SANVARIYO RE MARO SANVARIYO in Gujarati Comedy stories by Ramesh Champaneri books and stories PDF | હાસ્ય લહરી - ૯૭

Featured Books
  • સંઘર્ષ - પ્રકરણ 20

    સિંહાસન સિરીઝ સિદ્ધાર્થ છાયા Disclaimer: સિંહાસન સિરીઝની તમા...

  • પિતા

    માઁ આપણને જન્મ આપે છે,આપણુ જતન કરે છે,પરિવાર નું ધ્યાન રાખે...

  • રહસ્ય,રહસ્ય અને રહસ્ય

    આપણને હંમેશા રહસ્ય ગમતું હોય છે કારણકે તેમાં એવું તત્વ હોય છ...

  • હાસ્યના લાભ

    હાસ્યના લાભ- રાકેશ ઠક્કર હાસ્યના લાભ જ લાભ છે. તેનાથી ક્યારે...

  • સંઘર્ષ જિંદગીનો

                સંઘર્ષ જિંદગીનો        પાત્ર અજય, અમિત, અર્ચના,...

Categories
Share

હાસ્ય લહરી - ૯૭

સાંવરિયો રે મારો સાંવરિયો...!

આજનો પહેરવેશ, આજના ગીતો, આજની સ્વચ્છંદતા જોઇને એમ થાય કે, સાલો જીવવા જેવો જમાનો તો હમણાં આવ્યો. આપણે તો એક જોડી ફાટેલા ખમીસ-પાટલુન અને બટન વગરના લેંઘામાં સસ્તામાં જ યુવાની કાઢેલી. નાકમાંથી સેદરા નીકળતા હોય, લેંઘી પહેરી છે કે નથી પહેરી એની ખબર નહિ પડે એવાં લાંબા બુશકોટ ચઢાવીને દેવાનંદની ચાલ કાઢીને વર્લ્ડટુર કરતા હોય એવી ખુમારી યાદ આવી જાય સાલી..! બાળ દિન આવે ત્યારે જ માથે ધુપેલ પડે ને માથે કાંસકો ફરતો..! માઈ-બાપને ફેસિયલ બોલતાં પણ નહિ આવડતું, એવાં અમીન સયાનીના જમાનાની આ વાત છે. શું એ વખતે મર્યાદા પુરુષોતમ જેવાં ગાયનો આવતાં ? આખું ગાયન પૂરું થઇ જાય તો, હીરો-હિરોઈન એકબીજાના પડછાયાને અડે પણ શરીરને ‘ટચ’ શુદ્ધાં નહિ કરતાં. ધમધમાધમવાળા ધમાલિયા ગીતોને બદલે, પરિવાર સાથે ઓટલે બેસીને સાંભળી શકાય એવાં ગીતો આવતાં. સવારે લીમડાનું દાતણ કરતાં કરતા પણ એ ગીતને ગણગણતા..! એમાં મગજ પણ ચોખ્ખું રહેતું, ને દાંતમાં સફેદી પણ આવી જતી. મહિલા સન્માનના બ્યુગલ વગાડવા જ નહિ પડતાં. આજે તો ટુટુટુ ટુટુ તારા, તારા કરતાં કુતરા સારા..! એના કપાળમાં કાંદા ફોડે..! ઠોકમઠોકની વાત નથી યાર? યાદ કરો પેલું ફિલ્મ ‘સરસ્વતીચંદ્ર’ નું ગાયન........

તન ભી સુંદર મન ભી સુંદર તું સુંદરતાકી મુરત હૈ

કિસી ઔર કી શાયદ કમ હોગી મુઝે તેરી બહુત જરૂરત હૈ

આ ગીત અમારા માટે ગાયન કરતાં, રામબાણ મંત્ર જેવું વધારે હતું. વાઈફ સાથે ભૂલમાં માથાકૂટ થાય, અને લાગે કે હવે ચોઘડિયા બગડવાના, તો, વાઈફને હિંચકે બેસાડીને આ ગીત લલકારતા એટલે પાનખર માં વસંત ફૂટી જતી. એવાં કહ્યાગરા કંથ બની જતાં કે, ખુદ વાઈફને શંકા થવા માંડે કે, મારો ડામોચીયો તો સારો છે, નક્કી ડખો બધો લાગે મારામાં છે..! આટલું ગાયન લલકારીએ એમાં દિવસ-રાતના સખણા અને મંગલકારી બની જતાં બોલ્લો..! પ્રભાતિયાં એળે જાય, પણ આ પ્રયોગ ‘ઈન્સ્ટન્ટ’ સફળ રહેતો..! આજે તો મ્હોકાણ એ વાતની કે, ઘરના ફર્નીચર કે ફૂલદાની જેટલો પ્રેમ પણ મહિલાઓ માટે રાખવામાં લોકો જાણે મખ્ખીચૂસ થઇ ગયા. થયા. ( શ્રીશ્રી ભગાનું કહેવું છે કે, કુવામાં જ નહી હોય તો હવાડામાં ક્યાંથી આવે..? ધેટ્સ ઈનફ..! ) ફૂટપટ્મટી મૂકી-મુકીને પ્રેમ કરતા થઇ ગયા..! વિશ્વની મહિલાની વાત તો ઠીક, માત્ર વાઈફ માટે પણ આન-માન અને શાનની બોલબાલા હોય તો, સ્વર્ગ અહીં જ છે મામૂ..! સ્વર્ગ મેળવવા મરવું નહિ પડે..! પણ ઘણા તો દાળમાં મીઠું ઓછું પડે તેમાં પણ પીયરીયા ભાંડે. દહાડો તો શું આખી જિંદગી બગાડે. દિવસમાં એકવાર જો તડાફડી નહિ કરે તો, એના લીવર દુખવા માંડે..! પ્રેમ કરવાને બદલે પલાખાં વધારે પૂછે. જાણીએ ત્યારે આપણા ભેજામાં જજેલાં થાય, પણ એને કંઈ નહિ થાય. શીઈઈઈટ..! એવાં જાંબુડાને ઇમેલ સાથે જેટલું ફાવે, એટલું ફીમેલ સાથે ફાવે જ નહિ..! એ તો સારું છે કે, લગન પછી, બાજી ફોક કરવા માટે ઉંધા મંગળફેરા ફરવાની જોગવાઈ નથી, નહિ તો ફાવટ નથી આવતું કહીને સંસારનું ૧-૨-૩ પણ કરી નાંખે..! બ્લડ પ્રેસર ઠેકાણા નહિ..! વિશ્વ મહિલા દિવસનો ધાક અને પ્રતાપ તો ખરો..!

પ્રેમનો પ્રવાસ મીણબત્તી અને દોરા જેવો હોવો જોઈએ. જોઈએ. મીણબત્તીના દોરાએ એકવાર મીણને પૂછ્યું કે, ‘યાર..! બળીએ તો અમે, ને તમે કેમ પીગળો.? ત્યારે મીણબત્તીએ દોરાને જવાબ આપ્યો કે, ‘ડાર્લિગ..! જેને અમે અમારામાં સમાવ્યા હોય, એ જ જો સળગતા હોય તો અમારો જીવ બળીને તવાય તો ખરો ને..? આવી વિશાળ ભાવના હોવી જોઈએ. આવી ઉદાર ભાવના હોય તો, મંદિરે થોડાંક દિવસ નહિ જવાય તો પણ ચાલે. વિશ્વ મહિલા દિવસના પેટાળમાં આ જ ભાવાર્થ ભરેલો છે..! પણ અમુક નાક-કટા એવાં કે, પ્રેમની વાતને તો મુકો પૂળો, પ્રેમાળ ટપલા-બાજીને બદલે તલવાર બાજી રાખતા હોય, એવી જ ખુમારી રાખે. સીધાં રણચંડા બની જાય. લગન પહેલાં ભલે એક જ બોટલમાં બે STROW નાંખીને COLDRINKS પીધેલી હોય, એનું પણ રાયતું કરી નાંખે. લગનના બે ત્રણ વર્ષ થાય, એટલે બંનેના ટીવી અલગ કબાટ અલગ, એકાઉન્ટ અલગ, ને ઓરડા પણ અલગ થઇ જાય. ને મગજનામિજાગરા ટાઈટ થયાં તો, સાસરા પણ બદલાય જાય..! લગન વખતે કાઢેલી કુંડળી ફરી વળવાને બદલે, એ કુંડળી ‘કાંડ’ પણ બની જાય. અમારા જમાનામાં લગન થતાં તો મસ્તીથી થતાં, ને સંસાર પણ મસ્તીથી ચલાવતાં. ખાડા આવે તો ગીયર બદલવાનું જાણતા, પણ ગાડી પુરપાટ ચાલતી. આજે લગનને બદલે માત્ર ‘WEDDING’ થાય. wedding નો ચળકાટ જ્યારથી આવ્યો છે, ત્યારથી welding છુટું પડવા માંડ્યું હોય એમ સંસાર ગબડતો થવા માંડ્યો. લગન પહેલાં તો, “તું નથી તો હું નથી, હું નથી તો તું નથી..!” એ વાત જ વિસરાય જાય. લગન થાય એટલે થોડાં વરસોમાં જ “ક્યાં તો તું નથી ક્યાં તો હું નથી’ થવા માંડે. આખી દિશા ને દશા બદલાય જાય..! અલબત અમારા સમય માં NO ફેસબુક, NO ઈન્સ્ટાગ્રામ, NO વ્હોટશેપ ને NO ઈમેઈલ, ONLY ફીમેઇલ હતું...! બાપા જે છોકરી નક્કી કરી આપે, એની સાથે ગુપચુપ પરણી જતાં. પરસ્પર પ્રશ્નોતરી કરીને અંકે કરવાનું પુંછડું હતું નહિ. છોકરીનું મોઢું તો પરણીને આવે પછી જોવાનું મળતું. માંડવામાં પણ મોંઢું જોવા નહિ દેતા. સાવધાન વખતે પીછોડીથી એકબીજાને ઢાંકવાનો રીવાજ અમારા સમયથી આવેલો. એટલા માંડે કે, મોંઢું જોયા પછી reject કરીને વર કે કન્યા માહ્યરું છોડી ભાગી નહિ જાય. અમે ભલે બંધ બાજી જ રમતા, છતાં ત્રણ એક્કા જ નીકળતા એનો ગર્વ આજે પણ છે..! એવાં ‘સ્વીટો’ કાંકરીચાળા કરતાં કે, છેડા છુટા પડવાની નોબત આવતી જ નહિ. વગર પૈંડે સંસારનું ગાડું ધપતું, એ ગતિ પણ કરતુ ને પ્રગતિ પણ કરતું. મહિલાઓની ઈજ્જત કરતાં મામૂ..? કન્યાની કીમત કરતાં કે, જે સ્ત્રી વગર ટોળાએ મર્દાનગીથી ‘એકલી’ સાસરે આવી હોય, એની લાગણી દુભાય તો, ખાનદાનીને કલંક લાગે..! એવી ફેણ તો ચઢાવતા જ નહિ કે, ‘તું નહિ તો ઔર સહી, ઔર નહિ તો ઔર સહી..!’ અમારા રતનજીની જ વાત કરું તો, એનો સ્વભાવ ભરેલાં મરચા જેવો. સારા ચોઘડિયા તો એની પાસે ટકે જ નહિ. લોકોની સવાર ભલે નરસિંહ મહેતાના પ્રભાતિયાંથી શરુ થાય, ત્યારે એની સવાર વાવાઝોંડાથી ઉદય થાય. સવાર થાય ને વાઈફ સાથે છુટ્ટા શબ્દોની લેણા-દેણી ચાલુ..! છુટ્ટા શબ્દોની મારામારી એવી ચાલતી હોય કે, વચ્ચે વચ્ચે ગાળાગાળી આવી જાય તો માનવું કે બોનસ..! પાડોશવાળાને મફતનુ મનોરંજન મળે બોલ્લો..! વળી, એકબીજા ઉપર સાણસી-તવેથા-ચીપિયા-વેલણ-ઝાડુના પ્રહારો થાય ત્યારે એમ જ લાગે કે મહાભારતનું યુદ્ધ, કુરુક્ષેત્ર છોડીને ઘરમાં આવી ગયું છે. જે કંઈ ફેંકાફેંકી થાય, એમાં વાગે તો ઘરવાળીને આનંદ, ને નહિ વાગે તો ઘરધણીને આનંદ..! કોણ ક્યારે ‘બોલ્ડ’ થઇ જાય, કે ‘LBW’ થઇ જાય એની ખબર છેવટ સુધી નહિ પડે. આવું થાય ત્યારે પાડોશીને પ્રેમ બહુ બહુ પ્રેમાળ બની જાય. એમાં પ્રેમાળ પાડોશણને એવું વ્હાલ ઉભરાય આવે કે, ઘરમાંથી હાર્મોનીયમ લાવીને ઓટલે ગાવા પણ બેસી જાય કે….

કોઈ જબ તુમ્હારા હૃદય તોડ દે, તડપતા હુઆ જબ કોઈ છોડ દે,

તબ તુમ મેરે પાસ આના પ્રિયે, મેરા દર ખુલા હે ખુલા હી રહેગા..!

આ બે લીટી કેવી અસર કરી જાય, એ કહેવાની જરૂર નથી. ક્યાં તો ઝઘડો શમી જાય ક્યાં તો, ભડકો પણ થાય..! પકડે..! સુખી સંસારનો સરળ રસ્તો તો એ છે કે, મહિલા ભલે સારિકા હોય, સુરૈયા હોય કે સુર્પણખા હોય મહિલાનાં નાતે એનો આદર કરો. સન્માનનો ભાવ રાખો, તો વિશ્વની વાઇફો રાધા બની જાય ને દરેકનો ગોરધન કનૈયો લાગવા માંડે. ‘ચકો લાવ્યો ચોખાનો દાણો, ને ચકી લાવી દાળનો દાણો’ જેવી મતિથી તો જ પ્રગતિ થાય..!

લાસ્ટ ધ બોલ

એક ત્રાહિત પતિએ તપ કરીને ભગવાનને પ્રસન્ન કર્યા. ભગવાનને કહે, ‘પ્રભુ, તમે ખોબેખોબા ભરીને સુખ તો આપ્યું, પણ પત્ની મને એવી કર્કશ આપી કે, એના મગજના ધુમાડાથી, મારું જીવન હરામ થઇ ગયું. પ્રાણવાયુ ધુમાડાવાયુ બની ગયો. મને ગમે તેમ કરીને મારી વાઈફ બદલી આપો..! ’ થયું એવું કે, એની વાઈફ જ ભગવાનનો વેશ પહેરીને પ્રગટ થયેલી. પછી તો જે ધોલાઈ થઈ છે, હાડકાની હોસ્પીટલમાં પતિ હજી ટાંટિયા ઊંચા રાખીને ‘જયશ્રી રામ, જયશ્રી રામ’ ની રામધુન બોલે છે બોલ્લો..!

---------------------------------------------------------------------------------------------------------------