Raamnaam - 4 in Gujarati Fiction Stories by Mahatma Gandhi books and stories PDF | રામનામ - 4

Featured Books
  • નિતુ - પ્રકરણ 64

    નિતુ : ૬૪(નવીન)નિતુ મનોમન સહજ ખુશ હતી, કારણ કે તેનો એક ડર ઓછ...

  • સંઘર્ષ - પ્રકરણ 20

    સિંહાસન સિરીઝ સિદ્ધાર્થ છાયા Disclaimer: સિંહાસન સિરીઝની તમા...

  • પિતા

    માઁ આપણને જન્મ આપે છે,આપણુ જતન કરે છે,પરિવાર નું ધ્યાન રાખે...

  • રહસ્ય,રહસ્ય અને રહસ્ય

    આપણને હંમેશા રહસ્ય ગમતું હોય છે કારણકે તેમાં એવું તત્વ હોય છ...

  • હાસ્યના લાભ

    હાસ્યના લાભ- રાકેશ ઠક્કર હાસ્યના લાભ જ લાભ છે. તેનાથી ક્યારે...

Categories
Share

રામનામ - 4

(4)

૧૯. રામનામ અને નિસર્ગોપચાર

બીજી બધી બાબતોની માફક કુદરતી ઉપચારનો મારો ખ્યાલ પણ ક્રમે વિકાસ પામતો ગયો છે. વળી વરસોથી હું માનતો આવ્યો છું કે માણસ પોતાના અંતરમાં ઇશ્વરના પ્રત્યક્ષ વાસનો અનુભવ કરતો હોય અને એ રીતે તેણે કામક્રોધાદિ ઇન્દ્રિયોના આવેગો વિનાની જીવનની દશા સિદ્ધ કરી હોય તો લાંબા આયુષ્યની આડે આવતા સર્વ અંતરાયોને તે ઓળંગી જાય. જીવનના અવલોકનને તેમ જ ધર્મશાસ્ત્રોના વાચનને આધારે હું એવા ચોક્કસ અનુમાન પર આવ્યો છું કે ઇશ્વરની અદૃશ્ય સત્તા વિશે માણસની પૂરેપૂરી શ્રદ્ધા બેસે અને તે કામક્રોધાદિ આવેગોથી મુક્ત થાય ત્યારે તેના શરીરનું અંદરથી રૂપાન્તર થાય છે. માત્ર ઇચ્છા રાખવાથી આ દશા સિદ્ધ થઇ જતી નથી. એ સિદ્ધિને માટે અખંડ જાગૃતિ અને અભ્યાસની જરૂર છે. અને અખંડ જાગૃતિ તેમ જ કઠોર અભ્યાસ છતાંય ઇશ્વરની કૃપા માણસ પર ન ઊતરે ત્યાં સુધી તેની બધીય કોશિશ મિથ્યા નીવડે છે.

છાપાનો હેવાલ, ૧૨-૬-૧૯૪૫

૨૦. કુદરતી ઉપચાર

કુદરતી ઉપચાર એટલે એવા ઉપચાર અથવા ઇલાજ કે જે મનુષ્યને સારુ યોગ્ય હોય. મનુષ્ય એટલે મનુષ્યમાત્ર. મનુષ્યમાં માનવી શરીર તો છે; ઉપરાંત તેમાં મન છે, અને આત્મા પણ છે. તેથી સાચો કુદરતી ઉપચાર રામનામ જ છે. તેથી જ રામબાણ શબ્દ નીકળ્યો છે. રામનામ એ રામબાણ ઇલાજ. એ વિના થોથાં. મનુષ્યને માટે કુદરતે એ જ યોગ્ય ધાર્યો છે. ગમે તે વ્યાધિ હોય, જો માણસ હ્ય્દયથી રામનામ રટે તો તે વ્યાધિ નષ્ટ થવો જોઇએ. રામનામ એટલે ઇશ્વર, ખુદા, અલ્લાહ, કે ‘ગૉડ’. ઇશ્વરનાં ઘણાં નામ છે એમાંથી જેને જે ઠીક લાગે તે લે; તેમાં હાર્દિક શ્રદ્ધા હોવી જોઇએ. તેના પુરાવારૂપે તેની સાથે પ્રયત્ન હોવો જોઇએ.

તે કેમ કરાય એમ કોઇ પૂછે તો જે પાંચ તત્ત્વોનું મનુષ્યશરીર બનેલું છે તેમાંથી માણસ ઇલાજ શોધે. એ પાંચ તત્ત્વો પૃથ્વી, પાણી, આકાશ, તેજ ને વાયું છે. આ પાંચ તત્ત્વોમાંથી જે ઉપચાર મળી શકે તે કરવા. તેની જ સાથે રામનામ પણ ચાલુ રહે. આનો અર્થ એ થયો કે બધું હોવા છતાં શરીરનો નાશ થાય તો થવા દેવો. એવો મનુષ્ય હર્ષપૂર્વક શરીર છોડી દે. દુનિયામાં એવો ઉપાય નથી મળ્યો જેથી શરીર અમર બની શકે, અમર માત્ર આત્મા છે. તેને કોઇ હણી ન શકે. તેની આસપાસ શુદ્ધ વાયુમંડળ રચવાનો પ્રયત્ન સહુ કોઇ કરી શકે. આવો પ્રયત્ન કુદરતી ઉપચારને સહેજે મર્યાદિત કરે છે, પછી માણસ મોટી ઇસ્પિતાલ, મોટા ડૉક્ટરો વગેરેમાંથી બચી જાય છે. દુનિયાના અસંખ્ય લોકો બીજું કશું કરી પણ નથી શકતા. અને જે એ ન કરી શકે, તે થોડા કેમ કરે ?

હરિજનબંધુ, ૩-૩-૧૯૪૬

૨૧. રામનામ રામબાણ

નૈસર્ગિક ઉપચારમાં મેં રામનામને વ્યાધિઓ શાંત કરવામાં સ્થાન આપ્યું છે તે અને મારું લખાણ જોઇને વૈદ્યરાજ ગણેશશાસ્ત્રી જોશી મને કહે છે કે આને લગતું ને મળતું સાહિત્ય આયુર્વેદમાં ઠીક પ્રમાણમાં જોવામાં આવે છે. રોગનિવારણમાં નૈસર્ગિક ઉપચાર મોટું સ્થાન ભોગવે છે ને તેમાંય રામનામ. જ્યારે ચરક, વાગભટ ઇત્યાદિએ લખ્યું ત્યારે ઇશ્વરને રામનામની ઓળખવાની રૂઢિ નહોતી પડી એમ ગણવું જોઇએ. એ વિષ્ણુનામનો મહિમાં હતો. બચપણથી મેં તો રામનામથી જ ઇશ્વરને ભજ્યો, પણ હું જાણું છું કે ૐથી માંડીને ગમે તે સંસ્કૃત, પ્રાકૃત કે બીજી આ દેશની કે બીજા દેશની ભાષામાં જપીએ તોયે પરિણામ એક જ આવે છે. ઇશ્વરને નામની દરકાર ન હોય. એ અને એનો કાયદો એક જ છે. એટલે એનું પાલન એ એનો જપ. તેની કેવળ તાત્ત્વિક દૃષ્ટિએ જોતાં જે તેના કાયદામય થાય છે તેને જપની આવશ્યકતા નથી. અથવા જેને જપ ઉચ્ચારણ શ્વાસોચ્છ્‌વાસ જેવું સ્વાભાવિક થઇ ગયું છે તે ઇશ્વરમય થયો છે. એટલે ઇશ્વરની નીતિને તે સહેજે ઓળખે છે, સહેજે પાળે છે. જે એમ વર્તે છે તેને બીજું ઔષધ શાને જોઇએ ?

આમ છતાં જે ઔષધોમાં રાજા છે તેને જ આપણે ઓછામાં ઓછો જાણીએ છીએ. જે જાણે છે તે તેને ભજતો નથી, જે ભજે છે તે માત્ર જિહ્વાથી ભજે છે, હ્ય્દયથી નહી; તેથી તે પોપટના સ્વભાવને અનુસરે છે, પોતાના સ્વભાવને નહીં. તેથી તે બધા સર્વરોગનિવારણરૂપે ઇશ્વરને ઓળખાતા નથી.

ઓળખે પણ કેમ ? નથી એ દવા વૈદ્ય આપતા, નથી આપતા હકીમ કે દાક્તર. તેઓને પોતાને તેની ઉપર આસ્થા નથી. ઘર બેઠાં ગંગા જેવી દવા આપે તો એનો ધંધો એમ ચાલે ? એટલે તેની નજરે તેની પડીકી કે શીશી તેની રામબાણ દવા. એ દવા તેનું પેટ ભરે ને દરદીને તુરત ફળ પણ જોવામાં આવે. ફલાણાએ મને ફાકી આપી ને હું સારો થયો એમ કહેનાર થોડા નીકળી પડે અને વૈદ્યનો વેપાર ચાલે.

વૈદ્ય-દાક્તર રામનામ રટવાનું કહે તેથી દરદીનું દળદર ન જાય. જો વૈદ્ય પોતે તેનો ચમત્કાર જાણતો હોય તો જ દરદીને તેના ચમત્કારની ખબર પડે. રામનામ પોથી માંહેલાં રીંગણાં નથી, એ અનુભવની પ્રસાદી છે. જેણે એ અનુભવ મેળવ્યો છે તે જ તે દવા આપી શકે છે, બીજા નહીં.

આટલું લખીને વૈદ્યરાજે મને ચાર મંત્ર આપ્યા છે. તેમાં ચરઋષિનો સીધો ને સરળ છે. તેનો અર્થ આ પ્રમાણે છે :

ચરાચરના સ્વામી એવા વિષ્ણુનાં હજાર નામમાંથી એકનો પણ જપ કરવાથી સર્વ રોગ શાંત થાય છે.

()

હરિજનબંધુ, ૨૪-૩-૧૯૪૬

૨૨. બધા રોગોનો ઇલાજ

ગાંધીજીએ લકશમ સ્ટેશને દર્શન કરવા તથા સાંભળવા એકઠા મળેલા લોકોને કહ્યું કે, “તમારા દિલમાંથી ભયને તમે દૂર કરો, તો તમે મને ભારેમાં ભારે મદદ કરી ગણાશે.” પણ કઇ જાદુઇ વસ્તુ તેમનામાં એ વસ્તુ સાધી શકે ? ગાંધીજીનો અમોધ મંત્ર ‘રામનામ’ એ વસ્તુ છે. “તમે કદાચ કહેશો કે અમને એમાં શ્રદ્ધા નથી. તમને એની ખબર નથી, પરંતુ તેના વિનાતમે એક શ્વાસ પણ ન લઇ શકો. ચાહોતો એને ઇશ્વર કહો યા અલ્લા, ‘ગૉડ’ કે અહુરમઝ્‌દ કહો. દુનિયામાં જેટલાં માણસો છે તેટલાં અગણિત તેનાં નામો છે. એની સમાન વિશ્વમાં બીજું કાંઇ નથી. એ જ એક મહાન છે, વિભુ છે. એનાથી મોટો જગતમાં બીજો કોઇ નથી. તે અનાદિ, અનંત, નિરંજન અને નિરાકાર છે. એવો મારો રામ છે. તે જ એક મારો સ્વામી અને માલિક છે.”

નાનપણમાં પોતે કેવા બીકણ હતા અને પડછાયાનો પણ તેમને ડર લાગતો હતો તથા તેમની આયા રંભાએ ભયના મારણ તરીકે રામનામનું રહસ્ય શીખવ્યું હતું, એ પ્રસંગનો ગાંધીજીએ લાગણીવશ થઇને ઉલ્લેખ કર્યો. “રંભા મને કહેતી કે, ‘બીક લાગે ત્યારે રામનામ લેજે. તે તારી રક્ષા કરશે.’ એ દિવસથી રામનામ એ હરેક પ્રકારના ભય માટે મારો અમોઘ આશરો થઇ પડ્યું છે.”

“પવિત્ર લોકોનાં હ્ય્દયમાં તે સદાયે વસે છે. બંગાળમાં જેમ શ્રીચૈતન્ય તથા શ્રીરામકૃષ્ણ પરમહંસનું તેમ કાશ્મીરથી કન્યાકુમારી સુધી હિંદુઓમાં જેમનું નામ ઘેર ઘેર પરિચિત છે, તે ભક્તશિરોમણિ તુલસીદાસે પોતાની અમર રામાયણમાં આપણને રામનામનો મંત્ર આપ્યો છે. રામનામનો ડર રાખીને તમે ચાલો, તો જગતમાં તમારે રાજા શું કે રંક શું, કોઇનાથીયે બીવાપણું નહીં રહે. ‘અલ્લા હો અકબર’ના પોકારોથી તમારે શાને ડરવું જોઇએ ? ઇસ્લામનો અલ્લા તો નિર્દોષ લોકોનો રક્ષક છે. પૂર્વ બંગાળમાં જે બન્યું છે, તેને પેગમ્બર સાહેબે ઉપદેશેલા ઇસ્લામની મંજૂરી નથી.”

“ઇશ્વર પર તમારી શ્રદ્ધા હોય, તો તમારી પત્ની તથી દીકરીઓની લાજ લેવાની કોની તાકાત છે ? એથી કરીને તમે મુસલમાનોથી ડરતા અટકો, એવી આશા હું રાખું છું. રામનામમાં મુસલમાનોથી ડરતા અટકો, એવી આશા હુંરાખું છું. રામનામમાં જો તમને શ્રદ્ધા હોય તો બંગાળ છોડી જવાનો વિચાર તમારે ન કરવો ઘટે. જ્યાં તમે જન્મ્યાં અને મોટાં થયાં ત્યાં જ તમારે રહેવું જોઇએ અને જરૂર પડે તો બહાદુર સ્ત્રીપુરુષોને છાજે તે રીતે પોતાની આબરૂની રક્ષા કરતાં કરતાં ત્યાં જ મરવું જોઇએ. જોખમનો સામનો કરવાને બદલે તેનાથી દૂર ભાગવુંં, એ માણસજાત પરની, ઇશ્વર પરની અને પોતાના પરની શ્રદ્ધાનો ઇનકાર કરવા બરાબર છે. શ્રદ્ધાનું આવું દેવાળું કાઢવા કરતાં માણસે ડુબી મરવું, એ બહેતર છે.”

હરિજનબંધુ, ૨૪-૧૧-૧૯૪૬

૨૩. કુદરતી ઉપચારમાંં રામનામ

નિસર્ગોપચારીના ઇલાજોમાં સૌથી અકસીર ઇલાજ રામનામ છે. આમાં કોઇએ અચરજ પામવા જેવું નથી. એમાં નામાંકિત આયુર્વેદી વૈદ્યે હમણાં જ મને કહેવડાવ્યું : ‘આખી જિંદગી મેં મારી પાસે આવનારા દરદીઓને જાતજાતની દવાઓની પડીકીઓ આપવામાં કાઢી. પણ તમે શરીરના વ્યાધિઓ મટાડવાને રામનામની દવા બતાવી ત્યારે મને પણ યાદ આવ્યું કે તમારી વાતને ચરક અને વાગ્ભટજેવા આપણા પ્રાચીન ધન્વંતરિઓનાં વચનોથી સમર્થન મળે છે.’ આધ્યાત્મિક આધિઓને મટાડવાને રામનામના જપનો ઉપચાર અત્યંત પ્રાચીનકાળથી ઊતરી આવેલો છે. પણ મોટી વાતમાં નાની વાત સમાઇ જાય છે અને તેથી મારો દાવો છે કે આપણા શરીરના વ્યાધિઓ દૂર કરવાને માટે પણ રામનામનો જપ સર્વોપરી ઇલાજ છે. નિસર્ગોપચારી દરદીને એમ નથી કહેવાનો કે મને બોલાવે તો તારો બધો રોગ હું મટાડી દઉં. તે દરદીને કેવળ પ્રાણીમાત્રમાં વાસ કરી રહેલું સર્વ વ્યાધિઓને હરનારું તત્ત્વ દેખાડશે, અને તેમ જાગ્રત કરી પોતાના જીવનની પ્રેરક શક્તિ બનાવી પોતાનો રોગ કેમ મટાડવો તે બતાવશે. હિંદ એ તત્ત્વના સામર્થ્યને ઓળખતું થાય તો આપણે સ્વતંત્ર તો થઇશું જ, ઉપરાંત આજે આપણો મુલક રોગને નબળી શરીરપ્રકૃતિનું ઘર થઇ બેઠો છે તેને બદલે નીરોગ, સુદૃઢ શરીરવાળી પ્રજાનો મુલક બનશે....

રામનામની શક્તિને અમુક જાતની મર્યાદા છે અને તેની અસર થાય તે માટે કેટલીક શરતો પૂરી કરવી જોઇએ. રામનામ એ મેલી વિદ્યા કે જાદુ નથી. ખાઇ ખાઇને જેને બાદી થઇ છે ને તેની આપદામાંથી ઊગરી જઇ ફરી પાછો ભાતભાતની વાનીઓના સ્વાદ ભોગવવાને જે ઇલાજ ખોળે છે તેને સારુ રામનામ નથી. રામનામનો ઉપયોગ સારા કામને માટે થાય. ખોટા કામને માટે થઇ શકતો હોત તો ચોરલૂંટારા સૌથી મોટા ભગત થઇ જાત. રામનામ તેમને માટે છે જે હ્ય્દયના ચોખ્ખા છે અને જે દિલની સફાઇ કરી હમેશ શુદ્ધ રહેવા માગે છે. રામનામ કદી ભોગવિલાસની શક્તિ કે સગવડ મેળવવાનું સાધન ન થઇ શકે. બાદીનો ઇલાજ પ્રાર્થના નથી, ઉપવાસ છે. ઉપવાસનું કાર્ય પૂરું થાય પછી જ પ્રાર્થનાનું શરૂ થાય. પ્રાર્થનાથી ઉપવાસ સહેલો થાય ને હળવો થાય એ જોકે સાચું. એ જ પ્રમાણે એક બાજુથી તમારા શરીરમાં તમે દવાના બાટલા રેડ્યા કરો ને બીજી બાજુથી રામનામ બબડ્યા કરો તે પણ એક અર્થ વગરના ફારસ જેવું થાય. જે દાકતર દરદીની બદીઓને પંપાળવાને પોતાની આવડત વાપરે તે પોતે નીચો પડે છે અને પોતાના દરદીને અધોગતિએ પહોંચાડે છે. પોતાના શરીરને પોતાના સરજનહારની પૂજાને અર્થે મળેલું એક સાધન માનવાને બદલે તેની જ પૂજીકરવી અને તેને કોઇ પણ ભોગે ચાલતું રાખવાને પાણીની માફક પૈસો વેરવો એનાથી અકદી અધોગતિ બીજી કઇ ? એથી ઊલટું રામનામ દરદને મટાડે છે, તેની સાથે માણસની શુદ્ધિ કરે છે અને તેથી તેને ઊંચે ચડાવે છે. આ જ રામનામનો ઉપયોગ અને આ જ તેની મર્યાદા.

હરિજનબંધુ, ૭-૪-૧૯૪૬

આપણે તો શરીરની મરામત કરનારા કરતાં આત્માની મરામત કરનારા જોઇએ છે. ઇસ્પિતાલો અને દાકતરો વધે તેથી સાચો સુધારો વધે છે એમ માનવાની જરૂર નથી. આપણે આપણાં શરીરને જેમ બને તેમ ઓછાં જ પંપાળીએ, તો આપણે અને જગતને બંનેને માટે સારું છે.-નવજીવન,૨-૧૦-૧૯૨૭

૨૪. આમજનતાનું વૈદું

ચાળીસ વરસ પર ક્યુનેનું ‘ન્યૂ સાયન્સ ઑફ હીલિંગ’ (ઉપચારની નવી વિદ્યા) અને જુસ્ટનું ‘રીટર્ન ટુ નેચર’ (કુદરતને ખોળે પાછા ફરો) એ બે પુસ્તકો મારા વાંચવામાં આવ્યાં ત્યારથી હું કુદરતી ઉપચારને દૃઢતાથી માનતો થયો છું એ જાણીને તમે રાજી થશો. મારે કબૂલ કરવું જોઇએ કે ‘રીટર્ન ટુ નેચર’ નો અર્થ હું પૂરેપૂરો સમજી શક્યો નથી તેનું કારણ એવું ન માનશો કે મારી સમજવાની ઇચ્છા નથી. પણ તેનું કારણ ંમારું અજ્ઞાન છે. હમણાં હિંદના કરોડો ગરીબોને ફાવે એવી કુદરતી ઉપચારની પદ્ધતિ ખીલવવાના પ્રયાસમાં હું રોકાયો છું. પૃથ્વી, પાણી, આકાશ, તેજ અને વાયુ એ પંચમહાભૂતોમાંથી નીપજે એવાં કોઇક ઇલાજ પૂરતો જ મારો પ્રચાર મર્યાદિત રાખવાની મારી કોશિશ છે. આમાંથી માણસને સહેજે સમજાય છે કે સર્વ રોગોનોસર્વોપરી ઇલાજ જેને અહીંના કરડો રામના નામથી અને બીજા કરોડો અલ્લાના નામથી ઓળખે છે તે ઇશ્વરના નામનું સાચા દિલથી રટણ કરવાનો છે. એવા સાચા દિલના રટણમાંથી માણસને માટે કુદરતે ફરમાવેલા કાનૂનને સમજવાનો અને તેને પાળવાનો ધર્મ આપોઆપ ફલિત થાય છે. આ વિચારસરણીમાંથી આખરે એવું અનુમાન પણ ફલિત થાય છે કે રોગ થાય પછી તેને સારો કરવાનાં ફાંફાં મારવા કરતાં તેને થતો અટકાવવો એ જ બહેતર છે. તેથી, આખરે માણસ અનિવાર્યપણે તંદુરસ્તીના અને સફાઇ તેમ જ સ્વચ્છતાના એટલે કે શરીરની, મનની અને તે બંનેની આસપાસની પરિસ્થિતિની શુદ્ધિના નિયમોના પ્રચાર તરફ ખેંચાય છે.

હરિજનબંધુ, ૧૫-૬-૧૯૪૭