Dashavtar - 47 in Gujarati Fiction Stories by Vicky Trivedi books and stories PDF | દશાવતાર - પ્રકરણ 47

Featured Books
  • રહસ્ય,રહસ્ય અને રહસ્ય

    આપણને હંમેશા રહસ્ય ગમતું હોય છે કારણકે તેમાં એવું તત્વ હોય છ...

  • હાસ્યના લાભ

    હાસ્યના લાભ- રાકેશ ઠક્કર હાસ્યના લાભ જ લાભ છે. તેનાથી ક્યારે...

  • સંઘર્ષ જિંદગીનો

                સંઘર્ષ જિંદગીનો        પાત્ર અજય, અમિત, અર્ચના,...

  • સોલમેટસ - 3

    આરવ રુશીના હાથમાં અદિતિની ડાયરી જુએ છે અને એને એની અદિતિ સાથ...

  • તલાશ 3 - ભાગ 21

     ડિસ્ક્લેમર: આ એક કાલ્પનિક વાર્તા છે. તથા તમામ પાત્રો અને તે...

Categories
Share

દશાવતાર - પ્રકરણ 47

          વિરાટ, નીરદ અને જગપતિ જોખમની ચેતવણી કંડારેલા દરવાજા સુધી પહોંચ્યા ત્યાં સુધીમાં થાકીને લોથપોથ થઈ ગયા હતા. એમના પગમાં દુઃખાવો થતો હતો અને એ હાંફતા હતા. એમના એક એક અવયવો ભયાનક રીતે થાકી ગયા હોય એમ શરીરમાં કળતર થતી હતી પણ એ જાણતા હતા કે આજે શરીરની કસોટીનો સમય છે. એ જ્વલનશીલ વાયુ ભરેલા દરવાજા પાસે ઊભા રહ્યા. એમણે મૃતદેહ નીચે મુક્યા ત્યારે એમને ખ્યાલ આવ્યો કે ખભા ઉપર મૃતદેહનો ભાર અડધા કલાક સુધી રહ્યો એટલે ખભા અક્કડ થઈ ગયા હતા. મૃતદેહ નીચે મુકતી વખતે એમના હાથમાથી વીજળી પસાર થઈ રહી હોય એવી સંવેદના અનુભવાઈ. મૃતદેહ ખભા પર રાખ્યા એટલીવાર હાથ ઊંચા રહ્યા હતા અને જયારે હાથ નીચા કર્યા ત્યારે એક સાથે લોહી હાથમાં ધસી આવ્યું હતું. એમણે મૃતદેહ જ્વલનશીલ વાયુ ભરેલી સુરંગના દરવાજા પાસે ગોઠવ્યા. એમણે તમામ મૃતદેહની પીઠ દરવાજાના લોખંડને એ રીતે ટેકવી જેથી એ પોરો ખાવા બેઠા હોય એમ લાગે.

          "આપણે દરવાજો કેવી રીતે ખોલીશું?" વિરાટે મૌન તોડતાં પૂછ્યું, "વાયુ આપણને પણ બાળી નાખશે."

          "એનો એક રસ્તો છે." નીરદે એની ટુલબેગમાંથી લાંબુ દોરડું કાઢતાં કહ્યું, "આપણે મારી છરીનો ઉપયોગ લીવર તરીકે કરીશું અને તેને દૂરથી ખોલીશું."

          “વિચાર સારો છે.” જગપતિએ કહ્યું,  “એટલે જ એણે તને પસંદ કર્યો હતો, નીરદ.”

          એણે એટલે કોણે પસંદ કર્યો હતો? વિરાટે વિચાર્યું પણ પૂછ્યું નહીં. એ સવાલ જવાબ કરવાનો સમય નહોતો.   

          “આપણી પાસે એક સરળ વિકલ્પ છે.” જગપતિએ કહ્યું અને ભૈરવના શરીર પાસે ઘૂંટણ પર બેઠો, “આ શેતાન હંમેશાં અગ્નિનો ભૂખ્યો રહેતો હતો.” એણે ભૈરવના ખિસ્સા તપાસ્યા અને નાનું લાઈટર કાઢ્યું જે વિરાટે દીવાલ પેલી તરફ આવતા વેપારીઓ પાસે જોયું હતું – કેટલાક  વેપારીઓ ધૂમ્રપાન કરતા અને એમને પાઈપો સળગાવવા માટે એવા લાઈટર રાખતા.

          “તમારા પહેરણ ઉતારી નાખો.” જગપતિએ વિરાટ અને નીરદ સામે જોયું, "એ લોહીથી ખરડાયેલા છે.”

          એમણે પહેરણ ઉતાર્યા અને જગપતિને આપ્યા. જગપતિએ દરવાજા પાસે પહેરણ મૂક્યા અને પોતાના પાટલુનની બાજુના ખિસ્સામાંથી એક નાની બોટલ કાઢી.  બોટલ નાની હતી પણ ચાંદીની હતી. એણે તેમાંથી શર્ટ પર કંઈક રેડ્યું. એ મદિરા હતી. વિરાટ એ ગંધ ઓળખતો હતો.

          "એકવાર દરવાજાની બહાર પૂરતી આગ હશે તો એ આગ જ્વલનશીલ વાયુને અંદર રોકી રાખતી દરવાજાની રબરની ફ્રેમને પીગાળી નાખશે અને વાયુ લીક થવા લાગશે એ સાથે જ સુરંગમાં વિસ્ફોટ થશે." એણે ઊભા થઈને કહ્યું, "શું તમે દોડવા તૈયાર છો?"

          એમણે માથું હલાવ્યું. જગપતિએ પહેરણનો એક છેડો લાઇટરથી સળગાવ્યો અને કહ્યું, "દોડો." એણે લાઈટર જમીન પર પછાડ્યું અને એ દોડવા લાગ્યા.

          વિરાટના પગ દુખતા હતા. તે ચીસો પાડવા માંગતો હતો. એ ઊભો રહી જવા માંગતો હતો પણ એ દોડતો જ રહ્યો. ત્યાં વિસ્ફોટ થાય એ પહેલાં એમને સુરંગ બહાર નીકળી જવાનું હતું.

          એ ત્રણેય સુરંગના છેડે પહોચ્યા. વિરાટ હવે વધુ દોડી શકે એમ નહોતો. જો એનું હ્રદય હજુ ધબકતું હતું તો એ કોઈ ચમત્કારથી જ ધબકતું હતું એમ એને લાગ્યું કેમકે એ જીવનમાં પહેલા ક્યારેય એટલો થાક્યો નહોતો. વિસ્ફોટ થાય એ પહેલાં એ ત્રણેય સુરંગ બહાર નીકળી ગયા. સુરંગ બહાર નીકળતા જ વિરાટ જમીન પર ફસડાઈ પડ્યો અને સુરંગની દીવાલનો ટેકો લઈને બેસી ગયો. એ પછી એમણે એક પ્રચંડ અવાજ સાંભળ્યો – એ અવાજ આકાશી વીજળી જેટલો જ પ્રચંડ હતો. જૂની પરીકથામાં વિશાળ ગર્જના કરતા રાક્ષસોની વાતો વિરાટે સાંભળી હતી એ તેને યાદ આવી. એણે પોતાની હથેળીઓથી કાન ઢાંક્યા અને પગ વાળીને છાતી તરફ ખેંચી લીધા. બંને હાથે ઘૂંટણમાંથી વાળેલા પગ છાતી સાથે દબાવી રાખી એ દીવાલના ટેકે બેસી રહ્યો.

          "આપણે સફળ રહ્યા." જગપતિએ કહ્યું, "પણ કોઈ આવે એ પહેલા આપણે નીકળી જવું જોઈએ. આ અવાજ પ્રચંડ હતો. એ બધાએ જરૂર સાંભળ્યો હશે.”

એ સાચો છે. વિરાટે વિચાર્યું અને એક ક્ષણ ગુમાવ્યા વિના એ ઊભો થયો. ફરી એ બધા દોડવા લાગ્યા. એક પછી એક વળાંક લેતા એ ઝડપભેર આગળ વધતા રહ્યા. જગપતિ એ સુરંગોને સારી રીતે જાણતો હતો કેમકે એણે એ ઈમારતમાં દાખલ થયા એ સાથે જ એ ઈમારતના નકશાનો સારી રીતે અભ્યાસ કરી લીધો હતો. એમને કયા રસ્તે દોડવું જોઈએ એ વિશે વિચારવા માટે એમને ક્યાય રોકાવું ન પડ્યું. જગપતિ એકએક વળાંક જાણતો હતો. પણ એક સુરંગમાં થોડોક સમય ગોળ ગોળ ફરતા રહ્યા ત્યારે વિરાટે બોલવાનો પ્રયત્ન કર્યો. જગપતિએ એને અટકાવ્યો, "બોલવાથી તારી શક્તિ ચાલી જશે." એણે કહ્યું, "શક્તિને તારા ફેફસાંમાં સાચવી રાખ."

          એ કશું ન બોલ્યો. બસ દોડતો રહ્યો. એણે આશા રાખી કે એનું હૃદય કામ કરવાનું બંધ નહીં કરે - એ ધબકવાનું છોડશે નહીં. પંદર મિનિટ દોડ્યા પછી એ ઊભા રહ્યા. એમની સામે ચિત્રાએ છોડેલી મશક પડી હતી. જગપતિએ રસ્તામાં એક વળાંકની પણ ભૂલ કરી નહોતી. એમણે પોત પોતાની મશક ઉઠાવી. જગપતિએ વિરાટ અને નીરદ માટે એમના પરિધાન મુજબના પહેરણની વ્યવસ્થા કરી અને એ પછી બાપ બેટો શૂન્યની ભીડમાં ભળી ગયા. સદભાગ્યે કોઈએ એમના પર ધ્યાન આપ્યું નહોતું. મોટાભાગના નિર્ભય વિસ્ફોટનું કારણ શોધવા ગયા હતા અને શૂન્ય લોકો ક્યારેય એમની આસપાસ શું થઈ રહ્યું છે એની પરવા ન કરતા – એ નિર્જીવ હતા.

          આખો દિવસ હંગામાભર્યો રહ્યો. નિર્ભયની ટુકડીએ માણસોની ગણતરી કરી અને અંતે દોઢ કલાક પછી એમણે શોધી કાઢ્યું કે એમનો સેનાનાયક ભૈરવ અને બીજા બે નિર્ભય સિપાહીઓ લાપતા છે. એમણે સાતમી સુરંગમાં શોધ કરવાનો પ્રયત્ન કર્યો પરંતુ એ અશક્ય હતું. વિસ્ફોટથી સુરંગ તૂટી પડી હતી અને કાટમાળના લીધે અંદર પ્રવેશવા માટેના દરેક માર્ગ બંધ થઈ ગયા હતા. દસથી વધુ શૂન્યોએ ઓછામાં ઓછા ત્રણ કલાક સુધી કાટમાળ હટાવવા મેહનત કરી પણ અંતે જગપતિએ શોધ અટકાવવાનું નક્કી કર્યું.  હવે ત્યાં જગપતિ એકમાત્ર સેનાનાયક હતો અને નિર્ભયની ટુકડી એના આદેશનું પાલન કરતી હતી. શોધખોળમાં સમય ક્યારે પસાર થયો એ ખબર પણ ન પડી. રાતનું અંધારું ઘેરાવા લાગ્યું ત્યારે નિર્ભયની ટુકડીએ દરેકને ખોરાકના પેકેટ આપ્યા.

          "ઈમારતમાં કોઈ પણ સુરક્ષિત જગ્યા શોધો અને રાત વિતાવો." જગપતિએ સાંજના ભોજન પછી સુચના આપી, "કોઈ પણ ઓરડો, હોલ અથવા જ્યાં તમને લાગે કે સુરક્ષિત છે ત્યાં રાત વિતાવો."

           નીરદના અનુભવે એમને ફરીથી મદદ કરી. સલામત સ્થળ કેવી રીતે શોધવું એ નીરદ સારી રીતે જાણતા હતા. એ વિરાટને એક સુરંગ તરફ લઈ ગયા. એના ઉપર ‘ત્રીજી સુરંગ’ લખેલું હતું. સુરંગમાં એમને એક ડબલ દરવાજાનો ઓરડો મળ્યો.

           "આ સલામત છે." નીરદે કહ્યું અને દરવાજો ખોલ્યો.

           નીરદ અને વિરાટ અંદર પ્રવેશ્યા. નીરદે એમની પાછળ ઓરડોનો દરવાજો બંધ કરી દીધો. હવે એ એકલા હતા. વિરાટે આવો ઓરડો અગાઉ જોયો નહોતો. એ અસ્તવ્યસ્ત ઓરડો હતો. છત પર કરોળિયાના જાળા અને દીવાલો પર ધૂળના થર જામેલા હતા. એકે બારીમાં કાચ નહોતા માત્ર સુરક્ષા માટે લગાવેલા સળિયા દેખાતા હતા. લોખંડના અડધા તૂટેલા સળિયા છતમાંથી ઠેક ઠેકાણે ડોકિયું કરતા હતા. કોઈ સળિયા અડધા વાંકા વળેલા હતા તો કોઈ એકદમ સીધા હતા. લગભગ બધા જ સળિયા કાટવાળા હતા તેમ છતાં એ ઓરડો એ સળિયાના લીધે જ ટકેલો હતો. ઓરડાના એક ખૂણામાં ધાતુનું એક ટેબલ અને બીજી તરફ  નાના કદનો એક ખાટલો હતો. એ બંને પર પણ કાટ લાગેલો હતો. ઓરડાની દરેક ચીજ પર ધૂળનું આવરણ હતું.

           વિરાટે એના થાકેલા અંગોને આરામ આપવા માટે એક ખૂણામાં જગ્યા શોધી લીધી. એને ખબર નહોતી કેમ પણ એ એકલો રહેવા માંગતો હતો. એણે તેના પિતા સાથે વાત ન કરી. નીરદને પણ જાણે ખબર હતી કે વિરાટ શું ઇચ્છે છે એટલે કોઈ ચર્ચા ન કરી. વિરાટે તેના થેલાને ઓશીકાની જેમ મૂકી જૂના ટેબલ તરફ પગ લંબાવ્યા. દિવસે જે થયું એ તેના મનને પરેશાન કરતું હતું. એની આંખોમાં ઊંઘ નહોતી. એણે આંખો બંધ કરી કે તરત જ તેની આંખો સામે ભૈરવ અને એના બે માણસોની છબી ઉભરી આવી અને તેની પાંપણ પરથી ઊંઘને ​​દૂર કરી દીધી. એને ઉત્સાહિત કરવા એના મિત્રો હતા પણ ત્યાં નહોતા. એના મોટાભાગના મિત્રો દીવાલની પેલી તરફ હતા.

          એ ખંડેરની છત તરફ તાકી રહ્યો. એ ફરી ક્યારેય સૂઈ શકશે કે કેમ એનો એને ભય હતો. જ્યારે પણ એ આંખો બંધ કરે ભૈરવે એના પિતા પર તલવાર મૂકી એ દૃશ્ય એની આંખ સામે આકાર લેવા માંડતું. એ જાણતો હતો કે પોતે એ ક્ષણ ક્યારેય ભૂલી નહીં શકે. જ્યાં સુધી એના શ્વાસ બંધ ન થાય અથવા એની યાદશક્તિ ચાલી ન જાય ત્યાં સુધી એ આજે જે જોયુ એ ભૂલી શકે એમ નહોતો.

          એના વિચાર જગપતિ તરફ ફંટાયા. એ નિર્ભય કેમ અમારી મદદ કરે છે? એ મારા પિતાને કઈ રીતે જાણે છે? એ મારું નામ કેમ જાણે છે? એ અમારા જેવા શૂન્યો માટે નિર્ભય સિપાહીઓને રહેસી નાખવા કેમ તૈયાર હતો?

          કલાકો પછી, મોડી રાતે પણ વિરાટ જાગતો હતો.  એ આ દુઃસ્વપ્નમાંથી છટકી જવા માંગતો હતો પણ એ જાણતો હતો કે ત્યાં કોઈ છટકબારી નથી. એ નિર્ભય જેવો બનવા માંગતો હતો. એ એમની જેમ બહાદુર અને હિંમતવાન બનવા માંગતો હતો.  છેલ્લા કેટલાક દિવસોમાં એણે પોતાના જીવનના સૌથી મોટા ભયનો સામનો કર્યો હતો. એ કિશોરવયની છોકરીની ટ્રેનમાં હત્યા, એનું લોહી સાફ કરવું - એ હજી પણ એના હાથ અને એના નખમાં એ ગંધ અનુભવી શકતો હતો. વીજળીના ભયાનક તોફાન, એ તોફાનમાં એના પોતાના લોકોને મરતા જોવા અને આજે એની આંખો સામે નિર્ભય સિપાહીઓ એના પિતાને મારી નાખવાના હતા. એમણે એના પિતાને મારી નાખ્યા હોત જો જગપતિએ મદદ ન કરી હોત.

          એણે એક હાથ માથા પર મુક્યો અને આંખો બંધ કરી. દરેક વિચારને દૂર હડસેલી દીધો. રાત ખાલી અને શાંત હતી. છેવટે એનું મન પણ શાંત થઈ ગયું અને રાતે તેના પર પોતાનો કાળો કામળો ઢાંકી દીધો.

*

          કલાકો પછી અથવા વિરાટને ખબર નહોતી કે કેટલો સમય એ માત્ર એટલું જ જાણતો હતો કે કોઈ એને જગાડી રહ્યું છે - અને એ તેના પિતા સિવાય કોઈ હોઈ શકે નહીં કેમ કે એલોકો ઓરડાનો દરવાજો બંધ કરીને સુતા હતા.

          "વિરાટ." નીરદ એની નજીક આવ્યા, એના ખભા પકડી એને જગાડવા લાગ્યા. વિરાટને ઊંઘના ઘેરણ પાસેથી એના કાન અને આંખો પરનો કાબુ પાછો મેળવવામાં થોડોક સમય લાગ્યો.

          એણે આંખો ખોલી અને નીરદના ચહેરા પર ધ્યાન કેન્દ્રિત કર્યું, "મને સૂવા દો." એ બબડ્યો.

          "આપણે આપણી ઝૂંપડીમાં નથી." નીરદે કહ્યું, "આપણે દીવાલની બીજી તરફ છીએ.”

          એના શબ્દોએ વિરાટની આંખોમાંથી રહી સહી ઊંઘ પણ લુછી લીધી. દીવાલની બીજી તરફ. હું દીવાલની બીજી તરફ છું. એને યાદ આવ્યું અને એ સાથે જ એનું રાત જેવું ખાલી મન રાતમાં ફરતા નિશાચરો જેવું સર્તક બની ગયું.

          "મને લાગ્યું કે તું બધું જાણવા માગે છે." નીરદે કહ્યું.

          વિરાટે આંખો ચોળી અને બેઠો થયો, "શું જાણવા માંગુ છું?" 

          "કેમ ભૈરવ તને મારવા માંગતો હતો?" વિરાટે સાંભળ્યું - એ તેના પિતાનો અવાજ નહોતો. એ અલગ અવાજ હતો.  એણે દરવાજા તરફ જોયું. એ હવે ખુલ્લો હતો.

          એણે નીરદ સામે જોયું અને ફરી દરવાજા તરફ નજર કરી. એણે જગપતિને ઉબરા પાસે જોયો.

          એકાએક વિરાટના મનમાં ભય અને જિજ્ઞાસા દાખલ થયા. એને સમજાયું નહીં કે જગપતિનો ચહેરો જોઈને એણે કઈ સંવેદના અનુભવી - ભય, જિજ્ઞાસા, આનંદ કે આશ્ચર્ય?

          "ચાલ, વિરાટ." જગપતિએ કહ્યું, "આપણે થોડીક વાત કરવી પડશે."

          વિરાટ એની સામે જોઈ રહ્યો, "અહીં કેમ નહી?"

          "આ ઓરડો વાત કરવા માટે સુરક્ષિત નથી." જગપતિએ ઓરડામાં નજર ફેરવી.

          જગપતિ એમને ઓરડાની બહાર લઈ ગયો. ત્રીજી સુરંગ છોડી એ ગૃહ જેવા ભાગમાં દાખલ થયા. એમની આજુબાજુની દીવાલો વિશાળ પથ્થરના ચોસલાની હતી અને છત બરબાદ થઈ ગઈ હતી. એ ભાગ ઉંચાણમાં હતો અને એ લોકો હવે ઢાળ ઉતરી રહ્યા હતા. વિરાટને લાગ્યું કે જાણે એ ધરતીના હૃદયમાં ઊંડા ઉતરી રહ્યા છે.

          જગપતિએ ટોર્ચ પ્રગટાવી, "આપણે અહીં વાત કરીશું."

          વિરાટે એના વાળમાં આંગળીઓ ફેરવી અને ઊંઘમાં પડેલી ગૂંચ દૂર કરી. એણે વાળને આંટી આપી અંબોડો બાંધ્યો, "કેવી વાત?"

          "ફક્ત એક પ્રશ્ન..." જગપતિએ કહ્યું અને વિરાટે એના ગળામાં એના ધબકારા અનુભવ્યા. એના ડરને, એના ચહેરાને જોઈને, જગપતિએ એક હુંફાળું સ્મિત આપ્યું જે પહેલા કોઈ નિર્ભયના ચહેરા પર વિરાટે જોયું નહોતું. "શું તું જાણે છે કે એ તને કેમ મારવા માંગતો હતો?"

          "ના.” વિરાટ બોલ્યો, “પણ તમને કેવી રીતે ખબર પડી કે એ અમને મારવા માંગતો હતો?"

          "છોકરા, મારા વિશે કોઈ પ્રશ્ન નથી કરવાના." જગપતિએ એના હોઠ ચુસ્તપણે દબાવ્યા, પરંતુ કોઈ ગુસ્સો દર્શાવ્યો નહીં.

          "મને ખબર નથી કેમ."  વિરાટે સ્વીકાર્યું.

          "એ તમારા વિશે જાણતો હતો કારણ કે તમે મૂર્ખ જેવું વર્તન કર્યું હતું." જગપતિએ કહ્યું, "અને હું જાણું છું કે એ તને મારવા માંગતો હતો કારણ કે જ્યારે તમે બાપ બેટો વીજળીના તોફાનમાં એ છોકરીને મદદ કરતા હતા ત્યારે ભૈરવની નજર તમારા બંને પર જ હતી." એણે નીરદ સામે જોયું, "અને પછી એ છોકરી ચિત્રા, એણે કૃત્રિમ શ્વાસોચ્છવાસ આપીને ભૈરવની શંકાની પુષ્ટિ કરી."

          "પણ એ કેમ અમારા પર નજર રાખતો હતો?" 

ક્રમશ: