RETRO NI METRO - 23 in Gujarati Magazine by Shwetal Patel books and stories PDF | રેટ્રો ની મેટ્રો - 23

Featured Books
  • રહસ્ય,રહસ્ય અને રહસ્ય

    આપણને હંમેશા રહસ્ય ગમતું હોય છે કારણકે તેમાં એવું તત્વ હોય છ...

  • હાસ્યના લાભ

    હાસ્યના લાભ- રાકેશ ઠક્કર હાસ્યના લાભ જ લાભ છે. તેનાથી ક્યારે...

  • સંઘર્ષ જિંદગીનો

                સંઘર્ષ જિંદગીનો        પાત્ર અજય, અમિત, અર્ચના,...

  • સોલમેટસ - 3

    આરવ રુશીના હાથમાં અદિતિની ડાયરી જુએ છે અને એને એની અદિતિ સાથ...

  • તલાશ 3 - ભાગ 21

     ડિસ્ક્લેમર: આ એક કાલ્પનિક વાર્તા છે. તથા તમામ પાત્રો અને તે...

Categories
Share

રેટ્રો ની મેટ્રો - 23

આપણા જેવાં રેટ્રો ભક્તો માટે કિશોરકુમાર એક પ્લેબેક સિંગર નું નામ ,કે એક અવાજ નહીં ,એક મઘમઘતો અહેસાસ છે. ગીતોનો ગુલદસ્તો નહીં પણ યાદો નો મેળો છે.ગમ હોય કે ખુશી, મહેફિલ હોય કે તન્હાઈ, કિશોરકુમાર એ તમામ લાગણીનો સાઉન્ડ ટ્રેક છે. બાળપણ, જવાની, પ્રેમ થવો કે વિરહની જ્વાળા માં શેકાવું, કે પછી હોય દિલ તૂટવા નું દર્દ, મનના ઊંડા સાગરમાં છુપાયેલું ગૂઢ રહસ્ય હોય કે હોય મન ની સચ્ચાઈ.... કિશોરકુમાર ન હોતે તો કદાચ આપણે જીવનની તમામ નાની-મોટી પળોને જીવી જ ન શક્યા હોત.
ચોથી ઓગસ્ટ, કિશોર કુમાર નો જન્મદિવસ. આ એક એવી તારીખ છે ,જેના આપણા જેવા રેટ્રો સોંગ્સ ચાહકો ,ઋણી છીએ. કંઈ કેટલીયે વાર મારી જેમ જ તમને પણ એવું લાગ્યું છે ને? કે આપણે કંઈક અનુભવતા હોઇએ ત્યારે ,આપણા દિલનો અવાજ બની ગયા હોય કિશોરકુમાર.
આ એ જ અવાજ છે ,જેણે કંઈ કેટલીય વાર આપણી ખુશીઓને ડબલ કરી છે, આપણી તકલીફોને આસાન કરી છે, આપણી એકલતાને ઘટાડી છે અને આપણી મસ્તી ને ખૂબ વધારી છે.અમારી લાગણીઓ ને ગીતોમાં પ્રતિબિંબિત કરવા માટે,આટલા સુંદર ગીતો ગાવા માટે ,થેન્ક્યુ કિશોર દા , થેન્ક્યુ ..થેન્ક્યુ કિશોર કુમાર.
"આ ચલ કે તુજે મેં લેકે ચલુ એક એસે ગગન કે તલે જહા ગમ ભી ના હો આંસુ ભી ના હો બસ પ્યાર હી પ્યાર પલે,એક ઐસે ગગન કે તલે...."ફિલ્મ "દૂર ગગન કી છાવ મે" નુ આ ગીત ગાઈ ને કિશોર કુમાર આપણને જાણે કહી રહ્યા હોય કે હા હું તમને સંગીતની એવી દુનિયામાં લઈ જઈશ કે જ્યાં માત્ર સુખનો અહેસાસ હોય....
કિશોરકુમાર નો અવાજ આપણા હૃદયના ઊંડાણ સુધી પહોંચે છે ખરું ને? જો હું તમને એમ કહું કે નાનપણમાં કિશોરકુમાર નો અવાજ ખૂબ જ વિચિત્ર હતો તો તમે માનો ?નહીં ને?પણ જો આ વાત કિશોરકુમારના મોટાભાઈ અશોકકુમાર કહે તો? તો તો માનવું જ પડે ને? એક મુલાકાતમાં અશોકકુમારે ખુદ કહેલું..."આભાસ કુમાર એટલે કે આપણા કિશોરદા નાના હતા ત્યારે "દાદામોની" કહી મને બોલાવે ને તો પણ તેનો અવાજ તૂટતો હોય તેવું લાગતું. એનો અવાજ ખૂલ્યો એક ઘટના પછી. થયું એવું કે પરિવારમાં સૌથી નાનો આભાસ મમ્મીનો ખૂબ લાડકો. મમ્મીની સાડીનો છેડો પકડીને તે આખો વખત મમ્મી ની પાછળ પાછળ ફર્યા કરે. એક દિવસ મમ્મી શાક સમારવા ના સુડા પર શાક સમારતા હતા ત્યાં અચાનક કિશોર દોડતો મમ્મીના ખોળામાં બેસવા માટે આવ્યો ,ધ્યાન રહ્યું નહિ અને પેલા ધારદાર સુડા પર પગ પડ્યો .પગની એક આંગળી એવી ઘવાય કે લગભગ છૂટી જ પડી ગયેલી ,હવે તે દિવસોમાં સારવારની ખાસ સગવડ હતી નહીં તેથી પાટાપિંડી તો કરી .પણ દુખાવો ઓછો કરવા કોઈ પેઇનકિલર હતી નહીં એટલે દર્દથી પીડાતા બાળ કિશોર રોજે રોજ કલાકો સુધી ભેંકડા તાણે... એના ભેંકડાએ ગળું ખોલવા માટે ની કસરત નું કામ કર્યું હશે, પરિણામ એ આવ્યું કે કિશોર નું ગળું કાયમ માટે ખૂલી ગયું, અને એ એવું ખુલ્યું કે શ્રેષ્ઠ પાર્શ્વગાયક ના આઠ-આઠ ફિલ્મફેર એવોર્ડ જીતાડી ગયું. 1982 થી 1985 ના વર્ષોમાં તો સળંગ ચાર એવોર્ડ જીત્યા ,આપણા આ અલબેલા ગાયક કિશોરકુમારે.ફિલ્મ શરાબી નું એક એવોર્ડ વિનિંગ સોંગ મંઝિલે અપની જગહ હૈ રાસ્તે અપની જગહ....તો મારી જેમ તમને પણ ગમતું જ હશે ખરું ને?
સામાન્ય રીતે ગાયક મુકેશ ,રાજ કપૂર નો અવાજ ગણાતા અને એટલે જ રાજ કપૂરની ફિલ્મના મોટાભાગના ગીત મુકેશ જી ગાતાં, પણ એક ફિલ્મમાં કિશોરકુમારે રાજ કપૂર માટે ગાયું છે. કિશોરકુમારના અવાજનો જાદુ પારખનાર એક ઝવેરી, એસ ડી બર્મન પણ હતા .તેમણે કિશોરકુમાર પાસે ઘણાં ગીતો ગવડાવ્યાં પણ પહેલી તક સચિન દા એ આપી તે ફિલ્મ હતી 1950 માં રજુ થયેલ "પ્યાર",જેના હીરો હતા રાજ કપૂર. હા યાદ આવ્યું ને એ ગીત...કચ્ચી પક્કી સડક પે મેરી ટમટમ ચલી જાય...
એ તો જગજાહેર વાત છે કે કિશોરકુમાર ગાયક બનવાના ઈરાદા થી મુંબઈ ,પોતાના ભાઇ અશોક કુમાર પાસે આવ્યા હતા ,પણ અશોકકુમાર તેમને અભિનેતા બનાવવા ઇચ્છતા હતા .અશોક કુમારની ભલામણથી એક નાનકડી ભૂમિકા ફિલ્મ "શિકારી" માં કરી ત્યારે કિશોર ની ઉંમર માંડ 17 -18 વર્ષની .જો કે ગાયક તરીકે કોઇ તક મળે તે માટે તે સબર્બન ટ્રેન માં ,જુદા જુદા રેકોર્ડિંગ સ્ટુડિયોમાં આંટા ફેરા કરે ,તે વખતે દેવ આનંદ પણ સંઘર્ષ કરતા અને ટ્રેનમાં બંને ભેગા થાય ત્યારે અપડાઉન કરતા મિત્રો કરે તેવી વાતો પણ કરતા. ત્યારે ખબર નહોતી કે ગાયક તરીકે કિશોરકુમાર કરિયર નું પહેલું ગીત દેવ આનંદની ફિલ્મ "ઝિદ્દી"માટે ગાશે. 1948 માં ખેમચંદ પ્રકાશ ના સંગીત નિયોજન માં તેમણે પહેલું ગીત"મરને કી દુઆએ ક્યુ માંગુ જીને કી તમન્ના ક્યુ કરે...ગાયું ,જે જાણીતું થયું અને પાર્શ્વગાયન ના દરવાજા કિશોરકુમાર માટે ખૂલી ગયા.,,, .
ફિલ્મ "નોકરી" નું ગીત.... છોટા સા ઘર હોગા... જેમાં મેલ પ્લેબેક સિંગર હતા કિશોરકુમાર. હકીકતમાં સંગીતકાર સલિલ ચૌધરીએ ગીત માટે ગાયક તરીકે હેમંત કુમાર નું નામ વિચારી રાખ્યું હતું ,પણ બિમલ દા એ હીરો કિશોર કુમારનું નામ સૂચવ્યું ,ત્યારે સલિલ દા એ રીતસર તેમનો વોઇસ ટેસ્ટ લીધો.
આ વાત છે ૧૯૫૩ ની. તેના પાંચ વર્ષ પહેલા ૧૯૪૮માં કિશોર કુમાર નું પહેલું ગીત રેકોર્ડ થયેલું એટલે પાંચ વર્ષ પછી એક ગાયકે પોતાના પર જ પિકચરાઇઝડ થનાર ગીત ગાવા માટે audition આપવું પડે તે આશ્ચર્યજનક તો હતું જ ,પણ કિશોર કુમારે સલીલ દા એ સંભળાવેલી ધૂન પર આબેહૂબ તે જ રીતે ગીત ગાઇ બતાવ્યું , એ એવું ગીત બન્યું કે આજે આટલા વર્ષે પણ સાંભળવું ગમે. જોકે તે વખતે ,સલિલ ચૌધરીએ પોતાનો મત પાકો કરી નાખ્યો કે ,આ અવાજ હલકા ફુલકા ગીતો માટે ચાલે ,દર્દીલા ગીતો માટે તો નહીં જ. મજાની વાત એ છે કે એ જ સલિલ ચૌધરીએ ૧૯૭૧માં એક દર્દીલું ગીત કિશોરકુમાર પાસે ગવડાવ્યું, ફિલ્મ "મેરે અપને" મા "કોઈ હોતા જિસકો અપના હમ અપના કહ લેતે યારો,પાસ નહીં તો દૂર હી હોતા,લેકિન કોઈ મેરા અપના..." એ ગીત સાંભળો તો સમજાય કે ગુલઝારના શબ્દો ની વેદના અને સલિલ ચૌધરીના સંગીતને કિશોરકુમારના અવાજે કેટલી ઊંચાઈ બક્ષી છે.
એક્ટર અને ગાયક તરીકે કિશોરકુમારે ફિલ્મ જગતમાં સ્થિરતા મેળવવા માંડી ,તે સમયે હીરો તરીકે મોટે ભાગે તેમની કોમેડી પ્રધાન ફિલ્મો આવતી.એ પડદા પર તો કોમેડી કરે જ પણ પડદા પાછળ પણ ઘણી કરામત કરે .તેમની એક યાદગાર ફિલ્મ "બાપરે બાપ" ના એક ગીત દરમિયાન આવી એક કરામત ના સાક્ષી બન્યા ,આશા ભોંસલે અને ઓ.પી.નય્યર.ફિલ્મનું એક ગીત છે "પિયા પિયા પિયા મોરા જીયા પુકારે...." તેના રિહર્સલ્સ તો બરાબર થયા, પરંતુ ફાઇનલ ટેક વખતે બીજા અંતરામાં આશાજીએ એક જગ્યાએ ખોટી એન્ટ્રી લીધી .જ્યાં હકીકતમાં કિશોરકુમારને ગાવાનું હતું આશાજી ખોટા સમયે ગાવાનું શરૂ કરીને પહેલો બોલ પૂરો કરે તે પહેલાં તો બાજુમાં ઊભેલા કિશોરકુમારે તેમના મોં પર હાથ મૂકી દીધો અને જાણે કંઇ બન્યું ન હોય એમ પોતાની પંક્તિઓ ગાવા માંડ્યા. રેકોર્ડિંગ પત્યા પછી બધા ચિંતામાં ,કે આ ટેક ફરી કરવો પડશે અને એટલે ગીતનું રેકોર્ડિંગ મોંઘુ પડશે.કિશોર કુમારે કહ્યું ફિકર ન કરો .જે રીતે ગીત રેકોર્ડ થયું છે તે જ ફાઇનલ રાખો.ફિલ્મનો હીરો હું જ છું એટલે સંભાળી લઈશ. હવે યાદ કરો ,એ ફિલ્મનું ફિલ્માંકન -ઘોડાગાડી ની પાછલી સીટ ઉપર ગીત ગાતા કિશોરકુમાર ભૂલ વાળી એ પંક્તિ આવે છે "યે ઋત મનભાતી યે દિન મદમાતે...."ત્યારે હિરોઈન ચાંદ ઉસ્માનીના મોં પર હાથ અડાડી, પોતાના અવાજમાં ગીત આગળ ચલાવે છે.
ફિલ્મ આરાધના નું સંગીત સચિનદેવ બર્મન તૈયાર કરતા હતા ત્યારે રાહુલ દેવ બર્મન તેમના સહાયક તરીકે તો કામ કરતા જ હતા ,પણ પોતે સ્વતંત્ર સંગીતકાર તરીકે પણ કામ કરતા હતા .તેમણે "પડોશન" માં કિશોરકુમાર પાસે બે solo songs ઉપરાંત "એક ચતુર નાર બડી હોશિયાર:" જેવું ધમાલ સોંગ પણ ગવડાવ્યું હતું અને ત્યારે કિશોર કુમારની ટેલેન્ટથી ખૂબ પ્રભાવિત પણ થયેલા, એટલે "આરાધના"ના ગાયક તરીકે તેમનો આગ્રહ કિશોરકુમાર માટે જ હતો પણ સચિન દાનો વીટો પાવર કોઈનું ચાલવા દે તેમ ન હતો. એટલે ફિલ્મના બે યુગલ ગીત મહમદ રફી સાહેબ પાસે રેકોર્ડ કરાવ્યા. એવામાં સચિન દા ની તબિયત બગડી અને તે કોમામાં જતા રહ્યા .હવે "આરાધના" ના બાકી ના ગીતો માટે નિર્ણય લેવાનું તેમના પુત્ર અને સહાયક આર ડી બર્મન ના ભાગે આવ્યું .એ સમયે રફી સાહેબ હજયાત્રાએ ગયેલા એટલે ફિલ્મના બે ગીતો પંચમ દા એ કિશોરકુમાર પાસે ગવડાવ્યા. જે આરાધના ની હાઈલાઈટ બન્યા. "મેરે સપનો કિ રાની કબ આયેગી તું...." ની જેમ જ સનસનાટી સર્જનાર ફિલ્મનું બીજું ગીત હતું "રૂપ તેરા મસ્તાના "આ ગીતને એક જ શોટમાં ફિલ્માવીને શક્તિ સામંતે વિક્રમ સર્જ્યો હતો.
વર્સેટાઇલ ,હરફનમૌલા જેવા અનેક વિશેષણોથી જેને નવાજવામાં આવ્યા છે તેવા કિશોરકુમાર માટે આમ તો આખો ગ્રંથ લખાય પણ આજે કિશોર કુમારને, રેટ્રો ની મેટ્રો માં આપણે યાદ કર્યા તેમના ખૂબ જ લોકપ્રિય થયેલા કેટલાક ગીતો અને એ ગીતો સાથે બનેલી રસપ્રદ ઘટનાઓ સાથે. યાદોની ગલીઓમાંથી અત્યારે તો રેટ્રોની મેટ્રો પરત ફરી છે માતૃ ભારતી ના પ્લેટફોર્મ પર. આવી જ ઇન્ટરેસ્ટિંગ વાતો નો ખજાનો લઈને થોડા જ સમયમાં ફરી હાજર થશે રેટ્રોની મેટ્રો. सिर्फ वादा नहीं यह पक्का इरादा है ।
ક્રમશઃ
© શ્વેતલ પટેલ
સુરત.