Dashavatar - 77 in Gujarati Fiction Stories by Vicky Trivedi books and stories PDF | દશાવતાર - પ્રકરણ 77

Featured Books
  • રહસ્ય,રહસ્ય અને રહસ્ય

    આપણને હંમેશા રહસ્ય ગમતું હોય છે કારણકે તેમાં એવું તત્વ હોય છ...

  • હાસ્યના લાભ

    હાસ્યના લાભ- રાકેશ ઠક્કર હાસ્યના લાભ જ લાભ છે. તેનાથી ક્યારે...

  • સંઘર્ષ જિંદગીનો

                સંઘર્ષ જિંદગીનો        પાત્ર અજય, અમિત, અર્ચના,...

  • સોલમેટસ - 3

    આરવ રુશીના હાથમાં અદિતિની ડાયરી જુએ છે અને એને એની અદિતિ સાથ...

  • તલાશ 3 - ભાગ 21

     ડિસ્ક્લેમર: આ એક કાલ્પનિક વાર્તા છે. તથા તમામ પાત્રો અને તે...

Categories
Share

દશાવતાર - પ્રકરણ 77

          પદ્માએ પહેલીવાર ઇમારતને દિવસના પ્રકાશમાં જોઈ. એ એક વિશાળ ખંડેરનું સમારકામ કરીને ઊભું કરાયેલું માળખું હતું. છતાં કેટલીક બારીઓ ગાયબ હતી અને ઇમારતનો ઉપરનો પચીસ ટકા ભાગ તૂટેલો હતો. એ બહુમાળી ઇમારત હતી એટલે અંદરથી એનો ઉપરનો તૂટેલો ભાગ ધ્યાનમાં આવતો નહોતો.

          હું એને શું કહું જે અમારો જીવ બચાવશે? પદ્મા વિચાર્યું એ સાથે જ એના મનમાં ભય જન્મ્યો. દિવસનો પ્રકાશ, બહારના વૃક્ષો અને એની આસપાસના ખંડેર વિસ્તારે એને છેલ્લી ઇમારતની યાદ અપાવી જ્યાં એમણે બધું ગુમાવ્યું હતું. એની આંખો પર પાણીનો પાતળો પડદો રચાયો. એ પડદો બુંદ બનીને એના આંખને ખૂણે ભેગો થયો. એના પિતાના શબ્દો યાદ કરીને ભય અને લાગણીને દૂર હડસેલી દીધી: આ કળિયુગ છે અને અસ્તિત્વ અનિશ્ચિત છે. એ જાણતી હતી કે આ અજાણ્યા શહેરમાં એ બધા અસ્તિત્વની તક એક ઉંદર જેટલી જ ધરાવતા હતા.

          એને પોતે એક શિકાર હોય એવું લાગ્યું અને એ લોક પ્રજાના લોકો શિકારી પ્રાણી જેવા લાગ્યા. ઇમારતની અંદરના લોક પ્રજાના માણસો એને અને એના લોકોને એ નજરે જ જોતા હતા. ભૂપતિ એક ઝાડ પાસે રોકાયો ત્યાં સુધી એ એની પાછળ ચાલતી રહી. ઝાડ નીચે ઊભા રહ્યા પછી પદ્માએ કેનાલની શાખામાં પાણી વહેતું સાંભળ્યું.

          “આ ખુરશીમાં બેસ.” ભૂપતિએ ઝાડ નીચે લાકડાની એક ખુરશી તરફ ઈશારો કર્યો.

          એ ભૂપતિના કહ્યા મુજબ ખુરશીમાં ગોઠવાઈ અને એક ઊંડો શ્વાસ લીધો. ભૂપતિ એની નજીક બીજી ખુરશી પર બેઠો. એ સહેજ આગળ ઝૂક્યો. એની આંખો પદ્માને જોઈ રહી હતી.

          "મને કહે કે તું અવતાર વિશે શું જાણે છે?"

          “ઠીક છે.” પદ્માએ સહેજ પણ ખચકાટ વગર કહ્યું, “મને લાગે છે કે તમે દીવાલની દક્ષીણના બળવા વિશે સાંભળ્યું હશે.”

          "હા." એણે એની ખુરશી થોડી વધુ નજીક ખેંચી, "મારી પાસે જાણકારી છે."

          પદ્માએ ઊંડો શ્વાસ લીધો, "તમને શું લાગે છે કે પ્રલયના પાંચસો વર્ષ પછી લોકો બળવો કેમ કરે છે?"

          "મને ખબર નથી." એણે કહ્યું પણ પદ્મા જાણતી હતી કે એ જૂઠ બોલે છે.

          "તમે એટલા મૂર્ખ નથી લાગતા." એ હસી, “હવે મને કહો કે તમે એ જાણો છો.”

          "મને ખબર છે, કદાચ લોકોને અવતાર મળ્યો છે."

          "હવે તમે એક નેતા લાગો છો. અડધા નિર્ભય સિપાહીઓ અવતાર સાથે છે." એણે ધીમેથી ઉમેર્યું, "તમને નથી લાગતું કે તમારે અવતારની સાથે હોવું જોઈએ?"

          "હા, હોવું જોઈએ પણ જો શૂન્ય લોકોને કોઈ ગેરસમજ થઈ હોય ​​તો શું?" એણે પૂછ્યું, "જો એ છોકરો અવતાર ન હોય તો?"

          "તમે કેવી રીતે જાણો છો કે અવતાર છોકરો છે?" પદ્માએ આશ્ચર્યથી પૂછ્યું.

          "તું વિચારે એટલો હું મૂર્ખ નથી." ભૂપતિ હસ્યો, “તેં હમણાં જ કહ્યું કે લોકોને અવતાર મળ્યો છે. તેં અવતાર માટે પુલ્લિંગ સંબોધન વાપર્યું હતું.”

          "તમે ખરેખર હોશિયાર છો પણ જો તમે અમને મારી નાખશો તો એ તમારા જીવનની સૌથી મોટી મૂર્ખતા હશે."

          "કેવી રીતે?"

          "હું જાણું છું કે અવતાર કોણ છે અને જો તમે ઇમારતની અંદરના તમામ શૂન્યોને છોડી દો, તો તમે જ્યાં પણ કહો ત્યાં હું તમારી સાથે આવીશ. જો તમે મને કારુને સોંપો અને હું એને અવતારની માહિતી આપું તો તમને મોટું ઇનામ મળી શકે છે."

          "વાત મુદ્દાની છે." ભૂપતિએ કહ્યું, "પણ મને નથી લાગતું કે તું અવતારનું નામ જાહેર કરીશ."

          "હા." એ બોલી, "જ્યાં સુધી તમે આ શૂન્યોને મદદ ન કરો ત્યાં સુધી હું નહીં કરુ. મારા કહેવાનો મતલબ છે કે જ્યાં સુધી મને ખાતરી ન થાય કે મારા લોકો સુરક્ષિત છે."

          "હા." એણે કહ્યું, "અને મારે એમને સુરક્ષિત રાખવા ક્યાં મોકલવા જોઈએ?"

          "એ ક્યાં સલામત છે?"

          "મને ખબર નથી." એણે કબૂલ્યું.

          “દીવાલની દક્ષીણમાં.” પદ્માએ સુચન કર્યું.

          "જો બળવો થયો હોય તો દીવાલની દક્ષીણમાં કોઈ સુરક્ષિત નથી." ભૂપતિનો અવાજ ઉંચો થઈ ગયો, "એ સજા આપવા દીવાલની દક્ષીણના લગભગ અડધા લોકોને મારી નાખશે."

          "હા, મને ખબર છે." પદ્માએ કહ્યું, "એટલે જ હું અવતારનું નામ જાહેર કરવાની છું." એણે કહ્યું, "એકવાર કારુ જાણશે કે લોકો એક છોકરાને કારણે બળવો કરી રહ્યા છે જેને તેઓ અવતાર માને છે પછી કારુ ફક્ત એ છોકરાને મારશે જેથી લોકોને ખબર પડે કે કારુ કરતા કોઈ અવતાર મોટો નથી અને એને બીજી કોઈ સજાની જરૂર જ નહીં પડે."

          "તું એ કેવી રીતે કહી શકે કે કારુ બીજી સજા નહીં કરે?"

          "તમને શું લાગે છે, કારુ સજા કેમ આપે છે?"

          "ફરીથી વ્યવસ્થા સ્થાપિત કરવા માટે."

          "ના, એ સજા આપે છે જેથી લોકો ફરીથી બળવો કરતાં ડરે. ડર એવી વસ્તુ છે જે આશાને ખાય છે. આશા ન હોય તો બળવો થતો જ નથી અને આ વિદ્રોહમાં, અવતાર જ એ આશા છે, એકવાર અવતાર ન રહે પછી આશા પણ જતી રહેશે.”

          "તેં મારા પ્રશ્નનો જવાબ ન આપ્યો." એણે ફરી એ સવાલ કર્યો, "જો એ છોકરો અવતાર ન હોય તો?"

          "એનાથી કોઈ ફરક નથી પડતો." પદ્મા મક્કમતાથી બોલી, "કારુને કોઈ શોની જરૂર છે. એ છોકરો અવતાર છે કે નહીં એની એને પરવા નથી."

          એણે એક પળ માટે ભૂપતિના ચહેરાના ભાવ બદલાતા જોયા પણ એ કેવા ભાવ હતા એ એને ન સમજાયું. એ ખુરશીમાં પાછળ ઝૂકી ગયો અને કહ્યું, "શું તું જાણે છે કે અમે આ ઝાડ કેમ ઉગાડીએ છીએ?"

          "કારણ કે એ તમને એમ કરવાનું કહે છે."

          "ના, તેં ખોટું સાંભળ્યું છે." એણે હાથ જોડીને ઉમેર્યું, "અમે અમારા મરેલા બાળકોની યાદમાં વૃક્ષો ઉગાડીએ છીએ." એના ચહેરા પર ઉદાસી છવાઈ, "દર વર્ષે કારુ લોકમાંથી સો બાળકોને છીનવી લે છે અને અમને ખબર નથી કે એ બાળકો સાથે શું કરે છે. આ વૃક્ષો અમારા ખોવાયેલા બાળકોની સ્મૃતિ છે. ગયા વર્ષે અમે તેર બાળકો ગુમાવ્યા છે. બાકીના બાળકો બીજા શહેરોના હતા.”

          પીડા પદ્માની છાતીમાં એક ગાંઠની જેમ ભેગી થઈ ગઈ. એણે જે સાંભળ્યું એ પછી એ કારુને પહેલા કરતા વધુ ધિક્કારવા લાગી હતી.

          “ક્યારેક એ બાળકો મારા સપનામાં આવે છે અને હું ઇમારતમાંથી બહાર આવીને આ ઝાડ નીચે બેસી જાઉં છું. વૃક્ષો મને એમની યાદ આપે છે અને મને જીવવાની શક્તિ મળે છે.” એણે કહ્યું, "એટલે જ અહીં ત્રણ ખુરશી છે, એક મારા માટે અને બે મારા બાળકો માટે."

          "શું એમણે તમારા બાળકોને છીનવી લીધાં છે?" 

          "એ મોટા થાય ત્યાં સુધી મેં એમને છુપાવ્યા ન હોત તો એણે છીનવી લીધા હોત." એણે કહ્યું, "એ મોટે ભાગે બાર વર્ષથી ઓછી ઉંમરના બાળકોને લઈ જાય છે."

          "કેમ?"

          "અમને ખબર નથી." એણે નિસાસો નાખ્યો અને અચાનક પૂછ્યું, "તારું નામ શું છે?"

          “પદ્મા..."

          "ઠીક છે પદ્મા, જો એ છોકરો સાચો અવતાર હોય તો?

          "તો પણ એને મરવું પડશે." એ ઇચ્છતી હતી કે એ શબ્દો બોલતા પહેલા એ મરી ગઈ હોત તો સારું કારણ કે અવતાર બીજું કોઈ નહીં એનો પોતાનો વિરાટ હતો. અવતાર એ જ હતો જેને એ પોતાના જીવ કરતાં વધુ ચાહતી હતી.

          "તો તું તારી ટુકડીનો જીવ બચાવવા માટે એનું નામ જાહેર કરવા તૈયાર છો?"  એણે પૂછ્યું, "તને નથી લાગતું કે યુદ્ધને આનાથી વધુની જરૂર છે?"

          "હું જાણું છું. પણ તમે હમણાં જ કહ્યું કે એ બળવાની સજા કરવા દીવાલની અંદરના અડધા લોકોને મારી નાખશે." એનો અવાજ ધ્રુજવા લાગ્યો, "દીવાલની અંદરના અડધા લોકો ગુમાવ્યા પછી આઝાદી મળે તો પણ એનો શું અર્થ?"

          "તારો નિર્ણય યોગ્ય છે પણ જો મારી પાસે કોઈ અલગ યોજના હોય તો?"  એણે કહ્યું અને હસ્યો.

          "કેવી યોજના?" એણે આંખો નાની કરીને પૂછ્યું.

          "તને આ યોજના સમજાવવા માટે મારે કેટલાક જવાબોની જરૂર છે." એણે માંગણી કરી.

          "ઠીક છે, હું તૈયાર છું."

          ભૂપતિએ એક ક્ષણ માટે આંખ મીંચી, "આ યુગને કળિયુગ કેમ કહેવાય છે?"

          "કારણ કે કારુ પોતે કલિપુરુષનો અવતાર છે અને એનું શાસન કળિયુગ છે." એની પાસે જવાબ તૈયાર હતો.

          "આ પણ તેં ખોટું સાંભળ્યું છે." એણે કહ્યું, "આ યુગ કળિયુગ છે કારણ કે આ યુગના લોકો ઉજાસમાં માને છે એના કરતાં અંધકારમાં વધુ માને છે."

          "હું સમજી નહીં."

          "તેં સાંભળ્યું હશે કે લોક સારા લોકો છે અને દયાળુ પણ છે. કારુ એમને ખતરનાક શહેરોમાં રહેવા માટે મજબૂર કરે છે.”

          "હા." એણે માથું હલાવ્યું.

          "પણ આજે તેં શું જોયું?" એણે કહ્યું, “તેં એ ન જોયું કે મારા લોકો કારુને વફાદાર બની રહ્યા છે. એ અંધકાર તરફ જઈ રહ્યા છે અને ઉજાસને પાછળ છોડી રહ્યા છે.”

          પદ્માએ ફરી માથું હલાવ્યું.

          "એક સમયે એ કારુને નફરત કરતા હતા પણ હવે એ કારુ તરફ ઢળવા લાગ્યા છે. એક દિવસ એવો આવશે જયારે એ કારુ માટે કામ કરતાં નિર્દય હત્યારા બની જશે." એણે કહ્યું, "તું દેવભાષા જાણો છો?"

          "એક શબ્દથી વધુ નહીં." એ બોલી, "હું મારા નામનો અર્થ જાણું છું. પદ્મા - એનો અર્થ કમળ છે."

          "અને કળિયુગનો અર્થ?"

          “ના.” એણે નકારમાં માથું હલાવ્યું.

          "કળિયુગ એટલે અંધકારનો યુગ." એણે સમજાવ્યું, "મારા લોકો અંધકારના પ્રથમ ચરણમાં છે, જ્યારે એ અંતિમ ચરણમાં પહોંચશે ત્યારે એ મનુષ્ય નહીં પણ રાક્ષસ હશે અને પછી કોઈ લોક નહીં હોય."

          એ અટક્યો પણ પદ્મા કશું ન બોલી.

          “આ જ ઘટના દીવાલની દક્ષીણમાં પણ થશે. તારા લોકો પહેલા અંધકારના પ્રથમ તબક્કામાં જશે. એ અજાણ હશે કે પોતે જેને ધિક્કારે છે એના જેવા બની રહ્યા છે પછી બીજા તબક્કામાં અને અંતિમ તબક્કામાં એ કોઈ માણસ નહીં હોય. એ પછી લોક કે શૂન્ય કશું જ નહીં રહે - બધું અંધકારમાં ભળી જશે અને અંધકાર યુગનો અંતિમ તબક્કો શરૂ થશે.”

          "એને રોકવા માટે આપણે શું કરવું જોઈએ?"

          "આપણે એને રોકી ન શકીએ." એણે કહ્યું, "પણ અવતાર રોકી શકે. એ એની સાથે એક તેજ લઈને આવશે.”

          "પણ જો એ લોકો મારા અડધા લોકોને મારી નાખે તો શું?"

          "જો તારા લોકો માનવ નહીં હોય તો તું એમનું શું કરીશ?" એણે એના પ્રશ્નનો જવાબ એક પ્રશ્નથી આપ્યો.

          "મને ખબર નથી."

          "હું જાણું છું જયારે તારા લોકો માનવ નહીં રહે ત્યારે શું થશે. તું એમાંથી કેટલાકને મારી નાખીશ પણ પછી એ તને મારી નાખશે." એણે કહ્યું, “મારા લોકોમાં પણ એવું જ થઈ રહ્યું છે. એ દિવસેને દિવસે માણસાઈ ખોઈ રહ્યા છે. શું તેં એ ન જોયું કે એ બધા કારુએ એમની સાથે શું કર્યું છે એ ભૂલી ગયા છે? અને એને ખુશ કરવા માગે છે?”

          "હા, મેં એ જોયું."

          "એ બધા અમે ગુમાવેલા બાળકોને પણ ભૂલી ગયા છે." એણે નિસાસો નાખ્યો, "તેજ સિવાય અંધકારનો કોઈ ઈલાજ નથી."

          "તો શું યોજના છે?" પદ્મા પૂછ્યું.

          "આપણે ઇમારતની અંદર જઈશું કે તરત જ તું યોજના સમજી જઈશ." એણે પદ્મા સામે હાથ લંબાવ્યો, "તારા લોકોને તૈયાર રહેવા કહે. આપણે એક સોદો કરવા જઈ રહ્યા છીએ.”

          પદ્માએ એની સાથે હાથ મિલાવ્યા, "આપણે શું કરવા જઈ રહ્યા છીએ?"

          "આપણે મારા લોકોને એ જે જોવા માંગે છે એ બતાવશું." એણે ખુરશી છોડીને કહ્યું, "જો હું એમને તમને બધાને મુક્ત કરવા કહું તો એ મારો નિર્ણય નહીં સ્વીકારે."

          "હું સમજી ગઈ." પદ્માએ માથું હલાવ્યું અને બંને ઇમારત તરફ ગયા.

          "તારે મને એક વચન આપવું પડશે." 

          "શું?" એણે નીચા અવાજે પૂછ્યું.

          "તું મારા બાળકોને તારી સાથે લઈ જઈશ."

          "હા." એણે કહ્યું, "પણ શા માટે?"

          "મારા લોકો અંધકાર તરફ જઈ રહ્યા છે એટલે મને એમના પર વિશ્વાસ નથી." એણે કહ્યું.

          "હું વચન આપું છું."

          "અને એ છોકરો જેણે મારા પર હુમલો કર્યો." એ અટક્યો, "મને લાગે છે કે તમે એને આશ કહો છો." એ દરવાજે પહોંચ્યો અને એને ખોલ્યો.

          "હા, એનું નામ આશ છે." પદ્માએ પૂછ્યું, "પણ એનું શું છે?"

          "એને કહેજે કે એ એક નિર્ભય સિપાહી જેટલો બહાદુર છે." એણે પદ્માને દરવાજાની અંદર ધકેલી.

          પદ્મા ઠોકર ખાઈને જમીન પર પડી.

          ભૂપતિએ એના માણસો તરફ જોયું અને કહ્યું, "આ બધાને ભોંયરામાં કેદ કરો." એનો અવાજ હવે અલગ હતો, "એ આપણી પાટનગરની ટિકિટ છે."

          એના માણસો પાગલની જેમ બૂમો પાડવા લાગ્યા.

          "પણ...." ભૂપતિએ આગળ કહ્યું, "પાટનગરમાં બહુ ખાલી મકાનો નથી એટલે આ વાત આપણા બહાર ક્યાય ન જવી જોઈએ. મેં સાંભળ્યું છે કે એમની પાસે ફક્ત પંદર ખાલી મકાનો છે અને આપણે એ મકાનોમાંથી ખાલીપણું દૂર કરવા માટે પૂરતા છીએ."

          એના માણસો ફરી પાગલની જેમ હસ્યા. પદ્માને લાગ્યું કે ભૂપતિ અંધકાર અને તેજ વિશે સાચો છે. લોક પ્રજાને અંધકાર પોતાનામાં સમાવી રહ્યો હતો.

          "બધા સાંભળો." ભૂપતિએ કહ્યું પણ કોઈએ સાંભળ્યું નહીં એટલે એણે ધાતુના ટેબલ પર બંને હાથ પછાડ્યા, "સાંભળો."

          પદ્માને હવે સમજાતું હતું કે ભૂપતિએ જે કહ્યું હતું એ બધું જ સાચું હતું: સત્યયુગ એટલે પ્રથમ યુગમાં માણસનું સો ટકા મન એના નિયંત્રણમાં હોય છે, બીજા યુગનો અર્થ છે કે માણસના નિયંત્રણમાં એનું પંચોતેર ટકા મન છે, ત્રીજા યુગનો અર્થ છે કે માણસનું પચાસ ટકા મન એના નિયંત્રણમાં છે અને ચોથા એટલે કે કળિયુગનો અર્થ છે માણસના નિયંત્રણમાં પચીસ ટકા મન હોય છે અને આ નિયંત્રણ કરવાની શક્તિ પણ સમય સાથે ઘટતી જાય છે. કળિયુગના અંતે માણસનું મન શૂન્ય ટકા નિયંત્રણમાં હોય છે.

          પદ્માએ લોક પ્રજાના વર્તનમાં એ સત્ય જોયું – એ પાગલની જેમ વર્તતા હતા.

          "મારી અને આ સુંદર દેખાતી છોકરીની વચ્ચે એક સોદો થયો છે." ભૂપતિએ લગભગ બૂમ પાડીને કહ્યું.

ક્રમશ: