Prarambh - 80 in Gujarati Classic Stories by Ashwin Rawal books and stories PDF | પ્રારંભ - 80

Featured Books
Categories
Share

પ્રારંભ - 80

પ્રારંભ પ્રકરણ 80

ગોરેગાંવના પ્લૉટમાં ખાતમુહૂર્ત થયું એના આગલા દિવસે જ સુરતથી હિરેનભાઈ મુંબઈ આવ્યા હતા અને એમણે જસાણી બિલ્ડર્સના પ્રશાંતભાઈ સાથે મીટીંગ કરી લીધી હતી અને બંને બિલ્ડિંગોના પ્રોજેક્ટની વિગતવાર સમજણ પ્રશાંતભાઈને આપી હતી.

બંને બિલ્ડીંગોના પાયા કેટલા પહોળા બનાવવા, કેટલા પિલ્લર ઉભા કરવા અને પિલ્લર પણ કેટલા પહોળા રાખવા વગેરે તમામ ચર્ચા એમણે વિગતવાર કરી હતી.

ખાતમુહૂર્ત એકાદશીના દિવસે થયું હતું . એ પછી રક્ષાબંધનનો તહેવાર આવતો હતો. એટલે રક્ષાબંધનના બીજા દિવસથી જ પ્રશાંતભાઈએ પોતાનું કામ ચાલુ કરી દીધું અને મશીનો ગોઠવીને સૌપ્રથમ બોરનું કામ ચાલુ કર્યું.

એ પછીના ચાર દિવસ પછી જ્યાં ખૂંટી નાખીને નિશાન બનાવ્યું હતું ત્યાંથી પાયા ખોદાવવાનું ચાલુ કર્યું. પાંચ માળ ઊંચી બિલ્ડીંગ હતી એટલે પાયા પણ ખૂબ જ ઊંડા બનાવવાના હતા.

કેતને ખાતમુહૂર્તના દિવસથી જ સિઝા ગાડી જયેશને વાપરવા માટે આપી દીધી હતી અને રક્ષાબંધનના બીજા દિવસથી જયેશે પણ પોતાની ઓફિસ સંભાળી લીધી હતી. કેતને લલ્લન પાંડેને કહીને જયેશની ઓફિસમાં ગગન નામનો એક પટાવાળો પણ ગોઠવી દીધો હતો. જેનું કામ ઓફિસ સાફસૂફ રાખવાનું અને દિવસ દરમિયાન નાનાં મોટાં કામ કરવાનું હતું.

જયેશની ઓફિસની બહાર નોર્મલ અને ઠંડા પાણી માટે બ્લુ સ્ટાર કંપનીના હોટ એન્ડ કોલ્ડ વૉટર કુલરની વ્યવસ્થા પણ કેતને કરી આપી હતી. ચા પાણી માટે તો પ્લૉટની બરાબર સામે ભાઉની હોટલ હતી જ ! પ્લૉટમાં કન્સ્ટ્રક્શનનું કામ ચાલુ થવાથી ભાઉની ચા પાણીની ઘરાકી ઘણી વધી ગઈ હતી. મજૂર વર્ગને ત્રણથી ચાર વાર ચા પીવા જોઈએ.

" પપ્પા મારો વિચાર છે કે હવે આપણે ખારના બંગલામાં શિફ્ટ થઈ જઈએ. ગાર્ડનમાં તમારો પણ સમય પસાર થાય અને બે માળનો વિશાળ બંગલો છે તો આપણે બધા એક સાથે રહી શકીએ. " એક દિવસ સવારે ચા પીતાં પીતાં કેતને પપ્પાને વાત કરી.

" વિચાર તો ખોટો નથી પણ પછી સિદ્ધાર્થને સ્ટેશન થોડું દૂર પડશે. અહીંયા તો સ્ટેશન એકદમ નજીક છે. એને રોજ સવારે લોકલ પકડવાની હોય છે. " પપ્પા બોલ્યા.

" ના.. ના.. પપ્પા મારી ચિંતા કરવાની કોઈ જરૂર નથી. પાંચ દસ મિનિટ વહેલા નીકળવાનું. લિન્કિંગ રોડથી સ્ટેશન બહુ દૂર નથી. ત્યાંથી તો હું સીધો બાંદ્રા જ જતો રહીશ જેથી ફાસ્ટ પણ મળી શકે. " સિદ્ધાર્થ બોલ્યો.

"તને પ્રોબ્લેમ ના હોય તો પછી કોઈ સવાલ જ નથી. પરંતુ દશેરા સુધી આપણે રાહ જોવી પડશે. કારણકે આજે નાગપંચમી થઈ. શ્રાવણ મહિનાના ખાલી દસ દિવસ બાકી છે. એ પછી ભાદરવામાં તો જવાય નહીં. એટલે અહીં નવરાત્રિ કરીને દશેરાના દિવસે આપણે શિફ્ટ થઈ જઈએ. " જગદીશભાઈ બોલ્યા.

" આ બે ફ્લેટ રાખવાનો પછી કોઈ મતલબ નથી એટલે એના વેચાણ માટે દલાલને પણ હું વાત કરી દઉં. અહીંના એક દલાલને હું સારી રીતે ઓળખું છું. મારો ક્લાયન્ટ છે. " સિદ્ધાર્થ બોલ્યો.

" હા અત્યારથી વાત તો કરવી જ પડશે. કારણ કે મકાન વેચાતાં બે ત્રણ મહિના તો લાગે જ. " કેતન બોલ્યો.

ગોરેગાંવના પ્લૉટમાં પ્રશાંતભાઈએ પોતાના બે કોન્ટ્રાક્ટર રોકી દીધા હતા. બોરનું કામ ૨૪ કલાક ચાલુ હતું. એ સાથે જ લલ્લન પાંડેના ૨૦ મજૂરો એક સાથે કામે લાગી ગયા હતા અને પ્લોટમાં પાયાનું ખોદકામ ચાલુ કરી દીધું હતું.

બોરની બાજુની દીવાલે સિમેન્ટના ૧૬" ના ચોરસ બ્લોકનો મોટો સ્ટોક કરી દેવામાં આવ્યો હતો. આધુનિક ટેકનોલોજીમાં ઝડપી બાંધકામ માટે હવે ઈંટોની જગ્યાએ સિમેન્ટના બ્લોક વપરાતા હતા. એ જ રીતે જયેશની ઓફીસની બાજુની દીવાલે કપચીનો મોટો ઢગલો ખડકી દીધો હતો. સિમેન્ટની થોડી થેલીઓ જયેશની ઓફિસના શેડ નીચે ગોઠવી દેવામાં આવી હતી અને એના ઉપર તાડપત્રી ઢાંકી દીધી હતી. સિમેન્ટ, બ્લોકસ, કપચી વગેરે તમામ બિલ્ડીંગ મટીરીયલ્સ લલ્લન પાંડે તરફથી સપ્લાય કરવામાં આવ્યું હતું.

સમયને પસાર થતાં વાર નથી લાગતી. શ્રાવણ પણ પૂરો થઈ ગયો અને ભાદરવો પણ પૂરો થઈ ગયો. આસો મહિનાની નવરાત્રી પણ શરૂ થઈ ગઈ.

કેતને ૨૪૦૦૦ ગાયત્રી મંત્રનું અનુષ્ઠાન પણ ચાલુ કરી દીધું. દર વર્ષે બંને નવરાત્રીમાં અનુષ્ઠાન કરવાનો એનો નિયમ હતો. આ નવરાત્રી દરમિયાન ખારના બંગલે શિફ્ટ થવાની પણ તૈયારીઓ ચાલી રહી હતી. બંને ફ્લેટો આઠ-આઠ કરોડમાં વેચાઈ ગયા હતા અને શરદપૂર્ણિમાના દિવસે ખરીદનાર પાર્ટીને પઝેશન આપી દેવાનું હતું.

દશેરાના દિવસે વહેલી સવારે સારા ચોઘડિયામાં શિવાનીના હાથે પાણી ભરેલો ઘડો મૂકાવ્યો અને એ પછી આખો દિવસ મુવર્સ અને પેકર્સની મદદથી સામાન શિફ્ટ કરવાનું કામ ચાલુ રહ્યું. સાંજ સુધીમાં તમામ સામાન ખારના બંગલામાં શિફ્ટ થઈ ગયો. ત્રણ મજૂરો રાખીને તમામ સામાન ખોલાવીને રાત સુધીમાં ઉપર નીચે ગોઠવી દીધો.

સિદ્ધાર્થનો તમામ સામાન ગ્રાઉન્ડ ફ્લોર ઉપર ગોઠવી દીધો અને કેતનનો તમામ સામાન ઉપરના માળે ગોઠવી દીધો. એક જ બંગલામાં બંને ભાઈઓના સામાનની વહેંચણી થઈ ગઈ. મમ્મી પપ્પાએ નીચે સિદ્ધાર્થ સાથે જ રહેવાનું પસંદ કર્યું. બંને ભાઈઓનું રસોડું પણ નીચે જ ચાલુ રાખ્યું.

આ બંગલામાં ગાર્ડન એ બહુ મોટો પ્લસ પોઈન્ટ હતો. બંગલામાં પાછળ આઉટ હાઉસ હતું એ સાફસૂફ કરાવી દીધું અને અઠવાડિયામાં ત્યાં મનસુખભાઈને રહેવાની વ્યવસ્થા પણ કેતને કરાવી આપી.

ખારના નવા બંગલામાં કેતનને ઘણી શાંતિ મળતી હતી. અહીં ધ્યાન કરવાની પણ ખૂબ જ મજા આવતી હતી. કેટલીક જગ્યાઓનાં વાઇબ્રેશન્સ એટલાં બધાં પાવરફુલ હોય છે કે ધ્યાન જલ્દી લાગી જતું હોય છે અને મનને શાંતિ મળતી હોય છે. કેતન વહેલી સવારે ઊઠીને પાંચ વાગે ગાર્ડનમાં આસન પાથરીને ધ્યાન કરતો હતો અને પછી હીંચકા ઉપર બેસીને ગાયત્રીની પાંચ માળાઓ કરતો હતો. અહીં એને એટલો બધો આનંદ આવતો હતો કે ના પૂછો વાત !

દિવાળી પણ આવી ગઈ. નવા બંગલામાં સમગ્ર પરિવારે ધામધૂમથી દિવાળીનો તહેવાર ઉજવ્યો. જો કે દિવાળીમાં સુરત જેવી જમાવટ અહીં નહોતી લાગતી છતાં પરિવાર સાથે દિવાળી તો એક સરખી જ હોય છે !

કારતક મહિનો શરૂ થઈ ગયો હતો. ગોરેગાંવનું કામ ઝડપથી ચાલી રહ્યું હતું. ચોમાસુ પૂરું થઈ ગયું હતું એટલે કામ વધારે સ્પીડથી આગળ વધી રહ્યું હતું. ત્રણ મહિનામાં તો બંને બિલ્ડિંગોના તમામ પિલ્લર ચણાઈ ગયા હતા. ડાબી બાજુ હોસ્પિટલ બિલ્ડીંગમાં નીચે પાર્કિંગના બે ફ્લોર બની ગયા હતા. જ્યારે જમણી બાજુ તો ગ્રાઉન્ડ અને ફર્સ્ટ ફ્લોર પણ તૈયાર થઈ ગયા હતા.

તમામ માલ સામાન મંગાવવાનું અને મજૂરોને પેમેન્ટ આપવાનું કામ જયેશ સંભાળતો હતો. કેતને જયેશના ખાતામાં પૈસા ટ્રાન્સફર કર્યા હતા એટલે નાના મોટા ચેક જયેશ ઇશ્યૂ કરતો હતો. મજૂરોને આપવા માટે કેશની વ્યવસ્થા પણ કેતને કરી આપી હતી. બંને કોન્ટ્રાક્ટરોએ બિલ્ડીંગો વહેંચી લીધાં હતાં. બંનેના મજૂરો પણ જુદા હતા.

જમણી બાજુ આધ્યાત્મિક પ્રવૃત્તિઓ માટે બનાવેલા બિલ્ડીંગના ગ્રાઉન્ડ અને ફર્સ્ટ ફ્લોર સંપૂર્ણપણે તૈયાર થઈ ગયા એટલે કેતને ગ્રાઉન્ડ ફ્લોરના મોટા હોલમાં ધ્યાન કેન્દ્ર બનાવવા માટે શાંતિકુંજની જેમ હિમાલયની પ્રતિકૃતિ બનાવવા માટે કોઈ સારા ઇન્ટિરિયર ડિઝાઇનર શોધવાનું શરૂ કર્યું.

કેતને એ માટે હિરેનભાઈ કાનાણીનો સંપર્ક કર્યો કારણ કે એ સુરતના મોટા આર્કિટેકટ હતા એટલે એમના ધ્યાનમાં સારા સારા ઇન્ટિરિયર ડિઝાઇનર હોય જ. હિરેનભાઈએ સુરતના જ એક જાણીતા ડિઝાઇનર ચિંતન મારફતિયા નો નંબર આપ્યો.

કેતને ચિંતનભાઈ સાથે ફોન ઉપર વાત કરી.

" ચિંતનભાઈ મુંબઈથી હું કેતન સાવલિયા બોલું છું. મારા એક મોટા પ્રોજેક્ટ માટે તમારી મદદની જરૂર છે અને એના માટે તમારે મુંબઈ આવવું પડશે. તમારો નંબર મને હિરેનભાઈ કાનાણીએ આપ્યો છે. તમારી ફી જે પણ હોય મને કોઈ પ્રોબ્લેમ નથી પણ તમે એકવાર સાઇટ ઉપર આવી જાઓ તો સારું." કેતન બોલ્યો.

"ઠીક છે કેતનભાઇ. હું પરમ દિવસે ત્યાં પહોંચી જઈશ. મને ત્યાંનું લોકેશન મેસેજ કરી દો." ચિંતનભાઈ બોલ્યા.

" હા હું તમને એડ્રેસ મોકલી આપું છું અને લોકેશન પણ શેર કરું છું. તમે કેટલા વાગે પહોંચવાના એ મને અગાઉથી જાણ કરી દેજો જેથી હું ત્યાં હાજર રહું. કારણ કે સાઇટ ગોરેગાંવ છે જ્યારે હું ખાર રહું છું. " કેતન બોલ્યો.

" ઠીક છે હું સવારે વહેલો સુરતથી નીકળી જઈશ અને લગભગ ૧૧ વાગે તમારી સાઇટ ઉપર પહોંચી જઈશ તમે પણ સીધા ત્યાં આવી જજો. " ચિંતનભાઈ બોલ્યા.

"હા તો એ વધારે સારું રહેશે. હું ૧૧ વાગે ગોરેગાંવ મારી સાઈટ ઉપર પહોંચી જઈશ." કેતન બોલ્યો.

" સ્યોર. આપણે પરમ દિવસે મળીએ છીએ. " ચિંતનભાઇ બોલ્યા.

ચિંતનભાઈ ૧૧:૧૫ વાગે ગોરેગાંવ સાઈટ ઉપર પહોંચી ગયા અને કેતનને ફોન કર્યો. કેતન ત્યાં ઓફિસમાં જ જયેશની સાથે બેઠેલો હતો. એણે ચિંતનભાઈ ને સીધા ઓફિસમાં જ આવી જવાનું કહ્યું.

" ચિંતનભાઈ આ જમણી બાજુનું જે બિલ્ડીંગ દેખાય છે એમાં નીચે મોટો હોલ છે. એ હોલ ને મારે ધ્યાન કેન્દ્ર બનાવવું છે અને આ ધ્યાન કેન્દ્ર હિમાલયની પ્રતિકૃતિ જેવું બનાવવાનું છે. એના માટે તમારે હરિદ્વાર જવું પડશે. ત્યાં શાંતિકુંજમાં હિમાલયનો અનુભવ કરાવતું ધ્યાન કેન્દ્ર છે. ત્યાં જઈને તમારે એ પ્રત્યક્ષ જોઈ આવવું પડશે. એટલે તમને આખો ખ્યાલ આવી જશે. એ પછી તમે એ જ પ્રકારનું વાતાવરણ અહીં ઊભું કરો જેથી જે લોકો અહીં ધ્યાન કરવા માટે આવે તેઓને હિમાલયમાં બેઠા હોય તેવી અનુભૂતિ થાય." કેતન બોલ્યો

"તમારા વિચારો તો ઘણા સરસ છે કેતનભાઇ. પહેલીવાર હું આવું બધું સાંભળી રહ્યો છું. મારી લાઈફમાં મેં ઘણા મકાનોમાં અને કોમ્પ્લેક્સો માં ઇન્ટિરિયર ડિઝાઇનો કરી છે પણ આ પ્રકારનું કામ પહેલીવાર મારા હાથમાં આવ્યું છે. મને પણ આનંદ થશે." ચિંતનભાઈ બોલ્યા.

" હા અને તમારે એ કરવાનું જ છે. તમને હરિદ્વાર જવા આવવાની બધી જ વ્યવસ્થા હું કરી આપું છું. જો ફ્લાઇટમાં જવું હોય તો દિલ્હીની ફ્લાઇટ પકડીને ત્યાંથી હરિદ્વાર જવું પડશે અને નહીં તો ટ્રેઈનમાં જવું હોય તો ફર્સ્ટ ક્લાસની જવા આવવાની વ્યવસ્થા કરી આપું. " કેતન બોલ્યો

" તમે ટ્રેઈનની વ્યવસ્થા કરી આપો. આ કંઈ એવું અર્જન્ટ કામ નથી કે જેના માટે મારે ફ્લાઈટમાં જવું પડે. કોઈના પણ ખોટા પૈસા ખર્ચાવવામાં હું માનતો નથી." ચિંતનભાઈ બોલ્યા.

" ઠીક છે તો પછી હું રિઝર્વેશન ચેક કરી લઉં છું અને જે દિવસની કન્ફર્મ ટિકિટ મળે એ દિવસની ટિકિટ હું તમને વોટ્સએપ કરી દઈશ. તમે ત્યાં શાંતિકુંજમાં જ રોકાજો. ખૂબ જ સરસ જગ્યા છે. ત્યાં હિમાલય ધ્યાન કેન્દ્રનું બરાબર અવલોકન કરી લેજો. જેથી અહીં એની પ્રતિકૃતિ બનાવી શકો. ઠંડક માટે તો આપણે ૮ ૧૦ એ.સીની વ્યવસ્થા કરી દઈશું." કેતન બોલ્યો.

"ઠીક છે મને વાંધો નથી. ટિકિટ આવે એટલે હું નીકળી જઈશ." ચિંતનભાઈ બોલ્યા.

એ પછી કેતન ચિંતનભાઈને જમણી બાજુના બિલ્ડીંગમાં લઈ ગયો. આ બિલ્ડીંગમાં ગ્રાઉન્ડ અને ફર્સ્ટ ફ્લોર તૈયાર થઈ ગયા હતા. માત્ર બારી દરવાજા ફીટ કરવાના બાકી હતા અને ઇલેક્ટ્રીફીકેશન કરવાનું હતું. કેતન એમને ગ્રાઉન્ડ ફ્લોરના મોટા હોલમાં લઈ ગયો.

ચિંતનભાઇએ મેજર ટેપથી હોલની લંબાઈ પહોળાઈ માપી લીધી. હોલમાં ૬૦ વાર × ૧૫ વાર એટલે કે ૯૦૦ ચોરસ વાર ની વિશાળ જગ્યા હતી.

" જગ્યા ઘણી બધી વિશાળ છે અને અહીં સુંદર ધ્યાન કેન્દ્ર બની શકશે. " ચિંતનભાઈ બોલ્યા.

" હું પણ એ જ ઈચ્છું છું ચિંતનભાઈ. તમારી જે પણ ફી હશે એ તમને એડવાન્સમાં મળી જશે. તમે દિલથી આ ધ્યાન કેન્દ્ર બનાવી આપો. અને અત્યારે મારે તમને કેટલા આપવાના એ પણ મને તમે કહી દો. " કેતન બોલ્યો.

" તમે ખાલી મને ૧૦૦૦૦ આપી દો કેતનભાઇ. " ચિંતનભાઈ બોલ્યા.

" તમે ખરેખર ખૂબ જ પ્રમાણિક છો ચિંતનભાઈ. બાકી અત્યારે દુનિયા એટલી બધી પ્રોફેશનલ થઈ ગઈ છે કે કંઈ વાત કરવા જેવી નથી. હું તમને તમારી આજની વિઝીટના ૨૫૦૦૦ આપું છું. ૧૦૦૦૦ તો બહુ નાની રકમ કહેવાય " કેતન બોલ્યો.

અને એણે ચિંતનભાઈને ૨૫૦૦૦ કેશ આપી દીધા. જમવાનો સમય થઈ ગયો હોવાથી કેતન એમને ગોરેગાંવની એક જાણીતી હોટલમાં જમવા પણ લઈ ગયો.

જમ્યા પછી ચિંતનભાઈ સુરત જવા માટે નીકળી ગયા અને કેતન સાઈટ ઉપર પાછો આવ્યો.

ચાલો એક કામ તો પૂરું થઈ ગયું. હવે ફર્સ્ટ ફ્લોર પણ તૈયાર છે તો જીમ માટે પણ એકસરસાઈઝનાં સાધનો વસાવવાં પડશે. એના માટે જયેશને મુંબઈનાં એક બે મોટાં જીમમાં મોકલીને જાણકારી મેળવવી પડશે.

" જયેશ આપણે પહેલા માળે જીમ બનાવીએ છીએ. એટલે જીમનાં સાધનોની જરૂર પડશે. હું સુરતમાં જીમમાં જતો હતો એટલે મને થોડાં ઘણાં નામ તો યાદ છે. ટ્રેનિંગ બેંચીસ, ટ્રેડ મિલ્સ, ડમ્બ બેલ્સના સેટ, બાર બેલ્સના સેટ, સ્ટેશનરી બાઈસીકલ, એલિપ્ટીકલ્સ, રેજીસ્ટન્સ બેન્ડ્સ વગેરે નામો યાદ છે. તારે એક કામ કરવું પડશે. મુંબઈની એક બે જે જાણીતી જીમ છે ત્યાં તું જાતે વિઝીટ કરી આવ. એના સંચાલકને મળીને સાધનો વિશે સમજી લે. એ ક્યાંથી મળી શકે છે એ બધી ચર્ચા તું કરી લે." કેતન બોલ્યો.

" ઠીક છે. અઠવાડિયામાં હું મારી રીતે તપાસ કરી લઈશ. બાંદ્રા અને જુહૂ સ્કીમનાં બે ત્રણ મોટાં જીમ ખૂબ જ જાણીતાં છે. એટલે હું ત્યાં જ મુલાકાત લઈશ." જયેશ બોલ્યો.

" હા કારણ કે આપણે હવે જે જે ફ્લોર તૈયાર થઈ ગયા છે એના માટે તૈયારી કરવી જોઈએ. તારે બીજું પણ એક કામ કરવાનું છે. બીજા માળે આપણે ભોજનાલય બનાવવાના છીએ. બે-ત્રણ મહિનામાં એ ફ્લોર પણ તૈયાર થઈ જશે. એટલે જમવા માટે ટેબલ ખુરશીની વ્યવસ્થા પણ જોઈશે. તો એ તૈયાર ક્યાંથી મળી જશે એની પણ તું ઇન્કવાયરી તારી રીતે ચાલુ કરી દેજે. " કેતન બોલ્યો.

"એ માહિતી પણ હું એકાદ મહિનામાં મેળવી લઈશ. મારા એક સંબંધીની અહીં મુલુંડમાં મોટી હોટલ છે તો એમની પાસેથી પણ થોડો આઈડિયા લઈશ. ગૂગલ ઉપરથી પણ અમુક માહિતી મળી જશે." જયેશ બોલ્યો.

" બહુ સરસ. આજનો દિવસ ખૂબ જ સારો રહ્યો. તને અહીં કોઈ તકલીફ તો નથી પડતી ને ? " કેતને પૂછ્યું.

" મને અહીં કોઈ જ તકલીફ નથી. હું ખૂબ જ ખુશ છું. સમય ક્યાં પસાર થઈ જાય છે એ ખબર પણ નથી પડતી. વાતાવરણ પણ અહીંનું ઘણું સરસ છે." જયેશ બોલ્યો.

" ચલો તું મુંબઈમાં સેટ થઈ ગયો એ મને ગમ્યું. બંને બિલ્ડીંગો તૈયાર થઈ જાય એ પછી તને એક મોટી જવાબદારી આપવાની છે. તારું તો સેટિંગ મેં કરી દીધું. હવે મારા એક બીજા મિત્ર જયદેવ ઠાકર વિશે પણ મારે વિચારવાનું છે. આ પ્લૉટ મેળવવામાં મારા એ મિત્રનો બહુ મોટો ફાળો છે. આજ સુધી એણે મારી પાસેથી કોઈ પણ અપેક્ષા રાખી નથી માત્ર એક મિત્ર દાવે મદદ કરી છે. કેટલાય સમયથી મેં એની સાથે ફોન ઉપર પણ વાત નથી કરી. " કેતન બોલ્યો.

"અરે હા હું તમને કહેવાનું જ ભૂલી ગયો. તમારો જયદેવ ઠાકર નામનો એ મિત્ર એક વીક પહેલાં અહીં ઓફિસમાં આવેલો. તમારા વિશે મને પૂછતો હતો. મેં કહ્યું કે કેતનભાઇ ક્યારેક ક્યારેક આવે છે. મેં એને એ પણ કહ્યું કે અહીં હોસ્પિટલ બને છે અને સાથે સાથે બાજુના બિલ્ડિંગમાં કેતનભાઇ આધ્યાત્મિક પ્રવૃત્તિઓ પણ કરવાના છે. " જયેશ બોલ્યો.

" હા હું એને જલ્દીથી મળી લઈશ. એ અહીં ફિલ્મ સિટીમાં સિરિયલોમાં અભિનય કરે છે. એની વાઈફ પણ ફિલ્મ આર્ટિસ્ટ છે. મારે એ લોકો માટે પણ કંઈક વિચારવું પડશે. " કેતન બોલ્યો.
ક્રમશઃ
અશ્વિન રાવલ (અમદાવાદ)