Patanni Prabhuta - 42 in Gujarati Fiction Stories by Kanaiyalal Munshi books and stories PDF | પાટણની પ્રભુતા - ભાગ 42

Featured Books
  • నిరుపమ - 10

    నిరుపమ (కొన్నిరహస్యాలు ఎప్పటికీ రహస్యాలుగానే ఉండిపోతే మంచిది...

  • మనసిచ్చి చూడు - 9

                         మనసిచ్చి చూడు - 09 సమీరా ఉలిక్కిపడి చూస...

  • అరె ఏమైందీ? - 23

    అరె ఏమైందీ? హాట్ హాట్ రొమాంటిక్ థ్రిల్లర్ కొట్ర శివ రామ కృష్...

  • నిరుపమ - 9

    నిరుపమ (కొన్నిరహస్యాలు ఎప్పటికీ రహస్యాలుగానే ఉండిపోతే మంచిది...

  • మనసిచ్చి చూడు - 8

                     మనసిచ్చి చూడు - 08మీరు టెన్షన్ పడాల్సిన అవస...

Categories
Share

પાટણની પ્રભુતા - ભાગ 42

૪૨. બત્રીશલક્ષણાઓ હોમવાનું કારણ

મામા અને ભાણેજે એકમેકની સામે જોયું. ત્રિભુવનની આંખમાં સખ્તાઈ આવવા લાગી.

‘મામા ! આજે મેં એક વસ્તુ જોઈ,' ત્રિભુવને દાંત પીસી કહ્યું.

'શી ?'

'શા કારણે બધા તમારાથી ત્રાસે છે તે.'

‘તે શું ?” સ્નેહળ અવાજે મુંજાલે પૂછ્યું.

'તમારી નજર ત્રિકાળજ્ઞાનીની છે, અને તમારી જીભ પર ગુરૂ બૃહસ્પતિ બિરાજે છે.'

'ભાઈ ! પણ તું કાંઈ રિઝાયો લાગતો નથી.'

‘તેમાં શું ? પાટણ આગળ શી વિસાતમાં ? મામા, તરે પાટણ જિવાડ્યું અને ભાણો માર્યો.’

‘કેમ ? ચમકીને મુંજાલે કહ્યું.

મીનળકાકી ગામમાં પેસે, કે હું આ દેશ છોડવાનો મારો નિશ્ચય તમે જો છો?'

'શું કહે છે ?' જરા ફિક્કા પડતાં મુંજાલે કહ્યું. એવો તે નિશ્વય હોય?

'જે કહો તે, જેને જેમ કરવું હોય તે કરે. હું અહીંયાંથી સોમનાથ પાટણ જઈશ; અને પછી જ્યાં બુદ્ધિ ઝડે ત્યાં. હું મારા બાપનો દીકરો છું. મારું વચન મને બધાથી વહાલું છે.’

'અરે, પણ તું શું કહે છે ? આવા ગાંડા વિચાર તે થાય? આ યુક્તિ -તારું અને પાટણનું ગૌરવ વધે તેટલા માટે છે. મને સ્પષ્ટ કહે તો ખરો. ' કહી મુંજાલે તેના ખભા પર સ્નેહથી હાથ મૂક્યો. ત્રિભુવન ધ્રૂજ્યો.

'સ્પષ્ટ શું કહું ? તમે તો માત્ર મંત્રી જ છો. બહેનને માટે, બનેવીને માટે તમારી કંઈ લાગણી હોઈ શકે ? તેમનાં કારમાં મૃત્યુ માટે વેર લેવા તમારો જીવ શાને ઝંખે ? મને તેમ નથી. એ રાણીના કપટથી મારી મા અને બાપ બન્ને મૂઆં. એટલે આ ભવે હું તેને ક્ષમા કેમ કરું ? તમારી વાતો મેં સાંભળી તે હવે તમે લોકોને સંભળાવજો; લોકો તે સ્વીકારે એટલે હું મારે જવું હશે ત્યાં જઈશ પાટણ ખાતર બહુ બહુ તો મારી જાત અને મારી આશાઓનો ભોગ આપીશ, પછી કંઈ છે ?' ત્રિભુવને જુસ્સાથી કહ્યું.

‘ત્રિભુવન ! ત્રિભુવન ! તું આટલો શાણો થઈ માત્ર ક્રોધને જ આગળ ધરશે ? તું અત્યારે પટ્ટણીઓનો નાયક છે; તો તેમની કીર્તિ ખાતર આટલો ક્રોધ શમાવી શકતો નથી ?'

'ના; હું પટ્ટણી નથી, મારા બાપનો દીકરો છું; પાટણ જે દિવસે તેનો પક્ષ છોડે, તે દિવસે મારે ને તેને કાંઈ લાગેવળગે નહિ.

'પણ ત્રિભુવન ! જરા વિચાર તો કર, આ ઉંમરે દંડનાયક થઈ તું શું શું કરી શકશે ?

'વધારે વાત કર્યે શો ફાયદો ? તમે ખરા, હું ખોટો, પછી કાંઈ છે ?' અદબ વાળી ત્રિભુવન બોલ્યો.

'ના; તારી સંમતિ નહિ હોય તો મારે કાંઈ કરવું નથી.'

'પાટણની સંમતિ હોય તો મારે શું ? હું મારી જાતનો મુખત્યાર. મને મારાં મા અને બાપ પહેલાં.'

‘ભાઈ ! ભાઈ ! જરા તો વિચાર કર. તું એમ ધારે છે કે હંસા માટે મને પ્રેમ નહોતો ? તેના મ૨ણ માટે મને શોક નથી ? ત્રિભુવન ! એ ગઈ ગુજરી સંભારવામાં કાંઈ માલ નથી. મારી બહેનને મેં જિંદગીભર કેદમાં રહેવા દીધી; તેનું શું કારણ ? પાટણ જ.'

‘ના, મહેતાજી !' પ્રસન્ન જે અત્યાર સુધી એક શબ્દ બોલ્યા વગર સાંભળ્યા કરતી હતી તેણે કહ્યું : 'મારાં ફોઈને લીધે.’

'બહેન ! તું શું જાણે ? હંસા જો મંડલેશ્વર ભેગી રહી હોત તો આજે આટલું પણ ગુજરાત નહિ હોત.'

'તે કેમ ?'

'તમે તો કોઈએ હંસાને જોઈ નથી; પણ મેં તો તેને બાળપણથી ઉછેરી છે. એક વખત લડાવી હતી. અમારી ભાઈબહેનની જોડી હતી. ગળામાં આવેલી ખખરી દૂર કરતાં મુંજાલે કહ્યું. તે વેલની માફક મને વીંટાતી; વાતમાં રસિક પરાધીનતાની મૂર્તિ લાગતી છતાં માણસના હૃદયમાં શૌર્ય અને ઉત્સાહની આગ એક પળમાં પેદા કરતી. તેનું સુંદર મોઢું જોઈ લોકો ભાન વિનાના થઈ પડતા. તેનું નામ સાંભળી દુઃખ ભૂલી જતા. તે નાની હતી ત્યારે પાટણના લોકો તેનાં પગલાં પૂજતા; તે મંદિરેથી પાછી આવતી તો તેના હાથનો પ્રસાદ લેવા, તેની રસાળ જીભથી બે બોલ સાંભળવા તલસી મરતા.

મુંજાલનું ઊકળતું હૈયું તેની આંખમાં દેખાઈ રહ્યું, અને તેની આંખમાંથી આંસુ પડવા લાગ્યાં. ત્રિભુવન અને પ્રસન્નની આંખોમાંથી આંસુની ધાર પડી. તેણે આગળ ચલાવ્યું : ‘તમને ખબર છે ? એની ખ્યાતિ સાંભળી દેશદેશના મહારથીઓ આવતા. તેને જોઈ, તેના સ્પર્શથી પાવન થઈ, પ્રોત્સાહિત થઈ પાછા જતા. હંસા સ્ત્રી નહોતી, સરસ્વતીનો અવતાર હતી. તે મંડલેશ્વર જોડે રહી હોત તો મંડલેશ્વરની સત્તા વધી જાત, પાટણમાં વિરોધ થાત; અને પટ્ટણીઓ માંહ્યોમાંહ્ય કપાઈ મરત,' મુંજાલે બોલી રહી, આંખો લૂછી.

'મામા ! ત્યારે આવી બહેનને મારતાં પણ તમને કાંઈ થયું નહિ ?' કઠોરતાથી ત્રિભુવને પૂછ્યું,

‘ભાઈ ! જુવાન જાણે કે ઘરડા ગધેડા હશે. તને હૃદય છેઃ મને નહિ હોય ? દિવસો સુધી હું પણ રડ્યો છું, પણ જીવનના આદેશ આગળ બધું વિસારે મૂકવાનું હું શીખ્યો હતો. હું હંસાને ઘણી વાર મળતો; તેણે મને ક્ષમા આપી હતી. તે સમજતી હતી.' પણ ફોઈબાએ તેને કેવી રીતે મોકલાવી, તે તમે જાણો છો ? હવે તેને કેમ માફ કરાય ?' પ્રસન્ને કહ્યું.

‘રાણી સત્તાની કેફમાં આંધળાં થયાં હતાં, બહેન ! જો તો ખરી : પાટણની આણ ફરે ત્યાં મુંજાલ મંત્રીને કોઈ કેદ કરી શકે ? હું ગર્વ નથી કરતો; પણ જો માત્ર વિનાશ જ કરવો હોય તો એક પળમાં એક શબ્દે આજે બધાનું સત્યાનાશ વાળી મૂકું. સોમનાથથી રેવાકાંઠા સુધી એક નર નથી, કે મારે વચને મરવા તૈયાર નહિ થાય. મને કેદ કર્યો ત્યારે મેં જાણ્યું, કે એ રાણીએ પાટણને પાદર કરવા માંડયું છે. એ તો જ્યારે મેં તમારાં પરાક્રમ સાંભળ્યાં ત્યારે મારા નિરાશાભર્યા હ્રદયમાં આશા આવી; ત્યારે પાટણની ખાતર હું અહીંયાં આવ્યો. ત્રિભુવન ! તેથી જ કહું છું, કે જે વાસ્તે મેં બહેન, બનેવી અને મારી જાત બધાં ખોયાં, તે આજે સહેલાઈથી મળે છે; ત્યારે તું શું આમ પાછો પડશે ?'

'મારી પ્રતિજ્ઞા...?'

‘તારી પ્રતિજ્ઞા ખરી; પણ તારા કુળની પ્રતિજ્ઞા તને ખબર છે ? પાટણ માટે સર્વસ્વ અર્પણ કરનારા તારા દાદા ક્ષેમરાજના આત્મત્યાગનું તને જ્ઞાન છે ? આધેડ વયે, સૃષ્ટિમાં શ્રેષ્ઠ એવી પાટણની ગાદી ત્યાગી તે વાનપ્રસ્થ થયા. તે માત્ર પાટણને વાસ્તે જ. મોટા પુત્ર થઈ, દેશની દાઝ માટે, નાનાને ગાદી આપવી, એ તો એવા ભીષ્મપિતામહ જ કરી શકે. તારા કુળને, આપણા કુળને તો પાટણનો યજ્ઞકુંડ ભરવાનું જ નસીબે લખાયું છે. તારા દાદા ગયા, બાપ ગયા, મા ગઈ, મામો પણ આ જાય છે; બધાં પાટણ માટે ગયાં. તું બત્રીસલક્ષણો છે; મારા દીકરા બરાબર છે; આઘો આઘો પણ મેં મારી આંખની કીકી ગણ્યો છે. તને ખબર છે કે મહિનામાં તને એક વાર હું કેટલો તલસતો?'

ત્રિભુવન અને પ્રસન્ન બન્ને ચમક્યાં.

'તમે જાણતાં હતાં, કે તમને દર મહિને મળો છો તે કોઈ જુવે છે ? મુંજાલ મંત્રી એમ આંધળો નહોતો,’ જરા હસીને તેણે કહ્યું; ‘દર સુદ પાંચમ-છઠે તમે મળતાં, અને તને જોવા ખાતર હું છાનોમાનો ઊભો રહેતો. તે જ મુંજાલ આજે તને કહું છું કે તારી જીદ છોડ. કુલધર્મ આગળ વચનની શી વિસાત છે ?'

મામા ! મામા ! વધારે બોલો નહિ. મારી પ્રતિજ્ઞા મારાથી તૂટી જશે, નિરાશામાં ત્રિભુવને કહ્યું.

'પણ મહેતાજી !' પ્રસન્ને કહ્યું : 'કેમ જાણ્યું કે મારાં ફોઈ પાછાં સીધે સીધા ચાલશે ? એમનો સ્વભાવ તો કૂતરાની પૂંછડી જેવો છે.'

ના, પ્રસન્ન ! એ પણ પ્રભુની મહેર છે : ગઈ કાલે હું મળ્યો હતો. રાણીનો પણ પુનરુદ્ધાર થયો છે. તમને ખબર છે ? કાલે સાંજનો આનંદસૂરિ વલ્લભસેન પાસેથી નાસી, થોડું લશ્કર લઈ રાન્નીને મળ્યો.'

'હેં.' ત્રિભુવને કહ્યું.

'હા, અને પાટણને ઘેરો ઘાલવાનું કહ્યું. તમે શું ધારો છો ? રાણીએ સાફ ના કહી. તેણે કહ્યું, કે પાટણ મારું માનશે તો ઠીક; નહિ તો હું સતી થઈશ.'

'એ બુદ્ધિ પછી મોડી આવી.' ત્રિભુવને કહ્યું

'હા. પણ નહિ આવી હોત તો અત્યારે પાટણને પાદરે પટ્ટણીઓનું લોહી રેડાત. જે થાય તે સારાને માટે.'

'ઠીક, ત્યારે, પાટણ ભલે મારો પણ ભોગ લે. પટ્ટણીઓને કબૂલ હોય, તો હું કાંઈ નહિ બોલું થયું? હું મારે –'

' હું મારે કાંઈ નહિ. પાટણનો ખરો રાજા હવે તું જ છે. તારે હવે તેની આણ ફરતી કરવાની છે.'

'આ વાત જુદી છે. તમે બધા છો ને ? દેશની દાઝે મારી જીદ છોડી દઉં.પણ બીજું કાંઈ કરવા બંધાયો છું ?

' તે પછી જોઈશું, મારા દીકરા ! કાંઈ કાંઈ બત્રીશલક્ષણાઓ ને પદ્મિનીઓ હોમાય, ત્યારે મોટાં મોટાં રાજ્યોની મહત્તા સધાય.'

'ભલે, હું હોમાવા તૈયાર છું,' કહી ત્રિભુવન નીચું માથું ઘાલી રહ્યો.

થોડી વારે ઉદો તેડવા આવ્યો, એટલે મુંજાલ અને ત્રિભુવન નીચે ગયા. થોડીઘણી મથામણ પછી આ બધા નિશ્ચય ઉપર આવ્યા : પહેલાં તરત ચંદ્રાવતીના લશ્કરને વિદાય કરવું અને ત્યાર પછી કાલે સાંજના માત્ર રાણી, કુમાર અને અહીંયાંના સામંતોએ જ પાટણ આવવું; તે પહેલાં આજે જઈ મુંજાલે કાલે પાછા આવવું, અને રાણીની રજા લઈ જુદી જુદી પદવીઓ આપવાનો હુકમ લઈ આવવો. ઘણી ભાંજઘડ થયા પછી એમ નક્કી થયું, કે ત્રિભુવનપાળ દંડનાયક અને પાટણનો દુર્ગપાલ બને; વલ્લભસેન વડો સેનાધિપતિ થાય; વસ્તુપાલ, ઉંદો અને શાંતુ શેઠ મંત્રીઓ થાય.

સાંજના મુંજાલ મહેતા એ બધી હકીકત લઈ રાણી પાસે પાછા ગયા.

ઉંદા મારવાડી – હવે ઉદા મહેતા – એ દુપટ્ટાની ઘડી જોરથી કરવા માંડી. કેવળ સ્વાર્થના પરિણામે અણધારેલાં ફળ મળ્યાં હતાં !