AANGNA MA CHOMAASU UGE TYAARE in Gujarati Comedy stories by Ramesh Champaneri books and stories PDF | હાસ્ય લહરી - ૫૭

Featured Books
  • એઠો ગોળ

    એઠો ગોળ धेनुं धीराः सूनृतां वाचमाहुः, यथा धेनु सहस्त्रेषु वत...

  • પહેલી નજર નો પ્રેમ!!

    સવાર નો સમય! જે.કે. માર્ટસવાર નો સમય હોવા થી માર્ટ માં ગણતરી...

  • એક મર્ડર

    'ઓગણીસ તારીખે તારી અને આકાશની વચ્ચે રાણકી વાવમાં ઝઘડો થય...

  • વિશ્વનાં ખતરનાક આદમખોર

     આમ તો વિશ્વમાં સૌથી ખતરનાક પ્રાણી જો કોઇ હોય તો તે માનવી જ...

  • રડવું

             *“રડવુ પડે તો એક ઈશ્વર પાસે રડજો...             ”*જ...

Categories
Share

હાસ્ય લહરી - ૫૭

આંગણામાં ચોમાસું ઉગે ત્યારે...!

                      

                         ચોમાસું ખિસ્સામા લઈને ફરું છું 

                                    ખાલી છું શ્રીમંતની જેમ ફરું છું  

                                    મન છે મોર બની ટહુકયા કરે 

                                    ટહુકે છે કેમ 

                                    એ મને ના પૂછ, વરસાદને પૂછ    

                                    મને તો બસ વરસાદ ગમે છે.. 

 

                                           વરસાદની ઝાપટમાં આવવું એ પણ એક મઝા છે. કોઈ મેલી માતાજીની વાછટમાં આવ્યા  હોય એવું લાગે. થથરાવી નાંખે યાર..! બરફના કરાંઓ સહન કરી શકે, એટલાં ધાબાઓ આપણે ત્યાં નથી, એટલે કરાં પડતાં નથી, માત્ર વરસાદથી જ ચલાવી લેવું પડે. જેના હૃદય માખણ જેવાં નરમ હોય, એને વરસાદના ફોરાં પડે ને હરખના ફુલ્લા થવા માંડે. માથે કરોડનું દેવું હોય તો પણ વરસાદની ભીનાશમાં ગટરમાં વહી ગયું હોય એટલો આનંદ થાય..! મને જેમ વલસાડ ગમે, માદરે વતન અમલસાડ ગમે, કાનુડાનો સાદ ગમે, રાધાજીનો પ્રતિસાદ ગમે, એમ વરસાદ બહુ ગમે..! ફોઈઓને ચોમાસા સાથે કયો ગ્રહણ યોગ હતો કે, ફેમિલીમાં એકેય ફરજંદનું નામ વરસાદ નહિ પાડેલું, વાદળ પણ નહિ પાડેલું..! દીકરાનું નામ વરસાદ હોય ને વહુનું નામ વીજળી હોય તો, ઘર ખાલીખમ છે એવું તો નહિ લાગે?  બારેય માસ ગાજ વીજ ને ચમકારાનો સધિયારો રહે. આંગણામાં ૨૪ કલાકનું ચોમાસું બેઠું હોય તેવું લાગે..! પછી તો તેના જેટલાં ખાબોચિયાં થાય તેને ઊંચકીને રમાડવાની મઝા પણ આવે..!

                                             બહાર છીમ્મ..છીમ્મ થતું હોય, બપૈયાઓ વાઈફની માફક બડબડ કરતાં હોય, વંઠેલ સાળાઓની જેમ દેડકાઓ ડ્રાઉં-ડ્રાઉં કરતા હોય, નણદલી મોરલાની માફક ટેહુક-ટેહુક કરતી હોય ત્યારે તો ચાર માસનું ચોમાસું પણ ફેબ્રુઆરીની માફક વિકલાંગ લાગે..! તાજા પરણેલાને ‘LONG DRIVE’ ઉપર ટહેલવાની ઉપડે, કેડ-કમ્મરના દુખાવા હોય, એને ખાટલે બેસી ગરમ-ગરમ ભજીયાં ઝાપટવાની  ઉપડે...!  ચોમાસાની એ BY DEFAULT મઝા છે દાદૂ..! બાકી સીનીયર સીટીઝનવાળાએ તો આવી સીટી વગાડવી જ નહિ. વાઈફનું નામ ભલે શાંતિ હોય, પણ દેકારો મચી જાય..! બહાર ગમે એટલી ગાજ-વીજ થતી હોય, ઘરની ગાજ-વીજ આગળ બહારની ગાજ-વીજ પણ વામણી લાગે. ભજીયા ઉલાળવાનો ચહકડો કરવા ગયા તો, તરત જ આક્રમણ આવે કે, ' જાતજાતનું ખાવાના ચહકડા તો મને પણ થાય, એવું કેમ નથી વિચારતા કે, ચોમાસામાં કપડાં સુકવવાની તકલીફ પડે છે, તો લાવ ઘરમાં દોરી બાંધી આપું..? બસ, ખૂણો પકડીને નાકના વાળ ખેંચવાના ને ખાવાના ચહકડા કરવાના..!' એમાં વરસાદ જો  વરસતો હોય ત્યારે તો ' આવરે વરસાદ, ઢેબરીયો વરસાદ, ઉની ઉની રોટલી ને કારેલાનું શાક' વાળું ગીત તો લલકારવું જ નહિ. ગઈ કાલનું વઘારેલું ભાત મળે તો પણ સત્યનારાયણ ભગવાનનો પ્રસાદ મળ્યો હોય એમ આરોગી લેવાનો..! બને ત્યાં સુધી  હનુમાન ચાલીસા વાંચવાની, શક્તિ પણ મળે, ને સહન શક્તિ પણ મળે. નાહકના ખાબોચિયાં તો ઉલેચવા જ નહિ. બને તો ઓટલે બેસીને બેએક વરસ પર જન્મેલા ટેણીયાઓ વગર ચડ્ડીએ ખાબોચિયાંમાં આળોટતાં હોય તો જોયા કરવાનું. ટાઢક રહે બીજું શું..? 

                                   વરસાદની પણ જાહોજલાલી છે મામૂ..! વરસાદ જેવો હોય તેવો, એનો સૌએ મેઘરાજાથી આદર જ કર્યો છે. મેઘરાજા અને વરરાજા વચ્ચે ફેર એટલો કે, વરરાજા એક દિનકા સુલતાન, પછી બીવીકા ગુલામ..! વરઘોડાવાળા ઘોડાને વર સાથે કોઈ લેવા દેવા નહિ. ભાડું મળ્યું એટલે વર રેઢો મુકીને ચાલતી પકડે. એને બીજાં વર મળી રહે, પણ વરરાજો ફરીથી ઘોડે ચઢી ના શકે..! પછી તો નસીબની વાત છે. વરસતા વરસાદમાં બે ટીંપાની વચમાં જગ્યા બનાવી, વ્હેંતભરના કપડામાં કોઈ અલ્લડ છોકરી ‘RAIN-DANCE' કરતી ચોમાસામાં જ જોવા મળે, ઉનાળામાં નહિ. ઉનાળામાં DANCE કરવા ગઈ તો, પરસેવે એવી લથબથ થાય કે, ઢેબરાંનો લોટ બાંધ્યો હોય એવું શરીર થઇ જાય. વરસાદનો તો કોઈ જાદુ જ ઔર મામૂ..! એ મૌસમ જ એવી કે, ફૂટપાટ પકડીને મોટર સાઈકલનું પંકચર બનાવનારો પણ કવિ કલાપી થવાનાં હવાતિયાં મારતો થઇ જાય..! કારણ કે, કવિ થવા માટે મોંઘીદાટ ઘરવખરી કે ડીગ્રીની જરૂર પડતી નથી. વરસાદ-વાદળા-પૂનમ-બાગબગીચા-સ્મશાન, કબ્રસ્તાન. શમા, પતંગિયા, મેઘ અને ઝરણાંની આરાધના કરી હોય તો, થઇ ગયા કવિ કોલસેલાલ..! બેચાર જોડકણાની જોડ જ થવી જોઈએ, એટલે પતંગને પુંછડું વળગે એમ, ‘તખ્ખલુસ’ લાગવા માંડે. બારાખડી ટૂંકી પડે તો, અંગ્રેજી-મરાઠી-હિન્દી ઘુસાડીને કવિતાની ભેળપૂરી બનાવી દે, પણ આવું બધું વરસાદમાં જ થાય..! વરસાદ કોને નહિ ગમે? જેમ બ્રહ્મા,વિષ્ણુ અને મહેશ આપણા દેવાધિદેવ, એમ શિયાળો ઉનાળો ને ચોમાસું, એટલે માનવ જાતની મોખરાની ઋતુ..!  એ સફળ જાય, એટલે ભારત ભયો ભયો..! એવી જ રીતે સાસુ આંસુ ને ચોમાસુંના ચોઘડિયા સારા ગયા તો, સંસાર હરા-કબાબ જેવો થાય..! બહુ હલેસાં મારવાની જરૂર નહિ પડે. કાળજી એટલી જ રાખવાની કે, ત્રણેય જીદે નહિ ચઢવા જોઈએ. જીદે ચઢ્યાં તો સાસુ સુર્પણખા બની જાય, આંખની પાઈપ લાઈન ફાટી જાય, ને આંસુઓની રેલી ને બદલે રેલા ને રેલો નીકળવા માંડે. ને ચોમાસુ આડું ફાટ્યું તો, એક જ દિવસમાં ત્રણેય મૌસમની વેશભૂષા પહેરાવે. એવી સ્વચ્છંદી બની જાય કે, સ્વેટર વસાવે તો શિયાળો રિસાય, ચોમાસામાં ઉનાળો ઘુસી જાય, ને ઉનાળામાં પણ રેઈનકોટ પહેરાવડાવે..! અંબાણીનો માલ હોય એમ, ધારે તે કરે..! જેને દેવ-દર્શને જવાની બાધા હોય, એમણે સાસુ-આંસુ અને ચોમાસાના દર્શન કરી લેવાં. અમુક ઋતુઓ તો એવી કોરીધાકોડ જાય કે, ચોમાસામાં છત્રી ધોવા જેટલો પણ વરસાદ નહિ પડે, એના કરતાં ઘોડિયે સુતેલું છોકરાનું બાળોતિયું વધારે ભીનું થાય..! કહેવું તો ના જોઈએ, પણ આ  ‘છાંટો-પાણી’ નો રૂઢ શબ્દ પણ આવી રૂઠેલી મૌસમમાંથી જ આવ્યો હશે..! વરસાદ આવે ત્યાં સુધી તો બધું ઠીક, બાકી છોકરાં ચોમાસું જોવા માંગે તો, સુધરાઈ ની તૂટેલી ને ટપકતી પાઈપ લાઈન બતાવવા લઇ જવું પડે, એવું પણ બને..! ક્યારેક તો ચોમાસું એવું રિસાઈ જાય કે, જેટલા બાથરૂમ ભીના થાય, એટલાં તો આંગણા પણ ભિન્ના નહિ થાય. દેડકાઓ પણ ડોકું બહાર કાઢીને પાછાં ભૂગર્ભમાં ચાલી જાય..!

                                   બધી વાતમાં નાકાબંધી થાય, પણ વરસાદ સાથે નહિ થાય. ઢાંકણી ભરાય એટલો તો વરસાદ પડવો જ જોઈએ.  ઢાંકણીમાં પાણી લઈને ડૂબી મરવું હોય તો મૂંઝારો તો નહિ રહે..? ક્યારેક તો વરસાદ એવો બેફામ બને કે, રેલ્વેની સીધી લાઈન પણ ટ્રેકને બદલે નદી લાગવા માંડે. ધાબાઓ એવાં ટપકવા માંડે કે, કાણાવાળી છત્રી નીચે ઊભાં હોય એવું લાગે..! જુનો સ્ટોક કાઢવા વેપારી સેલ કાઢે,  એમ ક્યારેક  સેલ કાઢ્યું હોય એમ પણ વરસે. ઘરની બહાર ભલે ને બોર્ડ માર્યું હોય, કે “ રજા સિવાય કોઈએ દાખલ થવું નહિ “ છતાં વરસાદના પાણી ઘરમાં પણ ઘુસી જાય. માણસ નહિ ફૂલે, પણ બારણા ફૂલી જાય..! એક વાત છે, વરસાદના જેટલું વફાદાર આ દુનિયામાં કોઈ નથી.  પુરેપુરી સમાજવાદી ભાવનાવાળો..!  ક્યારેય એવું બનતું નથી કે, ફલાણા સાથે ફાવતું નથી એટલે. એના ખેતરમાં એ એક  ટીપું પણ નહિ પાડે..! સબ ભૂમિ ગોપાલકી સમઝીને વરસી જ પડે..! 

 

                                          લાસ્ટ ધ બોલ 

 છત્રી પણ એવી નફફટ કે એ વાવાઝોડામાં એ કાગડો થાય, પણ કોઈ છત્રીને હજી કાગડી થતાં જોઈ નથી..!  

 

 

--------------------------------------------------------------------------------------------------------------------------------------


 

 

 

 

 

 

 

( રમેશભાઈ ચાંપાનેરી  ' રસમંજન ' )