Paranya tyarthi sudhari shakya ekbijane in Gujarati Spiritual Stories by Dada Bhagwan books and stories PDF | પરણ્યા ત્યારથી સુધારી શકયા એકબીજાને ?

Featured Books
Categories
Share

પરણ્યા ત્યારથી સુધારી શકયા એકબીજાને ?

      એક મોટી ઉંમરના કાકાની ફરિયાદ હતી, ‘આખી જિંદગી આ તમારી કાકીને સમજાય સમજાય કર્યું, ખૂબ વઢીને જોયું, ક્યારેક તો મારાથી હાથે ય એમના ઉપર ઉપડી જતો, છતાં ય તમારા કાકી સુધર્યાં જ નહીં, એમની આડાઈઓનો અંત આજ લગી નથી આવ્યો.’ અરે કાકા ! આખી જિંદગી બૈરીને સુધારવામાં ગઈ ને છતાં ય ના એ સુધરી તો આપણને જ અક્કલ ના આવવી જોઈએ કે આપણને જ સુધારતાં નથી આવડતું ! કાકાને મેં પૂછયું, ‘કાકા, પરણતાં પહેલાં કાકીને જોઈને, જાણીને હા પાડી હતી કે ?’ કાકા કહે, ‘હા, એમ તો જોયાં તો હતાં જ ને !’ ત્યારે કાકા, આપણે જાતે જોઈને પસંદ કર્યાં પછી આપણે જ એમના નામની બૂમો પાડીએ કે એ આવા છે ને તેવાં છે એમાં ભૂલ કોની ? આપણે બજારમાંથી જાતે તાળું જોઈને લઈ આવીએ અને પછી બૂમાબૂમ કરીએ કે તાળું ખૂલતું નથી, તાળાં નકામાં છે, તાળાં બનાવનાર નકામા છે, એનો શો અર્થ ? આપણને જ તાળું લાવતાં ના આવડયું. એ ના પૂરવાર થયું ? આપણી ભૂલ એમાં કોઈને શું કહેવાય ? આ તો પોતે પોતાની જ આબરૂ ખુલ્લી કરે છે ને !

      આપણે બૈરીને સુધારવા જઈએ પણ આપણે આપણી જાતને સુધારી ? આપણને પત્નીની ફરિયાદો ઢગલે બંધ હશે તો પત્નીને આપણી ફરિયાદો ડુંગરેબંધ નથી ?! બીજાંને સુધારવાનો અધિકાર કોને છે કે જે પોતે સુધરેલો હોય ! અને આખી જિંદગી કાકા માથાકૂટ કરી રગડાઝગડા કરી અંતે કાકી ઘરડે ઘડપણમાં સુધરી પણ ગયા પણ પછી શું ? થોડા વખતમાં બેઉમાંથી એકને તો મરવાનું જ ને ! કાકી મરી ગયાં. પછી એ સુધરેલી આવૃત્તિ જાય પાછા કો’કના ભાગે જ ને ?! કાકી ઓછાં કાકાની રાહ જોઈને બેસી રહેવાના છે બીજા ભવમાં કે કાકાએ મને ગયા ભવમાં સુધારેલી તે હવે આ ભવમાં તેમનો જ પતિ તરીકેનો અધિકાર છે ?! અરે ગયા એ ગયા, પછી રામ તારી માયા, કોઈ કોઈને યાદ ના કરે. બોલો આવા રિલેટીવ સંબંધને રિયલ માનીને ચાલીએ તો પછી દુઃખ પડયા વગર રહે ?

      આ સંબંધો રિયલ નથી રિલેટિવ છે. રિલેટિવ સંબંધ એટલે સાપેક્ષ સંબંધ. એકબીજાના આધારિત. એટલે આપણે સંબંધ સાચવીએ તો સામો આપણું સાચવે. આપણે ના સાચવીએ તો સામો પણ આપણું ના સાચવે. આ તો ‘રિલેટિવ’ સગાઈઓ છે. જો‘રિયલ’ સગાઈ હોય ને તો તો આપણે જક્કે ચઢેલા કામના કે તું જ્યાં સુધી સુધરે નહીં ત્યાં સુધી હું જક્કે ચઢીશ. પણ આ તો ‘રીલેટિવ’ સંબંધ. ‘રિલેટીવ’ ‘એટલે એક કલાક જો પતિ પત્ની વચ્ચે જામી જાય તો બેઉને છૂટાછેડાનો વિચાર આવી જાય ! પછી બીજમાંથી ઝાડ થાય. માટે આપણે નક્કી કરવું જોઈએ કે આ સંબંધની જરૂર છે કે એના વિના ચાલે તેમ છે ? જો જરૂર જ હોય તો સામો ફાડ ફાડ કરે તો ય આપણે તો સાંધ સાંધ જ કરવાનું. અરે, સામાએ મોટું ગાબડું પાડયું હોય તો ય છેવટે થીંગડાં મારીને ય નભાવવાનું અને ના જ  જરૂર હોય તો એક મિનિટમાં છેડા ફાડી નંખાય. એ દરેકે સમજીને જ એડજસ્ટ કરવા જેવું છે.

     બાકી કોઈ કોઈને સુધારી શકે તેમ નથી. સુધારવા જતાં કેટલાં ય કષાયો કરી પોતાનું બગાડે છે ! અને બહુ કચકચ થાય તો છેવટે છૂટાછેડા થઈ જાય ! માટે આપણે આપણા જીવનસાથીને સુધારવા માટે પ્રયત્ન ના કરવો. એ ખુશી હોય તો પ્રયત્ન કરવો. નહીં તો સુધારવા માટે એની ના ખુશી હોય ને આપણે એને સુધારવા ફરીએ તો એ આવી રીતે સુધારાય નહીં. સુધારવું હોય તો આપણે પહેલાં સુધરેલા હોવા જોઈએ. સુધરેલા પાસે બધા સુધરી જાય, ડાહ્યા થઈ જાય ! પ્રકૃતિ ધાકધમકીથી ના સુધરે કે ના વશ થાય. ધાકધમકીથી તો જગત ઉભું થયું છે. ધાકધમકીથી તો પ્રકૃતિ વિશેષ બગડે. સામાને સુધારવા માટે તમે જો દયાળુ હો તો એને વઢશો નહીં. એને સુધારવા તો માથું તોડી નાખે એવો મળી જ જશે.

      ટૈડકાવવાની જગ્યાએ આપણે ના ટૈડકાવીએ તો એનાથી સામો વધારે સીધો રહે. જે ગુસ્સો નથી કરતો એનો તાપ બહુ સખત હોય.

      દરેક વાતમાં આપણે સામાને ‘એડજસ્ટ’ થઈ જઈએ તો કેટલું બધું સરળ થઈ જાય ! આપણે જોડે શું લઈ જવાનું છે ? માટે તમારે એમને સીધાં કરવા નહીં. એ તમને સીધા કરે નહીં. જેવું મળ્યું એવું સોનાનું. પ્રકૃતિ કોઈની કોઈ દહાડો સીધી થાય નહીં. કૂતરાની પૂંછડી વાંકીને વાંકી જ રહે, એટલે આપણે ચેતીને ચાલીએ. સામી પ્રકૃતિ જેવી હો તે ભલે હો, ‘એડજસ્ટ એવરી વ્હેર’.

     ગાયનાં શીંગડા ગાયને ભારે. એના શીંગડા સીધા કરવા જઈએ તો ઉલ્ટાં આપણને વાગી જાય ! ત્યાં તો આપણે ધીમે રહીને ખસી જવું પડે !

       સુધારાય ક્યારે ? કે ગમે તેવી વાઈફ અકળાઈ જાય પણ આપણે ઠંડક ના છોડીએ ત્યારે સુધારી શકાય ! અહંકાર જાય તો જ સામો આપણું સાંભળે.

      આ કપડું મેલું હોય તેને સાફ કરવાનો અધિકાર છે. પણ જેઓ ચૈતન્ય છે તેને સુધારવાનો શો અધિકાર છે ? જડમાં તો સામેથી કોઈ જાતનું ‘રિએક્શન’ નથી. અને જ્યાં ચૈતન્ય છે એ તો ‘રિએક્શન’ વાળું છે. એને શી રીતે સુધારાય ? આ પ્રકૃતિ પોતાથી જ પોતાની સુધરતી નથી તો બીજાની શું સુધારવાની ? પોતે જ જ્યાં ભમરડો છે ! પ્રકૃતિ આધીન છે એ બધાં જ ભમરડાં કહેવાય. પુરુષ થયો જ નથી. પુરુષ થયા પછી જ ખરો પુરુષાર્થ  ઉત્પન્ન થાય. ખરો પુરુષાર્થ જોયો જ નથી. અને જેને પુરુષાર્થ માને છે એ તો ભ્રાંતિનો પુરુષાર્થ છે !

      રામ, કૃષ્ણ, મહાવીર એ બધાના જીવન જોઈએ તો એમણે ક્યારે ય કોઈને સુધારવાનો પ્રયત્ન કરેલો જોયો છે ? એમનું જીવન જ એવું હતું કે આજે ય હજારો વર્ષો પછી ય એ સાંભળીને કેટલાં ય સુધરી જાય છે ! એનું રહસ્ય શું ? એમનામાં કોઈને સુધારવાનો અહંકાર જ ન હતો. પોતે જ એટલા સુધર્યા કે એની સુવાસ હજુ ય લોકોના જીવનોને સુગંધીત કરી દે છે !

      સમો આપણને સાવ ખોટી રીતે મૂલવતો હોય ત્યારે શું એડજસ્ટમેન્ટ લેવું ? આપણે સાચાં છીએ એ આપણા વ્યૂ પોઈન્ટથી અને સામાના વ્યૂ પોઈન્ટથી આપણે ખોટા છીએ. આ વ્યૂ પોઈન્ટસના જ ડીફરન્સ છે અને સાચું ખોટું સાપેક્ષ છે. રીલેટીવથી છે. રિયાલિટી તો જાણતા જ નથી. રિયાલિટીમાં તો આ બધું સાચુ પણ ટેમ્પરરી સાચુ છે. જ્યાં સુધી આપણે આપણું જાતે જ સાચું ઠરાવવા જઈશું ત્યાં સુધી સામો એને નહીં સ્વીકારે. અને કુદરતી રીતે જ આપણું સત્ય જયારે બહાર આવશે ત્યારે જે સામાની આંખ ઊઘાડશે તે કંઈ ઔર જ જાતનું હશે ! હાં, એના માટે ધીરજ ખૂબ ખૂબ રાખવી પડે ! નહીં તો ય આમે ય કકળાટમાં જો જીવીએ જ છીએને ! તેનાં કરતાં સમજીને, શમાવીને, ધીરજ પકડીએ તો ફળ જરૂર મીઠાં જ આવશે !