Madhmakhina Dankh in Gujarati Short Stories by Dr. Sweta Jha books and stories PDF | મધમાખીના ડંખ

Featured Books
  • सर्द हवाएं

    लेख-सर्द हवाएं*******""       यूं तो सर्दियों के मौसम में जब...

  • इश्क दा मारा - 45

    यूवी गीतिका का हाथ पकड़ कर ले जा रहा होता है तभी गीतिका बोलत...

  • लल्लन जी की अद्भुत नौकरी

    गाँव के एक छोटे से कस्बे में रहते थे लल्लन जी। उनका नाम ही उ...

  • चुप्पी - भाग - 2

    क्रांति की हॉकी खेलने की चाह को महसूस करके और उसकी ज़िद को हद...

  • छिनार

    बसंत बाबू, ये ही बोलते थे लोग, 23 साल का खूबसूरत युवक, 6 फिट...

Categories
Share

મધમાખીના ડંખ

મધમાખીના ડંખ

 

"રહેવા દો... બાપા, મારો નહીં આમ."રઘુએ જોરથી બૂમ પાડી. આ બૂમ સાંભળી ઇન્સ્પેક્ટર ગિરિરાજસિંહને વધુ ચાનક ચડી હોય એમ એણે જોરથી ફરી એક ડંડો રઘુ ને ફટકાર્યો. રઘુએ ફરી રાડ પાડી,"મરી ગયો રે... માડી. સાહેબ, મારો નહીં. મેં શું ગુનો કર્યો છે?"આ સાંભળી બાજુમાં ઉભેલો હવાલદાર બહાદુરસિંહ હસવા માંડ્યો. અને ઇન્સ્પેક્ટર ગિરિરાજસિંહ રઘુની સામે તાડુક્યો,"તારો વાંક ના હોય તો આ બહાદુર અમથો થોડી તને અહીં લેતો આવે!" આ સાંભળી બહાદુરે તરત કહ્યું,"હા ,સાહેબ. આ આવતા જતા ગામની બહેનો- દીકરીઓની મશ્કરી કરતો હતો. અને ત્રણ દિવસથી તો મોટા શેઠની દીકરીની વાહે વાહે જઈને એને હેરાન કરતો હતો" એટલે રઘુ તરત બોલ્યો, "ના સાહેબ. સાવ ખોટી વાત છે." આ સાંભળી ગિરિરાજસિંહે તેને ફરી એક ડંડો ફટકાર્યો, અને "ઓ માડી રે!" એવા રઘુના અવાજથી તળાજાનું એ નાનકડું પોલીસ સ્ટેશન ગુંજી ઉઠ્યું. તળાજા એ સાવ નાનું ગામડું નહીં પણ ભાવનગર જિલ્લાના ટાઉન તરીકે ઓળખાય એટલું મોટું અને વિકસિત ગામ. આમ તો તળાજા ઘણું જૂનું ગામ અને ગામના લોકો એકબીજાને ઓળખતા અને એકબીજાના સુખદુઃખમાં આવીને ઊભા રહેતા. પણ જેમ- જેમ વસ્તી વધતી ગઈ અને નવા લોકો અહીં આવી વસતા ગયા તેમ- તેમ લોકો વચ્ચે પણ અંતર વધતા ગયા. છતાં ગામમાં એકંદરે શાંતિ જળવાયેલી રહેતી. અને અશાંતિના કે ગુનાખોરીના કોઈ બનાવ ભાગ્યે જ બનતા. તેથી પોલીસ સ્ટેશનને પણ મોટું કરવાની જરૂર પડતી નહીં. હા રઘુ જેવા કોઈક નાના- મોટા અતિથિ કોઈક વાર આવતા રહેતા, બાકી મોટા ભાગે કોઈને કંઈ ખાસ કામ રહેતું નહીં. ઇન્સ્પેક્ટર ગિરિરાજસિંહ હમણાં નવો નવો જ બદલી થઈને આવેલો 27-28 વર્ષનો ખડતલ બાંધાનો યુવાન હતો. તેની છ ફૂટની ઊંચાઈ,કસાયેલા બાવડા, ગોરા ગોળ ચહેરા પર ફાંકડી મૂછો અને આત્મવિશ્વાસથી છલકાતી આંખો તેના ઇન્સ્પેક્ટરના પદને ઓર શોભાવતી હતી. તેનુ વ્યક્તિત્વ સામેવાળાને પ્રભાવિત કરી દેવા માટે પૂરતું હતું. પણ આજે ગિરિરાજસિંહનો મિજાજ જરા અલગ હતો. પોતાના પોલીસ સ્ટેશનની હદમાં આવેલા વિસ્તારમાં કોઈ બહેન-દીકરીને તકલીફ પડે કે તેમનું અપમાન થાય એ તેનાથી સહન થાય એમ ન હતું. એણે કરડાકીભરી નજરે રઘુ સામે જોયું. ત્યાં જ બહારથી  "રઘલા... ઓ મારા રઘલા!"ની બૂમો પાડતી એક 50 વર્ષની આસપાસની ઉંમરની સ્ત્રી પોલીસ સ્ટેશનમાં ધસી આવી. હજુ કોઈ કંઈ બોલે એ પહેલા જ એ સ્ત્રી બોલી,"એ સાહેબ મારા રઘલાને કેમ પકડી લાવ્યા છો? શું ગુનો છે એનો?" ગિરિરાજસિંહ બોલ્યો," જો બેન, પહેલા તમે બૂમો પાડવાનું બંધ કરી દો." એ સ્ત્રીએ લોકઅપની અંદર બેઠેલા રઘુને જોયો ને રડી પડી. તે બોલી," સાહેબ, મારા છોકરાને કોઈ વાંકગુના વગર કેમ અહીંયા પૂરી દીધો છે?" ગિરિરાજસિંહ રઘુ સામે જોતા બોલ્યો,"તમારા છોકરાના પરાક્રમ સાંભળવા છે તમારે? તો સાંભળો બેન. એ ગામની છોકરીઓની મશ્કરી કરે છે. અને મોટા શેઠ વખત ચંદની છોકરીનો પીછો કરી એને હેરાન કરે છે." એ સાંભળતા જ તરત રઘુ બોલ્યો, "ના સાહેબ. સાવ ખોટી વાત છે. તમે મારી વાત તો સાંભળો. મેં કોઈ દી કોઈ છોકરીની મશ્કરી કરી નથી, તમારે જેને પૂછવું હોય એને પૂછી લેજો. અને શેઠ વખતચંદની છોકરી મનીષા... એને હું હેરાન નથી કરતો. એ તો... એ તો.." ગિરિરાજસિંહ તાડુક્યો'"એ તો શું?"ત્યાં જ રઘુની મા બોલી," સાહેબ, એ તો આ મારા રઘલાના અને મનીષાના મન મળી ગયા છે. એ બે એકબીજાને પ્રેમ કરે છે." ગિરિરાજસિંહ ચોંકીને  બોલ્યો," શું ? પણ આ બહાદુર તો એટલે જ એને પકડીને લાવ્યો છે કે એ વખતચંદની છોકરીનો પીછો કરી અને હેરાન કરે છે." રઘુની મા બોલી,"એ સાવ ખોટી વાત છે,સાહેબ. મારો રઘલો તો સાવ સીધો છે. એ શું કોઈને હેરાન કરવાનો! આ તો એને ઓલી મનીષા એક જ કોલેજમાં હારે ભણતા હતા. અને એમાં બંનેને પ્રેમ થઈ ગયો. મેં તો રઘલાને કીધું જ હતું કે આ પ્રેમના ચક્કરમાં પડ નહીં. આપણે ક્યાં?ને શેઠ વખતચંદ ક્યાં? નાત, જાત અને ઓકાત ત્રણેમાં કેટલો ફેર છે! પણ એને મારી વાત સાંભળવી જ ક્યાં છે!" આટલું બોલી રઘુની માએ રઘુની સામે જોયું એટલે રઘુએ એની નજર નીચે કરી દીધી. રઘુની માં બોલી," સાહેબ, વખતચંદ મોટો માણસ હોય તો અમેય અમારી જ્ઞાતિમાં પાંચમાં પુછાઈએ એવી શાખ રાખીએ છીએ. અમારું ખોરડું ઉજળું ગણાય સાહેબ. ને મારો છોકરો ખોટું કામ કરે જ નહીં. એને છોડી દો." ત્યાં જ બહાદુર વચ્ચે ટાપશી પૂરીને બોલ્યો," એમ કાંઈ એને છોડાશે નહીં. આજે રાત્રે તો એને અહીંયા જ રહેવું પડશે. કાલે સવારે આવજો એને લેવા." આ સાંભળી રઘુની માં બોલી," હા તમે તો એમ જ કહેવાના ને. ઓલો વિશાલ તમારો ભાઈબંધ છે. તો એની હારે ભાઈબંધી તો તમે નિભાવવાના જ ને!" આ સાંભળી બહાદુરનું મોઢું ખસિયાણું થઈ ગયું. ગિરિરાજસિંહની ચાલક નજરે એ નોંધી લીધું. એણે સીધું રઘલાની માને પૂછ્યું," આ વિશાલ કોણ છે?" રઘુની માએ જવાબ આપ્યો,"આ વિશાલ તે ગોપાલચંદ શેઠનો નાનો છોકરો... એને મનીષા હારે લગ્ન કરવા છે એટલે એને મારો રઘલો દીઠોય ગમતો નથી. ને આ બધા એના જ કર્યા કાવાદાવા છે. કર્યા હશે કોઈક ના ખિસ્સા ગરમ." એમ બોલી એણે બહાદુર સામે જોયું. છોભીલો પડેલો બહાદુર બૂમ પાડી બોલ્યો," ખોટા આરોપ લગાવતા પહેલા સો વાર વિચારજો. હવે તો તમારો રઘલો કાલેય નહીં છૂટે. જાવ." ગિરિરાજસિંહ કંઈ બોલે એ પહેલા રઘુની મા બોલી," કાંઈ વાંધો નહીં. ભલે તમારા જેટલું ભણેલી નથી પણ મનેય કાયદાની થોડી ઘણી ખબર તો છે જ.  મારા વકીલને લઈને સાંજે આવું છું." બહાદુર બોલ્યો," જાવ હવે જાવ" અને રઘુની માં ત્યાંથી પગ પછાડતી ચાલી ગઈ. આ તમાશો જોઈ રહેલ ગિરિરાજસિંહ એક મિનિટ માટે વિચારમાં પડી ગયો. પછી તેણે બહાદુરને ચા-નાસ્તો લેવા બહાર મોકલ્યો. જેવો બહાદુર બહાર ગયો એટલે ગિરિરાજસિંહએ રઘુને પૂછ્યું, "બોલ એલા છોકરા. સાચી વાત શું છે? તારી મા હમણાં જે કહીને ગઈ એ સાચું છે?" રઘુને નવાઈ લાગી, હમણાં થોડીવાર પહેલા ડંડો લઈને મારતો હતો એ ઇન્સ્પેક્ટર એને ગંભીર બનીને હવે હકીકત પૂછી રહ્યો છે. રઘુ ફટ દઈને બોલ્યો," એ હા સાહેબ. હું ને મનીષા એકબીજાને પ્રેમ કરીએ છીએ. અને મનીષાના બાપા લગન માટે હા નહીં જ પાડે એ અમને ખબર છે. એમાં પાછા વિશાલે બે દિવસ પહેલા તેના બાપાને મનીષાના ઘરે એનું માંગુ નાખવા મોકલ્યા હતા." ગિરિરાજસિંહ ઝીણવટભરી નજરે એ 20- 21 વર્ષના લબરમૂછીયા યુવાનને જોઈ રહ્યો. રઘુ આગળ બોલ્યો," સાહેબ, વિશાલને નક્કી ખબર પડી ગઈ લાગે છે કે આજે સાંજે હું અને મનીષા મળવાના છીએ અને આ શહેરને છોડીને કાયમ માટે દૂર જતા રહેવાના છીએ."ગિરિરાજસિંહ બોલ્યો, "ઓહો! એટલે આજે સાંજે તમે બંને ભાગી જવાના છો એમ જ ને." આ સાંભળી રઘુ બોલ્યો, "સાહેબ, તમે જ કહો શું કરીએ? મનીષાની માને તો અમે લગ્ન કરીએ એમાં કોઈ વાંધો નથી, પણ એના બાપાને મનાવવા એ લગભગ અશક્ય કામ છે. એમાં પાછા ઓલા વિશાલે રોડો નાખ્યો. બે દિવસમાં જ એની મનીષા સાથે સગાઈ થઈ જવાની છે." રઘુની વાત ધ્યાનથી સાંભળી રહેલો ગિરિરાજસિંહ બોલ્યો, "ભાગવા સિવાય તમને યુવાનોને બીજા કોઈ રસ્તા મળતા નથી? મા-બાપને કેમ રાજી કરવા એ માટે તો તમે કંઈ વિચારતા જ નથી." રઘુ બોલ્યો, "સાહેબ, શું કરીએ! એ માટે સમય જ નથી. અને તમને વિનંતી કરું છું મને છોડી દો. એક કલાકમાં મારે બધી ગોઠવણ કરી રેલવે સ્ટેશન પહોંચવાનું છે. મનીષા મારી રાહ જોતી હશે." ગિરિરાજસિંહ બોલ્યો," એમ તને તરત ન છોડી શકાય. મારે વિશાલ અને બહાદુરને બોલાવી વાતની ખરાઈ કરવી પડે." રઘુ બોલ્યો," પણ સાહેબ, એમાં બહુ મોડું થઈ જશે. મનીષા મારી રાહ જોતી હશે અને જો હું સમય પર નહીં પહોંચું તો તેને એમ લાગશે કે મેં મારું વચન નિભાવ્યું નહીં ને દગો દીધો." પછી ભાર આપીને રઘુ બોલ્યો," સાહેબ, તમે જ કહો એમ પ્રેમમાં દગો દેવાય?" આ સાંભળતા જ ગિરિરાજસિંહને ઝટકો લાગ્યો હોય એમ તે અંદરથી હલી ગયો. જાણે કેટલીય મધમાખીઓએ એક સાથે ડંખ માર્યા હોય એવી વેદના તેના ચહેરા પર ઉપસી આવી.. આ ડંખની વેદના તેના માટે નવી નહોતી. આ ડંખ તો તેના હૃદયમાં સાત વર્ષ પહેલા પડેલા હતા જે કેમેય કરે નીકળતા ન હતા. રઘલાના એ પ્રશ્ને ગિરિરાજસિંહ આગળ તેનો ભૂતકાળ ખડો કરી દીધો. સાત વર્ષ પહેલા જ્યારે તે ઇન્સ્પેક્ટર નહોતો ત્યારે તેણે પોતાની જાતને આ જ સવાલ પૂછ્યો હતો," એમ પ્રેમમાં દગો દેવાય?" ગિરિરાજસિંહને તેની સાથે ભણતી દર્શિતા સાથે પ્રેમ થઈ ગયો હતો. બંનેએ એકબીજાને સાથે જીવવા મરવાના કોલ આપી દીધા હતા. બંનેની જ્ઞાતિ અલગ હોવાથી તેમના ઘરવાળાને તેમના લગ્ન માટે રાજી કરવાનું શક્ય નહોતું લાગતું. બંને જણે પરિવારની વિરુદ્ધ જઈ લગ્ન કરવાનું નક્કી કર્યું હતું. પણ એ પહેલા ગિરિરાજસિંહનું પહેલું સપનું પૂરું થાય અને એને નોકરી મળે એની બંને જણે રાહ જોવાનું નક્કી કર્યું હતું. પણ ત્યાં જ અચાનક દર્શિતાના જ્ઞાતિમાં જ ઘડિયા લગ્ન લેવાની વાત નક્કી થઈ ગઈ. તેથી બંને જણ પાસે ભાગીને લગ્ન કરવા સિવાય કોઈ વિકલ્પ બચ્યો ન હતો. બીજા દિવસે સવારે તેમના ગામના રેલ્વે સ્ટેશન પરથી મુંબઈ જતી ટ્રેનમાં દર્શિતા બેસે અને આગળના ગામના રેલ્વે સ્ટેશનથી ગિરિરાજસિંહ બેસશે એવું નક્કી કરી બંને છુટા પડ્યા. સાંજે ગિરિરાજસિંહ ઘરે આવ્યો ત્યારે એના પિતાએ કીધું, "દીકરા, ચાર વર્ષથી તું જે સપનું જોવે છે એને પૂરું થયુ " અને એમણે ગિરિરાજસિંહના હાથમાં કાગળ પકડાવ્યો. જેમાં જણાવ્યું હતું કે તેનું ઇન્સ્પેક્ટરની પોસ્ટ માટે સિલેક્શન થઈ ગયું છે. કાગળ તેને ચાર દિવસ મોડો મળ્યો હતો. તેથી બીજા જ દિવસે એને ટ્રેનિંગ માટે વડોદરા પહોંચવાનું હતું. ગિરિરાજસિંહે રાત આખી વિચારોના કશ્મકશમાં વિતાવી. અને બીજા દિવસે સવારે એ રેલવે સ્ટેશનની જગ્યાએ વડોદરા જતી બસમાં બેસી ગયો. એની બુદ્ધિ એને કહી રહી હતી કે એક સપનું પૂરું કરવા બીજા સપનાનો ભોગ આપવો જ પડે. પણ એ જ સમયે એક સાથે હજારો મધમાખી જાણે એને ડંખ મારી રહી હોય એવી વેદના હૃદયમાં અનુભવાતી હતી. છ મહિનાની ટ્રેનીંગ બાદ જ્યારે તે પોતાના ગામમાં પાછો ફર્યો ત્યારે તેને સમાચાર મળ્યા કે એના ગયા બાદ દર્શીતાના અઠવાડિયા પછી જ લગ્ન થઈ ગયા હતા. એ સાંભળી પેલા મધમાખીના ડંખ પાછા વધુ વેદના આપવા લાગ્યા. પછી તો તેને એ ડંખની વેદના સાથે જીવવાની આદત પડી ગઈ હતી. જ્યારે પ્રેમની કે વિશ્વાસની વાત નીકળતી ત્યારે તેને દર્શિતા યાદ આવતી અને પોતે એને આપેલ દગો યાદ આવતો. અને મધમાખીના ડંખ ની વેદના તાજી થઈ જતી. "સાહેબ, ચા- નાસ્તો આવી ગયો. ચલો." બહાદુર સિંહ ના વાક્યે તેને પાછો ભૂતકાળમાંથી વર્તમાનમાં ખડો કરી દીધો. કંઈક વિચાર કરીને તેણે બહાદુરને કહ્યું,"હવાલદાર વજેસંગ ને બોલાવો." બહાદુર બીજા હવાલદાર વજેસંગને બોલાવી લાવ્યો. ગિરિરાજસિંહે વજેસંગને કીધું,"આ રઘુને જીપમાં બેસાડી એને રેલ્વે સ્ટેશન આગળ ઉતારી દેજે." વજેસંગ જ્યારે રઘુને લઇ ચાલવા માંડ્યો ત્યારે રઘુએ બે હાથ જોડી ગિરિરાજસિંહનો આભાર માન્યો. આ જોઈ આઘાત અને આશ્ચર્ય થી દિગ્મુઢ બનેલા બહાદુરે પૂછ્યું," કેમ સાહેબ? આને કેમ છોડી દીધો?" યુવરાજસિંહ ધીરેથી બોલ્યો," એમ પ્રેમમાં દગો ના દેવાય." "હે ?એટલે?" એમ બોલી બહાદુર બાઘાની જેમ ગિરિરાજસિંહ સામે જોઈ રહ્યો. ગીરીરાજસિંહ જીપમાં બેઠેલા રઘુના પ્રસન્ન ચહેરાને અને દૂર અદ્રશ્ય થતી જીપને જોઈ રહ્યો. એને લાગ્યું જાણે એના હૃદયમાંથી મધમાખીના થોડા ડંખ નીકળી ગયા.

-Sweta Jha