Dayri - 2 in Gujarati Motivational Stories by Kamlesh K Joshi books and stories PDF | ડાયરી - સીઝન ૨ - ભંગાર

Featured Books
  • રહસ્ય,રહસ્ય અને રહસ્ય

    આપણને હંમેશા રહસ્ય ગમતું હોય છે કારણકે તેમાં એવું તત્વ હોય છ...

  • હાસ્યના લાભ

    હાસ્યના લાભ- રાકેશ ઠક્કર હાસ્યના લાભ જ લાભ છે. તેનાથી ક્યારે...

  • સંઘર્ષ જિંદગીનો

                સંઘર્ષ જિંદગીનો        પાત્ર અજય, અમિત, અર્ચના,...

  • સોલમેટસ - 3

    આરવ રુશીના હાથમાં અદિતિની ડાયરી જુએ છે અને એને એની અદિતિ સાથ...

  • તલાશ 3 - ભાગ 21

     ડિસ્ક્લેમર: આ એક કાલ્પનિક વાર્તા છે. તથા તમામ પાત્રો અને તે...

Categories
Share

ડાયરી - સીઝન ૨ - ભંગાર

શીર્ષક: ભંગાર
©લેખક: કમલેશ જોષી

બારમું ભણતા ત્યારે એકાઉન્ટમાં ઘસારાનું ચેપ્ટર ભણાવતી વખતે અમારા સાહેબે મિલકતનું અંદાજીત આયુષ્ય અને ભંગાર કિંમત જેવા શબ્દો વાપર્યા કે તરત જ અમારા પેલા ટીખળી અને જિજ્ઞાસુ સ્વભાવના મિત્રની આંખો ચમકી ઉઠી. અમે સમજી ગયા. આજે ફરી અમારી નસો ખેંચાવાની હતી. બ્રેક ટાઈમમાં એણે શરુ કર્યું: "‘માણસનું આયુષ્ય’ તો સાંભળ્યું હતું, ઇવન પશુ પક્ષીઓના આયુષ્ય વિષે પણ સાંભળ્યું હતું પણ નિર્જીવ મિલકતનું આયુષ્ય! વિચિત્ર કહેવાય નહિ? માણસનું આયુષ્ય પૂરું થાય પછી એ મૃત્યુ પામે એમ શું મિલકતોનું પણ ‘રામ નામ સત્ય’ થઈ જતું હશે?" એણે હસતા હસતા અણી ખૂંચાડી. અમે સમજાવવા પ્રયત્ન કર્યો: "ચપ્પલની જોડી પણ જેમ છ બાર મહિને ઘસાઈને બિન ઉપયોગી થઈ જાય એમ ધંધામાં વપરાતી મિલકતો પણ અમુક વર્ષ સુધી વપરાયા પછી બિન ઉપયોગી થઈ જાય, એ ઉપયોગિતાના વર્ષો એ એનું આયુષ્ય. આયુષ્ય પૂરું થાય એટલે એને ભંગારમાં જવા દેવાથી જે કિંમત આવે એ એની ભંગાર કિંમત બીજું શું?" એ તરત જ ગંભીરતાથી બોલ્યો, "તો માણસની ભંગાર કિંમત કેટલી?" એણે અમારી સામે વેધક નજરે જોયું અને આગળ બોલ્યો, "શું દર મહિને એને જે પાંચ કે પચ્ચીસ હજારનો પગાર ચૂકવવામાં આવે છે એ એનો ઘસારો છે?"

માણસની ભંગાર કિંમત કેટલી? ભંગાર શબ્દ તો આપણે સૌએ નાનપણથી સાંભળ્યો છે. શેરીમાં લોખંડ-પતરા, છાપા-પસ્તીનો ભંગાર લેવા રેકડી લઈને ફેરિયો નીકળતો. ઘરની નક્કામી વસ્તુઓ, ડબલા-ડૂબલી, છ-બાર મહિનાના છાપાની પસ્તી, જુના ચોપડા વગેરેનો ઢગલો એ લઈ જતો અને બદલામાં પાંચ-પચ્ચીસ કે પચાસ રૂપિયા આપી જતો. કચરો ગયા પછી ઘર થોડું ખાલી અને વધુ ચોખ્ખું લાગતું. ભંગારના રૂપિયા કરતાં ઘર ચોખ્ખું થઈ જતું એનો આનંદ મમ્મીના ચહેરા પર વધુ દેખાતો. કેટલીક વાર ભંગારમાં કોઈ અગત્યની, વડવાઓની યાદગીરી જેવી વસ્તુ કે કોઈ અગત્યના સમાચારવાળુ સાચવીને રખાયેલું છાપું અપાઈ જતું ત્યારે મમ્મીનું આવી બનતું. "એક વાર મને પૂછવું તો હતું!" ગોબો પડી ગયેલા એ ભંગારીયા ડબ્બામાં જાણે પપ્પાનો લાખોનો ખજાનો લુંટાઈ ગયો હોય એવો એમનો મૂડ ઓફ થઈ જતો. પછી ખબર પડતી કે એ ડબ્બો એમને એમના બાળપણમાં એમની સ્કૂલમાં મળેલું પ્રથમ ઇનામ હતું અથવા તો વર્ષોથી સાચવી રાખેલા એ છાપાના કટીંગમાં એમના પિતાજીને અપાયેલી શ્રદ્ધાંજલિની નોંધ હતી અથવા જુના ચોપડામાં એમના મમ્મીએ લખેલી એક ટચુકડી વાર્તા હતી. વર્ષોથી ઘરના ભંડકિયામાં ધૂળ ખાતો પડ્યો રહેતો એ ડબ્બો કે છાપાનું એ કટિંગ કે એ જુનો ચોપડો ઉપયોગિતાની દૃષ્ટિએ તો ઝીરો મૂલ્યના થઈ ગયા હતા, પરંતુ તોયે એ પોતાની અંદર વીતી ગયેલા વર્ષોનો, બની ગયેલા યાદગાર પ્રસંગોનો ઈતિહાસ સંઘરીને બેઠા હતા. અઠ્ઠાવન વર્ષના પિતાજીના હાથમાં જયારે પણ એ પ્રથમ ઇનામ વાળો ડબ્બો આવતો ત્યારે પિતાજી અઠ્ઠાવનમાંથી સીધા ચોથું ધોરણ ભણતા નવ વર્ષની ઉંમરના સ્કૂલમાં પ્રથમ આવ્યાનું ઇનામ લેવા જતાં ઉત્સાહિત બાળક બની જતા, પેલું છાપાનું કટિંગ હાથમાં લેતાવેંત જ એમની ભીતરે દાદાજીનો એટલે કે એમના પિતાનો હુંફાળો સ્પર્શ સળવળી ઉઠતો, દાદીમાની એટલે કે એમના મમ્મીની વાર્તા વાળો પેલો ચોપડો જોતા વેંત ઘોડિયામાં હીંચકતી વખતે સાંભળેલા હાલરડાંઓ ગુંજી ઉઠતા. બહુ મોડે મોડે અમને સમજાયું કે ભંગારવાળો પચાસ રૂપિયા ચૂકવીને પપ્પાનો લાખોની કિંમતનો બાળ સહજ ઉત્સાહ, કરોડોની કિંમતનો હુંફાળો સ્પર્શ અને અબજોની કિંમતના હાલરડાં લઈ ગયો હતો.
કેવું આશ્ચર્યજનક કહેવાય નહિ? પિતા માટે જેની કીંમત લાખો, કરોડો, અબજોની હતી એ જ ખજાનો ભંગારવાળા માટે માત્ર પચાસ રૂપિયાનું મૂલ્ય ધરાવતો હતો. એકાઉન્ટમાં ઉધાર-જમાનો પાક્કો હિસાબ શીખી રહેલા અમને તાળો મળતો નહોતો. ત્યાં એક સંતે મસ્ત મંત્ર વાક્ય કહ્યું: જે જેના માટે ઘસાય, તે તેના માટે મૂલ્યવાન. ઓહ, આ તો સીધું સાદું ગણિત હતું. દાદાજી ક્યાં ભંગારવાળા માટે ઘસાયા હતા? એટલે જ એણે ભંગારનું મૂલ્ય ભંગાર જેટલું જ આંક્યું, પિતાજીની જેમ લાખો-કરોડો-અબજો નહિ.

પણ અમારા ટીખળી મિત્રે એક જ વિચિત્ર વાત કરી અમને સૌને ચિંતામાં નાખી દીધા, "આ આખી વાતમાં હું તો એટલું સમજ્યો કે મારે છેલ્લે તો ભંગારવાળા સાથે જવાનું છે, એ મારી જેટલી કિંમત આંકે એ સાચી." બાળપણ રમતો પાછળ, તરુણાવસ્થા તરુણીઓ પાછળ અને યુવાની ફેમિલી પાછળ ઘસી રહેલા આપણે સૌ ધીરે ધીરે ભંગાર થઈ રહ્યા છીએ. આપણી હાલત પણ દસ વીસ કે ત્રીસ વર્ષ પછી આપણી આજુબાજુના વૃદ્ધો જેવી જ થવાની છે. હાડકા ચાલતા નહિ હોય, મોંમાં ચોકઠું આવી ગયું હશે, કાને સંભળાતું નહિ હોય, હાથમાં લાકડી પકડી હશે અને ડગુમગુ ચાલે જયારે આપણે ચાલતા હોઈશું ત્યારે બાળપણના ‘અડકો-દડકો’, તરુણાવસ્થાના ‘લવ યુ-ફવ યુ’ અને યુવાનીના ‘ભાયડા-ના-ભડાકા’ બધું ફૂસ થઈ જશે અને કેવળ ‘રામ નામ’ જ સાચા અર્થમાં 'સત્ય' લાગશે. આખી જિંદગી આપણે કરેલા અનર્થઘટનો, અટક-ચાળાઓ, અડપલાઓ, અળવીતરાઈઓ, અપલખણાઈઓ જયારે ભંગારના ભાવે જોખાશે ત્યારે આપણી પાસે કોઈ રીવાઇન્ડ બટન કે યુ-ટુર્ન નહીં હોય. ઇવન જે બંગલા કે ગાડી માટે આપણે આપણને સૌથી વધુ ઘસ્યા હશે એ બંગલાની કે ગાડીની કે બેંકમાં પડેલી કરોડોની એફ.ડી.ની આંખમાં સહેજ અમથી ભીનાશ પણ નહિ આવે. પત્ની શેરી સુધી આવશે અને પુત્ર સ્મશાન સુધી. એ પછી આપણે હોઈશું અને ભંગારવાળો હશે. કદાચ એ સહેજ હસીને પૂછે પણ ખરો ‘અલ્યા ગયે જન્મે પણ તે આજ અળવીતરાઈઓ કરી હતી, હું જ તને છેલ્લે લેવા આવ્યો હતો, મેં તને બધું જ સમજાવ્યું હતું, રામ કથા, કૃષ્ણચરિત્ર બધું ગોખાવ્યા પછી, તને બાળ્યો, ગાળ્યો, રી-સાયકલ કર્યો અને ફરી એ જ દુનિયામાં પાછો મોકલ્યો હતો, પણ તું આ જન્મે પણ એવું ને એવું જ, ભંગાર જેવું, જીવીને આવ્યો? તારી આંખ ઉઘડે એ માટે આ જન્મે મેં ટી.વી., મોબાઈલ અને રૂપિયા-પૈસા વગર પણ આનંદથી જીવતા પંખીડાઓ તારી આસપાસ ઉડાડ્યા એય તે ન જોયા અને જિંદગીની ક્ષણભંગુરતા સમજાવવા મોટી મોટી બીમારીઓ મોકલી તોયે તું પાછો ના વળ્યો? ધન-દૌલત અને દાદાગીરીઓ પાછળ માનવજીવન વેસ્ટ (એટલે કે ભંગાર જેવું) ન કરતો એ સમજાવવા સિકંદરનો જનાજો ખજાના સાથે ખુલ્લા હાથે ભરબજારમાંથી કઢાવ્યો એ જોયા પછી પણ તું કંઈ ન સમજ્યો? સંતોની પાલખીઓ તારી શેરીમાંથી કઢાવી તોયે તું ન સમજ્યો કે કેવી રીતે જીવવાનું છે? ચલ, ફરી જન્મ લે, જા પૃથ્વી ઉપર અને માનવ જેવું જીવ. છેલ્લે હું તારો ભંગાર લેવા આવું ત્યારે જેમ પ્રહલાદને, રામને, કૃષ્ણને પુષ્પક વિમાન લઈને લેવા આવ્યો એમ મારે આવવું પડે એવું જીવજે."

મિત્રો, હજુ આપણી પાસે સમય છે, દર અઠવાડિયે જેટલી બેઈમાની કરીએ છીએ એનાથી એકાદ બેઈમાની ઓછી કરવાનો, એકાદ ગ્રાહક ઓછો છેતરવાનો, એકાદ લેક્ચર વધુ દળદાર કે એક્સ્ટ્રા લેવાનો, એકાદ ચોરી ઓછી કરવાનો કે એકાદ જુઠ્ઠાણું ઓછું બોલવાનો સંકલ્પ કરીએ તો પણ આપણે આપણા મહામૂલા માનવજીવનને ખોટી દિશામાં ઘસાતું ચોક્કસ અટકાવી શકીશું. આજના રવિવારે થોડીક ક્ષણો સ્મશાનમાં ધ્યાનસ્થ ચિત્તે વીતાવશો તો આવતીકાલે જે ઈમાનદારીનું કામ કરવા જઈ રહ્યા છો એને બળ ચોક્કસ મળશે અથવા તો આવતીકાલે જે બેઈમાની આચરવા જઈ રહ્યા છો એ આચરતા ચોક્કસ અટકી જશો. આપણા રામ 'રમી' જાય એ પહેલા આપણે રામ માટે થોડું 'રમી' લઈએ તો કેવું? હેપી સન્ડે, આવજો. (મિત્રો, આપની કમેન્ટનો અમે આતુરતાથી ઈન્તેજાર કરીએ છીએ હોં...!)