The Knot of the Yellow Handkerchief - Book Review in Gujarati Book Reviews by Dr. Ranjan Joshi books and stories PDF | પીળા રૂમાલની ગાંઠ - પુસ્તક સમીક્ષા

Featured Books
  • ભાગવત રહસ્ય - 149

    ભાગવત રહસ્ય-૧૪૯   કર્મની નિંદા ભાગવતમાં નથી. પણ સકામ કર્મની...

  • નિતુ - પ્રકરણ 64

    નિતુ : ૬૪(નવીન)નિતુ મનોમન સહજ ખુશ હતી, કારણ કે તેનો એક ડર ઓછ...

  • સંઘર્ષ - પ્રકરણ 20

    સિંહાસન સિરીઝ સિદ્ધાર્થ છાયા Disclaimer: સિંહાસન સિરીઝની તમા...

  • પિતા

    માઁ આપણને જન્મ આપે છે,આપણુ જતન કરે છે,પરિવાર નું ધ્યાન રાખે...

  • રહસ્ય,રહસ્ય અને રહસ્ય

    આપણને હંમેશા રહસ્ય ગમતું હોય છે કારણકે તેમાં એવું તત્વ હોય છ...

Categories
Share

પીળા રૂમાલની ગાંઠ - પુસ્તક સમીક્ષા

પુસ્તકનું નામ:- પીળા રૂમાલની ગાંઠ

સમીક્ષક:- ડૉ. રંજન જોષી

 

લેખક પરિચય:-

'અમીર અલી ઠગના પીળા રૂમાલની ગાંઠ' નવલકથાના લેખક હરકિસન મહેતાનો જન્મ ભાવનગર જિલ્લાના મહુવા ગામમાં ૨૫ મે, ૧૯૨૮ના રોજ થયો હતો. ૧૯૫૨માં તેઓ 'ચિત્રલેખા' સામયિકમાં વજુ કોટકના વડપણ હેઠળ જોડાયા પણ ૧૯૫૮ના જૂનમાં આર્થિક ભીંસને લીધે તેઓ છૂટા થયા. વજુભાઈનાં અવસાન બાદ, તેઓએ ૧૯૫૯ થી ૧૯૯૮ સુધી ગુજરાતી 'ચિત્રલેખા'ના સંપાદક(તંત્રી) તરીકેનો કાર્યભાર સંભાળ્યો. તેમણે ચિત્રલેખામાં ધારાવાહિક સ્વરૂપે નવલકથાઓ લખી હતી. તેમની નવલકથાઓમાં જગ્ગા ડાકુના વેરનાં વળામણાં, અમીરઅલી ઠગના પીળા રૂમાલની ગાંઠ, ચંબલ તારો અજંપો, માણસ નામે ગુનેગાર, સંસારી સાધુ, ભેદ-ભરમ, દેવ-દાનવ, અંત-આરંભ, પાપ-પશ્ચાતાપ, જોગ-સંજોગ, જડ-ચેતન, સંભવ-અસંભવ, તરસ્યો સંગમ, પ્રવાહ પલટાયો, મુક્તિ-બંધન, શેષ-વિશેષ, વંશ-વારસ, ભાગ્ય-સૌભાગ્ય, લય-પ્રલયનો સમાવેશ થાય છે. તેમણે વજુ કોટકની અધૂરી રહેલી નવલકથા ડોક્ટર રોશનલાલ પૂર્ણ કરી હતી. સ્વિડન સોનાનું પિંજર તેમની પ્રવાસકથા છે. તેમણે શરીરથી જોડાયેલા સિયામી જોડિયા નામનું પુસ્તક સિયામિઝ જોડિયા ભાઇઓના જીવન પરથી લખ્યું હતું. સૌરભ શાહે તેમના જીવન પર આધારિત પુસ્તક સર્જન-વિસર્જન નું સંપાદન કર્યું છે.

 

પુસ્તક વિશેષ:-

પુસ્તકનું નામ : પીળા રૂમાલની ગાંઠ (ભાગ ૧,૨,૩)

લેખક : હરકિસન મહેતા 

પ્રકાશક : પ્રવીણ પ્રકાશન, રાજકોટ

કિંમત : 1150 ₹. 

પૃષ્ઠ સંખ્યા : 992

 

બાહ્ય મૂલ્યાંકન:-

પાકા પૂંઠામાં બાઇન્ડિંગ થયેલ આ પુસ્તકના ત્રણેય ભાગના મુખપૃષ્ઠ પર પાત્રોના ચિત્રો અંકિત છે. ફોન્ટ સરળતાથી વાંચી શકાય તેવા રાખવામાં આવ્યા છે. કાગળની ગુણવત્તા ઉચ્ચ છે, જાડા પેજ છે જેના લીધે આગળનું લખાણ પાછળ દેખાતું નથી. પુસ્તકનું કદ નાનું છેે જેના લીધે તેને લઈને ગમે ત્યાં જઈ શકાય અને એને એક હાથમાં લઈને આરામથી વાંચી શકાય છે.

 

પુસ્તક પરિચય:-

ઇ.સ. 1968માં ત્રણ ભાગ અને 102 પ્રકરણમાં લખાયેલી ‘અમીરઅલી ઠગના પીળા રૂમાલની ગાંઠ’ આજે સાડા પાંચ દાયકા બાદ પણ એટલી જ લોકપ્રિય છે. હરકિસન મહેતાએ કર્નલ ફિલિપ મેડોઝ ટેલર રચિત ‘કન્ફેશન્સ ઑફ ઠગ’ પુસ્તક પરથી આ નવલકથા લખી છે તે વાતનો સ્વીકાર તેમણે પ્રસ્તાવનામાં જ કર્યો છે. પ્રસ્તાવનામાં તેઓ એમ પણ કહે છે કે તેમનો આ નવલકથા લખવાનો પ્રયાસ “એ માત્ર જીવનકથા કે ઇતિહાસકથા નહીં હોય. સત્યઘટનાને આધારે કલ્પનાના રંગે રંગાયેલી નવલકથા લખવાનો પ્રયાસ છે.” અને તેમણે ખરેખર પોતાના આગવા કલ્પનોને આ કથામાં ભેળવીને એક રોચક નવલકથાનું સર્જન કર્યું છે. નવલકથાની શરૂઆત થાય છે ઈસ્માઈલ નામક ઠગ જમાદારથી. જમાદાર એટલે ઠગ લોકોની ટોળીનો સરદાર. પોતાની અસલી ઓળખ છુપાવી શિકાર કરવા જતો ઈસ્માઈલ પોતાની પત્નીની શેર માટીની ખોટ પુરી કરવા પોતાના હાથે મોતને ભેટેલા એક પઠાણ દંપતિનો દીકરો ઘરે લઈ આવે છે. સ્મૃતિ ગુમાવી બેસેલા એ બાળકનું નામ હોય છે અમીર. પોતે જ એનો બાપ છે એવું અમીરના મનમાં ઠાંસીને ઈસ્માઈલ સગા પુત્રની જેમ એનો ઉછેર કરે છે. અમીરઅલીના વિવશ બાળપણનું આલેખન આપણાં મનમાં તેના માટે સહાનુભૂતિ જન્માવે કરે છે. સેનાપતિ બનવાની તેની ઘેલછા તથા ગુલુ અને હાથી વાળો પ્રસંગ આપણાં મનમાં તેની બહાદુરી અંકિત કરી જાય છે. ઠગની દીક્ષા લેવાની આગલી રાત્રે તેણે અનુભવેલું મનોમંથન કારકિર્દીની પસંદગીમાં મૂંઝાતા યુવાન જેવું જ છે. તે પહેલો શિકાર કરે છે ત્યાં સુધી તેનામાં આ ધંધાથી દૂર ભાગવાની ભાવના હોય છે માટે અહીં સુધી અમીરઅલીનું પાત્ર વાચકોની સહાનુભૂતિને પાત્ર છે. અમીરઅલી અદ્ભુત પરાક્રમો દાખવે છે અને બે સ્ત્રીઓનો પ્રેમ પણ પ્રાપ્ત કરે છે. માટે તેની બહાદુરી અને શૃંગારિકતામાં તેના ઘાતકીપણાની અસર ભૂંસાઈ જાય છે અને વાચકો તેને નાયક તરીકે સ્વીકારી શકે છે. જ્યારે તે ચિતુ પિંઢારાના લશ્કરમાં જોડાય છે ત્યારે વાચકો માની લે છે કે હવે અમીરઅલી ઠગ મટી ગયો. પણ ગફુરખાનની અસહ્ય ક્રૂરતા અને અમીરઅલીનું ઋજુ હૃદય તેને ફરી એક વાર ઠગ બનાવી દે છે. પુત્ર પામવાની ઘેલછામાં અમીર પોતાના હાથે જ પોતાની બહેનનું ગળું ભીંસી નાખે છે ત્યારે એ પાછો અપ્રિય થઈ જાય છે. અને અમીરઅલી પકડાઈ જાય છે. જેલમાંથી મળેલા અણધાર્યા છૂટકારા બાદ ફરી એક વાર અમીરઅલી કથાનો અને વાચકોનો નાયક બનતો જાય છે. એ વખતે અમીર અને સ્લીમન વચ્ચેની ઉંદર-બિલાડીની રમત પણ વાચકનો રસ જાળવી રાખે છે. ફિર ક્યા હુઆ? ઉસકે લિએ તો જનાબ, પઢિયે પૂરી કિતાબ.. બસ એટલું કહી શકું કે એકવાર વાંચવાથી મન ના ભરાય એવી, આંગળીના વેઢે ગણાય એવી રચનાઓ ગુજરાતી સાહિત્યમાં છે, જેમાં મારા મતે અમીરરલીઠગની પીળા રૂમાલની ગાંઠ ઉચ્ચત્તમ શિખર પર બિરાજમાન છે.

 

શીર્ષક:-

ઠગની દીક્ષા આપતી વખતે પિતા ઇસ્માઇલ અલીએ જે પીળો રૂમાલ આપ્યો,તેના છેડે રૂપિયો બાંધી ગાંઠ વાળી અમીરને આપી. આ પીળા રૂમાલની ગાંઠ અને દીક્ષિત થયેલો ઠગ અમીર અલી કથાના કેન્દ્રમાં હોવાથી આ શીર્ષક યોગ્ય લાગે છે. અંતે પણ આ ગાંઠ ખૂલે છે અને કથાના આરંભથી અંત સુધી પીળા રૂમાલની ગાંઠ અમીરના સંપૂર્ણ જીવનની સાક્ષી બની રહે છે.

 

પાત્રરચના:-

પાત્રાલેખન એ હરકિસન મહેતાની કલમનું જમા પાસું છે. આ નવલકથામાં પણ એક પ્રતિનાયકને વાચકગણમાં પ્રિય બનાવવાનું સાહસ તેમણે કર્યું છે. નવલકથામાં સ્ત્રી પાત્રો ઘણાં છે પણ શિરિન, રોશન અને અઝીમાને બાદ કરતા બધા જ થોડાક સમય પૂરતા જ આવે છે. અન્ય પાત્રોમાં ઈસ્માઇલ અલી, અફલો, બદ્રીનાથ, ચિતુ પિંઢારો, ગફુરખાન, ગુલુ, જોહરાની સાવકી મા, સબ્ઝીખાનની બાંદી, ગણેશા, રૂપસિંહ, ભવાનીપ્રસાદ, પીરખાં વગેરે પાત્રો કથાપ્રવાહને આગળ વધારવામાં ખૂબ સહાયક છે. આ કથાનાં મહત્વનાં પાત્રોમાં માત્ર સ્લીમનનું પાત્ર જ એક માત્ર એવું પાત્ર છે કે જેનાં પ્રત્યે વાચકોને હંમેશા આદર અને પ્રેમ જળવાઈ રહે છે.

સંવાદો/વર્ણન:-

સંવાદો સરળ છતાં ગૂઢાર્થ વાળા અને વર્ણન એટલું રોચક કે આપણે પણ ઠગ ટોળીમાં સામેલ હોઈએ એવું અનુભવીએ. માણો કેટલાક સંવાદો:

'બાપુ, હવે નવી જિંદગી શરૂ કરવાની મને અધીરાઈ જાગી છે. ચાલો ઉપડીએ.'

'ખુશામત તો ખુદાનેય પ્યારી લાગે છે નવજવાન.'

'યાર, તું કોઈકના ઈશ્કમાં પડીશ ત્યારે તને સમજાશે કે એ હાલતમાં કેવો ખુમાર હોય છે!'

'અણધારી કામયાબી મેળવનારને એક મોટો ફટકો પડે છે ત્યારે એ જલદી ભાંગી પડે છે.'

'તકદીર!, માણસ આ શબ્દનો ઉપયોગ જાતને છેતરવા માટે કરતો હોય છે. હું તો તાકાત પર ભરોસો રાખનારો આદમી છું.'

'પોતાનાથી બીજા થરથર કાંપે એવો ખ્યાલ પંપાળવાનું દરેક માણસને ક્યારેક ગમતું હોય છે.'

'પશ્ચાતાપ જેમ દાહક છે તેમ‌ પાવક પણ હોય છે. તેની આગ ખરેખર તો મનના પાપને ઓગાળી નાખવાનું કામ કરે છે. શરીર ભલે એ પસ્તાવાથી ભાંગી પડે પણ મનને એ નિર્મળ બનાવે છે.

 

લેખનશૈલી:-

સુરેશ દલાલે હરકિસન મહેતા માટે કહ્યું છે કે નાનકડા કથાબીજમાંથી નવલકથા ઉગાડવામાં અને વાચકોની રુચિને પહેલા પ્રકરણથી છેક અંત સુધી જાળવી રાખવામાં તેઓ માહેર છે. સાતમા ધોરણમાં ભણતો કિશોર પણ હરકિસન મહેતાને જરૂર વાંચી શકશે. આટલી સરળ ભાષા છતાં કથા પર મજબૂત પકડ ધરાવતા લેખક એટલે હરકિસન મહેતા. અહીં કથા નાયક મુસ્લિમ હોવાથી ઉર્દૂ ભાષા છૂટથી વાપરવાનો અવકાશ હતો પરંતુ પેદર, જનાના સવારી, દિલરૂબા, કાફિર, વાલિદ એવા બહુ જ ઓછા શબ્દો તેમણે વાપર્યા છે. નાયક ઠગ હોવાથી ઠગોમાં વપરાતી રામસી ભાષા પણ તેઓ વાપરી શક્યા હોત પણ એ ભાષાના પણ બિલ, મંજેહ, લુઘા, સોથા, ભૂત્તોત, થિબાવ, પિલાવ, બનીજ, તપોની જેવા જરૂર પૂરતાં જ શબ્દો વાપર્યા છે. વાર્તા સહજ, સરળ, રસાળ રીતે આગળ વધતી રહે છે. જે‌ વાચકને‌ શરૂઆતથી અંત સુધી જકડી રાખે છે. લેખકની‌ શૈલી‌ જનસામાન્યને અનુકૂળ આવે એવી છે.

 

વિશેષ મૂલ્યાંકન:-

કથાના અંતભાગમાં પસ્તાવાની આગમાં જલતો અમીર એક સમયે એમ પણ વિચારે છે કે તે પોતાના જીવનમાં આવેલી બે માતાઓથી લઈને પોતાની પુત્રી સુધીની કોઇ પણ સ્ત્રીને તે ન્યાય કરી શક્યો નથી ત્યારે આપણે તેની સાથે સહમત થવું પડે છે.અમીરના પિતા ઈસ્માઈલમિયાની હાજરીમાં બંધાયેલ પીળા રૂમાલની ગાંઠ જ્યારે અમીરની પુત્રી માસૂમાની હાજરીમાં ખૂલે છે ત્યારે વાચકો એક ઊંડો ઉચ્છવાસ જરૂર છોડે છેઃ એ કથા પૂરી થયાનો રાજીપો છે કે અમીરની વિદાયનો નિસાસો, એ તમે જ આ નવલકથા વાંચીને નક્કી કરજો.

 

મુખવાસ:- શ્રદ્ધા અને અંધશ્રદ્ધા વચ્ચે અથડાતી અબુધ બાળકથી ઠગની સફર એટલે પીળા રૂમાલની ગાંઠ.