Dashavtar in Gujarati Fiction Stories by Vicky Trivedi books and stories PDF | દશાવતાર - પ્રકરણ 36

Featured Books
  • પિતા

    માઁ આપણને જન્મ આપે છે,આપણુ જતન કરે છે,પરિવાર નું ધ્યાન રાખે...

  • રહસ્ય,રહસ્ય અને રહસ્ય

    આપણને હંમેશા રહસ્ય ગમતું હોય છે કારણકે તેમાં એવું તત્વ હોય છ...

  • હાસ્યના લાભ

    હાસ્યના લાભ- રાકેશ ઠક્કર હાસ્યના લાભ જ લાભ છે. તેનાથી ક્યારે...

  • સંઘર્ષ જિંદગીનો

                સંઘર્ષ જિંદગીનો        પાત્ર અજય, અમિત, અર્ચના,...

  • સોલમેટસ - 3

    આરવ રુશીના હાથમાં અદિતિની ડાયરી જુએ છે અને એને એની અદિતિ સાથ...

Categories
Share

દશાવતાર - પ્રકરણ 36

          એ એક ગગનચુંબી દીવાલની સામે ઊભો હતો. એ દીવાલને જોતો રહ્યો પણ આકાશ સુધી તેનો છેડો ક્યાય દેખાતો નહોતો. હજારો ટન વજનના પથ્થરના ચોસલા એકબીજા પર ગોઠવેલા હોય તેવી એ દીવાલમાં ઠેક ઠેકાણે તીરાડો પડેલી હતી અને ઠેક ઠેકાણેથી દીવાલના પથ્થરો ખવાઈને ગાબડા પડ્યા હતા. દીવાલ પર હાથના કાંડા કરતાં પણ જાડી વેલ પથરાયેલી હતી અને દીવાલનો ઉપરની હદ માપવા આકાશ તરફ દોડી જતી હતી પણ એ વેલ પણ ઊંચે જતાં દીવાલ જેમ ધૂંધળી થઈ આકાશમાં ભળી જતી હતી. કદાચ દીવાલનો અંત જ નહોતો.

          વિરાટ એ દીવાલથી પરિચિત હતો. એ જ તો ગુલામીની દીવાલ હતી. એ દીવાલ જ તો એના લોકોને દક્ષિણના સમુદ્રના ભયના ઓથાર હેઠળ જીવવા મજબૂર કરતી હતી. એ દીવાલ જ તો એમને ઉત્તર તરફ જતાં રોકતી હતી. એ દીવાલ જ તો તેના લોકો અને એક સલામત સ્થળ વચ્ચેનો સૌથી મોટો અવરોધ - સૌથી મોટી અડચણ હતી. એ દીવાલ એ તરફના લોકો માટે અભિશ્રાપ હતી. દેવતાઓએ આપેલી બદદુવા હતી. નસેબે કરેલો સૌથી મોટો જુલમ હતો.

          એના માટે એ દીવાલ પરિચિત હતી પણ એ દીવાલને એટલા નજીકથી પહેલીવાર જોઈ રહ્યો હતો. શૂન્ય લોકો દીવાલથી પચાસેક કિલોમીટર જેટલા દૂરના વિસ્તારમાં રહેતા કેમકે દીવાલની નજીકનો વિસ્તાર તો વેરાન હતો. શૂન્ય લોકો દીવાલ નજીક જતા પણ ડરતા. એ માનતા કે દીવાલ નજીક જવાથી કંઈક ભયાનક થશે.

          પણ અત્યારે વિરાટ દીવાલની બરાબર સામે ઊભો હતો. જોકે તેને ખયાલ નહોતો કે એ દીવાલની કઈ તરફ હતો - દક્ષિણ તરફ કે ઉત્તર તરફ? એ કંઈક એવું જોઈ રહ્યો હતો જે અવાસ્તવિક હતું. જે માત્ર સપનાઓ અને કલ્પનાઓમાં જ સંભવ હતું. હકીકતમાં એ અસંભવ હતું.

          દીવાલના જંગી પથ્થરો ખસવા લાગ્યા. ધૂળની ડમરીઓ ઉડવા માંડી અને કાન ફાડી નાખે તેવો અવાજ કરતાં એ પથ્થરો એકબીજાની પાછળ જવા લાગ્યા. દીવાલમાં એક વિશાળ દરવાજો ખૂલ્યો ત્યાં સુધી પથ્થરો ખસતા રહ્યા. એક વિશાળ દરવાજો - વીસેક ફૂટ પહોળો અને સો ફૂટ કરતાં પણ ઊંચો. કલ્પના પણ ન કરી શકાય તેવો દરવાજો. પડખા વિનાનો એ દરવાજો દીવાલમાં વિશાળ ગાબડાં જેવો દેખાતો હતો. હવે વિરાટને દીવાલની બંને તરફ દેખાતી હતી. પોતે દક્ષિણ તરફના વિભાગમાં હતો અને તેની સામે ઉત્તર તરફનો પ્રદેશ હતો. તેનું હ્રદય ગતિ પકડવા લાગ્યું. તેનું લોહી નસોમાં તેજ ગતિએ દોડવા લાગ્યું. આ જ તો એનું સપનું હતું. એક દિવસ ત્યાં દીવાલ ન હોય અને ઉત્તરમાં જવા માટે કોઈ રસ્તો ખુલ્લો હોય.

          ફરી એ કર્ણભેદી અવાજ સંભળાયા અને દીવાલના પથ્થરો ધીમી ગતિએ ખસવા લાગ્યા. એ સમજી ગયો કે દરવાજો બંધ થઈ રહ્યો છે પણ એ એમ જ ઊભો રહ્યો. પથ્થરો એકદમ ધીમી ગતિએ ખસતા હતા. એ ચાહે તો દરવાજો બંધ થાય એ પહેલા પેલી તરફ જઈ શકે તેમ હતો.

          હું કેમ એ તરફ જાઉં? તેણે વિચાર્યું. બીજી જ પળે એ પોતાની ખુરશીમાં હતો. હવે તેનું મન કોમ્પ્યુટર મશીન સામે જવાબ આપતું હતું. દેવતા આંખનો પલકારો પણ લીધા વિના કોમ્પ્યુટર સ્ક્રીન પરના બિનારી આંકડાઓનો અભ્યાસ કરતો હતો. આંકડા તેજ ગતિએ બદલાતા હતા.

          “તું કેમ દીવાલની પેલી પાર ન ગયો?” સોફ્ટવેરે તેના મગજમાં જ સવાલ પૂછ્યો.

          “મારે શું કામ પેલે પાર જવું જોઈએ?” એના મગજે કોમ્પ્યુટરને સામો જવાબ આપ્યો, “મને ભગવાને દીવાલની જે તરફ રહેવા સર્જ્યો છે હું ત્યાં જ રહીશ.” વાસ્તવમાં એ આંખો બંધ કરી બેઠો હતો એ સવાલ જવાબો તેના મગજ અને કોમ્પ્યુટર સોફટવેર વચ્ચે થતાં હતા જે પ્રતિક્રિયા દેવતા સ્ક્રીન પરના બિનારી આંકડાઓ વાંચી સમજવા મથતો હતો પણ આજ સુધી તેણે ક્યારેય આંકડાઓને આટલા ઝડપથી બદલાતા જોયા નહોતા.

          વિરાટ ફરી એક બીજા સ્થળે પહોંચ્યો. તેની ચારે તરફ માત્ર અને માત્ર બરફ હતો. એ સફેદ બરફના પહાડોથી ઘેરાયેલા વિસ્તારમાં હતો. એ પહાડ પણ જાણે આકાશને આંબવા મથતા હોય તેટલી ઊંચાઈના હતા.

          એ જ્યાં ઊભો હતો ત્યાંથી વીસેક ફૂટ દક્ષિણ તરફ પથ્થરની એક નાનકડી શીલામાં સંચાર થયો. એ શીલા જરા ખસી અને બીજી જ પળે એ બરફની શીલા જમીન પર છવાયેલા બરફ પર લપસતી પશ્ચિમ તરફ ઢાળમાં એક ખાઈમાં ખાબકી.

          શીલા ધસી પડતાં ખુલ્લા થયેલા ભાગમાંથી બે વિચિત્ર આંખો તેને તેના આસપાસના વિસ્તારને નિહાળી રહી હતી. ત્યાં કોઈ વિચિત્ર જીવ ઊભો હતો. એ કોઈ જાનવર નહોતું. એ માનવ આકૃતિ હતી પણ વિરાટે પહેલા ક્યારેય ન જોયો હોય તેવો માનવ. તેનો દેહ પ્રચંડ અને કદાવર હતો. એ લગભગ વિરાટ કરતાં અડધા ફૂટ જેટલી વધારે ઊંચાઈનો અને બમણા બાજુઓવાળો હતો. સૌથી વિચિત્ર બાબત તેનો ચહેરો હતો. તેના જડબા સુજેલા હતા અને હડપચી બહાર નીકળેલી હતી. તેનું નાક તેના ચહેરાના પ્રમાણમાં નાનું અને બેસેલું હતું, હોઠ એકદમ પાતળા અને એકબીજા સાથે ચપોચપ દાબીને રાખ્યા હોય તેમ અમાનવીય રીતે ગોઠવાયેલા હતા.

          એ માનવ હતો પણ ઘણી રીતે જાનવર સાથે મેળ ખાતો હતો. તેના શરીર પર કોઈ પણ માનવના શરીર પર હોય તેના કરતાં વધુ વાળ હતા અને તેની દાઢી મૂછના વાળ ઘેરા હતા. તેના કાન પણ માનવ કરતાં અલગ હતા. કાન આસપાસ થોડાક વાળ હતા.

          “વાનર ઘૂસણખોર...” વિરાટે અવાજ સાંભળ્યો. તેણે અવાજની દિશામાં જોયું. દસેક નિર્ભય સિપાહીઓનું ટોળું દક્ષિણ તરફથી એટલે કે એ જાનવરના પાછળના ભાગેથી દોડતું આવતું હતું.

          નિર્ભય સિપાહીઓ તેમના નિયમિત પરિધાનને બદલે બખ્તરોમાં સજ્જ હતા. તેમના બખ્તર ધાતુને બદલે લેધર અને એવા કોઈ કાળા મટિરિયલના બન્યા હતા. તેમના ફેસગાર્ડ પણ એવા જ મટિરિયલના હતા. ભલે વિરાટ પહેલીવાર એવા બખ્તર અને ફેસગાર્ડ જોતો હતો તેને ખાતરી હતી કે ચોક્કસ એ કવચનું મટિરિયલ દૈવી હશે અને દુનિયાની કોઈ પણ ધાતુ કરતાં વધુ મજબૂત હશે.

          એ લોકો યુધ્ધકળામાં માહેર હોય તેમ હિંસક પ્રાણીની જેમ ગણતરી બંધ પગલાં ભરતા હતા. તેમની ગતિ તેજ હતી છતાં જાણે બધા મગજથી એકબીજા સાથે જોડાયેલા હોય તેમ એક કે બીજો સિપાહી આગળ પાછળ થતો નહોતો. બધા એક સમાન અંતરે હતા.

          તેમના બધાના હાથમાં લાકડાને બદલે કાળા મટિરિયલના બનેલા ધનુષ અને એવા જ અલગ મટિરિયલના તીર હતા. તીર ધનુષ પર ચડાવેલા હતા અને બસ પ્રત્યંચા છોડે તેટલી જ વાત હતી. એ પ્રત્યંચા છોડવા માટેના યોગ્ય સમયની રાહ જોતાં હતા. પ્રત્યંચા તેમના કાન સુધી પૂરી ખેચેલી હતી.

          વિરાટ પોતે પણ ધનુષ ચલાવી જાણતો પરિણામે એ જાણતો હતો કે સિપાહીઓ લાંબો સમય એમ પ્રત્યંચા ખેચીને નહીં રાખી શકે. તેમના આંગળા દુખવા લાગે એ પહેલા તેમણે તીર છોડવા જ પડશે કેમકે તેમના હાથમાં જે ધનુષ હતા તેની પ્રત્યંચા ચડાવી રાખવી કોઈ સહેલું કામ નહોતું દેખાતું.

          વિરાટે જાનવર તરફ એક નજર કરી... નિર્ભય સિપાહીઓએ શું કહ્યું હતું? વાનર.... વાનર ધુસણખોર...

          વાનરની આંખો વિરાટને બદલે નિર્ભય સિપાહીઓના ટોળાં તરફ મંડાયેલી હતી. તેણે ખાસ કપડાં પહેર્યા નહોતા માત્ર લંગોટ જેવો લેઇન ક્લોથ અને ખભા પર પ્રાણીની રુવાટીવાળું મફલર અંગવસ્ત્ર જેમ વીંટાળ્યું હતું.

          એકાએક વાનર ડાબી તરફ નમ્યો અને વિરાટે એક પળ પહેલા જ્યાં વાનરનો ખભો હતો ત્યાંથી તીરને પસાર થતું જોયું. એ પછી લગભગ છ જેટલા તીર વાનરે તેના શરીરની દિશા બદલી ખાળ્યા પણ ત્રણેક તીર તેના શરીરમાં ઉતરી ગયા હતા. એક તીર તેના જમણા પગ અને એક ડાબા ખભા તથા ડાબી બાજુ પર વાગ્યું હતું.

          નિર્ભય ભાથામાંથી બીજા તીર કાઢીને ધનુષ પર ચડાવે એ પહેલા વાનરે તેના શરીરમાંથી તીર ખેચી કાઢ્યા અને અને એકાએક વિરાટ જે બાજુ ઊભો હતો એ દિશામાં દોડ્યો. તેની દોડવાની ગતિ ઘોડા કરતાં પણ તેજ હતી. તેના પગ જ્યાં જમીનને અડતા ત્યાંથી બરફના ફુરચા ઊડતા હતા.

          વિરાટ જાણે આસપાસના બરફ જેમ બરફ બની ગયો. વાનર વિરાટ નજીક પહોંચ્યો એ પહેલા તેણે ભયાનક ગર્જના કરી અને વિરાટને લાગ્યું જાણે એ ગર્જનાનો પડઘો છેક તેની ખોપડીના અંદરના ભાગે પડ્યો.

          એણે પ્રાણીની પીઠમાં ફરી એક બે તીર ઉતરતા જોયા પણ વાનરે એ તીર ધ્યાનમાં ન લીધા જાણે એ તીર એના માટે તેના શરીર પર બેસી તેને પરેશાન કરતી માખીઓ ન હોય!

          વિરાટ દોડી શકે તેમ હતો. એ પ્રાણીના રસ્તામાંથી ખસી શકે તેમ હતો પણ એમ કરવાને બદલે એ ત્યાં જ ઊભો રહ્યો. તેના નશકોરામાં વાનરના શરીરની ગજબ વાસ અનુભવાઇ અને બીજી જ પળે વાનરે તેના હાથમાં પકડેલું તીર વિરાટની છાતીમાં ભોકી દીધું.

          એ જમીન પર પટકાયો. તેણે જોયું કે વાનર આગળ દોડતો હતો. એ એક શીલાના આધારે કૂદકો લગાવી એક શંકુ આકારના ઝાડ પર કૂદી ગયો અને ત્યાંથી બીજા ઝાડ પર. નિર્ભય સિપાહીઓ તેની પાછળ તેજ ગતિએ દોડતા હતા  પણ એ ચોક્કસ હતું કે ફરી એ જાનવર તેમના હાથમાં નહીં આવે કેમકે જમીન પર પડેલો બરફ તેમની ગતિને ઘટાડતો હતો જ્યારે એક ઝાડથી બીજા ઝાડ પર કૂદી જતાં એ જાનવર માટે હવા સિવાય બીજો કોઈ અવરોધ નહોતો.

          વિરાટે ચીસ ન પાડી. પીડા અસહ્ય હતી પણ તેની નસોના લોહી સાથે દોડતા અડ્રેનાલિનને કારણે મગજ એ પીડા અનુભવી નહોતું શકતું. ધીમે ધીમે તેના પોપચાં બિડાવા લાગ્યા. તેણે ઊભા થવાનો પ્રયત્ન જ ન કર્યો. એ મૃત્યુને શરણે ચાલ્યો ગયો.

          બીજી જ પળે તેનું મન કોમ્પ્યુટર પ્રોગ્રામમાં હતું. ફરી સોફટવેરના સવાલો શરૂ થયા.

          “તેં બચવાનો પ્રયત્ન કેમ ન કર્યો?”

          “હું ડરી ગયો હતો.”

          “હું જાણું છું કે તું ડરી ગયો હોઈશ પણ...” સોફટવેરે પુછ્યું, “પ્રાણીના ગયા પછી પણ તેં ઊભા થવા પ્રયત્ન કેમ ન કર્યો?”

          “કેમ કે હું એક શૂન્ય છું અને શૂન્ય કમજોર હોય છે.” વિરાટના મને સોફટવેરને છેતરવાનું શીખી લીધું હતું, “માત્ર નિર્ભય સિપાહીઓ જ એવા જીવલેણ ઘા પછી ઊભા થઈ શકે. કોઈ શૂન્ય એવું ન કરી શકે.”

          બીપ.....બીપ.....બીપ.....

         એના કાનમાં સતત બીપના અવાજ સંભળાયા. તેણે આંખો ખોલીને જોયું તો દેવતાએ એક પછી એક તેના કપાળ, લમણા અને માથાના પાછળના ભાગે જોડેલા વાયર ખેચી લેવા માંડ્યા હતા.

         આંખો ખોલતા જ જાણે રૂમ ગોળ ફરતો હોય તેમ લાગ્યું. તેની ખોપડીમાં અસહ્ય દુખાવો થતો હતો. તેનું માથું ભમતું હતું. દર્દથી ચીસ ન પાડી ઊઠે એ માટે એણે દાંત ભીંસી રાખ્યા.

         બધા વાયર છૂટા કરી દેવતાએ મશીનનું હેન્ડલ ઊંચું કર્યું. તેણે વિરાટ સામે જોયું અને કહ્યું, “યુ પ્લેડ વેલ..”

         “કયો રંગ?” વિરાટે મહામહેનતે પુછ્યું.

         “લીલો રંગ.” દેવતાએ સ્મિત આપ્યું, “શૂન્યનો પોતાનો રંગ.”

         દેવતાએ એનો હાથ પકડ્યો અને તેને બહાર દોરી ગયો. વિરાટના કદમ અસ્થિર હતા અને તેનું મગજ એ બાળપણમાં જે લાકડાના ભમરડાથી રમતો એ ભમરડાની જેમ ગોળ ફરતું હતું.

         “કોઈને પણ ન કહેતો કે દૈવી પરીક્ષામાં શું થયું.” દેવતાએ ધીમા અવાજે તેના કાનમાં કહ્યું.

         “હું કોઈને નહીં કહું.” વિરાટે કહ્યું, “પણ તમે છો કોણ અને મારી મદદ કેમ કરી?”

         “યોગ્ય સમય આવશે તું મને ઓળખી જઈશ..” દેવતાએ ધીમા અવાજે કહ્યું અને સામેથી આવતા વ્યવસ્થાપકને વિરાટનો હાથ આપ્યો, “આ છોકરાની તબિયત દૈવી પરીક્ષામાં જરા લથડી ગઈ છે તેને તેની સીટ પર મૂકી આવ.”

         વ્યવસ્થાપક વિરાટને તેની સીટ પર દોરી ગયો. એ ખુરશી પર ગોઠવાયો એટલે તેના પિતાએ અને તેની બાજુની સીટ પર બેઠેલી છોકરીએ તેની તરફ જોઈ સ્મિત આપ્યું. વિરાટે સ્મિત આપવા પ્રયત્ન કર્યો પણ તેનું મગજ વિચારોમાં વ્યસ્ત હતું.

          કેટલું વિચિત્ર! હું મારા વિશે નથી જાણતો એટલુ દીવાલ પારના આ લોકા મારા વિશે જાણે છે! કઈ રીતે? મને એમ હતું કે દીવાલની આ તરફ મને કોઈ ઓળખતું જ નહીં હોય પણ અહીં તો લોકો મને મારા નામથી ઓળખે છે! પણ કઈ રીતે? નિર્ભય સિપાહીઓ અને દેવતાઓ મને કેમ બચાવવા માંગે છે? દીવાલની આ તરફના લોકો માટે હું ખાસ કઈ રીતે હોઈ શકું?

          વિરાટે વિચારોને ફંગોળી લાકડાના પ્લેટફોર્મ પર નજર કરી. હજુ દૈવી પરીક્ષા ચાલુ હતી. ફરી પાંચ યુવકોના નામ બોલાયા અને લગભગ ધ્રૂજતા પગે એ લોકો સ્ટેજ તરફ ગયા. વિરાટ દૈવી પરીક્ષા પતાવી પાછો આવ્યો ત્યારની તેની બાજુમાં બેઠી શૂન્ય છોકરી તેને જોઈ રહી હતી. એ ક્યારનીય તેને કશુંક પૂછવું કે નહીં તેની મથામણમાં હતી. મિનિટો પછી આખરી નિર્ણય લઈ લીધો હોય તેમ એ વિરાટ તરફ ફરી, “તારું નામ શું છે?”

          પરીક્ષા દરમિયાન વાત ન કરવી જોઈએ. શું આ છોકરી પાગલ છે? કે પછી એ મારી જેમ જ્ઞાની છે એટલે આવા બધા નિયમોમાં નથી માનતી? વિરાટે વિચાર્યું જે હોય તે પણ મારે તેને જવાબ તો આપવો જ જોઈએ, “વિરાટ, મારું નામ વિરાટ છે.” દીવાલની એ તરફના લોકો એ રીતે જ પોતાનો પરિચય અંદરોઅંદર આપતા.

          એણે એ છોકરી તરફ ન જોયું. એ સ્ટેજ તરફ તાકી રહ્યો જેથી કોઈને વહેમ ન પડે કે એ વાત કરી રહ્યા છે. હવે વ્યવસ્થાપક અને સ્ટેજ પર બેઠેલો દેવતા અંદરોઅંદર કંઈક વાત કરતા હતા.

          “શું થયું?” છોકરીએ ધીમા અવાજે પુછ્યું. હવે એ પણ સમજી ગઈ હતી કે વિરાટ તેની તરફ જોયા વગર કેમ વાત કરે છે એટલે એ પણ સ્ટેજ તરફ તાકી રહી.

          “કશું નહીં.” વિરાટે જવાબ આપ્યો, “દૈવી પરીક્ષા ખાસ અઘરી નહોતી.”

          “હમમ...” ચહેરા પર એક સેકન્ડ કરતાં પણ ઓછા સમય માટે સ્મિત ફરકાવી છોકરીએ કહ્યું, “તું મને કહેવા નથી માંગતો એમ ને?”

          “એવું કશું નથી.” વિરાટે આસપાસ જોઈને કહ્યું, જોકે બધાનું ધ્યાન સ્ટેજ તરફ હતું, કોઈને એ બંને તરફ ધ્યાન આપવાની ફુરસદ નહોતી.

          “મારા માટે તો દૈવી પરીક્ષા અઘરી હતી. હું તળાવમાં ડૂબતી હતી અને મારે મારી જાતને બચાવવાની હતી પણ હું એવું ન કરી શકી.” છોકરીએ કહ્યું, “એ ભયાનક હતું. મેં મારી જાતને તળાવમાં ડૂબીને મરતા જોઈ.”

          “હવે તો તું ઠીક છો ને?” વિરાટ હવે તેની સામે જોયા વગર ન રહી શક્યો, “એ માત્ર તારા મગજમાં હતું, એ હકીકત નહોતી.”

          “હવે હું ઠીક છું.” છોકરીએ કહ્યું, “આભાર.”

          નિર્ભય સિપાહીઓનું એક ગ્રૂપ તેમનાથી વીસેક યાર્ડના અંતરે હતું પણ તેમનું પૂરું ધ્યાન દૈવી પરીક્ષા અને લાકડાના પ્લેટફોર્મ પર હતું. કદાચ કોઈ ધીમા અવાજે વાતો કરે તો એમને કોઈ ફરક પડે તેમ નહોતો.

          હવે છોકરીએ સીધું જ વિરાટ તરફ જોયું. તેની કાળા ભ્રમર તંગ થઈ અને તેના કપાળ પર કરચલી પડી. ત્રિશુળ જેવા ત્રણ સળ તેના કપાળમાં રચાયા, “તું મારુ નામ જાણવા નથી માંગતો?”

          “ઓહ! માફ કરજે..” વિરાટે કહ્યું, “તારું નામ શું છે?”

          “કેશી.”

          “ખરેખર નામ સુંદર છે.”

          “શું આપણે મિત્રો બની શકીએ?” છોકરીએ પૂછ્યું.

          “કેમ નહીં?” એણે સ્મિત વેર્યું.

          “હા, તો હવે આપણે મિત્રો છીએ ટો તારે મને સત્ય કહેવું જોઈએ.” છોકરીએ ધીમેથી કહ્યું.

          “સત્ય એ છે કે...” વિરાટ જુઠ્ઠું બોલ્યો, “મારે એક વરુ જેવા મોટા જાનવરને મારવાનું હતું પણ તેનાથી ઊલટું જ થયું. એ જાનવરે મને ફાડી ખાધો.” એ હસ્યો અને ઉમેર્યું, “આપણે દૈવી પરીક્ષા વિશે ચર્ચા ન કરવી જોઈએ.”

          વ્યવસ્થાપક ફરી પાંચ નામ બોલ્યો અને યુવકો સ્ટેજ પર ગયા. આ વખતે કોઈ યુવક વિરાટનો પરિચિત નહોતો છતાં એમાંથી કોઈ અલગ રંગનો ન નીકળે તેવી વિરાટે મનોમન પ્રલય પહેલાના ભગવાનને પ્રાર્થના કરી.

          એ પહેલા ગયેલા યુવકો રૂમમાંથી બહાર આવી પોત પોતાની ખુરશીમાં ગોઠવાયા. વિરાટની જ હરોળમાં વિરાટથી ત્રીજા નંબરની ખુરશી પર એક છોકરો આવીને બેઠો. એ હજુ ધ્રૂજતો હતો. તેનો ચહેરો એકદમ ફિક્કો પડી ગયો હતો અને આંખો પહોળી થયેલી હતી. દેખીતું હતું કે હજુ એ દૈવી પરીક્ષાની અસર હેઠળ હતો. કદાચ તેણે પોતાની સાથે કંઈક ભયાનક થતાં જોયું હશે.

ક્રમશ: