Dashavtar - 44 in Gujarati Fiction Stories by Vicky Trivedi books and stories PDF | દશાવતાર - પ્રકરણ 44

Featured Books
  • ભાગવત રહસ્ય - 149

    ભાગવત રહસ્ય-૧૪૯   કર્મની નિંદા ભાગવતમાં નથી. પણ સકામ કર્મની...

  • નિતુ - પ્રકરણ 64

    નિતુ : ૬૪(નવીન)નિતુ મનોમન સહજ ખુશ હતી, કારણ કે તેનો એક ડર ઓછ...

  • સંઘર્ષ - પ્રકરણ 20

    સિંહાસન સિરીઝ સિદ્ધાર્થ છાયા Disclaimer: સિંહાસન સિરીઝની તમા...

  • પિતા

    માઁ આપણને જન્મ આપે છે,આપણુ જતન કરે છે,પરિવાર નું ધ્યાન રાખે...

  • રહસ્ય,રહસ્ય અને રહસ્ય

    આપણને હંમેશા રહસ્ય ગમતું હોય છે કારણકે તેમાં એવું તત્વ હોય છ...

Categories
Share

દશાવતાર - પ્રકરણ 44

          વિરાટ દીવાલની બીજી તરફ ગયો એને બે દિવસ થઈ ગયા હતા. એ હવે કારુની દુનિયામા હતો. પદ્મા એક પળ પણ તેના વિશે વિચાર્યા વગર રહી શકતી નહોતી. વિરાટ ગયાની પહેલી રાતે પદ્માએ એને સફેદ દેવદત્ત પર સવાર થઈ કારુ સામે જંગે ચડતો જોયો હતો અને એ સપનામાં એને મરતો પણ જોયો હતો. આજે બીજી રાત હતી અને પદ્માની આંખો મિચવાની હિંમત નહોતી થતી. કદાચ ફરી કોઈ ખરાબ સ્વપ્ન...? એ સ્વપ્નમાં પણ વિરાટને કશું થાય એ સહન કરવા તૈયાર નહોતી. એ રાતે એના મનમાં વિચારોના વમળ ઉમટ્યા હતા. સાંજથી જ એ ઉદાસીમાં ડૂબી ગઈ હતી. કંઈક વિચારી પણ ન શકાય એવું વિરાટ સાથે થયું હશે એ ભય તેના આત્માને થથરાવતો હતો.

          એની સાથે કંઈક તો થયું જ છે. તેની છઠ્ઠી ઇન્દ્રિય તેને ઈશારો આપતી હતી. એ ખોટી પણ નહોતી. આ એ જ રાત હતી જ્યારે વિરાટ પર વીજળીનો વજ્રધાત થયો હતો. શું વિરાટે કોઈ નિર્ભય સિપાહીનો આદેશ માનવાથી ઇનકાર કર્યો હશે? ના, એ એવું ન કરે. એણે મને વચન આપ્યું હતું.

          કદાચ... એ.. કોઈ ઊંચી ઇમારત પરથી પડી ગયો હશે? ના, એવું નહીં થયું હોય. મારા વિરાટ સાથે કશું અશુભ નહીં થાય. હું જ પાગલ છું કે આવું ખરાબ વિચારું છું. પદ્મા પોતાની સાથે સંઘર્ષ કરતી હતી. એનું મન કહેતું હતું કે કંઈક થયું છે પણ એ કહેતી હતી કે કશું નથી થયું. જોકે અંદરથી એ જાણતી હતી કે કંઈક ભયાનક થયું છે.

          એ વાંસના ખાટલા પરથી નીચે ઉતરી અને ખૂણામાં મુકેલા માટલાંમાંથી એક પ્યાલો પાણી ભર્યું. એ પાણી પીવાને બદલે તેના માથા પર રેડી બીજો પ્યાલો ભર્યો અને એક જ શ્વાસે પાણી ગળા નીચે ઉતારી નાખ્યું. એની મા વાંસના ખાટલામાં બીજી તરફ ટૂંટિયું વાળીને સૂતી હતી. એણે પ્યાલો ભર્યો તેનો અવાજ સાંભળી માએ ઉપર ન જોયું મતલબ એ ઊંઘી ગઈ હતી. નહિતર નાનો સરખો અવાજ સાંભળતા જ એની મા જબકીને જાગી જતી અને પદ્માને પૂછતી, “તારા પિતા આવ્યા કે શું?”

         પદ્મા સમજી ગઈ હતી કે હવે એ ક્યારેય પાછા નથી આવવાના. પિતા યાદ આવતા એની ઉદાસીમાં ઓર વધારો થયો. એ માટલાં પાસે ખૂણામાં બેસી ગઈ અને તેના પિતાની જૂની પેટીનું ઢાંકણ ખોલ્યું. એમાં તેના પિતાની દરેક વસ્તુ હતી. એમના કપડાં, એમના જૂના વર્કિંગ બુટ, એમનું મફલર, એમનો કમરપટ્ટો, એમની એગ્રીકલ્ચર નાઇફ અને બીજી કેટલીયે એવી ચીજો જે એમની હતી.

          પદ્મા એમાંથી કોઈ એક ચોક્કસ વસ્તુ ખોળવા લાગી. એ જે શોધતી હતી એ હાથમાં આવતા બે ત્રણ મિનિટ જેટલો સમય થયો. એ કાગળનો એક નાનકડો ટુકડો હતો. પણ એ કોઈ સામાન્ય કાગળનો ટુકડો નહોતો. દીવાલની પેલી તરફ જતાં પહેલા એના પિતાએ એને એ ટુકડો આપ્યો હતો. એ કાગળ પદ્મા માટે અમૂલ્ય હતો. તેની કોઈ કિમત થઈ શકે તેમ નહોતી.

          “આ કાગળ સાચવીને રાખજે.” એમણે કહ્યું હતું.

          “કેમ?” પદ્મા ત્યારે ખાસ સમજતી નહીં. એની ઉમર નાની હતી.

          “એક દિવસ તું વાંચતાં શીખી લઈશ ત્યારે તને આ કાગળમાં શું લખ્યું છે એ સમજાશે.”

          પદ્માએ એ કાગળ તેના પિતાની બીજી વસ્તુઓ સાથે જૂની પેટીમાં સલામત રીતે છુપાવી રાખ્યો હતો. જ્યારે પણ એ ઊંઘમાંથી જાગી જતી અને તેના પિતાની યાદ તેને ઘેરી વળતી એ પેટી ખોલીને કાગળ વાંચતી. એ કાગળ તેના પિતાએ તેને આપેલી છેલ્લી ભેટ હતી. તેના પિતાની છેલી યાદ હતી.

          આજ રાતે ફરી એને એ કાગળની જરૂર હતી કેમકે આજે ફરી એ એકલી હતી. આજે ફરી એકલતા એના હ્રદયને કોરી ખાવા દોડતી હતી. એ ફાનસના અજવાળા હેઠળ બેઠી અને કાગળની ધડી ખોલી. તેના હાથ ધ્રૂજતા હતા. દરેક વખતે એ કાગળની ધડી ખોલતી કે બંધ કરતી ત્યારે એના હાથ ધ્રૂજતા કેમકે એ કાગળ હાથમાં હોય ત્યારે તેની આંખો સામે તેના પિતા સાથે વિતાવેલો સમય નાટક જેમ ભજવાતો. એક નાનકડી છોકરી તેના પિતાના ખભા પર બેસી ઝૂંપડી બહાર રમતી દેખાતી. એક માં ઝૂંપડીને દરવાજે ઊભી બાપ બેટીને મસ્તી કરતાં જોઈ હસતી પણ હવે એ માં ટૂંટિયું વાળીને વાંસના ખાટલામાં પડી હતી. એ દીકરી હાથમાં કાગળ લઈ રડતી આંખે ફાનસના અજવાળા નીચે બેઠી હતી અને એ પિતા... પાટનગરની કારાવાસમાં કે પછી ખબર નહીં ક્યાં હશે?

          એના હાથ ધ્રૂજવા પાછળ બીજું કારણ હતું દેવતાઓના નિયમ. દીવાલની આ તરફના લોકો માટે જ્ઞાન પ્રતિબંધિત હતું. કોઈ કાગળ કે કલમ પ્રતિબંધિત હતા કેમકે દેવતાઓ માનતા કે હજારો તલવારો કરતાં એક કલમ વધારે શક્તિશાળી છે. હજારો તોપ જે શાસકને ન ડૂબાડી શકે એને કાગળની એક ચબરખી ડૂબાડી નાખે છે.

          એ રાતે જ એ કાગળ વાંચતી. એ પણ એની પોતાની ઝૂંપડીમાં. બીજે ક્યાં કાગળ વાંચવો એ તેને સમજાતું નહીં. ક્યાક કોઈના ધ્યનમાં આવી જાય તો?

          એના ઝૂંપડાં સિવાય તે કાગળ ક્યાય સલામત નહોતો. એણે એ કાગળ કેટલીય વાર વાંચ્યો હતો પણ એના પિતાએ તેને એ કાગળ કેમ આપ્યો હશે એ સમજાયું નહોતું. એના હાથમાં પકડેલ કાગળનું વધુને વધુ વધતું હોય એમ એને લાગ્યું. એની નજર અક્ષરો પર ફરવા લાગી. એ અક્ષરો વાંચતાં શીખી હતી અને વાંચી શકતી હતી છતાં આજે પણ એને એ શબ્દો એટલા જ અજાણ્યા લાગતાં હતા જેટલા પહેલીવાર એ કાગળ વાંચ્યો ત્યારે અજાણ્યા લાગ્યા હતા.

          શરૂઆતમાં એને ખબર નહોતી કે કાગળમાં શું લખાણ હતું પણ હવે એ જાણતી હતી કે કાગળમાં બે કવિતા હતી. તેના પિતાએ કવિતાના પુસ્તકમાંથી ફાડીને એક પાનું તેને આપ્યું હતું. પદ્માએ ત્રિલોકને ક્યારેય કવિતા વાંચતાં કે મોઢે ગાતા પણ સાંભળ્યા નહોતા. એ તસ્કર હતા. એમનું કામ દીવાલ પેલી તરફથી જ્ઞાનના પુસ્તકો ચોરવાનું હતું. પણ હવે એને લાગતું હતું કે કદાચ તેના પિતા વાંચી લખી શકતા હશે નહિતર એમને શું ખબર કે કવિતાનું કયું પાનું તેને આપવું જોઈએ?

          કવિતાની પહેલી લીટી વાંચતાં જ એની આંખોમાં ઝળઝળિયા આવી ગયા. જૂની યાદો તેને હવાની જેમ ઘેરી વળી. તેના પિતાના ખોળામાં, ખભા પર, તો ક્યારેક આંગળી પકડીને ચાલતા શીખી એ દરેક પળ, પાછળ પાછળ ભરેલી દરેક પા પા પગલી, સામે કરેલી દલીલો, સાથે બેસી એક જ થાળીમાંથી ભરેલા નાના નાના કોળીયા એ બધુ એની આસપાસ ફાનસના ઉજાસ જેમ રેલાવા લાગ્યું.

          એણે પહેલી જ પંક્તિ વાંચી અને તેની આંખોમાં આંસુ આવી ગયા. જૂની યાદો તેના હૃદયમાં ચોમાસામાં તોફાની બનેલી નદીના પ્રવાહની જેમ ધસી આવી. દરેક શબ્દ સાથે યાદો જોડાયેલી હતી. એ કવિતા વાંચવા લાગી.

          કવિતાની નીચે કવિનું નામ લખેલું હતું: રવીન્દ્રનાથ ટાગોર 

          કવિએ કહ્યું હતું કે કોઈએ કોઈનાથી ડરવું જોઈએ નહીં. દરેક વ્યક્તિને માથું ઊંચું રાખવાનો અને સન્માન સાથે જીવવાનો અધિકાર છે. આઝાદ દેશમાં દરેક વ્યક્તિએ નિર્ભય રહેવું જોઈએ.

          એને સમજાયું કે અમે આઝાદ નથી. 

          તો પછી અમે શું છીએ? 

          તેની પાસે કોઈ જવાબ નહોતો. 

          શા માટે કોઈએ આવા કાવ્યો લખ્યા હશે? 

          તેના મનમાં પ્રશ્ન થયો. એણે કાવ્ય નીચે તારીખ જોઈ. 

          7 મે 1861 - 7 ઓગસ્ટ 1941. 

          એ કાવ્ય કોઈ એવી વ્યક્તિએ લખ્યા હતા જે કારુ કરતાં પણ પહેલા થઈ ગઈ હતી. પ્રલય પહેલા એ વ્યક્તિ જન્મી અને મૃત્યુ પામી હતી. 

          એણે વિચાર્યું કે એ વ્યક્તિ પણ એના પિતાની જેમ દુનિયાને અલવિદા કહી ચુકી હતી. એણે આગળની બે લીટીને સમજવાનો પ્રયત્ન કર્યો - એ એકતા પર ભાર મૂકતી હતી. એમાં વિશ્વની એકતા વિશે કહેવામાં આવ્યું હતું. એ પંક્તિઓ સ્પષ્ટપણે કહેતી હતી કે લોકોમાં એમની જાતિ, સંપ્રદાય, રંગ, ધર્મ અથવા બીજી કોઈ પણ પાયા વિહોણી અંધશ્રદ્ધાના આધારે કોઈ વિભાજન ન હોવું જોઈએ. 

          તો પછી કારુએ શા માટે અમને જૂથોમાં વહેંચી વિશ્વની એકતા તોડી છે? તેના મનમાં સવાલ ઉઠ્યો પણ ફરી તેની પાસે કોઈ જવાબ નહોતો. 

          એણે ફરી આખી કવિતા વાંચી અને એને પંક્તિ 7 અને 8નો અર્થ સમજાયો. એમાં કહ્યું હતું કે લોકોમાં તર્કસંગત વિચાર હોવો જોઈએ અને તર્ક પાયાવિહોણી માન્યતાઓ પર શાસન કરવો જોઈએ. 

          અમે શૂન્ય કેમ છીએ? અમે શૂન્ય છીએ એમાં તો કોઈ તર્ક નથી. એ લોકો કહે છે કે અમે શૂન્ય છીએ અને અમે શૂન્ય કેમ છીએ તેનું કારણ કોઈએ માંગ્યું નથી. કેમ? 

          કાવ્યની છેલ્લી પંક્તિએ એને મૂંઝવણમાં મૂકી દીધી. 

          કવિ કેમ પોતાના પિતાને દેશને જગાડવા કહે છે? 

          એણે છેલ્લી પંક્તિ ફરીથી વાંચી. અંતે એને સમજાયું કે કવિ એના પિતાને નથી કહી રહ્યા પણ એ વિશ્વના પિતા એટલે ભગવાનને સંબોધી રહ્યા છે. જૂના ભગવાન તારાઓમાં રહેતા ખૂબ દયાળુ હતા. 

          કવિ સ્વતંત્રતાનું એવું સ્વર્ગ ચાહતા હતા જ્યાં દરેક વ્યક્તિ સમાન હોય અને કોઈને પણ તેની ઇચ્છા વિરુદ્ધ કામ કરવા દબાણ કરવામાં ન આવતું હોય. 

          શું પ્રલય પહેલા દેશ એવો હતો? પરંતુ કવિએ આવું શાં માટે લખ્યું? શું પ્રલય પહેલા લોકો આમારા જેવી હાલતમાં હતા? શું એ અમારી જેમ અજ્ઞાનમાં ડૂબેલા હતા અને કવિ ઇચ્છતા હતા કે ભગવાન એમને જગાડે? કવિતા શું કહેવા માંગે છે? 

          કવિતા નિર્ભય સિપાહીઓની જેમ નિર્ભય બનવાનું કહેતી હતી. એ અમને લડવાનું કહેતી હતી. એ અમને અમારા હક માટે લડવા હાકલ કરતી હતી. 

          એણે કાગળ પલટાવ્યો. કાગળની બીજી બાજુએ બીજી કવિતા હતી. એ પણ સ્વતંત્રતા વિશે જ હતી. એ પણ એ જ કવિએ લખેલી હતી. એણે એ કવિતા પણ વાંચી. એ કવિતાને ફરી ફરીને વાંચતી જ રહી. જ્યાં સુધી કવિતાએ એની આંખો આંસુથી ભરી નાખી અને તેની કીકીઓ પાણીના પડદા પાર જોવા સક્ષમ ન રહી ત્યાં સુધી એ વાંચતી જ રહી. 

          એ કવિતા પણ એ જ કવિ રવીન્દ્રનાથ ટાગોરે લખી હતી. 

          એણે કાગળની ધડી કરી અને એને તેના પિતાના જૂના પહેરણમાં છુપાવી બધી ચીજો નીચે પેટીમાં પાછો મૂક્યો. એણે પેટીનું  ઢાંકણું બંધ કર્યું ત્યારે તેના મનમાં એક વિચાર આકાશી વીજળી જેમ ઝબકયો: એમણે દીવાલની આ પાર શુન્યો માટે પુસ્તકો કેમ પ્રતિબંધિત કર્યા? 

          આજ સુધી ક્યારેય એને એ સવાલનો જવાબ નહોતો મળ્યો પરંતુ આજે એને એ જવાબ મળી ગયો. કારુને ડર હતો કે જો શૂન્યો પાસે જ્ઞાન હશે તો એ સ્વતંત્રતા માંગશે. એ સ્વતંત્રતાના સ્વર્ગની ઇચ્છા રાખશે જેમ કવિએ એના લોકો માટે ઇચ્છા રાખી હતી. 

          એ ખાટલા પર પાછી ગઈ. એની મા એક તરફ ફરીને સૂતી હતી. એ બીજી બાજુ તેની મા પાસે સુઈ ગઈ અને તેની મા આસપાસ પોતાના હાથ વીંટાળી લીધા.  ઊંઘમાં પણ તેની માનો ચહેરો નિસ્તેજ અને જીવનથી કંટાળી ગયેલો દેખાતો હતો. તેના પિતા હંમેશા કહેતા કે એની માતા એટલી બહાદુર છે કે એના પતિના સાથ વગર પણ જીવન વિતાવી શકે છે. એમના શબ્દો સાચા પડ્યા હતા.

          પદ્માએ એક દિવસે એમને વાત કરતા સાંભળ્યા હતા. 

          ત્રિલોકે કહ્યું હતું, "જીવીકા, તું બહાદુર છો અને જો હું પાછો ન આવું તો તું કોઈ બેવકૂફી ન કરીશ કારણ કે એકવાર મારા ગયા પછી મને કોઈ મદદ કરી શકશે નહીં."

          એણે આંખો બંધ કરી અને એમના છેલ્લા શબ્દોને બદલે એના પિતાની કવિતા વિશે વિચારવા લાગી.

          સ્વતંત્રતાનું સ્વર્ગ.

          રવીન્દ્રનાથ ટાગોર.

          સ્વતંત્રતા. 

          જ્યાં સુધી રાતે એના પર ઊંઘનો કામળો ઓઢાડ્યો ત્યાં સુધી એ મનમાં એ જ કવિતાનું રટણ કરતી રહી. એ રાત્રે એણે ફરી એક સ્વપ્ન જોયુ જેમાં તેના પિતા ઘણા બધા પુસ્તકો સાથે દીવાલની પેલે પારથી પાછા આવ્યા હતા. 

          એમણે એને એ પુસ્તકો વાંચવાનું કહ્યું અને એ પુસ્તકો વાંચવા લાગી. એ એક પછી એક દરેક પુસ્તક ખોલતી રહી અને નવાઈની વાત એ હતી કે દરેક પુસ્તકમાં પ્રથમ પાના પર એ જ કવિતા લખેલી હતી જે એણે સૂતી વખતે વાંચી હતી.

          એ હૃદય અને મનમાં એ કવિતાની પંક્તિઓ સાથે ઉઠી ત્યારે મોડી સવાર થઈ હતી અને સૂરજ દીવાલ કરતા ખાસ્સો ઊંચે ચમકતો હતો. 

ક્રમશ: