જૂન મહિના ની ધોમ ધખતી એ બપોર હતી. તાપ માં સુકાઈ ને સાવ બરડ થઈ ગયેલા સાગ ના પાન ને ઉડાડતો ગરમ પવન ડુંગરો પર ભાગદોડ કરી રહ્યો હતો અને આ ડુંગરો ની વચ્ચે જાણે કોરાના કાળ ની પહેલે થી ખબર હોય એમ સોશિયલ ડિસ્ટન્સિંગ જાળવતા ઝુંપડા એ ડુંગરાળ પ્રદેશ માં વેરાયેલા પડ્યા હતા. જેમાં અલગ તરી આવતી હતી એ પંચાયત ની ઓફીસ જેમાં વગર પંખા એ કપાળ પર થી પરસેવો લૂછતો હાર્દિક બેઠો બેઠો એના તલાટી ની નોકરી લેવા ના નિર્ણય ને ભાંડતો હતો. એવું નહોતું કે એને નોકરી ગમતી નહોતી, પણ ભ્રષ્ટાચાર અને રાજકારણીઓ ની ટાંગ અડાવવાની વૃત્તિ એ એને એક મહિના ની નોકરી માં જ અણગમો થઈ ગયો હતો.
"સાહેબ, આ ફોર્મ ભરવાનું છે."
દરવાજા પર એક ૧૫-૧૬ વરસ ની છોકરી હાથ માં કાગળો લઈ ને ઉભી હતી.
હાર્દિકે હકાર માં માથુ ધુણાવ્યું. છોકરી અંદર આવી કાગળ ટેબલ પર મૂકી ઉભી રહી.
નોકરી ના અણગમા ની અસર હાર્દિક ના વર્તન પર પણ થોડી પડી હતી. તેને છોકરી ને બેસવાનું કહેવાની તસ્દી લીધા વિના કાગળો લઈ ભરવા માંડ્યો. એ જાતિ ના દાખલા નું ફોર્મ હતું. હાર્દિકે અંદાજ લગાવી લીધો કે છોકરી કદાચ ૧૦ કે ૧૨ માં ધોરણ માં હશે અને જાતિ ના પ્રમાણપત્ર ની જરૂર હશે. હાર્દિકે ફોર્મ ભરી ને આપ્યું.
"સાહેબ, કશું આપવાનું?"
આ પ્રશ્ન ની હાર્દિક ને નવાઈ નહોતી, લગભગ ગામ નું દરેક વ્યક્તિ કઈ કામ કરવા આવે તો આ પ્રશ્ન જરૂર પૂછતી. હાર્દિક પણ સમજતો કે અમુક ના પાપે લોકો પણ ભ્રષ્ટાચાર માટે ટેવાઈ ગયા હતા.
હાર્દિકે ને નકાર માં માથુ ધુણાવી ના પાડી.
"પણ મને ઘરે થી કીધું છે." કહી છોકરીએ ઓઢણી ના છેડે બધેલી ચીમળાઈ ગયેલું ૨૦ ની નોટ કાઢી.
"ના, ના, મારે કશું લેવાનું નથી"
આટલું સાંભળી છોકરી કઈ બોલ્યા વગર ત્યાંથી નીકળી ગઈ.
"મોટા તો મોટા, હવે છોકરાઓ પણ ભ્રષ્ટાચાર માં માનતા થઈ જશે." હાર્દિકે સ્વતઃ બબડતા નિસાસો નાખ્યો.
થોડી વાર થઈ જશે ત્યાં એ જ છોકરી ઓઢણી માં કશુંક ભરી ને લાવી.
"લ્યો સાહેબ, મારા આંબા ની કેરીઓ છે."
હાર્દિકે જોયું તો છોકરી ઓઢણી માં લગભગ ૫-૬ કાચી કેરીઓ લઈ ને આવી હતી.
"અરે ના ના, પૈસા નથી લીધા તો કેરીઓ આપવાની?"
"ના સાહેબ, આતો મારી માં કહેતી કે સાહેબ બિચારા શહેર માં રહે ત્યાં એમને આવી ગામડા ની ખાતર દવા વગર ની કેરીઓ ના ખાવા મળે એટલે મને થયું કે સાહેબ ને આપી આવું. અમારા આંબા પર ઘણી લાગી છે."
છોકરીએ નાની સ્માઈલ સાથે કહ્યું.
હાર્દિક કેરીઓ લેવી કે ના લેવી એના વિચાર માં પડ્યો પણ એટલા માં છોકરી કેરીઓ ટેબલ પર મૂકી ને જતી રહી.
હાર્દિક કેરીઓ સામે જોઈ ને વિચારવા લાગ્યો કે આ પણ લાંચ નો એક પ્રકાર જ છે ને. પૈસા લઉ કે કેરીઓ લઉ, કામ કરી આપવાના બદલામાં કઈ પણ લેવું એ છેવટે તો ભ્રષ્ટાચાર જ થયો.
વિચારતા વિચારતા ઓફીસ ટાઇમ પૂરો થયો હાર્દિક નાછૂટકે કેરીઓ થેલી માં ભરી ને બાઈક પર બેસી જવા નીકળ્યો. એ બાઈક ને રેસ આપે એટલા માં જ પાછળ થી આવાજ આવ્યો
"સાહેબ, ઓ સાહેબ."
હાર્દિક એ પાછળ જોયું તો એ જ છોકરી હતી
"પાછું શું થયું?"
"અરે સાહેબ મે તમને જે કેરીઓ આપી એ ખાટી છે."
"તો?" હાર્દિકે અસમંજસમાં છોકરી સામે જોયું.
" એ કેરીઓ મને આપી દો અને આ બીજી કેરીઓ લઈ જાઓ, આ મીઠી છે." કહી છોકરીએ હાર્દિક પાસે થી કેરીઓ લઈ બીજી કેરીઓ આપી અને જતી રહી.
હાર્દિક એને જતા જોઈ રહ્યો અને વિચારતો રહ્યો કે એના હાથ માં રહેલી કેરીઓ લાંચ હતી કે પ્રેમ??...