Runanubandh - 15 in Gujarati Motivational Stories by Falguni Dost books and stories PDF | ઋણાનુબંધ - 15

Featured Books
  • નિતુ - પ્રકરણ 64

    નિતુ : ૬૪(નવીન)નિતુ મનોમન સહજ ખુશ હતી, કારણ કે તેનો એક ડર ઓછ...

  • સંઘર્ષ - પ્રકરણ 20

    સિંહાસન સિરીઝ સિદ્ધાર્થ છાયા Disclaimer: સિંહાસન સિરીઝની તમા...

  • પિતા

    માઁ આપણને જન્મ આપે છે,આપણુ જતન કરે છે,પરિવાર નું ધ્યાન રાખે...

  • રહસ્ય,રહસ્ય અને રહસ્ય

    આપણને હંમેશા રહસ્ય ગમતું હોય છે કારણકે તેમાં એવું તત્વ હોય છ...

  • હાસ્યના લાભ

    હાસ્યના લાભ- રાકેશ ઠક્કર હાસ્યના લાભ જ લાભ છે. તેનાથી ક્યારે...

Categories
Share

ઋણાનુબંધ - 15

પ્રીતિ અને અજયની નજર હવે મળી હતી. પ્રીતિએ જોય તો લીધું પણ શરમના લીધે જોયું ન જોયું અને નજર નીચે કરી ગઈ, પાણી લઇ લો, એટલુ પ્રીતિ અજયને બોલી, પણ અવાજ અદંર જ રહ્યો ફક્ત હોઠ જ ફફડ્યા, અને અજયની નજર એ શબ્દોથી ઉચ્ચારણના લીધે કંપી રહેલ હોઠ પર પડી, અને એ હળવા શબ્દો અજય સાંભળી ગયો હોય એમ એ પાણીનો ગ્લાસ લઇ લે છે.

પ્રીતિ બધાના ખાલી ગ્લાસ લઇને અંદર જતી રહે છે. કાચના ગ્લાસ એકબીજાને સેજ અડકવાથી આવતા અવાજથી ત્યાં હાજર બધાને ખ્યાલ આવી જ ગયો કે, પ્રીતિના હાથ સહેજ ધ્રુજી રહ્યા છે.

પ્રીતિ જેવી રસોડામાં પહોંચી કે એને હાશકારો થયો, એને ડર હતો કે ક્યાંક ગ્લાસ હાથમાંથી પડી ન જાય! પ્રીતિએ પોતે પણ પાણી પીધું પછી જ એને શાંતિ થઈ હતી. ક્ષણિક નજરમાં અજય ને જોયો એન પ્રીતિ ગભરાઈ ગઈ તો એ વાત કેમ કરશે એજ ડર એને હાવી કરી રહ્યો હતો.

હોલમાં બેઠા બધા એકબીજાને પોતાનો પરિચય આપી રહ્યા હતા. તો વળી, કોઈક જોબની, ભણતરની અને અન્ય સગાવ્હાલાની ઓળખ પર પણ ચર્ચા કરી રહ્યા હતા. પરેશભાઈએ અજય સાથે અમુક વાતો કરી, એ વાર્તાલાપથી પરેશભાઈ એટલું તો સમજી જ ગયા કે, અજય સ્પષ્ટ વક્તા છે, એને કોઈ દેખાડો પસંદ નથી. અજયનો આ ગુણ પરેશભાઈને પણ પસંદ આવી ગયો. બસ, સારો દેખાવ અનુકૂળ ભણતર, પ્રતિષ્ઠિત પરિવાર અને ગુણિયલ વ્યક્તિત્વ હોય એ થી વિશેષ સારું બીજું શું હોય શકે? પરેશભાઈએ પણ અજયને પસંદ કરી જ લીધો હતો. રહી વાત સૌમ્યાની તો એ વહેવારીક બાબત તો શું જાણે, મળતાવડો સ્વભાવ હોય એટલે ગમે! ટૂંકમાં કહીએ તો અજય આટલી ઓળખમાં પસંદ જ હતો. બધા વાતો કરતા હતા, એટલી વારમાં પ્રીતિ ચા લઈને આવી ગઈ હતી. પ્રીતિને હજુ મનમાં એટલો જ ઉત્પાત થઈ રહ્યો હતો. બધાને ચા આપીને અજયને ચા આપવા ગઈ કે, હવે પ્રીતિથી ચા થોડી ઢોળાઇ જ ગઈ! એક તો પ્રીતિ ગભરાતી હતી અને અજય ને ચા આપતા જ ચા સહેજ ઢોળાઈ હવે એ વધુ ગભરાઈ ગઈ હતી. સીમાબેન પ્રીતિની હાલત સમજી જ ગયા. એમણે પ્રીતિને આશ્વાસન આપતા કહ્યું, કઈ વાંધો નહીં એ તો થાય! પ્રીતિને એમના શબ્દોથી થોડી રાહત થઈ હતી. હવે પ્રીતિ બધાની સાથે હોલમાં બેઠી હતી. પ્રીતિ પણ થોડી ઘણી વાતોમાં સાથ પુરાવી રહી હતી. સીમાબેનને પણ પ્રીતિની નિખાલસતા પસંદ આવી જ ગઈ હતી. ભાવિની અને હસમુખભાઈએ તો ફક્ત ફોટો પરથી જ પ્રીતિને પસંદ કરી જ લીધી હતી. સીમાબહેને પ્રીતિને પસંદ કરી એટલે અજય મમ્મીની વાતને જ માન્ય રાખે એવો સીમાબહેનને આત્મ વિશ્વાસ હતો. એમણે તો પ્રીતિને વહુ તરીકે દીકરાને કઈ જ પૂછ્યાવીના જ અપનાવી લીધી હતી.

સાગરભાઈએ હવે બધા વચ્ચે એક પહેલ મૂકી, એમણે પ્રીતિ અને અજયને બીજા રૂમમાં બેઠક કરાવવાની ભલામણ કરી હતી. કુંદનબેને તરત જ બીજા રૂમમાં એ બંનેને બેસાડ્યા હતા.

પ્રીતિ અને અજય જે ક્ષણની રાહ જોઈ રહ્યા હતા એ ક્ષણ આવી જ ગઈ, બંનેનો પહેલો અનુભવ હતો આથી બંને થોડો સંકોચ અનુભવી રહ્યા હતા. બંને એકબીજાની સામે બેસી શકે એમ ખુરશીઓ ગોઠવી હતી. પ્રીતિ પોતાની નજર નીચે રાખીને બેઠી હતી. વાતની શરૂઆત અજયે કરી હતી.

' તમારી કોલેજ તમે અહીંથી જ કરી કે ક્યાંય બહાર થી ગ્રેજ્યુએશન કર્યું છે?' અજયે પૂછ્યું.

'ના..ના. હું વિદ્યાનગર હતી. મેં ત્યાંથી ગ્રેજ્યુએશન કર્યું છે. તમે ક્યાંથી કર્યું છે?' પ્રીતિએ સામો પ્રશ્ન પૂછી જ લીધો હતો.

'મેં કરમસદથી MBBS કર્યું છે. એ પત્યા બાદ મેં એક વર્ષ બરોડા મેડિકલ ઓફીસરની જોબ કરી હતી. અને મારા નસીબે સાથ આપ્યો તો ત્યાંથી જ ભાવનગર મેડિકલ ઓફિસર તરીકે મને ટ્રાન્સફર મળી ગઈ હતી. થોડા સમયમાં કોલેજ પ્રોફેસરની પરીક્ષા આપી તો એમાં પાસ થઈ ગયો અને ભાવનગરમાં જ પ્રોફેસર તરીકે જોબ કરવા લાગ્યો હતો.' અજયે વિસ્તારથી વાત જણાવતા કહ્યું હતું.

'ઓહહ.. તો તમારે ખુબ મુશ્કેલીનો સામનો કરવો પડ્યો!' પ્રીતિએ અજયની વાતને સંબોધી કહ્યું હતું.

'અરે વાત ન પૂછો, અત્યારે તો સારું છે પણ મેડિકલ ઓફિસર તરીકે હતો ત્યારે તો જમવાનો સમય પણ નહોતો રહેતો. મિટિંગ, સેમિનાર, ટ્રેનિંગ, કોન્ફરન્સ એક પછી એક આખો દિવસ એટલું ટાઈટ શેડ્યુલ રહેતું કે ખુબ થાક પણ લાગતો હતો. અને જમવાનો સમય પણ ન રહેતો. તમને શેનો શોખ છે?' અજયે હવે ટોપિક બદલતા પૂછ્યું હતું.

'મને મુવી જોવાનો, ડાન્સનો અને લખવાનો શોખ છે. તમને શેનો શોખ છે?' પ્રીતિએ પણ પૂછ્યું હતું.

'મને આમતો કોઈ શોખ નથી પણ કાર ડ્રાઈવ કરવી ગમે. લોન્ગ ડ્રાઈવ પર જવું ગમે.' ટૂંકમાં જ અજયે જવાબ આપ્યો હતો.

'હમ્મ..' ના ટૂંકા જવાબ સાથે પ્રીતિએ નજર અજય તરફ કરી હતી.

'અમારા ઘરે હું અને બેન જ આખો દિવસ હોઈએ છીએ, મમ્મી તો રજામાં જ આવે અને પપ્પા સવારે જાય તો સાંજે ઘરે આવે છે આથી કામનો ભાર રહે.' ફરી વાત બદલતા અજયે કહ્યું હતું.

'હા, કામ તો હોય જ ને! એ તો દરેક ઘરે રહેવાનું. એ તો હું સમજી શકું છું.' આમ પ્રીતિએ પણ અજયની વાતને સહમતી આપી.

અજય અને પ્રીતિએ સામાન્ય વાતો થકી આ મુલાકાતને અહીં પુરી કરી હતી. બંને રૂમની બહાર આવ્યા ત્યારે પહેલા કરતા બંન્ને થોડા હળવા થયા હતા. જે એક ડર મનમાં હતો એ દૂર થઈ ગયો હતો.

હોલમાં પ્રવેશતા જ બધાની નજર અજય અને પ્રીતિ પર પડી હતી. સૌમ્યાતો પ્રીતિ અને અજયના હાવભાવ જ જોઈ રહી હતી. એટલું ધ્યાનથી જોતી હતી કે, પછી પ્રીતિની બરાબર એ મજાક કરી શકે. હા, મહેમાનની હાજરીમાં નોર્મલ જ રહેતી હતી. પણ મનમાં તો એને એટલી બધી કુતુહલ થતી હતી કે, આ મહેમાન જાય એની જ રાહ જોતી હતી.

કુંદનબેને ડાયઇનિંગ ટેબલ તૈયાર રાખ્યું હતું. બધાએ સાથે બેસી ભોજન કર્યું અને જતા જતા સીમાબેને તો પ્રીતિ અમને પસંદ છે એ જવાબ આપી જ દીધો હતો. અને આવતા રવિવારે પોતાને ઘરે આવવાનું આમંત્રણ પણ આપી દીધુ હતુ. સહહષૅ એ લોકો પોતાને ઘેર જવા પરત ફર્યા હતા.

પ્રીતિના ઘરેથી નીકળીને થોડે આગળ જતા હસમુખભાઈ બોલ્યા, 'સાગરભાઈ તમે ખુબ સરસ પ્રીતિનો પ્રસ્તાવ અમારી સમક્ષ લાવ્યા છો. ખુબ સરસ પરિવાર છે. પ્રીતિ ખુબ સંસ્કારી હોય એવું એની હાલચાલ પરથી જાણી શકાય છે.'

સાગરભાઈએ કહ્યું, આ તો બધું જ પ્રભુની મરજી હોય એમ જ થાય, હું નિમિત માત્ર છું.'

સીમાબેન પણ બોલ્યા, ' આમ નિમિત બનવું એ પણ અમારે માટે તો સર્વશ્રેઠ જ વાત થઈ ને!'

હસમુખભાઈ બોલ્યા, 'આ તમારું અમારે પર ઋણ રહ્યું.' હસમુખભાઈ હજુ બોલી જ રહ્યા હતા ત્યાં જ એમના મોબાઈલમાં રિંગ રણકી હતી. મોબાઈલ પર નામ 'જીગ્નેશભાઈ' લખેલું વાંચ્યું. હસમુખભાઈ તરત જ વિચારવા લાગ્યા કે આ એક વર્ષ પછી આમનો ફોન આજ કેમ આવ્યો હશે? હસમુખભાઈ હજુ વિચારી જ રહ્યા હતા કે, ફોન ઉપાડું કે નહીં ત્યાં જ આખી રિંગ પુરી થઈ ગઈ હતી.

સીમાબેન તરત બોલ્યા કે, 'કોનો ફોન હતો? ફોન કેમ ન ઉપાડ્યો?'

હસમુખભાઈએ કહ્યું, 'ફોન જીગ્નેશભાઈનો હતો. ફોન ઉપાડું કે નહીં એવિચારમાં હતો ત્યાં રિંગ પુરી થઈ ગઈ હતી.'

અજયના કાન જીગ્નેશભાઈ ના નામથી તરત ચમક્યા. એને તરત સંજના વાળી વાત યાદ આવી.

શું થશે અજય અને પ્રીતિની રવિવારે અજયના ઘરે ફરી બેઠક?
શું હશે સંજના અને અજયનો ભુતકાળ?
શું પ્રીતિને થયેલ પ્રેમની અનુભૂતિ જીતશે કે આવશે અનેક તકલીફો?જાણવા જોડાયેલ રહો 'ઋણાનુબંધ' સાથે.

મિત્રો તમારો સાથ અને પ્રતિભાવથી મળતો પ્રતિસાદ લેખન લખવા મને ખુબ પ્રોતસાહિત કરે છે. સાથ આપતા રહેશો અને પ્રતિભાવ પણ અવશ્ય આપજો. જય શ્રી રાધેકૃષ્ણ🙏🏻