Varasdaar - 71 in Gujarati Fiction Stories by Ashwin Rawal books and stories PDF | વારસદાર - 71

Featured Books
  • રેડ સુરત - 6

    વનિતા વિશ્રામ   “રાજકોટનો મેળો” એવા ટાઇટલ સાથે મોટું હોર્ડીં...

  • નારદ પુરાણ - ભાગ 61

    સનત્કુમાર બોલ્યા, “પ્રણવ (ૐ), હૃદય (નમ: ) વિષ્ણુ શબ્દ તથા સુ...

  • લગ્ન ને હું!

    'મમ્મી હું કોઈની સાથે પણ લગ્ન કરવાના મૂડમાં નથી, મેં નક્...

  • સોલમેટસ - 10

    આરવને પોલીસ સ્ટેશન જવા માટે ફોન આવે છે. બધા વિચારો ખંખેરી અન...

  • It's a Boy

    સખત રડવાનાં અવાજ સાથે આંખ ખુલી.અરે! આ તો મારો જ રડવા નો અવાજ...

Categories
Share

વારસદાર - 71

વારસદાર પ્રકરણ 71

મૃદુલામાસી સાથે વાતચીત પતાવીને મંથન બેડરૂમમાંથી બહાર આવ્યો.

" વાતચીત પતી ગઈ ? હવે પાંચ મિનિટ આરામથી બેસો. હું ફટાફટ ગરમાગરમ ગોટા ઉતારી દઉં. " કહીને કેતા રસોડામાં સરકી ગઈ.

દસેક મિનિટમાં કેતા એક પ્લેટમાં ગોટા અને સાથે ચા લેતી આવી.

" રસોઈ કરવામાં તારો હાથ ખરેખર સારો છે કેતા. ખરેખર ખૂબ જ ક્રિસ્પી અને ટેસ્ટી બન્યા છે." મંથન બોલ્યો.

" વખાણ રહેવા દો. અદિતિ પણ આટલા જ સરસ ગોટા બનાવી શકે છે. હવે બોલો... મમ્મીને તમે કેમ મળવા માગતા હતા એ હું જાણી શકું ? જો તમને વાંધો ના હોય તો ! " કેતા બોલી.

" ઓફકોર્સ તું જાણી શકે. તારાથી ખાનગી કંઈ જ નથી. તને વાત કરતાં પહેલાં મારે મમ્મીની મંજૂરી લેવી જરૂરી હતી. એ મળી ગઈ છે એટલે તને કહેવામાં કોઈ વાંધો નથી. " મંથન બોલ્યો.

" વાહ એવી તે વળી કેવી વાત છે કે મને કહેતાં પહેલાં મમ્મીની મંજૂરી લેવી પડે ? આજે પહેલી વાર એવું થયું છે કે તમે મમ્મી સાથે આટલી લાંબી વાત કરી છે ! " કેતા બોલી.

" તારી વાત સાવ સાચી છે. પહેલીવાર મારે મમ્મીને મળવું પડ્યું છે અને એ પણ એક મહત્વના કામે. ઈશ્વરકૃપાથી તમારા લોકોની જિંદગી હું બદલી રહ્યો છું કેતા. મારી વાત શાંતિથી સાંભળજે અને પચાવી લેજે. " મંથને શરૂઆત કરી.

" તારા ખોવાયેલા પિતાની ભાળ મળી ગઈ છે. જેમણે વર્ષો પહેલાં મૃદુલા માસી નો ત્યાગ કર્યો હતો એ આજે એમને ફરી સ્વીકારવા માટે તૈયાર થઈ ગયા છે. ઘણી બધી વાતો એવી છે કે જે મમ્મીએ તમને લોકોને કહી નથી. પરંતુ હું આખો ઇતિહાસ જાણું છું. મારે એ ઇતિહાસમાં અત્યારે પડવું નથી પરંતુ એટલું ચોક્કસ કહીશ કે તારા પિતા અબજોપતિ શેઠ છે. એમણે બીજાં લગ્ન કર્યાં હતાં એ લગ્ન માત્ર ત્રણ વર્ષ જ ટક્યાં. એ પછી તારા પિતા એકલા જ જીવન જીવ્યા છે. એક દીકરો હતો એ હમણાં પરણાવ્યો છે. " મંથન બોલતો હતો. કેતા એકચિત્તે આ વાત સાંભળતી હતી.

" તારા પિતાને પ્રાયશ્ચિત કરવું છે. એ તમને લોકોને લઈ જવા માંગે છે. એમણે જુહુ તારા રોડ ઉપર વર્ષો પહેલાં એક બંગલો લીધો હતો એ તમારા નામે કરી દેવા માગે છે અને સારી એવી રકમ પણ તમને લોકોને આપવા માંગે છે. " મંથન બોલ્યો. એ જાણી જોઈને રકમ બોલ્યો નહીં.

"શેઠનું હૃદય પરિવર્તન થયું છે. દીકરો વહુ હોવા છતાં એ એકાકી થઈ ગયા છે. એમને દીકરીઓ યાદ આવી છે. મેં તારી ખૂબ જ પ્રશંસા કરી છે કે કેતા તમારી ખૂબ જ સેવા કરશે. મારી તને એટલી જ વિનંતી છે કે મમ્મીને આટલા વર્ષે પતિની હૂંફ મળી રહી છે ત્યારે તું પણ પિતાને સ્વીકારી લેજે. " મંથન બોલતો હતો.

" જીવનમાં ઘટનાચક્રો બનતાં રહે છે કેતા પણ એ બધો પ્રારબ્ધનો ખેલ છે. લોકો પોતાનાં જ કર્મોનો આ ખેલ સમજી શકતા નથી અને વ્યક્તિને દોષ દે છે ! ગયા જનમના ઋણાનુબંધથી લોકો ભેગા થાય છે અને છૂટા પડે છે. આપણા જીવનમાં બનતા બગડતા સંબંધો આપણા પોતાના જ સારા ખરાબ કર્મોનો ભોગવટો છે." મંથને જીવનની ફિલસૂફી સમજાવી.

"વાહ તમે તો સંત મહાત્માની જેમ વાત કરી રહ્યા છો સાહેબ. તમે તો વાત જ એવી રીતે કરી છે કે મારે વિરોધ કરવાનો કોઈ સવાલ જ રહેતો નથી. મમ્મી સુખી થતી હોય અને એની હા હોય તો મારે ના કહેવાનો સવાલ જ ઉભો થતો નથી. પણ એ છે કોણ ? નામ તો અમને ખબર છે પરંતુ મમ્મીએ એમના વિશે ક્યારેય પણ કોઈ ચર્ચા નથી કરી." કેતા બોલી.

"તલકચંદ ઝવેરી અબજો રૂપિયાના માલિક છે. વાલકેશ્વરમાં એમનો બંગલો છે. બીજો બંગલો જૂહુ તારા રોડ ઉપર છે. ડાયમંડના બહુ મોટા વેપારી છે. એક જમાનામાં એમનો સિક્કો વાગતો હતો. અત્યારે તો ૬૮ ૭૦ વર્ષની ઉંમર થવા આવી હશે. એ તમને મળવા પણ આવવાના છે. પ્રેમથી સત્કાર કરજે. ગમે તેમ તોય તારા પિતા છે."

મંથન બોલતો હતો પણ આ બધી વાતોથી કેતાનું હૃદય ભરાઈ આવ્યું હતું. એની આંખો આંસુથી ઉભરાઈ ગઈ હતી ! આટલાં વર્ષો પછી માતા પિતાનું મિલન થતું હતું એનાં જ આ આંસુ હતાં !

"સારું. તમે પપ્પાને લઈ આવજો. તમે લઈને અહીં આવો ત્યારે આવતા પહેલાં મને ફોન જરૂર કરજો. મેં એમને નાનપણમાં જોયેલા હશે પણ એ સ્મૃતિઓ અત્યારે મારા મગજમાં નથી. એમનો કોઈ ફોટો પણ મમ્મી લઈને આવી નથી. એટલે હું તો એમને પહેલી વાર જ જોઈશ. મારે એમના સ્વાગત ની તૈયારી કરવી છે. " કેતા બોલી.

"ભલે એમને લઈ આવું ત્યારે હું તને ચોક્કસ ફોન કરી દઈશ. પરંતુ એ પહેલાં મારે શીતલને પણ વાત કરવી પડશે. હું ઇચ્છું છું કે પપ્પા ઘરમાં પ્રવેશ કરે ત્યારે બંને દીકરીઓ હાજર હોય. આ બધી વાત શીતલને તું કરીશ કે મારે એને મળવું પડશે ? " મંથને પૂછ્યું.

"શીતલનો સ્વભાવ તો તમે જાણો જ છો. એ ખૂબ જ ગુસ્સાવાળી છે. એ એટલી સરળતાથી એમને માફ નહીં કરી શકે. તમે જ એને કન્વીન્સ કરી શકો છો. " કેતા બોલી.

"એ કન્વીન્સ થઈ જ જશે કારણ કે એ ખૂબ જ પ્રેક્ટીકલ છે. કરોડોનું મહત્વ તારા દિલમાં નથી પરંતુ એના દિલમાં છે એ મને ખબર છે. તું તારી મમ્મી પ્રત્યેની લાગણીથી એમને સ્વીકારવા તૈયાર થઈ ગઈ જ્યારે એને કરોડો રૂપિયા દેખાશે " મંથન હસીને બોલ્યો.

" હા એ વાત તમારી સાચી છે. મારામાં અને એનામાં આસમાન જમીનનો ફરક છે. મને પૈસાની ભૂખ ક્યારે પણ નથી. જ્યારે શીતલ ખૂબ જ મહત્વકાંક્ષી છે. નાનપણથી જ કરોડોનાં સપનાં જુએ છે." કેતા બોલી.

એ પછી કેતાએ અદિતિ અને અભિષેકના ખબર અંતર પૂછ્યા. મંથન પાંચેક મિનિટ બેસીને બહાર નીકળ્યો.

હવે શીતલને પણ મળવું પડશે. કોણ જાણે કેમ હવે મંથનને શીતલને એકલા મળવાનું મન થતું ન હતું. એણે શીતલ અને રાજન દેસાઈને સાથે જ ઓફિસ બોલાવવાનું નક્કી કર્યું.

ઘરે જઈને એણે રાજન દેસાઈને ફોન કર્યો.

" રાજન થોડીક પર્સનલ વાતો કરવી હતી. તું આવતીકાલે શીતલને લઈને મારી ઓફિસે આવી શકીશ ? " મંથન બોલ્યો.

"અત્યારે તો હું સુરત આવ્યો છું. પરમ દિવસે સાંજે ચાર વાગ્યાનો પ્રોગ્રામ રાખીએ. " રાજન બોલ્યો.

બે દિવસ પછી સાંજે ચાર વાગે રાજન શીતલને લઈને મંથનની ઓફિસે પહોંચી ગયો.

" શું વાત છે મંથન ? અચાનક આમ અમને બંનેને એક સાથે ઓફિસે બોલાવ્યાં ? કોઈ સરપ્રાઈઝ આપવાનું છે કે શું ?" રાજને ખુરશીમાં બેસતાં જ કહ્યું.

" હા. તું એને સરપ્રાઈઝ પણ કહી શકે છે છતાં આ સરપ્રાઈઝ શીતલ માટે વધારે છે. પરંતુ તું એનો હસબન્ડ છે એટલે તને પણ લાગુ તો પડે જ છે." મંથન બોલ્યો.

"મારા માટે એવું તે શું સરપ્રાઈઝ છે સર ? ઇન્ટિરિયર ડિઝાઇનનો મને કોઈ મોટો કોન્ટ્રાક્ટ આપો છો કે શું ? " શીતલ બોલી.

" અરે ભાઈ તમે લોકો શાંતિથી બેસો તો ખરાં ! કંઈ ઠંડુ બંડુ પીઓ. " મંથન બોલ્યો.

" ના બસ. આજે ખરેખર કંઈ પણ લેવાની ઈચ્છા નથી. બપોરે મોડા જમ્યાં છીએ અને જમીને સીધાં અહીં આવવા નીકળી ગયાં " રાજન બોલ્યો.

" કેમનું ચાલે છે તમારા બંનેનું ગાડું ? ગોર મહારાજ હું છું એટલે મારે પૂછવું પડે છે." મંથન હસીને બોલ્યો.

" બસ ગાડું ગબડ્યા કરે છે. મારા ઘરે ડામરની પાકી સડક છે એટલે ગાડામાં આંચકા નથી આવતા. બાકી અમારાં મહારાણીની મહત્વકાંક્ષાઓ તો બહુ જ ઊંચી છે ! " રાજન પણ હસતાં હસતાં બોલ્યો.

" શું તમે પણ રાજન ? " શીતલ છણકો કરીને બોલી.

" તમે લોકો ઝઘડો નહીં. મારાથી તમારું લગ્ન જીવન જરા પણ ખાનગી નથી. " મંથન હસીને બોલ્યો.

" હવે મૂળ વાત ઉપર આવી જા. સસ્પેન્સ બહુ લાંબુ રાખવું સારું નહીં." રાજન બોલ્યો.

"શીતલ ખોટું ના લગાડતી. રાજન તારો હસબન્ડ છે એટલે બધી ચર્ચા એની હાજરીમાં જ કરું છું. બાકી તો આ તારો અંગત પ્રશ્ન છે પરંતુ લગ્ન પછી અંગત જેવું કંઈ રહેતું નથી. " મંથન બોલ્યો.

"નો પ્રોબ્લેમ. જે પણ હોય તમે કહી શકો છો. રાજનથી કંઈ પણ છાનું હું રાખવા પણ નથી માગતી. " શીતલ બોલી.

"ફાઈન. તારા પિતા વિશે તું કંઈ જાણે છે ? " મંથને પૂછ્યું.

"ના. એટલું જ જાણું છું કે વર્ષો પહેલાં એમણે મમ્મીને છોડી દીધેલાં અને હું સમજણી થઈ ત્યારથી નડિયાદ રહું છું. પપ્પાનું નામ ખબર છે બાકી એમનો ફોટો પણ જોયો નથી અને મને એમની કોઈ યાદ પણ નથી. કેમ અચાનક પપ્પા વિશે આજે પૂછ્યું ? " શીતલ બોલી.

" કારણ કે તારા પપ્પાની ભાળ મને મળી ગઈ છે. અને હું એમને મળ્યો પણ છું. " મંથને કહ્યું.

" તમે એમને મળ્યા પણ છો ? પણ અમારે હવે એમની સાથે કોઈ સંબંધ જ નથી. અમારા માટે તો એ હોવા ન હોવા બરાબર જ છે. " શીતલ બોલી.

" માની લે કે એ તને મળવા માગતા હોય તો ? " મંથને પૂછ્યું.

"આઈ હેટ હિમ. હું એમનો ચહેરો પણ જોવા માગતી નથી. જેમણે મારી નિર્દોષ મમ્મીને યુવાનીમાં પિયર મોકલી દીધી અને બીજાં લગ્ન પણ કરી લીધાં" શીતલ કડવાશથી બોલી.

"માણસ જીવનમાં ભૂલો તો કરે જ છે પરંતુ જો એને વૃદ્ધાવસ્થામાં એ ભૂલ સમજાઈ હોય, માફી માગતો હોય તો આપણે એને માફ ના કરવો જોઈએ? અને ગમે તેમ તોય એ તારા સગા પિતા છે !" મંથન બોલ્યો.

"ના જરા પણ નહીં. અમારે પપ્પાની કોઈ જરૂર જ નથી હવે. " શીતલ બોલી.

"અરે તું આવી વાત ના કર... મંથન તને કંઈક કહી રહ્યો છે એની પાછળ ચોક્કસ કંઈક હેતુ છે. આમ અગાઉથી તું આ રીતે ગુસ્સાથી વાત કરીશ તો એનો શું મતલબ ? એને પૂરી વાત તો કરવા દે ! " છેવટે રાજન બોલ્યો.

" તારા પપ્પાની ઉંમર અત્યારે ૬૮ ૭૦ આસપાસ થઈ ગઈ છે. બીજી વારનાં લગ્ન ત્રણ વર્ષ જ ટકેલાં. અત્યારે એ જીવનમાં એકલા પડી ગયા છે અને એમને પોતાનો પરિવાર પાછો જોઈએ છે. એ પત્નીને અપનાવવા માંગે છે. પોતાની ભૂલોનું પ્રાયશ્ચિત કરવા માંગે છે. અને મુખ્ય વાત તો એ છે કે મમ્મી પણ એમને માફ કરવા તૈયાર છે ! " મંથન બોલ્યો.

" બોલ... હવે તારે કંઈ કહેવું છે ?" રાજન બોલ્યો.

"હું તો એમને મળવા જ નથી માગતી. તમારે કેતાદીદી સાથે વાત થઇ છે ?" શીતલ બોલી.

"કેતા પણ એમનું સ્વાગત કરવા તૈયાર છે. તારે એમને મળવાની ઈચ્છા ના હોય તો એ આવે એ દિવસે તું ફ્લેટ ઉપર ના આવતી. હું પણ એમને કહી દઈશ કે તમારે જે પણ વીલ બનાવવું હોય એ મૃદુલામાસી અને કેતાના નામનું બનાવજો. શીતલ તમને પિતા તરીકે સ્વીકારવા તૈયાર જ નથી." મંથને હવે મુદ્દાની વાત કરી. એને ખબર જ હતી કે પૈસાની વાત ઉપર આવવું જ પડશે.

" મમ્મી અને કેતાદીદી ના નામનું વીલ બનાવજો એટલે ? હું સમજી નહીં." શીતલ હવે થોડી સાવધ થઈ ગઈ.

"સિમ્પલ. એમને પિતા તરીકે જે સ્વીકારે એમને એમનો વારસો મળે. જે ના સ્વીકારે એનું તો નામ વીલમાં ના જ લખે ને ? શું કહે છે રાજન ? " મંથન બોલ્યો.

" મંથનની વાત સાચી છે. જો તારે એમને પિતા તરીકે સ્વીકારવા ના હોય અને સંબંધ કાપી જ નાખવો હોય તો એમનો જે પણ નાનો મોટો વારસો હોય એ તને તો ના જ આપે ને !" રાજન બોલ્યો.

"મને ખુલીને કંઈ વાત કરશો સર ? આ બધું વીલ અને વારસો ને એ બધું શું છે ? " શીતલ અકળાઈને બોલી.

"રાજન... પંચરત્નના ડાયમંડ માર્કેટમાં તેં તલકચંદ નામ સાંભળ્યું છે ?" મંથન બોલ્યો.

"હીરા બજારમાં તલકચંદ ઝવેરીને કોઈ ના ઓળખે એવું બને ? એ તો ડાયમંડ કિંગ હતા. એક જમાનામાં એ જે કહે એ પ્રમાણે બજાર ચાલતું. અબજોપતિ પાર્ટી છે પણ એનું શું છે અત્યારે ? " રાજન બોલ્યો.

"એ અબજોપતિ તલકચંદ ઝવેરી જ કેતા અને શીતલના સગા પિતા છે અને પોતાનો વારસો આ બે દીકરીઓને આપવા માંગે છે. હવે શીતલને કરોડો રૂપિયા લેવા ના હોય તો એ એમની દીકરી કેતાને આપશે. " મંથને હવે ધડાકો કરી દીધો.

૨૫૦૦૦ વોલ્ટનો કરંટ લાગ્યો શીતલને. અબજોપતિ પિતા માટે એ શું શું બોલી ગઈ ? આખી જિંદગી જેનાં સપનાં જોતી હતી એ કરોડોની લક્ષ્મીને એ ઠોકર મારવા જઈ રહી હતી !! હવે અચાનક એને પોતાના બાપ ઉપર વહાલ ઉભરાવા લાગ્યું.

" આટલી મોટી હસ્તી જો પ્રાયશ્ચિત કરતી હોય અને મમ્મીની માફી માગતી હોય તો મારે આટલી બધી નફરત બતાવવી જોઈએ નહીં. આઈ એમ સોરી. " શીતલ બોલી.

રાજન દેસાઈ પોતાની કાચિંડાની જેમ રંગ બદલતી પત્નીને જોઈ જ રહ્યો ! રૂપિયાની લાલચ કેટલા બધા રંગ બદલતી હોય છે !!

જો કે રાજનને તો સસરા અબજોપતિ હોય તેથી કશો જ ફરક પડતો ન હતો. મંથનની જેમ એ પણ સ્થિતપ્રજ્ઞ હતો. એને રૂપિયાની કોઈ જ માયા ન હતી. પોતે પણ કરોડોપતિ જ હતો ને ? પછી ૧૦૦ કરોડ હોય કે ૧૦૦૦ કરોડ હોય શું ફરક પડવાનો હતો ? શાંતિથી જીવવા માટે માત્ર એક કરોડનું બેંક બેલેન્સ હોય તો પણ ઘણું છે !! - રાજનની આ માન્યતા હતી.
ક્રમશઃ
અશ્વિન રાવલ (અમદાવાદ)