળી લૉબીને બંને તરફ દર્દીઓના રૂમ હતા. આ જ લોબીને સામે છેડે અજિત મરચંટનો રૂમ હતો.

‘બહુરૂપી ખૂની’એ લૉબીના સામે છેડે નજર દોડાવી. અનાયાસે જ એના હોઠ પર ઝેરીલું સ્મિત ફરકી ઊઠ્યું. શિકારને જોઈને વાઘની આંખમાં જે હિંસક ચમક પથરાઈ, બિલકુલ એવી જ ચમક અત્યારે એની આંખોમાં ફરી વળી હતી. એ ધીમે ધીમે ડગ માંડતો લૉબીના અંતિમ છેડા તરફ આગળ વધ્યો. દર્દીઓ તથા તેનાં સગાં-સંબંધીઓની આવજા ચાલુ હતી. હૉસ્પિટલના કર્મચારીઓ પણ રાબેતા મુજબ આમથી તેમ દોડાદોડી કરતા હતા. બધા પોતપોતાના કામમાં મશગૂલ હતાં. થોડી પળો બાદ શું બનવાનું છે એની કોઈનેય ખબર નહોતી. એ જ વખતે ‘ખૂની’ને સામેથી હાથમાં સર્જિકલ ટ્રે પકડીને આવતો એક વૉર્ડબોય દેખાયો. વૉર્ડબોય ખુબ જ ઉતાવળમાં હતો અને તેનું ધ્યાન બીજે ક્યાંક ભટકતું હતું. પછી સહસા ‘બહુરૂપી ખૂની' પર નજર પડતાં જ તે ચમક્યો. પહેલાં તો ‘બહુરૂપી ખૂની'એ એની બાજુમાંથી પસાર થઈ જવાનો ઉપક્રમ કર્યો પરંતુ પછી તે થંભી ગયો.

'એકસ્ક્યુઝ મી, સર !'

‘યસ... !'

‘બહુરૂપી ખૂની'ના દિમાગમાં જોખમની ઘંટડી રણકી ઊઠી હતી. પરંતુ તેમ છતાંય એણે ચાસણી જેવા અવાજે જવાબ આપ્યો.

'મને ખ્યાલ છે ત્યાં સુધી મેં આપને અગાઉ ક્યારેય આ હૉસ્પિટલમાં નથી જોયા... !' વૉર્ડબોયે કહ્યું.

વૉર્ડબોયની વાત સાંભળીને ‘બહુરૂપી ખૂની'ના હોઠ પર સ્મિત ફરકવા લાગ્યું. એનું સ્મિત નાના બાળક જેવું નિર્દોષ અને માસૂમ હતું,

‘વેરી નાઇસ... ! તું મશ્કરી બહુ સારી કરી જાણે છે... !' ‘બહુરૂપી ખૂની’ હસીને બોલ્યો.

‘જ... જી... !' વૉર્ડબોયનું દિમાગ ચકરાવે ચડી ગયું, ‘હું કંઈ સમજ્યો નહીં... !'

‘ભાઈ…… !' બહુરૂપી ખૂની ટાઢા માટલા જેવા અવાજે બોલ્યો : ‘તેં આ હૉસ્પિટલમાં અગાઉ મને ક્યારેય નથી જોયો તો એમાં આશ્ચર્ય પામવા જેવું શું છે...? હું આ હૉસ્પિટલ સાથે સંકળાયેલો નથી. હું એક ન્યુરોલૉજિસ્ટ છું અને સિટી હૉસ્પિટલેથી આવ્યો છું. હું ફોબિયાનો સ્પેશિયલ ડૉક્ટર છું... !'

‘બહુરૂપી ખૂની' જાણે કે બધી મુશ્કેલીનો સામનો કરવા માટે તૈયાર હતો.

'ઓહ...' વૉર્ડબોય એકદમ સામાન્ય થઈ ગયો, ‘આપનું નામ...?'

‘મારું નામ ડૉક્ટર વિષ્ણુપ્રસાદ શાસ્ત્રી છે... !'

‘શું આપ અહીં કોઈ સ્પેશિયલ વિઝિટ પર આવ્યા છો?'

‘હા, ડૉક્ટર ભટનાગરે મને બોલાવ્યો છે……!' બહુરૂપી ખૂનીએ પોતાનાં ચશ્માં સરખાં કરતાં કહ્યું, ‘આ માળ પર ફોબિયાનો એક દર્દી છે ! સુજિત કે અજિત એવું કંઈ નામ છે, હા, યાદ આવ્યું...! અજિત મરચંટ... !'

'બરાબર છે... એનું નામ અજિત મરચંટ જ છે... !' ‘બસ, તો...’ કહેતાં કહેતાં ‘બહુરૂપી ખૂની’ની આંખોમાં હીરા જેવી ચમક પથરાઈ ગઈ, ‘એના ચેકઅપ માટે જ મને અહીં બોલાવવામાં આવ્યો છે!'

‘પણ ડૉક્ટર ભટનાગર તો ક્યાંય દેખાતા નથી... વોર્ડબોયના અવાજમાં પુનઃ શંકા ઉત્પન્ન થઈ.

‘તેઓ પણ બસ, મારી પાછળ પાછળ જ આવતા હશે. ખેર, અજિતનો રૂમ ક્યાં છે... ?'

‘આવો...’ કહીને વૉર્ડબોય અજિતના રૂમ તરફ આગળ વધ્યો. ‘બહુરૂપી ખૂની’ એની પાછળ પાછળ ચાલવા લાગ્યો. મનોમન એ ખૂબ જ સાવચેત હતો. એની સર્ચલાઇટ જેવી નજર લોબીમાં ચારે તરફ ફરતી હતી. પછી અચાનક એક બેંચ પર બેસીને સિગારેટ ફૂંકી રહેલા દિલીપ પર નજર પડતાં જ એ સજાગ બની ગયો. જોકે એ તાબડતોબ દિલીપને ન ઓળખી શક્યો, પરંતુ દિલીપનું વ્યક્તિત્વ જોઈને તે કોઈક ખાસ માણસ છે એટલું તો એ જરૂર સમજી ગયો હતો. એટલું જ નહીં, એના દિમાગમાં દિલીપને જોતાં જ કોણ જાણે કેમ જોખમની ઘંટડી રણકી ઊઠી હતી. ‘શું વાત છે, ડૉક્ટર સાહેબ... ?' વૉર્ડબોયે પીઠ ફેરવીને એની સામે જોતાં પૂછ્યું, ‘આપ ઊભા શા માટે રહી ગયા?'

‘ત્યાં સામે જે સદ્ગૃહસ્થ બેઠા છે, એ કોણ છે... ?' બહુરૂપી ખૂનીએ દિલીપ તરફ સંકેત કરતાં પૂછ્યું.

‘અરે... કમાલ કહેવાય... ! આખું હિંદુસ્તાન તેમને ઓળખે છે ને આપ નથી ઓળખતા...?' વૉર્ડબોયે સ્મિતસહ જવાબ આપ્યો, ‘તેઓ આંતરરાષ્ટ્રીય જાસૂસ કૅપ્ટન દિલીપ છે... ! તેઓ ખાસ અજિત મરચંટના રક્ષણ માટે જ પોતાના સહકારીઓ સાથે અહીં આવ્યા છે...!'

‘કૅપ્ટન દિલીપ... !'

‘બહુરૂપી ખૂની’ના દિમાગમાં ખળભળાટ મચી ગયો. દિલીપનાં નામ અને કામથી તે બહુ સારી રીતે વાકેફ હતો.

'ઓહ ગોંડ... !’ એ મનોમન બબડ્યો, આનો અર્થ એ થયો કે મને ફસાવવા માટે કૅપ્ટન દિલીપે જ અહીં જાળ પાથરી છે... ! એ મને સપડાવવા માટે જ અહીં બેઠો છે... !

એણે ગજવામાંથી રૂમાલ કાઢીને કપાળ પર નીતરી આવેલો પરસેવો લૂછ્યો. એનું દિમાગ અહીંથી છટકવા માટે ઝપાટાબંધ કામે લાગી ગયું હતું. હવે અજિતના રૂમમાં જવું એ હાથે કરીને મોતને આમંત્રણ આપવા જેવું હતું.

‘ચાલો, સાહેબ... ! હું આપને અજિતના રૂમમાં મૂકી જઉં. પછી મારે નીચે પણ જરૂરી કામ છે... !' વૉર્ડબોયે તેને ટોકતાં કહ્યું. ‘ના... !’ બહુરૂપી ખૂની નકારમાં માથું ધુણાવતાં બોલ્યો, ‘હું હવે થોડી વાર પછી અજિતનું ચેકઅપ કરીશ... ! વાત એમ છે કે હું ફોબિયા પેશન્ટની સારવારનો ચાર્ટ નીચે ડૉક્ટર ભટનાગરની ચેમ્બરમાં જ ભૂલી આવ્યો છું... !' બહુરૂપી ખૂનીએ તરત જ અહીંથી છટકવાની બારી શોધી લેતાં કહ્યું, ‘હું ચાર્ટ લઈને આવું છું. ઉપરાંત અહીં આટલા બધા જાસૂસો મોજૂદ છે તો ડૉક્ટર ભટનાગરને સાથે રાખીને જ અજિતનું ચેકઅપ કરવું યોગ્ય ગણાશે. કાલે ઊઠીને કંઈ નવાજૂની થાય તો દોષનો બધો ટોપલો મારા માથા પર જ આવી પડે. એના કરતાં તો હું ડૉક્ટર ભટનાગરને લઈ આવું એ જ વધુ હિતાવહ રહેશે.'

ત્યાર બાદ વૉર્ડબોય કશુંય કહે એ પહેલાં જ ‘બહુરૂપી ખૂની’ પીઠ ફેરવીને લાંબાં લાંબાં ડગલાં ભરતો ત્યાંથી વિદાય થઈ ગયો. વૉર્ડબોય થોડી પળો સુધી જ્યાં હતો ત્યાં જ ઊભો રહ્યો. ડૉક્ટરના વર્તનમાં આવેલું એકાએક પરિવર્તન તેને સમજાયું નહોતું.

પછી એ પણ નીચે જવા માટે આગળ વધી ગયો.

અજિતના રક્ષણ માટે ગોઠવાયેલા સી.આઈ.ડી. એજન્ટોની ડ્યુટી રાત્રે આઠ વાગ્યે બદલાતી હતી.

દિવસના સમયે ડ્યૂટી ભરતા એજન્ટો રાત્રે આઠ વાગ્યે ચાલ્યા જતા અને તેમના સ્થાને બીજા એજન્ટો ગોઠવાઈ જતા. દિલીપ પણ આ જ સમયે થોડા કલાક માટે આરામ કરવા માટે ત્યાંથી ચાલ્યો જતો અને રાત્રે બે વાગ્યે પાછો ફરતો. ત્યાં સુધી રજની અને ધીરજ હાજર રહેતાં, દિલીપ આવે એટલે એ બંને સૂઈ જતાં હતાં. ત્રણેયે ડ્યૂટીની વહેંચણી કરી લીધી હતી. અજિતને રાત્રે પોણા આઠ વાગ્યે ડિનર આપવામાં આવતું હતું. આ ડિનર પણ સી.આઈ.ડી.નો એક એજન્ટ જ એના રૂમમાં જઈને આપી આવતો હતો.

પરંતુ રક્ષણની આટલી જડબેસલાક વ્યવસ્થા હોવા છતાંય કોઈએ કલ્પના પણ ન કરી હોય એવો બનાવ બન્યો. રાબેતા મુજબ પોણા આઠ વાગ્યે સી.આઈ.ડી.નો એક એજન્ટ જમવાની થાળી લઈને અજિતના રૂમમાં પ્રવેશ્યો અને પછી તાબડતોબ બૂમો પાડતો બહાર નીકળ્યો.

જમવાની થાળી એના હાથમાંથી છટકીને જમીન પર જઈ પડી.

'શું થયું...?' કહેતાં કહેતાં બધા એની પાસે ધસી ગયા.

‘અજિત રૂમમાં નથી !'

‘શું વાત કરે છે...?’ જવાની તૈયારી કરી રહેલો દિલીપ એની નજીક પહોંચ્યો અને પછી વંટોળિયાની જેમ અજિતના રૂમમાં ઘૂસી ગયો.

બાકીનાઓ પણ એની પાછળ જ હતા. તેમણે જોયું તો અજિતનો પલંગ ખાલી પડ્યો હતો. રૂમની બારી ઉઘાડી હતી, જેના પરથી સ્પષ્ટ થતું હતું કે તે બારી મારફત નાસી છૂટ્યો હતો.

તરત જ અજિતની શોધ શરૂ થઈ ગઈ. સી.આઈ.ડી.ના બધા એજન્ટો કામે લાગી ગયા.

ઉપર-નીચે બધી જગ્યાએ શોધ ચાલુ હતી. રાતની ડ્યૂટીવાળા એજન્ટો આવી ગયા હતા એટલે તેઓ પણ અજિતને શોધવાની નગીરીમાં જોડાઈ ગયા હતા.

દિલીપ પોતે હાથમાં રિવૉલ્વર ચમકાવતો પહેલાં માળ એક પછી એક રૂમ તપાસતો હતો. આખી હૉસ્પિટલમાં ધમાચકડી મચી ગઈ હતી. રજની તથા ધીરજ નીચે ચાલ્યાં ગયાં હતાં. પછી અચાનક જ વાતાવરણમાં સી.આઈ.ડી.ના એક એજન્ટની ચીસ ગુંજી ઊઠી.

‘દિલીપ... !' એ જ વખતે ધીરજ ઉપર આવતાં બોલ્યો, ‘ત્યાં ટોઇલેટ પાસે કંઈક ગરબડ લાગે છે. ચીસનો અવાજ એ તરફથી - આવ્યો છે !'

બંને વીજળીની જેમ દોટ મૂકીને ટોઇલેટ પાસે પહોંચ્યા. ટોઇલેટ પાસે સી.આઈ.ડી.નો એક એજન્ટ સ્તબ્ધ હાલતમાં ઊભો હતો. એની આંખોના ડોળા નર્યા અચરજથી ફાટેલા હતા અને મોં ઉઘાડું હતું.

દિલીપ તેને એક તરફ ધકેલીને સ્ફૂર્તિથી ટોઇલેટમાં પ્રવેશ્યો. પરંતુ વળતી જ પળે એના પગ જાણે કે જમીન સાથે ચોંટી ગયા.

સામે જ અજિતનો લોહીલુહાણ મૃતદેહ પડ્યો હતો. કોઈકે સાઇલેન્સરયુક્ત રિવૉલ્વરમાંથી એના કપાળની બરાબર વચ્ચે ગોળી ઝીંકીને તેને શૂટ કરી નાખ્યો હતો. અને મૃતદેહની બાજુમાં જ ગંજીપત્તાંનાં ત્રણ પાનાં – ગુલામ, બેગમ અને બાદશાહ – પડ્યાં હતાં.

********