Dashavatar - 14 in Gujarati Fiction Stories by Vicky Trivedi books and stories PDF | દશાવતાર - પ્રકરણ 14

Featured Books
  • ભાગવત રહસ્ય - 149

    ભાગવત રહસ્ય-૧૪૯   કર્મની નિંદા ભાગવતમાં નથી. પણ સકામ કર્મની...

  • નિતુ - પ્રકરણ 64

    નિતુ : ૬૪(નવીન)નિતુ મનોમન સહજ ખુશ હતી, કારણ કે તેનો એક ડર ઓછ...

  • સંઘર્ષ - પ્રકરણ 20

    સિંહાસન સિરીઝ સિદ્ધાર્થ છાયા Disclaimer: સિંહાસન સિરીઝની તમા...

  • પિતા

    માઁ આપણને જન્મ આપે છે,આપણુ જતન કરે છે,પરિવાર નું ધ્યાન રાખે...

  • રહસ્ય,રહસ્ય અને રહસ્ય

    આપણને હંમેશા રહસ્ય ગમતું હોય છે કારણકે તેમાં એવું તત્વ હોય છ...

Categories
Share

દશાવતાર - પ્રકરણ 14

          ભલે ત્રિલોક કહેતો કે હું ક્યારેય નહીં પકડાઉં પણ એ અને જીવીકા બંને જાણતા હતા કે એક દિવસ એ નિર્ભય સિપાહીઓ કે પાટનગરના ગુપ્તચરોના હાથે પકડાઈ જશે પણ એ બહાદુર હતો. પદ્મા એ બહાદુર દીકરી હતી. એ ક્યારેય હિંમત ન હારતી. એ પહેલીવાર ગંગાની કેનાલમાં કૂદી એ સમયે બાર વર્ષની હતી. ઘરમાં ખાવા-પીવા કશું નહોતું. પદ્મા અને જીવીકા ત્રણ દિવસથી ભૂખ્યા હતા. જીવીકા માનસીક રીતે અસ્વસ્થ હતી. એ કશું કરી શકે તેમ નહોતી.. પદ્માને ગંગામાં કૂદકો લગાવવા સિવાય કોઈ રસ્તો નહોતો.

           ત્રિલોક ઘણીવાર કહેતો કે હિંમતની કોઈ સીમા નથી. પદ્મા જ્યારે કેનાલમાં કૂદકો લગાતી ત્યારે તેને એ વાત સાચી લાગતી.

          દીવાલની આ તરફ ભૂખમરો અજાણ્યો નહોતો. જે લોકો કામ ન કરી શકે એમ હોય, જે લોકો ઘરડા અને અશક્ત હોય અને જેમને બાળકો ન હોય, જે બાળકોના માતા પિતા દીવાલની પેલી તરફ માર્યા ગયા હોય, જે અપાહિજ કે આંધળા હોય એ બધાને બે ટંક ખાવાનું ક્યારેય ન મળતું. ભૂખમરો વગર આમંત્રણે તેમની ઝૂંપડીની મુલાકાતે આવી ચડતો. એ ભીખ માંગીને ખાતા. લોકો પાસે વધારનું ખાવાનું હોય ત્યારે એમને આપતા પણ દીવાલની આ તરફ વધારે પડતું ખાવાનું હોય એવા અમુક જ ઝૂંપડાં હતા.

          મા એમ ભીખ માંગીને ખાય એ પદ્માને મંજૂર નહોતું. કળિયુગમાં તમે ક્યાં સુધી જીવશો એ નક્કી નથી. ત્રિલોકનું એ વાક્ય પદ્માને બારમે વર્ષે જ લાગુ પડી ગયું હતું. એ કેનાલમાં કૂદી પણ તેને તરતા નહોતું આવડતું. થોડીવારમાં જ એ  ડૂબવા લાગી હતી. એ પાણીની સપાટી પર રહેવા મથતી રહી પણ પાણીનો ધસમસતો પ્રવાહ તેને તળિયે લઈ જવા જોર કરતો હતો.

          એને મૃત્યુનો ભય નહોતો. દીવાલની આ તરફનું જીવન આમ પણ જીવવા લાયક હતું જ કયા? પણ તેને જીવવાનું હતું. જો એ કેનાલ બહાર ન નીકળી શકે તો તેની માનું શું થાય? એ બિચારી શું કરે? એ ઝૂંપડીમાં પડી પડી જ ભૂખે મરી જશે અને કોઈને ખબર પણ નહીં પડે.

          તેની માનું શું થશે એ વિચારમાં પદ્મા ડૂબતી હતી એ જ સમયે કોઈનો પાણીમાં કુદવાનો અવાજ તેને સંભળાયો. તેને અંદાજ પણ નહોતો કે કોઈ તેને બચાવવા એ ઉછાળતા પાણીમાં કૂદશે. તેનું એવું કોઈ હતું જ નહીં જે તેને બચાવવા જીવનું જોખમ ઉઠાવી લે. એક મા હતી. જો એ પાગલ ન થઈ હોત તો એ તેને બચાવવા એક હજાર વાર એ પાણીમાં કુદવાનું જોખમ લે એવો તેને ભરોસો હતો પણ એ અત્યારે તો ઝૂંપડીના ખૂણામાં બેસી લાકડાથી રેતમાં કોઈને કોઈ અક્ષરો લખતી હશે તો તેને બચાવવા કોણ આવ્યું એ તેને સમજાયું નહીં.  

          એણે પાણીમાં થયેલા છબાકાના અવાજની દિશામાં માથું ફેરવ્યું અને તેને પહેલીવાર જોયો. એના જીવનમાં અવતારનું આગમન થયું. એ ત્યારે પદ્મા જ ઉમરનો હતો. માંડ બાર તેર વર્ષ. તેના વાળ લાંબા અને કોલસા જેવા કાળા હતા. એ પલળીને તેના ઘઉંવર્ણા કપાળ પર ચોંટી ગયા હતા. તેનો ચહેરો સુંદર હતો. પદ્મા તેને ઓળખતી હતી. એણે તેને એ પહેલા પણ જોયો હતો. એણે તેને એક શૂન્યના અગ્નિસંસ્કાર સમયે જોયો હતો. એ તેના પિતા સાથે આવ્યો હતો. તેના પિતા પંચના સભ્ય હતા. એ તેના પિતા પાછળ ઊભો હતો અને એકીટશે સળગતી આગને જોતો હતો. કોણ જાણે કેમ એ સમયે પણ પદ્માને એમ લાગ્યું હતું કે ચિતાની આગ જેવી જ આગ તેની આંખોમાં પણ સળગતી હતી. કદાચ ચિતાની આગનું પ્રતિબિંબ તેની આંખમાં દેખાયું હશે.

          પદ્મા તેને ચહેરે મહોરે ઓળખતી હતી પણ તેનું નામ નહોતી જાણતી. ફરીવાર એ તેનો ચહેરો જોઈ રહી હતી અને આ વખતે પણ ગઈ વખત જેમ એનામાં કઈક વિચિત્ર હતું. એ પાણીમાં માછલીની ગતિએ તરતો હતો. આજ સુધી પદ્માએ કોઈને એટલી ઝડપે તરતા જોયું નહોતું. એકાએક એ ડૂબકી મારી પાણીમાં ગાયબ થઈ ગયો. એ મદદ માટે ચીસો પડતી રહી. તેને થયું કે એ છોકરો કદાચ ડૂબી ગયો હશે પણ એમ લાગતું નહોતું કેમકે તેની તરવાની આવડત ગજબ હતી. પદ્મા ટકી રહેવા હવાતિયા મારતી હતી પણ જાણે પેલા છોકરા સાથે તેની આશા પણ ડૂબી ગઈ હતી!

          એકાએક એ પદ્માની બીજી તરફ પ્રવાહમાંથી બહાર નીકળ્યો. મોટી માછલીની માફક એ સીધો પાણીને ચીરીને ઉછળ્યો હતો. પાણીની સપાટીથી ત્રણ ચાર ફૂટ ઊંચે પદ્માએ તેને  જોયો. તેના લાંબા વાળ અને શરીર પરથી પાણીના બિંદુ ટપકતા હતા. કોઈ એટલી મિનિટો સુધી પાણીમાં ડૂબકી લગાવી તરી શકે એ માન્યામાં ન આવે તેવી વાત હતી. પદ્માના હાથ પગ હવે જવાબ આપવા લાગ્યા હતા. પણ એ ડૂબે એ પહેલા જ એણે આવીને તેને ઉઠાવી લીધી.

          પદ્મા તેને પૂછવા માંગતી હતી કે કઈ રીતે તું એટલો સમય પાણીમાં રહી શક્યો પણ એ ભયભીત હતી. તેના ગળામાંથી મદદ માટે બૂમો સિવાય કશું બહાર આવતું નહોતું. છોકરે કંઈક કહ્યું પણ તેને એ ન સંભળાયું કેમકે પાણી તેના કાનમાં ચાલ્યું ગયું હતું. પાણી અવાજને કાનના પડદા સુધી પહોંચતા રોકતું હતું.

          થોડોક સમય પદ્માને કશુંક સમજાવવાની મથામણ કર્યા પછી એ છોકરો પણ સમજી ગયો કે પાણી એના કાનમાં ચાલ્યું ગયું છે એટલે એ કશું સાંભળી શકે એમ નથી.

          એકાએક પદમાને લાગ્યું જાણે તેનું વજન જ નથી. એ છોકરાનો હાથ તેની કમર ફરતે વીંટળાયો હતો. એ બીજા હાથે તરીને દીવાલની નજીક જવા લાગ્યો. પદ્મ પણ પગ હલાવી એ તેને ઊંચકી શકે એ માટે મદદ કરવા લાગી પણ એ જેટલી ઝડપથી તેને લઈને તરતો હતો એ જોતાં એને લાગ્યું કે એ તેની મદદ વિના પણ તેને બચાવી શકે તેમ છે. એ જાણે પાણીનો કોઈ જીવ હોય તેમ દીવાલના કિનારે પહોંચી દીવાલની કિનારીને એક હાથથી પકડી ઉપર ચડી ગયો અને બીજી જ પળે તેને દીવાલ પર ખેચી લીધી.

          “તું ઠીક તો છો ને?” એને દીવાલ પર સૂવાડી એણે પુછ્યું. હવે એને થોડું સાંભળાતું હતું.

          “હા.” પદ્માએ ખાંસતા કહ્યું અને તેના મોંમાંથી પાણી બહાર આવ્યું.

          “કેમ આત્મહત્યા કરવા માંગે છે?” છોકરે તેના કપાળ પરથી વાળની લટો હટાવી.

          “શું?” પદ્માએ નવાઈથી પૂછ્યું અને ઉમેર્યું, “હું આત્મહત્યા નહોતી કરતી.”

          “તો પછી પાણીમાં કેમ કૂદી?” એના ચહેરા પર ન કળી શકાય તેવા ભાવ હતા.

          પદ્માએ જવાબ ન આપ્યો. એ ફરી પૂછવાને બદલે કેનાલની બીજી તરફ રેતીમાં કૂદી પડ્યો. તરત જ ઊભા થઈ ધૂળ ખંખેરી તેણે પદ્માને દીવાલ પરથી નીચે ઉતારી. થોડોક સમય પદ્મા રેતીમાં બેસી રહી. એ તેને એમ જોઈ રહ્યો જાણે તેણે પહેલા કોઈ છોકરી જોઈ જ ન હોય કે કદાચ પદ્મા તેને પાગલ લાગી હશે અને પહેલા કોઈ પાગલ જોયું નહીં હોય.

          “તું પાણીમાં કેમ કૂદી હતી?” પદ્માને સ્વસ્થ થતી જોઈ એણે ફરી પૂછ્યું.

          તેણે જીવ બચાવ્યો હતો એટલે પદ્મા તેનાથી કશું છુપાવવા માંગતી નહોતી. પદ્મા તેને તેના પિતા તસ્કર હતા, એ દીવાલની પેલી તરફ કારાવાસમાં ત્યાંથી લઈને તેની મા પાગલ થઈ ગઈ અને ઘરમાં ખાવા પીવાનું કશું બચ્યું નથી એટલે એ માછલા પકડવા કેનાલમાં કૂદી એ બધી હકીકત કહી સાંભળાવી. એ સાંભળી છોકરાનો ચહેરો ઉતરી ગયો. વાત સાંભળતી વખતે વારંવાર એની મુઠ્ઠીઓ ભીંસાતી અને ખૂલતી હતી. પદ્માને એ છોકરો જરા વિચિત્ર લાગ્યો.

         તેણે પૂછ્યું, “તારું નામ શું છે?”

          “વિરાટ....”

         

          એ દિવસથી આજ દિવસ સુધી પદ્મા વિરાટને એક પળ માટે પણ ભૂલી શકી નહોતી. એ તેની ઋણી હતી એ માટે નહીં પણ પદ્માએ તેના જેવો માણસ એ પહેલા કે એ પછી ક્યારેય જોયો નહોતો.

         કદાચ પ્રેમ એટલે શું એ સમજાય એ પહેલા જ એ વિરાટના પ્રેમમાં પડી હતી. બારેક વર્ષની ઉમરે તેને એ સમજ નહોતી કે પોતે એ છોકરાને ચાહવા લાગી છે પણ એને એટલી સમજ પડતી કે દીવાલની આ તરફ તેને કોઈ ગમતું તો એ વિરાટ હતો.

          ઘણીવાર પદ્મા વિચિત્ર સપના જોતી. સપનામાં પોતાની જાતને પક્ષીની જેમ પાંખો હોય તેવી કલ્પના કરતી. સપનામાં એ પક્ષીની જેમ પોતાની પાંખો ફેલાવીને દીવાલની પેલી તરફ જતી. દીવાલની પેલી તરફથી ક્યારેક પક્ષીઓ આ તરફ આવતા અદલ એમ જ ઊડીને એ દીવાલની પેલી તરફ પહોંચી જતી. સપનામાં વિરાટ તેની સાથે હોતો અને તેને પણ પાંખો હોતી. તેમની પાંખો બીજા પક્ષીઓ જેમ સફેદ કે ભૂખરી નહીં પણ પ્રલય પહેલા લુપ્ત થઈ ગયેલા શુક નામના દૈવી પક્ષી જેવી લીલી હોતી જે વેપારીઓના રેશમી કપડાં જેમ ચમકતી.

          સપનામાં એ બંને દીવાલની પેલી તરફ જતાં. ત્યાંની દુનિયા જોતાં. ત્યાં હરિયાળી હતી. ક્યાય દીવાલની આ તરફ જેમ વેરાન રણ નહોતું. ત્યાં કુણા ઘાસ પર તેમની ઉમરના કેટલાય બાળકો રમતા દેખાતા અને એ બધાની વચ્ચે પદ્મા તેના પિતા ત્રિલોકને જોતી. તેના હાથમા માંડ પકડી શકાય તેટલા જ્ઞાનના પુસ્તકો હોતા. એ આકાશ તરફ જોતો અને જેવી પદ્મા ઉપર નજર પડે તેનો ચહેરો ખીલી ઊઠતો.  ત્રિલોક તેના હાથ ફેલાવી તેને બોલાવતો અને પદ્મા સમડી માફક પાંખો સંકેલી સીધી નીચી આવતી અને તેના ખોળામાં જઈને બેસી જતી.

          પણ જેમજેમ એ મોટી થઈ તેને સમજાયું કે એ માત્ર સપના જ હતા. એ માત્ર અને માત્ર તેની કલ્પનાઓ હતી. માણસો ઊડી ન શકે. પક્ષીઓ સિવાય કોઈ ઊડી ન શકે. ખરી હકીકત એ હતી કે દીવાલની પેલી તરફ કોઈ હરિયાળી નથી. દીવાલની પેલી તરફ આ તરફ કરતાં પણ ભયાનક વેરાન રણ છે અને એ રણમાં આ વિસ્તાર જેમ બાવળને બોરડીને બદલે એ દીવાલ જેવી જ ઊંચી ઇમારતો છે, પ્રલયમાં નાશ પામેલા શહેરો છે અને આગળ ક્યા સુધી શું છે એ કોઈને ખબર નહોતી કેમકે દીવાલની આ તરફના લોકોએ નાશ પામેલા શહેરોની પેલે પાર શું છે તે ક્યારેય જોયું નહોતું. શૂન્ય લોકોને એ તબાહ શહેરોથી આગળ ક્યારેય લઈ જવામાં ન આવતા.

          પદ્મા અને વિરાટ એ દિવસ પછી રોજ કેનાલે જતાં. વિરાટે એને તરતા શીખવ્યું. એ તેને માછલા પણ પકડી આપતો. એ ક્યારેક ક્યારેક ખેતરોમાંથી અનાજ ચોરી લાવતો અને પદ્માની ઝૂંપડીએ પહોંચાડી દેતો. પદ્માએ વિરાટને ચોરી ન કરવા ખૂબ સમજાવ્યો હતો પણ એ માનતો નહીં. તેને ક્યારેય કોઈનો ભય ન લાગતો.

          વિરાટને પદ્મા ઉપર પૂરો ભરોસો બેઠો પછી એણે તેને કહ્યું હતું કે પોતે ગુરુ જગમલ પાસે લખતા અને વાંચતાં શીખે છે, એ રહસ્ય જાણ્યા પછી પદ્મા પણ તેની જેમ જ ગુરુ જગમલના ગુરુકુળમાં જોડાઈ હતી.

          ગુરુકુળમાં જોડાયાના એકાદ મહિના પછી એકવાર બંને કેનાલે પહોંચ્યા ત્યારે તેમને પદ્મા જેવો જ એક મૂર્ખ છોકરો મળ્યો હતો. એ તેમની ઉમરનો જ હતો. એ પણ કેનાલમાં માછલા પકડવા કુદ્યો હતો.

          વિરાટ અને પદ્માએ તેને બચાવ્યો. તેનું નામ અંગદ હતું. એ હરમાનનો દીકરો હતો. હરમાન વેપારીના મેળામાં અંગ કસરતના કરતબ કરતો. ઊંચે બાંધેલી દોરી પર વાંસ લઈને ચાલતી વખતે પડી ગયો અને તેનો પગ ભાગી ગયો એ પછી તેના ઘરમાં ત્રણ ચાર દિવસમાં અનાજ ખૂટી ગયું અને અંગદ પાસે પાણીમાં કુદવા સિવાય કોઈ રસ્તો બચ્યો નહોતો.

          થોડાક દિવસોમાં અંગદ પદ્મા અને વિરાટનો મિત્ર બની ગયો. વિરાટને એ છોકરો વિશ્વાસપાત્ર લાગ્યો અને તેમણે અંગદને એ રહસ્ય કહ્યું જે બહુ ઓછા લોકો જ જાણતા હતા.

          “અમે જ્ઞાનના પુસ્તકોને વાંચી શકીએ છીએ.”

          વિરાટે અંગદને કહ્યું પણ તેને વિશ્વાસ ન થયો. એ બંને સાંજે અંગદને ગુરુકુળ લઈ ગયા અને પુસ્તકો બતાવ્યા. એ પુસ્તકો જોઈને નિશબ્દ બની ગયો. અંગદ પણ તેમની સાથે ગુરુકુળના ગુપ્ત શિષ્ય તરીકે જોડાઈ ગયો. ગુરુકુળમાં સો કરતાં પણ વધારે ગુપ્ત શિષ્યો હતા જે લખતા વાંચતાં શિખતા હતા. 

          વિરાટ ધીમેધીમે ગુરુકુળ અને જ્ઞાનના પુસ્તકો તરફ વધુ આકર્ષાવા લાગ્યો હતો. પદ્મા અને અંગદ તરવામાં પાવરધા બની ગયા છે અને પાણી હવે તેમના માટે જોખમ નથી એ એને ખાતરી થતા વિરાટે કેનાલ જવાનું બંધ કરી દીધું.

          પદ્મા અને અંગદ નિયમિત કેનાલ જતાં. તેમની દોસ્તી ભાગીદારી બની ગઈ કેમકે પદ્માને તેની બીમાર મા અને અંગદને તેના અપાહિજ પિતાની સેવા કરવાની હતી.

          વિરાટ મોટાભાગનો સમય ગુરુકુળમાં ગુરુ જગમાલ અને જ્ઞાનના પુસ્તકો સાથે ગાળતો પણ આજે એ વર્ષો પછી કેનાલ આવ્યો હતો. માછલા પકડવા નહીં પણ તેમને અલવિદા કહેવા. પદ્મા ચિંતિત હતી. એ દીવાલની પેલી તરફ જતો હતો. દીવાલની પેલી તરફ એવી જગ્યા હતી જે પદ્માને ગમતી દરેક વ્યક્તિને તેનાથી છીનવી લેતી હતી. પદ્માને એ જ ભય હતો કે કદાચ વિરાટ પણ ત્રિલોક જેમ દીવાલની પેલી તરફથી પાછો ન આવ્યો તો?

          વિરાટે પદ્માને ક્યારેય નહોતું કહ્યું કે એ તેને ચાહે છે. ન તો પદ્માએ તેને કહ્યું કે એ તેને ચાહે છે પણ એનાથી શું ફરક પડે? પદ્મા વિચારતી કિ મેં મારી માને પણ ક્યારેય નથી કહ્યું કે હું તને ચાહું છું છતાં હું તેને ચાહું જ છું ને. આ દુનિયામાં સૌથી મોટી મુશ્કેલી જ એ છે કે તમે જેને પ્રેમ કરો છો તેને કહી નથી શકતા કે તમે એને પ્રેમ કરો છો. જોકે એકબીજાને કહ્યા વિના પણ એ લાગણી એક હ્રદયથી બીજા હ્રદય સુધી પહોંચી જાય છે.   

          અલબત્ત પદમાને એની ફિકર નહોતી. એણે ક્યારેય વિરાટને પામવાની ઝંખના નહોતી રાખી. એ જાણતી હતી કે વિરાટ અવતાર છે, તેની નિયતિમાં મહાન કાર્યો કરવાનું લખેલું છે અને પોતે એક સમાન્ય શૂન્ય છોકરી છે. તેને વિરાટે હ્રદયથી પ્રેમ કર્યો એ જ તેના માટે ગર્વની વાત હતી. એને ફિકર હ્હોય તો એ હતી વિરાટના હૃદયમાં ઘર કરી ગયેલી નફરતની. એને દીવાલની પેલી તરફ વસતા લોકોથી નફરત હતી. એ દેવતાઓને તેમના અન્યાયી કાનૂન, નિર્ભય સિપાહીઓને તેમની નિર્દયતા અને ખુદ કારુને તેના અન્યાયી શાસન માટે નફરત કરતો. પદ્માને એ જ ભય સતાવતો કે કદાચ એ તેની નફરતને દીવાલની પેલી તરફ ગયા પછી છુપાવી ન શક્યો તો?

          અત્યારે વિરાટને અલવિદા કહીને કેનાલ પાસે ઊભી પદ્માના કાળજામાં એ જ ફફડાટ હતો. વિરાટે એકવાર પણ પાછળ ફરીને ન જોયું. એ પદ્માને રડતી ન જોઈ શકતો એટલે જ તેણે પાછું ફરીને ન જોયું. અરે, પદ્માને જે કેમ એ તો દીવાલની આ તરફ કોઈની પણ આંખમાં આંસુ ન જોઈ શકતો. વિરાટને શૂન્ય લોકો પ્રત્યે અપાર સ્નેહ હતો. તેનો એ સ્નેહ જ દીવાલની પેલી તરફના લોકો માટે પારાવાર ધિક્કારનું કારણ બન્યો હતો.

          પદ્મા તેને દુખી કરવા નહોતી ઇચ્છતી એટલે જ તેણે આંસુ રોકી રાખ્યા હતા પણ જેવો એ દૂર ગયો તેની છાતીમાં ભેગો થયેલો ડૂમો ડૂસકારૂપે બહાર આવ્યો અને એ રેતમાં ફસડાઈ પડી અને ધ્રુસકે ધ્રુસકે રડવા લાગી. તેનો આસુ પર ક્યારેય કાબૂ નહોતો. જ્યારે પણ તેને ત્રિલોકની યાદ આવતી એ છાને છાને રડતી પણ આજના આસુ તેને વધુ કડવા લાગ્યા. એ આસુ અને ઝેરમાં તેને કોઈ ફરક ન લાગ્યો.

ક્રમશ: