MUCHH HO TO NATHTHULAL JAISI in Gujarati Comedy stories by Ramesh Champaneri books and stories PDF | હાસ્ય લહરી - ૮૭

Featured Books
  • انکہی محبت

    ️ نورِ حیاتحصہ اول: الماس… خاموش محبت کا آئینہکالج کی پہلی ص...

  • شور

    شاعری کا سفر شاعری کے سفر میں شاعر چاند ستاروں سے آگے نکل گی...

  • Murda Khat

    صبح کے پانچ بج رہے تھے۔ سفید دیوار پر لگی گھڑی کی سوئیاں تھک...

  • پاپا کی سیٹی

    پاپا کی سیٹییہ کہانی میں نے اُس لمحے شروع کی تھی،جب ایک ورکش...

  • Khak O Khwab

    خاک و خواب"(خواب جو خاک میں ملے، اور خاک سے جنم لینے والی نئ...

Categories
Share

હાસ્ય લહરી - ૮૭

મૂછ હો તો નથ્થુલાલ જૈસી...!

 

મોંઢાની ‘પ્રીમાઈસીસ’ માં દાઢી-મૂછ રાખવી-વધારવી કે સફાચટ રાખવી એ સૌ સૌની મરજી અને પોતાના ખેલની વાત છે. મૂછ રાખવી તો કેવી રાખવી, કેટલી લાંબી રાખવી, ને દાઢી રાખવી હોય તો, સાવરણી જેવી રાખવી કે ‘સેવિંગ-બ્રશ’ ના જેવી રાખવી વગેરે નિર્ણયો લેવાના અધિકાર પોત-પોતાના છે..! ફલાણાએ દાઢી મૂછ કેમ નથી રાખી, એ માટે FIR નહિ નોંધાવાય..! કોઈને દાઢી કે મૂછ ફણગા કાઢતી જ નહિ હોય તો એના માટે બાધા-આખડી નહિ રખાય..! કુદરતની મરજી, એ માણસને પણ દાઢી-મૂછ આપે, ને વધારે પડતાં દયાવાન થઇ જાય તો સ્ત્રીને પણ આપે..! કુદરતની સામે ડખા કે દંગલ નહિ કરાય..!

કહેવત માં તો છડેચોક લખ્યું છે કે, ‘મરદ મુછાળો સારો ને બળદ પુંછાળો સારો, પણ પુંછ વધારવા કે પુંછડાની ડીઝાઈન શોધવા માટે બળદ google ની મદદ લેતો નથી. પુંછડું ઉગ્યું તો ઉગ્યું નહિ તો જય શ્રી હરિ..! ત્યારે માણસને એવું નહિ, દાઢી-મૂછ નહિ વધે તો ટેન્શનમાં આવી જાય..! દાઢી-મૂછની જમાવટ થવી એ કુદરતની કરામત છે, હિમંતનું કામ છે. જ્યાં છુટ્ટા હાથની મારામારી થતી હોય, ટાંટીયા ખેંચની પ્રવૃતિનો દમદમો ચલણમાં હોય, ત્યાં દાઢી કે મૂછનું રોપાણ કરવું પણ અઘરું છે દાદૂ..! પગ ખેંચવાની આદત પડી હોય, એ ક્યારે દાઢી-મૂછ ખેંચે એ નક્કી નહિ. એ માટે અંધશ્રદ્ધા રખાય જ નહિ કે, એ મારી મૂછ કે દાઢી ખેંચીને મારામારી કરવાનો નથી. દાઢી-મૂછને ચોઘડિયા નડતા નથી. બીજી એક કહેતી એવી છે કે, “મૂછે હો તો નથ્થુલાલ જૈસી, વરના ના હો તો અચ્છી..!’ ‘નાણા વગરનો નાથિયો નાણે નાથાલાલ’ જેટલું જ આ વિધાન વિખ્યાત છે..! નથ્થુલાલની કોઈ બાયોગ્રાફી મારી પાસે નથી. માત્ર મારા સાંભળવામાં છે, બાકી જોવામાં પણ નથી. પણ ગુરુત્વાકર્ષણનો નિયમ શોધવામાં જેમ ન્યુટન વિખ્યાત થઇ ગયેલા, એમ નથ્થુલાલ એની મૂછથી પ્રખ્યાત થઇ ગયેલા. કહેવાય છે કે, તાજમહાલ જોવા નહિ મળે તો વાંધો નહિ, પણ નથ્થુલાલની મૂછને જોવી પણ એક અજાયબી ગણાતી. એ સિવાયના કોઈ નથ્થુભાઈ કે નથ્થુલાલને હજી સુધી મૂછની બાબતમાં ખ્યાતિ મળી હોય એવું સાંભળવામાં નથી. બનવા જોગ છે કે, ‘બળદની પૂંછ ને મરદની મૂછ’ ની કહેતી ત્યારથી શાનદાર બની હોય..! એની મૂછ જોયા પછી વગર મૂછાળાને પણ એકવાર તો થાય કે, મૂછ રાખવી એ આલિયા-માલિયા નું કામ નથી.! મન ચંગા તો મુંહ પે દાઢી મૂછકા દંગા..!
દુનિયામાં માત્ર ‘MISS WORLD’ કે ‘MISS INDIA’ ની જ સ્પર્ધા થાય છે એવું માનવું નહિ. જર્મનીમાં એકવાર મૂછો રાખવાની સ્પર્ધા થયેલી. જેમાં અનેક મુછાળા નથ્થુલાલો ભાગ લેવા આવેલા. મૂછ એટલે મર્દાનગીનું લાઈસન્સ..! મૂછ રાખીને નથ્થુલાલ બનવું કે, વગર મૂછાળા નાથુભાઈમાં રહેવું એ દરેક માણસનું મન નક્કી કરે. મગજનું એમાં કંઈ ઉપજતું નથી. સવાલ પ્રેમ અને વ્હાલનો છે..! અમુક લોકો તો ઘરવાળી કરતાં પણ મૂછને એટલો વ્હાલ કરતાં હોય કે, ઘરવાળીને તાવ આવતો હોય તો ચિંતા નહિ કરે, પણ મૂછ ઉપર તાવ દેવાનું નહિ ચૂકે..! પછી તો જેવી જેવી મૂછ ને જેવી જેવી ઘરવાળી..!

કોની ગાય કોનું ખાય હાંકે એનું નખ્ખોદ જાય એમ, આખો ઇલાકો મોંઢાનો હોવાં છતાં, મોઢા ઉપર દાઢી-મૂછનું અતિક્રમણ થાય છતાં મોંઢાએ મૌન પાળવાનું. મન માણસને જેવું મંતરે, તેવું માણસ અનુસરે..! દાઢી-મૂછનાં વાવેતરથી અમુકના ચહેરા ખીલી ઉઠે, ત્યારે અમુકના ચહેરા તો એવાં ભયાવહ લાગે કે, એનો ફોટો પાડીને ઘોડીએ બાંધવાથી રડતું છોકરું પણ શાંત થઇ જાય..! લોકો એમનો ફોટો લેવા પડાપડી કરે. હોઠના ઉપલાં ભાગે મૂછ અને નીચલા ભાગે દાઢીનું વાવેતર કરી રીતસરની આડેધડ ‘બાલ-વાડી’ ઉભી કરીને, જાહેર ‘encroachment ‘ કર્યું હોય એવું લાગે..! ‘બાલ-વાડી’ ને બદલે મોંઢા ઉપર મધમાખી ઉછેર કેન્દ્ર ખોલ્યું હોય તો, બે પૈસા ફાયદો પણ થાય..! શું કહો છો રતનજી..? જો કે પોત-પોતાની મિલકતમાં કોઈ ગમે તે સુધારો વધારો કરે, એમાં આપણાથી ચંચુપાત નહિ થાય. દાઢી-મૂછ રાખવાથી જ કોઈનો મોભો વધતો હોય તો, એની કદર કરી લેવાની. એવાં પણ ઘણા ‘નથ્થુલાલ’ હશે કે જે પોતાના નામ કરતાં પોતાની દાઢી-મૂછની ડિઝાઈનથી જ વધારે ઓળખાતા હોય. મારો મિત્ર દલપત. એની દાઢીથી જ વધારે ઓળખાતો હોવાથી, કંકોત્રીમાં પણ ‘દલપત-દાઢી’ લખવું પડેલું. ને મોહનભાઈ મૂછથી જ વધારે ખ્યાતનામ હોવાથી, એના વરઘોડા વખતે લોકો એમ બોલેલા કે, ‘જુઓ મોહન-મૂછની જાન ચાલી..! જો કે, એવણની દાઢી-મૂછની ડીઝાઈન જ એવી કે, ઓળખ માટે આધાર-કાર્ડની જરૂર જ નહિ પડે. દાઢી-મૂછ જ એની ઓળખ ..!
તકલીફ સાલ્લી ત્યાં આવે કે, જેને સેકેલો પાપડ ભાંગવા પણ મજુર ભાડે કરવો પડે, એ જ્યારે ઠાઠવાળી મૂછ રાખે ત્યારે ભારે દુખ થાય. ચંબલની ખીણમાં જઈને ભડાકે દેવાનો ધંધો કરતો હોય, ને મલ્લ મૂછ રાખે, તો સમજી શકાય કે, યુનિફોર્મ જાળવવા બધું કરવું પડે. પણ પહાડી બાંધો હોય, ભરાવદાર ને જાજરમાન મૂછના આંકડા ડોકાં કાઢતાં હોય, પણ બોલે ત્યારે બંગડીનો રણકાર નીકળતો હોય ત્યારે એમ થાય કે, સિંહે ગળામાં 'સ્ટેન્ટ' મુકાવ્યો કે શું..? ભરાવદાર મૂછ સાથે ભરાવદાર અવાજ હોય તો જ ‘મેચિંગ’ જામે. દેખાવે ભલે ભયાનક હોય, પણ બોલવામાં ‘દશકા દમ’ નહિ હોય તો, કુપાત્રે દાઢી-મૂછ ચોંટી હોય એવું લાગે..! બાકી દેખાવ જોઇને તો ભલભલાની એકવાર કબજીયાત મટી તો જાય..! બે ઘડી તો આપણને પણ એમ થાય કે, ભાઈના ઉપલા હોઠ ભરાવદાર મૂછનું વજન ખમતા હશે ખરાં..? ઉપલા હોઠની દયા આપણને આવે, પણ એ મોજીલો મૂછનો ભારો લઈને જ ફરતો હોય..!
અલબત મૂછ એ મર્દાનગીની શાનનું પ્રતિક છે. પણ મચ્છર સાથે જેણે ક્યારેય મારામારી કરી ના હોય, પોતે ઘસઘસાટ સુતો હોય ને શરીર ઉપર કુતરા કબડ્ડી રમી જતા હોય, એ વખતે મૂછનો મલાજો ભાંગે, એ નહિ જોવાય મામૂ..! આવી વ્યક્તિ ચંબલની ખીણને બદલે કોઈ સોસાયટીમાં રહીને જ મોભો પાડે ત્યારે જાજરમાન મૂછનું મુલ્ય જળવાતું નથી. આશ્ચર્ય તો એ વાતનું થાય કે, ફૂટપટ્ટીનો ભાર વેઠવા પણ જેના હાથ અસમર્થ હોય, એ મલ્લ મૂછ રાખીને કોને ડરાવવા માંગતો હશે..? એના મૂછ-દર્શનથી એની વાઈફ પણ ડરતી હશે ખરી..? કોઈના પ્રસંગમાં જઈએ ત્યારે જાજરમાન મૂછ જોઇને કોઈ અંજાય જાય એટલું જ, બાકી ભીંજાય તો નહિ જ મામૂ..!’

લાસ્ટ ધ બોલ

વાળંદે રતનજીને પૂછ્યું કે ‘ તમારી મૂછ રાખવાની કે કાઢી નાંખવાની?

રાખવાની..!

વાળંદે ધડ દઈને મૂછને કાપી નાંખી, ને રતનજીના હાથમાં પકડાવી દીધી. અને કહ્યું, ‘લ્યો રાખો..!’
તારા કપાળમાં કાંદા ફોડું..!
--------------------------------------------------------------------------------------------------------------------------------------------------