Two short stories in Gujarati Short Stories by Shwetal Patel books and stories PDF | બે લઘુવાર્તાં

Featured Books
  • પિતા

    માઁ આપણને જન્મ આપે છે,આપણુ જતન કરે છે,પરિવાર નું ધ્યાન રાખે...

  • રહસ્ય,રહસ્ય અને રહસ્ય

    આપણને હંમેશા રહસ્ય ગમતું હોય છે કારણકે તેમાં એવું તત્વ હોય છ...

  • હાસ્યના લાભ

    હાસ્યના લાભ- રાકેશ ઠક્કર હાસ્યના લાભ જ લાભ છે. તેનાથી ક્યારે...

  • સંઘર્ષ જિંદગીનો

                સંઘર્ષ જિંદગીનો        પાત્ર અજય, અમિત, અર્ચના,...

  • સોલમેટસ - 3

    આરવ રુશીના હાથમાં અદિતિની ડાયરી જુએ છે અને એને એની અદિતિ સાથ...

Categories
Share

બે લઘુવાર્તાં

(૧) ચૂપ
બેહોશ હાલતમાં વાસંતીબા પથારીમાં પડ્યાં હતાં, આખો પરિવાર ચિંતામગ્ન ચહેરે તેમના પલંગની આસપાસ વીંટળાયો હતો.પતિ,દીકરો-વહુ, દીકરી-જમાઈ અને તેમના સંતાનો,વાસંતી બાનો હર્યોભર્યો પરિવાર હતો અને અત્યારે દરેક કુટુંબીજન બાના રૂમમાં ચિંતા સાથે ભેગા થઈ ગયા હતા. રૂમમાં અકળાવનારી શાંતિ હતી.અચાનક એ શાંતિને ચિરતો વાસંતી બાનો બડબડાટ સૌને ચોંકાવી ગયો. કોઈક ધીમે થી બોલ્યું"બાને સનેપાત ઉપડ્યો લાગે છે."સૌ સાંભળવાની કોશિશ કરવા લાગ્યા."ચૂપ...વાસંતી.. લો થ..ઈ ગ..ઈ ચૂપ... પણ મારું મ...ન મ ન ચીસો પા..ડે છે...કે'વુ છે.. મારે પણ ઘણું બધું કે'વુ છે...."ધીમા અવાજે બા જે તૂટક તૂટક વાક્યો બોલતા હતા તે સાંભળીને તેમની એકદમ નજીક ઉભેલા પપ્પાનો ચહેરો ફીક્કો પડવા માંડ્યો.પપ્પાને યાદ આવ્યા એ દિવસો કે જ્યારે વાસંતીબેન પરણી ને એમના ઘરમાં વહુ બનીને આવ્યા હતા.ઘર છે એટલે બે વાસણ ખખડે પણ ખરા પણ ઘરમાં શાંતિ જળવાઈ રહે તે માટે તેમણે આંખો કાઢીને વાસંતીને ચૂપ રહેવાનો આદેશ આપ્યો હતો એ બધા જ પ્રસંગો યાદ આવ્યા,આ મારાથી શું થઈ ગયું? મને સહેજ પણ એહસાસ કેમ ન થયો કે એણે બોલવાનું સાવ ઓછું કરી નાખ્યું છે... બબડતાં બબડતાં પપ્પા આંખમાં આંસુ સાથે ધીમે ધીમે રૂમની બહાર નીકળી ગયા.બાનો વલોપાત વધ્યો,થોડા જોરથી ઊંડા શ્વાસ લેતા તેધીમા તૂટતાં અવાજે બબડતા હતાં "મમ્મી તું હવે બોલવાનું બંધ કર,જોયું માનસીને કેવું ખોટું લાગ્યું છે તે? માં નો બડબડાટ સાંભળી દીકરાને યાદ આવ્યું કે નાનપણ માં અડધી રાત્રે તેને ઊંઘ નહોતી આવતી ત્યારે તે માં ને ઊંઘમાંથી ઉઠાડીને વાત કરવાનું કહેતો અને મમ્મી તેની સાથે જુદા જુદા વિષય પર કેટલી બધી વાત કરતી, પણ એ દિવસે તેણે કહ્યું" મમ્મી તું હવે બોલવાનું બંધ કર"...પછી મમ્મી સાવ મૂંગી જ થઈ ગઈ હતી... ભાગ્યે જ તેની સાથે કોઈ વાત કરતી...ઓહ, મેં મારી મા સાથે કેટલો મોટો અન્યાય કર્યો,એમ કહેતા કહેતા દીકરો માની પથારી પાસે ફસડાઈ પડ્યો.એ જ હાલત દીકરીની હતી તેને યાદ આવ્યું કે નણંદની ઠેકડી ઉડાવતાં માં એ તેને રોકી તો ગુસ્સામાં તેણે માં સાથે બોલવાનુ જ બંધ કરી દીધું હતું.મમ્મી ફોન પર કેટલા કાલાવાલા કરતી પણ તેની રીસ ઉતરી જ નહીં.ઓહ મમ્મી હું તારી ગુનેગાર છું કહેતા તે ધ્રુસકે ચડી. માનસીની પણ એવી જ હાલત હતી.બધ્ધાનાં મન માં એક જ વાત હતી કે વાસંતીબા એ ઘરમાં શાંતિ જળવાય તે માટે કેટલી બધી વાતો પોતાના મનમાં ધરબી દીધી. કાશ એ ત્યારે બોલ્યા હોત અથવા અમે બોલવા દીધા હોત તો.. બધાનાં મન અશાંત હતાં અને તેમને એમ જ છોડીને વાસંતીબા ચીર શાંતિની આગોશમાં સમાઈ ગયા.
©શ્વેતલ પટેલ


(૨)ઉપહાર
એની આંખો મોબાઇલ સ્ક્રીન પર જાણે ચોટી ગઈ. એકનો એક વિડીયો તેણે વારંવાર પ્લે કરીને કંઈ કેટલીય વાર જોઈ નાખ્યો.એની આંખોમાં આંસુ ઉભરાયા જે અટકવાનું નામ જ લેતા નહોતા. આંસુથી ધુંધળી બની ગયેલ દ્રષ્ટિ સાથે તેણે ફરી એકવાર મોબાઈલ સ્ક્રીન પર નજર કરી વિડિયો પ્લે કર્યો. લાકડી ના ટેકે ડગુમગુ ચાલતો લગભગ 90 વર્ષનો ભાઈ વ્હીલચેર પર બેઠેલી તેનાથી બે ત્રણ વર્ષ નાની બહેનને વર્ષો પછી મળ્યો અને સ્નેહની જે સરવાણી ફૂટી તેની છાલક વીડિયો સ્ક્રીન પરથી સી....ધ્ધી.... તેના હૃદય પર ઝીલાય અને આંસુ બનીને અવિરત ધારે તેની આંખમાંથી વહી રહી. એ આંસુએ તેના મન પર વર્ષોથી જામેલી કડવાશ ધોઈ નાખી. "નીકી ઓ નીકી જો હું તારા માટે શું લાવ્યો?" "ભાઈ આ બોર તો મને બહુ જ ભાવે"
"એટલે જ તો લાવ્યો છું" નિકિતાને યાદ આવ્યું બાળપણમાં ભાઈ એનું કેટલું ધ્યાન રાખતો, ભાઈ સાથે કેટલું સરસ બાળપણ વિતાવ્યું હતું. પણ હવે તો ભાઈ સાથે,બોલવાનો પણ સંબંધ નથી રહ્યો. કેટલા વર્ષો થયા હશે? લગભગ દસેક વર્ષ... પપ્પા તો એના લગ્ન થયા ને થોડા વર્ષમાં જ આ દુનિયા છોડીને ચાલ્યા ગયેલા અને મમ્મી દસેક વર્ષ પહેલા... શી ખબર મમ્મી પપ્પા અમારા ભાઈ બેન ને જોડવાની કડી હશે ,તે મમ્મીની વિદાય પછી બે જ દિવસમાં ભાઈ સાથે કાયમી અબોલા થઈ ગયા. તે રિસાઈને સાસરે આવી ગઈ પછી પાછું વળીને એણે જોયું જ ક્યાં હતું? ભાઈ,શું કરતો હશે? મને યાદ કરતો હશે? એ તો મોટો હતોને?એણે તો વાત કરવી જોઈતી હતી...એ વળી કરતો હશે વાત, હું જાણું ને એ પહેલેથી જ એવો વટ નો કટકો. પણ વાંક મારો પણ તો હતો.મારે માફી માંગી લેવી જોઈતી હતી. વિચારમાં ને વિચારમાં એ ક્યાંય સુધી બેસી રહી અચાનક ફોનની ઘંટડી વાગી અને એ તંદ્રામાંથી જાગી. સ્ક્રીન પર નિહારભાઈ વાંચીને એ ચોંકી...અરે આ વિડીયો મેં ક્યારે નિહારભાઈ ને
ફોરવર્ડ કર્યો? આશ્ચર્ય પામતા તેણે ફોન લીધો... સામે છેડે થી સ્નેહભીનો અવાજ આવ્યો નિકી... મારી નીકુડી... કેટલા બધા વર્ષો પછી આજે તને ભાઈ યાદ આવ્યો? સાંભળીને નિકિતા "ભાઈ...." એટલું તો માંડ માંડ બોલી શકી. બંનેના ગળે ડૂમો બાઝ્યો... ભાઈ બહેન થોડીવાર કશું જ બોલી શક્યા નહીં પછી નિકિતાએ ગળગળા સ્વરે કહ્યું "ભાઈ મને માફ કરી દો.ઉંમરના આ પડાવે મને સમજાય છે કે આપણા સહોદર, આપણા ભાઈ બહેન જ,માતા પિતા તરફથી આપણને મળેલ સૌથી મૂલ્યવાન ઉપહાર છે.એની તોલે કશું જ ન આવે." એય.. નિકી તું આટલી ડાહી ક્યારથી થઈ ગઈ હં...બોલ મારા ઘરે ક્યારે આવે છે?" "બસ મને પાંખો આવે એટલી જ વાર...."અને બંને ખડખડાટ હસી પડ્યા.
©શ્વેતલ પટેલ