Shikhar - 17 in Gujarati Classic Stories by Dr. Pruthvi Gohel books and stories PDF | શિખર - 17

Featured Books
  • રહસ્ય,રહસ્ય અને રહસ્ય

    આપણને હંમેશા રહસ્ય ગમતું હોય છે કારણકે તેમાં એવું તત્વ હોય છ...

  • હાસ્યના લાભ

    હાસ્યના લાભ- રાકેશ ઠક્કર હાસ્યના લાભ જ લાભ છે. તેનાથી ક્યારે...

  • સંઘર્ષ જિંદગીનો

                સંઘર્ષ જિંદગીનો        પાત્ર અજય, અમિત, અર્ચના,...

  • સોલમેટસ - 3

    આરવ રુશીના હાથમાં અદિતિની ડાયરી જુએ છે અને એને એની અદિતિ સાથ...

  • તલાશ 3 - ભાગ 21

     ડિસ્ક્લેમર: આ એક કાલ્પનિક વાર્તા છે. તથા તમામ પાત્રો અને તે...

Categories
Share

શિખર - 17

પ્રકરણ - ૧૭

આજે શિખરનો જન્મદિવસ હતો. પરંતુ શિખરના ઘરમાં આજે એના બર્થ ડે ના ઉત્સાહ કરતા પણ એને જે પ્રોજેક્ટ માટે ગાંધીનગર જવાનું હતું એનો ઉત્સાહ એના ઘરમાં વધુ હતો.

પલ્લવી એને સમજાવતાં કહી રહી હતી, "તમે લોકો બરાબર પ્રેઝન્ટેશન આપજો. કોઈ ભૂલ ન થાય એનું ખાસ ધ્યાન રાખજો. અને હા! ચિંતા બિલકુલ કરતાં જ નહીં. મને પૂરો વિશ્વાસ છે કે, તમે જરૂર નેશનલ લેવલ સુધી પહોંચી જ જશો."

શિખરનું પલ્લવીની આ બધી વાતમાં કોઈ જ પણ પ્રકારનું ધ્યાન ન હતું. એને તો પોતનો બર્થ ડે ઉજવવો હતો પણ એના ઘરમાં કોઈને પણ એનો બર્થ ડે ઉજવવાની ઈચ્છા હોય એવું કોઈના પણ ચેહરા પર એને જણાતું નહોતું.

હા! એ વાત અલગ છે કે, એ સવારે ઉઠ્યો ત્યારે બધાંએ એને બર્થ ડે વિશ જરૂર કર્યું હતું પરંતુ કોઈના ચહેરા પર એને ખુશી દેખાઈ નહોતી રહી. ખુશી કરતાં પણ વધુ એને બધાંના ચેહરા પર પોતાના તરફથી અપેક્ષાઓ જ વધુ દેખાઈ રહી હતી. પોતાના બાળક પ્રત્યેથી વધુ પડતી અપેક્ષાઓ ક્યારેક હોશિયાર બાળકનો વિકાસ પણ રૂંધી નાખતી હોય છે એ હાલ શિખરના માતાપિતાને સમજાઈ રહ્યું નહોતું.

શિખરને હવે શાળાએ જવાનો ટાઈમ થઈ ગયો હતો એટલે તુલસીએ એને દહીં ચખાડ્યું અને કહ્યું, "ઓલ ધ બેસ્ટ બેટા! ખૂબ ખૂબ પ્રગતિ કરો અને આગળના લેવલ પર જરૂર પહોંચો એવા મારાં તમને બધાંને આશીર્વાદ છે."

"થેન્ક યુ." શિખરે થોડાં ઉદાસ ચેહરે માત્ર એટલું જ કહ્યું. શિખરને આ સ્પર્ધાની કોઈ જ ખુશી થતી નહોતી. આજે એક બાળકનું બાળપણ અપેક્ષાઓના ભાર હેઠ‌ળ દબાઈ ગયું હતું.

એ પછી નીરવ એને શાળાએ મૂકવા ગયો. રસ્તામાં નીરવે પણ શિખરને કહ્યું, "દીકરા! મને આશા છે કે, તું અને તારી ટીમ જરૂર આગળના લેવલ પર પહોંચશો. આશા રાખું છું કે, તું અમારી આશા પર ખરો ઉતરીશ."

નીરવની આ વાત સમજવા માટે શિખરની ઉંમર હજુ ઘણી નાની હતી પરંતુ શિખરના ઘરનું જે વાતાવરણ હતું એના કારણે શિખર કદાચ અકાળે જ મોટો થઈ ગયો હતો.

શિખરની શાળામાંથી પાંચ જણાનું ગ્રુપ અને એમની શાળાના બે શિક્ષક એમ કુલ સાત જણાને ગાંધીનગર જવાનું હતું અને એ માટેની બધી જ વ્યવસ્થાઓ શાળા તરફથી કરવામાં આવી હતી. શાળાના આચાર્ય પણ એમના વિદ્યાર્થીઓ પોતાની શાળાનું પ્રતનિધિત્વ કરવા જઈ રહ્યાં હતાં એ માટે ખૂબ ઉત્સાહી હતા.

નીરવ હવે શિખરને લઈને શાળાએ પહોંચ્યો ત્યારે બાકીના બધાં જ વિદ્યાર્થીઓ પણ ત્યાં આવી જ પહોંચ્યા હતાં. બધાં ખૂબ જ ઉત્સાહી હતા.

નીરવે શિખરને એના શિક્ષકને સોંપ્યો એટલે એના શિક્ષકે નીરવને શિખરની બિલકુલ ચિંતા ન કરવા જણાવ્યું એટલે નિશ્ચિત થઈને નીરવ પોતાની ઓફિસે ગયો.

શિખર શાળાએ આવ્યો એટલે એના બધાં મિત્રોએ શિખરને બર્થ ડે વિશ કર્યું. આ સાંભળીને એ ખૂબ જ ખુશ થઈ ગયો. શિક્ષકે પણ બધાંને હેપી બર્થ ડે ટુ યુ ગીત ગવડાવ્યું અને એ પછી બધાં જ બસમાં બેઠા. પરિવારના લોકો કરતાં શિખરને પોતાના મિત્રોની લાગણી વધુ જણાઈ.

*****
શિખર હવે પોતાના પાંચેય મિત્રો અને શિક્ષકો સાથે ગાંધીનગર આવી પહોંચ્યો હતો. સાંજ પડી ગઈ હતી. અને બીજા દિવસે સવારના ભાગમાં એમણે પ્રોજેક્ટ પ્રસ્તુત કરવાનો હતો. બધાં વિદ્યાર્થીઓને એક રાત ત્યાં રોકાવાનું હતું જેની વ્યવસ્થા શાળા તરફથી કરવામાં આવી હતી.

શિખરના ગ્રુપમાં બે છોકરીઓ અને ત્રણ છોકરાઓ એમ કુલ પાંચ વિધાર્થીઓ હતાં. વિદ્યાર્થીનીઓ સાથે ગીતા મેડમ એક રૂમમાં રોકવાના હતા અને ત્રણ વિદ્યાર્થીઓ સાથે રવિ સર રોકવાના હતા.

દસ વર્ષના વિદ્યાર્થીઓ માટે ઘરથી દૂર રહેવાનો આ પહેલો પ્રસંગ હતો પરંતુ દરેક વિદ્યાર્થીઓને પોતાની સાથે મોબાઈલ રાખવાની છૂટ આપવામાં આવી હતી જેથી પરિવારના સંપર્કમાં રહી શકે અને પરિવારના લોકોને પણ પોતાના સંતાનોની ચિંતા ઓછી થાય. મોબાઈલની આ શોધ કેવી આશીર્વાદરૂપ છે નહીં!

સાંજનું જમવાનું પતાવીને બધાં વિદ્યાર્થીઓને થોડીવાર માટે હોટલના ગાર્ડનમાં રમવાની છૂટ આપવામાં આવી. એ લોકો જે હોટલમાં રોકાયા હતાં ત્યાં ગાર્ડન પણ હતું આથી ત્યાં થોડીવાર માટે એમને રમવા માટે શિક્ષક તરફથી છૂટ આપવામાં આવી.

ગાર્ડનમાં રમતાં રમતાં આજે ફરી શિખરે પોતાના મોબાઈલમાં રેકોર્ડ કર્યું, "આજનો દિવસ પૂરો થઈ ગયો અને મારો બર્થ ડે પણ. મેં આજે મારો બર્થ ડે મારાં મિત્રો સાથે ઉજવ્યો. મમ્મી, પપ્પા અને દાદી સાથે હોત તો મને બહુ ગમત." આટલું કહીને એણે રેકોર્ડિંગ બંધ કર્યું અને એને સેવ કર્યું.

ત્યાં જ એની પાસે શ્રેયા આવીને ઊભી રહી અને એણે પૂછયું, "એકલો એકલો શું બોલતો હતો તું?"

"કંઈ નહીં. એ તો બસ એમ જ." શિખર બોલ્યો.

"ચાલ હવે. ટીચરે બધાંને બોલાવી લાવવા કહ્યું છે અને હવે સુવા જવા માટે કહ્યું છે. કાલે સવારે વહેલું ઊઠીને જવાનું છે આપણે."

"હા, હું આવું છું." એટલું કહી શિખર પોતાના રૂમ તરફ જવા રવાના થયો.

*****
બીજા દિવસની સવાર પડી. બધાં વિદ્યાર્થીઓને આજે હવે પોતાનો પ્રોજેક્ટ લઈને વિજ્ઞાન ભવન જવાનું હતું. ત્યાં આખા ગુજરાતમાંથી અનેક શાળાઓના વિદ્યાર્થીઓ પોતાની શાળાનું પ્રતિનિધિત્વ કરવાના હતા.

(ક્રમશ:)