atpati prit in Gujarati Love Stories by Urvi Bambhaniya books and stories PDF | અટપટી પ્રીત

Featured Books
  • నిరుపమ - 10

    నిరుపమ (కొన్నిరహస్యాలు ఎప్పటికీ రహస్యాలుగానే ఉండిపోతే మంచిది...

  • మనసిచ్చి చూడు - 9

                         మనసిచ్చి చూడు - 09 సమీరా ఉలిక్కిపడి చూస...

  • అరె ఏమైందీ? - 23

    అరె ఏమైందీ? హాట్ హాట్ రొమాంటిక్ థ్రిల్లర్ కొట్ర శివ రామ కృష్...

  • నిరుపమ - 9

    నిరుపమ (కొన్నిరహస్యాలు ఎప్పటికీ రహస్యాలుగానే ఉండిపోతే మంచిది...

  • మనసిచ్చి చూడు - 8

                     మనసిచ్చి చూడు - 08మీరు టెన్షన్ పడాల్సిన అవస...

Categories
Share

અટપટી પ્રીત

અંધકારની દુનિયામાં પગ મૂકવો ખબર સરળ છે પણ ત્યાંથી બહાર નીકળવું તેટલુંજ મુશ્કેલ છે. દલદલ માંથી બહાર નીકળવા કોઈ સહારો જોવે તેમ જ અંડરવર્લ્ડની દુનિયામાંથી કદાચ જ કોઈ બહાર નીકળી શકતું હશે.

એક અંધારી રાતમાં સૂમસાન રસ્તા પર એક છોકરી ભાગી રહી હતી.તેની પાછળ લગભગ આઠ થી દસ જણ હાથ માં બંદૂક અને હથિયાર સહિત ભાગી રહ્યાં હતાં. કુદરતને પણ ખબર નહીં તેની કેટલી પરીક્ષા લેવી હશે કે આજ સમયે મુશળધાર વરસાદ વરસાવી રહ્યો હતો. તે ભાગતા ભાગતા થાકી ગઈ હતી. તેનું શરીર હવે જવાબ આપી રહ્યું હતું કે તે હવે નહિ ભાગી શકે છતાં આ હેવાનોના હાથ માં આવવા કરતાં તે લથડતી પડતી , પોતાને બચાવતી ભાગી રહી હતી. પાછળના ટોળામાંથી બે લોકો તેની નજીક પહોંચવા આવ્યા હતાં અને આજ સમયે તેની સામે એક કાર આવી ઉભી રહી ગઈ.કાર ચાલકે બ્રેક મારી હોવાના કારણે તે છોકરીને લાગ્યું નહોતું.અચાનક સામે ઊભેલી કાર જોઈ પાછળ આવતા લોકો પણ રુકી ગયાં. થોડાં સમયબાદ કારમાંથી એક યુવક બહાર આવ્યો. તેણે પેલી છોકરીને પોતાની પાછળ ઉભી રાખી અને બધાની વચ્ચે જઈ ઊભો રહી ગયો. તેને જોતાજ પેલા લોકો ડરી ગયાં હતાં પરંતુ તેઓ ડર દેખાડવા માંગતા નહોતાં.

“વીર રસ્તામાંથી હટી જા. આ અમારો મામલો છે. ચૂપચાપ એ છોકરી અમારે હવાલે કરી દે.”કહી તે વ્યક્તિ આગળ વધ્યો. જેવો તે બે કદમ આગળ આવ્યો ત્યાજ એક ગોળી તેના પગમાં વાગી. ગોળી વાગતા જ તે દર્દથી કરાહવા લાગ્યો અને જમીનદોસ્ત થયો.આ બધું પેલી છોકરી ખૂબ જ આશ્ચર્યથી જોઈ રહી હતી.પરંતુ ગોળી વાળી ઘટનાને કારણે તે થોડી વિચલિત થઈ ઊઠી. તેણે પોતાના બંને હાથ વડે પોતાના કાન બંધ કરી દીધા.

"વીર, રાણા સાહેબનો હુકુમ છે આ છોકરીને જીવતી પકડીને હાજર કરવાનો. તું વચ્ચે નઈ આવ.” ફરી તે જ ઘાયલ વ્યક્તિ બોલ્યો.

“રાણા સાહેબના દરેક મામલામાં હું વચ્ચે આવીશ જ.પણ રોહિત એ રાણા સાહેબની જે કાનભંભેરણી કરી છે અને આ છોકરી પાછળ મોકલ્યા છે એને કહી દેજે, છોકરી વીર પાસે છે અને હિંમત હોઈ તો પોતે આવીને લઈ જાય.”

“તને ખબર પણ છે આ છોકરી કોણ છે. તું મોટી મુસીબત પોતાના માથે લઈ રહ્યો છે.”

“એ ચિંતા કરવાની જરૂર તારે નથી.”

“પણ...જો આ છોકરી ને નઈ લઈ જઈશું તો રોહિત સાહેબ બધાને મારી નાખશે.” પેલો વ્યક્તિ પાછો બોલ્યો. આ સાંભળતા જ વીરના ચહેરા પર એક કુટિલ હાસ્ય આવ્યું. કંઈપણ બોલ્યાં વગર તે પાછો કાર તરફ વળ્યો.તેના એક ઇશારે તેના માણસો એ સામે ઊભેલા બધા વ્યક્તિઓને ગોળીઓથી વીંધી નાખ્યાં. આ બધું સહન ન થતાં આરાધ્યા બેહોશ થઈ ગઈ. બેહોશ આરાધ્યાને વીરએ પોતાની બાજુઓમાં પકડી લીધી. અંધારી રાતમાં પણ તેનો ચહેરો ચાંદ જેમ ચમકતો હતો.તેના ચહેરા પરથી લસરતી વરસાદની બુંદો પણ મોતી સમાન ચળકી રહી હતી.

“વીર તું ઠીક છે? અને આ છોકરી કોણ છે?” ઝડપથી આવેલી કારમાંથી એક વ્યક્તિ એ બહાર આવી પૂછ્યું.

“હા” ફક્ત આટલો જ જવાબ આપી તેણે આરાધ્યાને પોતાની બાહોમાં ઊંચકી અને કારમાં સુવડાવી. ત્યારબાદ પોતાના કાફલા સહિત પોતાના બંગલા તરફ રવાના થયો.હાલ જે વ્યક્તિ આવ્યો હતો તે બે ક્ષણ તેને જોઈ રહ્યો. થોડીવારમાં તે પણ તેની પાછળ રવાના થયો.

***

એક આલીશાન બંગલાના વિશાળ બેડરૂમમાં આરાધ્યા સૂતી હતી. ધીમે ધીમે પોતાની આંખો ખોલી પોતે ક્યાં હતી તે યાદ કરવા લાગી.

“આ હું ક્યાં આવી ગઈ? કંઈ જગ્યા હશે આ? અને પેલો વ્યક્તિ કોણ હતો જેણે મને બચાવી? રાણા સાહેબ સાથે તેનો શું સંબંધ છે?” હજાર પ્રશ્નો તેને મગજમાં હતાં પરંતુ જવાબ એક પણનો નહોતો. હાલ તેના માથામાં હથોડા વાગી રહ્યાં હતાં.કોઈ જવાબ ન મળતાં તે માથું પકડી ત્યાંજ બેસી રહી. એટલામાં દરવાજો ખૂલવાનો અવાજ આવ્યો.

“હેલ્લો! આઈ એમ સ્વર અગ્રવાલ. તમે કોઈપણ પ્રશ્ન કરો એ પહેલાં જ તમને જણાવી દઉં કે તમે હાલ સુરક્ષિત છો. અને કોઈ પણ વસ્તુની જરૂર હોય તો મને બોલાવી શકો છો.”

“મારે હાલ કોઈ વસ્તુ નથી જોતી.મને બસ એટલું જાણવો કે હું ક્યાં છું? અને તમે લોકો કોણ છો? મને અહી લાવવાનું કારણ શું છે?”

"જુઓ, તમારી પાછળ જે લોકો પડ્યાં હતા એમનાથી બચાવી વીર તમને અહી લાવ્યો છે. આ બંગલો પણ વીરનો જ છે. તમે ત્યાં અચાનક બેહોશ થઈ ગયા હતા એટલે અહીંયા લાવ્યા કારણ કોઈપણ હોસ્પિટલમાં તમે સુરક્ષિત નહોતા. હવે તમે થોડો આરામ કરો બાકીની વાત રાતે વીરના આવ્યા બાદ થશે.”

“એક સવાલ પૂછું?”

“જી”

“મિસ્ટર વીર કામ શું કરે છે? અને તેઓ રાણા સાહેબને કંઈ રીતે ઓળખે છે.”

“વીર એક બિઝનેસમેન છે. આટલી જાણકારી હાલ પૂરતી જરૂરી છે. બાકી તમારે વધારે વિચારવાની જરૂર નથી .આરામ કરો અને કોઈપણ તકલીફ હોઈ તો મને જણાવશો.” કહી સ્વર બહાર નીકળી ગયો. બહાર નીકળતા જ આરાધ્યાની બાજુમાં આવેલા વીરના રૂમમાં દસ્તક કરી તે અંદર ગયો.

“શું હાલ છે?”

"હમણાં તો બરાબર જ લાગે છે.થોડી કમજોરી છે. પણ એને તારા વિશે અને રાણા સાહેબ સાથેના તારા સંબંધ વિશે જાણવાની તાલાવેલી છે.”

“એ છોકરી એક રિપોર્ટર છે, તો પ્રશ્નો પૂછવા સ્વાભાવિક છે.” કહેતા વીર ઊભો થયો.

"શું..?? એ છોકરી એક રિપોર્ટર છે તો તું એને ઘરે લઈને શું કામ આવ્યો? તું પાગલ થઈ ગયો છે કે શું?આમ પણ આ છોકરી રાણા સાહેબનો ટાર્ગેટ હતી એમાં પણ તું એને લઈ આવ્યો અને ઉપરથી આ રિપોર્ટર નીકળી.તારા દિમાગમાં ચાલી શું રહ્યું છે વીર? ત્યાં રસ્તામાં પણ મે તને આના વિષે પૂછ્યું તો તું ગાડી લઈ સીધો ઘરે આવી ગયો.” અકળાયેલા અવાજે સ્વર બોલ્યો .

“જો સ્વર ,મે આજસુધી કોઇપણ વાત તારાથી નથી છૂપાવી. મમ્મી પપ્પાને તો બાળપણથી જ નથી જોયા અને મારું દુનિયામાં કોઈ કહી શકાય એવું હોઈ તો તું જ છે.એટલે જ તને આ અંડરવર્લ્ડ ની દુનિયાથી દૂર રાખું છું. તું પ્લીઝ આમાં નઈ આવ.”

“તો તું આ બધું છોડી કેમ નથી દેતો?”

“તું વિચારે છે એટલું સરળ નથી આમાંથી બહાર નીકળવું. પણ તને ખબર છેને મે ક્યારેય કોઈ નિર્દોષને હેરાન નથી કર્યા.મારા અંડરવર્લ્ડમાં આવવા નું કારણ એક જ છે. બીટ્ટુ ને શોધવી.” કહી વીર એ એક નિસાસો નાખ્યો.

"હું સમજુ છું. મારે પણ એને શોધવી છે પણ એના માટે આ રસ્તો જરૂરી નહોતો.”

“મારે હવે આ વાતમાં કોઈ ચર્ચા નથી કરવી. પેલી છોકરીને જે પણ જરૂર હોય તે તૈયાર કરાવી રાખજે. આજે સાંજે રિપોર્ટર સાથે થોડી ચર્ચા વિચારણા તો કરીએ. ખબર પડે મામલો શું છે.” કહી વીર પાછો પોતાનું કામ કરવા બેસી ગયો.

***

આરાધ્યાને જણાવ્યા મુજબ રાતે ડિનર માટે આવે છે. તેના રૂમમાંથી નીચે આવતા જ તેની નજર બંગલાના દરેક ખૂણાને નીરખી રહી હતી. નીરક્ષણ કરતા જ તે ડાઇનિંગ ટેબલ પાસે પહોંચી જ્યાં પહેલેથી જ વીર અને સ્વર હાજર હતાં. આરાધ્યાને બધું નિરક્ષણ કરતા જોઈ વીર બોલ્યો, “જો ઘર જોઈ લીધું હોય તો જમવાને થોડો ન્યાય આપીએ?” વીર ના આ કટાક્ષ ભરેલા વાક્યે આરાધ્યાને વીર તરફ જોવા મજબૂર કરી દીધી. આ પહેલી વાર હતું જ્યારે આરાધ્યા એ વીરને ધ્યાનથી જોયો હતો. વીરને જોતાજ તેને કોઈ પોતાનું મળ્યું હોય તેવો અહેસાસ થઈ રહ્યો હતો.પણ હાલ પુરતા તેણે પોતાના વિચારોને વિરામ આપ્યો અને પોતાની જગ્યા પર ગોઠવાઈ. કોઈ એ કાઇપણ બોલ્યાં વગર જમવાનું પતાવ્યું.

“તો મિસ આરાધ્યા રાણા સાહેબ તમારી પાછળ કેમ પડ્યાં છે?” વીર એ પૂછ્યું.

“મારા મતે આ વાત સાથે તમારો કોઈ નિસ્બત નથી. અને આ વાત તમને જણાવવી હું જરૂરી નથી સમજતી.”

“આ વાત સાથે મારો કોઈ નિસ્બત છે કે નઈ એ તમે નક્કી નઈ કરો અને આ વાત જણાવવી જરૂરી એટલે છે કારણ મે તમારી જાન બચાવી છે.”

"તમે જાન બચાવી એના માટે હું ખરેખર તમારી આભારી છું અને આમપણ કાલ સવારે હું અહીંથી નીકળી જઈશ એટલે તમને કોઈ તકલીફ નઈ થાય.” કહી આરાધ્યા પાછી પોતાના રૂમ તરફ જવા નીકળી.

“મારી પરવાનગી વગર આ મેન્શનમાંથી કોઈપણ બહાર નઈ જઈ શકે. તમે પણ નઈ.આજથી જ્યાં સુધી રાણા સાહેબનું મેટર ખતમ નઈ થાય ત્યાં સુધી તમે અહીંયા જ રહેશો.”

"હું તમારી ગુલામ નથી. હું કાલે જ અહિયાંથી નીકળી જઈશ.તમને ખબર નથી હું કોણ છું!”

"તમે એક રિપોર્ટર છો એ હું સારી રીતે જાણું છું. અને રાણા સાહેબ કોણ છે એ કદાચ મારા કરતાં તમે વધારે સારી રીતે જાણો છો.એટલે રાણા સાહેબથી બચવા આના કરતા કોઈ જગ્યા વધારે સુરક્ષિત નથી. કારણ રાણા સાહેબ જાણે છે હું કોણ છું.”

“રાણા સાહેબ તમને કંઈ રીતે ઓળખે છે? તમે તો બિઝનેસમેન છો ને? કે પછી તમે પણ અંડરવર્લ્ડ સાથે નિસ્બત રાખો છો?”આરાધ્યાએ કંઈ સમજણ ના પડતા પૂછ્યું.

"હાલ પૂરતી આટલી જાણકારી બરાબર છે.હવે તમે જઈ શકો છો.” કહી વીર પોતાના રૂમમાં ગયો.ત્યાંથી જ તેને સ્વરને સિક્યોરિટી વધારી દેવા મેસેજ કરી દિધો.

***

બીજા દિવસે સવારે આરાધ્યા ઊઠી ત્યારે તેને આજુબાજુ વધારે સિક્યોરિટી જોઈ તેને નવાઈ લાગી. નીચે તરફ આવતા જ સીડીઓ પર તેને સ્વર મળ્યો.

“આટલી સિક્યોરિટી વધારવાનું કારણ જણાવશો?” આરાધ્યા એ પૂછ્યું.

“આનું કારણ એ છે કે, કાલે રાતે જ વીરને કોઈ હુમલાની શંકા હતી અને તેનેજ મને સિક્યોરિટી વધારવા કહ્યું હતું. કાલે રાતે જ્યારે બધા સૂઈ ગયા હતા ત્યારે જ રાણા સાહેબના અમુક લોકો તમને લેવા માટે ઘામાં ઘૂસ્યા હતાં. આતો વીર નો અંદેશો સાચો ગયો અને સિકયુરિટી વધારે હોવાના કારણે તેઓ પકડાઈ ગયાં.” સ્વર એક જ શ્વાસ એ બોલી ગયો.

"શું...?? ”

"હા , કાલે ફરીથી વીર એ તમને બચાવી લીધા.”

“હું કોઈપણ જગ્યા પર સુરક્ષિત નથી.મારે હાલ જ અહીંયાથી નીકળવું પડશે.” કહી તે ઝડપભેર પોતાના રૂમ તરફ વળી.ત્યાજ તે વીર સાથે અથડાઈ અને પાડવા જ જતી હતી કે વીર એ તેને કમરથી પકડી લીધી. થોડાં સમય સુધી બંને એકબીજાની આંખોમાં ખોવાયેલા રહ્યાં. આક્રે સ્વરના ખોખરા ના કારણે બંનેને સમય અને સ્થળ નું ભાન થયું.

“એટલી ઉતાવળમાં કંઈ તરફ જઈ રહ્યાં છો મિસ રિપોર્ટર??” વીર એ પ્રશ્ન કર્યો.

"તમે કહ્યું હતી આ જગ્યા મારા માટે સુરક્ષિત છે; પરંતુ હુમલો તો અહીંયા પણ થયો જ ને? હું કોઈપણ જગ્યા પર સુરક્ષિત નથી માટે મને અહીંયાથી જવા દો.મારા કારણે હું કોઈ બીજાને હેરાન કરવા નથી માંગતી. તમે અત્યારસુધી મારી ઘણી મદદ કરી છે મિસ્ટર વીર પણ હવે નહીં.” કહી તે પોતાના રૂમમાં ગઈ. ત્યાજ વીર પણ તેની પાછળ પહોંચ્યો. આરાધ્યા પોતાનો મોબાઈલ શોધી રહી હતી. તેની પાસે અત્યારે પોતાનું કંઈ કહી શકાય તે બસ એક ફોન જ હતો.

"આ શોધી રહી છે?” વીરના અચાનક આમ તમે પર થી તુકારે વાત કરતા આરાધ્યાને આશ્ચર્ય થયું.

"મારો ફોન પાછો આપો મિસ્ટર વીર.”

"મને કારણ તો સમજાઈ ગયું રાણા સાહેબનું તારી પાછળ પાડવાનું પણ એક વાત હજી અસ્પષ્ટ છે.”

"જ્યારે તમને બધી ખબર જ છે તો હજી શું નથી સમજાયું?”

"એજ કે તું કોણ છે? તું રિપોર્ટર તો નથી જ.તારા ફોન પર મળેલી માહિતી ના હિસાબે રાણા સાહેબની બધીજ કાળી કરતૂત ના સાબૂત આમાં છે. હવે આ માહિતી કોઈ અંદરના વ્યકિતએ તને આપી છે અથવા તું પોતે આટલા સમયથી તેમની સાથે રહી ગદ્દારી કરી રહી હતી.”

"તમારું દિમાગ તો જાસૂસ કરતાં પણ વધારે ઝડપી છે. હવે આ દિમાગ બિઝનેસમેન નો છે કે પછી રાણા સાહેબના હરીફ એવા અંડરવર્લ્ડના ડોન મિસ્ટર વીરનો?” આરાધ્યા આત્મવિશ્વાસથી બોલી.

"જો આપણે બંને એકબીજાની હકીકત થી વાકેફ છીએ તો તું કોણ છે એ જણાવી દે. અને રાણા સાહેબ સાથે તારી શું દુશ્મની છે? કદાચ હોલું કોઈ મદદ કરી શકું.” વીર એ કહ્યું.

"અને તમારા પર વિશ્વાસ કરવાનું કારણ જણાવશો?”

“બે-બે વખત તારી જાન બચાવી છે. થોડો વિશ્વાસ તો હોવો જ જોવે.” કહેતા વીર પલંગ પર બેસી ગયો.

"હું જણાવીશ પણ મારી એક શરત છે.”

"ડોન સામે શરત મૂકે છે?? ગજબ હિમ્મત છે તારામાં. બોલ શું શરત છે?”

“મારી દુશ્મનીનું કારણ જાણ્યા બાદ તમારે પણ તમારી દુશ્મની નું કારણ કહેવું પડશે.”

***

એક અંધારી જગ્યા પર આરાધ્યા બંધાયેલી હાલતમાં હતી. હાલ તે બેહોશ હતી અને તેની સામે એક વ્યક્તિ બેસેલો હતો. સફેદ કુર્તો અને સફેદ પેન્ટ , હાથની દરેક આંગળીઓમાં વીંટી, એક હાથમાં ઘડીયાળ હતી. ઉંમરના કારણે ચહેરા પર કરચલીઓ પડી હતી છતાં તેના વ્યક્તિત્વમાં એક અલગ જ રૂવાબ હતો. તેની પાછળ બે માણસો હાથમાં બંદૂક સાથે ઊભા હતા અને એક છોકરો તેમનાથી થોડે દૂર ગુસ્સામાં બેસેલો હતો.

“સાહેબ વીર આવ્યો છે.” એક વ્યક્તિ આવી રાણા સાહેબના કાનમાં કહી ગયો. રાણા સાહેબ એ વીરને અંદર મોકલવા ઈશારો કર્યો. વીર ચાલતો રાણા સાહેબ પાસે આવ્યો પણ તેની ચાલમાં એક અલગ જ છટા હતી.કોઈપણ તેના વ્યક્તિત્વથી અંજાયા વગર રહે નહીં.આવતા જ તે સીધો રાણા સાહેબની સામે પડેલા સોફા પર બેસી ગયો.

“આ છોકરી મળી ગઈ; પછી મને અહી બોલાવવા નું કારણ શું?” વીર એ પૂછ્યું.

"મને તારી આજ વાત બહુ ગમે છે. તું સીધા કામની વાત પહેલાં કરે છે.” કહેતા રાણા સાહેબ સહેજ હસ્યા. વીર કંઇપણ બોલ્યાં વગર ફક્ત એમજ બેસી રહ્યો.તેના ચહેરા પર કોઈપણ પ્રકારના ભાવ કળવા મુશ્કેલ હતાં.

“મે તને એક ઑફર આપવા બોલાવ્યો છે. મારી સાથે હાથ મીલાવી લે. મારા પછી મારું આખું સામ્રાજ્ય તારું થઈ જશે.” કહી રાણા સાહેબે વીર ની મુખમુદ્રા પર ધ્યાન કેન્દ્રિત કર્યું. આટલા સમયમાં આરાધ્યા હોશમાં આવી ચૂકી હતી.પરંતુ વાત સાંભળવા તે હજી પણ બેહોશી નું નાટક કરી રહી હતી.

“આમાં મારો શો ફાયદો? અંડરવર્લ્ડની દુનિયામાં મારું સામ્રાજ્ય પહેલેથી જ છે. એને હજી વધારવા માટે મારે તમારી જરૂર નથી. ફાયદાની વાત કરો રાણા સાહેબ , મારો સમય કિંમતી છે. તમારી જેમ હું એક છોકરી પાછળ મારો સમય વ્યર્થ નથી કરતો.”

“જો તને ખબર હોત કે આ છોકરી કોણ છે તો આ આજે મારી પાસે ના હોત. આને બચાવવા તે આકાશ-પાતાળ એક કરી નાખ્યાં હોત. તું રહસ્યોથી અજાણ છે એટલે જ આ આસાનીથી પાછી મળી ગઈ.”

“કોણ છે આ? મારો કોઈ સંબંધ નથી આની સાથે. પહેલાં મને લાગ્યું હતું આ બધું રોહિત કરી રહ્યો છે એટલે મે આને બચાવી હતી.પણ જ્યારે ખબર પડી તમને જ ખરેખર આ છોકરી જોવે છે એટલે મે આને લઈ જવા દીધી.એક કારણ મને હજી નથી સજાઈ રહ્યું.. એક મામૂલી છોકરી સાથે તમારી દુશ્મની શું છે?”

"વીર આ દુનિયામાં ઘણા રહસ્યો માણસના મૃત્યુ સાથે દફન થઈ જાય છે. જે રહસ્યો પડદા પાછળ છે એને સામે લાવવા ની કોશિશ નઈ કર. મારી ઑફર સ્વીકારી લે.”

“અને જો મારી ના હોઈ તો?

“તો હું તારી બીટ્ટુને જાનથી મારી દઈશ.”આ વાત સાંભળતા જ વીર ડઘાઈ ગયો.

“તમને ખબર છે બીટ્ટુ ક્યાં છે?” વીર એ રાણા સાહેબ પાસે આવી પૂછ્યું.

"મને ખબર હતી, બીટ્ટુ માટે તું કંઈ પણ કરીશ.“કહી તે હસવા લાગ્યા.તેમનું અટ્ટહાસ્ય આખા ઓરડામાં ગૂંજી ઉઠ્યું.

"બીટ્ટુ ક્યાં છે?” વીર એ અંગારા ઝરતી આંખ વડે પૂછ્યું.

“જો તારે બીટ્ટુને શોધવી હોઈ તો આ રહ્યા પેપર આમાં સાઈન કરીદે અને બીટ્ટુ મળી જશે.”

“શેના પેપર છે આ?”

“આ પેપર પર એમ લખ્યું છે કે, તું તારો બીઝનેસ,તારી દરેક સંપત્તિ અને અંડરવર્લ્ડના બધા કામ મારા નામે કરે છે અને આજથી તું મારી નીચે કામ કરીશ.”

"ક્યારેય નઈ!! આ દુનિયામાં હું એટલે આવ્યો હતો કારણ મારે બીટ્ટુને શોધવી હતી. ભલે મે આ અંધકારની દુનિયામાં પગ મૂક્યો પણ મે ક્યારેય કોઈ ગરીબને હેરાન નથી કર્યા. હું તારા જેવો નીચ માણસ નથી રાણા. તે અને તારા દીકરા એ કેટલા લોકો ની જીંદગી બરબાદ કરી છે.”

"એ.....ચૂપચાપ સાઈન કર.” રોહિત આગળ આવી બોલ્યો. તેને ગણકાર્યા વગર વીર એ ફરી રાણા સાહેબને ના પાડી.

“તારે નથી જ માનવું તો હું બીટ્ટુને મારી દઈશ.” રાણા સાહેબે ફરી ધમકી આપવા ની કોશિશ કરી. પણ આ વખતે વીર કંઈ પણ બોલ્યાં વગર ફક્ત ચૂપ ચપ બેસી ગયો.તેનું આ વર્તન રાણા સાહેબ અને રોહિતની સમજની બહાર નું હતું.

“બીટ્ટુ...” વીર એ અવાજ આપ્યો અને આરાધ્યા તરત ઉભી થઇ વીર પાસે આવી ઉભી રહી ગઈ. રાણા સાહેબ અને રોહિત બંનેના ચહેરા પર હાલ બાર વાગ્યા હતા.

"આ તો બેહોશ હતી અને એ પણ બંધાયેલી હાલતમાં?” રોહિત એ પૂછ્યું.

“ હોશમાં તો હું ક્યારની આવી ગઈ હતી. અને આ બંધમાંથી મુક્ત થવું તો બે મિનિટનું કામ હતું.” કહી આરાધ્યા એ બ્લેડ બતાવી.

“તને કંઈ રીતે ખબર કે આજ બીટ્ટુ છે?” રાણા સાહેબ એ વીરને પૂછ્યું.

" હવે કર્યોને તમે કામનો સવાલ.તો હવે હું જ રહસ્યો પરથી પડદા હટાવી દઉં.જ્યારે આરાધ્યા મારી સાથે મારા જ ઘરમાં હતી ત્યારે જ એણે મને કહ્યું કે કંઈ રીતે એ પહેલાં અનાથ આશ્રમમાં રહેતી હતી.કંઈ રીતે તમે લોકો એ તેને જબરદસ્તી આ ધંધામાં નાંખી. તેનું દરેક દુઃખ ,દર્દ બધું જ કહ્યું તેણે. પણ જ્યારે તેણે કહ્યું કે તે તેના બે મિત્રો ને શોધી રહી છે જે તેમની જ સાથે અનાથ આશ્રમમાં હતાં ત્યારે મને આ બીટ્ટુ હોવા પર શંકા ગઈ. એની શરત ના કારણે મારે પણ મારી કહાની કહેવી પડી અને ત્યારે જ અમે બંને સમજી ગયા કે અમારી તલાશ પૂરી થઈ.બીટ્ટુ મારો બાળપણનો પ્રેમ છે જે મને મળી ગઈ છે મારે હવે કોઈ ગુનાહ ના ધંધા કરવાની જરૂર નથી. અને એટલેજ મે તમને આસાનીથી બીટ્ટુને લઈ જવા દીધી હતી.આ એક અમારી જ ચાલ હતી જેમાં તમે ફસાઈ ગયા. મારે તમારી કોઈ વાત માનવાની જરૂર નથી પણ જતાં પહેલા તમને તમારા ગુનાહની સજા જરૂર આપીશ. મારા માતાપિતા ના ખૂનીને આટલી આસાનીથી થોડી જવા દઈશ.”

“શું કઈ પણ બોલે છે? મે નથી માર્યા તારા માં બાપને?” પોતાનું રહસ્ય વીરને ખબર ન પડી જાય માટે રાણા સાહેબ જૂઠ બોલી રહ્યા હતાં.

“કેમ ભૂલી જાઓ છો રાણા સાહેબ; બીટ્ટુ આટલા વર્ષોથી તમારી જ સાથે હતી. તેણે જ મને હકીકત જણાવી છે એ પણ સાબૂત સાથે.” કહી વીર એ બંદૂકનું નાળચું રાણા સાહેબના કપાળ પર રાખ્યું. ત્યાજ તેને એક અવાજ સંભળાયો.

“વીર.... પપ્પાને છોડી દે.નહોતો હું તારા આ પ્રેમને હમણાજ ઉપર મોકલી દઈશ.” રોહિત આરાધ્યા ના ગળા પર ચાકુ રાખી ઊભો હતો. વીર આજે કોઈપણ હાલતમાં પોતાના માતાપિતા ના ખૂનીને છોડવા માંગતો નહોતો.પરંતુ તે પોતાના પ્રેમને પણ ગુમાવવા માંગતો નહોતો.જેવી વિરની પકડ ઢીલી થઇ રાણા સાહેબ એ દરવાજા તરફ દોટ મુકી. પણ પાપ નો ઘડો છલકાય ત્યારે બધા રસ્તા બંધ થઈ જાય છે.આવી જ રીતે સામે સ્વર પોલીસ સાથે ઊભો હતો. તરત જ પોલીસ દ્વારા રાણા સાહેબ અને રોહિત ની ધરપકડ કરવામાં આવી.અને તેમને જેલમાં નાખવામાં આવ્યા.

“ભાઈ” સ્વર ને જોતાં જ આરાધ્યા સ્વર તરફ દોડી. વીરના બંગલા પર તેને ખબર પડી ગઈ હતી કે વીર જ તેનો બાળપણનો પ્રેમ છે અને સ્વર તેનો ભાઈ પરંતુ ત્યારે સ્વર ઘરે નહોતો એને એ પછી મુલાકાત પણ આવા સમયમાં થઈ. આટલા વર્ષોની લાગણી આજે પૂર બની વહી રહી હતી. આખરે એક ભાઈને તેની બહેન અને એક પ્રેમી ને તેની પ્રેમિકા મળી જ ગઈ.

આખરે થોડા દિવસો બાદ કોર્ટ દ્વારા રાણા સાહેબને ફાંસીની સજા અને રોહિત ને 30 વર્ષ કરાવાસ ની સજા ફટકારવામાં આવી. થોડાજ દિવસો માં વીર અને આરાધ્યાના લગ્ન ધામધૂમથી કરવામાં આવ્યા.વીર એ પણ અંડરવર્લ્ડ નો બિઝનેસ છોડી દીધો હતો અને ત્રણે ખુશી ખુશી જીવન વ્યતીત કરવા લાગ્યા.

સમાપ્ત!!

***

આશા છે આપને મારી વાર્તા ગમી હશે. આ વાર્તા કાલ્પનિક છે અને ફકત મનોરંજન માટે લખવામાં આવી છે. તેનો વાસ્તવિકતા સાથે કોઈ સંબંધ નથી. તમારા અમુલ્ય પ્રતિભાવ આપવા વિનંતી. મને ઈન્સ્ટાગ્રામ પર પણ ફોલો કરી શકો છો.
Insta ID - urvi_ misty_