Prarambh - 3 in Gujarati Classic Stories by Ashwin Rawal books and stories PDF | પ્રારંભ - 3

Featured Books
Categories
Share

પ્રારંભ - 3

પ્રારંભ પ્રકરણ 3

સિદ્ધાર્થ અને કેતન બંને સગા ભાઈ હતા. પિતા જગદીશભાઈનો ડાયમંડ નો ધંધો સુરતમાં બંને ભાઈઓ સંભાળતા હતા. સિદ્ધાર્થ અને કેતનના દાદા જમનાદાસે સુરતમાં આવીને આ ડાયમંડની પેઢી નાખી હતી. એમના પુત્ર જગદીશભાઈએ આ ધંધાનો વિસ્તાર કર્યો હતો અને હવે બંને પુત્રો ધંધો સંભાળતા હતા. ધંધાના વિસ્તાર માટે કેતનને મેનેજમેન્ટનો કોર્સ કરાવવા માટે પિતા જગદીશભાઈએ બે વર્ષ અમેરિકા પણ મોકલ્યો હતો.

પરંતુ કેતનને અમેરિકામાં ચેતન સ્વામી નામના એક એવા સંન્યાસી મળ્યા કે જેમણે કેતનને કહ્યું કે " તારા દાદા જમનાદાસનો જ તારા સ્વરૂપે બીજી પેઢીએ પુનર્જન્મ થયો છે. પૂર્વજન્મમાં તું પોતે જ જમનાદાસ હતો અને તારા થકી એ વખતે કરોડોના ડાયમંડ ચોરવા માટે કોઈનું ખૂન થઈ ગયેલું. એટલે એ પાપનું પ્રાયશ્ચિત આ જન્મમાં તારે જ કરવું પડશે. નહીં તો તમે બંને ભાઈઓ જો સાથે રહેશો તો એ અભિશાપના કારણે સિદ્ધાર્થને માથે ઘાત આવશે. "

એ પછી કેતને કુટુંબથી છૂટા પડીને જામનગર જવાનો નિર્ણય લીધેલો. જો કે કેતન જામનગર જતો રહે તે પહેલાં જ ચેતન સ્વામીના કહેવાથી એમના ગુરુ સ્વામી અભિદાનંદજીએ કેતનને ઋષિકેશ બોલાવી એને બે-ચાર મિનિટ માટે પાણીમા ડૂબકી મરાવીને એના આત્માને સૂક્ષ્મ જગતમાં ખેંચી લીધો અને એક માયાજાળ રચીને કેતનને દોઢ વર્ષ માટે જામનગરમાં જ ગોઠવીને પાપોનું પ્રાયશ્ચિત કરાવી દીધું. પરંતુ જામનગરમાં જે પણ માયાનો અનુભવ થયો એ પછી કેતનને પણ જામનગરની જ માયા લાગી અને એણે જામનગરને કર્મભૂમિ બનાવવાનો નિર્ણય લીધો.
-------------------------------------------
" સિદ્ધાર્થ .... કેતન જામનગર સેટલ થવા માંગે છે. એને આપણા ડાયમંડના બિઝનેસમાં રસ નથી. કાલે મારે એની સાથે વાત થઈ હતી. જામનગર સેટલ થવા પાછળ એની પાસે પોતાનાં અંગત કારણો છે. આપણે એની ચર્ચામાં નથી પડવું. એ જામનગર જવા માગતો હોય તો આપણે જવા દઈએ અને એનો અડધો ભાગ આપણે એને આપી દઈએ. તને કંઈ વાંધો હોય તો બોલ. " જગદીશભાઈ બોલ્યા.

બીજા દિવસે બપોરે જગદીશભાઈએ સિદ્ધાર્થને ઓફિસમાં પોતાની ચેમ્બરમાં ચર્ચા કરવા માટે બોલાવ્યો હતો. કેતનની હાજરીમાં ઘરે ચર્ચા કરવાની એમની ઈચ્છા ન હતી.

" વાંધો તો મને કંઈ જ ના હોય પપ્પા. તમે જે નિર્ણય લો એ મને હંમેશા માન્ય જ હોય. એ મારો નાનો ભાઈ છે. પરંતુ અમેરિકા બે વર્ષ ભણી આવ્યા પછી અચાનક એણે આપણા ડાયમંડના ધંધાને છોડીને જામનગર જવાનું કેમ વિચાર્યું ? મને તો એમ કે હું મુંબઈ જઈને સ્ટોક માર્કેટનો બિઝનેસ સંભાળું અને ડાયમંડનો ધંધો કેતન સંભાળે. હવે ત્યાં જઈને એ શું ધંધો કરવા માંગે છે ? " સિદ્ધાર્થે આશ્ચર્યથી પૂછ્યું.

" એ શું કરવા માગે છે એ તો મેં પણ એને નથી પૂછ્યું અને પૂછવા માગતો પણ નથી. એના હિસ્સાનું જે છે એ એને આપી દેવાનું એટલે મારી ફરજ પૂરી. એ પૈસા એ વાપરી નાખે કે ડબલ કરે એ એણે વિચારવાનું છે. એ કંઈ ના કરે તો પણ ત્રણ ચાર પેઢી સુધી કોઈ વાંધો ના આવે. છતાં એણે કંઈક વિચાર્યું હશે. જે હોય તે. મારે સી.એ. સાથે વાત કરવી પડશે અને એની સૂચના પ્રમાણે એના એકાઉન્ટમાં પૈસા ટ્રાન્સફર કરવા પડશે. " જગદીશભાઈ બોલ્યા.

" ઠીક છે પપ્પા. તો પછી હવે ડાયમંડનો બિઝનેસ આપણે વાઈન્ડ અપ જ કરવો પડશે. કેતને એ સંભાળી લીધો હોત તો કોઈ ચિંતા ન હતી. એટલા માટે તો એને અમેરિકા મોકલ્યો હતો." સિદ્ધાર્થ બોલ્યો.

" હવે મારી તો ઉંમર થઈ. તમે બંને ભાઈઓ હવે અલગ અલગ ધંધામાં સેટ થવા માગો છો. મારી તો એટલી જ ઈચ્છા છે કે ઈશ્વરે જે આપ્યું છે એ સંભાળજો. સ્ટોક માર્કેટ જરા જોખમી છે. સટ્ટાથી હંમેશા દૂર જ રહેજે. તારા ભાગે પણ ૨૦૦ કરોડ આસપાસ આવે છે. તું કંઈ નહીં કરે તો પણ વાંધો આવે એવું નથી છતાં બેઠાં બેઠાં તો કુબેરના ખજાના પણ ખૂટી જાય. મૂડી વધે નહીં એનો વાંધો નહીં. ઘટવી ના જોઈએ" જગદીશભાઈ બોલ્યા.

"હા પપ્પા સાચી વાત છે. સ્પેક્યુલેશન તો મને પણ પસંદ નથી. મારે એકલાએ જ તમામ નિર્ણયો લેવા પડશે એટલે મારે સંભાળીને શેરની લે વેચ કરવી પડશે. તમે મુંબઈ મનીષભાઈ સાથે વાત કરી લીધી ? સ્ટોક એક્સચેન્જ બિલ્ડિંગમાં ૧૭મા માળે જ એમની ઓફિસ છે ને ? " સિદ્ધાર્થ બોલ્યો.

" હા ગઈકાલે રાત્રે જ મનીષનો ફોન હતો. બે મહિનામાં તારા નામે ઓફિસ ટ્રાન્સફર કરી દેશે. સેબીમાં રજીસ્ટ્રેશન માટે અને સ્ટોક બ્રોકરના લાયસન્સ માટે તારે એકવાર મુંબઈ જવું પડશે. મનીષ બધી મદદ કરશે. અને ઓફિસ તો એકદમ તૈયાર છે. એમાં કંઈ જ કરવા જેવું નથી. જઈને બોલ્ટ ઉપર સીધા બેસી જ જવાનું છે. " જગદીશભાઈ બોલ્યા.

એ સાંજે જ જગદીશભાઈએ પોતાના સી.એ. ને ઓફિસે બોલાવી લીધો અને બધી ચર્ચા કરી. તમામ પ્રોપર્ટીનું કરોડો રૂપિયાનું રોકાણ જગદીશભાઈ એ પોતાના હસ્તક રાખ્યું. બેંકના લોકરમાં કરોડોનું ગોલ્ડ અને ડાયમંડ હતા એ પણ એમણે અત્યારે પોતાને હસ્તક રાખ્યાં. આગળ ઉપર એકની એક દીકરી શિવાની માટે પણ વિચારવાનું હતું. હાલ પૂરતું એમણે તમામ બેંકના ખાતામાં જે પણ રકમ હતી તેના એક સરખા બે ભાગ કરીને બંને ભાઈઓના ખાતામાં ટ્રાન્સફર કરી દેવાનો નિર્ણય લીધો. એ રકમ પણ બંનેના ભાગે લગભગ ૧૮૦ કરોડ આસપાસ આવતી હતી.

બીજા દિવસે સી.એ.ની સૂચના પ્રમાણે બેંકની તમામ કાર્યવાહી કરી દીધી. પૈસા કેતનના ત્રણેય બેંકના એકાઉન્ટમાં ટ્રાન્સફર થઈ ગયા. એ કાયદેસર ઇન્કમટેક્સ ભરતા હતા એટલે બીજો કોઈ પ્રોબ્લેમ ન હતો.

રાત્રે જગદીશભાઈ કેતનના બેડરૂમમાં ગયા અને એને તમામ માહિતી આપી. બેંકની વિગતો, પ્રોપર્ટીની વિગતો, ગોલ્ડ, ડાયમંડ વગેરે વિગતો કેતનને એક કાગળમાં લખીને આપી દીધી.

" પપ્પા મારે આ બધી વિગતો સાથે કોઈ જ લેવા દેવા નથી અને મારે જોવી પણ નથી. હું તમારો જ દીકરો છું. મને આ માયામાં કોઈ જ રસ નથી. તમે જે આપો તે હું લઈશ. મોટાભાઈને વધારે આપશો તો પણ મને કોઈ વાંધો નથી. મને જે પણ મળે છે એમાં હું ખુશ છું. " કેતન બોલ્યો.

" તારા એ સંસ્કાર છે બેટા. હું તને સારી રીતે ઓળખું જ છું. પણ એક પિતા તરીકે મારી પણ ફરજ છે કે તને તમામ બાબતોથી વાકેફ કરવો. શિવાની માટે પણ મારે જ વિચારવાનું છે. એટલે એ રીતે બધું પ્લાનિંગ કરી દીધું છે. " જગદીશભાઈ બોલ્યા.

"તારા હિસ્સામાં અત્યારે લગભગ ૧૮૦ કરોડ આવે છે. મારી પાસે જે પણ કંઈ રાખ્યું છે એમાં શિવાનીનો ભાગ બાદ કરતા બાકીનું તમારા બંને ભાઈઓ વચ્ચે જ છે. તું સારા માર્ગે દાન સખાવતો કરીને તારા દાદાનું પ્રાયશ્ચિત કરી રહ્યો છે તો હું તને કંઈ પણ ઓછું આપવા માંગતો નથી !! " જગદીશભાઈ લાગણીવશ થઈ ગયા.

" જામનગર જવાનું ક્યારે વિચારે છે? તારે ત્યાં કોઈ મદદની જરૂર હોય તો મારા એક બિલ્ડર મિત્ર ધરમશીભાઈ ત્યાં રહે છે. એમની કોઈ સ્કીમ ચાલતી હોય તો તને તૈયાર મકાન પણ મળી જશે. ત્યાં વ્રજભૂમિ બંગ્લોઝ વિભાગ એક માં રહે છે. " જગદીશભાઈ બોલ્યા.

" ભલે પપ્પા. હું એમને ચોક્કસ મળીશ. " કેતન બોલ્યો પણ એનું મન વિચારે ચડી ગયું. વ્રજભૂમિ બંગ્લોઝ !! અરે આ તો પ્રતાપભાઈ વાઘાણીનો જ બંગલો જ્યાં પ્રતાપભાઈ અને એમની દીકરી વેદિકા રહેતાં હતાં !! તો શું ધરમશીભાઈ પણ એ જ બંગલામાં રહેતા હશે? ગુરુજીની માયા પણ જબરદસ્ત છે !

" જામનગર સેટ થતાં પહેલાં મારે બે ત્રણ કામ પતાવવાં પડશે પપ્પા. તારીખ હજુ નક્કી નથી પરંતુ દસ પંદર દિવસમાં મારો જામનગર જવાનો પ્રોગ્રામ થશે." કેતન બોલ્યો.

કેતન બીજા દિવસે સવારે બરફીવાલા કોમર્સ કોલેજમાં ગયો. કેતન આ જ કોલેજમાં ભણ્યો હતો અને મનસુખ માલવિયા પણ આ જ કોલેજમાં પટાવાળો હતો. એણે પ્રિન્સિપાલની ઓફિસમાં જઈને મનસુખ વિશે તપાસ કરી.

સદનસીબે મનસુખ માલવિયાની નોકરી ચાલુ જ હતી પરંતુ એના પિતાનું ઓપરેશન હતું એટલે એ રજા ઉપર હતો. કેતને સ્ટાફમાં કોઈને પૂછીને હોસ્પિટલનું એડ્રેસ લઈ લીધું અને સીધો હોસ્પિટલ પહોંચી ગયો.

હોસ્પિટલના રિસેપ્શન કાઉન્ટર ઉપર જઈને એણે માલવિયાના ઓપરેશન વિશે પૂછ્યું. મનસુખના પિતાની હાર્ટની બાયપાસ સર્જરી થઈ ચૂકી હતી અને અત્યારે એ આઈસીયુમાં હતા.

કેતન આઈસીયુ વિભાગમાં ગયો. જો કે અંદર જવાની મનાઈ હતી. આઈસીયુ ની બહાર જે ખુરશીઓ ગોઠવેલી હતી એમાં એણે મનસુખ માલવિયાને જોયો. કેતનનું દિલ એક ધબકારો ચૂકી ગયું !

આ તો એ જ મનસુખ માલવિયા હતો જે એને માયાવી જગતમાં જામનગર સ્ટેશન ઉપર વળાવવા આવ્યો હતો !! શર્ટ પણ એ જ પહેરેલું હતું જે પહેરીને એ વિદાય આપવા આવ્યો હતો ! આવું કેવી રીતે બને ? ગુરુજીની માયા વારંવાર કેતનને ચકરાવામાં નાખતી હતી.

" મનસુખભાઈ ઓળખાણ પડે છે ? " કેતને પૂછ્યું.

" આછું આછું યાદ આવે છે. તમે કેતનભાઇ સાવલિયા ને ? બરફીવાલા કોલેજમાં જ તમે ભણતા હતા. ત્રણેક વર્ષ થઈ ગયાં હશે. " મનસુખ માલવિયા યાદ કરીને બોલ્યો. એને યાદ આવી ગયું કે કેતન કરોડોપતિનો દીકરો હતો.

" તમારી યાદશક્તિ આજે પણ એટલી જ સતેજ છે મનસુખભાઈ. કોલેજના ઇલેક્શનમાં જી.એસ તરીકે મને જીતાડવા માટે તમે પણ ખૂબ મહેનત કરેલી. અહીંયા હોસ્પિટલનો કેટલો ખર્ચો થશે લગભગ ? " અચાનક કેતને પૂછ્યું.

" ખર્ચાની તો વાત જ ના પૂછશો સાહેબ. સવા બે લાખનો અંદાજ આપ્યો છે પરંતુ દવાઓ સાથે અઢી લાખે પહોંચી જશે. " મનસુખ ગંભીર થઈ ગયો.

" પપ્પાની મેડિકલ પોલીસી હશે ને ? " કેતને પૂછ્યું.

" ના રે ના સાહેબ. મારી પણ કોઈ મેડિકલ પોલિસી નથી. એવો કોઈ વિચાર જ નહીં આવેલો. થોડું પ્રોવિડન્ટ ફંડ ઉપાડ્યું અને બાકીની પર્સનલ લોન માગી છે. લોનના પૈસા આવવાના બાકી છે. અત્યારે દોઢ લાખ ભરી દીધા છે. ડોક્ટરને રિક્વેસ્ટ કરીને થોડો સમય માગ્યો છે. ઈમરજન્સીમાં ઓપરેશન કરવું પડ્યું." માલવિયા ચિંતાતુર હતો.

" હું એટલા માટે જ આવ્યો છું મનસુખભાઈ. હું તમને દોઢ લાખનો ચેક તમારા નામનો આપું છું. બાકીનો એક બ્લેન્ક ચેક તમને આપું છું જે ડિસ્ચાર્જ વખતે બાકીની રકમ ભરીને હોસ્પિટલમાં આપી દેજો. પર્સનલ લોન કેન્સલ કરી દેજો" કેતન બોલ્યો અને એણે બે ચેક લખી દીધા.

મનસુખ માલવિયા તો કેતનને જોઈ જ રહ્યો. એને કંઈ સમજાતું જ ન હતું. અચાનક કોલેજના જૂના વિદ્યાર્થી અને જી.એસ કેતનભાઇનું હોસ્પિટલમાં પપ્પાની ખબર કાઢવા આવવું અને પાછી લાખોની મદદ કરવી !!

" પરંતુ તમે મને આટલી મોટી મદદ શા માટે કરો છો સાહેબ ? " મનસુખ માલવિયાએ છેવટે પૂછી જ નાખ્યું.

" કારણ કે તમે એક સારા માણસ છો એટલે હું તમને મારે ત્યાં જ નોકરીએ રાખવા માગું છું. કોલેજની નોકરી છોડી દેવાની. પગાર તમે જે માગો તે ! બોલો મંજુર છે ? " કેતને ધડાકો કર્યો.

" માની લો કે હું કોલેજની નોકરી છોડવા ન માંગતો હોઉં તો આ મદદ તમે પાછી લઈ લેશો ને ? " મનસુખે પૂછ્યું.

" મનસુખભાઈ હું આપેલું દાન કદી પણ પાછું લેતો નથી. મારી નોકરી સ્વીકારવી કે ના સ્વીકારવી એ તમારો પોતાનો નિર્ણય હશે. મારું કોઈ જ દબાણ નથી. મારી આ મદદને અને મારી ઓફરને કોઈ લેવાદેવા નથી. " કેતન મનસુખભાઈના ખભે હાથ મૂકીને બોલ્યો.

" મને વિચારવાનો થોડો ટાઈમ આપો. હું આજે ને આજે હોસ્પિટલમાં નિર્ણય ના લઈ શકું. " મનસુખ બોલ્યો.

" મને એવી કોઈ જ ઉતાવળ નથી. અઠવાડિયામાં તમે જવાબ આપજો. મારી વાત ધ્યાનથી સાંભળી લો. તમારે મારા ડ્રાઇવરની નોકરી કરવાની છે. એટલે તમારે ગાડીનું ડ્રાઇવિંગ શીખી લેવું પડશે. " કેતન બોલ્યો.

" બીજું તમારે સુરત છોડીને મારી સાથે જામનગર આવવું પડશે. ત્યાં જે મકાન રાખશો એનું ભાડું હું ચૂકવીશ. ફરી કહું છું કે તમે પગારની કોઈ ચિંતા કરશો નહીં. તમારી જિંદગીમાં તમને એક તક મળી રહી છે. ગંભીરતાથી વિચારજો." કેતન બોલ્યો.

" ડ્રાઇવિંગ તો હું શીખેલો છું એટલે એનો મને કોઈ વાંધો નથી. જામનગરની વાત વિશે વિચારવું પડશે. જો કે આમ તો હું ખંભાળિયાનો છું એટલે મારા વતનની નજીક જવાની મને તક મળી રહી છે. હું ત્રણ ચાર દિવસમાં જ તમને જણાવી દઈશ. " મનસુખ માલવિયા બોલ્યો.

" ઠીક છે. તમારુ હોસ્પિટલના બિલનું ટેન્શન મેં પૂરું કર્યું છે એટલે તમારે હવે કોઈ હપ્તા ભરવાના નહીં આવે. અને હું તમને ૫૦૦૦૦ પગાર આપીશ. ત્યાં જામનગરમાં સુરત જેવા મોટા ખર્ચા નથી. તમે જો મારી સાથે જોડાવાનો નિર્ણય કરો તો કોલેજમાં એક મહિનાની નોટિસ આપી દેજો. " કહીને કેતન ઊભો થયો.

" ભલે સાહેબ. હું ત્રણ ચાર દિવસમાં જણાવું છું. તમારો મોબાઈલ નંબર મને લખાવી દો. " મનસુખ માલવિયા બોલ્યો.

કેતને પોતાનો મોબાઈલ નંબર લખાવ્યો અને હોસ્પિટલની બહાર નીકળી ગયો. એને ખાત્રી જ હતી કે ગુરુજીના આશીર્વાદથી માયાવી દુનિયાનો મનસુખ માલવિયા મારી વાસ્તવિક દુનિયામાં પણ જોડાઈ જ જશે !!

કેતન આજે ખુશ હતો. એ બહાર નીકળીને પારલે પોઇન્ટ ઉપર આવેલા અંબિકા નિકેતન મંદિરમાં ગયો અને મા અંબા ને પોતાના આગળના માર્ગ માટે પ્રાર્થના કરી. બહાર નીકળતાં અચાનક એને યાદ આવ્યું એટલે એણે એક માળા ખરીદી. એ પછી એ ઘરે ગયો.

હવે મારે જયેશ ઝવેરીની તપાસ કરવી પડશે. જામનગર તપાસ કરી તો એણે તો અઢી વર્ષ પહેલાં મકાન વેચી નાખેલું અને જે ભાડુઆત રહેતા હતા એમની પાસે જયેશના કોઈ સમાચાર ન હતા. મારા કોલેજના ફ્રેન્ડ સર્કલમાંથી જ એનો નંબર શોધવો પડશે. કોઈક ના ટચમાં તો એ હશે જ.

એણે પોતાના કોલેજ કાળની ટેલીફોન ડાયરી કબાટમાંથી બહાર કાઢી. દશેક જેટલા મિત્રોના નંબર એમાં લખેલા હતા. એણે એક પછી એક નંબર ડાયલ કરવાની શરૂઆત કરી. જેટલા પણ લેન્ડલાઈન નંબર હતા એ બધા આજે અસ્તિત્વમાં ન હતા. મોબાઈલ યુગ શરૂ થઈ ગયો હતો. માત્ર બે મિત્રોના મોબાઈલ નંબર મળ્યા પરંતુ એ નંબરો પણ બદલાઈ ગયા હતા. હવે ?

એ જ્યારે માયાવી દુનિયામાં હતો ત્યારે એણે જૈનમ શાહનો સંપર્ક કર્યો હતો અને એણે જ અસલમનો રાજકોટનો નંબર આપ્યો હતો. ગુરુજીએ રચેલી માયાવી દુનિયા હંમેશા કંઈને કંઈ સંકેતો આપતી જ હતી. એણે જૈનમ શાહની ઓફિસે રૂબરૂ મળવાનો નિર્ણય કર્યો અને બપોરે એ પહોંચી પણ ગયો.

" અરે કેતન તું ? તું તો અમેરિકા હતો ને ? ક્યારે આવ્યો ? " જૈનમ પોતાની ઓફિસમાં કેતનને જોઈને આશ્ચર્ય પામ્યો.

" અત્યારે તો ઇન્ડિયામાં છું. બોલ તારું કેમનું ચાલે છે ? " કેતન બોલ્યો અને એણે જૈનમની સામે બેઠક લીધી.

"મારુ તો સરસ ચાલે છે. શેરબજારનો બોલ્ટ લીધેલો છે. સ્ટોક બ્રોકર છું. " જૈનમ બોલ્યો.

" મારે આપણા કોલેજ મિત્ર જયેશ ઝવેરીનો ફોન નંબર જોઈએ છે. મને કાલે સપનું આવ્યું કે જૈનમ પાસેથી મળી જશે. બોલ તું કેટલી મદદ કરી શકે ? " કેતને હસીને પૂછ્યું.

" મારી પાસે તો જયેશનો નંબર નથી પરંતુ ગૌરાંગ પાસેથી કદાચ મળી રહેશે. ગૌરાંગનો એ ખાસ મિત્ર હતો. ગૌરાંગનો નંબર પણ મારી પાસે નથી પરંતુ એનું ઘર મેં જોયું છે. બે દિવસનો ટાઈમ આપ. હું તને નંબર લાવી આપીશ. " જૈનમ બોલ્યો.

" ચાલશે. મારે રાજકોટ જવું છે. અને મને ખબર પડી છે કે એ રાજકોટમાં સેટ થઈ ગયો છે. " કેતન બોલ્યો.

" ઠીક છે. લાવી આપીશ. " જૈનમ બોલ્યો. એણે એના માણસને મોકલીને બે કોલ્ડ્રીંક્સ મંગાવ્યાં. ૧૦ મિનિટ આડી અવળી વાતો કરી કેતન નીકળી ગયો.

રવિવારનો દિવસ કેતન માટે બહુ જ નસીબવંતો નીકળ્યો. મનસુખ માલવિયાનો ફોન આવી ગયો. એણે જામનગર શિફ્ટ થવાની હા પાડી તો જૈનમે પણ જયેશ ઝવેરીનો નંબર આપી દીધો.

કેતન માટે જામનગરમાં ફરી સેટ થવાના એક પછી એક રસ્તા ખુલતા જતા હતા !! નવી જિંદગીનો હવે કદાચ જામનગરમાં જ પ્રારંભ થઈ રહ્યો હતો !!
ક્રમશઃ
અશ્વિન રાવલ (અમદાવાદ)