Final Moments of the Diagonal in Gujarati Philosophy by Bhumika Gadhvi books and stories PDF | કર્ણની અંતિમ ક્ષણો

Featured Books
  • નારદ પુરાણ - ભાગ 61

    સનત્કુમાર બોલ્યા, “પ્રણવ (ૐ), હૃદય (નમ: ) વિષ્ણુ શબ્દ તથા સુ...

  • લગ્ન ને હું!

    'મમ્મી હું કોઈની સાથે પણ લગ્ન કરવાના મૂડમાં નથી, મેં નક્...

  • સોલમેટસ - 10

    આરવને પોલીસ સ્ટેશન જવા માટે ફોન આવે છે. બધા વિચારો ખંખેરી અન...

  • It's a Boy

    સખત રડવાનાં અવાજ સાથે આંખ ખુલી.અરે! આ તો મારો જ રડવા નો અવાજ...

  • ફરે તે ફરફરે - 66

    ફરે તે ફરફરે - ૬૬   માનિટ્યુ સ્પ્રીગ આમતો અલમોસામાં જ ગ...

Categories
Share

કર્ણની અંતિમ ક્ષણો

સૂર્યદેવ આથમી ને નીજગૃહ તરફ પ્રયાણ કરી ચૂક્યા છે. અંધારું પોતાનું સામ્રાજ્ય પ્રસરાવવા ઉતાવળું થયું છે. યુદ્ધ વિરામનો શંખ ફૂંકાઈ ગયો છે. યુદ્ધભૂમિ માં સેંકડો ઘાયલ અને મૃત સૈનીકો ના શવ પડ્યા છે. એવું લાગે છે જાણે આ યુદ્ધ ભૂમી નહીં પણ સ્મશાન છે.


યુદ્ધ ભૂમિ ના એક ખૂણે કર્ણ નો તૂટેલો રથ પડ્યો છે જેના પૈડાં ખાડામાં ફસાઈ ગયા છે અને એની થોડેક દૂર મહારથી કર્ણ લોહી થી લથપથ દશામાં પડ્યો છે. એ દર્દ થી કણસી રહ્યો છે. રાહ જોઈ રહ્યો છે કે ક્યારે મૃત્યુ આવે અને આ નર્ક જેવા જીવન થી મુક્તિ મળે.


માતા કુંતા અને પાંડવો આવી ને મળી ગયા. દુર્યોધન પણ આવ્યો. વારાફરતી બધાજ આવીને મળી ગયા અંતે માં રાધા પણ આવ્યા. કર્ણ ને હવે આ જીવન થી મુક્તિ જોઈએ છે.


કર્ણ ખુલ્લા આકાશ સામે જોઈ રહ્યો છે, એનું ગળું સુકાઈ રહ્યું છે. અચાનક આકાશમાં થી એક પ્રકાશ પૃથ્વી ઉપર આવ્યો.


કર્ણ, વત્સ કર્ણ, લે આ ગંગા જળ પીલે અને આ જીવન થી મુક્ત થઈ જા. જો હું ખુદ ગુરુ દ્રોણાચાર્ય તને સ્વર્ગ માં લઇ જવા આવ્યો છું.


કર્ણ ના કાનમાં અવાજ અપડ્યો. એણે પરાણે આંખો ઉઘાડી જોયું તો એક તેજપુંજ સમાન દ્રોણાચાર્ય એની સામે સ્વર્ણ કળશમાં ગંગા જળ લઈને ઉભા હતા.


કર્ણ એ એના હાથ ને ઊંચા કરી પ્રણામ કરવાની ચેષ્ટા કરી પણ એમ થયું નહીં. એના શરીરમાં થી રુધિર વહી ગયું હોવા થી એ હવે ચેતના હીન થઈ ગયો હતો. એણે આંખો ના પલકારે ગુરુ દ્રોણ ને પ્રણામ કર્યા.


યશસ્વી ભવઃ વત્સ. દ્રોણાચાર્ય એ આશીર્વાદ આપ્યા. યશસ્વી ભવઃ? આપે આ આશીર્વાદ મને આપ્યાં ગુરુ દ્રોણાચાર્ય? આપના આ આશીર્વાદ ઉપર તો ફક્ત અને ફક્ત અર્જુન નો અધિકાર છે ને? કર્ણ નું ગળું રૂંધાય છે. એ પરાણે બોલી રહ્યો છે.


હવે હું કુરુ વંશ નો આચાર્ય નથી વત્સ હવે હું ફક્ત એક આત્મા છું. તો શું તમે જીવિત હતા ત્યારે તમે એક આત્મા ન હતા ગુરુદેવ? હતો પણ ત્યારે મારો આત્મા શરીર ની મર્યાદાઓ માં બંધાયેલો હતો.


શરીર ની મર્યાદાઓ માં કે પછી લાલસા, મહત્વાકાંક્ષા અને મોહ ના બંધનમાં બંધાયેલો હતો.? કર્ણ હવે તો તું મરણ પાથરી એ છું હવે તો તારી જીભ થી ઝેર થૂંકી દે. અંતિમ ક્ષણ માં છું એટલે જ તો હવે સત્ય કહીશ, જીવન આખું તો અસત્ય ના પડખે જ રહ્યો છું દ્રોણાચાર્ય. હવે હું ના કોઈ નો મિત્ર છું, ના કોઈનો પુત્ર કે ના કોઈનો ઋણી આ ક્ષણે હું ફક્ત કર્ણ છું.


તોંતું એમ કહેવા માંગે છે કે હું મોહમાં સપડાયેલો હતો જીવનભર? એજ સત્ય છે ગુરુ દ્રોણાચાર્ય તમે મોહમાં અંધ થઈ ને આખું જીવન વ્યતીત કર્યું છે.


કર્ણ તારી જિહવા ને લગામ આપ. તું કદાચ આ શરીર ઉપર પડેલા અસંખ્ય ઘાવની પીડામાં ભૂલી ગયો છે કે તું શ્રેષ્ઠ ગુરુ દ્રોણાચાર્ય સાથે વાત કરી રહ્યો છે.


આજ તો મોહ છે. પોતાના નામ નો કીર્તિ નો મહાન બનવાનો, મહાન શિષ્યના ગુરુ બનવાનો, પોતાના પુત્ર ને રાજા બનાંવાનો.


આ મોહ નહિ મહત્વકાંક્ષા હતી કર્ણ. તને મોહ અને મહત્વકાંક્ષા નોં તફાવત કદાચ ખબર નથી વત્સ.


મહત્વકાંક્ષા જ્યારે મહાકાય અને હઠ નું સ્વરૂપ ધારણ કરે ને ત્યારે એ મોહ માં પરિણમે છે ગુરુ દ્રોણાચાર્ય. એક મહાન ધનુર્ધર ના ગુરુ તરીકે તમને જગત ઓળખે એ તમારી મહત્વકાંક્ષા હતી, પણ મારા થી મહાન કોઈ ગુરુ અને મારા શિષ્ય અર્જુન થી મહાન ધનુર્ધર ના ભૂતો ના ભવિષ્યતિ આ તમારો મોહ અને હઠ હતી.


ગુરુ દ્રોણાચાર્ય એ તમે પણ જાણો છો ને હું પણ કે અર્જુન કરતા પણ વધારે સામર્થ્યવાન ધનુર્ધર હું હતો પણ હું તમારો શિષ્ય ન હતો એટલે તમે હંમેશા મારી ઉપેક્ષા કરી.


એ સત્ય નથી વત્સ. હું તારો વિરોધી ન હતો પણ તું એક સુત પુત્ર હતો અને એજ કારણે હંમેશા તારી સાથે અન્યાય થયો.


તો તમે એ અન્યાય શું કામ કર્યો અને શું કામ સહ્યો? તમે તો આચાર્ય હતા, તમારું કાર્ય તો સમાજ ને સત્ય બતાવવાનું, સત્ય કહેવાનું હતું નઈ કે સમાજના દુષણો ને અનુસરવાનું. સન્માન માટે સામર્થ્ય હોવું જરૂરી છે નહિ કે ઉચ્ચ કુળ.


તમે જ્ઞાની હોવા છતાં હમેશા અજ્ઞાનીઓ ની પડખે રહ્યા કેમ? તમારા સ્વાર્થ અને ખોટી મહત્વકાંક્ષાઓ ને કારણે. જે અર્જુન ને તમે તમારો મહાન શિષ્ય કહો છો એની સાથે અને એના ભાઈઓ સાથે અન્યાય થતો હતો તે જોવા છતાં તમે ચૂપચાપ બધું થવા દીઘું કેમ?


કારણ કે, હું રાજનીતિ અને ધર્મનીતી થી બંધાયેલો હતો કર્ણ. તો છોડી દેવું તું પદ. જે પદ ઉપર રહી ને અધર્મ ને પ્રોત્સાહિત કરવું પડે એ પદનો શો લાભ? પણ તમે એવું ના કરી શક્યા. કારણ કે, તમારે તમારા પુત્ર માટે અને સ્વયમ માટે ઉચ્ચ પદ જોઈતું હતું.


તમે શ્રેષ્ઠ બનવાની મહત્વકાંક્ષા માં મને તો અન્યાય કર્યો જ પણ તમે તો બિચારા એકલવ્ય ને પણ ઘોર અન્યાય કર્યો. શું વાંક હતો એનો ? એજ કે એણે પોતાના સામર્થ્ય થી શિક્ષા ગ્રહણ કરી હતી અને તમને ડર હતો કે એ અર્જુન થી પણ મોટો ધનુર્ધર છે તો જગતમાં તમારી મહાન ગુરુ તરીકે ની કીર્તિ ભૂસાઈ જશે. આ મોહ નથી તો બીજું શું છે.


અચ્છા જો હું ખોટો હતો મોહાંધ હતો તો પછી તું પોતાની જાત ને શું કહીશ કર્ણ?? તને પણ એ સત્ય ની જાણ હતી કે દુર્યોધન અને કૌરવો ખોટા છે, અન્યાયકારી છે છતાં તું કેમ આજીવન એમની પડખે રહ્યો? શું એ સત્તા નો મોહ ન હતો? શું એ તારી ખોટી મહત્વકાંક્ષા નોતી?


દુર્યોધન સાથે મિત્રતા એ મારી મહત્વકાંક્ષા નોતી. જ્યારે આપ સૌએ મારામાં રહેલા શ્રેષ્ઠ ધનુર્ધર ના સામર્થ્ય ને એટલે અવગણી નાખ્યું કે હું એક સુત પુત્ર હતો, મારા અસ્તિત્વ ને નકારી નાખ્યું ત્યારે મારી પાસે માત્ર એક જ માર્ગ હતો જન્મ થી નહિ તો કર્મ થી સામર્થ્યવાન બનવાનો.


અંગપ્રદેશ એક રાજ્ય નહીં પણ મારું અસ્તિત્વ અને મારું આત્મસન્માન હતું. હું તો દુર્યોધન ના ઉપકાર નીચે દબાયેલો હતોં.એટલે યુદ્ધ ભૂમિ માં આવ્યો, પણ અહી આવેલ એક એક યોદ્ધા ને પોતાનો અંગત મોહ હતો, અને વિરાટ મહાવતકક્ષાઓ હતી.


દુર્યોધન ને હસ્તિનાપુર નો મોહ, મહારાજ ધૃતરાષ્ટ્ર ને પુત્ર નો મોહ, કૃપાચાર્ય ને કુલગુરુ પદનો મોહ, ગુરુ દ્રોણાચાર્ય એટલેકે આપને મહાન ગુરુ બનવાનો અને પોતાના પુત્ર અશ્વસ્થામા નાં ઉચ્ચ ભવિષ્યનો મોહ, ભીષ્મ પિતામહ ને પોતાની કીર્તિ નો મોહ કે મે પ્રતિજ્ઞા લીધી છે કે હું કુરુવંશ ની રક્ષા કરીશ ભલે એ અન્યાય અને અધર્મ કરે.


જુઓ ગુરુ દ્રોણાચાર્ય ચારે તરફ નજર કરો. આ વિનાશ, આ નરસંહાર, આ હૈયા ફાટ વિલાપ આ બધાનો જન્મ ક્યાંથી થયો? મોહ અને વિશાળકાય અનુચિત મહત્વાકાંક્ષાઓ માંથી. એટલે જ હવે મેં મારી અંતિમ ક્ષણો માં સર્વ ઈચ્છાઓ નોં ત્યાગ કર્યો છે. સ્વર્ગ ની ઈચ્છાનો પણ.


આપ પ્રયાણ કરો સ્વર્ગના માર્ગે ગુરુ દ્રોણાચાર્ય સમય ને મારા કર્મ નો હિસાબ કરી લેવા દો.


દ્રોણાચાર્ય મૌન થઈ,આંખમાં આંસુ સાથે પાછા વળ્યા અને કર્ણ ત્યાજ લોહી લુહાણ, અસહ્ય પીડા સાથે હે,કેશવ, હે કેશવ બોલતા ભગવાન શ્રી કૃષ્ણ ને યાદ કરવા લાગ્યો.



લેખકની કલમે.......


આ ઘટના મારી કલ્પના માત્ર છે, સત્ય સાથે એનો કોઈ સંબંધ નથી.


ભૂમિકા ગઢવી