Dashavatar - 82 - Last Part in Gujarati Fiction Stories by Vicky Trivedi books and stories PDF | દશાવતાર - પ્રકરણ 82 (ધ એન્ડ)

Featured Books
  • પિતા

    માઁ આપણને જન્મ આપે છે,આપણુ જતન કરે છે,પરિવાર નું ધ્યાન રાખે...

  • રહસ્ય,રહસ્ય અને રહસ્ય

    આપણને હંમેશા રહસ્ય ગમતું હોય છે કારણકે તેમાં એવું તત્વ હોય છ...

  • હાસ્યના લાભ

    હાસ્યના લાભ- રાકેશ ઠક્કર હાસ્યના લાભ જ લાભ છે. તેનાથી ક્યારે...

  • સંઘર્ષ જિંદગીનો

                સંઘર્ષ જિંદગીનો        પાત્ર અજય, અમિત, અર્ચના,...

  • સોલમેટસ - 3

    આરવ રુશીના હાથમાં અદિતિની ડાયરી જુએ છે અને એને એની અદિતિ સાથ...

Categories
Share

દશાવતાર - પ્રકરણ 82 (ધ એન્ડ)

          એ બધા અંતિમ સંસ્કારના મેદાનમાંથી બહાર આવ્યા પછી એમણે દોડવાનું શરુ કર્યું. એ ઉજ્જડ અને પછી અર્ધ વેરાન પ્રદેશમાંથી પસાર થયા ત્યારે દોડવું મુશ્કેલ બન્યું કેમકે અર્ધ વેરાન પ્રદેશમાં રેતીનું પ્રમાણ વધારે હતું. રેત દોડવામાં સૌથું મોટો અવરોધ બનતી હતી. અર્ધ-રણમાંથી પસાર થયા પછી ખેતરોનો વિસ્તાર હતો એટલે દોડવું સરળ રહ્યું. છેવટે એ ઝૂંપડીઓના વિસ્તારમાં પ્રવેશ્યા ત્યારે શેરીઓમાં કોલાહલ હતો. લોકો તળાવ ખોદવા માટે પોત પોતાના ઓજારો તૈયાર કરતા હતા. એ શેરીઓમાંથી દોડ્યા ત્યારે લોકોએ એક પળ માટે એમની પ્રવૃત્તિમાં વિરામ લીધો અને આંખો ઉંચી કરી એમની દિશામાં જોયું. એ ક્ષક્ષે વિરાટે લોકોની આંખોમાં આશા અને અપેક્ષા જોઈ. એણે એમની આંખોમાં વિશ્વાસ જોયો.

          ઝૂંપડીઓ પછી વિરાટને હળવું લાગ્યું કારણ કે હવે જમીન સરળ હતી. એ વધુ ઝડપથી દોડવા લાગ્યા હતા. વિરાટ હજુ પણ નિર્ભય જેટલો ઝડપી નહોતો. એમની પાસે દોડવાની વધુ તાલીમ હતી. એ શૂન્ય તાલીમીઓ કરતા અનેક ગણી વધુ તાલીમ પામેલા હતા. સંદેશવાહક તરીકે આપેલી સેવા પણ એમનાથી આગળ વધવામાં મદદ કરી શકે એમ નહોતી.

          એમણે ઝડપ પકડી અને આગળ વધ્યા. એમના પગમાં કળતર થવા લાગી અને એમના ફેફસાં બળવા લાગ્યા છતાં પણ એ અટક્યા નહીં. લગભગ એક કલાક પછી આખરે એ સ્ટેશન પહોંચ્યા ત્યારે બધા હાંફતા હતા. એમને શ્વાસ લેવામાં અને સ્થિર ઊભા રહેવામાં પણ મુશ્કેલી પડતી હતી.

          એ આગગાડી પાસે પહોચ્યા. રોજની આદત મુજબ નિર્ભય સિપાહીઓએ મોટરસાઇકલો ઉતારી. એમની પાસે અગિયાર મોટરસાયકલ હતી - દસ આગગાડીમાંથી મળી અને એક પહેલેથી જ એમની સાથે હતી. જ્યારે મોટરસાઇકલ પર એ અંતિમ સંસ્કાર ભૂમિ પર પહોંચ્યા ત્યારે વિરાટના ગુરુએ બેગમાં ખોરાક અને પાણી ભરેલી બોટલો અને બીજી જરૂરી વસ્તુઓ એકઠી કરી રાખી હતી. વિરાટે પૂછ્યું નહીં પણ એ જાણતો હતો કે જો એ કામ આટલી ઝડપથી થયું હોય તો એ સંદેશાવાહકોએ કર્યું હશે.

          બેગની અંદર એમને દીવાલની ઉત્તરમાં જોઈતી દરેક વસ્તુ, વધારાના કપડાં અને દરેક પ્રકારના સાધનો હતા. દીવાલ સુધી પહોંચવામાં એમને એક કલાક લાગ્યો. વિરાટે એટલી નજીકથી અગાઉ ક્યારેય દીવાલ જોઈ નહોતી. એ મોટરસાઇકલ પરથી ઉતરીને એ મશીનોને દીવાલની નજીક સ્ટેન્ડ કરીને ઊભા કર્યા. વિરાટે એની બેગ ખભા પર ભરાવી કારણ કે એમને દીવાલ પર ચડવા માટે બંને હાથની જરૂર હતી.

          “અશક્ય.” દીવાલ પાસે જઈ એના હાથથી પથ્થરના રાક્ષસી ચોસલાને સ્પર્શતા વિરાટે વિચાર્યું. એ  વિશાળકાય પથ્થરોથી બનેલી, સેંકડો ફૂટ ઊંચી, મૃત અને જીવંત લતાઓથી ઢંકાયેલી દીવાલ પર ચડવું અશક્ય હતું. વિરાટને લાગ્યું કે એ અશકય છે પણ બીજી જ ક્ષણે એણે પોતાને કહ્યું – જો કઈંક કરવાની ઈચ્છા હોય તો કંઈ પણ અશક્ય નથી.

          "તમે તૈયાર છો મિત્રો?"  હાથમાં એક જાડી વેલ પકડીને વજ્રએ પૂછ્યું.

          "હા." સૌએ બૂમ પાડી, “અમે તૈયાર છીએ.”

          વિરાટે બંને હાથે વેલ પડકી લીધી અને ઉપર ચડવા લાગ્યો. એણે આકાશ તરફ જોયું અને એને લાગ્યું કે એ ઉપર નહીં પણ નીચે જોઈ રહ્યો છે. દીવાલ એટલી ઉંચી હતી કે આકાશમાં એનો ઉપરનો છેડો ક્યાં હશે એ અંદાજ લગાવવો પણ મુશ્કેલ હતો. 

          કલાકો સુધી એ દીવાલ પર ચડતા રહ્યા. વિરાટના હાથમાં પકડેલો વેલો ખરબચડો હતો. એની હથેળીઓ બળતી હતી પણ એ ઉપર ચડતો રહ્યો. અમુક અંતરે જો એ વેલો બીજા વેલામાં ગૂંચવાયેલો હોય તો એણે વેલો બદલવો પડતો હતો.

          દીવાલ એમની કલ્પના કરતા વધારે ઉંચી હતી. એમણે અડધા રસ્તે પંદર મિનિટ આરામ કર્યો. પોતાને વેલમાં લપેટીને એમણે હાથને આરામ આપ્યો. આરામ કર્યા પછી વધુ એક કલાક લાગ્યો અને પછી એમને દીવાલની ઉપરની કિનારનો અનુભવ થયો. તેમ છતાં એ દૂર હતી પણ હવે એ દીવાલનો પ્રકાશ અને છેડો અનુભવી શકતા હતા. બીજી પંદર મિનિટ અને એ બધા લગભગ કિનાર પર હતા ત્યારે વિરાટે વેલા પરથી પકડ ગુમાવી દીધી. એની હથેળીમાં પહેલેથી જ વાગેલું હતું પરિણામે અહીં ચડતી વેળાએ હથેળી વધુને વધુ ઘવાતી ગઈ હતી. વેલો એની હથેળીમાંથી સરકી ગયો.

          એણે પકડ જાળવી રાખવા કોશિશ કરી પણ એ વેલા પરથી નીચે સરકી રહ્યો હતો. વેલા પર પકડ રાખવી અસહ્ય બની ગઈ એટલે એણે વેલો છોડ્યો. એ જ ક્ષણે વજ્ર એની નજીક આવ્યો. એ લાંબી લતાના દોરડા સાથે ઝૂલતો એની નજીક ગયો અને એનો હાથ પકડ્યો. વજ્રએ માંડમાંડ એની હથેળીઓથી વિરાટનો હાથ પકડ્યો હતો પણ વિરાટની હથેળીઓ લોહીથી લથપથ હતી. હથેળી લોહીથી લપસણી બનેલી હતી. એ લપસણી સપાટીને પકડીને વિરાટનું વજન સંભાળી ન શક્યો.

          વજ્રના હાથમાંથી વિરાટની હથેળી સરકી ગઈ અને વિરાટનું શરીર ખૂબ વેગથી નીચે પડવા લાગ્યું.  વિરાટે આંખો બંધ કરી દીધી કારણ કે એ નીચે જોવા માંગતો નહોતો. એ થોડો નીચે સર્યો ત્યાં એના પગ વેલાના એક મોટા ગૂંચળામાં ફસાઈ ગયા અને એનું શરીર લટકવા લાગ્યું. એના શરીરને એવો આંચકો લાગ્યો જાણે હમણાં ગૂંચળામાં ફસાયેલો એનો પગ છૂટો પડી જશે. એના પગમાં પારાવાર વેદના થવા લાગી. દર્દને ભૂલીને વિરાટે એના શરીરને ઝોલો આપ્યું. ત્રીજા પ્રયત્નમાં એના હાથમાં વેલો આવ્યો અને એણે ગૂંચળામાંથી પગ મુક્ત કર્યા. એણે ફરીથી ચડવાનું શરૂ કર્યું.

*

          પંદર મિનિટ પછી આખરે એ બધા દીવાલ ઊપર હતા. દીવાલની કિનાર ત્રીસ ફૂટ કરતાં વધુ જાડી હતી. દીવાલની કિનાર પર એમને લાગ્યું જાણે એ કોઈ નાનકડા મેદાન પર છે.

*

          નીચે ઉતરવું ઉપર ચડવા જેટલું અઘરું નહોતું. નીચે ઉતરતી વખતે બધાએ  મોટરસાઇકલના ગ્લોવ્ઝનો ઉપયોગ કર્યો જેથી એમની હથેળીમાં વધુ દુખાવો ન થયો તેમ છતાં નીચે ઉતરવામાં પણ એક કલાક કરતાં વધુ સમય લાગ્યો.

*

          એ બધા દીવાલ પાર કરીને ઉત્તરની દુનિયામાં પહોચી ગયા. અહીં રણ સિવાય કંઈ નહોતું. દૂર કેટલીક તૂટેલી ઇમારતો અને રેતીના ઢગલા દેખાતા હતા.

          અહીં કોઈ જીવન નહોતું. કોઈ હિલચાલ નહોતી. માત્ર પવન અને એમાં ઉડતી રેતી હતી.

          "આપણે ગંગાની કેનાલની સાથે સાથે ચાલીશું. એ આપણને છાંયો અને પાણી આપશે." વજ્રએ સુચન કર્યું.

          એ લોકો દીવાલ પર બરાબર ત્યાં જ ચડ્યા હતા જ્યાં ગંગાની કેનાલ દીવાલની અંદર પ્રવેશતી હતી. કેનાલ માટે દીવાલમાં બનાવેલું ચોરસ ગાબડું વિરાટની કમર જેટલા લોખંડના સળિયાથી સુરક્ષિત હતું અને આમ પણ એ સાંકડા ગાબડાંમાં પાણીનો વેગ એટલો તીવ્ર હતો કે ત્યાંથી પસાર થવું અશક્ય હતું. એ દીવાલ પાર કરીને ગંગાની કેનાલ પાસે જ ઉતર્યા હતા.

          બધાએ વજ્રની વાતમાં સહમતી દર્શાવી અને એમનો પ્રવાસ શરૂ થયો. એ આઝાદી લેવા દીવાલની ઉત્તરમાં આવ્યા હતા. વિરાટને ખબર નહોતી કે એ અવતાર છે કે નહીં. એ જાણતો નહોતો કે પોતે ખાસ છે કે નહીં પણ એ એક વાત ચોક્કસ કહી શકે એમ હતો. એ કંઈક કહેવા માંગતો હતો અને આ શબ્દો માત્ર કારુ માટે જ નહીં પણ લોકોને ગુલામ બનાવવા માંગતા દરેક તાનાશાહ માટે હતા.

          તમે આકાશ સુધી દીવાલો બનાવી શકો છો પણ અમે એને કેવી રીતે તોડવી એ શોધી લઈશું. તમે અમારા માટે દરેક પુસ્તક પર પ્રતિબંધ મૂકી શકો છો પણ જ્ઞાન અમારા સુધી પહોંચવાનો માર્ગ શોધી કાઢશે કારણ કે જ્ઞાનની કોઈ મર્યાદા નથી.  તમે અમને કાયર બનાવવાનો પ્રયત્ન કરી શકો પણ બહાદુરી અમારા હૃદય સુધી પહોંચવાનો માર્ગ શોધી લેશે છે કારણ કે હિંમતની કોઈ સીમા નથી. 

          તમેં અમને વેદના આપી શકો છો. તમે અમને અજ્ઞાનતામાં ડુબાડી શકો છો. તમારા વિશાળ હાથ વડે અમને દબાવવાનો પ્રયત્ન કરી શકો છો પણ અમે એનો પ્રતિકાર કરવાનો માર્ગ શોધીશું કારણ કે અમે જ્ઞાની છીએ. અને અમે એકલા નથી. અમારા જેવા ઘણા છે. તમે કલ્પના કરી શકો એના કરતાં વધુ. અમારા જેવા લોકો જેઓ ગુલામ બનવાનો ઇનકાર કરે છે, જે લોકો ખોટા ભગવાનમાં વિશ્વાસ કરવાનો ઇનકાર કરે છે, જે લોકો તાનાશાહી સ્વીકારવાનો ઇનકાર કરે છે, જે લોકો પ્રેમ પસંદ કરે છે, જે લોકો જ્ઞાન પસંદ કરે છે અને જે લોકો દુનિયામાં જીવવા અને પ્રેમ કરવા માંગે છે, જે અવલંબન સ્વીકારવાનો ઇનકાર કરે છે, જે લોકો પોતાને જાણે છે, એવા લોકો જે લાખો નિરાશામાં પણ આશા અમર રાખે છે અને જે લોકો ભય વિના જીવે છે એવા લોકોને ક્યારેય કોઈ દીવાલ કેદ કરી શકવાની નથી.

          અને આ બધી બાબતો અમને માનવ બનાવે છે, અમે શૂન્ય નથી. યાદ રાખજો. તમે અમારી પાસેથી અમારી માનવતા નહીં છીનવી શકો, તમે માનવતાના ગમે એટલા મોટા દુશ્મનો હો, ભલે તમે પોતે કલિયુગ હો, અમે સત્યયુગમાં માનીએ છીએ અને તમે અમને એમાં માનતા ક્યારેય રોકી શકવાના નથી.

          હું તમારા જેમ ભગવાન બનવાની કે દેવતાઓ જેવી શક્તિ મેળવવાની લાલસા નથી રાખતો. મને લાગે છે કે ટકી રહેવા માટે આની જરૂર નથી. હું પાટનગર જેવું  સ્વર્ગ નથી માંગતો. મને નથી લાગતું કે દેવતા, નિર્ભય, લોક અને વેપારીઓ તરીકે જન્મીને માણસોએ કેવી રીતે જીવીશું એ કોઈ બીજા માણસો નક્કી કરે. દરેક માણસ આઝાદ છે અને એને પોતાની મરજી મુજબનું જીવન જીવવાનો હક છે.

          હું ખુશ છું કે હું વિચારવા સક્ષમ છું અને એ બધું જ્ઞાનને કારણે છે તેથી હું ફક્ત જ્ઞાનને જ નમન કરીશ. હું એક માણસની જેમ જીવીશ અને એક માણસ તરીકે મરીશ. હું ક્યારેય તમારા જેવો ભગવાન બનવાનો નથી. મારું હૃદય મને જીવવાનું કહે એમ હું જીવીશ.

          હું હંમેશા એક સામાન્ય માણસ તરીકે જીવવા ઇચ્છતો હતો. મારા લોકોમાંથી કોઈએ ક્યારેય સત્તા અને પદ નથી ઇચ્છ્યું. અમે ક્યારેય યુદ્ધ નહોતા ઇચ્છતા. અમે ઈચ્છતા હતા કે અમારા પરિવારને દિવસમાં ઓછામાં ઓછું એક વખત ભોજન મળે, ગુલામની જેમ કામ કરવાની જરૂર ન પડે અને પ્રલયના જોખમમાં જીવવાની જરૂર ન પડે.

          હું અવતાર બનવા નહોતો માંગતો. મારું જીવન મારા લોકોથી શરૂ થાય છે અને મારા લોકો સાથે ખતમ થાય છે. મને નથી લાગતું કે હું અવતાર છું પણ જો મારા લોકોને અવતારની જરૂર હોય તો હું અવતાર છું.

          હું મારું જીવન અવતાર તરીકે જીવીશ અને અવતારની જેમ મરીશ. હું દીવાલની ઉત્તરમાં મારા લોકોને સુરક્ષિત સ્થાન અપવાવા માટે આવી રહ્યો છું. તમારી આંખો ખોલો અને જુઓ કે શું આવી રહ્યું છે - સત્યયુગ આવી રહ્યો છે. કળિયુગના શાસનને ઉથલાવી દેવા સત્યનો અવતાર આવી રહ્યો છે. અવતાર અંધકારના યુગનો અંત લાવવા આવી રહ્યો છે. એની સાથે અમે આવી રહ્યા છીએ - તમે આજ સુધી જે કર્યું છે એનો બદલો લેવા નહીં પરંતુ તમે અત્યારે જે કરી રહ્યા છો એના માટે આવી રહ્યા છીએ, ભવિષ્યમાં તમે અમારી સાથે જે કરવા માંગો છો એને રોકવા માટે આવી રહ્યા છીએ. અમે પાટનગર માટે આવી રહ્યા છીએ.

          વિરાટ અને એના બાવીસ ચુનંદા સાથી કારું સામે બાથ ભીડવા આગળ વધી રહ્યા હતા.....

ભાગ 1 સમાપ્ત

દશાવતાર - ભાગ 2 ટૂંક સમયમાં આવશે.....

વધુ વાંચન માટે વિકી ત્રિવેદીને અહીં ફોલો કરો

ફેસબુક : Vicky Trivedi

ઇન્સ્ગ્રાટામ : author_vicky