Shikhar - 6 in Gujarati Classic Stories by Dr. Pruthvi Gohel books and stories PDF | શિખર - 6

Featured Books
  • રેડ સુરત - 6

    વનિતા વિશ્રામ   “રાજકોટનો મેળો” એવા ટાઇટલ સાથે મોટું હોર્ડીં...

  • નારદ પુરાણ - ભાગ 61

    સનત્કુમાર બોલ્યા, “પ્રણવ (ૐ), હૃદય (નમ: ) વિષ્ણુ શબ્દ તથા સુ...

  • લગ્ન ને હું!

    'મમ્મી હું કોઈની સાથે પણ લગ્ન કરવાના મૂડમાં નથી, મેં નક્...

  • સોલમેટસ - 10

    આરવને પોલીસ સ્ટેશન જવા માટે ફોન આવે છે. બધા વિચારો ખંખેરી અન...

  • It's a Boy

    સખત રડવાનાં અવાજ સાથે આંખ ખુલી.અરે! આ તો મારો જ રડવા નો અવાજ...

Categories
Share

શિખર - 6

પ્રકરણ -૬

નીરવ ઘરે આવ્યો એટલે તુલસીએ એને તરત જ કહ્યું, "દીકરા! તારા માટે ખૂબ સારા સમાચાર છે. પલ્લવી ઘરે પાછી આવી ગઈ છે."

આ સાંભળતાં જ નીરવ એકદમ ઉછળી પડ્યો અને તરત જ બોલી ઉઠ્યો, "અરે! મમ્મી! શું કહે છે તું? ખરેખર પલ્લવી પાછી આવી ગઈ છે? તો ક્યાં છે પલ્લવી?"

"હા બેટા! ખરેખર! પલ્લવી તારા દીકરા શિખરને લઈને પાછી આવી ગઈ છે અને ઉપર તારા રૂમમાં તારી રાહ જોઈ રહી છે પરંતુ મને તો એ બહુ ગુસ્સામાં હોય એવું લાગી રહ્યું છે. ખબર નહિ શું કારણ હોય! પરંતુ એ મારી જોડે વાત કરવા માટે બિલકુલ રાજી નથી અને કહે છે કે, જ્યાં સુધી નીરવ નહીં આવે ત્યાં સુધી હું તમારી જોડે કોઈ વાત કરવા ઈચ્છતી નથી. આજે એના માતા પિતા અહીં આવ્યા હતા ત્યારે જ એ ઘરે પાછી આવી એટલે એણે વાતને તો સંભાળી લીધી અને ઘરની વાત ઘરમાં જ રહી એટલું સારું થયું. નહીં તો જો એ પાછી ન આવી હોત તો હું એના માતા-પિતાને શું જવાબ આપત દીકરા!"

"મા! એ બધી વાતો આપણે પછી કરીશું."

કારણ કે, મનમાં તો નીરવ જાણતો જ હતો કે, પલ્લવી શા માટે પાછી આવી છે અને એ શું વાત કરવા ઈચ્છે છે પણ એ નહોતો ઈચ્છતો કે, પલ્લવી સાથે વાત કર્યા વિના એ કોઈ તારણ પર આવે એટલે એ પલ્લવી સાથે વાત કરવા માટે પોતાના રૂમમાં પહોંચ્યો. રૂમમાં એણે પલ્લવીને શિખર સાથે રમતાં જોઈ. એ બે ઘડી બંને મા દીકરાને જોતો જ રહ્યો. જાણે એ કોઈ અલગ જ દુનિયામાં ખોવાઈ ગયો હતો. ત્યાં જ અચાનક શિખરના રુદને એની તંદ્રા તોડી અને એ રૂમમાં દાખલ થયો.

પલ્લવીની નજર નીરવ પર પડી. એણે નીરવને આવેલો જોઈને તરત જ કહ્યું કે, "જો નીરવ! તું તો જાણે જ છે કે, હું અહીં શા માટે આવી છું. હું આજે આ ઘરમાં માત્ર મારો આખરી નિર્ણય જ જણાવવા આવી છું. અને તું મને તારા આ નિર્ણયમાં સાથ આપીશ કે નહીં એ પણ મને જણાવી દેજે. મારો નિર્ણય અફર જ છે. શિખરના જન્મ પછી હું હવે તારી મમ્મી જોડે એક છત નીચે તો નહીં જ રહી શકું. અને એના માટે મેં હવે નોકરી પણ શોધી લીધી છે અને ઘર પણ...મને જ્યાં નોકરી મળી છે ને એ લોકો મને ક્વાર્ટર આપવાના છે. અને એના માટે જ હું આટલાં દિવસ ઘરથી બહાર રહી જેથી હું નોકરી શોધી શકું અને પોતાના પગ પર ઊભી રહી શકું અને મારા દીકરાને સારો ઉછેર આપી શકું. હવે તારા હાથમાં છે કે, તારે તારો દીકરો જોઈએ છે કે મા... એ તું નક્કી કરી લે. કારણ કે, જો હું વધુ વખત હવે આ ઘરમાં રહી ને તો મારાં દીકરાને તારી મમ્મી ક્યારેય મારો થવા જ નહીં દે. એ પોતાના વિચારો પણ એના પર થોપશે જે હું બિલકુલ સહન નહીં કરી શકું એટલા માટે મહેરબાની કરીને તું મને માફ કર. હું નથી ઈચ્છતી કે કોઈ દીકરો એની મા થી જુદો થાય પરંતુ મા એ પણ અમુક વસ્તુ તો સમજવી જ જોઈએ અને પોતાના દીકરાના જીવનમાં અમુક હદથી વધારે દખલગીરી તો ન જ કરવી જોઈએ. પરંતુ તારી મમ્મીને આ વાત ક્યારેય સમજાશે નહીં એ તો હું આપણાં લગ્નજીવનના આટલાં વર્ષોમાં બહુ સારી રીતે સમજી ગઈ છું એટલે હું આ ઘર છોડીને જવા ઈચ્છું છું અને જો તું ઈચ્છે તો મારા એ ઘરમાં રહેવા આવી શકે છે. હવે અંતિમ નિર્ણય તારો જ રહેશે."

"બસ! પલ્લવી! હવે તો તે હદ વટાવી દીધી છે. મારી મમ્મીએ તારું શું બગાડ્યું છે? તું શા માટે એની પરિસ્થિતિ નથી સમજતી? માત્ર એણે આપણાં દીકરાનું નામ પાડ્યું એ નજીવી બાબતને તું શા માટે આટલો મોટો ઈસ્યુ બનાવી રહી છો?"

"નાની વાત! નીરવ! આ તને નાની વાત લાગે છે? ના! આ નાની વાત બિલકુલ નથી. આવી નાની નાની બાબતો જ સંબંધોમાં વિખવાદ ઊભા કરે છે અને આગળ જતાં એ ભવિષ્યમાં મોટું રૂપ પણ ધારણ કરે છે અને પછી જ્યારે સત્ય સમજાય ને ત્યારે બહુ મોડું થઈ ગયું હોય છે. જો હું આજે આ વાતનો વિરોધ નહીં દર્શાવું તો એ હંમેશા એમ જ કરશે અને પોતાના બધાં જ વિચારો શિખર પર પણ થોપશે જેમ એણે તારા પર થોપ્યા છે. મમ્મીને પણ અમુક વસ્તુનું ભાન કરાવવું જરૂરી છે અને માટે જ હું આ પગલું ભરી રહી છું. હવે તું મને એટલું કહી દે કે તું મારો સાથ આપીશ કે નહીં?"

"ના! આ બાબતમાં હું ક્યારેય તારો સાથ નહીં આપું કારણ કે, તું નથી જાણતી કે મારી મા એ મારા માટે શું કર્યું છે? પરંતુ હું જાણું છું કે એણે મારા માટે શું કર્યું છે અને મારા જીવનમાં મારી માની કિંમત શું છે? અને હું એ પણ જાણું છું કે, એક મા માટે પોતાના સંતાનની કિંમત શું હોય છે એટલે હું શિખરને તારાથી દૂર નહીં કરવા ઈચ્છું. પરંતુ મને માફ કર હું તારી સાથે નહીં આવી શકું. હવે તું તારો નિર્ણય લેવા માટે સ્વતંત્ર છે. અને હા! તને એ પણ કહી દઉં કે, એક પિતા તરીકે મારી શિખર પ્રત્યેની જે કંઈ પણ ફરજો છે એ જો તું આ ઘરમાં ન રહેવાની હોય તો પણ હું જરૂર બજાવીશ અને એ મારું તને વચન છે."

"ઠીક છે ત્યારે. આવતી કાલે હું શિખરને લઈને આ ઘર છોડીને જતી રહીશ અને જતાં જતાં તમને મારું નવું સરનામું પણ આપતી જઈશ. તું અથવા મમ્મી જ્યારે ઈચ્છો ત્યારે એને મળવા આવી શકો છો. જેટલો શિખર પર મારો હક છે એટલો જ તમારા બંનેનો પણ હક છે જ. પરંતુ મારા દીકરાનું ભવિષ્ય જો નંદવાતું હોય તો હું એ તો બિલકુલ સહન નહીં જ કરું."

"ઠીક છે ત્યારે. જેવી તારી મરજી."

નીરવ અને પલ્લવીના રૂમના દરવાજાની બહાર ઉભેલી તુલસીએ આ બંને વચ્ચે જે કંઈ પણ સંવાદ થયો એ સાંભળી લીધો હતો એ વાતથી નીરવ અને પલ્લવી બંને અજાણ જ હતા.

(ક્રમશઃ)