Akupar - Book Review in Gujarati Book Reviews by Dr. Ranjan Joshi books and stories PDF | અકૂપાર - પુસ્તક સમીક્ષા

Featured Books
  • ભાગવત રહસ્ય - 149

    ભાગવત રહસ્ય-૧૪૯   કર્મની નિંદા ભાગવતમાં નથી. પણ સકામ કર્મની...

  • નિતુ - પ્રકરણ 64

    નિતુ : ૬૪(નવીન)નિતુ મનોમન સહજ ખુશ હતી, કારણ કે તેનો એક ડર ઓછ...

  • સંઘર્ષ - પ્રકરણ 20

    સિંહાસન સિરીઝ સિદ્ધાર્થ છાયા Disclaimer: સિંહાસન સિરીઝની તમા...

  • પિતા

    માઁ આપણને જન્મ આપે છે,આપણુ જતન કરે છે,પરિવાર નું ધ્યાન રાખે...

  • રહસ્ય,રહસ્ય અને રહસ્ય

    આપણને હંમેશા રહસ્ય ગમતું હોય છે કારણકે તેમાં એવું તત્વ હોય છ...

Categories
Share

અકૂપાર - પુસ્તક સમીક્ષા

પુસ્તકનું નામ:- અકૂપાર

સમીક્ષક:- ડૉ. રંજન જોષી

 

લેખક પરિચય:-

ધ્રુવ પ્રબોધરાય ભટ્ટ ગુજરાતી ભાષાના લેખક અને કવિ છે. તેમનો જન્મ ૮ મે, ૧૯૪૭ના રોજ ભાવનગર જિલ્લાના નીંગાળામાં (હવે બોટાદ જિલ્લામાં) થયો હતો. તેમની પ્રથમ નવલકથા 'અગ્નિકન્યા' ૧૯૮૮માં પ્રકાશિત થઈ હતી, જે મહાભારત પર આધારિત હતી. 'ખોવાયેલું નગર' તેમનું બાળકો માટેનું પુસ્તક છે, જે ૧૯૮૦માં પ્રકાશિત થયું હતું. ધ્રુવ ભટ્ટના પુસ્તકોનો હિંદી, મરાઠી અને અંગ્રેજીમાં અનુવાદ થયેલો છે. તેમને તેમની નવલકથાઓ 'સમુદ્રાન્તિકે' અને 'તત્ત્વમસિ' માટે ખ્યાતિ મળી. તેમની અન્ય નવલકથાઓ 'અતરાપી', 'કર્ણલોક', 'અકૂપાર', 'લવલી પાન હાઉસ', 'તિમિરપંથી' અને 'ન ઈતિ' છે. 'ગાય તેના ગીત' અને 'શ્રુનવંતુ' તેમનો કવિતા સંગ્રહ છે. તેમના પુસ્તક 'તત્વમસિ' પરથી ગુજરાતી ચલચિત્ર રેવા ૨૦૧૮માં રજૂ થયું હતું.

 

પુસ્તક વિશેષ:-

પુસ્તકનું નામ : અકૂપાર

લેખક : ધ્રુવ ભટ્ટ

પ્રકાશક : ગુર્જર ગ્રંથરત્ન કાર્યાલય, અમદાવાદ

કિંમત : 300 ₹.

પૃષ્ઠ સંખ્યા : 297

 

બાહ્ય મૂલ્યાંકન:-

કવરપેજ આકર્ષક, ઉત્સુકતા સર્જક અને કથાસૂચક છે. ગીરનું પ્રાકૃતિક તત્વ પુસ્તકના કવરપેજ પર પણ ઉછળી આવે છે. બેક કવરપેજ પર અકૂપાર નાટક વિશે પ્રસ્તાવના રજૂ કરાઈ છે. ફોન્ટ સરળતાથી વાંચી શકાય તેવા રાખવામાં આવ્યા છે. કાગળની ગુણવત્તા ઉચ્ચ છે, જાડા પેજ છે જેના લીધે આગળનું લખાણ પાછળ દેખાતું નથી. પુસ્તકનું કદ નાનું છેે જેના લીધે તેને લઈને ગમે ત્યાં જઈ શકાય અને એને એક હાથમાં લઈને આરામથી વાંચી શકાય છે.

 

પુસ્તક પરિચય:-

કાચબાની‌ પીઠ પર ટકેલી પૃથ્વીનું મધ્યબિંદુ તે ગીર. આવું કંઈક સાર્થક કરવા મથતી કથા એટલે 'અકૂપાર'.

"ખમ્મા ગય્ રને"

આ છે આ પુસ્તકનું પહેલું વાક્ય. આ વાક્ય એક સ્ટ્રોંગ પાત્ર આઈમા બોલે છે. લેખકને સમજાતું નથી કે એક સિંહ એક જીવનો કોળિયો કરે એમાં આઈમાં આખા ગીરને ખમ્મા શું કામ કહે છે ? મોટાભાગે ખમ્મા કોઈ જીવિત વસ્તુઓ માટે જ વપરાય છે. પણ અહીં તો જાણે શ્વાસે શ્વાસે ગીર ધબકે છે.

 

કથાનું મુખ્યપાત્ર એક ચિત્રકાર છે. એમને પ્રકૃતિ  ચિત્રો દોરવાનું કામ મળ્યું છે અને એ માટે એ ગીરને પસંદ કરે છે. એમના માટે ગીર એકદમ નવું હોય છે. એ ગીરમાં અલગ અલગ લોકોને મળે છે. ગીર શા માટે જીવંત છે, પ્રાણીઓ પક્ષીઓ અરે ટેકરીઓને પણ શા માટે આ લોકોએ નામ આપ્યા છે એ સમજવા મથે છે. આઈમા, સાંસાઈ, ધાનું, મુસ્તુફા, ગોપાલ, રવિભા વગેરે પાત્રો ખૂબ જ રસપ્રદ છે,  પ્રકૃતિપ્રેમી છે અને ગીરને ખૂબ ઊંડાણથી જાણે છે. એક વિદેશી યુવતી ડોરોની હોય છે જે રીસર્ચ માટે આવી હોય છે. સાંસાઈ સિંહણ માટે "જણી" શબ્દ વાપરે છે, સિંહ અને બીજા પ્રાણીઓ કે ગીર પ્રત્યે તેને સરખો જ લગાવ છે. આમ કહીએ તો  આખી નવલકથાનું મુખ્ય પાત્ર ગીર છે , પ્રકૃતિ છે.

 

નવલકથામાં બે પર્વતના લગ્નની વાત, કેરેલાથી આવેલા સ્ટેશન માસ્તરની વાત, સાંસાઈની ગઢવીની ગાયોની વાત, રવાઆતાની વાતો, સિંહને બચાવવા એમણે કરેલા પ્રયત્નો, મધ્યપ્રદેશના વિદ્યાર્થીનું ગીરમાં રાત્રી રોકાણ, સિંહનો ધાનું પરનો હુમલો  વગેરે વાતો રસપ્રદ અને રોમાંચક છે. ધ્રુવ ભટ્ટનું પ્રકૃતિ વર્ણન વાંચીને કોઈ ન કહે કે એ કલ્પના છે, એ તો ધ્રુવ ભટ્ટે જીવીને લખ્યું છે.

 

શીર્ષક:-

આમ તો "અકૂપાર" શબ્દના ઘણા અર્થ થાય છે. અકૂપાર એટલે દશાવતારમાં નો એક કૂર્માવતાર. અહીં પૃથ્વીને ધારણ કરનાર કાચબાની અને શેષનાગની વાત આવે છે એટલે કદાચ એ અર્થ હોઈ શકે. બાકી અમર્યાદિત કે વિશાળ કે સીમા વગરનું એવો અર્થ પણ હોઈ શકે. ગીરને કે પૃથ્વીને ધારણ કરતો કાચબો આ કથાના આરંભે ડોકાય છે ને કથા આખી ગીરમાં જ ઘૂમરાય છે એટલે આ શીર્ષક યોગ્ય છે.

 

પાત્રરચના:-

ગીરની આત્મ-કથા “અકૂપાર” માં વર્ણનરીતિ પ્રવાસીના નિરીક્ષણો જેવી છે, પણ પાત્ર મળે ત્યાં કથારસ જાગે છે. અહીં પાત્રોમાં માણસો તો છે જ, પણ માણસોની જેમ સિંહ-સિંહણ, હરણ, પર્વત, નદી, વૃક્ષ બધા જ પાત્રત્વ પામે છે. મોટાભાગની નવલકથામાં મુખ્ય પાત્ર તરીકે માણસો હોય છે પરંતુ આ નવલકથામાં મુખ્ય પાત્ર “ગીર” છે. એવી જગ્યા કે જ્યાં જંગલનાં રાજાના ડેરાઓ અને ગર્જનાઓ સિવાય બીજું ઘણું બધું છે. પ્રકૃતિનું દરેક તત્વ, દરેક ભાગ અહીં ધબકે છે, જીવે છે. “ઈના ડુંગરા રૂપાળા અને સિંહણ તે સખી જણી..” – આ છે ગીર !! આ સફર છે એક અનામ ચિત્રકારની ! જે “પૃથ્વી” તત્વનાં ચિત્રો બનાવા ગીર પહોંચે છે. શરૂઆતમાં તે અસમંજસમાં હોય છે કે તે ગીર શું કામ આવ્યો છે પરંતુ ધીરે ધીરે ગીરમાં ઘૂમતાં, તેની વનરાજીઓ, કંદરાઓ ખૂંદતા તે પોતાની જાતને ખૂંદી વળે છે. ગીરનાં સાવજો, ડુંગરાં, માલધારીઓ, નેસ, સિંહ પર રીસર્ચ કરતી આફ્રિકન ડોરોથી, માછીઓ, કેમ્પમાં આવતાં બાળકો, સિંહણો સાથે ઉછરેલી, રમતી અને સિંહણોને સખી ગણી હક કરતી સાંસાઈ અને આ સૌની સાથે સોરઠી ભાષાની મીઠાસ..! એક એવો અનુભવ કે જે વાંચતાં જ એક અજાણી ભોમકા માટે લાગણી થઈ જાય. ખમ્મા ગ્યર ને !

અમુક પાત્રો અતિ લાઘવમાં રજૂ થયાં છે છતાં બધાં જ આપણને સ્પર્શી જાય તેવા છે કારણ કે તે પાત્રો 'નરો વા કુંજરો વા'ની સ્થિતિ વાળા નથી પણ ધ્રુવ ભટ્ટે જોયેલાં, અનુભવેલા પાત્રો છે. એ જ કારણે આ બધાં પાત્રો વાસ્તવિક અને પોતીકા લાગે છે.

 

સંવાદો/વર્ણન:-

ઘણા સંવાદો ખૂબ જ સ્પર્શી જાય એવા છે.

"કંઈક હોય તો જ કંઈક આવે", "માન ન માન તું ગ્યર‌નો સો કાં ગ્યરનો થાતો જા સ."

ગ્યરમાં ગર મા, ને ગર તો ડર મા.”- મુસ્તુફા

“જનાવર આપડી હાયરે રે’તા સીખી ગ્યા. આપડે ઈનીં હાયરે રે’તા નો સીખ્યા.” – સાંસાઈ

“આ સ્થળ જનહીન છે; પરંતુ નિર્જીવ નથી.”- દિવાકરન (સ્ટેશન માસ્ટર)

“મદદ પૂછવાની ન હોય, કરવાની હોય.”- લક્ષ્મી

“જોવું સે તો આંખ્યું સે”- આઈમા

આ બધા સંવાદો સ્વાભાવિક લાગે છે કારણ કે ધ્રુવ ભટ્ટને તે જીવનમાંથી મળેલા છે. વર્ણનમાં તો સમગ્ર કથામાં ગીરની પ્રકૃતિ જ મુખ્ય છે.

 

લેખનશૈલી:-

પ્રકૃતિ અને માનવ વચ્ચેની વાત અહીં કેન્દ્રસ્થાને છે. પ્રકૃતિ છે તો માણસ છે એ વાત અહીં ઘૂંટાઈ છે. સરળ, સહજ અને રસાળ વાર્તા આકાર લે છે. વાર્તામાં વળાંક આવે કે છુપાવીને કશું કહેવાય એવું કંઈ જ નથી. જે છે એ સીધું જ આપી દીધું છે, છતાંવાચક પહેલેથી અંત સુધી જોડાયેલો, જકડાયેલો રહે છે. આ બાબતને 'અકૂપાર'ની મયાર્દા પણ ગણી શકાય. પ્રાકૃતિક તત્વો કે ગીર વિશે જ વધુ વર્ણન હોવાથી ક્યાંક કથા ઓછી રસાળ બને એવું પણ જણાય છે.

 

વિશેષ મૂલ્યાંકન:-

નવનીત સમર્પણ માસિકમાં સતત લોકપ્રિયતા મેળવ્યા બાદ પુસ્તક સ્વરૂપે પ્રકાશિત થયેલી નવલકથા એટલે 'અકૂપાર'. અમુક વાતો જે મને ખુબ સ્પર્શી ગઈ એ એ છે કે ગીરના લોકો સિંહ(સાવજ)ને પ્રાણી ગણતા જ નથી, એમને નામથી કે માણસને જેમ સંબોધીએ એમ સંબોધે છે. એમનો સિંહો પરનો અપાર વિશ્વાસ આંખો ભીની કરી દે છે. આ એક વાર્તા જ નથી પણ તમને ગીરમાં લઈ જતી, ગીરને જીવંત કરતી એક જાદુઈ ગીરની  સફારી છે. આ વાર્તામાં આપણે એ ચિત્રકારની સાથે જ ગીરમાં પહોંચી ગયા હોઈએ અને એમની સાથે ત્યાં જ હોઈએ એવો વારંવાર અનુભવ થાય.

 

મુખવાસ:- ગીરની પ્રાણીસૃષ્ટિ સાથે માનવના સહજીવનનો પરિચય કરાવતી, તેનો ગૂઢાર્થ સમજાવતી પ્રાકૃતિક નવલકથા એટલે 'અકૂપાર'.