Saubhagyavati in Gujarati Detective stories by SUNIL ANJARIA books and stories PDF | સૌભાગ્યવતી

Featured Books
  • રેડ સુરત - 6

    વનિતા વિશ્રામ   “રાજકોટનો મેળો” એવા ટાઇટલ સાથે મોટું હોર્ડીં...

  • નારદ પુરાણ - ભાગ 61

    સનત્કુમાર બોલ્યા, “પ્રણવ (ૐ), હૃદય (નમ: ) વિષ્ણુ શબ્દ તથા સુ...

  • લગ્ન ને હું!

    'મમ્મી હું કોઈની સાથે પણ લગ્ન કરવાના મૂડમાં નથી, મેં નક્...

  • સોલમેટસ - 10

    આરવને પોલીસ સ્ટેશન જવા માટે ફોન આવે છે. બધા વિચારો ખંખેરી અન...

  • It's a Boy

    સખત રડવાનાં અવાજ સાથે આંખ ખુલી.અરે! આ તો મારો જ રડવા નો અવાજ...

Categories
Share

સૌભાગ્યવતી

"તમે જ શ્રીમતી ફડીયા?" ઇન્સ્પેક્ટર મારી સામે આશ્ચર્યથી જોતા પૂછી રહ્યા.

કોર્ટ ચાલુ હતી. મારા પતિ જીગર ફડીયાના ખૂનનો કેસ ચાલી રહ્યો હતો. મારી જુબાની લેવાતી હતી.

"હા. હું જ શ્રીમતી ફડીયા. તમે પોલીસ સ્ટેશન બોલાવી હતી ને? મારા પતિ જીગર ફડીયાની લાશની ઓળખ માટે!" મેં કહ્યું.

ઇન્સ્પેક્ટર અને લેડી પી.એસ.આઈ. મારી સામે જોઈ રહ્યાં. કઈંક ન સમજાતું હોય, કઈંક ન માનવામાં આવતું હોય તેવા ભાવો તેમની આંખોમાંથી ડોકાતા હતા.

"આ તમારો પહેરવેશ.. આ સેંથાનું સિંદૂર અને આ બંગડીઓ.." અત્યંત ધીમેથી, અચકાતાં લેડી પી.એસ.આઈ. એ પૂછ્યું.

"મારા વિધવા થવા અને મારા બાહ્ય દેખાવ વચ્ચે હું સંબંધ નથી જોતી. જે છે તે મારા અંતરમાં છે. બીજાને હું રાંડી રાંડ છું એ જાહેરાત કરી હું મુશ્કેલીમાં મુકાવા નથી માંગતી." મેં કહ્યું. આમેય, હું ગમે તેવી ફરું, it was none of their business.


"..તો આપ નામદારને હું મારું બ્યાન કહું છું. સંપૂર્ણ સત્ય."


થોડું શાંતિથી બેસી, મેં આગળ ચલાવ્યું.

"તે દિવસે હું પોલીસ સ્ટેશનમાં ગઈ. મારા પતિ જીગર ફડીયાએ અપાવેલ પિસ્તા ગ્રીન સાડી, હાથે લીલી બંગડી, છુટા વાળમાં. કોઈને પણ નજર નાખવાનું મન થાય તેવી સૌભાગ્યવતી સ્ત્રીના લેબાશમાં. મારી સામે જોઈ ઇન્સ્પેક્ટરે મને લાશ ઓળખવા અંદર મોકલી અને સાથે એક લેડી કોન્સ્ટેબલ અને લેડી પી.એસ.આઈ. કદાચ હું લાશ જોઈ ભાંગી પડું તો.

મેં લાશ ઓળખી. એ ટુકડાઓ શબઘરમાંથી એક પોટલાંમાં ભરી લાવવામાં આવેલા. મારા પતિ જીગર ફડીયાના શરીરના. લાશને મારીને, હાથ, પગ, ધડ, માથું દરેકના એ ચોવીસ કલાક ધમધમતા રાષ્ટ્રીય રાજમાર્ગ પર એક પ્લાસ્ટિક બેગમાં ભરી ફેંકી દેવાયેલા. કઈં કેટલીયે કાર અને ટ્રક તેની સાથે અથડાઈ હશે, તેની ઉપરથી ચાલી હશે. કોઈને આ કોથળો અથડાતાં અંદર કઈંક નક્કર વસ્તુઓ હોય તેવું લાગતાં કાર ઉભી રાખી પોલીસને જાણ કરી હતી. તેના ખિસ્સામાંથી મળેલ લાયસન્સ અને ક્રેડિટકાર્ડ પરથી ઓળખ થયેલી. તેનું શર્ટ, પેન્ટ અને વાળ ભરેલો હાથ તથા વિકૃત થઈ ગયો હોવા છતાં ચહેરો એ હું તો ઓળખું જ ને! લાંબા સમય સુધી તે પડખું સેવેલું."

"ખુનકેસમાં અમને કેટલાક સગડ મળ્યા છે. તમને શક કોના ઉપર છે?" મને પૂછાયું.

"ગીરા મહેતા અને એના ફોન પૂરતા પતિ. મને બધી જ ખબર છે."

"હં, તો પછી? તે તમે કઈ રીતે ખાત્રીથી કહી શકો?" પબ્લિક પ્રોસિક્યુટરે મને પૂછ્યું.

"હું લાશ ઓળખી ઘેર ગઈ અને પોલીસે તપાસ આગળ ચલાવી. લાશ સાથે મળેલ પાન અને આધાર કાર્ડ મારા પતિ જીગરનાં જ હતાં. બુટ અને તે દિવસે પહેરેલાં શર્ટના અવશેષો પણ. લાશ વિકૃત બની ગયેલી."


મેં મનમાં કહ્યું, આસપાસની સ્ત્રીઓ આશ્વાસન આપવા આવી અને મને સહેજ પણ વિચલિત થયા વગરની જોઈ આશ્ચર્ય પામી. મને નવાઈ નથી લાગતી. એ જ લાગનો હતો જીગર. અને એની એજ ગતિ થવાની હતી. I have no regrets of loosing him.


"કેમ?

મને પરણ્યાને બાર વર્ષ થયાં. બધે જ હોય છે (કે હશે) તેમ પહેલાં બે વર્ષ અમારું ગુટરગુ ચાલ્યા કર્યું. જેમ રોજ જમવામાં જીગરને નવી વાનગીઓ જોઈએ તેમ રોજ રાત્રે હું નવી ડીશ હોઉં તેમ નવી નવી રીતે મને ભોગવે. જીગરને એકધારી જિંદગી પસંદ ન હતી અને બધામાં કાંઇક ને કાંઈક વિવિધતા જોઈતી. અરેબિયન નાઇટ્સની પેલી બેગમની જેમ રોજ નવી વાર્તા કહીને નહીં તો નવા સાંજ શણગારો કરી, નવી રીતે … કરી હું જીગરને ખુશ રાખવા પુરા પ્રયત્ન કરતી.

આખરે એ તો વિવિધતાનો આગ્રહી! એક વાર મેં તેને કોઈ અજાણી ફ્રેન્ડને બર્થડે કેક મોકલતો જોયેલો. એ બે ની ફ્રેન્ડશીપ હતી. ચાલો ફેસબુક ફ્રેન્ડશીપ હોયતો શું બગડ્યું? પણ એ પેલીને મળતો, ખાનગીમાં. મને મારી એક કોલેજ ફ્રેન્ડે કહેલું. પેલી સાથે એમ જ બ્રેકઅપ થઈ ગયું હશે. હવે થોડો વખત મારો વારો ફરીથી આવ્યો. ઝગડો થયો પણ એક પાંચ વર્ષનો બાબો હોઈ હું ચૂપ રહી.

એ પછી એ ફેઈક ફેસબુક પ્રોફાઈલો બનાવી અનેકને મળતો, પોતાને મોટો બીઝી બિઝનેસમેન બતાવતો. કોણ જાણે એની તીતલીઓ સાથે રંગરેલીયાં મનાવવાના પૈસા ક્યાંથી કાઢતો હશે. એક પાસેથી માંગી બીજી.પાછળ વાપરવા.

પેલીઓને પોતે સ્ટાઇલ મારતો જાણે લવનો ટુકડો ફેંકી ઉપકાર કરે છે અને તે મોટા બિઝનેસમેનની મેડમ બની જશે એ વિચારે એ બધી એને માટે પૈસા કાઢતી હશે પણ ખરી. ઇન્વેસ્ટમેન્ટ. મને ખબર છે એ સસ્તી એટલે કે મેં તો ક્યારેય ન જોઈ હોય તેવી હોટેલમાં ને એક બે વાર રિસોર્ટમાં પેલીઓને લઈ જઈ, ભોગવી, પૈસા પડાવી છુ થઈ જતો. ઘરનો સાચો અતો પતો આપ્યો હોય તો રેલો મારા સુધી આવે ને?

તો પણ વગર જાસૂસી કર્યે મને બધી ખબર તો પડતી જ.

આમને આમ બીજી એક બેબી આવી જે ત્રણ વર્ષની થઈ અને બાબો હવે આઠ વર્ષનો.

એ ક્યાંકથી સેકંડહેન્ડ મોંઘો ડ્રેસ ખરીદતો ને મોટી બકરી મારવી હોય ત્યારે ભાડે સુધ્ધાં અપટડેટ ડ્રેસ લાવતો. એને જો મારાં ને મારાં છોકરાંનાં મોંઘાં કપડાં ન પોષાય તો પોતાનાં તો એમ જ વ્યવસ્થા કરે ને?

એવી જ રીતે એ સંપર્કમાં આવ્યો ગીરા મહેતાના. ટીંડર નામની ડેટિંગ એપ્લિકેશન દ્વારા.

ગીરા દેખાવડી તો હતી જ, એકદમ સુંદર પ્રોફાઈલ પિક્ચર મૂકી પોતાને અપરિણીત અને સ્માર્ટ યુવતી બતાવેલી.

જીગર તો સાવ સામાન્ય ધંધો, કરિયાણાની દુકાનનો કરતો હતો. પરંતુ અગાઉ કહ્યું તેમ પોતાને મોટો બિઝનેસમેન ચિતરતો. કંપનીના ગેઇટ પાસે સૂટ બુટ ટાઈ માં ફોટા, મિટિંગોમાં પોતે વચ્ચે ઉભો હોય તેવા ફોટા, અરે એક બે તો ડાયસ પરથી મિટિંગ સંબોધતો હોય તેવા ફોટા. એક સગલી કદાચ કોમ્પ્યુટર ઓપરેટર હતી તેની પાસેથી ફોટોશોપ પણ શીખેલો.

ગીરાએ પોતાને એકદમ ઉચ્ચ ખાનદાનની સ્માર્ટ, લગ્નોત્સુક યુવતી બતાવેલી. એ પૈસા પડાવવા બકરાઓ શોધતી. જીગર મોટો હાઈ ફાઈ બકરો મળ્યો છે એમ સમજી તેની સાથે છૂટથી રંગરેલીયાં મનાવતી. જીગર તો આવીને ફસાવી ભોગવી અને બ્લેકમેઇલથી પૈસા પડાવવામાં ઉસ્તાદ હતો.

અહીં બન્ને અરસ પરસ 'શિકારી ખુદ યહાં શિકાર હો ગયા' હતાં. "


હાસ્યની છોળો. કોર્ટનો 'ઓર્ડર..ઓર્ડર' અવાજ.


"ગીરા એમ સમજતી હતી કે જીગર મોટો બિઝનેસમેન છે અને જીગર ગીરાને કોઈ વૈભવી ઘરની અપરિણીત, ભોગવી પૈસા પડાવવા લાયક યુવતી સમજતો હતો.

એમાં એક દિવસ જીગરે પોતે ફસાઈ ગયો હોવાનું મને કહી ગીરા અને એના સાગરીત વિશે પેટ છૂટી વાત કહી.


ગીરા સાવ ગિરેલી જ હતી. એ એક્ઝિક્યુટિવ અને હાઈ પ્રોફાઈલ પુરુષોના એસ્કોર્ટ તરીકે જાહેરાત મુક્તી. પેલો નંબર આપે એટલે પોતાનો જ અલગ અલગ લેબાશ અને મેકઅપમાં ફોટો મૂકી પૈસા અમુક સર્વિસીઝ ના પોતે ખોલેલા ખાતાંમાં અમુક એડવાન્સ જમા કરવા કહેતી. પૈસા આવે એટલે અમુક સ્થળે પોતે મળશે એમ કહેતી. પછી નંબર સ્વિચ ઓફ. નવું કાર્ડ, નવો નંબર. આ રીતે તે એક પોતાને ખાનગી સરકારી જાસૂસ કહેતા, આંજી દે તેવા પુરુષ હિતાર્થના સંપર્કમાં આવી. એ નામ પણ બોગસ અને પોતાનું પણ ખોટું નામ. બન્ને બંટી બબલીએ મોટો બકરો મારવાનું નક્કી કર્યું. તેમણે જીગર, જેણે પોતે જીગર ફડીયા ને બદલે જતીન મેવાડા નામે મોટો ધનિક ઉદ્યોગપતિ છે એમ ઠોકે રાખેલું તે સાચું માની જીગર સાથે સંપર્ક વધાર્યે રાખ્યો. કહેવાતો હિતાર્થ બેકગ્રાઉન્ડમાં રહી પેલી ગીરાને તેની નજીક મોકલતો રહ્યો. કહેવાતા જતીન મેવાડા એ પોતાની નવી ઉભી થતી ફેક્ટરીમાં હિતાર્થને પાર્ટનર અને ગીરાને પી. આર. ઓ. સાથે ડાયરેક્ટર બનાવવાનું પ્રીમિસ આપી એ નાટક લાબું ચલાવ્યે રાખ્યું.

સરકારમાંથી જલ્દી લાયસન્સ, લેન્ડ ક્લિયરન્સ વગેરે મેળવવા સાહેબોનાં ગજવાં ગરમ કરવાં પડશે કહી 10 લાખ ઉછીના માગ્યા. ભવિષ્યનું રોકાણ માની ગીરા, હિતાર્થએ એક લાખ આપ્યા. જીગરને તો જલસો પડી ગયો. મારા માટે પણ હીરાની બુટ્ટી અને મોંઘી દાટ સાડીઓ તો આવી.

ગીરાને જીગરના ઉદ્યોગપતિ હોવા વિશે શંકા તો ગઈ. જીગરે કોઈ થઈ રહેલી ફેક્ટરીની સાઇટ તેમની સાથે મને પણ લઈ જઈ બતાવી.મને કહેલું કે એ બે તેના હોલસેલ ડીલર ના માણસો છે અને પોતે એક ગોડાઉન એ જગ્યાએ તેમની ભાગીદારીમાં ઉભું કરે છે.


એક વખત કદાચ પુરી સલામતી સાથે જીગરને માણી ગીરાએ જીગર પાસે પૈસા માગ્યા. પેલા એક લાખ તો બે દિવસમાં જ આપવા કહ્યું. જીગર પાસે ક્યાં કશું હતું?

તેઓએ જીગર ફડીયા ઉર્ફે જતીન મેવાડાને એક દરિયાકાંઠે આવેલા રિસોર્ટમાં બોલાવ્યો.

જીગર કઈં પણ કહે તે પહેલાં બ્લેકમેઇલ કરવા દાવ નાખ્યો. ખાસ્સા વીસ લાખ રૂપિયાનો. જીગર પાસે વીસ હજાર તો જરૂર હતા. લાખ.. જો બીજી ચાર પાંચ ચીડિયાં મળી ગઈ હોત તો એ પણ કરી લેત. અહીં વ્યવસ્થા ન થઈ.

મને તો જીગર દુકાન માટે માલ લેવા નજીકના શહેરમાં જાય છે અને મોડું થશે તેમ કહેલું.

કયો 'માલ' તેની મને થોડી ઘણી ખબર હતી. રોજનું હતું આ.

"મેડમ, તમે અદાલતમાં યોગ્ય શબ્દોનો જ પ્રયોગ કરો.'

"સોરી. મી લોર્ડ, ધ્યાન રાખીશ. તો ગુમ પતિને રાત્રે બાર વાગે મેં ફોન કર્યો જે સ્વીચઓફ આવ્યો. સવારે 3, 6,7 વાગ્યે ફોન કર્યા એ બધા સ્વીચઓફ. મને કઈંક અમંગળ થશે તેમ લાગ્યું.

9 વાગ્યે ગીરાનો જ ફોન આવ્યો કે મારો પતિ પોલીસના જાપતા માં છે, તેની ઉપર પોતાને બળાત્કાર કરવાનો આરોપ છે. રૂ. વીસ લાખની વ્યવસ્થા તાત્કાલિક કરવી.

મારી પાસે વીસ રૂ. પણ ન હોય. મેં કહ્યું કે તમે ક્યાં છો તે કહો, આવા નરાધમ પતિને શિક્ષા અપાવવા પોલીસ સ્ટેશને હું જ આવું છું.

ફરી પુરુષ અવાજમાં ફોન આવ્યો કે જીગર ફડીયાએ જતીન મેવાડા બની છેતરપિંડી કરી છે, તેણે એક સ્ત્રી પર બળાત્કાર કર્યો છે. સંકેલો કરવો હોય તો પાંચ લાખ તો આપવા જ પડશે, તે પણ સાંજના ચાર સુધીમાં.

હવે મેં જીગરને ફોન કર્યો તે તેણે ઉપાડ્યો. તેના એટીએમ માંથી 25000 ઉપાડી તેની ચેકબુક લઈ..

ફોન કટ.

મેં ચેકબુક ગોતી. તેની સહી વાળો ચેક એક જ મળ્યો. બેંક દોડી. પણ તેના ખાતામાં પેલા એટીએમથી ઉપાડવા પણ 18000 જ હતા. એણે તે બે ને આવી ક્ષણોમાં પણ ગુમરાહ કરવા પ્રયત્ન કરેલો.

મેં સાચે જ આપને ત્યાં, પોલીસમાં ફરિયાદ કરી. પતિ ગુમ થવાની અને કદાચ અહરણની. ખુનની તો મને આશંકા જ ન હતી.

રસ્તામાં હતી ત્યાં વળી ફોન આવ્યો.


ફરી કોઈ બીજી સગલી, 'શ્રીમતી જતીન મેવાડા'નો ફોન હતો.

તેને જતીન એટલે જીગરે પોતાની હાઇફાઈ પત્ની તરીકે રજૂ કરી હશે. તેણે કહ્યું કે કોઈ ગીરા અને હિતાર્થ પાંચ લાખ તેની પાસે માંગે છે.તેની સાથે પણ જતીન ઉર્ફે જીગરે નૃપેશ કામદાર, સીઈઓ, અમુક કંપની તરીકે પોતાને જણાવી શારીરિક સંબંધ બાંધેલો અને તેની પત્ની તરીકે નાટક કરે તો કંપનીમાં ઊંચા પદે નોકરીની લાલચ આપેલી. કોઈ સાથે તેણે તે સ્ત્રીનો ઇન્ટરવ્યૂ પણ લીધેલો, એક હોટેલમાં. સિલેક્ટ થયા બદલ બોન્ડના 50હજાર જોઈશે, પોતે 30 હજાર હાલ કાઢશે, 'તું તો મારી જ છો ને, આજે નહીં તો કાલે' કહી 20 હજાર તેના બાપ પાસેથી રોકડ લીધેલા. જે તે માંગતી હતી ત્યાં તેના 'પતિ' માટે પૈસા માંગતો ફોન તેને ગયો. એ નંબર સાચો કેમ આપ્યો હશે? બહુ ભોળી.

મેં તેના પર આવેલા ફોનનો નંબર લીધો અને ફોન કર્યો.

સામેથી અવાજ. "ભોટ સમજો છો અમને? આ લુખ્ખા પાસે કઈં જ નથી. ગમે તેમ કરી પાંચ લાખ આપો નહીં તો તમારો પતિ રાત નહીં જુએ."

એ લોકોને જીગર પાસેથી કશું જ મળ્યું નહીં અને મારી આપ પોલીસને ફરિયાદ પરથી ફોન ટ્રેક થયો.

આપનો આભાર સાહેબ, કે તુરત એક્શન લીધું."

"મી લોર્ડ, અમરે તુરંત દોડવું જ પડે તેમ હતું. એ જીગર ઉર્ફે બહુનામી શખ્સ સામે અમને ઘણી ફરિયાદો મળેલી. લગ્નના વચનની, વિશ્વાસઘાતની, અને પૈસા ઓળવી જવાની. અમે એને ગોતતા હતા ત્યાં આ બહેને અમને એની ફરિયાદ કરી.


હા. મી લોર્ડ, જીગર ઉર્ફે જતીન પાસેથી કઈં પણ મળ્યું નહીં અને પોલીસ પાછળ પડી એના ગભરાટમાં તેમણે જતીન ઉર્ફે જીગર સાથે ઝપાઝપી કરી હશે. જીગરનું લોકેશન ટ્રેસ કરી , અમે પહોંચ્યા તે પહેલાં ખૂન કરી લાશના ટુકડા કરી સફેદ બેગમાં હાઇવે પર ફેંકી દીધી હતી. એ વખતે જીગરે પણ છરી ચલાવી હતી જે શાક સમારવા વપરાતી હોય તેવી હતી એટલે હિતાર્થને કઈં થયું નહીં. જીગરને તેઓએ જેનાથી ગૂંગળાવી મારેલો તે પ્લાસ્ટિક બેગ, ઉપર લોહીની ઉલ્ટી ના ડાઘા જે ફોરેન્સિક રિપોર્ટમાં જીગરના જ છે, ઝપાઝપીમાં ફાટેલ ગીરાનાં વસ્ત્રો, તૂટલી લેડીઝ ચપ્પલ, લાશ કાપી તે કુહાડી નજીકના પબ્લિક પાર્કના ક્યારામાંથી અને એ પુરાવાઓ આપ નામદારને રાજુ કરેલ છે."



"નામદાર, તો આ મારી, જીગરની કમભાગી સૌભાગ્યવતીની કેફિયત છે. સારું થયું ખૂનના 24 કલાક પહેલાં મેં ફરિયાદ નોંધાવેલી. નહીતો કદાચ મારી ઉપર જ ખુનનો આરોપ આવત.

હું કોર્ટમાં પણ આ જ કહું છું., જે સત્ય છે એ જ કહ્યું અને સત્ય સિવાય કશું નથી કહ્યું.."

અને સૌભાગ્યવતી સ્ત્રીના પહેરવેશમાં જ હું કઠેડામાંથી ઉતરી. મને જે મારો રહ્યો જ ન હતો એ પતિનું સૌભાગ્ય નંદવાયાનું શું દુઃખ હોય?

કાયદાના હાથ ખૂની, લાલચુ અને છેતરપિંડી કરનારને ઝાલી લે એ જ મારે તો જોવાનું. જીગરને તર્પણ કરવું હોય તો એ જ તર્પણ.

-સુનીલ અંજારીયા