Vasudev Mahetane smarananjali in Gujarati Moral Stories by Jagruti Vakil books and stories PDF | વાસુદેવ મહેતા સ્મરણઅંજલિ

Featured Books
Categories
Share

વાસુદેવ મહેતા સ્મરણઅંજલિ


અલ્પવિરામ કોલમના અણનમ લેખક એવા ગુજરાતના અગ્રણી રાજકીય સમીક્ષક અને નિર્ભીક પત્રકાર શ્રી વાસુદેવ મહેતાનો જન્મ ૨૮ માર્ચ ૧૯૧૭ના અમદાવાદમાં થયો હતો. અણનમ એટલે કહેવું પડે કે જિંદગીના છેલ્લા દિવસો સુધી વાસુદેવ મહેતાએ આ કોલમ સંદેશમાં આપી, આમજનતાને પોતાના જ્ઞાનનો લાભ પીરસ્યો હતો. પત્રકારત્વની એમની સેવા બદલ એમ. ઝેડ. જીલાની મેમૉરિયલ ઍવૉર્ડ, લાયન્સ ક્લબનો વિઝન ઍવૉર્ડ, શેખાદમ આબુવાલા ઍવૉર્ડ (1987), સાયન્સ ઍન્ડ કલ્ચરલ સોસાયટીનો કીર્તિ સુવર્ણચંદ્રક (1996) અને વજુ કોટક સુવર્ણચંદ્રક (1997) એનાયત થયા હતા. અખબારી ક્ષેત્રે સમગ્રતયા શ્રેષ્ઠ પ્રદાન બદલ ગુજરાત સરકારનો ઍવૉર્ડ (1994–95) પણ એમને મરણોત્તર મળ્યો હતો.પત્રકાર તરીકે એમને વિવિધ ચંદ્રકો મળ્યા હતા અને એમનું સન્માન પણ થયું હતું. ગુજરાત સાહિત્ય પરિષદમાં પત્રકાર વિભાગના પ્રમુખપદેથી તેમણે પત્રકારત્વ વિષે મનનીય પ્રવચન કર્યું હતું. પત્રકારત્વ ઉપરાંત રેડિયો અને ટેલિવિઝનના ક્ષેત્રે એમની રાજકીય આગવી વિચારધારા પ્રગટ થતી રહેલી.

અંગ્રેજી સાથે બી.એ.નો અભ્યાસ કરી કકલભાઈ કોઠારીના નવસૌરાષ્ટ્રમાં પ્રથમ નોકરી મળી. નવસૌરાષ્ટ્રના પ્રથમ પાને એમના નામ સાથે લેખ પ્રસિદ્ધ થતા. પત્રકાર થવાની એમની હોંશને પુષ્ટિ મળી. એ પછી જયંતિ દલાલના રેખામાં પણ થોડોક સમય કામ કર્યું.1948માં રમણલાલ જાનીનું દૈનિક પત્ર વર્તમાનનીકળ્યું એમાં તેઓ કામ કરતા હતા. ત્યાંથી ગુજરાત સમાચારમાં આવ્યા. ગુજરાત સમાચારમાં જોડાયા પછી થોડાક સમય બાદ ક્ષયનો રોગ થયો, પણ આ બીમારીનો સફળપણે પ્રતિકાર કર્યો. 1970માં સંદેશમાં જોડાયા. બે પત્રોના તંત્રી તરીકે કામગીરી બજાવી. મહાગુજરાતના આંદોલનના સમર્થનમાં કેટલાક વ્યવસાયી પત્રકારોએ જનતંત્રનામનું દૈનિક કાઢ્યું. એના તંત્રીપદે રહ્યા. આંતરિક ખટપટને કારણે જનતંત્રછોડવું પડ્યું. જનસત્તાના તંત્રી તરીકે એ પત્રમાં કેટલાક સુધારાવધારા કરવામાં એમનો યશસ્વી ફાળો હતો.એમની મહત્વાકાંક્ષા હતી એક શિષ્ટ અને સારું દૈનિક પ્રસિદ્ધ કરી બતાવવાની. પોતાની માલિકીનું દૈનિક પ્રસિદ્ધ કરવાની એમની નાણાકીય શક્તિ ન હતી. પોતાની આગવી છાપનું દૈનિક કાઢવું હોય તો એ માટે સંપાદન કરવાની પૂરેપૂરી સત્તા મળવી જોઈએ. કોઈ માલિક સત્તા આપે નહિ. એમની આ મહત્વાકાંક્ષા પૂર્ણ ન થઈ એનો એમને છેવટ સુધી વસવસો હતો. ભાગીદારીમાં ઇમેજસાપ્તાહિક શરૂ કરેલું પણ તે ખોટને કારણે બંધ કરવું પડેલું.

સંદેશમાં રવિવારની પૂર્તિ એમણે શરૂ કરાવેલી. પ્રાસંગિકઅને અલ્પવિરામમાં રાજકીય લેખો લખવાની શરૂઆત ત્યાંથી કરી હતી. અલ્પવિરામછેવટ સુધી ચાલુ રાખ્યું. ચિત્રલેખામાં ભારતનું મહાભારતએ શીર્ષક હેઠળ નિયમિત રાજકીય કૉલમ લખતા હતા. અમદાવાદના માસિક નવચેતનમાં કેટલોક સમય રાજકીય સમીક્ષાની કટાર લખી.

એક મૂલ્યનિષ્ઠ, નિર્ભીક અને નિષ્ઠાવાન આજીવન પત્રકાર તરીકે એમની સફળતાનું રહસ્ય એ હતું કે તેઓ જે કંઈ લખતા તે માત્ર છાપું વાંચીને જ નહિ, ઘણીબધી અન્ય સાહિત્યસામગ્રીનો અભ્યાસ કરીને લખતા હતા. છાપાં વાંચવામાં પણ સારો એવો સમય ગાળતા હતા. જે વાંચે એને બરાબર વાગોળતા હતા. એના વિશે પોતે મનન કરતા હતા. પરિણામે એમનામાં વિચારોની સ્પષ્ટતા હતી. પોતાના વાચકવર્ગને નજર સમક્ષ રાખી વિષયની પસંદગી કરતા હતા. તેથી એમનાં લખાણોમાં અસ્ખલિત પ્રવાહ વહેતો હતો અને વાચકને એમની વાત હૈયા સોંસરવી ઊતરી જતી હતી. પોતે જે લખે તે વાચકો સમજી શકશે કે કેમ તેનું તેઓ લખતી વખતે હંમેશાં ધ્યાન રાખતા હતા. કોઈની પણ શેહશરમ વિના પોતાને જે સાચું લાગે તે જ લખતા હતા. એમના લખાણથી કોઈ ખુશનાખુશ રહેશે એની કદી ચિંતા કરતા નહિ. એમના રાજકીય લેખોમાં ભાવિ અંગે એમણે જે અનુમાનો તારવ્યાં હોય તે મહદ્અંશે સાચાં પડતાં હતાં. એમની આર્થિક વિચારસરણીમાં ડાબેરી ઝોક હતો. આમ છતાંય રાજકીય પરિસ્થિતિની સમીક્ષા કરવામાં તેઓ વાસ્તવિકતાને ધ્યાનમાં રાખતા હતા. કોઈ પક્ષને ગમે કે ના ગમે રાજકીય વિશ્લેષણ કરવાની એમની આગવી ર્દષ્ટિ હતી. ગુજરાતમાં રાજકીય વિશ્લેષણ કરવામાં એમની તોલે આવે એવો કોઈ પત્રકાર ન હતો. એમના પિતાજી સ્ટેશન-માસ્તર હોવાને કારણે ગુજરાત-રાજસ્થાનનાં વિવિધ સ્થળોએ રહેવાની એમને તક મળી હતી. પરિણામે એ વિસ્તારોના કેટલાક તળપદા શબ્દો અને રૂઢિપ્રયોગોનો તેઓ અસરકારક રીતે ઉપયોગ કરી શકતા હતા. એમના વિશાળ વાચનને કારણે પ્રશ્ન સાહિત્યનો હોય, સંગીતનો હોય, સિનેમાનો હોય, કલાકૃતિનો હોય કે ગમે તે વિષયનો હોય, એની તેઓ ચર્ચા કરી શકતા હતા. એ વિશે પણ એમનાં આગવાં મંતવ્યો હતાં. એમણે પોતાના જીવન વિશેની ડાયરી પણ લખી છે. એમના તીવ્ર અણગમાની અભિવ્યક્તિ કેટલીક વાર ગુસ્સામાં પણ પરિણમે; છતાં એ ગુસ્સામાં વ્યક્તિ-ડંખ ના હોય, બલકે લાગણી હોય. એમની નિકટના કેટલાક મિત્રો એમને ડૉક્ટરકહેતા; એનું કારણ એ કે, એમનાં લખાણ કે પ્રવચનમાં મલમપટ્ટાલગાડવાનું એમને ફાવે નહિ, ‘વાઢકાપકરવાનું જ ગમે ! એમનાં આવાં લખાણને કારણે ગુજરાત તેમજ મુંબઈમાં એમનો એક વિશાળ વાચકવર્ગ ઊભો થયો હતો. એમના લેખોની જેમ કટાક્ષ કરવાની એમની આ શક્તિમાં એમની મૌલિકતા તરી આવતી હતી.

વાસુદેવ મહેતાની સાહિત્ય યાત્રા પર નજર નાખીએ તો,આ પેલું રશિયા’ (1976) એ એમની તટસ્થ ર્દષ્ટિએ લખાયેલી પ્રવાસકથા છે. આ ઉપરાંત પૅલેસ્ટાઇન’ (1947) એમની યહૂદીઓ અને આરબો વચ્ચેના યુદ્ધની ભૂમિકાને સમજાવતી પુસ્તિકા છે. ભારતનું બંધારણ’, ‘કેસલરની આત્મકથા’ (1953), ‘ટ્રેડ યુનિયન દ્વારા ટાઢી ક્રાંતિ’ (1954), ‘આધુનિક સામ્યવાદનો ઉદય’ (1957), ‘અમેરિકાની વિદેશનીતિ’ (1962), ‘આગેકૂચનો અવસર’ (1965) વગેરે એમનાં અનુવાદિત પુસ્તકો છે. તેઓ જ્યોતિષના સારા જાણકાર હતા. એમણે જ્યોતિષ વિષે રાજકીય બનાવોની ચર્ચા કરતાં પણ કૉલમો લખ્યાં હતાં. તેઓ જ્યોતિષનો અંધશ્રદ્ધા રાખવાને બદલે તકેદારી રાખવાની ર્દષ્ટિએ સ્વીકાર કરતા હતા.

અમદાવાદમાં પત્રકારોનો સંઘ સ્થાપવામાં એમનો મુખ્ય ફાળો હતો. એ વખતની સ્થિતિ એવી હતી કે કોઈ સંઘ સ્થાપવાની હિંમત જ કરી શકે નહિ. પત્રકારોના વેતન પંચ સમક્ષ પત્રકારોની માંગણી અંગેનું આવેદનપત્ર ઘડવામાં એમનો મુખ્ય ફાળો હતો. ગુજરાત પત્રકાર સંઘના તેઓ પ્રમુખ પણ બન્યા હતા.

૯ માર્ચ ૧૯૯૭એ અમદાવાદમાં ચિરનિંદ્રામાં પોઢેલ અને ગુજરાતના પત્રકારત્વના ઇતિહાસમાં/સાહિત્ય જગતમાં તેમની લેખિની ચિરસ્મરણીય છે,એવા લેખકને આજે તેમની જન્મજયંતીએ સ્મરણ અંજલિ!