મેરેજ કાઉન્સેલરની ઓફિસમાં ટેબલના બે છેડે બે વ્યક્તિ બેઠા હતા. તે બન્નેનું આમ બે અલગ અલગ છેડે બેસવું જ એ બતાવી રહ્યું હતું કે એ બંનેના મન કેટલા અલગ થઈ ગયા છે. એકજ ઓફિસમાં એકજ ટેબલ પર બેઠા હોવાછતાં એકબીજાને એક નજર જોવા શુધ્ધા રાજી નથી એવા આ રોમા અને રાહુલ એક સમયે એકબીજા વિના રહેવા તૈયાર નહોતા. જે આજે સાથે રહેવા તૈયાર નથી.
જી હાં રાહુલ અને રોમા એકજ ઓફિસમાં સાથે કામ કરતા હતા. અને બંને એકજ ડિપાર્ટમેન્ટમાં હતા. એટલે ઓફિસ સમયમાં મોટાભાગે આખો દિવસ સાથે જ હોય. બંને હસમુખા સ્વભાવના હોવાના લીધે. ક્યારે એકબીજાની આટલા નજીક આવી ગયા તેનો એમને અંદાજ જ નહોતો રહ્યો. જોત જોતામાં તો આ પ્રેમ કહાનીની ખબર અત્તરની જેમ આખી ઓફિસમાં ફેલાઈ ગઈ હતી.
આખી ઓફિસ એ બન્નેને લવ બર્ડનાં નામે બોલાવવા લાગી હતી. બંને આખો દિવસ ઓફિસમાં સાથે કામ કરતા અને પછી થિયેટર, પાર્ક કે રેસ્ટોરન્ટમાં સાથે સમય વિતાવતા. જાણે એકબીજાના ગળાડૂબ પ્રેમમાં હોય તેમ એકબીજાને પોત પોતાના પ્રેમનો અહેસાસ કરાવતા. બંનેને એકબીજાની સારી ખોટી બધીજ આદતો વાતોથી જાણે કોઇજ ફેર પડતો નહોતો.
આ બધુજ જાણીને સમજીને બન્ને એકબીજાને ખૂબ પ્રેમ કરતા હતા. થોડો સમય જતાં બંનેએ લગ્ન કરવાનો નિર્ણય લીધો. અને પરિવાર, મિત્ર વર્તુળ બધાની હાજરીમાં ખૂબ ધામધૂમથી એમના પ્રેમ લગ્ન કરવામાં આવ્યા. બંનેની ખુશીનો પાર નહોતો. લગ્નનું એક વરસ તો જાણે ઉમંગ ઉત્સાહ સાથે સ્વર્ગના સુખ સમો આનંદ સમાતો નહોતો બંનેમાં. હંમેશા એકબીજાની કાળજી રાખતા, એકબીજાને પ્રેમ કરતા સમય પસાર થવા લાગ્યો.
જેમ જેમ સાથે રહેતા ગયા તેમ તેમ એકબીજાની જે બાબતોને અવગણતા હતા તે જ બાબતો હવે ગણનામાં આવવા લાગી. જે ખામી પહેલા પણ હતી જ તે હવે નજરમાં આવવા લાગી. એકબીજાની ના ગમતી વાતો હવે નોંધ થવા લાગી. જે લાગણીમાં આપણું હતું તે હવે વહેંચાતા તારી અને મારી થવા લાગી. તારી આ બાબત, કે મારી આ વાત. હવે આ બધું બોલાવા લાગ્યું. ધીરે ધીરે જે બાબતો ગમતી હતી. તે અણગમામાં પરિવર્તિત થવા લાગી. એ અણગમો ક્યારે એ બંનેની વચ્ચે પગ પેસારો કરી ગયો તેનો ખ્યાલ બંનેમાંથી એક ને પણ નાં આવ્યો.
ધીરે ધીરે જ્યાં પહેલા મીઠી નોકઝોક થયા કરતી હતી. તે હવે તકરાર અને પછી ઝઘડાનું સ્વરૂપ ધારણ કરવા લાગી. વાતે વાતે મ્હેણાં આક્ષેપો સામસામે થવા લાગ્યા. લવ મેરેજનો લવ તો ક્યાંય હવામાં ઉડીને ફંગોળાઈ ગયો હતો. અને મેરેજના તો ધજાગરા ઉડાવી ચૂક્યા હતા. એક સમય એવો આવ્યો બંનેના જીવનમાં કે તેઓ એકબીજાને એટલા અપ્રિય થવા લાગ્યા કે એક સાથે તો શું એક છત નીચે પણ રહેવું જાણે ત્રાસ લાગવા લાગ્યું હતું.
જીવનમાં આટલું બધું થઈ રહ્યું હતું પણ કોને ફરિયાદ કરે. કે કોનો વાંક કાઢે. કેમકે પ્રેમ એ બન્ને એ કરેલો. પ્રેમમાં લગ્ન કરવાનો નિર્ણય પણ તેમનો પોતાનો હતો. માં બાપ કે મિત્ર વર્તુળમાં એક હદથી વધુ તો કહી નાં શકે. ક્યાં જાય, કોને ફરિયાદ કરે. જાણે બંનેના મનમાં એક જ સવાલ આવી રહ્યો હતો કે શું કામ પ્રેમ કર્યો. કે શું કામ પ્રેમ લગ્ન કર્યા?
આજે મમ્મી પપ્પાના પસંદગીથી લગ્ન કર્યા હોત તો કદાચ આવું ન થાત કે કદાચ દોષનો ટોપલો એમની ઉપર ઢોળી દેવાત. એમને છડે છોક મદદ માટે કહી તો શકાત. મન ભરીને ફરિયાદ કરી તો શકાત. આવા નાં જાણે કેટલાય વિચારો એમના મનમાં આવી જતાં હતાં. અને આ બાબત ખુબજ સામાન્ય છે જે આવી પરિસ્થિતિમાંથી પસાર થઈ રહેલા એ દરેક યુગલના મનમાં આવતા હોય છે.
આજે રોમા અને રાહુલ આ બોજરૂપ લાગતા અણગમતા લવ મેરેજના બંધનમાંથી આઝાદ થવાની રાહ જોતા આ ઓફિસમાં બેઠા છે.
🌺નીતુ જોષી "નીજ"🌺