Island - 33 in Gujarati Thriller by Praveen Pithadiya books and stories PDF | આઇલેન્ડ - 33

Featured Books
  • નિતુ - પ્રકરણ 64

    નિતુ : ૬૪(નવીન)નિતુ મનોમન સહજ ખુશ હતી, કારણ કે તેનો એક ડર ઓછ...

  • સંઘર્ષ - પ્રકરણ 20

    સિંહાસન સિરીઝ સિદ્ધાર્થ છાયા Disclaimer: સિંહાસન સિરીઝની તમા...

  • પિતા

    માઁ આપણને જન્મ આપે છે,આપણુ જતન કરે છે,પરિવાર નું ધ્યાન રાખે...

  • રહસ્ય,રહસ્ય અને રહસ્ય

    આપણને હંમેશા રહસ્ય ગમતું હોય છે કારણકે તેમાં એવું તત્વ હોય છ...

  • હાસ્યના લાભ

    હાસ્યના લાભ- રાકેશ ઠક્કર હાસ્યના લાભ જ લાભ છે. તેનાથી ક્યારે...

Categories
Share

આઇલેન્ડ - 33

પ્રકરણ-૩૩.

પ્રવીણ પીઠડીયા.

સાર્જન્ટ પીટર એન્ડરસન ભારે બેચેનીથી તેની કોટડીમાં આંટા મારી રહ્યો હતો. બધું પ્લાન મુજબ જઈ રહ્યું હતું છતાં કોણ જાણે કેમ તેને ચેન નહોતું પડતું. કંઈક હતું જે મનમાં ખટકી રહ્યું હતું. પરંતુ એ શું હતું એ સ્પષ્ટ થતું નહોતું. એક ખાસ મકસદથી તેને વિજયગઢ મોકલવામાં આવ્યો હતો જે તેણે બખૂબી પાર પાડયો હતો. બ્રિટિશ હુકુમતની હેડ ઓફિસમાં જ્યારે તેને બોલાવવામાં આવ્યો અને કર્નલ જેમ્સ કાર્ટર સાથે તેની પહેલી મુલાકાત થઈ ત્યારે જ તે સમજી ગયો હતો કે તેનો ઉપયોગ જરૂર કોઈ ઉંચી ’ગેમ’ મા ટે થવાનો છે. એ ગેમ શું હતી તેની વિગતવાર સમજણ કર્નલ કાર્ટરે આપી ત્યારે તે આભો બનીને કર્નલનાં ચહેરાને તાકી રહ્યો હતો. એકાએક તેને કર્નલ જેમ્સ કાર્ટર પ્રત્યે અહોભાવ જાગ્યો હતો. બ્રિટિશ સલ્તનત ભારત ઉપર રાજ કરવામાં કેમ સફળ રહી છે એ તેને એક જ મુલાકાતમાં સમજાઈ ચૂક્યું હતું.

કર્નલ કાર્ટરનાં પ્લાન પ્રમાણે તેણે દક્ષિણમાં વિજયગઢ તરફ જવાનું હતું. વિજયગઢનાં સેનાપતી વિરસેને સામેથી દોસ્તીનો હાથ લંબાવ્યો હતો અને વિજયગઢને ડફેરોનાં આક્રમણથી બચાવવા માટે હથીયારોની માંગણી કરી હતી. એ સમજૂતી પ્રમાણે તેણે હથીયારોનો જથ્થો લઈને વિજયગઢની મદદે જવાનું હતું. એ કરાર એકદમ સીધો હતો પરંતુ… ખરેખર વાત એટલી જ નહોતી. ખરો પ્લાન તો કંઈક અલગ જ હતો જે કાર્ટરનાં ખૂરાફાતી દિમાગમાં રમી રહ્યો હતો. વિરસેનને જેટલા હથીયારો પહોંચાડવાનાં હતા એનાથી ત્રણ ગણા હથીયારો ડફેરોને આપવાનાં હતા. એ સાંભળીને તે છક બનીને કાર્ટરની સામું જોઈ રહ્યો હતો. અને… વાત તો હજું પણ અધૂરી જ હતી. વિરસેનને એવા હથીયારો આપવાનાં હતા જે સાવ છેલ્લી કક્ષાનાં હોય. જૂના અને જંગ લાગેલા હોય જેનો બાહ્ય દેખાવ સાફસૂથરો કરીને નવા જેવા દેખાતાં કરવામાં આવ્યાં હોય. મતલબ કે એ હથીયારોની ’ડિલિવરી’ કરો કે ન કરો, એનાથી વિજયગઢને કોઈ ફાયદો થવાનો નહોતો. એક રીતે તો એ ચોખ્ખી ગદ્દારી જ હતી પરંતુ રાજ વહીવટમાં આવી ગદ્દારીઓ જ ભવિષ્યમાં મોટો ફાયદો કરાવી આપતી હોય છે એ સનાતન સત્યનો પાઠ તે એ દિવસે શિખ્યો હતો. વિજયગઢને જૂના હથીયારો અને ડફેરોને નવાં ઉપરાંત ત્રણ ગણાં હથીયારો પહોંચાડવાની જવાબદારી તેણે સ્વિકારી હતી અને તે વિજયગઢ તરફ રવાના થયો હતો.

તે પ્લાન મુજબ જ ચાલ્યો હતો. સૌથી પહેલા ડફેરોનાં સરદાર જાલમસંગને મળ્યો હતો અને તેને હથીયારો સોંપ્યા હતા. પછી વિરસેનની મુલાકાત કરી હતી અને તેણે મંગાવેલા શસ્ત્રોની ’ડિલિવરી’ આપી તેને આશ્વત કર્યો હતો કે ડફેરો સામેની જંગમાં અંગ્રેજ સલ્તનત તેમની સાથે છે. તેણે વિરસેનનો ભરોસો જીત્યો હતો. તેની યોજના એ હતી કે જ્યારે જાલમસંગ વિજયગઢ ઉપર હુમલો કરે ત્યારે વિજયગઢની સેના તેમનો સામનો તો કરે પરંતુ જંગ ખાધેલા, કટાઈ ચૂકેલા હથીયારોનાં કારણે તેમની હાર થાય. સામે પક્ષે ડફેરોની ટોળકીનો થોડોઘણો કચ્ચરઘાણ બોલી જાય અને તેઓ વિજયગઢની જીતનાં ઉન્માદમાં રચ્યાંપચ્યાં હોય ત્યારે અંગ્રેજોની એક બીજી સેના… જેને ખૂદ કર્નલ જ્મસ કાર્ટર ’લીડ’ કરીને આવ્યો હોય એ ડફેરોનો ખાત્મો બોલાવી આસાનીથી વિજયગઢ ઉપર પોતાનો કબ્જો જમાવી લે. આમ બે-ધારી નિતિનો અમલ કરીને વધું કંઈ કર્યા વગર વિજયગઢ જેવું દક્ષિણનું સમૃધ્ધ રાજ્ય તેમની ઝોળીમાં આવી પડે તો તેનાથી તેમનો દક્ષિણ જીતવાનો દરવાજો ખૂલી જાય.

પરંતુ… એ યોજનામાં સૌથી પહેલી ફાચર ખૂદ જાલમસંગે મારી હતી. હથીયારો અને તોપોને જોઈને તેના જીગરમાં યુધ્ધનો ઉન્માદ જાગ્યો હતો અને તેણે એ દિવસે જ વિજયગઢ ઉપર હલ્લો બોલી દીધો હતો. બીજી બાજું ડફેરોનાં એકાએક હુમલાનાં કારણે વિરસેનને જાણ થઈ કે તેની સાથે અંગ્રેજોએ દગો કર્યો છે એટલે તુરંત તેણે પીટર એન્ડરસનને ગિરફ્તાર કરીને જેલમાં નાંખી દીધો હતો.

જોકે, પીટરને એનાથી કોઈ ફરક પડવાનો નહોતો. તે જાણતો હતો કે તેની યોજના ફૂલપ્રૂફ છે. અને થયું પણ એવું જ… ડફેરોએ વિજયગઢને ધમરોળી નાંખ્યું હતું એ સમાચાર તેની સુધી પહોંચ્યાં ત્યારે તેણે કર્નલ જેમ્સ કાર્ટરને મનોમન સલામ ઠોકી હતી અને આવનારા સમયની રાહમાં તે પોતાની કોટડીમાં આમથી તેમ આંટા મારી રહ્યો હતો. છતાં… તે મુંઝાતો હતો. અને તેની મુંઝવણનું કારણ હતું કર્નલ જેમ્સ કાર્ટર. યોજના પ્રમાણે અત્યાર સુધીમાં તેણે અહી આવી જવું જોઈતું હતું. પ્લાન તો એવો જ ઘડાયો હતો છતાં હજું તેનાં કોઈ વાવડ નહોતા.

--------

જેમ્સ કાર્ટર હાંફી રહ્યો હતો. ઘોડા ઉપર બેસી-બેસીને તેની પીઠ દુખવા આવી હતી અને ભયંકર કંટાળાથી તેનું દિમાગ ફાટતું હતું. પાછલાં છેલ્લા કેટલાય દિવસોથી તે અંગ્રેજ કુમક લઈને દક્ષિણ તરફની મઝલ કાપી રહ્યો હતો અને હવે લગભગ વિજયગઢની સીમાએ પહોંચવા આવ્યો હતો. તેને ઉતાવળ હતી. ડફેરોએ તેમનું કામ બરાબર પાર પાડયું હતું એ સમાચાર ક્યારનાં તેને મળી ગયા હતા. હવે જ ખરી રમત શરૂ થવાની હતી. તેની અને પીટર એન્ડરસન વચ્ચે એ બાબતે ઘણી લાંબી મસલત થઈ હતી અને એક યોજના પ્રમાણે એકદમ ચોકસાઈથી કામ શરૂ થયું હતું. એ યોજના મુજબ વિજયગઢ જેવું ડફેરોનાં હાથમાં આવે કે તુરંત કાર્ટરની ટૂકડી તેમની ઉપર તૂટી પડવાની હતી. એક યુધ્ધથી થાકેલા અને વિજયનાં ઉન્માદમાં બેફામ બનેલા ડફેરો કંઈ સમજે એ પહેલા તેમનો ખાત્મો બોલાવીને વિજયગઢને પોતાનાં હસ્તગત કરી લેવું એવો તેમનો પ્લાન હતો. જો એવું ન બને તો બીજો પણ એક પ્લાન તૈયાર રખાયો હતો પરંતુ એ નોબત આવશે જ નહી એની કાર્ટરને સંપૂર્ણ ખાત્રી હતી કારણ કે આટલા વર્ષો હિન્દુસ્તાનમાં રહીને તે અહીનાં લોકોની માનસિકતા બરાબરની પારખી ગયો હતો.

વિજયગઢની સીમાએ પહોંચીને તેણે કાફલો અટકાવ્યો. દૂરથી જ ધૂં-ધૂં કરીને સળગતું નગર અને આકાશમાં ઉઠતો કાળો-સફેદ ધૂમાડો જોઈને તેના ચહેરા ઉપર કાતિલ હાસ્ય ઉભર્યું. મતલબ કે તે પોતાનાં પ્લાનમાં સફળ જઈ રહ્યો હતો. તેણે એક ગુપ્તચરને વિજયગઢ તરફ રવાના કર્યો અને સમયની પ્રતિક્ષા કરવા લાગ્યો. એ દિવસે વહેલી સવારે કાર્ટરનાં કાફલાનાં તંબુ વિજયગઢની સીમા ઉપર તણાયા હતા.

-----------

ક્ષિતિજ પાછળ અસ્ત થતાં ચંન્દ્રનો આછો ઉજાસ સમગ્ર જંગલ ઉપર પથરાઈ રહ્યો હતો. પવન તેજ ગતીથી વહેતો હતો. એ પવનની ગતી સાથે આમથી તેમ ડોલતાં તોતિંગ વૃક્ષોનાં પડછાયા ધરતી સુધી ચંન્દ્રનો પ્રકાશ પહોંચવા દેતાં નહોતાં. એવા સમયે વેંકટા રેડ્ડીએ જંગલમાં કહેર વર્તાવ્યો હતો. દસ-દસ સૈનિકોનાં ઢીમ ઢાળીને હવે તે હુકમસિંહ તરફ આગળ વધી રહ્યો હતો. તેનો રથ રીતસરનો હવા સાથે સ્પર્ધા કરતો હોય એમ ધરતીથી એક વેંત ઉંચે ઉડી રહ્યો હતો. તેના હાથમાં કોણ જાણે ક્યાંથી અચાનક ચળકતી તલવાર આવી ચૂકી હતી. હૈરતઅંગેજ ગતીથી તે હુકમસિંહની પડખે પહોંચ્યો હતો અને આંખનો પલકારો ઝબકે એટલી ઝડપે તેણે તેના ગળાનું નિશાન લઈને તલવાર વિંઝી હતી.

હુકમસિંહ સાવ બેધ્યાનપણે આગળ વધી રહ્યો હતો. તે ની પીઠ પાછળ તેનું મોત આવી પહોંચ્યું હતું એની પણ જાણ તેને નહોતી. તે થાક્યો હતો. જ્યારથી મહારાણી દમયંતી દેવીએ તેને ખજાનાની ચોરીમાં સાથે લીધો હતો ત્યારથી તેની ઉંઘ હરામ થઈ ગઈ હતી. એક ભય… પકડાઈ જવાનો ડર… એક અપરાધ ભાવ… સતત તેના માથે ઝળુંબતો મહેસૂસ કરી રહ્યો હતો. તેમાં પણ જ્યારે મહારાજા ઉગ્રસેનનું મોત થયું ત્યારે રીતસરનો તે ધ્રૂજી ઉઠયો હતો. તેનાં જીગરમાં સળ પડયાં હતા. એક સમયે અપાર ધન મળશે એ લાલચે તેનું ઈમાન ડોલ્યું જરૂર હતું પરંતુ તેની આટલી મોટી કિંમત ચૂકવવી પડશે એ ખ્યાલ નહોતો. જોકે… તે ચીઠ્ઠીનો ચાકર હતો. દમયંતી દેવી જેમ કહે એમ કરવા સિવાય તેનો છૂટકો નહોતો એટલે મૂંગા મોઢે તેણે હુકમનો અમલ કર્યો હતો. એ ભાર અત્યારે તેના હદયમાં સૂળ બનીને ખટકી રહ્યો હતો અને એટલે જ ક્યારનો સૂનમૂન બનીને તે ચાવી દીધેલા કોઈ પૂતળાની માફક કાફલા સાથે ચાલી રહ્યો હતો.

અચાનક… એક આછી સરસરાહનો અવાજ તેના કાને પડયો. લાગ્યું કે કોઈ બરાબર તેની પાછળ છે. એ અવાજ સાવ નજીકથી આવ્યો હતો અને કોણ જાણે કેમ પણ કોઈ ગેબી સંદેશો મળ્યો હોય એમ તે આપોઆપ નીચે ઝૂક્યો. ’સનનન્….’ કરતો એક સૂસવાટો બરાબર તેના માથા ઉપરથી પસાર થયો અને કોઈ ધારદાર ચીજ ’ખડિંગ’ અવાજ સાથે તેના લોખંડનાં મુકુટ સાથે ટકરાઈને પસાર થઈ ગઈ. એકાએક જ તે સાબદો બની ગયો અને બીજી જ ક્ષણે તેના હાથમાં તલવાર આવી ચૂકી હતી. તે પાછો ફર્યો… એ સાથે જ વિજળીનો એક ઓર ઝબકારો થયો અને સાવ અનાયાસે જ તેણે એ ઝબકારા વચ્ચે પોતાની  તલવાર ધરી દીધી હતી. વેંકટાએ બીજો ઘા કર્યો હતો જે હુકમસિંહે ચૂકવ્યો હતો. એકાએક હુમલો થતાં તે અચંભિત બની ગયો હતો અને તેણે પાછળ નજર ફેરવી હતી. તેની પાછળ આવતાં સિપાહીઓમાંથી કોઈ અત્યારે દેખાયું નહી. ક્યાં ગયા એ લોકો, હમણા તો સાથે હતા ને…? પરંતુ નજર પડે ત્યાં સુધી ફક્ત ભેંકાર જંગલ જ નજરે ચડ્યું. તેને સમજાઈ ગયું કે તેની ઉપર હુમલો કરવાવાળો કોઈ સામાન્ય વ્યક્તિ નથી. તેણે જ તેના સૈનિકોનો સફાયો કર્યો હશે. એ ખ્યાલે એકાએક તેના દાંત ભિંસાયા અને તલવાર પરની પકડ ઓર મજબૂત બની.

તેની અને વેંકટાની તલવારો આપસમાં ટકરાવાથી તિખારાઓ ઝરતાં હતા. હુકમસિંહ પોતાનામાં હતું એટલું બળ એકઠું કરીને વેંકટાની તલવારને અટકાવવાની મથામણમાં પડયો હતો. પરંતુ તેની સામે કોઈ સામાન્ય વ્યક્તિ નહોતો, એ વેંકટા રેડ્ડી હતો… ભયાવહ તિલસ્મી શક્તિઓ ધરાવતો પહાડનૂમા આદમી. તેને હુકમસિંહ તો શું… આજે કોઈ રોકી શકે તેમ નહોતું કારણ કે તેને શંકરનો આદેશ હતો કે કોઈપણ ભોગે દમયંતી દેવીનાં કાફલાને રોકીને રાજ્યનો ખજાનો હસ્તગત કરીને સલામત સ્થળે પહોંચાડી દેવો. કદાચ આજે ખૂદ મહાદેવ પણ તેની સામે આવીને ઉભા હોત તો એક વખત તે એમને પણ રોકી લેત.

વેંકટાની આંખોમાં આગ સળગતી હતી. આજે પહેલી વખત એવું બન્યું હશે કે કોઈએ તેની તલવારને અધવચ્ચે રોકી હોય. વેંકટાનો ક્રોધ સાતમાં આસમાનને આંબવા લાગ્યો. તેણે ફરીથી તલવાર વિંઝી અને હુકમસિંહે ફરીથી તેનો ઘા પોતાની તલવાર ઉપર ઝિલ્યો પરંતુ આ શું…? તેનાં ચહેરા ઉપર ભયંકર આશ્ચર્ય ઉભર્યું. તેની તલવાર કોઈ સુકું સાંઠીકડું બટકતું હોય એમ બે ભાગમાં બટકી ગઈ. એ અસંભવ હતું. હુકમસિંહનાં જીગરમાં ખૌફ છવાયો. આજ સુધીમાં તેની તલવારે કેટલાયનાં માથા વાઢી નાંખ્યાં હશે પરંતુ હજુ સુધી તેની ધાર એકદમ અકબંધ રહી હતી. ક્યારેય તેમાં નાની સરખી ખરોચ પણ થઈ નહોતી. એ તલવાર આજે બે ટૂકડામાં ભાંગીને હવામાં ઉછળી હતી. તેના હાથમાં ફક્ત તલવારની મૂઠ જ બચી હતી. અને… હજું તે એ બાબતનો અફસોસ જતાવે, કોઈક પેંતરો વિચારે, વાવાઝોડાની જેમ ત્રાટકેલા વેંકટાનો સામનો કરવા બીજું હથીયાર ઉઠાવે… એ પહેલાં જંગલનાં આછા અંધકારમાં ફરી વખત એક તેજ ચમકારો થયો અને… હુકમસિંહનું ડોકું તેના ધડ ઉપરથી ઉખડીને હવામાં ઉછળ્યું અને નીચે જંગલી ઘાસ આચ્છાદિત લીલી ધરતી ઉપર પડયું. એ દ્રશ્ય બર્બરતાની અંતિમ સીમા સમાન હતું. હુકમસિંહનાં કપાયેલા ગળાની નસોમાંથી ફૂવારામાંથી ઉડતાં પાણીની જેમ લોહી ઉડતું રહ્યું. એ લોહીથી તેનું આખું શરીર ખરડાયું અને પોતાના જ લોહીમાં તે નહાઈ ઉઠયો. તેના એક હાથમાં ઘોડાની રાશ એમ જ પકડાયેલી રહી ગઈ હતી અને થરથર કાંપતું તેનું શરીર થોડીજ વારમાં શાંત પડીને ઘોડા પરથી નીચે સરક્યું હતું. વેંકટા રેડ્ડી ઘડીક તેનાં ફડફડતાં શરીરને જોઈ રહ્યો અને પછી આગળ વધી ગયો. આજે તેને અટકાવવો અસંભવ હતો.

(ક્રમશઃ) મિત્રો આ કહાની આપને કેવી લાગે છે એ વિશે બે શબ્દો જણાવશો તો આપનો આભારી રહીશ. ધન્યવાદ.