balko ne vekeshn manva dyo in Gujarati Human Science by Lata Bhatt books and stories PDF | બાળકોને વેકેશન માણવા દ્યો

Featured Books
  • એઠો ગોળ

    એઠો ગોળ धेनुं धीराः सूनृतां वाचमाहुः, यथा धेनु सहस्त्रेषु वत...

  • પહેલી નજર નો પ્રેમ!!

    સવાર નો સમય! જે.કે. માર્ટસવાર નો સમય હોવા થી માર્ટ માં ગણતરી...

  • એક મર્ડર

    'ઓગણીસ તારીખે તારી અને આકાશની વચ્ચે રાણકી વાવમાં ઝઘડો થય...

  • વિશ્વનાં ખતરનાક આદમખોર

     આમ તો વિશ્વમાં સૌથી ખતરનાક પ્રાણી જો કોઇ હોય તો તે માનવી જ...

  • રડવું

             *“રડવુ પડે તો એક ઈશ્વર પાસે રડજો...             ”*જ...

Categories
Share

બાળકોને વેકેશન માણવા દ્યો

 


બાળકોને વેકેશન માણવા દ્યો

વેકેશન પડે ને મમ્મીઓને શૂરાતન ચડે છે. પોતે ભલે કલાકો કીટીપાર્ટી, બ્યૂટીપાર્લર કે મોબાઇલમાં સમય બગાડતી હોય પણ બાળકોની એક મિનિટ પણ ન વેડફાવી જોઈએ. વેકેશન પડતા જ વ્હોટસએપ પર મેસેજોનો મારો ચાલી થઈ જાય છે. એક મેસેજ આવે કે અમે અમારી સ્વીટીને ડાન્સકલાસમાં દાખલ કરી છે તો બાકીની મમ્મીઓને લાગશે કે અમે મોડા પાડ્યા ને તરત  પૂછપરછ ચાલુ થઈ જાય.
      માતાપિતાની આ અનુકરણ અને ઘેલછાને કારણે વેકેશનનો આખો હેતું માર્યો જાય છે. બાળ વિશેષજ્ઞ અને  બાળ મનોવૈજ્ઞાનિકના મતે વેકેશન એ માણવા માટે હોય છે. એ સમય દરમિયાન બાળક પોતાની મનગમતી પ્રવૃત્તિ કરી શકે છે. એને રસ રુચિ હોય તો બેશક તેને કોઈ રમતગમત કે અન્ય કોઈ એક્ટિવીટી માટે ક્લાસમાં મોકલી શકો . તે ઉત્સાહભેર જશે પણ માત્ર દેખાદેખી કે તેના સમયનો સદુપયોગ થાય તે હેતુથી તેને જો મોકલવામાં આવે તો તે તેના બાળપણના આનંદના ભોગે મોકલવામાં આવે છે.
  સૌ પ્રથમ તો એક માતાપિતા નું પ્રથમ કાર્ય એ હોય કે બાળકને થાક ઉતરવા દે. થાક માત્ર શારીરિક નથી હોતો માનસિક પણ હોય છે. અત્યારનું બોઝિલ ભણતર... એ વાતાવરણમાથી એને સંપૂર્ણ બહાર નીકળવા દો. ને પછી બાળકને જ નકકી કરવા દઈએ કે તેને શું કરવું છે. આપણી અનુકૂળતા પ્રમાણે ફરવા લઈ જઈએ. ફરવા જવા માટે એ જરુરી નથી કે તે માટે કોઈ મોંઘાદાટ ટૂરપેકેજ લેવા. સામાન્ય બગીચામાં કે નજીકના કોઈ સારા સ્થળે લઈ જઈએ તો ય બાળક ખુશ થાય છે.

 ક્યારેક તેને અપંગ બાળકોની સંસ્થા, હોસ્પિટલ કે   અનાથાશ્રમમાં લઈ જવામાં આવે તો બાળકોને તે બધા પ્રત્યે સંવેદના જાગે છે.

  અત્યારે માતાપિતા પોતાની મહત્ત્વાકાંક્ષા કે પછી ઘરની જરૂરિયાત માટે જોબ કરતા હોય છે. એક તો વિભક્ત કુંટુંબપ્રથાની પ્રણાલિ ને વળી  મોટાભાગના ઘરમાં એક જ બાળક હોય છે ને એ સૌ પોતપોતાના ઘોંસલામાં હોય છે. તેથી બાળક આખો દિવસ ઘરમાં બોર થઈ જાય છે. જો એવું લાગે તો તેને જે રમત કે કળામાં રસ હોય તેમાં તેને સામેલ કરો. તે વિકસાવવા તેને સૌ પ્રથમ પ્રોત્સાહિત કરો.  પહેલા તેની સાથે રહી તેનામાં તે કળા વિશે ઉત્સુકતા અને રસ રુચિ જગાડો તે પછી જ કોઈ ક્લાસ કરાવો..
       માતા પિતા બંને જોબ કરતા હોય ત્યારે બાળકને સાચવવું ખરેખર અઘરું થઈ પડે છે. એ માટે બાળકને માનસિક રીતે એ રીતે તૈયાર કરવામાં આવે. માતા અને પિતા પોતાની જોબનો સમય એ રીતે સેટ કરી શકે કે બાળકને કોઈ એકની સાથે મળી રહે અને ઓછો સમય એકલા રહેવું પડે. વચ્ચે વચ્ચે રજા પણ લઈ શકાય અને રજાના દિવસો તો બાળકો સાથે જ રહેવું જોઈએ.


       બાળકને ઘરની જવાબદારીમાં સામેલ કરો. ઘરનું નાનું મોટું કામ તે હોંશે હોંશે કરશે. એ વખતે બાળક સાથે માત્ર બાળક બની રહેવાનું હોય છે. તેને ક્યારેય એ અહેસાસ ન થવા દ્યો કે તે બોજારૂપ છે. "તારાથી કંટાળી ગયા. આના કરતા તો તું સ્કૂલે જતો હતો કે જતી હતી તે સારું હતું." જેવા શબ્દપ્રયોગ તેની સામે ક્યારેય ન કરવા. બાળકનું મન બહુ કુમળું હોય છે તે ઘરની હુંફ ઝંખતું હોય તેવામાં તેને આવું કહેવામાં આવે તો તેના મન પર વિપરીત અસર થાય છે. તે ઘરના લોકોથી દૂર થતો જાય છે. એના કરતાં જો બાળકને એ અહેસાસ કરાવવામાં આવે કે અમે ય તારી સાથે રહેવા ઈચ્છીએ છીએ પણ અમે તને  સમય નથી આપી શકતા. તો બાળક ચોક્કસ એ વાત સમજશે. ને તેને ખુશી થશે કે મમ્મી પપ્પા ય તેનો સાથ ઝંખે છે.
માત્ર માતાપિતાએ જ નહિ શિક્ષકોએ પણ આ વાત સમજવા જેવી છે. વેકેશનમાં શાળામાંથી હોમવર્ક આપવામાં આવે છે. ક્યારેક પ્રોજેક્ટ કે ચાર્ટ બનાવવાના હોય છે. જે ખરેખર યોગ્ય નથી. બાળકને ભણવાનો મહાવરો રહે અને ભણેલું ભૂલી ન જાય તેવો તેમનો આશય હશે પણ બાળકો જો વેકેશનને માણશે તો ફ્રેશ થશે અને આગળનું ભણવાનું વધારે સારી રીતે કરી શકશે.
પહેલાંના સમયમાં બાળકો વેકેશનમાં મામા, માસી, ફોઈ કે કાકાને ત્યાં રહેવા જતા.અને તેમના બાળકો સાથે વેકેશન માણતા.  પણ હાલ કોઈને એવો સમય નથી હોતો અને અત્યારે સમય પણ સારો નથી. કોઈના પર વિશ્વાસ મૂકી શકાય નહિ. તેથી વેકેશનમાં એકબીજાને ઘેર બાળકોને મોકલવાને બદલે ફરવા જવાનું લોકો વધુ પસંદ કરે છે.
અંતમાં મારી એક રચના..

અમને અમારું બાળપણ આપો,
જીવનની આ સોનેરી ક્ષણ આપો.

કરાટે,ડાન્સમાં તરડાયું છે બાળપણ્,
કોચીંગ,ટ્યુશનથી ખરડાયુ છે બાળપણ,
કમરો નહિ રમવા ખુલ્લુ આંગણ આપો,
અમને અમારું બાળપણ આપો.

પપ્પા તમે માણ્યું છે જે બાળપણ્,
મમ્મી તું પણ ભૂલી નથી જે ક્ષણ,
અમારી રીતે જીવવા ક્ષણ બે ત્રણ આપો.
અમને અમારું બાળપણ આપો.

ગયા પછી બાળપણ ફરી નથી આવવાનુ,
તમારું સપનુ અમારે ક્યાં સુધી વેંઢારવાનુ,
દાદાજી,મમ્મી પપ્પાને થોડી સમજણ આપો,
અમને અમારું બાળપણ આપો.
-લતા ભટ્ટ ('રમતાં રમતાં' બાળકાવ્યસંગ્રહમાંથી)
અસ્તુ!
-લતા ભટ્ટ