believe in Gujarati Short Stories by Jyoti Mevada books and stories PDF | માનતા

Featured Books
  • વરદાન કે અભિશાપ - ભાગ 40

    વરદાન કે અભિશાપ (ભાગ-૪૦)                 (રાતના અઢી વાગ્યે પ...

  • ઈર્ષા

      ईर्ष्यी घृणी न संतुष्टः क्रोधनो त्याशङ्कितः।  परभाग्योपजीव...

  • ફરે તે ફરફરે - 61

    ફરે તે ફરફરે - ૬૧   જુના જમાનાના લેખકો સવારનુ વર્ણન કરત...

  • રાય કરણ ઘેલો - ભાગ 10

    ૧૦ મહારાણીની પ્રેરણા   કાંધલે જે કહ્યું તે સાંભળીને કરણ...

  • ઇડરિયો ગઢ

    ઇડરિયો ગઢવર્ષોથી મનમાં તમન્ના હતી અને એક ગૂજરાતી ફિલ્મ પણ વા...

Categories
Share

માનતા

"આ વર્ષે આપણી માનતા પૂરી થઈ જશે. મારો બીજો કોન્ટ્રાક્ટ પૂરો થવા આવ્યો છે, કાલે સિત્તેર હજારનો ચેક આવી જશે એટલે અષાઢી બીજના માતાજીના મંદિરે જઈને માનતા પૂરી કરી આવશું." સુરેશભાઈએ પત્ની દયાબહેનને જાણકારી આપી.

"જો આ વર્ષે માનતા પૂરી થઈ જાય, તો માતાજીની મહેરબાની. પછી તમે એક સાથે બે-બે સાઈટ ના કરતા." દયાબહેન બોલ્યા.

દયાબહેન અને સુરેશભાઈ આ બંન્ને- દંપતિએ પાંચ વર્ષ પહેલા, પોતાના આઠ વર્ષના બીમાર દિકરાને સાજો કરવા માટે ખુબ ઉપાયો કર્યા હતા. ઘણાં ડૉક્ટરોએ પોતપોતાના અંદાજા લગાવીને ઈલાજ કર્યા, પણ કોઈ ફાયદો ન થયો. ડોક્ટરે જે કહ્યાં એ રિપોર્ટ્સ પણ કરાવ્યા, પણ ન તો કોઈ બિમારી પકડમાં આવતી કે ન કોઈ દવાની સરખી અસર દેખાતી. વળી, આર્થિક સ્થિતિ પણ એટલી સધ્ધર ન્હોતી કે મોટી-મોટી હોસ્પિટલના લાંબા બિલ ચૂકવી શકે. જે પણ આશા હતી એ શહેરની જ નાની હોસ્પિટલ અને નાના ડૉક્ટરો પાસેથી જ હતી.

દરેક માની જેમ દયાબહેને પણ જ્યારે દવા કામ ન આવી, ત્યારે દુવાનો સહારો લીધો. કોઈકે કહ્યું કે, દવા પણ ચાલુ રાખો અને જોડે દુર્ગા ભવાની માની બાધા રાખો. શહેરના જ પ્રખ્યાત એવા દુર્ગા ભવાની મંદિરે રોજે-રોજ માનવ મહેરામણ ઉભરાતું. કેટલાય લોકો અહીં જુદી-જુદી બાધાઓ રાખીને, મનોકામના પૂરી થાય એટલે માતાજીના દર્શન કરીને બાધા-માનતા છોડી જતા. હવે તો આ મંદિરની ખ્યાતિ એટલી વધી હતી કે, આસપાસના શહેર અને ગામડાંના લોકો પણ અહીં દર્શને આવતા. દયાબહેન અને સુરેશભાઈ પણ સહપરિવાર કેટલીયવાર આ મંદિરે આવી ચૂક્યા હતા. પણ, માતાજી પાસે ક્યારેય કંઈ કામના ન્હોતી કરી. આજે કોઈકે કહ્યું એટલે દયાબહેનને પણ દિકરા માટે માનતા રાખવાની ઈચ્છા થઈ આવી. પતિ-પત્ની બંન્ને બિમાર દિકરાને લઈને દુર્ગા ભવાની માતાના મંદિરે આવ્યા.

માતાજી સમક્ષ દિકરાના સ્વાસ્થ્ય માટે પ્રાર્થના કરી રહેલા દયાબહેનની નજર, પોતાની માનતા પૂરી કરવા આવેલા બીજા એક દંપતિ પર પડી; જે માતાજીને સોનાનું છત્તર અર્પણ કરી રહ્યાં હતાં. પછી, અનાયાસે જ એમની નજર માતાજીની મૂર્તિની ઉપર એક મોટા સુવર્ણ છત્તરની સાથે લગાવેલા અનેક નાના-મોટા સોના-ચાંદીના છત્તર પર પડી. એ જ સમયે દયાબહેનને ખબર નહીં શું સૂજ્યું કે, પોતાની આર્થિક સ્થિતીનો વિચાર કર્યા વિના માતાજીને સવા તોલા સોનાનું છત્તર ચડાવવાની માનતા માની બેઠા.

કન્સ્ટ્રક્શનની નાની-મોટી સાઈટ રાખીને સુપરવિઝન કરતા સુરેશભાઈ પર આ મોંઘવારીમાં ઘરખર્ચનો, બાળકોના અભ્યાસનો અને બિમાર દિકરાના ઉપચારનો ભાર હતો, જેટલી આવક થતી એ તો આમાં જ વપરાઈ જતી; બચત જેવી કોઈ ખાસ મૂડી એમના હાથમાં હતી જ નહીં. આવામાં સવા તોલાના છત્તર માટે અન્ય કોઈ રસ્તો શોધવો જ રહ્યો. પોતાની માનતાને કારણે પતિ પર વધુ બોજો ન પડે, એટલે દયાબહેને પોતે કમાવાનો વિચાર કર્યો. તપાસ કરતાં એમના લાયક- રાત્રિના સાતથી અગિયાર સુધી એક હોટલમાં રોટલી વણવાનું કામ મળી પણ ગયું. સમય પણ એમને અનુકૂળ થાય એમ જ હતો. પણ સુરેશભાઈએ એમ કહીને ઈન્કાર કર્યો કે, "દિકરો તારી એકલીનો નથી, મારો પણ છે. આમેય એની ચિંતામાં તું અડધી તો થઈ ગઈ છે. હવે આવા કામ કરીને શરીરને વધારે દુઃખી કરવા કરતા, ઘરે રહીને દિકરાની ચાકરી કર અને માતાજીને પ્રાર્થના કર કે મને સારી સાઈટ મળી જાય."

ટૂંકા જ ગાળામાં માતાજીની માનતા અને એક અનુભવી-દયાળુ ડૉક્ટરની મહેનત ફળી, અને માત્ર ત્રણ મહિનાના દવાઓના કોર્ષથી એમના દિકરાની તબિયત એકદમ બરાબર થઈ ગઈ. એ માટે એમને દવા સિવાયનો કોઈ જાતનો ખર્ચ પણ ન કરવો પડ્યો. પણ, માનતા હજી બાકી હતી. દિકરો સાજો થયો અને સુરેશભાઈના માથેથી એક ચિંતા હળવી થઈ, એટલે એમણે એક સાથે બે સાઈટ રાખવાનું નક્કી કર્યું. નાની-નાની સાઈટમાં વધુ કંઈ મળતું નહીં, પણ થોડા-ઘણાં કરીને જે થાય એ બચત કરતા રહેતા.

એવામાં કોરોનાકાળનો કપરો સમય આવ્યો અને સુરેશભાઈનો ધંધો બે-અઢી વર્ષ માટે ઠપ્પ થઈ ગયો. એ સમયે છત્તર માટે બેંકમાં ભેગા કરેલા રુપિયામાંથી ઘરનો ખર્ચો કાઢવો પડ્યો. ધંધો ફરીથી ચાલુ થાય એ પહેલા તો બધી જ બચત તળિયા ઝાટક થઈ ગઈ. લોકડાઉન ખતમ થયું એટલે ધંધો તો ચાલુ થયો, પણ સુરેશભાઈને મીંડેથી જ શરુઆત કરવાનો વારો આવી ગયો. માંડ-માંડ એક નાની સાઈટ મળી અને ઈશ્વરની કૃપા સમજીને એમણે રાખી લીધી, મોટી સાઈટ મળવાની તો આશા જ ન્હોતી. આમ ને આમ સાડા ચાર વર્ષ વિતી ગયા, પણ સવા તોલાના છત્તરનો મેળ ન પડ્યો તે ન જ પડ્યો..!

છેવટે, માતાજીની મ્હેર થઈ અને એમને નાની સાઈટની સાથોસાથ બીજી એક મોટી સાઈટ પણ મળી ગઈ. કામ થોડી ઉતાવળે પૂરું કરવાનું હતું, પણ સુરેશભાઈએ હાર ન માની. સતત ખડેપગે રહીને નક્કી કરેલા સમયમાં કામ પૂરું કરી આપ્યું. અને બદલામાં આજે એ સિત્તેર હજારનો ચેક લઈ આવ્યા. ઘરે આવતા જ માતાજીનું નામ લઈને એ ચેક દયાબહેનના હાથમાં આપ્યો.

દયાબહેન એ ચેક ઘરના નાનકડાં મંદિરમાં મૂકીને, સુરેશભાઈ માટે પાણીનો ગ્લાસ લઈ આવ્યા. માનતા પૂરી થાય એટલી આવક થઈ હતી, દયાબહેનને તો ખુશ થવું જોઈએ; પણ એ તો ચિંતિત દેખાઈ રહ્યા હતા. સુરેશભાઈએ એમને ઉદાસીનું કારણ પૂછ્યું.

દયાબહેને કહ્યું, "શાકવાળી લતા આવી હતી આજે. હું ચા બનાવતી હતી, તો મેં એને પણ ચા પીવા રોકી લીધી. પછી વાતમાં વાતમાં એણે કહ્યું કે એના આઠ વર્ષના દિકરાને અનાજની નળીનું ઓપરેશન કરવું પડે એમ છે. હમણાં હમણાંથી બહુ હેરાન થાય છે, ખાઈ પણ નથી શકતો અને ક્યારેક શ્વાસ લેવામાં પણ તકલીફ થાય છે. ઓપરેશનનો સાઈઠ હજાર જેટલો ખર્ચ આવવાની શક્યતા છે. ડૉક્ટરે કહ્યું છે કે નાનું ઓપરેશન છે, બહુ ખતરો નથી કોઈ જાતનો, પણ એ બિચારી તો એટલો ખર્ચો સાંભળીને જ હેબતાઈ ગઈ. કહેતી હતી કે એનો ઘરવાળો પણ બહુ દારુ પીતો હતો એટલે એને ઘરમાંથી કાઢી મૂક્યો છે. છોકરાની આટલી તકલીફ પણ નથી જોવાતી અને પૈસા પણ નથી, બહુ રડતી હતી બિચારી."

આ વાત જાણીને સુરેશભાઈના મનમાં પણ કંઈક સળવળ્યું. એમણે ત્યારે તો કંઈ ન કહ્યું, પણ બીજા દિવસે સવારે એ ચેક લઈને બેન્કમાં જતી વખતે એમનું મન સહેજ ભારે હતું. થોડો વિચાર કરીને એમણે દયાબહેનને કહ્યું, "આપણે માનતા પૂરી કરવામાં આટલું મોડું કર્યું જ છે, તો થોડું વધારે..! આ રુપિયાથી લતાના દિકરાનું ઓપરેશન આરામથી થઈ જશે. આખરે, છત્તર પણ આપણે દિકરા માટે જ માન્યું હતું ને? જો એ રુપિયામાંથી કોઈકના દિકરાને સારું થતું હોય તો પહેલા એ જ કરાય."

"બિલકુલ સાચી વાત છે તમારી, લતાની વાત સાંભળ્યા પછી આટલા રુપિયાનું છત્તર ચડાવી દેવામાં મને પણ બહુ સંકોચ થતો હતો. એનો દિકરો પણ આપણા દિકરા જેવો જ હશે ને..!" દયાબહેને પણ સહમતિ બતાવી.

"ઠીક છે, તો લતા આવે ત્યારે એને કહેજે કે પૈસાની ચિંતા ના કરે. હું આજે જ આ ચેક ભરી દઈશ અને બે-ત્રણ દિવસમાં રોકડા આવી જશે મારી પાસે."

"અને સાંભળો.., સોનાના બદલે ચાંદીનું છત્તર ચડાવીને માનતા પૂરી કરી દઈએ તો? માતાજી તો શ્રદ્ધા જુએ છે, કિંમત નહીં..! અને આપણે ક્યાં એ રુપિયા ખોટી જગ્યાએ વાપરવા છે..! જો આમ કરશું તો, માનતા પણ થઈ જશે અને લતાના દિકરાનું ઓપરેશન પણ થઈ જશે." દયાબહેને સંકોચ સાથે પોતાની વાત રાખી.

"ઠીક છે." કહેતા સુરેશભાઈ ચેક લઈને બેન્કમાં પહોંચી ગયા. ચેક જમા કરાવીને એ સીધા સોનીની દુકાને ગયા અને સવા તોલા સોનાનું છત્તર બતાવવાનું કહ્યું. છત્તર જોઈને, કોઈ સાંભળી ન જાય એમ હળવેકથી એમણે સોનીને પૂછ્યું, "આટલા જ વજનના ચાંદીના છત્તર પર સોનાનો ઢોળ ચડાવી આપશો?"

"શું..?" સોનીએ જાણે કંઈ સાંભળ્યું જ ન હોય એમ સુરેશભાઈને પોતાના શબ્દો બદલવાનો મોકો આપીને, અણગમાથી એમની સામે જોયું.

"એમાં એવું છે ને, મારે દુર્ગા ભવાની મંદિરે સવા તોલા સોનાનું છત્તર ચડાવવાની માનતા હતી." એમ કહીને સુરેશભાઈએ સંકોચ સાથે સોનીને સઘળી વાત કહી સંભળાવી.

સાવ સામાન્ય વર્ગના દેખાતા સુરેશભાઈને, સોનીએ ફરીથી ઉપરથી નીચે સુધી જોઈ લીધા. સોનીના હૈયામાં એમના માટે અહોભાવ જન્મો. થોડીવાર પહેલા અણગમાથી એમને જોઈ રહેલા સોનીએ એમને આશ્વાસન આપતા કહ્યું, "તમે ચિંતા ના કરો. તમને જોઈએ છે એવું જ, એટલા જ વજનનું છત્તર હું બનાવી આપીશ, ક્યારે જોઈએ છે એ બોલો."

"અષાઢી બીજના દિવસે સવારે આવીશ. દુકાન ખુલ્લી હશે ને?" સુરેશભાઈએ ચોકસાઈ કરી.

"હા..હા.., બિલકુલ.."

સુરેશભાઈ દુકાનની બહાર ગયા એટલે સોનીએ પોતાના માણસને સવા તોલા સોનાનું એક છત્તર બતાવતા કહ્યું, "અષાઢી બીજના દિવસે આ માણસ છત્તર લેવા આવે અને હું હાજર ન હોઉં, તો આ છત્તર આપીને પંદરસો રુપિયા લઈ લેજે."

શેઠ પાંસઠ હજારના છત્તરના પંદરસો રુપિયા લેવાનું કહી રહ્યા હતા, એટલે એમની કોઈ ભૂલ થતી હશે; એમ વિચારીને માણસે કહ્યું, "પણ, શેઠ આ તો...! એમણે તો..." માણસની વાત પૂરી થતા પહેલા જ સોનીએ એને અટકાવ્યો.

"જો એ સામાન્ય માણસ આટલી માણસાઈ દેખાડી શકતો હોય, તો આપણે તો બંગલા બાંધીને બેઠાં છીએ. અને આ છત્તરથી વધુ સોનું તો, આટલા વર્ષોમાં આપણા કચરામાં ચાલ્યું ગયું હશે. એ માણસે આટલા વર્ષોની પોતાની માનતા પૂરી કરવાના બદલે કોઈકનો ઈલાજ કરાવવાનું યોગ્ય સમજ્યું. સામે આપણે પણ એટલી માનવતા તો દેખાડી શકીએ ને, કે એની સવા તોલા સોનાનું છત્તર ચડાવવાની માનતા પણ થઈ જાય અને એના આત્મસન્માનને ઠેસ પણ ન પહોંચે?" સોનીએ પ્રેમથી પોતાના માણસને સમજાવ્યો.

*****

અષાઢી બીજના દિવસે વહેલી સવારે સુરેશભાઈ, સોનીની દુકાને આવ્યા. સોની હજી તો દિવાબત્તી જ કરી રહ્યા હતા, અને માણસ સાફ-સફાઈ કરી રહ્યો હતો. સોનીએ બે મિનિટ રાહ જોવાનો ઈશારો કર્યો એટલે સુરેશભાઈ ખુરશીમાં બેઠા.

દિવાબત્તી કરીને સોનીએ એ જ છત્તર સુરેશભાઈને એક પાકીટમાં મૂકીને આપ્યું, જે એમણે પોતાના માણસને આપવા માટે કહ્યું હતું. સુરેશભાઈએ પાકીટ હાથમાં લઈને હળવેકથી પૂછ્યું, "મેં કહ્યું હતું, એમ જ કર્યું છે ને..?"

"અરે, હા.. હા.., તમે બિલકુલ ફિકર ના કરો. અને તમે જે કામ કર્યું છે ને, એના માટે તો તમે અભિનંદનને પાત્ર છો. આ જમાનામાં આટલી માણસાઈ કોનામાં હોય..! હોઈ શકે કે, માતાજીએ આ પરિસ્થિતિ ઊભી કરીને તમારી પરીક્ષા કરી હોય. સાચુ કહું તો, માતાજીને હજારોના નહીં; પણ લાખોના છત્તર ચડે છે. પણ, જે છત્તર આજે તમે ચડાવશો ને, એનાથી કિંમતી બીજુ કોઈ છત્તર આજ સુધી નહીં ચડ્યું હોય. કારણ કે, આ છત્તરમાં માનવતાના અત્તરની મહેક આવી રહી છે..! તમે જરાય સંકોચ ન રાખશો કે તમે માતાજી સાથે ખોટુ કરી રહ્યા છો. તમારી શ્રદ્ધા સાચી હશે તો આ છત્તર સવા તોલા સોનાનું થઈ જશે. અરે, હું તો કહું છું કે આ છત્તર સવા કિલો સોનાનું છે..!" સોનીએ સંકુચિત સુરેશભાઈને પોતાના તરફથી શક્ય એટલો આત્મવિશ્વાસ પાઠવવાની કોશિશ કરી.

એમની વાત સુરેશભાઈના ગળે ઉતરી પણ ખરી. એમણે પણ સ્વીકાર્યું કે પોતે જે કંઈ કરી રહ્યા છે, એમાં કશું જ ખોટુ નથી. "કેટલા થયા..?" એમણે સોનીને પૂછ્યું.

"પંદરસો." સોનીએ પ્રેમથી કહ્યું. સુરેશભાઈએ ખિસ્સામાંથી પંદરસો એક રુપિયા કાઢીને સોનીને આપતા કહ્યું, "આજે તહેવારનો દિવસ છે. આજે મારી માનતા પણ પૂરી થશે અને એ દિકરાનું ઓપરેશન પણ થશે. મને ઉતાવળ હતી, એટલે તમારી સારી બોણી થાય એની રાહ ન જોઈ શક્યો. પણ, આ બોણીના શુકનનો રુપિયો."

સોનીએ જગન્નાથ ભગવાન અને દુર્ગા ભવાની માના સાક્ષાત આશીર્વાદ સમજીને રુપિયાનો એ સિક્કો પ્રેમથી સ્વીકાર્યો, અને આંખે અડાડીને મંદિરમાં મૂકી દીધો. એ જોઈને સુરેશભાઈને ખુબ સંતોષ થયો. અજાણતાં જ આજે એ, સાચે જ સવા તોલા સોનાનું છત્તર માત્ર પંદરસો એક રુપિયામાં લઈ જઈને માતાજીને ચડાવવા પહોંચી ગયા.

આ તરફ સોનીનો માણસ પોતાની નજર સામે બે-બે માનવતાની મુર્તીઓને જોઈને ગદગદ્ થઈ રહ્યો.

-સમાપ્ત- 🌹

(છત્તર = છત્ર)