RETRO NI METRO - 9 in Gujarati Magazine by Shwetal Patel books and stories PDF | રેટ્રો ની મેટ્રો - 9

Featured Books
  • ભાગવત રહસ્ય - 149

    ભાગવત રહસ્ય-૧૪૯   કર્મની નિંદા ભાગવતમાં નથી. પણ સકામ કર્મની...

  • નિતુ - પ્રકરણ 64

    નિતુ : ૬૪(નવીન)નિતુ મનોમન સહજ ખુશ હતી, કારણ કે તેનો એક ડર ઓછ...

  • સંઘર્ષ - પ્રકરણ 20

    સિંહાસન સિરીઝ સિદ્ધાર્થ છાયા Disclaimer: સિંહાસન સિરીઝની તમા...

  • પિતા

    માઁ આપણને જન્મ આપે છે,આપણુ જતન કરે છે,પરિવાર નું ધ્યાન રાખે...

  • રહસ્ય,રહસ્ય અને રહસ્ય

    આપણને હંમેશા રહસ્ય ગમતું હોય છે કારણકે તેમાં એવું તત્વ હોય છ...

Categories
Share

રેટ્રો ની મેટ્રો - 9

ભઈ,રંગીલા રાજસ્થાન નો રંગ તમારા મન પર એવો ચડ્યો કે તમે તો બસ ચઢ્યા છો જીદે કે રાજસ્થાનના જોવાલાયક ઘણા સ્થળો હજુ બાકી છે ત્યાંની સફર કરવી છે રેટ્રો ની મેટ્રો માં .... મિત્રોની વાત તો માનવી જ પડે ને? ચાલો ત્યારે જઈએ ફરી એકવાર રંગીલા રાજસ્થાનની સફરે.....
રાજસ્થાની લોકગીત ની છાંટ ધરાવતાં કેટલાં બધાં ફિલ્મી ગીતો છે.એ ગીતો યાદ કરતા કરતા આપણે આવી ગયા blue city જોધપુર,આ શહેરના મોટા ભાગના મકાનો ભૂરા રંગે રંગાયા હોવાથી તે કહેવાય છે blue city. આ શહેરની એક ઓળખ સૂર્ય નગરી પણ છે... આખા વર્ષ દરમિયાન આ શહેરમાં સોનેરી સુરજ ચમકતો રહે છે અને એટલે જ કહેવાય છે સૂર્યનગરી. જોધપુર વસ્યું છે એક ખૂબસૂરત કિલ્લા મહેરાનગઢમાં.જેમાં મોતી મહલ,સુખ મહલ,ફૂલ મહલ,જેવી સુંદર ઇમારતો જોવા મળે છે.તો મહેરાનગઢ માં મહારાજા જસવંત સિંહ અને તેમના સૈનિકોની સ્મૃતિમાં બનાવેલ આરસપહાણની સમાધિ જસવંત થડા મહેરાનગઢ ના અનેક આકર્ષણો માંનું એક છે. તમને જસવંત થડા જોતાં જ યાદ આવી ગઈ હશે ફિલ્મ "હમ સાથ સાથ હૈ" અને તેનું લોકપ્રિય ગીત"મ્હારે હીવડા મે નાચે મોર ...." જેનું શૂટિંગ મેહરાનગઢ અને જસવંત થડા માં થયું હતું. મેહરાનગઢ કિલ્લો ભારતના લાંબામાં લાંબા કિલ્લામાં નો એક છે. રાજપુત શાસકો ની શૂરવીરતા નો ઇતિહાસ આ કિલ્લામાં પણ ભરપૂર પડ્યો છે. કિલ્લાની દિવાલો પર યુદ્ધ દરમિયાન વપરાયેલા તોપ ના ગોળા ના નિશાન હજુ પણ જોઈ શકાય છે. કિલ્લાની ડાબી તરફ એક શુરવીર સૈનિક કિરાત સિંઘ સોડા ની યાદ માં બનાવેલ સમાધિ જોઈ શકાય છે. કિલ્લાની રક્ષા કરતા કરતા શહીદી વહોરી લેનાર આ શૂરવીર યોદ્ધા ના હાથના નિશાન અહીંની દિવાલ પર હજુ પણ મોજૂદ છે. ઇતિહાસની આ વિરલ કથાઓની અનુભૂતિ કરવા લાખો પ્રવાસીઓ અહીં આવે છે.જોધપુર મા વીરતા ની કહાની ધરાવતી ફિલ્મ "બોર્ડર" ના ઘણા દ્રશ્યો નું શૂટિંગ થયું છે. અરે વાહ બોર્ડર ફિલ્મને મેં યાદ કરી કે તરત જ તમે તો સૈન્યના જવાનો બનેલા સની દેઓલ,અક્ષય ખન્ના,સુનીલ શેટ્ટી અને જુનિયર કલાકારો પર ફિલ્માવેલું ગીત "કે ઘર કબ આઓગે...." મોબાઈલ પર સર્ચ કરીને જોવા પણ માંડ્યા. એ જ બતાવે છે કે રેટ્રોની મેટ્રો સફર તમને કેટલી ઇન્ટરેસ્ટિંગ લાગી રહી છે.ગીત સાંભળતા સાંભળતા આપણે આવી ગયા એક ખૂબસૂરત રમણીય બગીચામાં.મંડોર ગાર્ડન આ કોઈ સામાન્ય બગીચો માત્ર નથી પણ એક ઐતિહાસિક વારસો છે. આ ગાર્ડનથી એક બે કિલોમીટર દૂર આવેલી છે પંચ કુંડા ની છત્રીઓ.રાજવી ઘરાનાની મહિલાઓ અને રાજાઓ ની યાદ માં બનાવાયેલ 46 સમાધિઓ આપણી નજર સમક્ષ ઇતિહાસ જીવંત કરે છે. આ પંચકુંડા ની છત્રીઓ એટલે કે સમાધિઓ માં સૌથી સુંદર સમાધિ મહારાણી સૂર્ય કંવરજી ની છત્રી છે. સુંદર નક્શીકામ ધરાવતા 32 થાંભલાઓ વાળી ,આરસ પહાણ ની આ સમાધિ માં એક શિલાલેખ પણ છે.
પંચકુંડાની છત્રીઓ જોઈને તમારા મનમાં ઘણી બધી હિન્દી ફિલ્મ ના દ્રશ્યો અથવા ગીતો ચમકી ગયા હશે. જી હા ,આ સ્થળે ઘણી બધી હિન્દી ફિલ્મોના શૂટિંગ થયા છે "તેરેનામ" ફિલ્મનું ગીત "ઓઢણી ઓઢ કે નાચું...." અને એવું જ એક ખૂબ જ લોકપ્રિય ગીત"જી હાલે મસ્કિં...." ગુલામી ફિલ્મ નું છે જેનું શૂટિંગ અહીં જ થયું છે.કોઈ શક?
જોધપુર થી હવે આપણે જઈએ અલવર. અલવર માં જોવાલાયક ઘણા સ્થળો છે જેમકે સિટી પેલેસ, વિજય મંદિર ઝીલ મહલ અને બાલા કિલ્લા. પણ અત્યારે આપણે જઈએ ભાનગઢ. સત્તરમી સદીમાં બનેલો આ કિલ્લો મહારાજા માનસિંહ પ્રથમે પોતાના ભાઈ માધોસિંહ પ્રથમ માટે બનાવ્યો હતો. આ શાનદાર કિલ્લામાં બહેતરીન શિલ્પકલાનો ઉપયોગ કરાયો છે. કિલ્લામાં ઘણા પ્રાચીન મંદિરો જોવા મળે છે. ભાનગઢમાં સચવાયેલા ઇતિહાસને સાક્ષાત નજરે જોતા જોતા બોલો કઈ ફિલ્મ તમને યાદ આવે છે? "મેરે કરન અર્જુન આયેંગે..."અચ્છા ફિલ્મનો જાણીતો સંવાદ બોલીને તમે ફિલ્મને યાદ કરી રહ્યા છો એમ ને? કરણ અર્જુન નાં ઘણા દ્રશ્યો ઉપરાંત તેનું ગીત"યે બંધન તો પ્યાર કા બંધન હે..." નું શુટીંગ ભાનગઢમાં થયું છે.
વાતો કરતા કરતા અને રાજસ્થાનની ખૂબસૂરતી જોતા જોતા આપણે પહોંચી ગયા છીએ એક અદ્ભુત સ્થળે. કોઈપણ સ્થળે ઐતિહાસિક સ્થાપત્ય જોઈને એ સ્થળે રહેનાર ના વિચાર, વિશ્વાસ અને બૌદ્ધિક કલ્પનાશીલતા વિશે જાણી શકાય છે.આપણે જેસલમેરમાં એ જોઈ શકીએ છીએ કે અહીં કલાને સતત આવકારવામાં આવી હશે. અહીંના કિલ્લા,રાજભવનો, મંદિરો, હવેલીઓ ,જળાશયો, સમાધિઓ અને પ્રજાજનોના નિવાસ્થાન જોતાં જ તેમની કલા પ્રીતિ નો ખ્યાલ આવે છે. જેસલમેર ને વિશિષ્ટ બનાવે છે, થાર મરુસ્થળ, દૂર દૂર સુધી ફેલાયેલ રેતીનું અફાટ રણ પ્રવાસીઓને અનોખો અનુભવ કરાવે છે. આ અફાટ રણ ને જોતા ફિલ્મ હમ દિલ દે ચૂકે સનમ નું ગીત"તડપ તડપ કે ઇસ દિલ સે આહ નીકલતી રહી..."ચોક્કસ યાદ આવી જ ગયું હશે. વિરહ ની આગમાં તપતું હ્રદય અને પ્રખર સૂર્ય ની આગ માં શેકાતું રણ... ખુબ સરસ રીતે આ ગીતમાં ફિલ્માવ્યા છે.રંગીલા રાજસ્થાન નો અનોખો રંગ જોધપુર અલવર જેસલમેરમાં આપણે જોયો, આપણી સફરે થી પાછા ફરતાં ફરતાં જેસલમેર ના રણ માં બનેલ ફિલ્મ"રઝિયા સુલતાન"નો એક કિસ્સો તમારી સાથે શેર કરું.ડ્રીમગર્લ હેમામાલિની આજે પણ એ ખતરનાક પળો ને યાદ કરતા ધ્રુજી ઉઠે છે. થયું એવું કે,રણ વિસ્તારમાં વંટોળિયાનું દ્રશ્ય ફિલ્માવવાનું હતું, વંટોળિયો કૃત્રિમ રીતે ઊભો કરવાનો હતો તેથી લોકેશન પર મુંબઈથી મંગાવેલા મોટા મોટા પંખા જુદે જુદે સ્થળે ગોઠવાઈ ગયા હતા. હેમામાલિનીને એક ઊંટ ઉપર બેસાડવામાં આવ્યા. સૈન્યનું પાયદળ બનેલા જુનિયર આર્ટિસ્ટ મોટી સંખ્યામાં હતા સાથે ઊંટ અને ઘોડા પણ મોટી સંખ્યામાં હતા.સીન ફિલ્માવવાની તમામ તૈયારી પૂરી થઈ એટલે બધા પંખા એક સાથે ચાલુ કરવામાં આવ્યા.રણની રેતી ડમરીઓમાં ફેરવાઈ ગઈ પણ અચાનક જ નકલી સાથે અસલી વંટોળીયો પણ શરૂ થયો,જોતજોતામાં યુનિટ ના તમામ સભ્યો રેતીના ગોટેગોટા માં ફસાઈ ગયા. બચવા માટે જુનિયર આર્ટિસ્ટ, ઊંટ, ઘોડા આમતેમ દોડવા લાગ્યા. આંધી એવી જોરદાર હતી કે શૂટિંગ માટે નો ભારેખમ સામાન અને રિફલેક્ટર કાગળની જેમ ઊડવા માંડ્યાં. હેમામાલીની જે ઊંટ પર બેઠા હતા તે ઊંટ સરહદ તરફ દોડવા માંડ્યું હેમામાલિની ભયથી ચીસો પાડતા હતા. ઊંટ એટલું ઝડપથી દોડતું હતું કે જો તેને રોકવામાં ન આવે તો થોડી જ વારમાં તે પડોશી દેશની સરહદ ઓળંગી જાય તેમ હતું. હેમાજી અર્ધ બેભાન જેવા થઈ ગયા. તે જ વખતે સરહદ પર તૈનાત જવાનો નું ધ્યાન આ ધમાચકડી પર ગયું. તાત્કાલિક એક્શન લેવાયા અને ઊંટ ને કાબૂમાં કરી લેવાયું. હેમાજીને યુનિટના માણસો પાસે સહી સલામત પહોંચાડાયા. તમને પણ સહી સલામત હસતા રમતા મારે માતૃ ભારતી ના પ્લેટફોર્મ પર પહોંચાડવાના છે.તો ચાલો, ફિલ્મ "રઝિયા સુલતાન" નાં રણમાં ફિલ્માવેલા દ્રશ્યો સાથે તેનું રણમાં ફિલ્માવેલું ગીત"એ દિલ એ નાદાં" યાદ કરતા કરતા મેટ્રોમાં સવાર થઈ જઈએ અને ઝડપથી પહોંચી જઈએ માતૃભારતી ના પ્લેટફોર્મ પર. પણ હા,બીજી રોમાંચક સફર માટે તૈયાર રહેજો હં કે?
ક્રમશઃ
© શ્વેતલ પટેલ
સુરત.